Saturday, June 29, 2013

કોણ પરખે ?


કોણ પરખે ?

કોઈ પરખી શકે પરમેશ્વર ને, એ તો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શીશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્તંભ ફાડી ને
એ તો પાપ વધ્યંતું પૃથ્વી ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

શબરી સુગ્રિવ ને કેવટ ની, આરધ અવધેશે ઉરમાં ધરી
પ્રભુ ચૌદ વરસ વનમાં વિચર્યા, આમાં કૈકેયી નું કૌભાંડ નથી...

આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,   મોહન માયા થી દૂર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝેર મીરા ના પી જાણ્યા, "કેદાર" શું તારો દાસ નથી ?...

સાર:- ઈશ્વરની લીલાને પામવી અતિ કઠિન છે, જે ભલ ભલા ભક્તો પણ પામી શકતા નથી તો સામાન્ય માનવીની તો કોઈ હેસિયતજ નથી, પણ કોઇ ભક્ત જો ભાવ સહિત ભક્તિ કરે તો તેને સમજવો જરાય અઘરો નથી.
૧-રાવણ, આજકાલ મારા મસ્તક પર "દેવાધિદેવ મહાદેવ" છવાયેલા રહેછે કારણ કે એ નામની ધારાવાહિક ખૂબ સારી રીતે ચાલી રહીછે, રાવણે એ હદે શિવની તપસ્યા કરી કે એક વખત તો તેણે શિવજીને પોતાના દશ મસ્તક એક પછી એક ભગવાન પર ચડાવી દીધાં અને તેથીજ તે દશાનન કહેવાયો અને શિવજીનો મહાન ભક્ત બની ગયો. પણ તેણે અભિમાનમાં આવીને ભગવાનના ભક્ત વિભીષણ કે જે પોતાનો નાનો ભાઈ હતો તેને લાત મારી દીધી, {જે અહિં મારો કહેવાનો મતલબ છે તે} તેથી રામે રાવણ શિવજીનો પરમ ભક્ત હોવા છતાં તેનો વધ કર્યો. બાકી સીતાજીને છોડાવવા માટે એકલા હનુમાનજી જ પૂરતા હતા.
૨-ભગવાન હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કરીને સ્તંભ માંથી પ્રગટ થયા, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ નો ભાર વઘી જાય ત્યારે ભગવાન કોઇ ને કોઇ રૂપે પાપનો નાસ કરવા પ્રગટ થતા હોય છે, આ બધા કારણો માટેજ ભગવાન નરસિંહ રૂપ ધરીને પધાર્યા ફક્ત પ્રહલાદપરજ ઉપકાર કર્યો એવું નથી.
૩-ભગવાન રામની રાજ્યાભિષેકની તૈયારી થવા લાગી ત્યારે શ્રી રામ કૈકેઇ માતા પાસે જઈને એક ગૂઢ ચર્ચા કરીને માતાને પોતા માટે વનવાસ અને ભરત માટે રાજગાદી પિતાજી પાસે માંગવા મનાવી લેછે,- લાંબી વાત ક્યારેક-ભગવાન રામ અનેક સંતો મહંતો અને ભક્તોના દુખ દૂર કરવા માટે ચૌદ વરસ મટે વનમાં પધારેલા, આમાં કૈકયીનું વચનજ ફક્ત કારણભૂત ન હતું.
૪-ભગવાન ગીતામાં અર્જુનને અનેક રીતે સમજાવેછે કે હે અર્જુન આ બધી મારી માયા છે, અહિં કોઇ તારા સગા નથી કોઇ વડીલ નથી બધાજ માયાના ખેલ છે માટે મોહ તજીને યુદ્ધ કર,પણ એજ ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે માતા યશોદા યાદ આવેછે ત્યારે ત્યારે આડી પડેછે, તો ત્યારે કઈ માયા પ્રભુને રડાવે છે?.
૫-હે મોહન આપે સુરદાસજી, સુદામાજી, મીરાં અને નરસી મહેતા જેવા કંઈક ભક્તોને પાર લગાડી દીધા, હું તો તેમના ચરણોની રજ પણ નથી, પણ તારું નામતો જપુંછુંને? તો તારે થોડી ઘણી તો દયા કરવીજ પડશે.

જય નારાયણ. 

Thursday, June 27, 2013

નંદી મહારજની પીડા.


નંદી મહારજની પીડા.

કેદારનાથની કરુણાંતિકા દરરોજ ટીવી પર જોવા મળેછે, પણ ભગવાનના ભંડાર ને લૂંટનારા નરાધમોની ફક્ત એક ઝલક જોવા મળી પણ પછી તેનો કસોજ ઉલ્લેખ ક્યારેય મેં જોયો નથી, જોકે આવું ભગવાન જીંદગીમાં ક્યારેય ન બતાવે, પણ એ નરાધમોના ચહેરા જગા જગા પર બતાવવા જોઇએ જેથી બધા લોકો તેને ઓળખે, કોઈ પણ ગુનેગારને પોલીસ પકડે ત્યારે મોટા ભાગે તેમના મોં પર કપડું ઓઢાડી દેવામાં આવેછે, મારા મતે તો તેને જાહેર કરવા જોઇએ.

કાલે એવો પણ ઉલ્લેખ થયો કે અરબો ખરબોના માલિક બનીને બેઠેલા ભગવાન[?] ના વ્યવસ્થાપકો દ્વારા વારે તહેવારે મોટા મોટા ઉત્સવો યોજવામાં આવેછે અનેલાખો કરોડોના ખર્ચા કરવામાં આવેછે તે માલેતુજાર ભગવાનના સંચાલકોને આ આપદા સમયે દેવાધી દેવ મહાદેવ ના યાત્રા ધામને અને તેના ભક્તોને મદદ કરવાનું કેમ યાદ આવતું નથી?કે પછી..... જવાદો શું લખવું?

