Saturday, July 28, 2012

અરજી

એક અરજી

નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું, પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું, રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી...

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા "કેદાર" મારી...

સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના
સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા
સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને
સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં
પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ
જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની
ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે
કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને
કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ
કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરી તારો ભક્ત બનીને ફરીને માનવ અવતાર
મળે એજ અભ્યર્થના.

રચયિતા
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim.blogspot.com

રચના

રચના

પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા, શોભા સઘડી તમારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

દીન "કેદાર" ના દીન દયાળુ, અનહદ કરુણા તમારી
ભાવ થકી સદા ભૂધર ભજું હું, રાખજો એવી મતી મારી...

સાર-માનવી કોઈ પણ મોટું સંશોધન કરે ત્યારે તે પ્રખ્યાત બની જાય છે, જેમ
કે આજના જીવન જરૂરી વીજળી, ટેલિફોન, મોબાઈલ,પેટ્રોલ/ડીઝલના વાહનો, હવાઈ
જહાજો, સમુદ્રી જહાજો અને કોમ્પ્યુટર જેવી અનેક ચીજો, અને એના સંશોધકને
જાણે અજાણે નમન કરવા પડેછે. પણ આજનો માનવી ઈશ્વરની રચના ને કેટલી હદે યાદ
રાખે છે? જે સહજ મળે છે તેનું મહત્વ હંમેશાં ઓછું આંકવામાં આવેછે. આંખની
કિંમત આંધળાને પુછો,પગ ની કિંમત પાંગળા ને પૂછો, માનવીએ કરેલી આવી શોધ
માનવ જાત માટે વરદાન છેજ, પણ એમાં કુદરત નો કરિશ્મા તો ભળેલોજ હોય છે.
વાહન માટે જરૂરી ઈંધણ ક્યાંથી આવે છે? મશીનો માટે જોઇતા પદાર્થો દ્રવ્યો
અને આજે સેંકડોની સંખ્યા માં માનવ અને સર સામાન ભરીને ઊડતા હવાઈ જહાજોને
ઊડતા રાખતી હવા કોણ આપેછે? હજારો ટન માલ સામાન ભરીને સમુદ્રમાં વિહરતા
જહાજો માટે સમુદ્રમાં પાણી કોણે ભર્યું છે? અને તેથી આ બધું સંશોધન એક
રીતે તો ઈશ્વરે બનાવેલા એક એક પુરજા ને જોડીને કરેલી એસેમ્બલી જેવું
લાગેછે. જોકે આ પણ કંઈ સામાન્ય વાત નથીજ. અને એ સમજ,સૂજ કોણે આપી? પણ
ઈશ્વરે આપેલી ભેટ ને યાદ ન રાખીને કરાતી વાહ વાહ મારા મતે યોગ્ય નથીજ.
અને એની રચના યાદ તો કરો? કેવી અકલ્પનીય છે?
આજના વિદ્વાનો પૃથ્વી પરથી કુદીને અવકાશમાં લટાર મારવા લાગ્યા છે, પણ આ
પૃથ્વી અને બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર,ગ્રહો,નક્ષત્રો કોણે બનાવ્યા? અને
પાછા કેવાં અલૌકિક સૌંદર્ય સભર?
ઉન્મુખ ઊભેલો આપણો હિમાલય, જેની અનેક શૃંખલા જાણે કૈલાસ પર બિરાજમાન
શિવના ચરણોને સ્પર્શ કરતી હોય, અને મહા સાગર કે જેનો પાર આજપણ માનવી પામી
શક્યો નથી, તે જાણે વિષ્ણુ ભગવાન ના પગ પખાળીને હિલોળે ચડતો હોય એવું
લાગે છે.
કણે કણ અને પત્થર ની અંદર પણ પ્રભુએ જીવન આપ્યું છે, તો હાથી જેવા મહાકાય
જીવ ને જોઇતું પોષણ આપ્યું, જલચર અને સ્થલચર જીવો બનાવીને આ સૃષ્ટિ ને
કિલકારી કરતી બનાવી દીધી, પણ આ બધી રચના ને જોવા અને માણવા માટે ભાવ ભરી
નજર જોઈંએ, નહીંતો એનું સાચું દર્શન નથાય.
આવી અલૌકિક ભેટ આપવા બદલ આપણે ઈશ્વરનો જેટલો ઉપકાર માનીએ તે ઓછો છે. બસ
એના ભજન દ્વારા આપણે એના ગુણ ગાન કરતાં રહીએ
રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Tuesday, July 24, 2012

માનવ દેહ

માનવ દેહ

માનવ કેરો દેહ મળ્યો છે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...

બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરુ, ભગવાન ને જાણ્યો નહી
પછી આવી યુવાની, થઈ ને દીવાની, મદ થકી મળવા તને...

મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઈ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...

થઈ જ્યારે ઉમર તારી, થયો નિવૃત તું તન થી
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઈશ કેરી, ભૂલી ગયો ભગવાન ને...

અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી
સમજી શક્યો નહી સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
"કેદાર" પારખ કોક નીકળે, જાણી લે જે જગ તાત ને...


સાર-સંતો, મહંતો, શાસ્ત્રો અને વેદો પણ કહે છે કે જીવ ચોરાસી લાખ યોની
માં ભટકતો ભટકતો, અનેક કષ્ટો ભોગવતો ભોગવતો જ્યારે ભગવાન ને અનેક રીતે
રિઝાવે છે, મનાવે અને પ્રાર્થનાઓ કરે છે, ત્યારે પ્રભુ દયા કરીને આ દેવો
ને પણ દુર્લભ માનવ દેહ આપે છે. સંતો, મહંતો અને યોગીઓ પોતાના તપ ના બળે
પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન મેળવીને આ ઘટના ચક્રની વાતો જાણી લે છે, અને
બીજાને પણ જણાવીને યોગ્ય જીવન જીવવાનું માર્ગ દર્શન આપે છે. અને માનવીને
મોક્ષ મેળવવા શું શું પ્રયત્નો કરવા તે બતાવતા રહે છે, જો માનવી એ
ઉપદોશોનું પાલન કરે અને પ્રભુને ભાવ સહિત ભજતો રહે તો જરૂર મોક્ષ પામે
છે. પણ ઘણા મહા માનવો નરસિંહ મહેતાની જેમ "હરિના જન તો મુક્તિ ન માંગે,
માંગે જનમો જનમ અવતાર રે.." ની રાહે ફરી ફરી જન્મો માંગીને હરી ભક્તિ
કરવાની નેમ રાખતા હોય છે. માનવ દેહ એટલાં માટે દુર્લભ છે કે ફક્ત આ દેહ
માંજ વિચારવાની શક્તિ, વાણી, અને અનેક કર્મો કરવાની આવડત મળે છે. જેમાં
સારા કે ખરાબ કોઈ પણ કર્મો કરી શકાય છે. આ દેહ થકી સ્વર્ગ પણ મેળવી શકાય
છે, અને નરક પણ મેળવી શકાય છે. મોક્ષ પણ મેળવી શકાય છે, અને પાછો ચોરાસી
નો ફેરો પણ મેળવી શકાય છે. માટે સંતો, મહંતોએ આપેલા જ્ઞાન નો લાભ લઈને
મોહજાળમાં પડ્યા વિના મુક્તિના માર્ગે ચાલવું.
બચપણમાં મા બાપની માયા લાગે, પછી ભણતરથી જ્ઞાન મેળવવાનો સમય આવે, ત્યાર
બાદ યૌવન અને લગ્ન, અને માયાના બંધન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાનો
સમય ન રહે.
પછી કામ ધંધો, માન મર્તબો, નોકર ચાકર, ગાડી બંગલા માં જીવ એવો અટવાઈ જાય
કે ભક્તિ કરવાનું યાદ પણ ન રહે અને સમય પણ ન રહે, હા ક્યારેક સમાજમાં
દેખાવ કરવા ખાતર અને પોતાને મોટા ભક્ત બતાવવા માટે હોમ હવન અને યજ્ઞનો
દેખાવ કરીને પ્રદર્શન કરવા પડે.
ત્યાર બાદ ઉમર થતાં શરીર થોડું ઘસાય, કમજોરી આવે, નજર નબળી પડે ત્યારે
નોકરી ધંધામાંથી તો નિર્વૃતિ લઈલે, પણ મના તો સદાય માયાને વળગેલુંજ રહે,
માયાપતી યાદ ન આવે.
આવો રૂળો અમૂલ્ય અવસર ઈશ્વર આપે પણ તેની જાણ જીવને ત્યારે પડે છે, જ્યારે
વૃદ્ધાવસ્થા આવે, બિમાર પડે, યમના દૂતો નજર સામે દેખાવા લાગે, શ્વાસની
શરણાઈ વાગવા લાગે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી આ સમજણ નકામી
નીવડે છે. પણ એવા પણ જીવાત્મા આ જગતમાં જન્મે છે કે જે જન્મથીજ ગર્ભમાં
ઈશ્વરને આપેલા કોલ ને યાદ કરીને પોતે તો તરીજાય છે, બીજાને પણ તારતો જાય
છે.
ઈશ્વર આ સમજ સર્વે જીવ માત્રને આપે એજ અભ્યર્થના સહ.
જય શ્રી રમ.
રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Monday, July 23, 2012

