Saturday, March 7, 2020

ભજન ની ભૂખ

                                        ભજન ની ભૂખ


ઢાળ-શું પૂછો છો મુજને કે હું શું કરું છું...જેવો
૨૭.૨.૨૦

ગાતા ગોવિંદ મારું હૈયું હરખાય છે, ભાવે ભજન કરું ધીર ના ધરાય છે....

દુનિયાદારી માં ડૂબી જીવન વિતાવ્યું, અવળાં ઉત્પાત કરી વ્યર્થ માં ગુમાવ્યું,  
અંત ને ઓવારે આવી સઘળું સમજાય છે...ભાવે...

રોમે રોમ માં ભાવ છે ભરેલો, ભક્તિ ભજન કરું જગ થી છું ડરેલો 
અવિરત આરાધ કરું, અવર ના ઉપાય છે.....ભાવે....

હરદમ હરી નામ જપું આશ એવી રાખું, પળ પળ પ્રભુને ભજું હરી રસ ને ચાખું
અંતર ઉમંગ આજે એવો ઊભરાય છે....ભાવે...

રામ ના નામની લગની છે લાગી, પ્રભુ ભજન ની મારી ભૂખ નથી ભાંગી
ભક્તિ ભજન કરતાં મનડું ક્યાં ધરાય છે.......

મળે મહેર સદા સાચા સંતો ની, રહે રહેમ ઘણી મોટા મહંતો ની
જ્ઞાની ગુરુ થી જીવન ધન્ય બની જાય છે....ભાવે...

ટિટોડી કેરા કેશવ ઈંડા ને ઉગાર્યા, જઈને નીંભાડે તમે બચ્ચાને બચાવ્યા
દાસ "કેદાર" ની આશ ના બુઝાય છે... ભાવે....

ભાવાર્થ:-હે ઈશ્વર, તારા નામનું રટણ કે ભજન કરવા બેસુ છું ત્યારે મારું મન ધરાતું નથી, બસ જાણે ગાયાજ કરું, ગાયાજ કરું એવું લાગે છે.
      આ સંસારના ફંદામાં પડીને જીવન તો વિતાવી દીધું, પણ હવે સમજાય છે કે એ તો બધું વ્યર્થ માંજ ગુમાવી દીધું છે. અને તેથી હવે એવું લાગે છે કે બસ શ્વાસે શ્વાસ માં તારા નામ નું રટણ કરતો રહું, બસ હવે તો તારા નામની એવી લગની લાગી છે કે ભજન ભજન અને બસ ભજન, અને આપના ભજન માટે મને સદા સાચા સંતો મહંતો ની કૃપા અને આશીર્વાદ મળતા રહે એટલીજ અભિલાષા છે.
      પ્રભુ, આપે મહાભારત ના યુદ્ધ વખતે ટિટોડી ના ઈંડાને રણ મેદાનમાં જોયા ત્યારે એક હાથીના ગળામાંથી મોટા ઘંટ ને તેના પર પડવા દીધો અને તેને બચાવ્યા, એક કુંભાર ના નીંભાડામાં બિલાડીએ બચ્ચાં આપેલા, જ્યારે નીંભાડામાં આગ લગાડવામાં આવી છતાં આપે બચ્ચાઓને બચાવી લીધા ત્યારે મને આશા છે કે આપ મારા કર્મો ને માફ કરીને મને પણ આપનો દાસ ગણીને માફ કરશો.  

Wednesday, February 5, 2020

ભજન ગંગા

                                          ભજન ગંગા

   ભગવાન શ્રી રામજી એ શબરી ને "નવધા ભક્તિ" વિષે સમજાવ્યું, એટલે કે ભક્તિ નવ પ્રકારે થઈ શકે છે, જેમાંનો એક પ્રકાર છે "ભજન". સામાન્ય લાગતી ભક્તિની આ રીત મારા માનવા પ્રમાણે ઘણીજ કઠિન છે. કથા, આખ્યાન, કે ભજન એકાંત માં કરવા ઘણાંજ અઘરા છે, ભક્ત શ્રી નરસી મહેતા કે મીરાંબાઈ જેવા બહુ ઓછા ભક્તો પોતાના આરાધ્ય ને મૂર્તિમાં સાક્ષાત્ સન્મુખ સમજીને ભજન કરી શકે, જે મારા જેવા સામાન્ય લોકો માટે શક્ય નથી, તેથી આવા દરેક કાર્યમાં શ્રોતાઓ જરૂરી છે, અને શ્રોતાઓ પણ જો ભાવથી વક્તા, ભજન ગાયક ના એક એક શબ્દો સમજીને પોતાના ઘટમાં ઉતારતા હોય અને માણતા હોય તો ભજન ગાયક કે વક્તાના અંતર માંથી વાણીની અમૃત ગંગા વહે છે, જે સંપૂર્ણ વાતાવરણ ને ભક્તિ મય બનાવી દે છે, જોકે અમુક એવા ભજન ના આરાધકો આજ પણ છે જે એકતારાના સંગાથે કોઈ પણ શ્રોતા હોય કે ન હોય આનંદથી એકલાં એકલાં ગાતા હોય છે અને પોતાના આરાધ્યને મનથી સન્મુખ સમજીને સંભળાવતા હોય છે. ધન્ય છે આવા ભાવિક ભક્તોને.

