Wednesday, October 30, 2019

મંગલ કારી પ્રભુ

                                     મંગલ કારી પ્રભુ

ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા--- જેવો
૨૯.૧૦.૧૯

મંગલ કર પ્રભુ મંગલ કારી,     ભાવે ભજુ હું વનમાળી....

આ સૃષ્ટિ તમારી ફૂલવાળી,    ગહેકી મહેકી બહુ રઢિયાળી
સૌ બાળ ગોપાલ તારી હરિયાળી,  પ્રેમે થી કરો પ્રભુ રખવાળી...

મન મંદિર મૂર્તિ તારી રહે,    રોમે રોમે હરિનું નામ રહે
કંઠે કેશવ નું ગાન રહે,   શ્વાસો માં શિવ ધુન જાય ભળી.....

પ્રભુ ભક્તિ તમારી ખૂબ કરું, કોઈ દુ:ખની ના ફરિયાદ કરું
કર્મો ને મારા યાદ કરું,        પ્રસાદ ગણી સૌ જાઉં ગળી...

દિન રાત હું તારું ગાન કરું,    આડું અવળું ના ધ્યાન ધરું
ભક્તો ના દિલમાં ભાવ ભરું, કોઈ મોહ પર મનડું ન જાય લળી..

"કેદાર" કરુણા ખૂબ કરો,    ભક્તિ રસ મારા મનમાં ભરો
અવગુણ સઘળા પ્રભુ દૂર કરો, સદા સંત સમાગમ જાય મળી...


Wednesday, September 11, 2019

મારી કૂડી કરણી

         
                                  મારી કૂડી કરણી

આપ્યો અવતાર આ જગત માં, કરવા ભવ સાગર પાર
માયામાં મન લાગી રહ્યું, એળે ગયો અવતાર...
--------------------------------------------------
પ્રભુજી મારી કરણી રહી નહીં સારી...
કર્મ ધર્મનું કામ કર્યું નહીં, સેવા કરી નહી તમારી... 

મોહ માયામાં રહ્યો ભટકતો, વળગી દુનિયાદારી
ભક્તિ માર્ગ પર પગલાં ભર્યા નહીં, યાદ આવ્યાં ન ગીરધારી....

કુટુંબ કબીલા બાળ ગોપાલમાં, ખરચી જીંદગી સારી  
ધર્મ ધુરંધર ધ્યાને ચડ્યા નહીં, સંતોની વાણી લાગી ખારી...

યમ રાજાની જાણે આવી નોટિસો,  લાગે હવે અંત ની તૈયારી
જીવન સઘળું એળે ખોયું મેં,   સમજણ આવી હવે સારી..

અનેક અધમને આપે ઉગાર્યા, હતાં નરાધમ ભારી
અંતર અવાજે ગજને બચાવ્યો, સાંભળો અરજી મારી...

આ સંસાર હવે ભાસે અસાર મને, લાગે જરા બહુ ખારી  
દીન "કેદાર"ની અરજી ધરી ઉર, લેજો શરણમાં મોરારી... 

સ્વરચિત.
૩૦.૬.૧૯.
ફોટો- ગુગલ ના સહયોગ થી

શિવ વંદના

       
                                            શિવ વંદના

ભજું ભોળા શંભુ છે અરજી આ મારી,  સદાકાળ શિવજી કરું ભક્તિ તમારી...

મળ્યું છે અમૂલખ આ જીવન શિવ મારું, રહે શ્વાસો શ્વાસો માં સમરણ તમારું
આપો મતી એવી કરુણા કરી દાતા,   ન વળગે કદી કોઈ માયા નઠારી....  

ના બંધન હો જગના, ના ધન ની બહુ આશા, ના પર ની પળોજણ, તુજ રટણા અભિલાષા
છે પ્રાર્થના પ્રભુ કૈલાસ વાસી,   ગણી દાસ તારો સ્વીકારો વિષ ધારી.... 

ભર્યા છે ભંડારો ભભૂત ના ઓ ભોળા, ચડ્યા તારા શીરે કોઈ કરમી બહુ થોડા 
આ પાપી અભાગી તન આવે તુજ શરણે,     દયા દાખવીને લપેટી તું લેજે....

ન જાણું હું મંત્રો ન કર્મો કે પૂજા, ન લાગે મન તુજમાં ન અંતર માં ઊર્જા 
છે "કેદાર" કેરી એક વીનતી વિશ્વેશ્વર, કરું જન્મે જન્મે હું ભક્તિ તમારી..  
૭.૮.૧૯

