Thursday, June 20, 2013

કેદારનાથ


જીવનમાં ક્યારેક ક્યારેક એવા એવા પ્રસંગો બનતા હોય છે જેને આપણે માઈલ સ્ટોન કહીએ છીએ, પણ મારા જીવનમાં એક એવો લહાવો મળ્યો જેને હું માઈલ સ્ટોન નહીં પણ લાઇફ સ્ટોન કહીશ, કારણ કે આવું ફરીવાર બનવું/ બિજો આવો લાઈફ સ્ટોન આવવો મારા માટે અશક્યજ છે.

ઘણા સમય પહેલાં મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલા ના પ્રતાપે તેમના મિત્ર મંડળ સાથે હિમાલયની યાત્રા કરવાનો અને બદરીનાથ ધામમાં મોરારી બાપુની કથા સાંભળવાનો મોકો મળેલો, ખાનગી મીની બસ અને મોટરકાર દ્વારા ધરતી પરના સ્વર્ગનો સાક્ષાત્કાર કરવાનો અમૂલ્ય લહાવો ત્યારે મળેલો. જેની યાદગીરી મેં ફોટા રૂપે જીવની જેમ સાંચવી રાખી છે. આમતો કાશ્મીર ને ધરતી પરનું સ્વર્ગ કહેછે, પણ કોઈ મોટા મહાલયમાં  અનેક ખંડો હોય, બેઠક ખંડ, જમવાનો ખંડ,સુવાનો ખંડ, બહાર મોટો બગીચો હોય, એમ મને લાગેછે કાશ્મીર ભગવાનનો બગીચો હોય, તો હિમાલય માં બેઠક, કૈલાસમાં પૂજા ખંડ,{સમાધિ}  માન સરોવર સ્વિમીંગ પુલ, અમરનાથ વાતાનુકૂલિત સત્સંગ ખંડ જ્યાં શિવજીએ પાર્વતીજીને અમર કથા સંભળાવેલી, આમ આ સ્વર્ગનાજ અલગ અલગ ખંડ હોય એમજ લાગેને?  એમાં બદરીનાથ, કેદારનાથના દર્શન કરીને લાગ્યું કે આ જીવન સફળ થઈ ગયું. કુદરતે  ખુલ્લા મનથી વરસાવેલી સુંદરતા જોઈને થયું કે આનાથી સુંદર કંઈ હોઈ શકે?

પણ આજે એજ કુદરત ના કોપથી એજ સ્વર્ગ સમાન ભૂમિને ટી વી પર ધ્વસ્ત થયેલી જોઈને જે લાગણી જનમી તે લખવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી, એજ કેદારનાથનું મંદિર, એજ ભૂમી જોઈને ઈશ્વર ધારે તો શું નુ શું કરી શકે તે જાણે પામર માનવીને બતાવી દેવા, અને જો કુદરત સાથે છેડ છાડ કરશો તો આટલી વાર છે એવો જાણે ડારો દેતા હોય તેવું દ્ગશ્ય જોઈને કાળજું કાંપી ઊઠ્યું, સાથે સાથે મંદિરની છબી જોઈને જાણે એ પણ કહેતા હોય કે આ છે મારી હોવાની સાબિતી, આવા ભયંકર ભૂસ્ખલન વચ્ચે અડીખમ ઊભેલા મંદિરને જોઈને બીજું શું વિચારી શકાય?

ઈશ્વર જીવ માત્ર અને ઘાયલ લોકોને યથા યોગ્ય શાંતિ અને સહન કરવાની ક્ષમતા આપે એજ અભ્યર્થના.

જય કેદારનાથ બાબા.

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
dinvani.wordpress.com
kedarsinhjim@gmail.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment