Friday, October 26, 2012

અણમોલ ઘડી

જીવન માં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે આપણે અથાક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી, પણ ક્યારેક ઈશ્વર મહેરબાની કરે તો આકસ્મિક રીતે મળી જાય છે. આવોજ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલો, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની કોઈ વાત કે કોઈ એવી બાબત ની ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
આજે સાલ તો ચોક્કસ લખી નથી શકતો પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત છે, કરજણ જંકશન પાસે મિયાં માતર ગામના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ,  દાંડિયા  બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પુછી ને તેમનું મકાન ગોતી લેજે."
 ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, નામ પુછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પુર્વાભીમૂખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો, સામે જાડી મોટી ગાદી પર ઢળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ કદાચ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો, યાદ નથી પણ કદાચ માખણ ચોર લાલા નાજ હશે, એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવે મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ મીનીટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લવ."
 થોડાજ સમયમાં એ ભુદેવ સાદા ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં બિરાજી ગયા.
પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બસ અનાયાસ બે હાથ જોડીને મેં એ નમ્ર ભુદેવ ને વંદન કર્યા.
આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા બ્રહ્મલીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે-ડોંગરેજી મહારાજ ના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી હું માણી રહ્યો છું.
જય શ્રી કૃષ્ણ. 

Saturday, October 20, 2012

અભિમાન.

અભિમાન.
ઈશ્વર કોઈ નું અભિમાન ટકવા દેતો નથી, પછી ભલેને તે ભગવાન નો મોટો ભક્ત કેમ ન હોય, જે જે ભગવાન ની વધારે નજદીક હોય તેની પરીક્ષા વહેલી થાય અને વધારે થાય, કારણ કે પ્રભુ ક્યારેય પણ પોતાના ભક્ત ને ગેર રસ્તે જતો જોઈ ન શકે, અને તેથી જેવો તે માર્ગ ચૂકે કે તુર્ત જ તેને સબક મળી જાય, પણ પોતાના ભક્તોનું જતન કરતાં કરતાં પ્રભુ જ્યારે બીજા લોકો પર નજર કરે ત્યાં સુધીમાં તેવા લોકો ના દુર્ગુણો વધી ગયા હોય તેથી તેને આકરી સજા ભોગવવી પડે, ભલે પછી વિલંબ થી ભોગવવી પડતી હોય, ક્યારેક આપણ ને એવું લાગે કે ભક્ત જન હોવા છતાં તેને કષ્ટ કેમ ભોગવવું પડતું હશે, જ્યારે દુરિજન મોજ માણતા દેખાય છે, પણ આ એક છેતરામણી પ્રક્રિયા હોય છે, એમાં પણ પ્રભુ અભિમાન ને તો તુર્ત જ નાથવા માટે તત્પર હોય છે.

એક સાંભળેલી વાત અહીં રજૂ કરૂં છું. નારદજી ને એક વખત થોડું મનમાં લાગ્યું કે મારા જેવો ભક્ત કદાચ આ અવનીમાં બીજો હોય એ શક્ય નથી, કરણ કે રાત દિવસ બસ મારા મુખમાં એકજ નામ નિરંતર ચાલ્યા કરેછે, નારાયણ નારાયણ, આટલું રટણ બીજું કોણ કરતું હોય? અને તે પણ કોઈ જાતની અપેક્ષા રાખ્યા વિના, આવું તો બસ હુંજ રટણ કરી શકું, બાકી કદાચ કોઈ રટતું પણ હોય તો તેમાં જરૂર કંઈક અપેક્ષા રહેલીજ હોય.

બસ નારદજી ને આ વિચાર આવતા ની સાથેજ ભગવાને તુર્ત જ ઇલાજ ચાલુ કરી દીધો, કેમ કે ભક્ત ની બિમારી વધે તે ભગવાન ને કેમ સહન થાય?
 
થોડા સમય માંજ ભગવાને પ્રેરણા કરી તેથી નારદજી ને વૈકુંઠ માં જવાની ઇચ્છા થઈ, ભગવાને નારદજી ને કહ્યું કે નારદજી મને બધા કહેછે કે પ્રુથ્વિ11 પર એક ગામ માં એક ખેડૂત મારી ખૂબ ભક્તિ કરે છે, પણ મને તો સમય મળતો નથી, તેથી મને થયું આપને આ કાર્ય સોંપુ તો સાચો ખ્યાલ આવે.

