Friday, January 30, 2015

સદ ગુરુ

૨૮, તારીખે આપે ગુરુ વિષેની મારી રચના માણી, પણ જો ગુરુ સદ ગુરુ મળે તોજ આપણને પાર ઉતારી શકે બાકી કહેવાતા ગુરુ તો આજે ઘણા ફૂટી નિકળ્યા છે એવા લોકો પાર તો ન ઉતારી શકે પણ પાયમાલ જરૂર કરે, તો મારી બુદ્ધિ પ્રમાણે સદ ગુરુ કેને કહેવાય તે અહીં રજૂ કરુંછું.

                      સદ ગુરુ  

સાખી-સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
       કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ

      પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
      છલકે પણ છાજે નહીં,   ભુખ ભાવઠ ના જાય..

      ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
      સિંહણ કેરું દુધ તો,     કંચન પાત્ર ભરાય..

      સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
      કુંજર બેઠો કર ધરે,    માંગણ ટેવ ન ખોય  

સદ ગુરુ એજ કહાવે, ભાઇ,  જે  સત્યનો માર્ગ બતાવે..

નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે
સંત સમું સૌ વર્તન રાખે, ઊર અભિમાન ન આવે...સદ ગુરુ..

અજ્ઞાની ને જ્ઞાન ની વાતો, સહજ કરી સમજાવે, 
રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે... 

મૂંઢ મતી ને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે
સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે...

નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે
ભેદી કોઈ ભ્રમ જાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે...

"કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે
જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે... 
ફોટો-ગુગલ ના સહયોગ થી

Thursday, January 29, 2015

આનંદ

                                આનંદ


મને અનહદ આનંદ આવે,  હરિને હૈયે હેત કેવું આવે..

સેવક કાજે સરવે સરવા,   વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે...

પિતા પ્રભુના પાવળું પાણી,   પુત્ર ના હાથે ન પામે
પણ- અધમ કુળ નો જોયો જટાયુ,  જેની ચિત્તા રામજી ચેતાવે...

ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથ નું ચક્ર ને ગ્રહતાં,   લેશ ન લાજ લગાવે..

સખુ કાજે સખુ બાઈ બની ને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુર ની ઝૂંપડી એ જઈ,  છબીલો છોતરાં ચાવે...

નરસિંહ કાજે નટખટ નંદન,  વણિક નો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને,   લાલો લાજ બચાવે..

ગજને માટે ગરુડ ચડે ને,  બચ્ચા બિલાડી ના બચાવે
ટિટોડી ના ઈંડા ઊગારી, " કેદાર " ભરોંસો કરાવે... 


સાર:- મને એક આનંદ થાયછે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમહોય છે? જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે. ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા ન દે.

૨-રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં પાણી પાઈ શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા જટાયુ ને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ
કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩-મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા માટે આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના રહેશે. ( જેમાં ૨૮૧૭૦ રથ, ૬૫૬૧૦ ઘોડેસવાર, ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો અને ૨૧૮૭૦ હાથીઓ હોય છે. )ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી. અર્જુનને તો કૃષ્ણજ જોઇતા હોય ને?
મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ પ્રતિજ્ઞા લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ, જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં કર્યું છે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે તોડ્યું છે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને-ટેકને પાળવા માટે ક્યારેક પોતાના વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડીદે છે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, અને સખુના સાસુ સસરા નો માર પણ ખાધો.  વિદુરની ભાજી ખાધી, નરસિંહ મહેતા ના અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમિમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ કેટલાં કેટલાં કાર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરતા રહેવું, જરૂર સાંભળશે, અને આપણને પણ સંભાળશે.
જય શ્રી દ્વારકેશ.

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Wednesday, January 28, 2015

અરજી

                                     અરજી


ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરતો રહુંછું કર્મો જે લખિયા વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો, અજ્ઞાની મને જાણી સ્વીકારો ઓ તાતા..

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી,   ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિત મારું તવ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા હૃદય માં,  કરો કરુણા ની વૃષ્ટિ કૃપાળુ ઓ દાતા...   

કરૂં પ્રાર્થના નિત મનથી તમારી,   સુણો વિશ્વ ભરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્,  વિનવું સદા નાથ તમને ઓ તાતા...

કોઈ પત્તું ન હલતું વિણ મરજી તમારી, તો શાને છે કર્મોની ભીતિ અમારી
કરું કાર્યો તેના ન લેખાં કોઈ લેજો, હો સારું કે નરસું તમારું ઓ તાતા...

કરૂં ગાન ત્યારે મન તારામાં  લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે   
છે " કેદાર " કેરી આ વિનતિ પ્રભુજી,  સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..   

