Thursday, October 1, 2015

જલારામ બાપા

                          
                         જલારામ બાપા
સાખી-
સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...

અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની હેલી ચડે, જ્યાં નામ જલા નું લેવાય..
                      

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 
દાતા તમે આવ્યા જલા ના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં.. 

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં. 

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ નો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત,  મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો 
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં...

દીન " કેદાર " પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં

અર્ધાંગનાં-એવી પત્ની જે પતિનું જ જાણે અર્ધું અંગ હોય, તેના દુખે દુખી અને સુખે સુખી રહેતી હોય.

અધેલો:-એક જમાના માં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો સિક્કો.

હૃદય માં રામ રમજો

                
                      હૃદય માં રામ રમજો

રામ હૃદય માં રમજો મારા, હરિ હૃદય માં રમજો નાથ...

ભવ સાગર માં જીવ ભટકતો, મારું મારું કરી ને મરતો
મોહ માયા થી દૂર હટાવો,   પડ્યો તમારે શરણે નાથ..

માતા તું છે તાતા તું છે,  સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો,    એ અભિમાન મિટાવો નાથ..

અતિ અભિમાને અંધ બન્યો છું,  ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી,   તવ માયા માં લપટાવો નાથ...

દીન " કેદાર " પર દયા દરસાવો,  નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં,          મુજ અધમ ને ઉદ્ધારો નાથ...

Sunday, September 27, 2015

સમજાવો ને સાર

                
                    સમજાવો ને સાર

હવે પ્રભુ સમજાવો ને સાર જી
                          તમે શું આવો રચ્યો’તો સંસાર...

માનવ કુળ માં જન્મ ધરીને, શું મેળવ્યો સાર
સગા ભાઇનું સારું ભાળી ને, સળગે છે સંસાર...

જલ ને નાથ્યા સ્થળ ને લાંઘ્યા, વસૂનો કીધો વેપાર
ગરીબો ને ગાળો દેતો પણ, ખાતો મોટા નો માર...

મંદિર જાતો પણ માન ખાવા ને, દાન માં કરતો દેખાવ
પૈસા ખાતર પર ને પીડે, પાછો દેખાડે ખૂદ ને દાતાર...

કથા કીર્તન નો સાર ન જાણે, ભાષણ માં હોશિયાર
ભજન માં જાતાં ભોંઠપ આવે, દેવ એનો કલદાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન " કેદાર "
તુજ માં મુજ ને લીન કરીદે, નથી સહેવાતા માર

Saturday, September 26, 2015

શું સમજાવું ?

                શું સમજાવું ?

પ્રભુ તને શું સમજાવું મારા તાત
નાના મુખથી કરવી પડે મારે, મોટી મોટી વાત...

સૃષ્ટિ કેરું સર્જન કરીને, સૂર્ય ચંદ્રની ભાત
જલચર સ્થલચર નભચર રચ્યા તેં, ઉત્તમ માનવ જાત..

તું સમજ્યો’તો માનવ મારી, સેવા કરે દિન રાત
મન નો મેલો કામ નો કુળો, શું કરે સુખરાત..

મંદિર આવે શીશ નમાવે, જાણે નહીં તું એની જાત
કાળા નાણાનો ભોગ ધરાવે, મોટી દેશે તને માત..

તું છે ભોળો જો પાથરે ખોળો તો આપી દે જર જવેરાત
સમજી ના લે સૌને સેવક, નથી કહેવા જેવી વાત..

મેં બનાવ્યો શું મને બનાવે, હું સમજુ સૌની ઓકાત
મુખથી ભલેને મીઠું બોલે, હૂંતો જાણું મનની વાત..

એક અરજી સાંભળ હરજી, દીન "કેદાર" ની વાત
તુજ માં મુજને લીન કરીને, તારી દેજે મને તાત...

ફોટો-ગુગલ ના સહયોગ થી

Thursday, September 24, 2015

ઝૂંપડીએ જંગ

                           ઝૂંપડીએ જંગ

ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પાઠ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, " કેદાર " ભરોંસો કેમ ના’વ્યો...
   
  સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.
તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.
હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?
જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.
જય નારાયણ.

Monday, September 21, 2015

વિટંબણા

                            વિટંબણા 
                
ભાવના ભક્તની કેવી, બને પાગલ પ્રભુ કાજે
                        વિરહમાં ભાન ભૂલેછે, રડે સેવકાઈ ને કાજે..
જ્યાં વાગે હાંક હનુ કેરી, દિક્પાળ ડરી જાતા
                   ચરણ રજ ચૂમવા કાજે, મારુતિ વ્યગ્ર થઈ જાતા..        


માતા મને યાદ અતિશય આવે,
યાદ અતિશય આવે એતો મારા મનને ખૂબ રડાવે... માતા મને...

કિષ્કિંધા માં લક્ષ્મણજી જ્યારે,  પાવન પાવલાં દબાવે
એક ચરણે સેવા હું કરતો,       મારે હૈયે આનંદ  આવે...માતા મને...

સેંથીમાં માતા સિંદૂર પૂરતા, કહેતાં રામ મન ભાવે
આખા શરીરે થયો સિંદૂરી -હું-, મારું મનડું રામ રિઝાવે...માતા મને...

અવધમાં હવે આવી સ્વજન સૌ,  સેવા કરે બહુ ભાવે
મર્યાદા ભંગ કેમ કરૂં હું,       મારગ મનમાં ન આવે... માતા મને...

સમદૃષ્ટિ અતિ આનંદ પામ્યા,  પીડ  કપિની જાણે
આદર સાથે અંજની સુતને,     ચપટી ચાળે ચડાવે..માતા મને...

જ્યારે વાગે કપિની ચપટી ,     રામ ઉબાસી આવે
આનંદી બની નાચે મારુતિ-તો-,  હરિને હેડકી આવે...માતા મને..

દીન " કેદાર "નો હરિ હેતાળો,  કરજ કોઈ ન ચડાવે 
સેવા સૌને સરખે ભાગે,  ઊણપ કોઈને ન આવે...માતા મને...

સાર:- ભગવાન રામ સીતાજી ની શોધ કરતાં કરતાં જ્યારે ભક્ત હનુમાનજી ને મળ્યા અને હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી અને શ્રીરામ ભાઇ ભરત સાથે કિષ્કિંધામાં રોકાયા ત્યારે દર રોજ રાત્રે રામજી જ્યારે વિશ્રામ કરવા પધારે ત્યારે લક્ષ્મણજી રામજીના ચરણો દબાવતા, લક્ષ્મણજીતો બચપણથીજ રામજીના ચરણોની સેવા કરતા, અને તેમને એક એવી આદત પણ હતી કે રામજીના પગનો અંગૂઠો મોંમાં લઈને ચૂસે ત્યારેજ નીંદર આવે, લક્ષ્મણજીની સેવા જોઇને હનુમાનજી પણ પ્રભુના ચરણોની સેવા કરવા લાગ્યા.  પછીતો બન્નેને એવો આનંદ આવતો કે ક્યારેક તો મીઠો ઝગડો પણ થવા લાગ્યો કે કોણ કયો પગ દબાવે. સમય જતાં હનુમાનજીની આ સુટેવ એવીતો પરાકાષ્ઠા પર પહોંચી કે જો રામજીના ચરણની સેવા કરવા ન મળે તો હનુમાનજી એકદમ વ્યાકુળ બની જતાં. પણ જ્યારે લંકા વિજય કરીને રામજી સિતાજી સાથે અયોધ્યા પધાર્યા ત્યારે હનુમાનજી પર જાણે મહા સંકટ આવી પડ્યું, લક્ષ્મણજીનો તો રાજ દરબારમાં વાસ, ક્યારેક ક્યારેક ચરણ સેવાનો લાભ મળી જાય, પણ હનુમાનજીને તો મર્યાદામાં રહેવાનું, રામજીના કક્ષમાં કેમ જવાય? બસ જ્યારે જ્યારે રામજીના ચરણો નિરખવા મળે ત્યારે ત્યારે આંખ ભીની થઈ જાય, રામજી ભક્તની આ પીડા સમજી ગયા, અને એકાંતમાં એક રસ્તો બતાવ્યો, "જો હનુમાન હું તારી પીડા સમજુંછું, પણ મારાથી કોઈને ના ન પડાય, પણ તું એક કામ કર, જ્યારે જ્યારે તને મારી સેવાની પ્રબળ ઇચ્છા થાય ત્યારે તારે ચપટી વગાડવી, હું બગાસાં ખાવા લાગીશ અને કહીશ કે આ હનુમાન ચપટી વગાડેછે તેથી મને બગાસાં આવેછે, જ્યાં સુધી તને અંદર ન બોલાવે ત્યાં સુધી હું બગાસાં ખાતો રહીશ." સામાન્ય ભક્તને કદાચ પ્રભુ સેવાની ઇચ્છામાં અલગ અલગ પ્રમાણ હશે પણ હનુમાનજીની તો સદાએ પ્રબળ ઈચ્છાજ હોય, બસ લાગે નાચવા અને ચપટીનાતો ધોધ નીકળે, અને વચન મુજબ ભગવાનના બગાસાં ચાલુજ રહે,  કંઈક ઉપાયો કર્યા પણ ઇલાજ કેમ શક્ય બને?  બગાસાં ખાઈ ખાઈને રામજી પણ કંટાળ્યા, અને સાથે હવેતો પાછી હીચકી પણ ચાલુ થઈ ગઈ, બધાને બોલાવીને ભગવાને કહ્યું કે હનુમાનને મારી સેવા કરવીછે એટલે નાચેછે, એ ચપટી વગાડેછે તેના નાદથી મને આ બગાસાં અને હીચકી આવેછે, તમો તેને સેવાનો સમય ફાળવો નહીંતો મને પણ આરામ કરવા નહીંદે, અને હું આમજ બગાસાં ખાતો રહીશ તો તમે પણ સેવા કેમ કરશો? 