નારદજી તો બ્રાહ્મણ નું રૂપ ધરીને ઉપાડ્યા ભગવાને બતાવેલા ગામમાં, અને એજ ખેડૂતને ત્યાં તેમના ગોર બની ને રોકાયા, ખેડૂત તો ખુશ થઈ ગયો કે આજ પહેલી વાર કોઈ બ્રહ્મ દેવતા મારે ત્યાં પધાર્યા, પત્નીને ગોર મહારાજ ની સેવા કરવાનું કહી પોતાના કાર્યમાં લાગી ગયો.
નારદજી તો પરીક્ષા કરવા પધારેલા, તેમણે અનુભવ્યું કે આ ખેડૂત સવારે વહેલો ઊઠે કે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સવારે ગામના ચોરામાં આરતી થાયા એટલે બોલે કે "હે ભગવાન સૌ નું સારું કરજો" નાહી ધોઈને ખેતરે જવા નીકળે એટલે પાછો બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" બપોરે તેની પત્ની ભાત લઈને ખેતરે જાય, ત્યાં હાથ મોં ધોઈને જમવા બેસે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સાંજે ઘેર આવે અને બળદો ને છોડે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સંધ્યા કાળે ચોરાની આરતી થાય એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" રાત્રે જમીને જ્યારે સુવા જાય ત્યારે પણ બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" અને ફરી સવારે એજ
"હે ભગવાન સૌ નું સારું કરજો"
નારદજી તો સારા એવા દિવસો ત્યાં રોકાયા પણ આ ખેડૂતના નારાયણ માં કોઈ વધારો ઘટાડો થયો નહીં. આખરે નારદજી એ ખેડૂતને આશીર્વાદ આપીને ભગવાન ને ખબર આપવા નીકળી પડ્યા.
ભગવાન પાસે આવીને કહેવા લાગ્યા "પ્રભુ ખબર નથી આપને આવા ખોટા સમાચાર કોણ આપે છે, એ ખેડૂત આખા દિવસમાં ફક્ત આઠ વખત આપનું નામ લે છે, ન કદી કમ ન કદી વધારે, એને આપનો મહા ભક્ત ખબર નહી કોણે બનાવી દીધો."
ભગવાને નારદજી ને પોતાનું કાર્ય સફળતા પૂર્વક કરવા બદલ ધન્યવાદ કહી ને વિદાય કર્યા.  
આ વાતને ઘણો સમય થઈ ગયા બાદ એક વાર ભગવાને નારદજી ને એક અન્ય કાર્ય માટે વૈકુંઠમાં બોલાવ્યા, નારદજી વિચારવા લાગ્યા કે હમણાં થી ભગવાન ને મારી બહુ જરૂર પડે છે, અને કેમ ન પડે મારા જેવો ભક્ત બીજો ક્યાં મળે.? 