નર નારાયણ

નર નારાયણ

નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

૧' એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

૨, બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે, ઘટ ઘટ દર્શન હોવે..

૩, તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર, સંત શિરોમણી હોવે...

૪, કામ ક્રોધ મદ છોડ દે બંદા, ક્યું માયા વશ હોવે
દીન "કેદાર" હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...


સાર- ૧,- વાલિયો લુટારો, લૂંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ
મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પૂછ્યું કે તું જે આ કર્મો તારા
પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં
ભાગીદાર ન હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો
બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મીકિ મુનિ
બનીને રામાયણ જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
૨, સુરદાસજી વિષે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી
જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભૂત સૂત્રો દ્વારા સાંભળવા
મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઈ સારા કર્મો ના આધારે તેને
વલ્લભાચાર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત
એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની
પાછળ પાછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ
આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાખી
અને કૃષ્ણ ભજન માં લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઈને તેમને
માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલો જ માર્ગ બતાવે છે,
તેથી મન માં મનમાં હંસતા અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે
બધી જ ખબર છે કે આ લાલો કોણ છે. હૂંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં
છું."
સુરદાસજી એ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાં જ તેમની
જીવન યાત્રા સમાપ્ત થઈ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરા કર્યા. સુરદાસજી
પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં "
સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઈ સંત ના મુખથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા
નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખતે એક જંગલ માં થી પસાર થતા હતા ત્યારે કોઈ
એ બૂમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઈ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો
પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઈ ને એક બાજુ
જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઈ ગયો ત્યારે તુલસીદાસજી એ પૂછ્યું કે આપના
જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે
સુરદાસજીએ કહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ
મારો લાલો તો હજુ નાનો છે એને તો મારેજ સાંચવવો પડે. આવી છે સંતો ની
વાતો.
૩, તુલસીદાસજી ને પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં
પિયર ગયેલી પત્ની ને મળવા એક મુડદા ને લાકડું સમજી ને નદી પાર કરી, પણ
પત્ની એ ટકોર કરી કે જેટલી મરા પર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો
પાર થઈ જાત, બસ આ એક જ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મીકિ ની જેમ સરળ
શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને
અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વાલ્મીકિ મુનિ ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઈ શકે, તો
કોઈ એ આનો આધાર લઈ ને કોઈ કાર્ય ન કરવું.

Sunday, July 22, 2012

એટલું માંગી લવ

એટલું માંગી લવ

વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંગી લવ
હરિનું બનાવેલું હોય મજાનું, એને સમજી લવ...