ભાવાર્થ:- હે ભોળા નાથ, આપ તો તુરંત પ્રસન્ન થાવ એવા ભોળા છો, મારી એકજ પ્રાર્થના છે કે હું સદા આપની ભક્તિ કરતો અરહું.
હે નાથ આપની કૃપા થી મને આ અમૂલખ માનવ જીવન મળ્યું છે, હવે મને એવી સમજણ આપો કે મને કોઈ માયા ન વળગે.
   કોઈ જગના બંધન મને ન વળગે, ધન પણ એટલુંજ આપજે કે હું મારો નિર્વાહ કરી શકું, બસ તારો દાસ બની ને તારા ગુણ ગાન ગાતો રહું એજ એક મારી પ્રાર્થના છે.
   આપ નો તો વાસ સ્મશાનમાં છે, અનેક લોકો ને ત્યાં ચિત્તા પર દાહ દેવામાં આવે છે, એ ભસ્મ ના ત્યાં ભંડાર ભર્યા છે, પણ એમાં થી જે ભાગ્યશાળી હતા તેનીજ ભભૂત આપના અંગે કે જટા સુધી પહોંચી શકી છે, પણ મારો આ દેહ જ્યારે આપના શ્મશાન માં ભસ્મીભૂત થાય ત્યારે દયા દાખવી ને એ ભસ્મ તારા અંગે અંગ માં લપેટી લેજે.
   હું કોઇ મંત્રો નથી જાણતો, મારું મન તારામાં તલ્લીન નથી થતું, કે અંતરમાં ભક્તિ નો કોઈ શ્રોત પણ નથી, છતાં મારી અરજ છે કે મને તારા નામ નો અવિરત જાપ  હું જન્મો જન્મ કરતો રહું એવા આશીર્વાદ આપજે.

   જય ભોળેનાથ.

Tuesday, July 30, 2019

વિરહ ગાન

                                                            

                                            વિરહ ગાન                      

  
કાના, કાના, ઓ કાલે કાના, મૈ તો ભટક રહી અનજાન, તુંને ખબર ન લીની આન...

ના સંદેશા ના કોઈ આશા, મનમેં છાઈ ઘોર નિરાશા
પલ પલ બિખરે સાંસ કી સરગમ,   કૈસે ટીકે મેરે પ્રાન....ખબર ન લીની આન...

તું નાગર નટખટ હૈ કાના, ખટપટ છોડ રણછોડ તું આના
ઝટ પટ આ કર દર્શન દેના,      કાહે કરો પરેશાન.............ખબર ન લીની આન...

મન ભાવન હૈ મુરત તેરી, છીન ગઈ સબ, સૂધ બુધ મેરી
તેરી બંસીકે, સુર સુનને કો, તરસ ગયે હેં કાન.......ખબર ન લીની આન...

જબ જબ દેખું મેં ગોધન કો, ખોજે અખીયાં મન મોહન કો
મનવા તરશે તુજ દરશન કો, ભૂલ ગઈ સબ ભાન....ખબર ન લીની આન...

ગોરસ લેકે નિકલી ઘરસે, ડગર ડગર પર નયના હરષે
આયે કહીંસે નટખટ નંદન,   રોક કરે પરેશાન..........ખબર ન લીની આન...

મુરલી મનોહર માર્ગ બતાદો, કૈસે જીયું મેં યે સમજાદો
બીરહા અગન મેં અબ ના જલાઓ, નિકલ રહી હે જાન......ખબર ન લીની આન...

દીન "કેદાર" તેરી દાસી બનકે, સજ સિંગાર આવું બન ઠનકે
તીરછી નજર એક મુજ પર ડારો, પાર કરો ભગવાન.........ખબર ન લીની આન...

૧૦.૭.૧૯
ભાવાર્થ:- હે કૃષ્ણ, તારા વિરહ માં હું કેટલા સમય થી ભટકી રહી છું, પણ તેં આવીને કદી મારી ખબર લીધી નથી.
   ના તારા તરફ થી કોઈ સંદેશ મળ્યો છે કે ના તો કોઈ આશા બંધાણી છે, મારા મનમાં બસ ઘોર નિરાશા છવાયેલી છે, મારા શ્વાસો હવે તૂટવા લાગ્યા હોય એવું મને લાગ્યા કરે છે, જાણે હવે મારા પ્રાણ છૂટવા ની તૈયારી હોય તેમ લાગી રહ્યું છે.
     હે નટખટ નાગર કનૈયા હવે મારા કર્મો ના હિસાબ ની બધી ખટપટ છોડી ને  મને દર્શન દેવા આવી જા, હવે ક્યાં સુધી તું મને આમ પરેશાન કરીશ ?
      તારી છબી મારા મન માં એવી વસી ગઈ છે કે મારું બધું સુખ છીનવાઈ ગયું છે, તારી મધુર વાંસળી ના સુર સાંભળવા માટે મારા કાન તરસી રહ્યા છે, માટે જલદી આવી જા.
       સાંજ પડે અને જ્યારે ગાયો નો ગોવાળ ગાયો ને ચરાવી ને પાછો આવતો હોય ત્યારે એ ગાયો ના ધણમાં મારા નયનો તને શોધે છે, કે મારો કાન આમાં ક્યાંક હશે, મારું મન તારા દર્શન માટે વ્યાકુળ બની જાય છે, અને હું ભાન ભૂલી જાવ છું.
      મને ખબર છે કે તને કોઈ ગોપી ગોરસ વેચવા જાય તે ગમતું નથી, તું આડો ફરીને તેને રોકે છે, એ આશાએ હું પણ આજે ગોરસ વેચવાને બહાને નીકળી છું જેથી તું આડો ફરે, મને રોકે અને મારી સાથે છેડ છાડ કરે, મને પરેશાન કરે, અને એ બહાને તારા દર્શન મને થાય.
       હે મોરલી વાળા મને એક વાત સમજાવો, તારા વિયોગમાં મારા પ્રાણ નીકળી રહ્યા છે, આમ મારે જીવન કેમ વ્યતીત કરવું તે સમજાવો, હવે વિરહ સહેવાતો નથી, આનો ઉપાય આપ જ સમજાવો.
      મને હવે એકજ રસ્તો સૂજે છે કે હું પણ સોળે શણગાર કરીને ગોપી બની ને આવું, કદાચ ભૂલથી પણ તારી તિરછી નજર મારા પર પડી જાય તો મારો બેડો પાર થઈ જાય.        