      આજે હું આપને ભજન ની વાત કરવા માંગું છું, કારણ કે ઈશ્વરની અનન્ય કૃપા થી મેં ઘણાં ભજનો, ગરબા અને થોડી અન્ય પ્રાસંગિક રચનાઓ રચી છે, જેમાંથી થોડા ભજનો આજના મુખ્ય કલાકારો એ ગાયા છે, પણ મોટા ભાગના કહેવાતા કલાકારો એ રચયિતા નું નામ અજાણતાં કે જરૂરી ન લાગતાં જાહેર કરવાનું ટાળ્યું છે, અથવાતો બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયું છે તેની નકલ કરી ને રજૂ કરે છે, જ્યારે શ્રીમાન યોગેશપુરી ગોશ્વામિજીએ મારો કોઈજ પરિચય ન હોવા છતાં મારી રચના ની ભાવના સમજીને જાહેર કાર્યક્રમમાં બિરદાવી છે, આ ફરક છે ભજનિક અને ગાયક અથવા ધંધો બનાવી બેઠેલા પાખંડીઓ વચ્ચે. જોકે ભજન તો ભજન છે, તુલસીદાસજી ની એક સાખી છે "તુલસી અપને રામ કો રીઝ ભજો કે ખીજ, ઊલટા સુલટા બોઈએં, સીધા ઊગે બીજ." એ નાતે લાભ તો કરેજ, પણ જો તેમાં ભાવ ભળે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય.

કદાચ કોઈને લાગે કે હું મારી રચનાઓ નો પ્રચાર કરવા માટે આવું બધું લખતો રહુછું, તો હા, એટલા માટેજ લખુ છું. રામાયણ ના રચયિતા પ્રસિદ્ધ ઋષિ વાલ્મીકિ મહારાજે રામાયણ ની રચના કરી, પણ તે ઉચ્ચ સ્તર ની ભાષામાં હોવાથી તેનો જોઈએં તેવો પ્રચાર ન થયો, ત્યારે તેમણે ઈશ્વર પાંસે એક વધારે જન્મ માનવ કુળમાં માંગ્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આ રચનાથી સંતોષ નથી થયો માટે હું સરળ ભાષામાં રામાયણ લખીને જગતને આપવા માંગુ છું જેથી તેનો યોગ્ય પ્રચાર થાય અને આપનું ગાન સરળ ભાષામાં સર્વે લોકો ના મન સુધી પહોંચે. ત્યારે ભગવાને તેમને તુલસીદાસ તરીકે જન્મ આપ્યો, અને તુલસીદાસજીએ સરળ ભાષામાં "રામ ચરિત માનસ" ની રચના કરી. કોઈ પણ રચનાકાર ની ધાર્મિક રચના જન જનમાં ગવાય અને જે ધાર્મિક માહોલ બને, લોકો ના દિલ થી જે ઊર્જા પ્રસરીને એક આભા બને તેનો ધાર્મિક લાભ શ્રોતાઓને તો મળેજ પણ સાથો સાથ રચયિતાને પણ તેનો ધાર્મિક લાભ મળેજ, તેથી કોઈ પણ રચનાકાર પોતાની રચનાનો પ્રચાર-પ્રસાર કરે છે, અને તેથીજ હું પણ આવો પ્રયાસ કરતો રહું છું.

      ભજનિક અને ભજન વચ્ચે ધાર્મિકતા સાથે ભક્તિ - સ્નેહનો નાતો જોડાયેલો છે, શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં ભજનાનંદ થતો હોય ત્યાં જે આત્માનંદ અનુભવાય છે તેનાથી માયાવી જગત વીસરી જવાય છે, વાતાવરણમાં પ્રસન્નતા ની લહેર ફેલાય છે -ભજનિક, સંગીત, વાદ્ય અને મંડળી મંચ ઉપર બિરાજી ને ભક્તિભાવ સાથે ભજન પ્રવાહ વહેતો કરે ત્યારે સામૂહિક ચેતના જાગે છે, તેમજ આત્મબળ ને શક્તિવાન કરવાનું કામ ભજનો કરે છે - સત્સંગ કરે છે ઈશ્વરી અનેક કૃપાને માનવ સ્વીકારે છે. ઈશ્વર પ્રત્યે જે ઋણ છે તે માટે આભારવશ થવા ભજન મહત્વનું કામ કરે છે. ભગવાનના અસ્તિત્વ ને અલગ અલગ રીતે વિશ્વ ભરમાં અનેક ધર્મો, સંપ્રદાયો પંથો માં એક યા બીજી રીતે ભજન ને સ્થાન અપાયું છે, સાદો, સરળ અને સીધો માર્ગ ભજન હોવાથી તે પ્રકારને લોકપ્રિયતા મળેલી છે, ઈશ્વર સ્મરણ એ દરેક ધર્મનો ઉદ્દેશ રહ્યો છે. સદીઓથી ચાલ્યો આવતો ભજન પ્રકાર સર્વ માન્ય સ્વીકૃતિ પામેલો ભક્તિ પ્રવાહ છે. દુન્યવી જગત ને ભૂલી જઈને થતી યોગસાધના ભક્તિ યોગ નો પ્રકાર છે એમ ભારતીય શાસ્ત્રોમાં અનેક જગ્યા એ ઉલ્લેખે છે.