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લવ
પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લવ
દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લવ...

દીન "કેદાર" ની એક જ અરજી, તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લવ....

સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ
સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે
પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.
મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની
ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે
શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ
આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને.
નરસી મહેતાએ ગાયું છે કે "હરીના જનતો મુક્તિ ન માંગે" મુક્તિ મળ્યા પછી
શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય
એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરી ભજન ની
અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક
પણ દિવસ હરી ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો
જીવન ધન્ય બનીજાય.
અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક
તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારાપર નજર
રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.
જય શ્રી રામ.

રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

શું માંગું ?

શું માંગું ?

હવે પ્રભુ શું માંગું કિરતાર જી. હરિ તેં તો આપ્યું અપરંપાર...

મહેર કરીને માનવ કુળ માં, આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી.
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન"કેદાર" જી.
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય
ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના
ભરણ પોષણ માટે અન્ન,જળ અને વાયુ આપ્યા, વળી અન્ન જળ અને વાયુ ના ઉત્પાદન
અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત
રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો?
વારે વારે સુનામી આવતી હોય તો? ના બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે
વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ
આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની
વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક
દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ
ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન
હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી
થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને
વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને
સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ?
કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે. એ વિરાટ પાસે મારા જેવા એક
પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન
શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના.

રચયીતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Saturday, July 21, 2012

રામાયણ પ્રસંગહરિ હૈયા ના હેત

હરિ હૈયા ના હેત
હરિ નું હૈયું હરખે ભરાયું
માંગો આજે મન મૂકી ને, ભરીદંવ ભક્ત નું ભાણું....

ચૌદ વરસ જેણે ચાખડી પૂજી ને, ચંદન ચોડી ચડાવ્યું
ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખાયું....

વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
રીંછ મરકટ પર રઘુવીર રીઝ્યાં, આપ્યું જે મુખથી મંગાયું...

વૈદેહી વાનર પર ત્રૂઠ્યાં, નવલું આપ્યું નજરાણું
કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાયું....

માળના મણકા મુખમાં મૂકીને, દાબ દઈ ને દબાવ્યું
મોતીડા તોડી કપિ રહ્યાં ખોળી, ક્યાં ઠાકોર નું ઠેકાણું...

માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
રામ વિના મને કશું ન ભાવે, કંચન કથીર જણાયું...

રોમ રોમ મારે રઘુવીર રમતાં, ઠાલું નથી ઠેકાણું
"કેદાર" કપિએ છાતી ફાડી તો, રઘુકુળ દિલ દરશાયું....