રચયિતા-
કેદારસિંહજી એમ. જાડેજા
મેઈલ:-kedarsinhjim@gmail.com 
વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
ગાંધીધામ. (કચ્છ.)

Tuesday, May 28, 2019

રામેશ્વર જ્યોતિર્લિંગરામેશ્વર જ્યોતિર્લિંગ  
મિત્રો તુલસીદાસજી એ કહ્યું છે કે..

"અતુલિત મહિમા બેદ કી તુલસી કિએઁ બિચાર  જો નિંદત નિંદિત ભયો બિદિત બુદ્ધ અવતાર" 

       કોઇ પણ સમજદાર વ્યક્તિ, કે જે કોઇ પણ પ્રકારે જાહેર જીવનમાં હોય તેણે પોતાના કાર્ય માટે કે રચનાકારે રચના માટે નિંદા કરનારાઓ ને પોતાના અંગત હિતેચ્છુ સમજવા જોઇએં, કારણ કે જો નિંદા કરનારા હોય તો જ તમને તમારા કાર્ય માં કોઇ ક્ષતિ કે ભૂલ થતી હોય તે આપને દર્શાવે, પણ એક સામાન્ય માનવી હોવાના નાતે મારું માનવું છે કે આ નિંદા કે ટિપ્પણી માં કંઈક તથ્ય હોવું જોઇએં, જે વિષય પર તમો ટિપ્પણી કરતા હો તે વિષય ના તમો થોડું ઘણું જાણકાર હોવા જોઈએં, તો જ તમને એ વિષય પર ટિપ્પણી કરવાનો હક્ક છે, નહીં તો તમે ટિપ્પણી કરવાને લાયક નથી, આ અણ મારું માનવું છે, જે પોતે વ્યાકરણ જાણતો નથી કે શબ્દનું તાત્પર્ય સમજી સકતો નથી તે કોઈ ની કાવ્ય રચના ની ટિપ્પણી કેમ કરી શકે ?

      હમણાં મારી એક રચના  "જ્યોતિર્લિંગ મહિમા" કે જેમાં મેં ૧૨, જ્યોતિર્લિંગ નો મહિમા વર્ણવ્યો છે, અને શ્રી રામેશ્વરજી ની સ્થાપના શ્રી રામજી એ લંકા પતિ રાવણ દ્વારા કરાવેલી એવું મેં વર્ણવ્યું છે, જે ના પર મારા એક મિત્ર એ ટિપ્પણી કરતાં લખ્યું કે આ પ્રસંગ પર તેમણે "ગુગલ" પર ખૂબ સર્ચ કર્યું પણ કોઇ તથ્ય આ બાબત  જાણવા મળ્યું નથી. ત્યાર બાદ મેં પણ ગુગલ ખંખોળી જોયું મને પણ ન મળ્યું, પણ હું નથી માનતો કે ગુગલ માં ન મળે તે સત્ય હોય જ નહીં, બની શકે કે આપણી શોધ યોગ્ય રસ્તે ન પણ હોય, કે યોગ્ય સ્પેલિંગ ન લખતા હોઇએં, કારણ આ તો ગુગલ છે ! તે ને મગજ થોડું છે ? જે આપ્યું હશે તે પરત આપશે ! અને દરેક બાબત ગુગલ માં હોય જ, તે હું નથી માનતો, આ ગુગલ છે, કોઈ વેદ-પુરાણ તો છે નહીં કે બધું જ મળે, આપણા આવા અમૂલ્ય સાહિત્ય માં થી શોધી ને કદાચ ગુગલ બન્યું હશે, તો આપણે તેના પર શા માટે આટલો આંધળો ભરોંસો કરવો ? આપણા શાસ્ત્રો પર કેમ નહીં ? હજુ ક્યાં સુધી ગુલામી ના ગર્ત માં ડૂબેલા રહેશું ? જો મારો અવાજ માનનીય મોદી સાહેબ સુધી પહોંચે તો હું જરૂર કહેવા માંગું કે આપણે ઈસરો દ્વારા દુનિયામાં નામ કાઢ્યું છે, શું આપણે ગુગલ જેવી એપ ન બનાવી શકીએ ? જે આપણાં શાસ્ત્ર ના આધારે વિશ્વને જાણકારી પહોંચાડી શકે ? કદાચ મોદી સાહેબ ના મનમાં આ વાત ચાલતી પણ હોય !