સાર:- હે ભગવન્, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું. 
મંત્રોની કે શ્લોકો ની સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી લેજો.
હે ઈશ્વર હું જે કંઈ કરું તેમાં આપનો ડર સદા મારા દિલમાં રહે જેથી હું કોઈ ખોટું કાર્ય ન કરું,બસ સદા તારું રટણ મનમાં રહે. તારા આ સંસારની માયા મને લાગીછે તો ક્યારેક પાપ પણ કર્યા હશે, પણ સાથે સાથે તારા ગુણલા પણ ગાયાછે, માટે હિસાબ બરોબર કરીને મારા અંત કાળે તારું રટણ રહે એવી વિનંતીછે. તારી વંદના કરીછે તો મને તારી ભક્તિનું સુખ આપજે. પણ આમ છતાં એક વાત સમજાતી નથી, સંતો મહંતો કહેછે કે તારી ઇચ્છા વિના એક પત્તું પણ હલતું નથી તો હું જે કંઈ કરું તેતો તારી મરજીથી થ્યું હોય તો એ કર્મનો દોષ મને કેમ નડે? એતો બધું આપેજ કરાવ્યુંછે!
છતાં એક પ્રાર્થના જ્યારે જ્યારે તારું ગાન કરું ત્યારે તારામાંજ મન રહે અને માયામાં ફસાય નહીં એજ અભ્યર્થના.
ફોટો- ગુગલના સહયોગ થી.

Monday, January 26, 2015

ઋણ


                                           ઋણ

ભરતજી મને એકજ ઋણ રડાવે,મને પ્રેમ ના આંસુ પડાવે...

વિપ્ર ના વેષે વાનર મલિયો, સુગ્રિવ સા સખા ને મળાવે
સીતા શોધ કાજે સમંદર લાંઘી, લંકામાં લાય લગાવે...

વાનર સેના વનચરે લીધી, સમંદર સેતુ બનાવે
અહીરાવણ નું શીશ ઉડાવી, મહિરાવણ ને મરાવે...

વિભીષણ સરીખો મિત્ર મલાવ્યો મને, રણમાં રાહ બતાવે
રાવણ મારી વૈદેહી કેરો, વસમો વિયોગ મિટાવે...

જેણે જે માંગ્યું તેને તે મેં આપ્યું, પણ હનુમો હાથ હલાવે
એનો ઉધારી હજીએ રહ્યો છું, વ્યાજ ની વેદના સતાવે...

દીન દયાળુ "કેદાર" ના દાતા, દાસ ને દૈવ્ય બનાવે
રઘુ કુળ તેનું ઋણિ રહેશે, રઘુપતિ શાખ પુરાવે...

ભગવાન શ્રી રામ લંકા વિજય પછી અયોધ્યા પધાર્યા અને રાજ્યાભિષેક પછી સભા બોલાવીને યુદ્ધમાં ભાગ લેનાર સર્વે લોકોને જેણે જે માંગ્યું તે યોગ્ય પુરસ્કાર આપવા લાગ્યા, આ સમયે હનુમાનજીને કંઈ પણ માંગવા કહ્યું પણ તેમણે તો સીતા માતાએ આપેલી મોતીઓની માળા પણ "આ મણકામાં મારો રામ નથી" કહીને ન સ્વીકારી, ત્યારે શ્રી રામ ભરતજીને કહેછે કે આ હનુમાને મને ઋણી બનાવી દીધોછે, મારી કેટલી કેટલી મદદ કરી પણ આજે જ્યારે એ બધું ઋણ ચુકાવવાનો વખત આવ્યોછે ત્યારે તે કંઈ પણ લેવાની ના પાડીને આખા રઘુ કુળને ઋણી બનાવી રહ્યોછે.     
ફોટો ગુગલના સહયોગથી સાભાર

                               હરિ હૈયા ના હેત       

હરિ નું હૈયું હરખે ભરાયું
માંગો આજે મન મૂકી ને, ભરીદંવ ભક્ત નું ભાણું....

ચૌદ વરસ જેણે ચાખડી પૂજી ને, ચંદન ચોડી ચડાવ્યું
ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખાયું....

વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
રીંછ મરકટ પર રઘુવીર રીઝ્યાં, આપ્યું જે મુખથી મંગાયું...

વૈદેહી વાનર પર ત્રૂઠ્યાં, નવલું આપ્યું નજરાણું
કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાયું....

માળના મણકા મુખમાં મૂકીને, દાબ દઈ ને દબાવ્યું
મોતીડા તોડી કપિ રહ્યાં ખોળી, ક્યાં ઠાકોર નું ઠેકાણું...

માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
રામ વિના મને કશું ન ભાવે, કંચન કથીર જણાયું...

રોમ રોમ મારે રઘુવીર રમતાં, ઠાલું નથી ઠેકાણું
" કેદાર " કપિએ છાતી ફાડી તો, રઘુકુળ દિલ દરશાયું.... 