સાર:-લંકા વિજય કર્યા પછી શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો ત્યારે યુદ્ધમાં
મદદગાર થનારા દરેકે દરેક સાથીને રામ દરબારમાં સન્માનિત કરવામાં આવ્યા.
અને દરેકને મન ગમતા પારિતોષિકો માંગી લેવા શ્રી રામે કહ્યું.
ભરતજીએ ચૌદ વરસ ભગવાનની પાદુકા રાજગાદી પર ધરીને રાજ્યનો કારભાર
સંભાળ્યો, અને એક સંત જેવું જીવન ગુજાર્યું, પ્રભુએ તેને ભક્તિ પ્રદાન
કરી.
વિભીષણ ને લંકાનું રાજ્ય આપવામાં આવ્યું. અને અંગદ ને લંકાનો સેના નાયક
નિયુક્ત કર્યો. બધા રીંછ અને વાનરો ને જેણે જે માંગ્યું તે આપ્યું. પણ
હનુમાનજી મહારાજ શાંત ચિત્તે ઊભા હતા.
સીતા માતા ને હનુમાનજી પર પ્રેમ ઉભરાયો અને પોતાના કંઠમાં પહેરેલી અતિ
મૂલ્યવાન માળા ભેટ આપી. હનુમાનજી ખુશ થઈ ગયા અને માતાની આપેલી ભેટ માં
જરૂર કંઈક વિષેસ હશે એમ સમજીને એક એક મણકાને ફેરવી ફેરવી ને જોવા લાગ્યા,
કંઈ નમળ્યું તો તોડી તોડીને જોવા લાગ્યા. પણ જ્યારે કોઈ જગ્યાએ રામજી ના
દર્શન ન થયા ત્યારે આશ્ચર્યથી માતા અને અન્ય સભાસદો સામે જોયું. પણ
સભાસદોના ચહેરા જોઈને સમજી ગયા કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. કોઈએ આપેલી
ભેટ આ રીતે તોડ ફોડ કરીએ તો આપનાર વ્યક્તિ નારાજ તો થાયજને? હનુમાનજીએ
તુર્તજ માતાજીની માફી માંગતાં કહ્યું કે મા, હુંતો વાનર છું, વિવેક
બુદ્ધિ મારામાં ક્યાંથી હોય? આપે આપેલી માળામાં મને મારો રામ ન દેખાણો,
અને રામ વિના ની કોઈ પણ વસ્તુ મને શા કામની? મારાતો રોમ રોમ માં રામ
વસેછે, મારા અંગમાં રામ વિનાની કોઈજ જગ્યા બાકી નથી, તેથી રામને શોધવા
માટે મેં માળા તોડીછે. માટે મને માફ કરજે.
જ્યારે હનુમાનજીએ પોતાના રોમે રોમે રામ વસતા હોવાનું કહ્યું ત્યારે
સભાસદો સંશય કરવા લાગ્યા કે શું અમારા મનમાં રામ નથી? ચતુર હનુમાનજી સમજી
ગયા કે મારે આ લોકોની શંકા દૂર કરવી પડશે, તેથી પોતાના નહોર વધારીને
પોતાની છાતીમાં ભરાવ્યા અને છાતી ફાડી અને તેમાં શ્રી રામ, સીતાજી અને
સમગ્ર રામ દરબારનાં દર્શન કરાવ્યા.
ધન્ય ધન્ય એ અંજની ના જાયાને.
kedarsinhjim@gmail.com

Monday, July 16, 2012

શબરી

રામાયણ પ્રસંગ શબરી

શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત ના પિછાણું
રાખી હૃદય રઘુનાથ ની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા..

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નાહીં મારે હવાલે
શા થી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા..

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શન ની આશ અમારી, ગુરુજન કેરાં વચન વિચાર્યા..

સૂણી અરજ અવિનાશી પધાર્યાં, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્ય સુધાર્યા..

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન "કેદાર" હરી અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યા..