માતાજી સમજી ગયા કે આમાં મારા રામની પણ ઇચ્છા લાગેછે, નહીંતો બજરંગી આટલા ધમ પછાડા નકરે. ત્યારબાદ હનુમાનજીને પણ યથાયોગ્ય સમય ફાળવીને રાજી કરવામાં આવ્યા.  

જય શ્રી રામ. 

ઈર્ષા

ઈર્ષા
આવે જ્યારે ઈર્ષા ઉરની માંય,
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિ કાંઈ....

લક્ષ્મીજી બ્રહ્માણી  સંગે સમજે રુદ્રાણી માત,
 અમ સમાણી કોઈ પતિવ્રતા નહિ આ અવની માંય......

નારદજી એ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
 અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...

ત્રણે દેવી ઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઈક ઉપાય,
 લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએ કાંઈ...

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાં,
 આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઈ ઉપાય...

સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય,
આદરથી એક અંજલિ છાંટી બાળ બનાવ્યા ત્યાં...

ત્રણે દેવી ઓ મનમાં મૂંઝાણા પૂછે નારદજી ને વાત,
પ્રભુ તમારા ઝૂલે પારણિએ અનસૂયા ને ત્યાં....

કર જોડી કરગરે દેવી ઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઈ આવે અવર ન માંગુ કાંય...

ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
 " કેદાર " ગુણલા નિત નિત ગાતો લળી લળી લાગે પાય...

સાર:-અત્રિ રૂષિ ના પત્ની અનસૂયા માતા ના પતિવ્રત ધર્મ ની પ્રતિષ્ઠા થી ઈર્ષા પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણી એ  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા.  તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાં જ હતાં,  ત્રણેય દેવો એ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ ભિક્ષા લઈશું નહિ તો પાછા જઈશું. જો અતિથિ  ખાલી હાથે પાછો ફરે તો સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયા એ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ કર્યો કે ‘જો મારી સ્વામી ભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે બાળક સ્વરૂપ ને પામે’. અંજલિ નો સ્પર્શ થતાં જ જગતના સર્જક પ્રજા પિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક બની ગયા. માતા અનસૂયા એ ત્રણેય બાળકોને પારણા માં પધરાવી દીધાં. બ્રહ્મલોક, વૈકુંઠ અને કૈલાસ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવી ઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજી એ કહ્યું કે સતીના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયા ના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય દેવી ઓએ માતા અનસૂયા ની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા અનસૂયા એ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણા માં સૂતા છે. ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવી ઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતા ને વિનંતી કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામી ને ઓળખાવો ત્યારે માતા અનસૂયા એ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવો ને પૂર્વવત્ સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવો એ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા માતા એ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય કરો. આથી ત્રણેય દેવો એ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતા ને ત્યાં આદ્ય ગુરુ દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.