 નારાયણ નારાયણ કરતાં નારદજી ભગવાન સમક્ષ નમન કરીને ઊભા રહ્યા કે તુર્ત જ ભગવાને કહ્યું "અરે નારદજી આપ ખરા સમયે પધાર્યા, લક્ષ્મણજી111 કેટલા સમય થી એક યજ્ઞ કરવા વિચારી રહ્યા છે, પણ એ યજ્ઞ માં નિયમ મુજબ એક પાત્ર માં છલો છલ ભરેલું દુધ એક પણ બિંદુ છલકાયા વિના જો કોઈ પ્રુથ્વિ111 ની પ્રદક્ષિણા કરાવી ને લાવે તો જ એ દુધ આ યજ્ઞમાં કામ લાગે, પણ મને બીજા કોઈ આ કાર્ય કરી શકે એમ લાગતું નથી, જો આપ મારું આટલું કાર્ય કરી આપો તો લક્ષ્મણજી111 ને હુ ખુશ કરી શકું.
નારદજી ના મનમાં અભિમાન રૂપે રોગ લાગુ તો પડેલોજ હતો, પણ ભગવાન ની વાત સાંભળ111 ને આ રોગ વ્યાપક બનવા લાગ્યો, નારદજી તો છાતી ફુલાવી ને કહેવા લાગ્યા,"અરે ભગવંત આપ આજ્ઞા કરો આપના હરેક કાર્ય કરવા માટે આપનો આ ભક્ત હર હંમેશ તત્પર હોયછે."
ફરીથી ભગવાને નારદજી ને શર્ત યાદ કરાવી કે "નારદજી જો જો હોં એક પણ બિંદુ જમીન પર પડે નહીં."
ફરી નારદજી બોલ્યા "અરે ભગવાન આપ ચિંતા ન કરો, આપ માતાજી ને કહો યજ્ઞની તૈયારી કરે, હું સમય સર આવી પહોંચીશ." અને ખરે ખર નારદજી એક પણ બિંદુ દુધ નીચે પાડ્યા વિના સમય સર પહોંચી ગયા. ભગવાન ખૂબ ખુશ થઈને નારદજી ને મીઠા મીઠા વચનો થી જાણે વધારે ફુલાવવા લાગ્યા. ત્યાર બાદ ધીરેથી વાત છેડી કે નારદજી ખરેખર એક પણ બિંદુ દુધ તમારી જાણ બહાર છલકાયું તો નથી ને? નહીં તો યજ્ઞ સફળ થશે નહીં, અને લક્ષ્મણજી111 નારાજ થઈ જશે, ત્યારે નારદજીએ ખાતરી કરાવી કે ભગવાન મારી નજર બરાબર પાત્ર પર હતી એક પણ બિંદુ પડ્યું નથી. 
નારદજી એ આટલી ચોકસાઈ બતાવી ત્યારે ભગવાને ધીરેથી પૂછ્યું કે તો નારદજી આપે આ પ્રદક્ષિણા ફરતી વેળાએ મારું નામ કેટલી વખત લીધું?
ચતુર નારદજી સમજી ગયા અને ભગવાન ના ચરણોમાં પડી ગયા, ભગવાન કહે નારદજી તમારે ફક્ત એક કટોરા પર નજર રાખવાની હતી, છતાં તમે મારા નામ નો જાપ ભૂલી ગયા, જ્યારે પેલા ખેડૂત ને તો પોતાનો સંસાર ચલાવવાનો હતો, છતાં તે ક્યારેય પણ પોતાના નિયમ નો ભંગ થવા દેતો ન હતો, તો હવે આપજ બોલો મારે મારો મોટો ભક્ત કોને કહેવો? આપને કે પેલા ખેડૂત ને?
નારદજી ક્ષોભ વશ ભગવાન ના ચરણો પકડી ને બોલ્યા કે પ્રભુ માફ કરો હવેથી ક્યારેય પણ મારા હ્રદયમાં અભિમાન ને પ્રવેશ કરવા નહીં દવ.
જય નારાયણ. 
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Saturday, October 13, 2012

