Friday, September 30, 2016

ગરબો-ગૌરી નો લાલો

ગરબો-ગૌરી નો લાલો

ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં, ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો,   ગણ નાયક ભગવાન... 

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો,  ગણ ઈશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારું,  તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન કેદાર જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Thursday, September 29, 2016

શું માંગું ?

શું માંગું ?

હવે પ્રભુ શું માંગું કિરતાર જી.  હરિ તેં તો આપ્યું અપરંપાર...

મહેર કરીને માનવ કુળ માં,  આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી. 
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

આપે અઢળક અમને કે પછી આપે તું ઉત્પાત જી
તારી પ્રસાદી માની પ્રભુજી, સ્વીકારી લઉં સરકાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન" કેદાર " જી.  
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના ભરણ પોષણ માટે અન્ન,જલ અને વાયુ આપ્યા, વળી અન્ન  જલ અને વાયુ ના ઉત્પાદન અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો? વારે વારે સુનામી આવતી હોય તો?  ના, બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ? કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે.  એ વિરાટ પાસે મારા જેવા એક પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના. 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Wednesday, September 28, 2016

શીદ ને ફૂલાય ?

શીદ ને ફૂલાય ?

શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...

આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે.   પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...

દીધેલી વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે.  ભસતો ફરે છે ભાષણો,   જગને ઠગ્યા કરે...

ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે.   કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...

રડતાં હજારો બુદ્ધિ જન, કોઈ મુરખા મજા કરે.    ધનવાનો ના ધામ માં, ક્યાંક નિર્ધન ફૂલ્યા ફરે...

જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે.  પણ-કહેવું પડે છે માનવી ને,  કે-માનવ બન્યા કરે..

આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ?    પણ તેને-બનવું પડે છે માનવી,  ત્યારે નડ્યા કરે..

આપે અધિક જો ઈશ તું, આ દીન પર દયા કરી. તો  " કેદાર " કેરી કામના, તને પલ પલ ભજ્યા કરે..

સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે સાથે એટલું બધું આપ્યું છે કે જેનો 

આપણને ખ્યાલ પણ નથી આવતો.  અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે તેની કિંમત સમજાતી નથી. 

ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં સાવ ઊણો ઊતર્યો છે.

ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે છે.

ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના દુઃખોથી પીડા આપે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં માલિક કરતાં તેના નોકરો નિર્ધન હોવા છતાં સુખ સાહ્યબી ભોગવતા હોય છે.

ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જલમાં રહેનાર, જમીન પર રહેનાર અને આકાશ માં વિહરનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.

ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર ફક્ત માનવ રૂપે જ ધર્યા છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.

હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.

જય શ્રી રામ.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Tuesday, September 27, 2016

શિવ વિવાહ

શિવ વિવાહ

કર ત્રિશૂલ શશી શીશ,  ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો,   બૈઠે જાકે હિમાલા... 

ત્રિ નેત્ર સર્પ કંઠ,   ત્રિપુંડ ભાલ સોહાય .  
સંગ ગિરિજા જટા ગંગ,  સબ જગ લાગે પાય.

પિનાકીન પરણવા ને આવ્યાં રે, મોંઘેરા મહેમાન સાથમાં.  હિમાચલ હરખે ઘેરાયા રે, રહે નહી હૈયું હાથ માં...

જાન આવી ઝાંપે,   લોક સૌ ટાંપે.  મોંઘાં મૂલા મહેમાનો ને મળશું રે,   સામૈયાં કરશું સાથ માં.

આવે જે ઉમા ને વરવા,   હશે કોઈ ગુણિયલ ગરવા. દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે, અનેરાં જનની આશ માં...

ભાળ્યો જ્યાં ભભૂતી ધારી, શિવજી ની સૂરત ન્યારી.  માથે મોટી જટાયું વધારી રે,  વીંટાયો જાણે મૃગ ખાલ માં...

ભસ્મ છે લગાડી અંગે,   ફણીધર રાખ્યા સંગે.  ભેળા ભૂત કરે છે ભેંકારા રે, ગોકીરો આખા ગામ માં...