Friday, September 18, 2015

ક્ષમા યાચના

 મિત્રો,
આપ આ જગ્યા પરથી મારા દ્વારા ઈશ્વર કૃપાથી રચાએલા ભજનો માણી રહ્યાછો, પણ ક્યારેક આપને લાગતું હશે કે એકજ ભજન બીજી વખત મૂકવામાં આવેછે, તેના બે કારણો છે.
મારા પથ દર્શક સંત સમાન પ. પૂ. શ્રી નિરંજનજી રાજ્યગુરુના જણાવ્યા અનુસાર "જ્યારે જ્યારે આપણી પોતાનીજ બનાવેલી રચનામાં કોઈ ક્ષતિ લાગે કે તેને સુધારવા જેવી લાગે, અથવાતો તેમાં વધારો કરવા જેવું લાગે ત્યારે સમજવાનું કે ઇશ્વરે આપેલી આ વધારાની મહેરમાં વધારો થઈ રહ્યોછે, તેથી કોઈ પણ જાતના વિલંબ વિના તેમાં સુધારો કરી નાંખવો".

બીજું કારણ એવું છે કે મારા અનેક ચાહક મિત્ર મંડળમાં ઈશ્વરની કૃપાથી વધારો થતો રહેછે, અને જ્યારે જ્યારે નવા નવા મિત્રો સામેલ થાયછે ત્યારે પહેલાં રજૂ કરેલી રચનાઓ માણી ન શક્યા હોઇને ફરીથી રજૂ કરવા આગ્રહ રાખેછે, તેથી આ જગ્યા પર હું ક્યારેક એકજ રચના બીજી વખત રજૂ કરૂછું.

જય માતાજી.

ખબર અંતર

                            ખબર અંતર
નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે, 
      બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.
ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું, 
      ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું 


કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...

ભાઇ લક્ષ્મણ કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...

મણિ મુદ્રિકા તુમને ગિરાઈ,  નાચા મન મોરા તુટ ગઈ શંકા...

નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘુવીર જાપ જપંતા...

કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ?   બિન વૈદેહી, કૈસે મોરે કંથા...

દો આજ્ઞા મૈયા ક્ષુધા મોહે લાગી, મધુર ફલ ખાકે દેખું, નરપતિ લંકા...

બગીયાં ઉજાડી પૈડ ગીરાયે, અસુર ગણ રોળે મારે સૈન્ય બંકા...   

કેદ કિયો હનુમો લૌ લીપટાઇ, " કેદાર " કપિ ના જલીયો જલ ગઈ લંકા.. 

સાર:-રામાયણના બધા કાંડો માં સુંદર કાંડનેજ સુંદર કહેવામાં આવ્યો છે, કારણ સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશીર્વાદ આપ્યા, પણ જ્યારે માતા સીતાજી ને મલ્યા ત્યારેજ તેઓ "અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા" બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ  કાન્ડો માં એ સુંદર કાંડ બન્યો. જીવને રામ મળે તેતો અનેક અનેક જન્મોના પુણ્યો હોય, અને ઈશ્વર કૃપા હોય તોજ શક્ય બને, પણ જો ભક્તિ ન મળે તો તેની ઊણપ રહીજાય છે, તેથી જ્યારે હનુમાનજીને ભક્તિ(સીતા માતા) મળ્યા ત્યારે તેઓ પૂર્ણ બન્યા.  

 જ્યારે હનુમાનજી માતાજી ને અશોક વાટિકા માં  મલ્યા ત્યારે માતાજી બધા સમાચાર પૂછે છે અને કહે છે-મેં લક્ષ્મણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારું અપહરણ થયું.-મને શંકા હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યો છે, મારો રામ મને કેમ શોધશે? પણ તમે મુદ્રિકા બતાવી તેથી એ શંકા ન રહી, મારે હરપળ રામ રટણ નું કવચ છે,તેથી હું તો બરાબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોણ કરે છે ?  
હનુમાનજીએ બધા સમાચાર આપીને કહ્યું માં ચારસો ગાઉનો સમુદ્ર ઓળંગીને આવ્યોછું, ભૂખ લાગીછે, રજા આપો તો વનફળ ખાઈને લંકાનો રાજા કેવોછે એ પણ જોઈ આવું. માતાજીની આજ્ઞા થતાં હનુમાનજીએ બાગમાં તોડ ફોડ કરી, વૃક્ષો કાપ્યા, રાવણ ને ખબર પડી તો દરબારમાં બંદી બનાવીને લાવ્યા, ત્યાર બાદ હનુમાનજીની પુંછમાં આગ લગાવી. હનુમાનજીને તો કંઈ ન થયું પણ લંકા માં આગ લાગી.

Wednesday, September 16, 2015

ગણેશા

                     ગણેશા
સાખી-
સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ.  દીન "કેદાર"ની વિનતિ, રહો હૃદય માં હંમેશ
ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ. દીન "કેદાર"દિન દિન ભજે, કરે તમારી સેવ
ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ. કરો કૃપા "કેદાર"પર, સમરૂં ઠામો ઠામ         

ગજાનન પહેલા પધારો રે ગણેશા,   શિવ ગૌરી ની શાખે
પુજા અર્ચન પ્રેમે કરું હું,        ભક્ત સૌ દીલથી દાખે...

ગુઢ ગહન પ્રભુ રૂપ તમારૂં, જન અચરજમાં નાખે 
અંગે અંગમાં મર્મ ભર્યોછે, (જેથી) સહજ સમજ સૌ રાખે...

કાન ધરી ને શાંભળે સૌનું,  વાત ઉદરમાં રાખે
જીણી નજરે જોનારા તમે, કાર્ય સુખમય ભાખે...

સમતા ધરવી ક્રોધ ન કરવો, દ્વેશ ન દીલમાં દાખે
ઉંચ નિચ સૌ સરખા ગણે તેથી, મુષક વાહન રાખે... 

ધીર ગંભીર બની કાર્ય સુધારે, ભક્ત નિર્ભય કરી નાખે
વિઘનો હરી સૌ સંકટ કાપે,    સકળ જગત સુખ રાખે...

જડ ચેતન ના અધિપતિ દાતા, કેદાર દીલમાં દાખે
ભક્તિ કરે જે ગણ નાયક ની, અમુલખ આનંદ ચાખે...

શાખે=સાક્ષી; સાખ.  ભાખે=ભવિષ્ય કહેવું.  દાખવવું=જણાવવું; કહેવું; દેખાડવું. 
ફોટો ગુગલના સહયોગ થી

Tuesday, September 15, 2015

સદ ગુરુ

                          સદ ગુરુ
સાખી-સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
       કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ
      પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
      છલકે પણ છાજે નહીં,   ભુખ ભાવઠ ના જાય..
      ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
      સિંહણ કેરું દુધ તો,     કંચન પાત્ર ભરાય..
      સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય      
      કુંજર બેઠો કર ધરે,    માંગણ ટેવ ન ખોય  

સદ ગુરુ એજ કહાવે, ભાઇ,  જે  સત્યનો માર્ગ બતાવે..
નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે
સંત સમું સૌ વર્તન રાખે, ઊર અભિમાન ન આવે...સદ ગુરુ..
અજ્ઞાની ને જ્ઞાન ની વાતો, સહજ કરી સમજાવે,
રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે...
મૂંઢ મતી ને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે
સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે...
નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે
ભેદી કોઈ ભ્રમ જાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે...
"
કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે
જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે... 


Saturday, September 5, 2015

પ્રીતમ નો પ્રેમ


                   પ્રીતમ નો પ્રેમ

ઢાળ- માલકોશ જેવો

પ્રેમ પ્રીતમ ને રિઝાવે
                           નાણે નજર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડી ખાતો, પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝેર મીરાં ના પી જનારો, તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો, તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન, વિધ વિધ વેશ બનાવે...

દીન " કેદાર " પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગાં ન રહેશો, મોહન મુખ પર આવે...

Friday, September 4, 2015

ક્ષમા યાચના.


                                                    ક્ષમા યાચના.
મિત્રો જય શ્રી કૃષ્ણ.
ઘણાં સમયથી હું ઈશ્વર કૃપાથી આ જગ્યા પરથી આપને મારી બનાવેલી રચનાઓ પીરસતો રહ્યો છું, અને આપ સર્વે ભાવે અભાવે તે વાંચતા હશો /માણતા હશો કે ડીલીટ કરી દેતા હશો, પણ આજે કૃષ્ણ જન્મ પર્વ પર આપને નિખાલસ ભાવે લખુ છું કે જો આપને મારી રચનાઓમાં કંઈ પણ અયોગ્ય લાગે કે કોઈ પણ જાતની ભૂલ જણાય અને જો આપ તેના પર અંગુલી નિર્દેશ કરશો તો હું આપને મારા અંગત પથ દર્શક માનીશ. આજના સમયમાં ભજન કે ગરબાઓ વાંચવા કે સાંભળનાર ખૂબજ ઓછા લોકો મળે છે, હા એ નામે હાઈ ફાઈ ધમાલ સાંભળનાર ઘણાં છે, તો આપ જેવા યોગ્ય શ્રોતાઓ મળતા રહે તે અહોભાગ્ય ગણાય. 
મારી રચનાઓના ચાહકો કદાચ કોઈ રચના ચૂકી ગયા હો તો તે આપને મારા બ્લોગ-kedarsinhjim.blogspot.com- પર મળી જશે. 
જય શ્રી કૃષ્ણ

ગોવિંદ કે ગુન


                            ગોવિંદ કે ગુન

ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મુખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા...