સાર -રામાયણ ના દરેક પાત્રો માંહેનું અરણ્ય કાંડનું એક અનોખું પાત્ર એટલે
શબરી. શ્રી રામ સીતાજીની શોધ કરતાં હતાં ત્યારે વનમાં ફરતાં ફરતાં પંપા
સરોવરને કાંઠે પધાર્યા, ત્યાં તેમણે એક તૂટી ફૂટી ઝૂંપડી જોઇને તે તરફ
પ્રયાણ કર્યું, અને જોયું તો એક વૃદ્ધ કમજોર સ્ત્રી બેઠી હતી. ભગવાન શ્રી
રામ અને લક્ષ્મણને જોઈને એ વૃદ્ધા એકદમ બન્નેના પગમાં પડી ગઈ. શ્રી રામે
આદર સહિત પુચ્છું, શું આપ અમને ઓળખો છો? માં આપ અમને આપનો પરિચય આપશો?
ત્યારે એ વૃદ્ધાએ જવાબ આપ્યો કે પ્રભુ, મારું નામ શબરી છે, હું એક અધમ,
નીચ જાતિની અને મંદ બુદ્ધિની સ્ત્રી છું. મારા ગુરુ શ્રી મતંગજી જ્યારે
બીમાર પડ્યા ત્યારે તેણે મને વચન આપેલું કે એક દિવસ પ્રભુ રામ તારે ત્યાં
જરૂર પધારશે, મને મારા ગુરુ પર અપાર શ્રદ્ધા હતી કે એમણે આપેલું વચન
કદાપિ વ્યર્થ નજાય. પણ હા એ શંકા જરૂર હતી કે હું કોઈ જાતના મંત્ર કે
પૂજા જાણતી નથી, બસ ફક્ત રામ રામ રટણ કરું છું. બીજી એક અરજ પણ કરતી હતી
કે નાથ, હવે મારી કાયા વય ને કારણે મારા કાબુમાં રહેતી નથી, જો આપ
પધારવામાં વિલંબ કરશો તો હું આપની સેવા કઈ રીતે કરી શકીશ? અને એ પણ અરજ
કરતી હતી કે કદાચ શરીર ચાલતું હોય પણ જો આંખે દેખાતું બંધ થઈ જાય તો? તો
આપના દર્શન કેમ કરીશ, તેથી એમ પણ માંગતી કે નાથ મારા નયનો ની બારીને
ખુલ્લિ રાખજો, કારણ કે મને તમારા દર્શન ની આશા છે, આપ જરૂર પધારશો એ આશાએ
દરરોજ હું મારી ઝૂંપડી સાફ સુફ કરીને, તાજાં તાજાં ફળો ચાખી ચાખીને તૈયાર
રાખતી કે જેથી કોઈ ફળ ખરાબ કે કડવું નહોય. આજે આપ બન્નેને જોતાંજ મને
મારા ગુરૂજીના વચનો યાદ આવી ગયાં એટલેજ આપ બન્નેને જોતાંજ હું ઓળખીગઈ.
શબરીનો ભાવ જોઈને પ્રભુ અતી પ્રસન્ન થયાં, અને એનાં ચાખેલાં એઠાં ફળ પોતે
તો જમ્યા, પણ લક્ષ્મણને પણ આપીને કહ્યું ભાઇ આવા ભાવ રસ ભરેલાં ફળો કદાચ
બીજે નહીં મળે, માટે જેટલાં ખવાય તેટલાં ખાઈ લો.
ભગવાને શબરીની ભક્તિ કરવાની રીત ની અજાણતાં બાબત સમજાવતા કહ્યું કે, હે
શબરી, ભક્તિ નવ પ્રકારની હોય છે. ૧, સંત સામાગમ. ૨, હરિ કથા શ્રવણ. ૩,
ગુરુ ની સેવા. ૪, કપટ છોડીને પ્રભુ ગુણ ગાવા. ૫, મંત્રોની અંદર નિષ્ઠા
રાખવી. ૬, જે પણ પ્રવૃતી કરતાં હોય તે થોડી ઓછી કરીને ભજન કરવા. ૭, દરેક
જીવ માં હરિનો અંસ જોવો. ૮, જેટલું પણ મળે, ભલે સુખ હોય કે દુખ, ઈશ્વર ની
પ્રસાદી સમજી સંતોષથી સ્વીકારી લેવું. અને ૯, કોઇ પણ જાતનું છળ કે કપટ
મનમાં રાખવું નહીં. ભક્ત આ નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ એક પ્રકારે પણ જો
પ્રેમ સહિત ભજે, હું સદા તેને દર્શન આપવા તત્પર રહું છું. આમ કહી પ્રભુએ
તેને નવ પ્રકારની ભક્તિનો મહિમા સમજાવ્યો, અને કહ્યું, શબરી તારામાંતો
નવે નવ પ્રકારની ભક્તિ ભરેલી છે. આમ કોઈ પણ માનવ, કોઈ પણ પ્રકારે ભક્તિ
કરે તો પ્રભુ તેને પાર લગાવે છે.

Monday, July 9, 2012

રામાયણ પ્રસંગ સંત ભરત

રામાયણ પ્રસંગ સંત ભરત

જેણે મારી માયા ને લાતો, ભરતજી, શાને ન સંત કે'વાતો..

રાજ રઘુ નું અભરે ભરેલું, યુગ સુવર્ણ નો જાતો
ઇંદ્ર જેવા ને પણ ઈર્ષા આવે, વૈકુંઠ થાતી જેની વાતો..