ભગવાન મહાદેવે નંદીને એક વચન આપેલું કે જ્યારે હું સમાધિમાં લીન રહું અને કોઈ મને પ્રાર્થના કરવા માંગતો હોય તો તે જો તારા કાન દ્વારા મને પ્રાર્થના કરશે તો હું જરૂર સાંભળીશ, ત્યાર બાદતો મારા જેવા ઘણા ભગવાનને પ્રાર્થના કરવાને બદલે નંદિના કાનમાંજ પ્રાર્થના કરવા લાગ્યા, પણ કેદારનાથના નંદી મહારાજને એક પથ્થર કષ્ટ આપી રહ્યોછે તેના તરફ કોઈનું ધ્યાન ગયું નથી, હવેતો આ સ્થળ નિર્જન થઈ જશે, તેથી દેવાધી દેવ મહાદેવ નેજ પ્રાર્થના કરવાની રહી કે નાથ નંદી મહારાજને આ પીડા માંથી મુક્ત કરો નહીંતો તે પોતાની પીડા ભૂલીને અમારી પીડા આપ સમક્ષ કેમ રજૂ કરી શકશે?

જય ભોળે નાથ.   

લાલા ની લીલા


  લાલા ની લીલા

પ્રભુ ના કાર્ય છે એવા, સમજ માં ક્યાં એ આવે છે
કરે લીલા જે લટકાળો, માનવ ક્યાં પાર પામે છે..

પૂર્યાં પટ પાંચાળી કેરાં, ભીતરની ભક્તિ ભાળી ને
ચોરી ને ચિર ગોપી ના,  પ્રભુ પરદા હટાવે છે..૧

છે પામે એક અદકેરું,  બીજાને અન્ન ના ફાકા
મળે છે કર્મ સંજોગે,  ભ્રમિત ને ભૂલ ભાસે છે...૨

કીડી ને કણ નો દેનારો, માતંગ ને મણ દે મોઢા માં
કર્મહીણ ને પડે સાસા,   પૂરવ ના પાપ બોલે છે...૩

કરે સંહાર કે સર્જન,  કીધાં વિનાશ કે સેવન
નિયંતા એ જગત કેરો, જગત સમભાર રાખે છે..૪

છે આપ્યું એક નજરાણું,  માનવને મુક્ત થાવાનું
સમજદારી થી જો સમરે,   ચોરાસી પાર પામે છે...૫

દયા "કેદાર" પર રાખી, ભવો ભવ મનુજ તન દેજો
હરિ ના નામ લેવાની,   ગરજ બસ એક રાખે છે...૬

સાર-ભગવાનની એવી માયા છે કે તે સમજવી અતિ કઠિન છે, એ જે લીલા કરેછે તે કોઈ પાર પામી શકતું નથી.

૧-કૃષ્ણ ભગવાને પાંડવોની સભામાં દોડી જઈને દ્રૌપદીના ચિર પૂર્યાં, કરણ કે દ્રૌપદીએ અંતરથી ભગવાનને પ્રાર્થના કરી કે નાથ હવે આવીજાવ નહીંતો મારી લાજ જશે, અને દ્વારકાધીશ દોડ્યા. જ્યારે ગોપીઓના ચિર હરણ કરીને લાલો બતાવેછે કે મારી ભક્તિ કરવી હોય તો કોઈ પરદો હોવો ન જોઈએ, ચિર તો પ્રતીક છે,બાકી વાતતો અંતરના પરદાની છે.

૨-આપણે જોઈએં છીએ કે એક સમ કક્ષ માનવીને જે મળેછે તે બીજાને અનેક ગણું હોયછે, ત્યારે આપણને ભગવાનનો ભેદ ભાવ દેખાયછે, પણ એતો બધું પૂર્વના કર્મોના પ્રતાપે મળતું હોયછે. આપણા માટે એ ભ્રમણા છે કે આમ કેમ?    

૩-ઈશ્વર હાથીને મણ અને કીડીને કણ આપેછે, પણ ઘણા અભાગી લોકો પેટભર ખોરાક પામી નથી શકતા, પણ આ પણ પૂર્વના કર્મોના હિસાબે મળેછે, ઈશ્વર કદી ભેદભાવ કરતો નથી.

૪-મહા ભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે પાર્થને ગીતાનું જ્ઞાન આપીને કૌરવો સાથે યુદ્ધ કરાવીને કૈંક માનવોનો સંહાર કરાવ્યો, તો બીજી બાજુ એક ટિટોડી ના બચ્ચાને હાથીના ગળાનો ઘંટ ઢાંકીને બચાવ્યા, ત્યારે જરૂર વિમાસણ થાય, પણ આ બધું ભગવાન જીવ માત્રનું નિયંત્રણ કરવા માટે અને જગતને સમ ભાર રાખવા માટે કરેછે. 

૫-જીવ અને જીવન તો પ્રભુએ બધાને આપ્યું છે, પણ માનવીને એક અદકેરી બક્ષિસ આપીછે, અને તે છે વાણી, જો માનવ આ વાણીનો સદ ઉપયોગ કરીને ભજન કરે તો ચોરાસી લાખ યોની માંથી મુક્ત થઈ શકેછે, પણ ગમાર જીવ ખોટા ખોટા ભાષણો ભરડીને આ મોકો ગુમાવી દેછે. 

૬-પણ હે નાથ મારાપર એક ઉપકાર આપે કરવોજ પડશે, મને મોક્ષની ખેવના નથી, પણ શર્ત એ કે મને ભવે ભવ માનવ જન્મ આપીને આપના ગુણ ગાન કરવાનો ભરપૂર મોકો આપજે. 

જય નારાયણ.
ફોટો ગુગલના સહયોગથી.