સાર:-લંકા વિજય કર્યા પછી શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો ત્યારે યુદ્ધમાં મદદગાર થનારા દરેકે દરેક સાથીને રામ દરબારમાં સન્માનિત કરવામાં આવ્યા. અને દરેકને મન ગમતા પારિતોષિકો માંગી લેવા શ્રી રામે કહ્યું.
ભરતજીએ ચૌદ વરસ ભગવાનની પાદુકા રાજગાદી પર ધરીને રાજ્યનો કારભાર સંભાળ્યો, અને એક સંત જેવું જીવન ગુજાર્યું, પ્રભુએ તેને ભક્તિ પ્રદાન કરી.
વિભીષણ ને લંકાનું રાજ્ય આપવામાં આવ્યું. અને અંગદ ને લંકાનો સેના નાયક નિયુક્ત કર્યો. બધા રીંછ અને વાનરો ને જેણે જે માંગ્યું તે આપ્યું. પણ હનુમાનજી મહારાજ શાંત ચિત્તે ઊભા હતા. 
સીતા માતા ને હનુમાનજી પર પ્રેમ ઉભરાયો અને પોતાના કંઠમાં પહેરેલી અતિ મૂલ્યવાન માળા ભેટ આપી. હનુમાનજી ખુશ થઈ ગયા અને માતાની આપેલી ભેટ માં જરૂર કંઈક વિષેસ હશે એમ સમજીને એક એક મણકાને ફેરવી ફેરવી ને જોવા લાગ્યા, કંઈ નમળ્યું તો તોડી તોડીને જોવા લાગ્યા. પણ જ્યારે કોઈ જગ્યાએ રામજી ના દર્શન ન થયા ત્યારે આશ્ચર્યથી માતા અને અન્ય સભાસદો સામે જોયું. પણ સભાસદોના ચહેરા જોઈને સમજી ગયા કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. કોઈએ આપેલી ભેટ આ રીતે તોડ ફોડ કરીએ તો આપનાર વ્યક્તિ નારાજ તો થાયજને? હનુમાનજીએ તુર્તજ માતાજીની માફી માંગતાં કહ્યું કે મા, હુંતો વાનર છું, વિવેક બુદ્ધિ મારામાં ક્યાંથી હોય? આપે આપેલી માળામાં મને મારો રામ ન દેખાણો, અને રામ વિના ની કોઈ પણ વસ્તુ મને શા કામની? મારાતો રોમ રોમ માં રામ વસેછે, મારા અંગમાં રામ વિનાની કોઈજ જગ્યા બાકી નથી, તેથી રામને શોધવા માટે મેં માળા તોડીછે. માટે મને માફ કરજે.
જ્યારે હનુમાનજીએ પોતાના રોમે રોમે રામ વસતા હોવાનું કહ્યું ત્યારે સભાસદો સંશય કરવા લાગ્યા કે શું અમારા મનમાં રામ નથી? ચતુર હનુમાનજી સમજી ગયા કે મારે આ લોકોની શંકા દૂર કરવી પડશે, તેથી પોતાના નહોર વધારીને પોતાની છાતીમાં ભરાવ્યા અને છાતી ફાડી અને તેમાં શ્રી રામ, સીતાજી અને સમગ્ર રામ દરબારનાં દર્શન કરાવ્યા. 
ધન્ય ધન્ય એ અંજની ના જાયાને.  
ફોટો ગુગલના સહયોગથી સાભાર

Friday, January 23, 2015

કાલે મેં કેવટ પ્રસંગ મારા ફેસબુક/મેલ/વોટ્સએપ પર મૂકેલો, જેના પર શ્રીમાન નીખીલ દરજી ભાઈએ મને લખ્યું કે--વાહ બાપુ,
ભરત મહારાજ અને કેવટજી બન્ને સાધુ પુરુષોને જીવંત કરી દીધા. કેવી રીતે આવી રચનાઓ સ્ફુરેછે તમને, ભગવાનની વિશેષ કૃપા છે તમારા પર, નહિતો આ શક્ય જ નથી. તમારા ગૃપમાં રહીને અમે પણ આ આનંદના ભાગીદાર બની રહ્યાં છીએ.
નીખીલ દરજી.--- આવીજ પ્રોત્સાહિત કરી દેતી ટિપ્પણીઓ, અભિપ્રાય મારા દેશવિદેશ માં વસતા જ્ઞાની મિત્રો જેવાકે પ.પૂજ્ય નિરંજન રાજ્યગુરુજી, શ્રી ખૈની સાહેબ, દાસ ભાઈ, શ્રી જુગલકીશોરજી કે જીતુભાઈ પાઢ-કેટલાં નામ લખું?- જેવા અનેકો અનેક પાઠકો દ્વાર મળેછે. કોઈ પણ કવી/લેખક કે વક્તાનું ઈંધણ શ્રોતાઓનું પ્રોત્સાહન છે, આજ કાલ ભજન કે ગરબા જેવી ધાર્મિક રચનાઓ વાંચવા માટે બહુ ઓછા લોકો પાસે સમય હોયછે, આલતું ફાલતુ રચનાઓ કે જોડકણા જેવા ગીતો પર ઓળ ઘોળ થતા લોકો ભજન કે ગરબા પર ધ્યાન આપતા નથી પણ આવા જ્ઞાની લોકોના પ્રોત્સાહન અમારા વિચારોમાં પ્રાણ પુરેછે. આશા કરું કે આજ રીતે આપનો સહકાર મળતો રહેશે.
જય માતાજી
૨૩.૧.૧૫