માનુષ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું પરમ પદ કો પાયે જા...

દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા...

હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

દીન કે તું દિનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો " કેદાર " કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા 

સાર-પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન સાંભળવા મળતી, જેના બોલ હતા.
ગોવિંદ કે ગુન ગાયે જા ઓર પંથ તેરા બઢાયે જા, 
વો ખુદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા...

આ બે જ લાઇન સાંભળીને કંઈક ખૂટતું હોય તેમ લાગતું, થતું કે કેવા સરસ બોલ છે? આ રચના આગળ પણ હશે કે પછી આટલુંજ હશે? તેથી તેને પૂર્ણ સાંભળવાની ઇચ્છા થતી. પણ ક્યાંથી શોધવી? અંતે ઈશ્વર કૃપાથી એ અધૂરાસ પૂર્ણ કરવા પ્રભુએ પ્રેરણા કરી અને મારા થકી મારા વિચાર પ્રમાણે બની ગઈ આ રચના, જે આજે જન્માષ્ટમી પ્રસંગે રજૂ કરુંછું

 કે હે માનવ તું સંસારના મોહ માંથી મન હટાવિલે અને પ્રભુ ભક્તિમાં લીન થઈ જા. ઈશ્વરે કેવી મોટી તારા પર મહેર કરીછે? તને માણસનો અવતાર આપીને તારા નિર્વાહની બધી જવાબદારી પોતા પર લઈ લીધીછે, અને તને મોક્ષ જેવું પરમ પદ મળે તેવા બધાજ દરવાજા તારા માટે ખુલ્લા રાખ્યા છે.

આપણાં શાસ્ત્રો મુજબ જીવ જ્યારે શિવ તત્વથી અલગ થયા પછી ૮૪, લાખ યોની માંથી ઈશ્વરે બનાવેલા નિયમોનું પાલન કરતાં કરતાં પસાર થઈ જાયતો તેને ફરીને શિવ તત્વમાં લીન થવાનો મોકો મળેછે, પણ જો કોઈ ભૂલ કરે તો તેના પરિણામ સ્વરૂપે અમુક જન્મો ફરીથી ભોગવવા પડેછે. દરેક જીવને મુખ, જીભ જેવા અંગો આપ્યાછે, પણ તને મનુષ્ય બનાવીને એક વધારે ઉપકાર એ કર્યો છે કે તને વાચા આપીછે, વિચારવા માટે જ્ઞાન સભર મન આપ્યુંછે, માટે હે જીવ તું ઈશ્વરનું ભજન કર અને બીજા લોકોને પણ તેમાં સામેલ કર અને પરમ પદને પામવા માટે પ્રયાસ કર.

 જ્યારે ઈશ્વરે તને આવો સરસ મોકો આપ્યોછે, તો બસ ઈશ્વર મય બનીજા, શ્વાસે શ્વાસે તેનું સમરણ કર, દરેક જીવનું લક્ષ તો ફરીને શિવ સાથે એકાકાર થવાનું હોયછે, પણ આ જગતની માયામાં વીટળાઇને પોતાનું લક્ષ ગુમાવીદેછે, પણ તું એ માયાને છોડીને ભજન કર અને તારું પદ પામીલે.

હે નાથ, આપતો ગરીબના બેલી છો, દેવો ના દેવછો, તો પ્રભુ હૂંતો આપનો વદા માંગણ, સદાય આપનો દાસ, આપનાથી અળગો કેમ રાખી શકો? બસ આપના શરણમાં લઈલો એજ અભ્યર્થના. 

Tuesday, September 1, 2015

ભજનાનંદી(નારાયણ સ્વામી)



                         ભજનાનંદી(નારાયણ સ્વામી)


ઢાળ-જગતમાં એકજ જનમીયો રે જેણે રામને રૂણી રાખ્યા

સંત હૃદય સમતા ઘણી, અવિરત રટણા રામ,  પર દુખે પીડા ધરે,  એ સાધુ નું કામ.
સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર,   હરિ હૈયે હરદમ વસે, નજર હટે ના લગાર.
જનમ્યો જોગી જગતમાં,  ધર્યું નારાયણ નામ,   હરી ભજન કંઠે ભર્યું,  જેની ફોરમ ઠામો ઠામ  

જનમ્યો ભજનાનંદી રે નારાયણ, માત જીવુબા કૂખે ,  મહીદાન ઘરે મહી પર આવ્યો, હરદમ હરી મુખ રાખે...