ઈડર ના ભક્ત સાંયા જુલા

ઈડર ના ભક્ત સાંયા જુલા
ઘણા સમય પહેલાં નારાયણ બાપુ પાસેથી સાંભળેલી એક વાત આજે યાદ આવે છે, જો હું ભૂલતો ન હોઉં તો કદાચ આ પ્રમાણે છે. અને જો ભૂલ હોય તો તે મારીજ ભૂલ સમજી ને દરગુજર સાથે સુધારો મોકલવા વિનંતી.

  ઈડર શહેર માં સાંયા જુલા નામે એક મહા સંત થઈ ગયા, જે રાજ્ય ના ઉચ્ચ કોટીના રાજ કવી હતા, અને તેમણે નાગ દમન નામે ગ્રન્થ લખ્યો હતો, ભગવાન શ્રી દ્વારકેશ ના મહાન ભક્ત હતા. એમ કહેવાય છે કે જ્યારે દ્વારિકા માં આરતી નો સમય થાય ત્યારે ભક્ત દ્વારિકા મંદિર માં એક ખાસ જગ્યા પર ઊભારહી ને અચૂક દર્શન કરતા, અને તેથીજ હર રોજ આવનારા દર્શનાર્થીઓ હર હંમેશ ભક્ત ની ઊભા રહેવાની જગ્યા થી થોડા દૂર ઊભા રહેતા જેથી ભક્ત ને દર્શન કરવા માં ખલેલ ન પડે, પણ આ વાતની જાણ ઈડરમાં કોઈને ન હતી, કારણ કે ઈડરમાં જ્યારે રાજ દરબાર ભરાતો ત્યારે સાંયા જુલા ભક્ત દરબાર માં હાજર રહેતા, તેથી તેમની ટેકની જાણ કોઈને ન હતી.
   એક વખત ભક્ત દ્વારિકા દર્શને પધાર્યા ત્યારે કહેવાય છે કે તેમણે શ્રી કૃષ્ણ ભગવાન ને રૂબરૂ માં નાગ દમન ગ્રંથ સંભળાવ્યો. પ્રભુ બહુ ખુશ થયા અને ભક્ત ને વર માંગવા કહ્યું, ત્યારે ભક્તે કહ્યું કે પ્રભુ હૂંતો અજાચી ચારણ છું, હું માંગું નહીં, ભગવાન કહે ભક્ત તમે ચારણ છો અને હું રાજા છું, મારે આપવાનો ધર્મ છે અને આપને લેવાનો ધર્મ છે, માટે માંગો, પણ ભક્ત એક ના બે ન થયા અને સમય આવ્યે પ્રભુની રજા લઈને ઈડર પધારી આવ્યા. પણ પ્રભુ ને મનમાં થયું કે આવા ભક્ત ને મેં કંઈ આપ્યું નહીં, તેથી એક સાંઢડી પર સન્માન જનક યોગ્ય પુરસ્કાર ભરીને ઈડર ભક્તના નામે પત્રિકા લખીને મોકલી આપી. આતો પ્રભુની મોકલેલી સાંઢડી, ભક્ત ની ભાળ મેળવી ને તેમના દ્વારે આવી. ભક્તે ચીઠ્ઠિ વાંચી ને ગદ ગદ થઈ ગયા, અને મનો મન પ્રભુ ને વંદન કર્યા.
   એક સમયે હકડા ઠઠ દરબાર ભરાયો છે, સર્વે દરબારીઓ યથા યોગ્ય ચર્ચામાં વ્યસ્ત છે, ત્યારે ભક્ત એકદમ ઊભા થઈને જાણે કૈંક અજુગતું બન્યું હોય તેમ હાથ પછાડતા હોય એમ કરવા લાગ્યા, બધા દરબારીઓ સાથે મહારાજ શ્રી પણ અચરજ પામી ને જોવા લાગ્યા કે સાંયા જુલાજી આ શું કરે છે ? થોડી વાર પછી બધું રાબેતા મુજબ થઈ ગયું, ત્યારે મહારજા એ પૂછ્યું કે ભક્ત આ આપ શું કરતા હતા ? ત્યારે ભક્તે વાત ટાળવાની કોશિશ કરી, પણ આતો રાજ હઠ, જીદ કરી કે ના, આમાં કંઈક મર્મ છે, આપ મને બતાવો, આપના જેવા મહા માનવના વર્તનમાં જરૂર કંઈક છુપાયેલું હોય, ત્યારે ભક્તે કહ્યું કે રાજન આપના આગ્રહ થી મારે કહેવું પડેછે કે હમણાં દ્વારિકામાં આરતીનો સમય થવા આવ્યો હતો, પૂજારી મહારાજ પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતા, ભગવાન ના વાઘા બદલવા માટે પુજારીજી બાજુના અંતરવાસ માં ભગવાન ના નવા વાઘા લેવા પધારેલા, મૂર્તિ પાસે જે દીવો રાખવામાં આવેછે તેની બાજુમાં અંતર પટ માટે રાખેલો પડદો આ દીવાને સ્પર્શી ગયો, અને પછી ભગવાને પહેરેલા વાઘાને અટકી જતાં તેમાં પણ આગ લાગે એવી સંભવના જોતાં હું એકદમ એ આગ ઓલવતો હતો જેથી પ્રભુ દાઝે નહીં.