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

Wednesday, June 26, 2013

કરુણાંતિકા


કરુણાંતિકા 

   આજ કાલ ટી વી માં ફક્ત અને ફક્ત ચાર ધામ યાત્રાના સમાચાર અને રાત્રે પાછી દેવો કે દેવ મહાદેવ સીરીયલ મોટા ભાગે મારા જેવા લોકો જોતા હશે અને આજના સંતો મહંતો અને પાપી પાખંડી અને નરાધમોને જોઈને વિચારતા હશે કે આ મહા પ્રલય જેવા ભગવાન આશુતોષ કે જે ભાગ્યેજ ક્રોધ કરતા હોયછે, તેના ક્રોધ ને પણ અવગણીને કેવા કેવા કુ કર્મો કરેછે તે જોઈને આજના આવા માનવને કદાચ રાક્ષસ કહેવો તે રાક્ષસ ગણનો અપરાધ ગણાશે. કારણ કે ઉપરોક્ત સીરીયલ માં રાક્ષસોનું જે વર્ણન જોવા મળેછે કે શાસ્ત્રોમાં પણ વાંચવા મળેછે તે આ નરાધમો જેટલું નિમ્ન તો ભાગ્યેજ હોય છે, જોકે અપવાદતો દરેક જગ્યાએ હોયછે.
ગામડાના સાધારણ લોકો પોતાની આજીવિકાના ટાંચા સંગ્રહનો વિચાર કર્યા વિના યાત્રાળુને જમાડે તો સામે કોઈ કોઈ હેલીકોપ્ટરમાં નંબર લગાવવા માટે રૂપિયા ઉઘરાવે, કોઈ સાધુજન કે સમાજસેવી અનેક અગવડો ભોગવીને સેવા કરવા ક્યાંના ક્યાંથી સામે આવે તો સામા પક્ષે સાધુના વેશમાં લુટારાઓ ખુદ ભગવાનનેજ લૂંટે, કેવી કરુણાંતિકા. રાજકારણીઓ કોઇ કોઇ સેવા કરવા દોડે તો સામે પક્ષના તેમને તક સાધુ ગણાવીને ઉતારી પાડવાની કોઈજ તક જવા ન દે, સલામ તો કરવી પડશે એ મારા ભારતીય જવાનોને કે જે કંઈ પણ જોયા વિના સેવામાં એવા પરોવાયેલા લાગેછે જાણે પોતાનાં આત્મજનો આમાં ફસાયા હોય અને તેને સહાય કરતા હોય, એક જવાન નો પોતાનો જ ભાઈ મળતો ન હોવા છતાં તેના કાર્યમાં જરાએ ઢીલાશ દેખાતી ન હતી, આવા મહા માનવોના કારણેજ આજે આપણે ગર્વ અનુભવી શકીએ છીએ. હજારો હજારો ધન્યવાદ ભાઈ તને, તારો ભાઇ મળેજ.

આજે મને નંદી મહારાજનું એક એવું ચિત્ર મૂકવાની પ્રેરણા થઈછે કે જે ભોળા નાથને ઉંચુ મસ્તક કરીને જાણે કહેતા હોય કે બાબા , આજે મારા મૂખ પર આ સિંદૂર લાગેલું નથી લાગતું પણ આપના અનેક અનેક ભક્તો કે જે આપના દર્શન કરવા આવેલા તેમનું રક્ત જાણે મારા મૂખ પર લાગી ગયું છે, જે મને મારા કાનમાં આપને સંદેશો આપવા આવેલા, આપેજ મને આ વરદાન આપેલું પણ સાથે સાથે એ વરદાન રક્ત રંજીત પણ હશે તે મને ખબર ન હતી, મહાદેવ હવે ક્ષમા કરો અને આપના પ્યારાં ભક્તોને વધારે કષ્ટ ન આપતાં પોત પોતાના વતન પહોંચાડો, નહીંતો આપના પરથી નબળા લોકોની શ્રદ્ધા ડગી જશે.
જય કેદારનાથ.

હરિના કપટ

હરિના કપટ 

કપટ કેવાં હરિ કરતો, બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,   વળી  હિસાબ દેવા ના...

સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,   છે ચોર્યા ચિર ગોપી ના...૧

અધિક આપે તું પાપી ને,   મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના...૨

મહા કાયોને પણ મળતાં,  ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના...૩

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  ભરખતાં બાળ પોતાના...૪

રંજાડે રંક જનને કાં,   બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  જો તારી મરજી વિના ના..૫

દયા "કેદાર" પર રાખી, ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,   પ્રભુ તુજ ગાન કરવામાં...૬

                --સાખી--

ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ, હવેના દાણ ચોરે છે..

ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું
રમાડ્યા રાસ છે કાને,   હવે નટીઓ નચાવે છે..

સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?  

૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?

૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.

૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.
પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.

૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે. 

૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.

૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.
જય નારાયણ. 

તા.ક.- મિત્રો આપને મારી આ રચના કેવી લાગી તે જરૂર લખજો અને એક બીજી વાત, આ ભજનના જવાબ જેવું  બીજું ભજન કાલે મુકીસ જે ખાસ વાંચજો. 

ફોટો ગુગલના સહયોગથી.


Thursday, June 20, 2013

કેદારનાથ


જીવનમાં ક્યારેક ક્યારેક એવા એવા પ્રસંગો બનતા હોય છે જેને આપણે માઈલ સ્ટોન કહીએ છીએ, પણ મારા જીવનમાં એક એવો લહાવો મળ્યો જેને હું માઈલ સ્ટોન નહીં પણ લાઇફ સ્ટોન કહીશ, કારણ કે આવું ફરીવાર બનવું/ બિજો આવો લાઈફ સ્ટોન આવવો મારા માટે અશક્યજ છે.