ભણ્યો ભલે નહીં પોથી પાંચ પણ, વેદ પુરાણ મુખ ભાખે ,  હરિ હરાનંદે હાથ ઝાલીને,  શિષ્ય બનાવ્યો શાખે...જનમ્યો

વિશારદો નો પણ એ વિશારદ, કાવ્ય શાસ્ત્ર ગુણ રાખે,  ભક્તિ રસમાં સંત કે શઠને, ભાવથી ભીંજવી નાખે...જનમ્યો  

બોલેતો મુખથી ફૂલડાં ઝરેને, ગાન ગુંજન રસ દાખે,  સરગમ વાગે શ્વાસે શ્વાસ માં, નયને નેહ નિત રાખે...જનમ્યો

માત શારદા સન્મુખ બેસી, (જાણે)પાઠ ભણાવ્યે રાખે,  વિદ્યા દેવી વહાલ વરસાવે,  વેદ વંચાવ્યે રાખે...જનમ્યો

જ્ઞાનીશ્વરે સૌ ભજન પ્રેમીને,  મર્મ બતાવ્યા મુખે ,  અણ સમજુ સૌ નટ થઈ નાચ્યા, સમજ્યા તે પામ્યા સુખે.જનમ્યો

પરમહંસ પ્રસ્થાન કરે નહીં, સદા અવની પદ રાખે ,  દાસ "કેદાર" નારાયણ નામે, અધમ અમી રસ ચાખે...જનમ્યો






રામ તણાં રખવાળા


                                         રામ તણાં રખવાળા

સજ્જન સમજવો તેમને જેને હરી હ્દયમાં હોય,   રોમ રોમ રટણા કરે, માયા મનમાં ન કોય..
મસ્ત રહે માળા જપે, આઠો પહોર આનંદ,   હરી ભજન હરદમ કરે, નહીં જગતના ફંદ...
ઢાળ:-એને જાણે કોઈ અનુભવી જ્ઞાની.....જેવો

જેને રામ તણાં રખવાળાં, તેને રહે ન જગ જંજાળાં...

બાળ પ્રહ્લાદ ભક્ત ભૂધરનો, ડરના રાખ્યો કોઈ મરણનો, સ્તંભ ફાડીને પ્રગટ્યા પ્રભુજી,  તાર્યો પુત્ર ગણીને પોતાનો.

ગરીબ સુદામો સખા શ્રીધરનો, માંગ્યો નહીં એણે દાણો અન્નનો, આપી અનહદ સંપદા મોરારી, ગણી કળશી કણ તાંદુલનો.  

નાગર નરસૈયો નાચે, સદા હરી ભજનમાં રાચે ,  એતો ભાન ભૂલીને લીલામાં, હાથ જલાવ્યો સાચ્ચે...  

મીરાં તો પ્રેમ દિવાની, રહે મોહન વરને માનિ,  હરી મુખમાં આપ સમાણી, મટી જનમ મરણ ની હાણી..

પ્રભુ દિન કેદાર તમારો, આપો હૃદયે શુદ્ધ વિચારો,  રહે ગુણલા સદા તારા ગાતો, અંતે આવે નહીં ઉતપાતો.. 

કળશી=વીસ મણનું વજન

કહેવી કોને વાતો


                            
                                      કહેવી કોને વાતો

સખા શ્રી કૃષ્ણનો કેવો, ન માંગ્યું ટેક ના તોડી,   મહેલો હેમ ના પામ્યો, સુદામા શાખ ના છોડી 
પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ,   બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ. 
ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ,   આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ . 
ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય,   ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

પ્રભુજી હવે કહેવી કોને વાતો,
       દુરિજન કેરા મારથી મારો મનવો ખૂબ મુંજાતો...