      હવે મારી વાત લખું, ભગવાન શ્રી રામ જ્યારે લંકા પર ચડાઈ કરી ને રાવણ નો વધ કરવા પધારતા હતા ત્યારે તેમણે અનેક ઋષિ મુનિઓ ને આમંત્રણ આપી ને સમુદ્ર કિનારે શિવજી ની સ્થાપના કરીને રાવણ પર વિજય અપાવવા માટે ના આશીર્વાદ દેવાધિદેવ પાસે થી મેળવવાની નમ્ર વિનંતી કરી, પણ બધા મુનિઓ એ કહ્યું કે રાવણ શ્રી મહાદેવ નો અનન્ય ભક્ત છે, અમારી કોઈની એટલી ક્ષમતા નથી કે અમો મહાદેવની પ્રતિષ્ઠા કરાવી ને પ્રભુ પાસે રાવણ વધ ના આશીર્વાદ અપાવી શકીએ, પણ ફક્ત લંકા પતિ રાવણ એક એવો બ્રાહ્મણ છે જે મહાદેવને કોઈ પણ કાર્ય માટે મનાવી શકે છે, પણ શું તે પોતેજ પોતાના મૃત્યુ માટે આવું પૂજન કરાવવા રાજી થાય ખરો? ત્યારે પ્રભુ રામજીના આગ્રહ થી આમંત્રણ મોકલવામાં આવ્યું અને એક બ્રાહ્મણ ના નાતે તેણે સ્વીકાર પણ કર્યો, ત્યારે મંદોદરીજીએ તેમને રોકતાં કહ્યું કે "નાથ આપ આ શું કરવા જઈ રહ્યા  છો?" રામ યુદ્ધમાં વિજય માટે આ યજ્ઞ કરે છે, અને યજ્ઞ ના અંતે આપની પાસે આશીર્વાદ માંગશે ત્યારે શું આપ વિજય ભવ: વચન આપશો? અને આપે આપેલું વચન વ્યર્થ જવાનું નથી તો તેનું ફળ શું હશે ?  આમાં મારે શું ભોગવવાનું આવશે તેનો વિચાર કર્યો છે ? આવી અનેક ચર્ચાઓ પછી રાવણે સમજાવ્યું કે "હે પ્રિયે, તને તો ખબર છે કે મને જે શ્રાપ મળ્યો છે તેનું નિવારણ કરવા માટે મારે ત્રણ જન્મ ભોગવવાના છે, માટે આ જન્મ જેટલો જલદી પૂર્ણ થાય તેટલો જલદી મને મોક્ષ મળે અને હું પાછો પ્રભુ ચરણોમાં જઈ શકું ! કોઈ અન્ય કારણે મારું મૃત્યુ થાય અને કદાચ કોઈ દોષ રહી જાય, અને કદાચ મારો આ જન્મ એ શ્રાપ માંથી મુક્તિ માટે નો માર્ગ ગણવામાં ન આવે તો ? પણ આતો સાક્ષાત્ ઈશ્વર ના હાથે મારે મરવાનું છે, અને તને તો ખબર છે કે હરી ના હાથે હણાયેલો કોઈ પણ જીવ અવશ્ય મોક્ષ પામે જ છે, માટે મારા માટે તો આ અલભ્ય અવસર સામે ચાલીને મારા રામે મોકલ્યો છે, એને હું કેમ જતો કરું ?" અને રાવણે રામેશ્વરમાં દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરાવી, એટલુંજ નહીં પણ ભોળા નાથ ને મનાવી ને જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી.

મારી જે રચના પર આ બધી ચર્ચા ચાલી તે જાણવા ની આપને પણ લગન હોયજ, માટે અહીં તે રજૂ કરું છું, આપ પણ મારી આવી કોઈ પણ રચના પર સમજદારી પૂર્વક ની ટિપ્પણી કરશો તો મને જરૂર ગમશે.
જય નારાયણ,
જય માતાજી.   
            જ્યોતિર્લિંગ મહિમા

સાખી-દિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્થંભ બની નટરાજ, વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો, દેવાધી દેવ મહારાજ...
      સ્થંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય, નિજ તેજ અપાર ભર્યું, જગ જન હિત સુખાય..

શિવજી તારો મહિમા અપરમ પાર.
જ્યોતિર્લિંગ હરી તેજ અનેરૂં,   હું તો વંદુ વારંવાર.....

પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર.  ચંદ્ર તણા સૌ સંકટ કાપી, શિર ધર્યો સર તાજ...
                                                 ૧
મલ્લિકર્જુન મહેર ઘણેરી, નંદી પર નટરાજ.  મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...
     ૨                                                                      ૩           ૪
બૈદ્યનાથ સિદ્ધનાથ શિવાલય, ભીમાશંકર ભવ તાર, રતનાકર તટ ઋચા રાવણ મુખ, રામેશ્વર સાકાર
    ૫                                            ૬                                                                             ૭
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર,  વિશ્વનાથ કાશીમાં બિરાજે, સંતો સેવે અપાર...
    ૮                                                                    ૯
ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે  કેદારનાથ કિરતાર, ઘૂશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો, "કેદાર" કરજો પાર...
   ૧૦                                 ૧૧                        ૧૨

જય નારાયણ.
જય માતાજી.

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪
તા. ૨૯.૫.૧૯.