      પહેલાના સમયમાં વક્તા, વાર્તાકાર, માણ ભટ્ટ, કે ભજન ગાયક પોતાની રીત પ્રમાણે શ્રોતાઓને ભક્તિ રસ પિવડાવતા, પણ આજે તો તેમાં સંગીત સાથે વાદ્યો અને આધુનિક ઉપકરણને પણ સામેલ કરીને, એકાદ સાહિત્યકાર કે હાસ્ય કલાકારને સમાવીને વધારેમાં વધારે શ્રોતાઓને આકર્ષિત કરીને ભક્તિ રસ પિવડાવી શકાય છે, જે આ આધુનિકરણ નો મુખ્ય હેતુ છે, પણ ક્યારેક આવા માધ્યમ થી શ્રોતાઓ ને ભેળા કરીને તેનો ધન લાભ મેળવવામાં ઉપયોગ કરાય છે ત્યારે ત્યાં ભક્તિને બદલે ભભકા અને ભવાડા જોવા-સાંભળવા મળે છે.

      મારા ધારવા પ્રમાણે શ્રોતાઓ, ગાયકો કે વક્તાઓ ત્રણ પ્રકારના હોય છે,  (આ મારું અંગત મંતવ્ય છે) ૧, તાની,  ૨, માની  અને ૩,જ્ઞાની.
  
       ૧, તાની= આ પ્રકારના ગાયકો એટલે એવા કે જેઓને શબ્દો સમજવાની દરકાર કરવાને બદલે શ્રોતાઓને રીઝવવા ભક્તિ રસ ભૂલીને ભૌતિક લાભ મેળવવા ગમે તે સ્તર પર પહોંચીને ગાતા હોય, જ્યારે આ પ્રકારના શ્રોતાઓ પણ ફક્ત જાણે નાચ ગાન કરવા આવ્યા હોય તેમ શું ગવાય છે, તેના શબ્દોની પણ ખબર ન હોય, બસ અવાજની ઊંચાઈ કે વાજિંત્રોના તાલ કે ગાયક ની હો હા પર ઝૂમતા હોય, નાચતા હોય કે ગાયકને પ્રોત્સાહિત કરતા હોય. અહીં ભજન કે ભક્તિ નહીં પણ ભવાઈ વધારે લાગે. 
      ૨,માની,= આ પ્રકારના ગાયકો કે વક્તાઓને ભક્તિ રસ પીરસનાર નહીં પણ ફક્ત વક્તા કે ગાયક કહી શકાય, કારણ કે તેમને ભક્તિ સાથે કોઈજ લેવા દેવા ન હોય. કોઈ પણ પ્રકારના ગીતો ભજન ના નામે ગાવા, નખરા કરીને નાચવું, અને ધન મળતું હોય તો કોઈ પણ નિમ્ન કક્ષાએ પહોંચી શકતા હોયછે, જ્યારે આ બીજા પ્રકારના શ્રોતાઓ ને ભજન કે તેનો અર્થ સમજવાની કોઈ ખેવના ન હોય પણ પધારો પધારો થતું હોય, માન મળતું હોય, શું ગવાય છે ! કયું ભજન છે તે સાંભળવાની કે સમજવાની કદાચ સમજ પણ ન હોય, બસ પોતાની આવભગત થાય અને મોટાઈ મળતી રહે, એજ આશય થી પોતાની જાતને ધાર્મિક બતાવવા ભજનના કાર્યક્રમમાં હાજરી પુરાવવા આવતા હોય છે.
     ૩, જ્ઞાની= આ પ્રકારના સાચા ભજનિકો રચયિતાના એક એક શબ્દોને સમજીને, હ્રદયમાં ઊતારીને, તેમજ શ્રોતાઓને પણ ભજન નું હાર્દ સમજાવીને તેમના અંતરમન ને ભક્તિથી ભરીદે છે, આવા ગાયકોને નિર્ધન કે ધનિક શ્રોતામાં કોઈ અંતર હોતું નથી, બસ એકજ ભાવના હોય છે કે રચયિતાના શબ્દો નો ભાવ શ્રોતાઓ ને સમજાવીને તેને ભાવ વિભોર કરી દેવા, આખું વાતાવરણ ભક્તિથી ભરી દેવું અને ઈશ્વરની ઉપસ્થિતિ સુધીનો એક માહોલ બનાવીને શ્રોતાઓને અને પોતાની જાતને પણ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવી.         

      કોઈ પણ રચનાકાર કે કવી જ્યારે પ્રાસંગિક રચના કંડારતો હોય અને પોતેજ શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કરતો હોય ત્યારે તેના અંતરમાં થી એક પ્રકારની ઊર્જા સમગ્ર વાતાવરણ ને ભક્તિ મય બનાવી દે છે, કારણ કે કોઈ પણ પ્રકાર ની રચના કરવી કોઈ માનવી ના હાથ ની વાત નથી હોતી, જો ઈશ્વર કૃપા કરે તોજ કવી કે રચનાકાર બની શકાય છે, તેથી કોઈ અન્ય ગાયક કે વક્તા અન્ય ની રચના રજૂ કરવા બેસે તે પહેલાં તેણે રચનાકાર ની રચના ને ઊંડાણ પૂર્વક સમજવી જોઈએં, અને તોજ તે પ્રસંગનું હુ બ હુ વર્ણન કરીને શ્રોતાઓના માનસ પટ પર તે પ્રસંગ એક ચિત્રપટની જેમ તાદૃશ કરી શકે, અને કદાચ તેથીજ સામાન્ય જ્ઞાન ધરાવતા ગાયકો બીજા ભજનિકોએ ગાએલા ભજનો ગાઈને ગુજરાન ચલાવે છે, નવું કંઈ કરી શકતા નથી.
  