સ્વર્ગ સમું સૌ સુખ સવાયું, દ્વેષ ન દ્વાર ડોકાતો
એવા અવધ ની ગાદી માટે જે, લેશ ન દિલ લલચાતો..

માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝૂંપડે વિતાવી રાતો
માતા માનુની મેવા ત્યાગી, વન ફળ વીણી વીણી ખાતો..

ચૌદ વરસ જેણે સાધુ બની ને, તોડ્યો જગ થી નાતો
પાદુકા કેરું પૂજન કરી ને, હૈયે અતિ હરખાતો..

ભક્ત ભરત થી મુનિ જન મોટાં, વેદ ની કરતાં વાતો
બ્રહ્માજી જેનો આદર કરતાં, "કેદાર" ગુણલા ગાતો..

સાર-મારા ગુરુ સમાન કવિ શ્રી "દાદ" શ્રી દાદુદાન ગઢવીએ લક્ષ્મણ પર એક
પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં લક્ષ્મણ વિષે એટલી છણાવટ કરી છે કે ઘડીભર
વિચારતા કરીદે કે, લક્ષ્મણ રામથી કોઈ પણ રીતે ઉતરતા જણાતા નથી એવું લાગે.
એક મહા ભક્ત, મહા સંત,ત્યાગી,સેવાભાવી.
અયોધ્યા એક એવું રાજ્ય હતું કે જેની જાહોજલાલી, ઐશ્વર્ય ની ચર્ચા ઇંદ્ર
સભામાં પણ થતી અને કદાચ ઇંદ્રને પણ તેની ઈર્ષા થતી હશે. અયોધ્યામાં રાગ
દ્વેષ જેવા કોઈ પણ ખરાબ પરીબળો ને પ્રવેશ મળતોજ નહીં. ફક્ત સુખ.સંપતી અને
ભક્તિનોજ વાસ રહેતો. એવા અવધ ની ગાદી ની લાલચ કોણ ન કરે? પણ ભરતજીએ
ફૂટબોલ ના દડાની જેમ એ લાલચ ને લાત મારી દીધી. એટલુંજ નહીં, મહેલોનો પણ
ત્યાગ કર્યો, સઘળા સુખ સાયબી, સાત્વિક ભોજન, અરે પત્ની ને પણ મહેલમાંજ
મૂકીને નગર બહાર ઝૂંપડી બાંધીને રહ્યા. બસ એકજ વિચાર, કે મારો રામ વનમાં
કષ્ટો ભોગવતો હોય, વન ફળ વીણી વીણી ને પેટ ભરતો હોય, ત્યારે હું મહેલોમાં
એશોઆરામ ન કરી શકું,
ભરતજી જ્યારે રામજીને મળવા અને પાછા ફરવાની વિનંતી કરવા ચિત્રકૂટ
પધારેલા, ત્યારે રામજીએ ખુબજ સમજાવેલા, પણ અંતે રામજીની પાદુકા સાથે
લાવેલા. તે પાદુકાને રાજ ગાદી પર પધરાવીને તેની પૂજા કરીને, ચૌદ વરસ સાધુ
જેવું જીવન વિતાવ્યું. એ દરમિયાન અનેક સંતો મહંતો અને ઋષિ મુનિઓ ભરતજી
પાસે સત્સંગ કરવા પધારતા. અને બ્રહ્માજી જેવા પણ જેનો આદર કરતા હોય
તેનાતો ગુણ ગાન કોણ ન ગાય?
જય શ્રી ભક્ત ભરતજી.

Sunday, July 1, 2012

સ્વાર્થ ની સગાઈ

સ્વાર્થ ની સગાઈ

સાખીઓ

સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે. સંબંધ છે શ્વાસ સાથે નો,
પછી ક્યાં યાદ રાખે છે

રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા. સમય જાતાં વિસારી દે, પછી ક્યાં
યાદ રાખે છે....

સ્વાર્થ તણી છે સગાઈ, જગત માં બધી.....
સ્વાર્થ ની સાસુ સ્વાર્થ ના સસરા, સ્વાર્થ તણી કોઈ કોઈ માઇ....