Sunday, May 19, 2019

જીવન ડાયરી ના સ્મૃતિ પૃષ્ઠો - "કવિતાનો છોડ"જીવન ડાયરી ના  સ્મૃતિ પૃષ્ઠો             મને "કવિતાનો છોડ" શિરપાવ 

       માનવીના જીવનમાં અમુક ઘટના ઈશ્વરનો આશીર્વાદ બની આવે છે, ધાર્મિક વાતાવરણ, સગા સંબંધીઓ નો સંપર્ક, સંતોની પ્રેમ કૃપા, સંગીત, શબ્દ અને સાનિધ્ય નો સથવારો જીવનને ઘડે છે. આ વાત મને એટલા માટે યાદ આવી કે -મારા એક મિત્ર પાસે વહેતી વહેતી વાત આવી કે કેદારસિંહ બાપુ ને 'કવિતાનો છોડ'' એવી ઉપાધિ એક મહાન કવી દ્વારા મળેલી છે -આ વાત નું સત્ય જાણવા એક દિવસ એણે સીધી મને પૃચ્છા કરી અને મારી સ્મૃતિનો ખજાનો યાદ આવ્યો અને આ વાત સમજાવવા મેં માંડીને વાત કરવા ધાર્યું, તે વખતે તો ઉપલક વાત થઈ પણ મન ન માન્યું એટલે આજે  ભૂતકાળ ના મોંઘેરા પડળ ઉખેડવા બેઠો છું.
      કીર્તન, ભજન ઈશ્વર સ્મરણ, સંત સમાગમ, તીર્થવાસ અને પ્રભુ પ્રસન્નતા, આ બધું પુણ્યશાળી જીવો ને પ્રાપ્ત થાય છે, માતાજીની કૃપાથી ગાવાનો અને લખવાનો શોખ મને નાનપણ થી, સ્નેહીઓ અને મિત્રો ના પ્રયાસથી મારી રચનાઓ ની પ્રથમ ભજનાવલી "દીન વાણી" રૂપે પ્રકાશિત કરી ત્યારે મારા ગુરુ સમાન વંદનીય  કવિ શ્રી "દાદ" એ તેની પ્રસ્તાવના લખી અને તેમાં મને "કવિતા નો છોડ" નામે શિરપાવ આપી સન્માનિત કર્યો.         
      મારું બાળપણનું જીવન સાહિત્ય ઉપાસકો કવિઓ અને ગઢવી સમાજના ધુરંધરોની વચ્ચે શરૂ થયું હતું. ધ્રોલ તાલુકાનું મારું ગામ "ગોલીટા." એ સમયે આવન જાવન માટે બહુજ જૂજ સાધનો તેમાં વાહન વ્યવહાર માં ફક્ત રેલવે, અને તે હડમતીયા જંક્શન થી મળે જે ૧૫, કી.મી. દૂર, મારા ગામ થી નજીકમાંજ ચારણ કવિઓ થી ધમધમતું "ધુનાનાગામ" કે જે ધ્રોલ ઠાકોરસાહેબ તરફ થી ઈસરદાસજી ના જ ગામ સચાણા ના કવિ અને સાહિત્યકાર શ્રી ધુનાદાનજી ને મળેલું. શ્રી ધુનાદાનજીના સમય માં ધ્રોલ ઠાકોરસાહેબ-જેમના નામ ની મને ખબર નથી - ત્યાં તેમના ભાણેજ મહેમાન બની ને પધારેલા, એ સમયે નાગા બાવાઓ ની જમાત ઢોલ-નગારા સાથે નીકળી, મામા-ભાણેજ વચ્ચે વાક ચર્ચા ઉગ્ર બની "આવું સૈન્ય ચડી આવે તો આપ કેમ બચાવ કરો ?" જેવા વિવાદમાં ભાણેજે મામા ને લડાઈ કરીને હરાવવાનું આહ્વાન આપી દીધું, અને આ યુદ્ધ નું વર્ણન આલેખવા માટે શ્રી ધુનાદાનજીને આમંત્રણ આપવામાં આવ્યું, અને યુદ્ધના અંતે આ કાર્ય ના પુરસ્કાર રૂપે મારા ગામ ની બાજુમાં પડેલી જમીન તેમને આપવામાં આવી, જ્યાં શ્રીમાન ધુનાદાનજી ના નામ પર થી "ધુનાનાગામ" વસાવવામાં આવ્યું) આ આખાએ ગામ પર જાણે મા સરસ્વતી ની કૃપા વરસી હોય તેમ આ ગામ માં અનેક નામી કવિઓ એ જન્મ લીધો છે અને લોક સાહિત્ય ની લહેર ફેલાવી છે, કોઈ એવું ખોરડું ન મળે કે જેમના કુળમાં થી એકાદ રચના બની ન હોય. ધુનાનાગામ થી અન્ય સ્થળે જવા-આવવા માટે હડમતીયા જવું પડે, ત્યારે વચ્ચે અમારું ગામ આવે, યુગો થી રાજા મહારાજાઓ અને ગઢવીઓ ને ગાઢ સંબંધ, અમો ધ્રોલ ભાયાત હોવાથી ધુનાનાગામ સાથે ગાઢ ઘરોબો મારા