  આ સમયે મને બ્રહ્મ લીન સંત શ્રી નારાયણ બાપુ સાથેનો એક પ્રસંગ યાદ આવ્યો તે આપ સમક્ષ ટુકમાં રજૂ કરુછું.

         પુ. બાપુ સાથે થોડી મુલાકાતો થયા બાદ, અને તેમાંએ લોક લાડીલાં પ્રખર જ્ઞાની, વિદ્વાન વકીલ શ્રીમાન સ્વ. નારસંગજી અયાચી ભઈએ મારા કુટુંબ સહિત નો પરિચય આપ્યા બાદ, બાપુના એક ભજન ના કાર્યક્રમમાં હું દૂર શ્રોતા ગણમાં બેઠેલો, ભજન ના વિશ્રામ વેળાએ પુ. બાપુએ મારા તરફ હાથ લંબાવી  -એ દરબાર- એવી હાક મારી મને મંચ પર બોલાવીને સમજાવ્યું કે " અવાજ સારો હોય તો ગાયક બની શકાય, પણ બુદ્ધિ સારી હોય તો પણ કવિ બનાતું નથી, જો  ભગવાન ની કૃપા થાય તોજ બની શકાય, માટે તમે મારા કાર્યક્રમમાં ક્યારેય મારી સમક્ષ નીચે બેઠાં હશો તો મને ગમશે નહીં, કવિઓનું સ્થાન મંચ પરજ હોવું જોઈએં."  (એ સમયે મોબાઈલ હોત, અને આ વિડીયો વાયરલ થયો હોત તો ? પણ આ  "તો" ?) પણ આ સમયે આવું સમજનાર શ્રોતાઓ કે પ્રસ્તુત કરનાર આવું સમજનાર ઓછા છે, એમાં પણ કહેવાતા ઘણાં મોટા કલાકારો સંત કવી મીરાં/નરસી કે તુલસીદાસ, (જેમને સાંભળવા કે તેમની સેવા કરવા માટે સાક્ષાત ઈશ્વર પણ લાલાયિત હોય) જેવા ભક્તોની રચનાઓ પણ પુરી ગાતા નથી અને ભેળ સેળ કરતા હોય છે, તેને સાંભળનારા શ્રોતાઓને પણ કાંતો સમજવાની ક્ષમતા નથી અગર   

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

પરમાત્મા સાથે ભક્તનો સીધો સંવાદ એટલે ભજન

                                   

                       પરમાત્મા સાથે ભક્તનો સીધો સંવાદ એટલે ભજન                   આત્માનો પરમાત્મા સાથે ભજન ભક્તિના માધ્યમે જે સંબંધ જોડે એ ભજનિક છે , તે ભણેલો હોય ,કે અભણ  હોઈ શકે , ભજન લેખન અને ગયેલી ઈશ્વરદત્ત ભેટ છે ,વ્યક્તિની તે સ્વયં સાધના પણ ગણી શકાય. ભજન ,ભજનિક અને ભક્ત શ્રોતા  ત્રણેય પરમાત્માને વ્હાલા છે .


          સંસારી  વ્યાધિમાંથી મુક્ત થવા ઈચ્છતો માનવી કોઈપણ પ્રકાર અજમાવવા તૈયાર હોય છે. જેમાં દેવ દર્શન,ભક્તિ અને સંતોની સત્સંગવાણી  મહત્વનો  ભાગ ભજવે છે. બાળક જેમ પોતાની ફરિયાદ પોતાના પિતાને કરે છે તેમ માનવી પણ જગતપિતા પરમેશ્વરને  આત્મનિવેદન સાથે અરજ કરે છે , જેમાં  ભજન ,જપ ,કે માત્ર હૃદય દ્રાવક કાકલુદી  નો સમાવેશ છે  તેની  અભિવ્યક્તિ તે  ભાવ વિભોર થઈને  કરે છે. ભાવિક ભજનના માધ્યમે  પોતાની સ્તુતિ ,ગુણગાન અને દર્શન  કરે છે  તેને ભજનિક કહેવાય  શ્રીમદ્દ ભાગવતમાં ભગવાનની ભક્તિ કરવા માટે સમજ આપેલી છે કળિયુગમાં જપ  ,ભજન અને  સંકીર્તનનો મહિમા વધુ છે . ભજનિક તેથી પોતાનો મોટાભાગનો સમય પોતાના  ભજનો દ્વારા  ઈશ્વરના  સાનિધ્યમાં  વિતાવે છે .

