Friday, June 27, 2025

ધરતીનો ઉમંગ

 ધરતીનો ઉમંગ
તા. ૨૭.૬.૨૫-અષાઢી બીજ.
આવી આવી આવી અષાઢી બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ
હૈયે મારે ઊઠ્યો અનેરો આનંદરે, ભીંજાયો મારો આતમા રે લોલ... 

બાર બાર મહિનાથી તરશ્યું આ અંતર મારું, તૃપ્તિ પામ્યું છે આજે પ્યાસું આ હૈયું મારું  
કોરી મારી ચૂંદલડી ભીંજાઈરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

કાળી કાળી વાદળીમાં વીજલડી ચમકે, હૈયું હરખાયું મારું મનડું છે હરખે  
અંતરમાં મારા ફૂટ્યા ઉમંગના બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

ટહુકે મોરલિયોને થનગન છે નાચે, નાચે છે ધરતી પુત્રો આનંદમાં રાચે  
ભરાશે હવે ધન ધાન્યના ભંડારરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

વસુંધરામાં હવે ફોરમ ફેલાશે, ઊભરાશે નદીઓ નાળા સરોવર લહેરાશે
"કેદાર" કીધા મેઘરાજાએ મંડાણરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...


 

No comments:

Post a Comment