પિતા શ્રીના વખત થી હતો, આ ગામમાં આવતાં જતાં ધુનાનાગામ ના મહાન કવિઓ શ્રી કષ્ણદાનજી (શ્રી કસુદાનજી) શ્રી ભગુદાનજી, શ્રીમાન રતુદાનજી જે સાહિત્યકાર, ઉપરાંત નાટ્ય કલાકારો પણ ખરા, પરંતુ નાટ્ય કલાકારો ની આજે મને આછી પાતળી યાદ સિવાય વધારે યાદ નથી. આવા અનેક મહાનુભાવો અમારી ડેલીએ પધારે, ભક્તિ નો હરિ રસ અને શૌર્ય રસ સાથે કવિતાઓ ની રસ લહાણ કરે, આ રસ લહાણે મારા જીવનમાં ભક્તિ રસ નું સિંચન કર્યું, અને સંસ્કારો નું ખાતર મળતાં કવિતાના છોડના મુળીયાં નંખાયા જેને કવિ શ્રી "દાદ" એ પારખેલું જે  "દીન વાણી" ની પ્રસ્તાવના લખતી વખતે પ્રસ્તુત કર્યું. મારી કુમળી વય થી આ સંસ્કાર આત્મસાત્ થયાં જેને હું ઈશ્વર કૃપા નો પ્રસાદ માનું છું, તેના થકી મેં કાવ્ય રચના ની કેડી પર ડગ માંડ્યાં.
         સમય ના વહેતા ગાળામાં મને અમારા કુટુંબ ના સભ્ય સમાન, તેમજ મારા મોટા ભાઈ મહેન્દ્રસિંહજી (જીણકુભાઈ) ના પરમ સખા ગુજરાતના પ્રતિષ્ઠિત ભક્ત કવિ શ્રી "દાદ" સાથે લાંબો સમય ગાળવાનો મોકો મળ્યો. કવિ શ્રી "ધુનાનાગામ" ના ભાણેજ હોવાથી, અને ત્યાં જ રહેતા હોવાથી મને તેમના માર્ગદર્શન નો ખજાનો મળતો રહ્યો.  
          જે સમયે રામાનંદ સાગર ની ટીવીમાં પ્રખ્યાત રામાયણ સિરિયલ પ્રસારિત થતી ત્યારે શહેરો કે ગામડામાં જ્યાં આ પ્રસારણ જોવા મળતું ત્યાં સોપો પડી જતો, એ સમયે શ્રી "દાદ" માટે નિર્માતા રામાનંદ  સાગર આ વિષય વસ્તુ ની માહિતી માટે અનેક વાર રામાયણ પર ચર્ચા કરવા માટે હવાઈ જહાજ દ્વારા કવિ શ્રી "દાદ" ને  નિમંત્રવામાં આવતા, લગ ભગ એજ અરસામાં કવિ શ્રી "લક્ષ્મણાયન" વિષે લખવામાં પ્રવૃત્ત હોઈ ને રામાનંદ સાગર ને લક્ષ્મણ વિષે દુર્લભ અનેક જાણકારીઓ કવિ શ્રી તરફ થી મળતી. મારા માતુશ્રી ઘણી વખત કવિરાજ ને દરબારગઢ માં પધારવા આગ્રહ કરતા અને આવા અનેક વિષયો પર ચર્ચા થતી, ભાગ્ય યોગે ત્યારે મને પણ આ શાસ્ત્રાર્થ સમાન વાર્તાલાપ માં શ્રવણેંદ્રિય પવિત્ર કરવાનો અવસર મળ્યો જે મારા માનસ પટ પર છવાઈ ગયો, એ ધાર્મિકતા અને ભક્તિ ની ગાઢ છાપ આજ પણ સ્મૃતિમાં સળવળે છે.   
         બચપણ થીજ મને સારો કંઠ હોવાથી ગાયકી નો શોખ, જે ફિલ્મી ગીતો થી ભજન તરફ વળ્યો, રાજકોટ રેડીઓ પર મહેમાન બની ગાવાની તક મળેલી, અને રેડીઓ ની પરીક્ષા અણ પાસ કરેલી, પણ તેના પર વધુ ધ્યાન હું આપી ન શક્યો-કે આપ્યું નહીં- ૧૯૭૯, માં કચ્છમાં ગાંધીધામ આવવાનું થયું, પછી આકાશવાણી રેડીઓ  વીસરાઈ ગયો, પણ ઈશ્વરની મરજી કૈંક અલગ હતી, મારા પર કૃપા દૃષ્ટિ ની રહેમ ચાલુ હતી, ગાંધીધામ માં અમારા ધુનાનાગામ ના ભાણેજ શ્રી અયાચી કુટુંબ નું મોટું નામ, કાવ્ય સાહિત્ય ઉપરાંત અનેક કળા, એમાં પણ સ્વ.