ઘણા સમય પહેલાં મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલા ના પ્રતાપે તેમના મિત્ર મંડળ સાથે હિમાલયની યાત્રા કરવાનો અને બદરીનાથ ધામમાં મોરારી બાપુની કથા સાંભળવાનો મોકો મળેલો, ખાનગી મીની બસ અને મોટરકાર દ્વારા ધરતી પરના સ્વર્ગનો સાક્ષાત્કાર કરવાનો અમૂલ્ય લહાવો ત્યારે મળેલો. જેની યાદગીરી મેં ફોટા રૂપે જીવની જેમ સાંચવી રાખી છે. આમતો કાશ્મીર ને ધરતી પરનું સ્વર્ગ કહેછે, પણ કોઈ મોટા મહાલયમાં  અનેક ખંડો હોય, બેઠક ખંડ, જમવાનો ખંડ,સુવાનો ખંડ, બહાર મોટો બગીચો હોય, એમ મને લાગેછે કાશ્મીર ભગવાનનો બગીચો હોય, તો હિમાલય માં બેઠક, કૈલાસમાં પૂજા ખંડ,{સમાધિ}  માન સરોવર સ્વિમીંગ પુલ, અમરનાથ વાતાનુકૂલિત સત્સંગ ખંડ જ્યાં શિવજીએ પાર્વતીજીને અમર કથા સંભળાવેલી, આમ આ સ્વર્ગનાજ અલગ અલગ ખંડ હોય એમજ લાગેને?  એમાં બદરીનાથ, કેદારનાથના દર્શન કરીને લાગ્યું કે આ જીવન સફળ થઈ ગયું. કુદરતે  ખુલ્લા મનથી વરસાવેલી સુંદરતા જોઈને થયું કે આનાથી સુંદર કંઈ હોઈ શકે?

પણ આજે એજ કુદરત ના કોપથી એજ સ્વર્ગ સમાન ભૂમિને ટી વી પર ધ્વસ્ત થયેલી જોઈને જે લાગણી જનમી તે લખવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી, એજ કેદારનાથનું મંદિર, એજ ભૂમી જોઈને ઈશ્વર ધારે તો શું નુ શું કરી શકે તે જાણે પામર માનવીને બતાવી દેવા, અને જો કુદરત સાથે છેડ છાડ કરશો તો આટલી વાર છે એવો જાણે ડારો દેતા હોય તેવું દ્ગશ્ય જોઈને કાળજું કાંપી ઊઠ્યું, સાથે સાથે મંદિરની છબી જોઈને જાણે એ પણ કહેતા હોય કે આ છે મારી હોવાની સાબિતી, આવા ભયંકર ભૂસ્ખલન વચ્ચે અડીખમ ઊભેલા મંદિરને જોઈને બીજું શું વિચારી શકાય?

ઈશ્વર જીવ માત્ર અને ઘાયલ લોકોને યથા યોગ્ય શાંતિ અને સહન કરવાની ક્ષમતા આપે એજ અભ્યર્થના.

જય કેદારનાથ બાબા.

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
dinvani.wordpress.com
kedarsinhjim@gmail.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

Monday, June 17, 2013

નિરભિમાની નારાયણ સ્વામી


નિરભિમાની નારાયણ સ્વામી

પ. પુ. બ્રહ્મ લીન નારાયણ નંદ સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા છે. દેશ વિદેશમાં અનેક ડાયરાઓ કરીને આપણી ભજન ગાયકીને એક અવ્વલ દરજ્જો અપાવનાર આ સંત સમાન મહા માનવને ઘણા લોકો મૂડી/ગુસ્સૈલ/ઘમંડી જેવા અનેક ખોટા બારૂદ આપી ચૂક્યાછે, જોકે ક્યારેય પણ આ સંતને કોઇ ફરક પડ્યો નથી, અને આવુંતો અનાદિ કાળથી ચાલ્યું આવેછે, આવા લોકોએ ભગવાનને પણ ક્યાં છોડ્યા છે? અરે મનેતો ત્યાં સુધી લાગેછે કે આ નારાયણે કેટલાએ ગાયકોને, {ભજનિક નહીં} કે જે ફક્ત નારાયણ બાપુની નકલજ કરી શકેછે, જેમાં પોતાનો ફક્ત અવાજ સિવાય કશું હોતું નથી, શબ્દોની જાણ હોતી નથી, જે પૈસા ખાતર ગાતા હોયછે, અને પાછા પોતાને કેવાએ મહાન કલાકાર માનતા હોય છે, તેવા ગાયકોને ભજન ગાવાનો રાહ બતાવીને રોટલા રળતા કરી દીધા, અને જેને ખરે ખર ભગવાનની આરાધના કરવીછે તેને ભગવાન પાછળ ઘેલા ઘેલા કરી દીધા.

આજે મારે આ વિચક્ષણ નારાયણ બાપુની ઘણા સમય પહેલાં તેમનાજ એક અંતેવાસી પાંસેથી સાંભળેલી વાત કરવી છે.

જામનગર બાજુના કોઇ ધાર્મિક સંસ્થાન માં નારાયણ બાપુનો રામ ભાવ ભાજન નો કાર્યક્રમ હતો, મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવીને બાપુની મંડળી વહેલી સવારે આમરણ ના મારગે રવાના થઈ, એ વખતે રસ્તા ખાસ સારા ન હતા, અને વાહનો પણ રાત્રિના ભાગેતો જવલ્લેજ નીકળે. ધીમે ધીમે બાપુની એમ્બેસેડર ગાડી ચાલતી હતી ત્યાં આગળના ટાયરમાં પંચર થયું. ગાડીની લાઈટ અને હાથ બત્તી ની મદદથી પૈડું બદલ્યું પણ ચાલકે બાપુને કહ્યું કે બાપુ, હજુ સારો રોડ આવવાને વાર છે, અને જો હવે બીજા પૈડામાં પંચર થશે તો આપણે અટકી જશું, માટે જે કોઈ પહેલી સગવડ મળે ત્યાં પંચર ઠીક કરાવીને પછીજ આગળ વધીએ, આ વાતમાં બધા સહમત થયા, આગળ જતાં એક નાનું એવું ગામ આવ્યું {આજે મને એ ગામનું નામ યાદ નથી.}  ત્યાં એક ગ્રામજન હાથમાં ડંડો લઈને જંગલથી પાછો ફરતો દેખાયો, સામાન્ય દેખાવ, ગરીબી ચાડી ખાતી હતી, તેને રોકીને પંચર બાબત વાત કરતાં નારાયણ બાપુને જોઈને એતો ઘેલો ઘેલો થઈ ગયો, તેણે કહ્યું કે ભાઈ, બાજુની વાડીમાં એક ભાઈ પંચર બનાવેછે, ત્યાં જવું પડશે, આપ મારી નાની એવી ખોલીમાં પધારો હું કંઈક વ્યવસ્થા કરુંછું.