   ભગવાન શ્રી રામજી એ શબરી ને "નવધા ભક્તિ" વિષે સમજાવ્યું, એટલે કે ભક્તિ નવ પ્રકારે થઈ શકે છે, જેમાંનો એક પ્રકાર છે "ભજન". સામાન્ય લાગતી ભક્તિની ઘણીજ કઠિન છે. કથા, આખ્યાન, કે ભજન એકાંતમાં કરવા ઘણાં જ  કપરાં  છે, ભક્ત શ્રી નરસિંહ મહેતા કે મીરાંબાઈ, સંત કબીર, કવિ સુરદાસ જેવા બહુ ઓછા ભક્તો પોતાના આરાધ્ય દેવ ને મૂર્તિમાં સાક્ષાત્ નીરખી ભજન કરી શકે, જે  દરેક  માટે  શક્ય નથી, હાલના જમાનામાં ભજન કરતાં ઈશ્વર સાથે ની તન્મયતા શબ્દ, સુર અને તાલ અને ભક્તિ ભાવના સુમેળ થકી રસિકોના શ્રોતા, પ્રેક્ષક ની હાજરીથી તે શક્ય બને અહીં પણ એક જાતનો સત્સંગ થાય છે. ભક્તિનાદ નું વાતાવરણ હર કોઈ ને ભગવાનના ગુણગાન રસ તરબોળ કરી શકે છે, પરંતુ તે માટે ભજનિક પણ પોતે યોગ્યતા પ્રાપ્ત અને સાચો શ્રદ્ધાવાન જોઈ એ બાકી દંભ કરનારાઓ નો અહીં તોટો નથી.  ભજનિક, ભજન અને ગાયકી માં  લય કે સંગીત, સુર ન બેસે તેમ છતાં હળદળ ના ગાંઠીયે ગાંધી બનનારા જેમ હવે ગલીએ ગલી ભજનિકો ફૂટી નીકળ્યા છે, જેને ખોટી વાહ વાહ વાહ અને આત્મ પ્રસંશા પ્યારી હોય છે.
                 સાત્વિક શુદ્ધ ભક્તિથી તરબોળ થયેલા તાલીમ સહીત ગાનારા ભજનિકો માં પણ સ્વયં પ્રતિભા હોવાની આવા કાર્યક્રમો થાય ત્યાં  વાતાવરણમાં ભક્તિના ગુંજનમાં ભાવવાહિતા વહેતી હોય છે, જે ભગવાનને સદા ગમેછે, આવા અવસરે ભગવાન ખુદ વાતાવરણમાં પ્રસન્નતા વેરે છે, તેવો મારો જાત અનુભવ છે. ભજનિક સાચો હશે તો જયારે અને જે ઘડીએ ભજનની સ્ફુરણા જાગશે ત્યારે એકાંતમાં પણ પોતાના પ્રભુ ને રિઝવા મંડી પડે, સુરદાસ પાસે ક્યાં શ્રોતા હતા માત્ર કાનુડાનું બંધ આંખે ધ્યાન હતું, કિયાં કોઈ મોટા વાંજીત્રો હતાં, એકતારો બસ હતો, અમને યાદ છે દુલા ભગત પણ એકતારાથી ભજન કરતાં, આજ પણ એવાં ભજનિકો છે જે એકતારાના સંગાથે શ્રોતા હોય કે ન હોય તો પણ આનંદથી એકલાં એકલાં ગાઈને પોતાના પ્રભુ ને મનાવે છે. ભજન, ભજનિક ને જરૂર છે માત્ર ભક્તિ અને આસ્થાની, તેમાં ભાષા પણ ઘણી વાર ગૌણ બની જાય - જે શબ્દો અંતરમાંથી જાગે તે સાચો આત્માનો અવાજ હોય છે, તેથી કહેવાય કે ભક્ત પોતાના ભાવ દ્વારા પરમાત્મા સાથે સીધો સંવાદ કરે છે ભક્તિ માં શુદ્ધતા હોય તો આપ મેળે તે લોકપ્રિય બને છે અને શ્રોતાને રસમય કરે છે .