શ્રી નારસંગજીભાઈ પ્રખર વકીલ અને અનેક સાહિત્ય માં પારંગત, તેમના મુખ થી પહેલી વાર જ્યારે મેં "શિવ તાંડવ સ્તોત્રમ" માંડવી માં બ્રહ્મ લીન શ્રી નારાયણ બાપુના આશ્રમ માં ભાવાર્થ સાથે સાંભળ્યું ત્યારે તેમના જ્ઞાન વિષે મને અનન્ય માન થયું. આ ઉપરાંત પુ. નારાયણ બાપુ સાથે તેમણે જે શબ્દોમાં મારો ખાસ પ્રકારે પરિચય કરાવ્યો ત્યારે મને ખરેખર થયું કે ઈશ્વરની મારા પર કેવી કૃપા છે? નહિતો આ બધા મહાનુભાવો ના મિલન માં મારી હાજરીની નોંધ પણ ન લેવાય. ત્યાર બાદ બ્ર.લી. નારાયણ બાપુ સાથે ઘણી વખત મળવાનું થયું, બાપુ કાર્યક્રમોમાં મને તેઓ શ્રી ના મંચ પર બેસવાનો આગ્રહ રાખતા જે મારા અહોભાગ્ય ગણાય, પણ મારા દુર્ભાગ્યે પુ. બાપુ ની તબિયત નાદુરસ્ત રહેવા લાગી અને મારો રાહબર મને છોડી ને જતો રહ્યો, પણ ગં.સ્વ. નાથુબા ના આશીર્વાદ આજ પણ મારા પર અવિરત છે. 
       ગાંધીધામ વસવાટ કર્યા બાદ પણ મારો ધુનાનાગામ નો સાથ ચાલુજ રહ્યો. ૧૯૯૧માં હું  ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેવા આવ્યો ત્યારે અનેક મિત્રો જાણતા હતા કે હું ઓસલો સોસાયટીમાં પાંચ વર્ષ થી (માનદ) ગરબા ગાતો હતો, તેથી બધાય મળીને અહીં નવરાત્રિ નું આયોજન કરવાનું નક્કી કર્યું. એક સારું આયોજન થાય તે માટે મેં કવિ શ્રી "દાદ" ને આમંત્રિત કરવાની વાત કરી અને હું ધુનાનાગામ શ્રી "દાદ" ને આમંત્રણ આપવા ગયો. એક વ્યવહારિકતા મુજબ મારાથી પુછાઈ ગયું કે આપને શું આપવું ! પ્રતિઉત્તર માં સણસણતો જવાબ હતો કે "પૈસા આપીને મને લેવા આવ્યા હો તો નહીં આવું, પણ પોતાનો જાણીને કહેવા આવ્યા હો તો આવીશ અને રહેવાની સગવડ કરી રાખજો હું સમય સર પહોંચીશ." અને અમારા બન્ને ના સ્વચરિત માતાજી ના ગરબા અરસપરસ સાંભળી સંભળાવી અને જાણે માતાજી ની પ્રતિષ્ઠા કરી દીધી, ત્યાં આજે માતાજી નું ભવ્ય મંદિર અને સ્કૂલ બની ગયા છે. આમ ૧૯૯૧ નું વર્ષ મારા જીવન માં  એક યાદગાર વર્ષ બની રહ્યું છે. પછી તો " છે શક્તિ કેરો સાથ" જેવી રચના ના રચયિતા કવિ શ્રી પ્રદીપ ગઢવી, સ્વ. શ્રી હેમુભાઈ ગઢવી ના પુત્રો શ્રી બિહારી ગઢવી, સ્વ. શ્રી જીતુ ગઢવી અને બ્રહ્મ લીન નારાયણ બાપુ ના બન્ને પુત્રો હીતેશ ગઢવી અને હરેશ ગઢવી સાથે મુલાકાતો થતી રહી. 
         થોડા વર્ષો થી ભચાવ માં "ભજનધામ" ના સ્થાપક શ્રી પાલુભાઈ ગઢવી "ભજનાનંદી" સાથે આત્મીયતા વધી, ભજન સંસ્કૃતિ ને સંવર્ધિત કરવા અને નવોદિતો ને પ્રોત્સાહન આપવા અને સાથોસાથ ગાયકી માં જે માહેર હોય એવા ના કંઠ, સંગીત અને લોક સાહિત્યનો ધર્માર્થે લાભ મળે તેવા શુભ આશયથી દર રવિવારે યોજાતા ભજન કાર્યક્રમમાં સભ્ય બનવાનો અને ભજન ગાવાનો આનંદ મળ્યો, આમ મારા ભજનો, સંત સમાગમ ઘરેલુ ધાર્મિક વાતાવરણ, અને મારી સામાન્ય ગાયકી થકી આ ક્ષેત્ર વિસ્તારિત થયું ત્યારે એમ લાગ્યું કે "કવિતાનો છોડ" એ મારા ગુરુ સમાન કવિશ્રી "દાદ" ની કદાચ આગાહી હતી. કહેવાય છે કે સાચો આશીર્વાદ આસમાને પહોંચાડે છે, હું કોઈ મોટો ભજન ગાયક કે કલાકાર નથી અને બની પણ ન શકું, પણ મારી લાયકાત ના પ્રમાણ માં આજે હું જ્યાં પહોંચ્યો છું તે મારી ગ્રહણશક્તિ ના પ્રમાણ માં ઘણું વધાર છે જે "કવિતાનો છોડ" ને અંકુરિત કરે છે.  જય માતાજી.  