બાપુ માટે બાજુ વાળાને ત્યાંથી ખાટલા અને ગાદલા મંગાવ્યા ત્યાંતો જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ આખું ગામ જાગી ગયું અને નારાયણ બાપુ પધાર્યાછે તેનો જાણે ઢંઢેરો પિટાઈ ગયો અને બધા બાપુની સામે બેસી ગયા. ચા અને રોટલાના શિરામણ આવી ગયા, અલક મલકની વાતો કરતાં કરતાં બાપુ કહે "અરે ભાઇ આપણી પેટી { હાર્મોનિયમ} ગાડીમાં જતી રહી નહીંતો બે ચાર વાણી ગાત," એક ભાઇ દોડીને ભાંગી તૂટી પેટી લઈ આવ્યો, બાપુએ મજાક કરી "ભાઈ મારા કોઇ ડાયરામાં મેં આવી સરસ પેટી વગાડી નથી." ધીરે ધીરે એ પેટીના સથવારે બાપુએ ભજનની શરૂઆત કરી, જેમ જેમ ખબર પડતી ગઈ આજુ બાજુના લોકો પણ આવવા લાગ્યા, બાપુને પણ આનંદ આવવા લાગ્યો, ગાડીતો પંચર બનાવીને આવી ગઈ પણ બાપુને એવી રંગત લાગી કે બપોરના બાર વાગ્યા તે પણ ખબર નથી. ગામ લોકો વિચારવા લાગ્યાકે બપોરાનો {બપોરનું ભોજન} સમય થવા આવ્યો છે, જલદી કંઈક વ્યવસ્થા કરીએ, દોડા દોડી કરીને ભોજન બન્યા પછી બાપુના સંગાથીને વાત કરી ત્યારે બાપુના ભજન રોકાયા, ગામ લોકોની ભાવના જોઈને બાપુએ બપોરા કર્યા.

જમ્યા પછી થોડી વામકુક્ષિતો કરવીજ પડે? કેમકે આખી રાતનો ઉજાગરો હતો, પાંચ વાગતા વાર ન લાગી, બાપુ જાગ્યા ત્યાંતો યથા યોગ્ય ચા નાસ્તાની વ્યવસ્થા ગામ લોકોએ કરી દીધી, વાતો કરતાં કરતાં ચોરે ઝાલરનો સમય થઈ ગયો, દર્શન કરી ને નીકળતી વખતે ગામ લોકો તો ભાવ વિભોર હતાજ પણ બાપુએ ભાવાવેશમાં આવી ગયા, ગદ ગદ કંઠે બોલ્યા કે મેં અનેક ઠેકાણે મહેમાનગતી માણીછે પણ આજની મહેમાનગતી તો કાયમ યાદ રહેશે. 

બાપુ આ પ્રસંગ હકડેઠઠ જામેલી ડાયરાની મેદની વચ્ચે અનેક વખત બોલ્યાછે.

આ છે  નિરભિમાની નારાયણ સ્વામી. 

આવા તો અનેક કિસ્સાઓ સંતો મહંતો ના હોય છે, યાદ આવ્યે લખતો રહીશ.
જય નારાયણ.        

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Saturday, June 15, 2013

ગોવિંદ ગાન


ગોવિંદ ગાન

ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મુખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા...

માનુષ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું પરમ પદ કો પાયે જા...

દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા...

હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

દીન કે તું દિનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો "કેદાર" કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા 

સાર-પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન સાંભળવા મળતી, જેના બોલ હતા.
ગોવિંદ કે ગુન ગાયે જા ઓર પંથ તેરા બઢાયે જા, 
વો ખુદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા...

આ બે જ લાઇન સાંભળીને કંઈક ખૂટતું હોય તેમ લાગતું, થતું કે કેવા સરસ બોલ છે? આ રચના આગળ પણ હશે કે પછી આટલુંજ હશે? તેથી તેને પૂર્ણ સાંભળવાની ઇચ્છા થતી. પણ ક્યાંથી શોધવી? અંતે ઈશ્વર કૃપાથી એ અધૂરાસ પૂર્ણ કરવા પ્રભુએ પ્રેરણા કરી અને મારા થકી મારા વિચાર પ્રમાણે બની ગઈ આ રચના.

 કે હે માનવ તું સંસારના મોહ માંથી મન હટાવિલે અને પ્રભુ ભક્તિમાં લીન થઈ જા. ઈશ્વરે કેવી મોટી તારા પર મહેર કરીછે? તને માણસનો અવતાર આપીને તારા નિર્વાહની બધી જવાબદારી પોતા પર લઈ લીધીછે, અને તને મોક્ષ જેવું પરમ પદ મળે તેવા બધાજ દરવાજા તારા માટે ખુલ્લા રાખ્યા છે.