       બ્રહ્મ લીન નારાયણ બાપુ તેમજ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સાધક ભજનિકો ની નકલ કરી ને અથવા રચયિતા ના નામનો ઉલેખ્ખ કરવાની સૌજન્યતા વિસરી ને, આપવડાઈ કરતા અમે નજરે જોયા ત્યારે અમને દુઃખ સહિત વેદના ખમવી પડી, તો સામે પક્ષે નાના કલાકારોને બિરદાવનારા સંતો પણ જગ માં છે, હું પ્રાથમિક અવસ્થામાં હતો અને થોડા ભજનો રચતો હતો ત્યારે પણ ગાયકી અને સ્વ રચનામાં કૌવત  નીરખી મને બિરદાવનારા પૂજ્ય નારાયણ બાપુ અને હાલના સમયે શ્રીમાન યોગેશપુરી ગોશ્વામિજી ને ભૂલી ના શકાય; જેમણે જાહેર કાર્યક્રમમાં બિરદાવી મને  આશીર્વાદ આપી મારામાં નવી ચેતના જગાડી હતી.  
               આજે દુઃખ એ વાતનું છે કે મેં આગળ કહ્યું તેમ ભજનિક અને ગાયક ધંધો બનાવી બેઠેલા પાખંડીઓ વચ્ચે ભજન પોતાની અસલિયત ગુમાવીતો નહિ બેસે ને ? આ મોટો ચિંતાનો વિષય છે; તુલસીદાસજી ની એક સાખી છે "તુલસી અપને રામ કો રીઝ ભજો કે ખીજ, ઊલટા સુલટા બોઈએં, સીધા ઊગે બીજ." એ નાતે ભજન નો ભાવ જાણનારા ભજનિક ને ભૂલી ને ભસ્ક્તિ નો લાભ તો પામે જ છે.  
            રામાયણ ના રચયિતા પ્રસિદ્ધ ઋષિ વાલ્મીકિ મહારાજે રામાયણ ની રચના કરી, પણ  સંતોષ ન થયો, ત્યારે તેમણે ઈશ્વર પાસે એક વધારે જન્મ માનવ કુળમાં માંગ્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આ રચનાથી સંતોષ નથી થયો માટે હું સરળ ભાષામાં રામાયણ લખીને જગતને આપવા માંગુ છું જેથી તેનો યોગ્ય પ્રચાર થાય અને આપનું ગાન સરળ ભાષામાં સર્વે લોકો ના મન સુધી પહોંચે. ત્યારે તેમનું તુલસીદાસ તરીકે પ્રાગત્ય થયું, અને તુલસીદાસજીએ સરળ ભાષામાં "રામ ચરિત માનસ" ની રચના કરી. સાચો ભજનિક સત્સંગીઓના દિલમાં પ્રવેશ કરવા પોતાની રચનામાં વધુ ગુણવત્તા આવે માટે કાયમ ઈશ્વર સન્મુખ આદ્ર ભાવે એટલું જ માંગે છે કે હે પ્રભુ તું મારા શબ્દોમાં  ભાવ બની ને અવતર જેથી હું ભક્તોને તારા ગુણલા ગાવા પ્રેરિત કરી શકું અને તેનામાં ભક્તિ ની ઉર્જા જગાડવા હું નિમિત્ત બનું , જેથી હિન્દૂ  સંસ્કૃતિઅને ધર્મ ની ધ્વજાઓ ફરકતી રહે.  
                    અત્રે ખાસ ઉલેખ્ખ કરવાનો કે  ભચાઉમાં પાલુભાઈ ગઢવીનો ભજન અને ભજનિકો અને સંસ્કૃતિ સાચવવાનો ઉત્તમ પ્રયાસ સાથે ભક્તિ ધામ ઉભું કર્યું છે, સાથો સાથ આધુનિક ટેક્નોલોજી થી સમૃદ્ધ સ્ટુડિયો પણ બનાવ્યો, એટલાથી સંતોષ ન પામતા ભજન ગ્રંથાવલી ના મોટા ચાર ગ્રંથો પણ જનતા જનાર્દને માટે તૈયાર કરેલાં છે, '' આ ત્રણેય કાર્ય જે એક યુગો સુધી ન ભુલાય તેવું અજર, અમર યોગદાન છે તેમ અમેરિકા બેઠેલાં મારા વરિષ્ઠ પત્રકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પાઢ જણાવે છે ''  કહેવાનો અર્થ એ છેકે શુદ્ધ ભજનિક અને શુદ્ધ ભજનો હોય તે ગગનનાદ બની ગુંજે છે, તેથી અમેરિકા સુધી ભચાઉના કામ ને આદર સાથે બિરદાવવાની કૃતઘ્નતા એક સહૃદયી કરે છે. ભજન ધામનો લાભ મને મળેલો છે જેનો હું  સાક્ષી હોવાથી મારા મિત્રની ની વાત 100 % સત્ય છે.  ભજન, ભજનિક અને ભજન સંસ્કૃતિ કેવળ હૃદયનો શુદ્ધભાવ અને નિર્દોષ, નિખાલસ ભક્તિ ટકે છે, વિસ્તરે છે, ખોટા ને પારખતા આજના માનવી શ્રોતાને આવડે છે. હું પ્રાર્થું છું કે  ' હે પ્રભુ, આવા પાંખડી ભજનિકો ને સદ્ બુદ્ધિ આપ જેથી ભજનસંસ્કૃતિ ને કોઈ લાંછન ન લાગે'.

          આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ભજનિક અને ભજન વચ્ચે ધાર્મિકતા સાથે ભક્તિ, સ્નેહનો નાતો જોડાયેલો હોવાથી, શાસ્ત્રો પણ  એમ કહે છે કે જ્યાં ભજનાનંદ થતો હોય ત્યાં આત્માનંદ અનુભવાય છે, જેનાથી માયાવી જગત વીસરી જવાય છે, વાતાવરણમાં પ્રસન્નતા ની લહેર ફેલાય છે, સામૂહિક ચેતના જાગે છે, તેમજ આત્મબળ ને જીવનને શક્તિવાન કરવાનું કામ ભજનો કરે છે - સત્સંગ કરે છે ઈશ્વર પ્રત્યે  માનવ જન્મનું જે ઋણ છે તે અદા કરવા આભારવશ થવા ભજન ભક્તિ મહત્વનું કામ કરે છે.

 વિશ્વ ભરમાં અનેક ધર્મો, સંપ્રદાયો પંથો માં એક યા બીજી રીતે ભજન ને સ્થાન અપાયું છે, સાદો, સરળ અને સીધો માર્ગ ભજન હોવાથી તે પ્રકારને લોકપ્રિયતા મળેલી છે, ઈશ્વર સ્મરણ એ દરેક ધર્મનો ઉદ્દેશ રહ્યો છે. સદીઓથી ચાલ્યો આવતો ભજન પ્રકાર સર્વ માન્ય સ્વીકૃતિ પામેલો ભક્તિ પ્રવાહ છે. દુન્યવી જગત ને ભૂલી જઈને થતી યોગસાધના ભક્તિ યોગ નો પ્રકાર છે એમ ભારતીય શાસ્ત્રોમાં અનેક જગ્યા એ ઉલ્લેખે છે.  "અવાજ સારો હોય તો શિક્ષા લઈ ને ગાયક બની શકાય, પણ બુદ્ધિ સારી હોય તો પણ કવિ/ સર્જક બનાતું નથી, જો  ભગવાન ની કૃપા થાય તોજ બની શકાય,''  એ પૂજય નારાયણ બાપુના શબ્દો હજુ કાનમાં ગુંજે છે.

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

  

Wednesday, October 30, 2019

મંગલ કારી પ્રભુ

                                     મંગલ કારી પ્રભુ

ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા--- જેવો
૨૯.૧૦.૧૯

મંગલ કર પ્રભુ મંગલ કારી,     ભાવે ભજુ હું વનમાળી....