૧-પુત્ર કમાણી કરી ઘર લાવે તો, દીપક કુળ ગણાઈ
શરીર ઘટે કે રોગ સતાવે તો, બોજ બને ઘર માંઈ......

૨-માત પિતાની સેવા કરતો-કેમકે-, થઈ નથી ભાગ બટાઈ
વારસો મળતાં વસમા લાગે, હવે ડોસો ને ડોશી છે ગંધાઈ...

૩-હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઈ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ...

૪-પુત્રી કેરાં પાય પખાળે તો, વહાલો લાગે જમાઈ
જો સૂત નારી સંગે હસે તો, લાજ કુટુંબ ની લૂંટાઈ...

૫-દીન "કેદાર"પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઈ
સ્વાર્થ સઘળા મારા મનથી મટાડી, પ્રેમ થી લાગુ હરિ પાઇ....

સાર-આ જગતમાં મોટા ભાગે બધી સગાઈ સ્વાર્થ થીજ ભરેલી હોય એવું આપણને દેખાઈ
આવે છે. એ પણ ત્યાં સુધી કે કોઈ કોઈ જનેતા પણ સ્વાર્થ થી ભરેલી દેખાય છે.
સાસુને તો પોતાની પુત્રી પ્રત્યે સ્વાર્થ હોય, તે સહજ માનવ સ્વભાવ ગણાય.
પણ મા?
૧-પુત્ર ને સારી નોકરી કે ધંધો હોય, સારી આવક હોય, બધા માટે ભેટ સોગાદો
લાવતો હોય, તો તેના વખાણ કરવામાં કશી કમી રહેતી નથી. એજ પુત્ર ને સંજોગો
વસાત, કે કોઈ રોગ વસ નોકરી કે ધંધામાં આવક બંધ થાય, દેણું થવા લાગે કે
સારવાર નો ખર્ચ વધે તો તે ઘરમાં તો બોજ બનેજ, પણ આ હળાહળ કળિયુગમાં કોઈ
કોઈ માં પણ પુત્રને તરછોડવા લાગે છે.
૨-પૈસાપાત્ર ઘર હોય, મા બાપ પાસે સારો એવો ધન નો ભંડાર હોય, અને એથી પણ
વિશેષ કે મિલકત માં ભાઈઓનો ભાગ ન પડ્યો હોય,ત્યાં સુધી પુત્રો અતિશય
પ્રેમ થી માં બાપ ની સેવા કરે, પણ જેવો ભાગ પડી જાય, હિસ્સો વહેંચાય જાય,
પછી કોઈ મા બાપ ને સાંચવવા પણ તૈયાર થતા નથી.
૩-પતી પોતા માટે ઘરેણા ઘડાવી લાવે, સારી સારી ભેટ સોગાદો લાવે, કે પડ્યો
બાલ ઉઠાવતો હોય તો પત્ની અર્ધાંગની બની ને રહેછે. પણ ભાગ્ય વશ નાણાભીડ
આવે, માગણીઓ સંતોષી શકાય નહિ, તો પછી એજ પત્ની કર્કશા નારી બનીને ઘરને
નરક બનાવીદે છે.
૪-જમાઈ એવો મળ્યો હોય કે પોતાની પુત્રીના પડ્યા બોલ પાળતો હોય, સ્વાસ્થ્ય
બગડે તો સારવાર કરવામાં કોઈ કચાશ રાખતો ન હોય, તો આવા જમાઈ મળવા બદલ
ભગવાન નો પાળ માને છે.પણ જો આજ લક્ષણ પુત્રમાં દેખાય, તો પત્ની નો ગુલામ
ગણી ને ઉતારી પાડવામાં આવે છે.
૫-પણ હે પ્રભુ, આવી કોઈ પણ સ્વાર્થ ની ભાવના મારામાં ન આવે, નિઃસ્વાર્થ
ભાવે જગત ને જોઇ ને તારા ગુણગાન કરતો રહું એજ આશા રાખું છું.

Email:-kedarsinhjim@gmail.com
kedarsinhjim@ blogspot.com