આપણાં શાસ્ત્રો મુજબ જીવ જ્યારે શિવ તત્વથી અલગ થયા પછી ૮૪, લાખ યોની માંથી ઈશ્વરે બનાવેલા નિયમોનું પાલન કરતાં કરતાં પસાર થઈ જાયતો તેને ફરીને શિવ તત્વમાં લીન થવાનો મોકો મળેછે, પણ જો કોઈ ભૂલ કરે તો તેના પરિણામ સ્વરૂપે અમુક જન્મો ફરીથી ભોગવવા પડેછે. દરેક જીવને મુખ, જીભ જેવા અંગો આપ્યાછે, પણ તને મનુષ્ય બનાવીને એક વધારે ઉપકાર એ કર્યો છે કે તને વાચા આપીછે, વિચારવા માટે જ્ઞાન સભર મન આપ્યુંછે, માટે હે જીવ તું ઈશ્વરનું ભજન કર અને બીજા લોકોને પણ તેમાં સામેલ કર અને પરમ પદને પામવા માટે પ્રયાસ કર.

 જ્યારે ઈશ્વરે તને આવો સરસ મોકો આપ્યોછે, તો બસ ઈશ્વર મય બનીજા, શ્વાસે શ્વાસે તેનું સમરણ કર, દરેક જીવનું લક્ષ તો ફરીને શિવ સાથે એકાકાર થવાનું હોયછે, પણ આ જગતની માયામાં વીટળાઇને પોતાનું લક્ષ ગુમાવીદેછે, પણ તું એ માયાને છોડીને ભજન કર અને તારું પદ પામીલે.

હે નાથ, આપતો ગરીબના બેલી છો, દેવો ના દેવછો, તો પ્રભુ હૂંતો આપનો વદા માંગણ, સદાય આપનો દાસ, આપનાથી અળગો કેમ રાખી શકો? બસ આપના શરણમાં લઈલો એજ અભ્યર્થના. 

ફોટો-ગુગલના સહયોગથી સાભાર.
    
રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

                               વો કલરવ કહાં ગયા?                                                                     

વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
બોજ ઢો રહી ગધે કી ભાંતી,   દેશ કી ઉજ્વલ આશા...

નીંદ કે મારે આધે શહર ને, છોડા નહિ થા બિસ્તર
નન્હા ફૂલ તબ દૌડ રહાથા,    ઠુંસકે પુસ્તક દફતર..

દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
બાલ ચરિત્ર કા હનન કરે જો,  કૈસી પઢાઈ યે આઇ..

ભોર ભયે કભી તરુવર પર નિત, ચીડિયાં ચેહકા કરતી
ઘર આંગનમેં માસૂમ ટોલી,   કિલકારી થી કરતી...

ગોટી લખોટી ગિલ્લી ડંડા,  છુપા છૂપી સબ છુટા
ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

ભૈડ બકરીસા ભરકર બાલક,  દૌડતી ઓટો રિક્ષા
પાઠ શાલાસે ટ્યૂશન ભાગે,    શિક્ષા હે યા પરીક્ષા..

જીસકી નહિ જરૂરત ઐસે,  વિષય ઉસે ના પઢાવો
યે કુદરત કી અમૂલ્ય દેન હે,  યંત્ર ના ઉસે બનવો...

ભોલાપન ઉસકા મત છીનો,  કુછ કરો ઉનપર ભી દયા
"કેદાર" કહીં ના પ્રશ્ન યે ઉભરે, "વો કલરવ કહાં ગયા"?...

સાર:-વહેલી સવારે મોર્નિંગ વોક પર જતાં એક વિદ્યામંદિર ની પાસેથી પસાર થતી વેળાએ મેં જોયું તો નાના નાના ભુલકાઓ માલ વાહક ગધેડાઓ ની માફક પુસ્તકો ઠાંસી ઠાંસી દફતર નો ભાર ઊપાડી ને ભણવા જઈ રહ્યા હતા, અમારા જેવા ચાલવા જનારાઓ સિવાય હજુતો મોટા ભાગે લોકો પથારીમાં જ પડ્યા હશે, ત્યારે આ ભુલકાઓ ને જોતાં મને ખૂબ દુખ થયું કે કેવી ભણતર ની પધ્ધતિ આવી છે કે જે બાળકો નું બાળપણ છીનવી રહી છે. 
એક જમાનો હતો, સવાર ના પહોરમાં જ્યારે પક્ષીઓ વૃક્ષ ની ડાળીઓ પર કિલકારી કરતાં, બાળકો શેરી ગલીઓમાં ભેળા મળી ને ગિલ્લી ડંડા કે લખોટી જેવી રમતો કે આંધરો પાટો જેવી રમતો રમતા, ત્યારે તેમને યોગા કે કસરત અલગ થી કરવાની જરૂર ન પડતી, કે કોઈ યોગ ગુરુ ની પણ શિબિર ભરવા જવું ન પડતું, કે કોઈ જિમ માં જઈને શરીર ને સુદ્દઢ બનાવવા સમય કાઢી ને નાણા ખરચવા ન પડતા.
જ્યારે આજે ? ઓવર લોડેડ વાહનો માં જેમ ઠાંસી ઠાંસીને માલ ભરાય છે તેમ રિક્ષાઓ કે અન્ય વાહનો માં બાળકો ને ભરીને ભયાવહ રીતે વહન કરાય છે. અને એની માસૂમિયત જે વિષય ની તેને કદાચ ક્યારેય પણ જરૂર પડવાની નથી તેવા અનેક ફાલતુ વિષયો ના બોજ નીચે કચડાઈ જાય છે. જેને ડૉક્ટર કે વૈજ્ઞાનીક બનવું હોય તેને બળવાની તારીખો યાદ કરી ને સમય વેડફવો શા કામનો ? એના બદલે એટલો સમય પોતાના જોઇતા વિષયો ભણવામાં વિતાવે તો તે વધારે સારું પરિણામ લાવી શકે, અને ઉચ્ચ કોટી નો ડૉક્ટર કે વૈજ્ઞાનીક બની શકે. એજ રીતે જો દરેક જોઈતાજ વિષયો ભણાવાય તો મારા ભારતીય બાળકોને વિદેશ માં કહેવાતી ઉચ્ચ શિક્ષા લેવા જવું ન પડે, પણ વિદેશીઓ અહીં ભણવા આવે અને ઈશ્વરની આ બચપણ રૂપી ભેટ ને યંત્ર ન બનાવતાં એવી રીતે કેળવવી જોઈએ કે ક્યારેય કોઈ ને પસ્તાવાનો વારો ન આવે કે "વો કલરવ કહાં ગયા?"   