બળદે સવારી કિધી, ગાંજો ભાંગ પ્યાલી પિધી.   ભાગીરથી ભોળે શીશ પર લીધી રે, સજાવ્યો સોમને સાથ માં...

ગળે મૂંડકા ની માળા,   કંઠે વિષ રાખ્યાં કાળ.  ત્રિનેત્રી આવ્યાં છે ત્રિશૂલ વાળા રે, તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં...

ભૂંડા ભૂત નાચે,      રક્ત માં રાચે.   શિવજીના દેખી નયનો નાચે રે,  બેસાડે લઈ ને બાથ માં...

ભૂતડાને આનંદ આજે,  કરે નાદ અંબર ગાજે.   ડાકલા ને ડમરુ વગાડે રે,  રણશિંગા વાગે સાથ માં... 

આવ્યા મૈયા સ્વાગત કરવા, ભાળ્યા રૂપ શિવ ના વરવા. ભામિની ના ભાવિ ને વિચારે રે, સોંપુ કેમ શિવ ના હાથ માં...

નથી કોઈ માતા તેની,   નથી કોઈ બાંધવ બહેની.  નથી કોઈ પિતાજી ની ઓળખાણુ રે, જનમ્યો છે જોગી કઈ જાત માં...

નથી કોઈ મહેલો બાંધ્યા,   નથી કોઈ સગપણ સાંધ્યા.   નથી કોઈ ઠરવાના ઠેકાણા રે, રહે છે જઈને શ્મશાન માં...

સુખ શું ઉમાને આપે,    ભાળી જ્યાં કલેજાં કાંપે.   સંસારીની રીતો ને શું જાણે રે, રહે જે ભૂત ની સાથ માં...

જાઓ સૌ જાઓ,      સ્વામી ને સમજાવો.   ઉમિયા અભાગી થઈ જાશે રે, જાશે જો જોગી ની જાત માં...

નારદ વદે છે વાણી,  જોગી ને શક્યા નહી જાણી.   ત્રિલોક નો તારણ હારો રે,     આવ્યો છે આપના ધામ માં...

ત્રિપુરારિ તારણ હારો,   દેવાધિ દેવ છે ન્યારો.  નહી જન્મ મરણ કેરો જેને વારો રે,  અજન્મા શિવ પરમાત્મા...

ભામિની ભવાની તમારી,   શિવ કેરી શિવા પ્યારી.  કરો તમે વાતો કૈંક તો વિચારી રે, સમજાવું શિવ રૂપ સાનમાં...

જાણ્યો શિવ મહિમા જ્યારે,  આવ્યો ઉર આનંદ ત્યારે.   દોડ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે, ઝુકાવ્યું શીશ શિવ માન માં....

શિવના સામૈયાં કીધાં,    મોતીડે વધાવી લીધાં.   હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે, બેસાડ્યા શિવ ગણ સાથ માં..

ઉમીયાજી ચોરી ચડિયાં,  શિવ સંગે ફેરા ફર્યા.  ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે, શોભે છે શિવા શિવ સાથ માં...

આનંદ અનેરો આજે,   હિલોળે હિમાળો ગાજે.  " કેદાર " ની કરુણતા એ કેવી રે, ભળ્યો નહી ભૂત ની સાથ માં...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Sunday, September 25, 2016

શિવ ની સમાધિ

શિવ ની સમાધિ
મારી સરવે સમજ થી પરે,  આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..

સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે
દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે...

દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે
કાર્તિક કેરી કીર્તિ સવાઈ,   નવખંડ નમનું કરે...

સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને
ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે...

નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે
સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે...

મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે
" કેદાર " કહે ના ધરી છે સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે.. 
             
સાર:-મેં એક વાત સાંભળે લી કે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેના મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમારા બે માં મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ વિસાત માં ?)   મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં શિવજી પ્રગટ થયા અને બન્નેનો "મોટું કોણ" ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા. 

શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિ, અને બીજો અવતાર જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે. 

મોટા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય ના સેના પતી. એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા. તેથી માતાએ તેમને પહેલાં પરણાવવાનું વચન આપ્યું. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને વિજેતા ઘોસિત થયેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા. 

બીજા પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે યોગ્ય નથી.) જે ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન, જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે,  દેખાવ હાથી જેવો પણ વાહન માં મુષક, જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો, રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન. 

શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે. નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.

કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.

અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.

શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય, અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ’સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ ધ્યાન એ રાખે છે.

જય ભોળા નાથ.  

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Saturday, September 24, 2016

શા કામનું

શા કામનું

જન્મ ધરી ને કંઈ ન કીધું, જીવન તારું શા કામ નું 
હવે દેખી બુઢાપો કરે બળાપો, હવે સમજ્યે શા કામ નું...

જુવાની જોશમાં ગુજરી, નચાવ્યા નાચ નટીઓ ના
કર્યા નાટક અને ચેટક, ન જાણ્યા જાપ જતિઓ ના
મોહ માયા માં જીવન વિતાવ્યું, નામ લીધું નહી રામ નું...

કરી ના સંત ની સેવા, ગયો નહી જ્ઞાન ને લેવા
ભજન માં ભાગ ના લીધો, મેળવ્યા માન ને મેવા
રંક જનો ને ખૂબ રંજાડ્યા, ધન સંઘર્યે શા કામ નું...

બનાવ્યા બંગલા મોટા, ભર્યા ભંડાર મોતી ના

હવે-ઊઘાડો એકલો સબડે, પડ્યા સાંસા છે જ્યોતિ ના
યમ દૂતો જ્યારે દ્વારે દેખાયા, જોખમ લાગ્યું જાન નું...

હવે ના હાથ હાલે છે, શરણાઈ વાગે શ્વાસ ની
સુતો જે સેજ શય્યા પર, પડ્યો પથારી ઘાસ ની
યાદ આવી હવે ઈશ કેરી, લાધ્યું રટણ શ્રી રામ નું...

હજુ છે હાથ માં બાજી, હરિ હુકમ નું પાનું છે
સુધારે સામળો સઘળું, ગતિ ગોવિંદ ની ન્યારી છે
" કેદાર " હરપળ હરિ જપી લે, સ્મરણ કરી લે શ્યામ નું...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Monday, September 19, 2016

શબરી

શબરી

સાખી-ઋષી માતંગ ની શિષ્યા શબરી, પંપા સરોવર પાળ
એકજ આશા હરિ મળે,  પછી ભલે આવે કાળ..

એક ભરોંસો ગુરુ વચન નો,  મિથ્યા કદિ’ ન જાય
કાયા મહીં કૌવત રહે, હરિ દરશન શુભ થાય 

અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહીં કોઇ જોગ દીપ બાતી
એક આશ રહે વિશ્વાસે,  ગુરુ મુખ વચન હરિ દર્શન થાશે..

શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત ના પિછાણું
રાખી હૃદય રઘુનાથ ની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા..

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નાહીં મારે હવાલે
શા થી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા..

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શન ની આશ અમારી, ગુરુજન કેરાં વચન વિચાર્યા..

સૂણી અરજ અવિનાશી પધાર્યાં, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્ય સુધાર્યા..

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન " કેદાર " હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યા..