આખી સભા સ્તબ્ધ બની ગઈ, આમાં કોઈ શંકા કરવા જેવી વાત ન હતી, કારણ કે આવા સંતો જૂઠું બોલે એતો કોઈ વિચારે જ નહીં, પણ મહારાજાએ એ સમય અને દિવસ નોંધ કરીને બુધ્ધિશાળી લોકો ને ખાત્રી કરવા માટે દ્વારિકા રવાના કર્યા.    
દ્વારિકામાં આવીને રાજાના દૂતોએ મહારાજાએ મોકલેલી ભેટ દ્વારિકાધીશ ના ચરણોમાં ધરી ને પુજારી11જી સાથે ઉપરોક્ત ઘટના વિષે ચર્ચા કરી તો તેમના આશ્ચર્ય વચ્ચે પૂજારીજી એ કહ્યું કે "હા એ વાત સાચી છે, તે દિવસે મારાથી ભૂલ થઈ ગયેલી, પણ સાંયાજીએ લાજ રાખી, જો તેમણે સમય સર વાઘા ઠાર્યા ન હોત તો કદાચ ઠાકોરજી ને પણ આગે દઝાડ્યા હોત."
દૂતો અચરજ પામ્યા અને પૂજારીજી ને કહ્યું કે "ભુદેવ સાંયા જુલાજી તો ઈડર માં રહે છે, અને ત્યાંના રાજ કવી છે, અને આપ જે સમય ની વાત કરો છો ત્યારેતો તેઓ ઈડરમાં રાજ દરબાર માં ઉપસ્થિત હતા તો અહીં વાઘા કેવી રીતે ઠારી શકે ?"  ત્યારે ભુદેવે જવાબ આપ્યો કે "ભાઈ તમારી કંઈક ભૂલ થતી હશે, આ ભક્ત તો દર રોજ આરતીના સમયે અચૂક આજ જગ્યા પર ભગવાન ના દર્શન કરવા હાજર  હોય છે, પણ અમે ક્યારેય તેઓ ક્યાં વસેછે એ બાબત ની ચર્ચા નથી કરી, પરંતુ દર રોજ આરતી ના સમયે અહીં પધારતા હોઈ ને તેઓ આટલાં જ કોઈ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, એમ અમારું માનવું છે. તેથી તમારી ઈડર વાળી વાત અમારી સમજ થી બહાર છે, પણ તમારે ખાતરી કરવી હોય તો આરતી સમયે અહિં હાજર રહેજો બધી વાત નો ખુલાસો થઈ જશે."  
દૂતોએ પણ પૂર્ણ ચકાસણી કરવા માટે ભૂદેવો એ દર્શાવેલી જગ્યાની બાજુ માંજ ઉભા રહેવાનો નિર્ણય કર્યો.
આરતી નો સમય થયો ત્યાં તો ભક્ત સાંયાજી ભગવાન દ્વારકેશને નમ્ર મસ્તક હાથ જોડીને પોતાના નિયત સ્થાન પર પધાર્યા, આ જોઈને દૂતો તો સ્તબ્ધ બની ગયા, ક્યાં ઈડર અને ક્યાં દ્વારિકા? અમોને વાયુ વેગી અશ્વો પર આવતાં પણ કેટલો બધો સમય લાગ્યો તો ભક્તરાજ દરરોજ અહીં કેવી રીતે પધારી શકે? પણ નજર ની સામે જે દેખાતું હોય તેની અવગણના પણ કેમ થઈ શકે? છતાં પૂર્ણ ખાતરી કરવા દૂતો અમુક દિવસો દ્વારિકા માં રોકાયા અને આરતી ના સમયે મંદિરમાં હાજર રહ્યા, ભક્તરાજ ને દર રોજ આરતીમાં ઉપસ્થિત જોઈને તેઓ પણ ગદ ગદ બનીને ભગવાન ની સાથો સાથ ભક્તના પણ ચરણોમાં આળોટી પડ્યા.
આ હતા રાજસ્થાન ના ગૌરવ સમા મહાન ચારણ સંત સાંયા જુલા.
જય દ્વારિકેશ.  
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Wednesday, October 10, 2012

કહેવાતા કલાકાર.

   કહેવાતા કલાકાર. 
  પહેલાં ના જમાનામાં સંતો મહંતો, ભક્તો કે કોઈ પણ કલાના મહારથીઓ ને રાજ્ય તરફથી સ્વરક્ષણ અને વર્ષાસન મળતું, કોઈ પણ કલા ભક્તિ કે કાવ્ય રચયિતા ની ત્યારે કદર થતી, શબ્દોની સમજ હતી, વિદ્વાનો વચ્ચે તેની ચર્ચાઓ થતી અને એના અર્થો સમજી વિચારી પચાવી ને પછી ગાનારાઓ ગાતા, અને તેથી તાનસેન જેવા મહાન શાસ્ત્રીય સંગીત ગાનારાઓ ને પણ સાંભળનારા સમજી શકતા, અને મહા કવી કાલિદાસ ને પણ સમજવા વાળા હતા, રચયિતા પર વારી જનારા અને દાદ દેનારા આજે નથી એવું નથી, પણ તેમને સમજવા વાળા અને કાવ્ય ના મર્મને સમજનારા ખાસ રહ્યા હોય એવું લાગતું નથી. જેમકે ફિલ્મિ ગીતો છે "ભોર ભયે પનઘટ પે" કે પછી "મોહે પનઘટ પે નંદ લાલ.." આજે આ સાંભળનારા માં કેટલાને આમાં કાન દેખાય છે? આમાં કેવી ઊંચી વાત કવીએ કહી છે? પણ કેટલાને ખબર છે કે આનો રચનારો કોણ છે? મોરારી બાપુની એક મહાનતા છે કે તેઓ જેપણ કવિની રચના ગાય તેના રચયિતાને જરૂર બિરદાવે, અને બાપુ જેવા પણ જેની નોંધ લેતા હોય તો તે કવિતા કે ભજન કઈ કક્ષાનું હશે? ભલે ને તે ફિલ્મિ હોય, સંગીત સાંભળવા વાળાની સંખ્યા આજે ખુબજ વધી છે, મોબાઈલ ની ભુંગળી કાનમાં ભરાવીને ફરતા કે વાહનોમાં વાગતા ગીતો, જેમાં શબ્દો ઓછા સમજાતા હોય, પણ મોટા મોટા અવાજે ઢમા ઢમ થતું હોય, તેમાં ભાન ભૂલી ને અકસ્માત કરતા આજે અઢળક છે, પણ તેમાં સંગીત ની સમજ કે શબ્દોની ઊંડાઈ હોતીજ નથી. 
  આજે કહેવાતા કલાકારો કે ડાયરામાં બીજાની નકલ કરનારા અકલ નું પ્રદર્શન કરી ને અર્થના અનર્થ કરનારા અનેક લોકો ઝભ્ભો અને સાલનો દુપટ્ટો કરીને પોતાને મહાન ગણાવતા કેટલા ગાયકો નારાયણ બાપુની તરજ અને હાર્મોનિયમ ની છટા થી દૂર રહી શકે છે? અરે નારાયણ બાપુએ તો ભજન ગાયકી ને એક એવી જગ્યા પર લાવી દીધી કે આજના કહેવાતા કલાકારો ને રોટલા રળવાનો રસ્તો મળી ગયો, બાકી સમજ નારા સમજે છે કે આ દીવામાં કેટલું તેલ છે.
 એક સત્ય ઘટના કહું તો એક ઉચ્ચ કોટીના રચયિતા એક ટીવી પ્રોગ્રામ માં ભાગ લેવા પધારેલા, ત્યારે કહેવાતા મહાન ગાયક આજ કલાકાર ની રચના ને એમની સામેજ એવીતો કઢંગી રીતે રજૂ કરી કે જો કોઈ બીજો રચયિતા હોત તો કદાચ ત્યારેજ ઊભો થઈ ને ચાલતો થાત, પણ આતો..... એ મર્યાદા ન ચૂકે, શાંત ચિત્ત આખો પ્રોગ્રામ નત મસ્તકે સાંભળતા રહી ને એ ઝેરનો કટોરો પી લીધો, આ છે મહાનતા, આની જગ્યાએ જો કોઈ જોડકા જેવા ગાયનો જોડી ને પોતાને મોટો ગીતકાર સમજનારો હોત તો જરૂર બબાલ કરત, કારણ કે આવા લોકો ને પાછા બે ચાર બોડી ગાર્ડ જેવા ચમચાઓ વાહ વાહ કરવા સાથેજ હોય છે, જે આવા કપરાં સમયે કામ આવે છે. 
  ઈશ્વર ગાનારાઓને જ્ઞાન અને સાંભળનારા ને સમજ આપે એજ અભ્યર્થના સાથ જય માતાજી.     
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