સારંગધર ની સાખી.


સારંગધર ની સાખી.

પ.પુ. મોરારી બાપુની કથામાંથી સાંભળેલી એક વાત કે જે આ બ્લોગના મિત્રો માંથી ઘણાએ ન પણ સાંભળી હોય તો તેમના માટે મારી યાદ શક્તિ મુજબ રજૂ કરુંછું.

એક સમયે આખા ભારતનો પ્રવાસ કરવા નીકળેલા કાશીના એક વિદ્વાન પંડિત રસ્તામાં આવતા રજવાડામાં પધારે અને તે રજવાડાના કોઈ પણ જ્ઞાની જન સાથે શાસ્ત્રાર્થ કરે, અને શરત એવી રાખે કે જો પોતે જીતે તો તેમને રાજ્ય તરફથી એક અમુક વજન ની સોનાની ગાય ભેટમાં આપવી, અને જો તેઓ હારી જાય તો તેમના પાસેની બધી સોનાની ગાયો સામેના પ્રતિસ્પર્ધી ને ભેટમાં આપીદે. એ જમાનામાં કોઇ પણ રાજ્ય પોતાની શાખ ખાતર આવી સ્પર્ધામાં ન ઉતરવાનુંતો વિચારી પણ ન શકતા, તેથી સ્પર્ધા તો જરૂર થતી.

આમ ફરતા ફરતા આ પંડિતજી જામનગર રાજ્યમાં પધાર્યા, મોટા ભાગે દરેક રાજ્યમાં દરેક ક્ષેત્રના જ્ઞાની લોકોને રાજ્ય તરફથી તેમની વિદ્વતાના બદલામાં યોગ્ય વર્ષાસન મળતું જેમાંથી તેમનું ગુજરાન ચાલતું, અને મોભો પણ જળવાતો.

આ પંડિતજીએ ભર સભામાં પોતાની શરત જાહેર કરી અને જણાવ્યું કે રાજન, આપના રાજ્યનો હું મહેમાન બન્યો છું તેથી પ્રથમ પ્રશ્ન આપના રાજ્ય તરફથી જેપણ મારી સામે શાસ્ત્રાર્થ કરવા પધારશે તેને પૂછવાનો હક્ક રહેશે, કોઇ પણ ક્ષેત્રનો અને કોઇ પણ વિષયનો અને દુનિયા ની કોઇ પણ ભાષાનો પ્રશ્ન પૂછી શકાશે, જેનો જવાબ હું આપીશ ત્યાર બાદ હું પ્રશ્ન પૂછીશ, આમ એક પછી એક પ્રશ્નોતરી થતી રહેશે, છેલ્લે જે જવાબ આપી નહીં શકે તે હાર્યો ગણાશે.

જામનગર રાજ્યના વિદ્વાનો વિચારવા લાગ્યા કે આ કેવો મહાન જ્ઞાની હશે જે કૂઇ પણ વિષય અને કૂઇ પણ ભાષા વિષે પૂછવા કહેછે, બધા ખૂબ મુંજાવા લાગતા જોઈને પંડિતજીએ કહ્યું કે આપ ચિંતા ન કરશો આપને પૂરે પૂરો સમય આપવામાં આવશે, જ્યાં સુધી આપ કોઇ મારી સામે શાસ્ત્રાર્થ કરવા તૈયારી નહીં થાવ ત્યાં સુધી રાજ્ય તરફથી મને યોગ્ય સન્માન સાથે રહેવાની અને મારા ભોજન વગેરે જરૂરતની સગવડ રાજ્યે કરવાની રહેશે.

એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ સમય વીતવા લાગ્યો, રાજ તરફથી પંડિતો પર દબાણ વધવા લાગ્યું કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ રાજ્યની આબરૂ ઘટતી જશે કે આવડા મોટા રાજ્યમાં એક પણ પંડિત જવાબ આપી શકે તેવો જ્ઞાની નથી.

આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે કોઇ મહા જ્ઞાની પંડિત આવ્યાછે તેનો કોઇ સામનો કરી શકતું નથી. સમય પસાર થતો ગયો તેમ તેમ બધે ચિંતા ફેલાવા લાગી કે આપણા રાજ્યની આબરૂ જઈ રહીછે.

જામનગરની બાજુમાં એક નાનું એવું ગામ, ત્યાં એક ગરીબ બ્રાહ્મણ નામે સારંગધર ખેતી કરે, ભગવાન માં અખૂટ વિશ્વાસ, તેને આ ખબર પડી તો ગામના આગેવાન પાસે જઈને વાત કરી કે આપણા રાજ્યના પંડિતો જવાબ આપવા સક્ષમ ન હોય તો હું એ પંડિતજી સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયારછું, રાજ્યની આબરૂ મારા માટે પણ એટલીજ મહત્વની છે જેટલી આપણા પંડિતોની.

ગામના આગેવાને જામનગર જઈને રાજ સભામાં આ ગરીબ બ્રાહ્મણની વાત કરી, જામનગરના મહારાજાએ રાજ્યના પંડિતોને શું કરવું તે બાબત પૂછ્યું તો બધાએ વિચાર્યું કે કરવાદોને, આપણા પરથી ભાર ઉતરી જશે, હારી જશે તો કહેવા થશે કે આતો આપે આગ્રહ કર્યો બાકી આવા માણસ ને શાસ્ત્રાર્થ કરવા થોડો બેસાડાય? અને જો જીતી જશે તો કહેવા થશે કે જો આવો સામાન્ય બ્રાહ્મણ જીતી શકતો હોય તો અમેતો શુંનું શું કરી શકીએ.