સાર -રામાયણ ના દરેક પાત્રો માંહેનું અરણ્ય કાંડનું એક અનોખું પાત્ર એટલે શબરી.  શ્રી રામ સીતાજીની શોધ કરતાં હતાં ત્યારે વનમાં ફરતાં ફરતાં પંપા સરોવરને કાંઠે પધાર્યા, ત્યાં તેમણે એક તૂટી ફૂટી ઝૂંપડી જોઇને તે તરફ પ્રયાણ કર્યું, અને જોયું તો એક વૃદ્ધ કમજોર સ્ત્રી બેઠી હતી. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને જોઈને એ વૃદ્ધા એકદમ બન્નેના પગમાં પડી ગઈ. શ્રી રામે આદર સહિત પુચ્છું, શું આપ અમને ઓળખો છો? માં આપ અમને આપનો પરિચય આપશો?  ત્યારે એ વૃદ્ધાએ જવાબ આપ્યો કે પ્રભુ, મારું નામ શબરી છે, હું એક અધમ, નીચ જાતિની અને મંદ બુદ્ધિની સ્ત્રી છું. મારા ગુરુ શ્રી મતંગજી જ્યારે બીમાર પડ્યા ત્યારે તેણે મને વચન આપેલું કે એક દિવસ પ્રભુ રામ તારે ત્યાં જરૂર પધારશે, મને મારા ગુરુ પર અપાર શ્રદ્ધા હતી કે એમણે આપેલું વચન કદાપિ વ્યર્થ નજાય. પણ હા એ શંકા જરૂર હતી કે હું કોઈ જાતના મંત્ર કે પૂજા જાણતી નથી, બસ ફક્ત રામ રામ રટણ કરું છું. બીજી એક અરજ પણ કરતી હતી કે નાથ, હવે મારી કાયા વય ને કારણે મારા કાબુમાં રહેતી નથી, જો આપ પધારવામાં વિલંબ કરશો તો હું આપની સેવા કઈ રીતે કરી શકીશ? અને એ પણ અરજ કરતી હતી કે કદાચ શરીર ચાલતું હોય પણ જો આંખે દેખાતું બંધ થઈ જાય તો? તો આપના દર્શન કેમ કરીશ, તેથી એમ પણ માંગતી કે નાથ મારા નયનો ની બારીને ખુલ્લિ રાખજો, કારણ કે મને તમારા દર્શન ની આશા છે, આપ જરૂર પધારશો એ આશાએ દરરોજ હું મારી ઝૂંપડી સાફ સુફ કરીને, તાજાં તાજાં ફળો ચાખી ચાખીને તૈયાર રાખતી કે જેથી કોઈ ફળ ખરાબ કે કડવું નહોય. આજે આપ બન્નેને જોતાંજ મને મારા ગુરૂજીના વચનો યાદ આવી ગયાં એટલેજ આપ બન્નેને જોતાંજ હું ઓળખીગઈ. 

શબરીનો ભાવ જોઈને પ્રભુ અતી પ્રસન્ન થયાં, અને એનાં ચાખેલાં એઠાં ફળ પોતે તો જમ્યા, પણ લક્ષ્મણને પણ આપીને કહ્યું ભાઇ આવા ભાવ રસ ભરેલાં ફળો કદાચ બીજે નહીં મળે, માટે જેટલાં ખવાય તેટલાં ખાઈ લો.

ભગવાને શબરીની ભક્તિ કરવાની રીત ની અજાણતાં બાબત સમજાવતા કહ્યું કે, હે શબરી, ભક્તિ નવ પ્રકારની હોય છે. ૧, સંત સામાગમ. ૨, હરિ કથા શ્રવણ. ૩, ગુરુ ની સેવા. ૪, કપટ છોડીને પ્રભુ ગુણ ગાવા. ૫, મંત્રોની અંદર નિષ્ઠા રાખવી. ૬, જે પણ પ્રવૃતી કરતાં હોય તે થોડી ઓછી કરીને પણ ભજન કરવા. ૭, દરેક જીવ માં હરિનો અંસ જોવો. ૮, જેટલું પણ મળે, ભલે સુખ હોય કે દુખ, ઈશ્વર ની પ્રસાદી સમજી સંતોષથી સ્વીકારી લેવું. અને ૯, કોઇ પણ જાતનું છળ કે કપટ મનમાં રાખવું નહીં. ભક્ત આ નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ એક પ્રકારે પણ જો પ્રેમ સહિત ભજે, હું સદા તેને દર્શન આપવા તત્પર રહું છું. આમ કહી પ્રભુએ તેને નવ પ્રકારની ભક્તિનો મહિમા સમજાવ્યો, અને કહ્યું, શબરી તારામાંતો નવે નવ પ્રકારની ભક્તિ ભરેલી છે. આમ કોઈ પણ માનવ, કોઈ પણ પ્રકારે ભક્તિ કરે તો પ્રભુ તેને પાર લગાવે છે.  

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Sunday, September 18, 2016

વો કલરવ કહાં ગયા?

વો કલરવ કહાં ગયા?

વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
બોજ ઢો રહી ગધે કી ભાંતી,   દેશ કી ઉજ્વલ આશા...

ઠંડ કે મારે આધે શહર ને, છોડા નહિ થા બિસ્તર
નન્હા ફૂલ તબ દૌડ રહાથા,    ઠુંસકે પુસ્તક દફતર..

દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
બાલ ચરિત્ર કા હનન કરે જો,  કૈસી પઢાઈ યે આઇ..

ભોર ભયે કભી તરુવર પર નિત, ચીડિયાં ચેહકા કરતી
ઘર આંગનમેં માસૂમ ટોલી,   કિલકારી થી કરતી...

ગોટી લખોટી ગિલ્લી ડંડા,  છુપા છૂપી સબ છુટી
ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

ભૈડ બકરીસા ભરકર બાલક,  દૌડતી ઓટો રિક્ષા
પાઠ શાલાસે ટ્યૂશન ભાગે,    શિક્ષા હે યા પરીક્ષા..

જીસકી નહિ જરૂરત ઐસે,  વિષય ઉસે ના પઢાવો
યે કુદરત કી અમૂલ્ય દેન હે,  યંત્ર ના ઉસે બનવો...

ભોલાપન ઉસકા મત છીનો,  કુછ કરો ઉનપર ભી દયા
" કેદાર " કહીં ના પ્રશ્ન યે ઉભરે, "વો કલરવ કહાં ગયા"?...

સાર:-વહેલી સવારે મોર્નિંગ વોક પર જતાં એક વિદ્યામંદિર ની પાસેથી પસાર થતી વેળાએ મેં જોયું તો નાના નાના ભુલકાઓ માલ વાહક ગધેડાઓ ની માફક પુસ્તકો ઠાંસી ઠાંસી દફતર નો ભાર ઊપાડી ને ભણવા જઈ રહ્યા હતા, અમારા જેવા ચાલવા જનારાઓ સિવાય હજુતો મોટા ભાગે લોકો પથારીમાં જ પડ્યા હશે, ત્યારે આ ભુલકાઓ ને જોતાં મને ખૂબ દુખ થયું કે કેવી ભણતર ની પધ્ધતિ આવી છે કે જે બાળકો નું બાળપણ છીનવી રહી છે. 

એક જમાનો હતો, સવાર ના પહોરમાં જ્યારે પક્ષીઓ વૃક્ષ ની ડાળીઓ પર કિલકારી કરતાં, બાળકો શેરી ગલીઓમાં ભેળા મળી ને ગિલ્લી ડંડા કે લખોટી જેવી રમતો કે આંધરો પાટો જેવી રમતો રમતા, ત્યારે તેમને યોગા કે કસરત અલગ થી કરવાની જરૂર ન પડતી, કે કોઈ યોગ ગુરુ ની પણ શિબિર ભરવા જવું ન પડતું, કે કોઈ જિમ માં જઈને શરીર ને સુદ્દઢ બનાવવા સમય કાઢી ને નાણા ખરચવા ન પડતા.

જ્યારે આજે ? ઓવર લોડેડ વાહનો માં જેમ ઠાંસી ઠાંસીને માલ ભરાય છે તેમ રિક્ષાઓ કે અન્ય વાહનો માં બાળકો ને ભરીને ભયાવહ રીતે વહન કરાય છે. અને એની માસૂમિયત જે વિષય ની તેને કદાચ ક્યારેય પણ જરૂર પડવાની નથી તેવા અનેક ફાલતુ વિષયો ના બોજ નીચે કચડાઈ જાય છે. જેને ડૉક્ટર કે વૈજ્ઞાનીક બનવું હોય તેને બળવાની તારીખો યાદ કરી ને સમય વેડફવો શા કામનો ? એના બદલે એટલો સમય પોતાના જોઇતા વિષયો ભણવામાં વિતાવે તો તે વધારે સારું પરિણામ લાવી શકે, અને ઉચ્ચ કોટી નો ડૉક્ટર કે વૈજ્ઞાનીક બની શકે. એજ રીતે જો દરેક જોઈતાજ વિષયો ભણાવાય તો મારા ભારતીય બાળકોને વિદેશ માં કહેવાતી ઉચ્ચ શિક્ષા લેવા જવું ન પડે, પણ વિદેશીઓ અહીં ભણવા આવે અને ઈશ્વરની આ બચપણ રૂપી ભેટ ને યંત્ર ન બનાવતાં એવી રીતે કેળવવી જોઈએ કે ક્યારેય કોઈ ને પસ્તાવાનો વારો ન આવે કે "વો કલરવ કહાં ગયા?"   

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365