આ સૃષ્ટિ તમારી ફૂલવાળી,    ગહેકી મહેકી બહુ રઢિયાળી
સૌ બાળ ગોપાલ તારી હરિયાળી,  પ્રેમે થી કરો પ્રભુ રખવાળી...

મન મંદિર મૂર્તિ તારી રહે,    રોમે રોમે હરિનું નામ રહે
કંઠે કેશવ નું ગાન રહે,   શ્વાસો માં શિવ ધુન જાય ભળી.....

પ્રભુ ભક્તિ તમારી ખૂબ કરું, કોઈ દુ:ખની ના ફરિયાદ કરું
કર્મો ને મારા યાદ કરું,        પ્રસાદ ગણી સૌ જાઉં ગળી...

દિન રાત હું તારું ગાન કરું,    આડું અવળું ના ધ્યાન ધરું
ભક્તો ના દિલમાં ભાવ ભરું, કોઈ મોહ પર મનડું ન જાય લળી..

"કેદાર" કરુણા ખૂબ કરો,    ભક્તિ રસ મારા મનમાં ભરો
અવગુણ સઘળા પ્રભુ દૂર કરો, સદા સંત સમાગમ જાય મળી...


Wednesday, September 11, 2019

મારી કૂડી કરણી

         
                                  મારી કૂડી કરણી

આપ્યો અવતાર આ જગત માં, કરવા ભવ સાગર પાર
માયામાં મન લાગી રહ્યું, એળે ગયો અવતાર...
--------------------------------------------------
પ્રભુજી મારી કરણી રહી નહીં સારી...
કર્મ ધર્મનું કામ કર્યું નહીં, સેવા કરી નહી તમારી... 

મોહ માયામાં રહ્યો ભટકતો, વળગી દુનિયાદારી
ભક્તિ માર્ગ પર પગલાં ભર્યા નહીં, યાદ આવ્યાં ન ગીરધારી....

કુટુંબ કબીલા બાળ ગોપાલમાં, ખરચી જીંદગી સારી  
ધર્મ ધુરંધર ધ્યાને ચડ્યા નહીં, સંતોની વાણી લાગી ખારી...

યમ રાજાની જાણે આવી નોટિસો,  લાગે હવે અંત ની તૈયારી
જીવન સઘળું એળે ખોયું મેં,   સમજણ આવી હવે સારી..

અનેક અધમને આપે ઉગાર્યા, હતાં નરાધમ ભારી
અંતર અવાજે ગજને બચાવ્યો, સાંભળો અરજી મારી...

આ સંસાર હવે ભાસે અસાર મને, લાગે જરા બહુ ખારી  
દીન "કેદાર"ની અરજી ધરી ઉર, લેજો શરણમાં મોરારી... 

સ્વરચિત.
૩૦.૬.૧૯.
ફોટો- ગુગલ ના સહયોગ થી

શિવ વંદના

       
                                            શિવ વંદના

ભજું ભોળા શંભુ છે અરજી આ મારી,  સદાકાળ શિવજી કરું ભક્તિ તમારી...

મળ્યું છે અમૂલખ આ જીવન શિવ મારું, રહે શ્વાસો શ્વાસો માં સમરણ તમારું
આપો મતી એવી કરુણા કરી દાતા,   ન વળગે કદી કોઈ માયા નઠારી....  

ના બંધન હો જગના, ના ધન ની બહુ આશા, ના પર ની પળોજણ, તુજ રટણા અભિલાષા
છે પ્રાર્થના પ્રભુ કૈલાસ વાસી,   ગણી દાસ તારો સ્વીકારો વિષ ધારી.... 

ભર્યા છે ભંડારો ભભૂત ના ઓ ભોળા, ચડ્યા તારા શીરે કોઈ કરમી બહુ થોડા 
આ પાપી અભાગી તન આવે તુજ શરણે,     દયા દાખવીને લપેટી તું લેજે....

ન જાણું હું મંત્રો ન કર્મો કે પૂજા, ન લાગે મન તુજમાં ન અંતર માં ઊર્જા 
છે "કેદાર" કેરી એક વીનતી વિશ્વેશ્વર, કરું જન્મે જન્મે હું ભક્તિ તમારી..  
૭.૮.૧૯

ભાવાર્થ:- હે ભોળા નાથ, આપ તો તુરંત પ્રસન્ન થાવ એવા ભોળા છો, મારી એકજ પ્રાર્થના છે કે હું સદા આપની ભક્તિ કરતો અરહું.
હે નાથ આપની કૃપા થી મને આ અમૂલખ માનવ જીવન મળ્યું છે, હવે મને એવી સમજણ આપો કે મને કોઈ માયા ન વળગે.
   કોઈ જગના બંધન મને ન વળગે, ધન પણ એટલુંજ આપજે કે હું મારો નિર્વાહ કરી શકું, બસ તારો દાસ બની ને તારા ગુણ ગાન ગાતો રહું એજ એક મારી પ્રાર્થના છે.
   આપ નો તો વાસ સ્મશાનમાં છે, અનેક લોકો ને ત્યાં ચિત્તા પર દાહ દેવામાં આવે છે, એ ભસ્મ ના ત્યાં ભંડાર ભર્યા છે, પણ એમાં થી જે ભાગ્યશાળી હતા તેનીજ ભભૂત આપના અંગે કે જટા સુધી પહોંચી શકી છે, પણ મારો આ દેહ જ્યારે આપના શ્મશાન માં ભસ્મીભૂત થાય ત્યારે દયા દાખવી ને એ ભસ્મ તારા અંગે અંગ માં લપેટી લેજે.
   હું કોઇ મંત્રો નથી જાણતો, મારું મન તારામાં તલ્લીન નથી થતું, કે અંતરમાં ભક્તિ નો કોઈ શ્રોત પણ નથી, છતાં મારી અરજ છે કે મને તારા નામ નો અવિરત જાપ  હું જન્મો જન્મ કરતો રહું એવા આશીર્વાદ આપજે.

   જય ભોળેનાથ.

Tuesday, July 30, 2019

વિરહ ગાન

                                                            

                                            વિરહ ગાન                      

  
કાના, કાના, ઓ કાલે કાના, મૈ તો ભટક રહી અનજાન, તુંને ખબર ન લીની આન...

ના સંદેશા ના કોઈ આશા, મનમેં છાઈ ઘોર નિરાશા
પલ પલ બિખરે સાંસ કી સરગમ,   કૈસે ટીકે મેરે પ્રાન....ખબર ન લીની આન...

તું નાગર નટખટ હૈ કાના, ખટપટ છોડ રણછોડ તું આના
ઝટ પટ આ કર દર્શન દેના,      કાહે કરો પરેશાન.............ખબર ન લીની આન...

મન ભાવન હૈ મુરત તેરી, છીન ગઈ સબ, સૂધ બુધ મેરી
તેરી બંસીકે, સુર સુનને કો, તરસ ગયે હેં કાન.......ખબર ન લીની આન...

જબ જબ દેખું મેં ગોધન કો, ખોજે અખીયાં મન મોહન કો
મનવા તરશે તુજ દરશન કો, ભૂલ ગઈ સબ ભાન....ખબર ન લીની આન...

ગોરસ લેકે નિકલી ઘરસે, ડગર ડગર પર નયના હરષે
આયે કહીંસે નટખટ નંદન,   રોક કરે પરેશાન..........ખબર ન લીની આન...

મુરલી મનોહર માર્ગ બતાદો, કૈસે જીયું મેં યે સમજાદો
બીરહા અગન મેં અબ ના જલાઓ, નિકલ રહી હે જાન......ખબર ન લીની આન...

દીન "કેદાર" તેરી દાસી બનકે, સજ સિંગાર આવું બન ઠનકે
તીરછી નજર એક મુજ પર ડારો, પાર કરો ભગવાન.........ખબર ન લીની આન...

૧૦.૭.૧૯
ભાવાર્થ:- હે કૃષ્ણ, તારા વિરહ માં હું કેટલા સમય થી ભટકી રહી છું, પણ તેં આવીને કદી મારી ખબર લીધી નથી.
   ના તારા તરફ થી કોઈ સંદેશ મળ્યો છે કે ના તો કોઈ આશા બંધાણી છે, મારા મનમાં બસ ઘોર નિરાશા છવાયેલી છે, મારા શ્વાસો હવે તૂટવા લાગ્યા હોય એવું મને લાગ્યા કરે છે, જાણે હવે મારા પ્રાણ છૂટવા ની તૈયારી હોય તેમ લાગી રહ્યું છે.
     હે નટખટ નાગર કનૈયા હવે મારા કર્મો ના હિસાબ ની બધી ખટપટ છોડી ને  મને દર્શન દેવા આવી જા, હવે ક્યાં સુધી તું મને આમ પરેશાન કરીશ ?
      તારી છબી મારા મન માં એવી વસી ગઈ છે કે મારું બધું સુખ છીનવાઈ ગયું છે, તારી મધુર વાંસળી ના સુર સાંભળવા માટે મારા કાન તરસી રહ્યા છે, માટે જલદી આવી જા.
       સાંજ પડે અને જ્યારે ગાયો નો ગોવાળ ગાયો ને ચરાવી ને પાછો આવતો હોય ત્યારે એ ગાયો ના ધણમાં મારા નયનો તને શોધે છે, કે મારો કાન આમાં ક્યાંક હશે, મારું મન તારા દર્શન માટે વ્યાકુળ બની જાય છે, અને હું ભાન ભૂલી જાવ છું.
      મને ખબર છે કે તને કોઈ ગોપી ગોરસ વેચવા જાય તે ગમતું નથી, તું આડો ફરીને તેને રોકે છે, એ આશાએ હું પણ આજે ગોરસ વેચવાને બહાને નીકળી છું જેથી તું આડો ફરે, મને રોકે અને મારી સાથે છેડ છાડ કરે, મને પરેશાન કરે, અને એ બહાને તારા દર્શન મને થાય.
       હે મોરલી વાળા મને એક વાત સમજાવો, તારા વિયોગમાં મારા પ્રાણ નીકળી રહ્યા છે, આમ મારે જીવન કેમ વ્યતીત કરવું તે સમજાવો, હવે વિરહ સહેવાતો નથી, આનો ઉપાય આપ જ સમજાવો.
      મને હવે એકજ રસ્તો સૂજે છે કે હું પણ સોળે શણગાર કરીને ગોપી બની ને આવું, કદાચ ભૂલથી પણ તારી તિરછી નજર મારા પર પડી જાય તો મારો બેડો પાર થઈ જાય.        

રચયિતા-
કેદારસિંહજી એમ. જાડેજા
મેઈલ:-kedarsinhjim@gmail.com 
વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
ગાંધીધામ. (કચ્છ.)