રાજ્ય તરફથી અનુમતિ મળતાં શાસ્ત્રાર્થની તૈયારી થઈ, સામ સામે બે આસન ગોઠવાયા, પેલા પંડિતજીએ ઉભા થઈને સારંગધરને હાથ જોડીને પ્રણામ કર્યા, સારંગધર કહેવા લાગ્યા કે આપ જેવા જ્ઞાની મને હાથ જોડે તે યોગ્ય ન લાગે ત્યારે પેલા પંડિતજીએ નમ્ર ભાવે કહ્યું કે આપ મારી સામે શાસ્ત્રાર્થ કરવા બેઠાછો માટે સમકક્ષ છો પણ ઉમરમાં આપ મારાથી મોટા છો તેથી મારા વડીલ છો તેથી મારે વંદન કરવા જોઈએ, {કેવો મહાન વ્યક્તિ?} અને  પહેલો પ્રશ્ન પણ આપનેજ પૂછવાનો હક્ક છે.    

સારંગધરે સભા જનો અને જામનગરના મહારાજાને પ્રશ્ન પૂછવા માટેની અનુમતિ માંગી, સર્વે લોકો મનો મન હાર સ્વીકારવાની તૈયારી રાખીનેજ બેઠેલા, કારણ કે એક સામાન્ય ખેતી કરતો બ્રાહ્મણ આ પ્રખર જ્ઞાની પંડિતને જીતે એવું તો કોઈએ વિચારેલુંજ નહીં. 

પંડિતજીના આગ્રહને વશ સારંગધર પ્રશ્ન પૂછતાં પહેલાં ઈશ્વર અને સર્વે જન મેદનીને પ્રણામ કરીને નમ્રતા સાથે પંડિતજીને કહ્યું, પંડિતજી હૂંતો એક ગરીબ સામાન્ય ખેતી કરતો અભણ માણસ છું એટલે મને શાસ્ત્રમાં વધારે ખબર નપડે, શું હું ખેતીને લગતો કોઈ પ્રશ્ન પૂછી શકું? પંડિતજીએ નમ્રતાથી અનુમતિ આપી એટલે સારંગધરે કહ્યું કે અમો ગામડામાં ભજન ગાઈએં ત્યારે ભજન પહેલાં સાખી બોલીએ તો મારે એક સાખી પુછવીછે, પૂછું ? બધા દરબારી અને ખુદ જામનગર મહારાજા પણ વિચારવા લાગ્યા કે આવા મહાન જ્ઞાની ને એક સાખી પૂછવાની ? આતો તુર્તજ જવાબ આપી દેશે, પણ હવે કંઈ થઈ શકે તેમ ન હતું. પંડિતજીની મંજૂરી મળતાં સારંગધરે પૂછ્યું. "આડી વાગે ઊભી વાગે, વાગે બાળી નાખી,   બાળી નાખી બોલે નહીં, આ સારંગધર ની સાખી" સભાસદો સાખી સાંભળી ને નવાઈ તો પામ્યા કે આ સાખી છેતો નવી પણ આવા પ્રખર પંડિતને  શું નવું લાગે? પણ એ પંડિત પણ વિચારમાં પડી ગયા, તેણે સારંગધરને ફરી એકવાર સાખી બોલવા વિનંતી કરી, સારંગધરે ફરીથી કહું,  "આડી વાગે ઊભી વાગે, વાગે બાળી નાખી,   બાળી નાખી બોલે નહીં, આ સારંગધર ની સાખી"  પણ પંડિતજીના પલ્લે કંઈ ન પડ્યું, સારંગધરે કહ્યું ભુદેવ આપણે કંઈ ઉતાવળ નથી, આપ આરામથી વિચારો, જ્યારે જવાબ મળે ત્યારે કહેજો. પંડિતજીએ ખૂબ ખૂબ વિચાર કર્યો પણ કંઈ સમઝમાં ન આવ્યું, ત્યારે સારંગધર સામે નત મસ્તકે ઉભા રહીને પોતાની હાર સ્વીકારી લીધી. આખા જામનગર રાજ્યમાં વાયુ વેગે આ વાત ફેલાઈ ગઈ, પંડિતજીએ પોતાના પાસે હતી તે સર્વે સોનાની ગાયો સારંગધરના હવાલે કરીને કહ્યું, "ભુદેવ, હું હાર્યો છું તેથી મને હવે આપને કંઈ પૂછવાનો અધિકાર નથી પણ જો આપ દયા કરીને આપના પ્રશ્નનો જવાબ જણાવો તો હું આભારી થઈશ" હવે આ જવાબ સાંભળવા તો આખી મેદની અને ખુદ જામનગર મહારાજા પણ ઉત્સુક હતા,  તેથી સારંગધર કહ્યું કે "ભુદેવ અમે ખેતી કરીએ, ખેતરમાં બોરડી નામે એક ઝાડ થાય અને તેના કાંટા ખૂબ થાય, આ કાંટા અમારે અમારા પાકમાં ફેલાય નહીં અને અમોને વાગે નહીં તેથી કાપવા પડે, પણ એ કાંટા વાઘના નખ જેવા વાંકા હોય અમે કાપવા જઈએ ત્યારે તે આડા પણ વાગે ઊભા પણ વાગે ગમે તેમ કરો પણ ક્યાંકને ક્યાંક તો વાગેજ, તેથી અમો તેને બાળી નાંખીએ, પછી તે કોઈ નુકસાન ન કરે.

સારંગધરનો જવાબ સાંભળીને આખી સભા અને પેલા જ્ઞાની પંડિતજી પણ સ્તબ્ધ થઈ ગયા. કવી શ્રી દુલા ભાયા કાગનું ભજન છેને? "અભણ કેટલું યાદ રાખે, ભણેલા ભૂલી જાય"
જય શ્રી રામ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