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫ 
૮૧૬૦૬૩૦૪૪૯.

Tuesday, January 8, 2019

પ્રભુની અકળ કળા

                                   પ્રભુની અકળ કળા


પ્રભુજી તારી કળા કળાય નહિ કંઈ, 
મથી મથીને થાક્યા ધુરંધરો, સમજમાં ન આવ્યું કંઈ

નાગર નરસૈયો ભક્ત તમારો,    બોલાવે બે માં નો કહી
રાસ લીલા રસ પ્રેમે પિવડાવ્યો,  હાથ દાઝ્યાની શૂધ નઈં

શિશુપાલની ગાળો સહી તમે,   વચનો વિસાર્યા નઈં
રણ સંગ્રામે રથનું પૈડું,      ઉઠાવ્યું અધ વચ્ચે જઈ...

સૂરદાસના કાર્ય સુધારવા, લીધી કલમ કર જઈ            
સૂર શ્યામ બની, પદો પુરા કર્યા, એકે અધૂરું નઈં        

બોડાણાની અરજી સાંભળી,  બેઠો તું ડાકોર જઈ
મીરાંબાઈ પર મહેર કીધી તેં, મુખમાં સમાવી લઈ...

સાંદીપની ના શિષ્ય ઘણાં પણ, સુદામા સરીખાં બધા નઈં
ચપટી ચોખામાં એના મહેલ બનાવ્યા, ઊણપ ન રાખી કંઈ..... 

"કેદાર" કાનુડા સદા રહો હ્રદયમાં,    અંતરમન આરૂઢ થઈ
શ્વાસે શ્વાસમાં સમરણ તમારું,      અવર કોઈ કામના નઈં...

નોંધ="નઈં" નો એક અર્થ "નહિ" પણ થાય છે, તેથી કવિઓ પ્રાસ મેળવવા નહિ ના બદલે નઈં નો ઉપયોગ કરે છે. તેથી મેં પણ કર્યો છે

ભાવાર્થ- હે ઈશ્વર આપની કળા અપરમ પાર છે. અનેક અનેક ઋષિ મુનિઓ/ભક્તોએ આપની લીલાને સમજવા, જાણવા અનેક તપશ્ચર્યા કરી, પણ કોઈ સમજી શક્યા નથી.
નરસી મહેતા આપનો અનન્ય ભક્ત, પણ આપને કેવી કેવી ગાળો આપે, છતાં ગુસ્સે થવાને બદલે તેને અલૌકિક રાસ લીલા બતાવી, અને એ પણ કેવો ભાવ વિભોર બનીને જોતો રહ્યો કે  પોતે જે મશાલ પકડીને ઊભેલો તે મશાલ દ્વારા તેનો હાથ બળવા લાગ્યો છતાં તેને ખબરજ ન પડી.

શિશુપાલની માતાને આપે વચન આપેલું કે તે ૧૦૦, ભૂલ કરશે ત્યાં સુધી માફ કરશો, પણ તેણે ૧૦૦, ગાળો આપી, જે ક્ષમા આપી શકાય એવી ન હતી, છતાં વચન પાળ્યું, અને ૧૦૦, ગાળો પછીજ તેને માર્યો. જ્યારે મહાભારતના યુદ્ધમાં આપે વચન આપેલું કે આપ હથિયાર ઉપાડશો નહિ. જ્યારે ભિષ્મપિતાએ વચન લીધું કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ. ભિષ્મ પિતાએ ઘમાસાણ યુદ્ધ કર્યું, પણ જ્યારે તેઓ થાકવા લાગ્યા ત્યારે આપને તેમના વચનને પાળવા માટે એક તૂટેલા રથનું પૈડું ઉપાડીને મેદાનમાં આવ્યા ત્યારે ભિષ્મ પિતાએ પોતાનું પણ પૂરું થયું કહીને હથિયાર મૂકી દીધા, પણ તેઓ સમજી ગયા કે ભક્તનું વચન તૂટે નહિ માટેજ આમ કર્યું છે.

સૂરદાસજી તમારા પરમ ભક્ત, તેમણે પણ લીધેલું કે તેઓ સવા લાખ પદોની રચના કરશે, જેમાં સૂર, સૂરદાસ, સૂરસાગર, જેવા નામથી અનેક પદોની રચના કરી પણ એક લાખ પદો લખાયા પછી તેમની કાયા લથડી ત્યારે તેં પોતે ભક્તનું વચન પૂરું કરવા ૨૫૦૦૦, પદો લખ્યા, જેમાં તેં "સૂર શ્યામ" તરીકે સાખ પુરી છે. 

ડાકોરના ભક્ત બોડાણાની ટેક હતી કે દર કાર્તિકી પુનમે દ્વારકા જવું, પણ ઉમર થતાં હવે નહિ જવાય એમ જાણીને છેલ્લી વખત જઈ આવું એમ માનીને માફી માંગી, પણ ભગવાન પોતે ડાકોર પધાર્યા.

આપ સાંદીપની ઋષિ પાસે ભણેલા, ત્યાં અન્ય સહપાઠી હતા, પણ આપે સુદામા સાથે ગાઢ મિત્રતા રાખી, મુઠ્ઠીભર તાંદુલના બદલામાં આપે તેની ગરીબી મટાડી દીધી.

હે ઈશ્વર, હું હર પળ હર ક્ષણ આપનું રટણ કરતો રહું, સંસાર ની કોઈ પણ માયા માં મારું મન લોભાય નહીં, માટે આપ સદા મારા હ્રદયમાં બિરાજમાન રહો એજ અભ્યર્થના.

ફોટો-ગુગલના સહયોગ થી.