પાખંડીઓનો પાર રહ્યો નહીં, ભોળો ભરમાઈ જાતો
ભગત બનીને જગને ઠગતો, નગદ નારાયણ નાતો...
                          કહેવી કોને વાતો
સાધુ બનીને સંપતી જમાવે, માલ મલીદા ખાતો
બંડી વાળો કોઈ બાવો બતાવો, પર દુખે જે પીડાતો...
                           કહેવી કોને વાતો
દેવી બની પૂજાવે પંડને, ધન ભંડાર ભરાતો
મીરાં જેવી મહા રાણી બતાવો, નૂપુર નાદ નિત થાતો...
                           કહેવી કોને વાતો
ધર્મના નામે ધન સંઘરીને, મહંત બનીને ફુલાતો
સુદામા સરખો અજાચી ઓળખાવો, હતો નારાયણ નાતો...
                            કહેવી કોને વાતો
સંત વાણીનો મર્મ ભુલીને, અવળું સવળું ગાતો
ગૌધન નામે કરી ડાયરા, આખલો ઓળવી જાતો...
                            કહેવી કોને વાતો
કેદાર કૃપાળુ કૃપા કરીને, પાછો નારાયણ નિપજાવો
ભાવ ભક્તિથી ભજન કરે જે, ગિરિધર ગુણલા ગાતો...
                            કહેવી કોને વાતો

સાર- હે પ્રભુ,આજનો જમાનો કેવો આવ્યો છે? લોકો કેવાં કેવાં કામ કરી રહ્યા છે? આ બધું જોઇને મારું મન મુંજાય છે, પણ આની ફરિયાદ મારે કોને કરવી?

આજે પાખંડીઓનો પાર રહ્યો નથી, જેમાં ભોળા લોકો ભરમાઇ જાયછે, મહાન ભક્ત જેવો જણાતો કોઈ માણસ ફક્ત પૈસા ખાતર આ બધા પાખંડ કરતો હોય અને જગતને ઠગતો હોય એવું પણ બનતું હોય તો વિશ્વાસ કોના પર કરવો?

સાધુ કે સંત જેવા ભગવા વસ્ત્રો પહેરીને ભક્તિનો ઢોંગ કરતો હોય કે કથા કીર્તન કરતો હોય, અનેક ચેલાઓ જેની પાખંડ લીલામાં સાથ આપીને તેને મહાન ગણાવીને લોકોને છેતરીને ધનના ભંડાર ભરતા હોય, ત્યારે મને આપ કોઈ સાદી બંડી અને પોતડી પહેરેલો કોઈ પારકી પીડાને પોતાની ગણીને પીડાતો હોય એવો સાચા અર્થમાં સેવક બતાવો કે જેના માર્ગદર્શન પર હું ચાલી શકું.

હે પ્રભુ આજે અનેક એવી સ્ત્રીઓ પોતાને કોઈ દેવીનો અવતાર બતાવીને પૂજાવતી હોય અને પોતાનો અલગ પંથ બતાવીને નાચગાન કરતી હોય, ચિત્ર વિચિત્ર પહેરવેશ પહેરીને અસભ્ય વર્તન પણ કરતી હોય છતાં આવી પાખંડી મહિલાઓના એજંટો લોકોને ફસાવીને અઢળક પૈસા કમાઈને એશો આરામમાં જીવતા હોય ત્યારે મારી વિનંતી છે કે મને કોઈ મીરાંબાઈ જેવી દેવી બતાવો કે જે મહારાણી હોવા છતાં પગમાં ઘૂઘરા બાંધીને મોરલીમનોહર પાસે નાચતી હોય અને સદા શ્યામના ભજનોની રમઝટ બોલતી હોય.

કોઈ કોઈ પૂજારી કે મોટા મોટા મંદિરોના મહંતો જ્યાં ફક્ત ધન કમાવા માટે ધતિંગ કરીને અવળા સવળા બહાના બનાવી માયા ભેળી કરતા હોય, ત્યારે સુદામા જેવો કોઈ અજાચી બતાવો કે જેનો દ્વારિકાનો નાથ જેવો પરમ મિત્ર હોવા છતાં, અને પોતાનો પરીવાર ભૂખે દિવસો વિતાવતો હોવા છતાં ક્યારેય કોઈ આશા ન રાખી, પત્નીના આગ્રહ વશ દ્વારિકા આવવા છતાં,અને તેનું ભવ્ય સ્વાગત થયું હોવા છતાં કંઈ ન માંગ્યું.

આજે ભજન માં આધુનિકતા આવીછે, અનેક પ્રકારના સંગીતનાં સાધનોનો ઉપયોગ લોકોને આનંદિત કરવા અને સંતોની વાણીને લોકો સુધી પહોંચાડવામાં મનોરંજન સાથે ભક્તિ પણ વહાવે છે, ત્યારે અમુક લાલચુ ગાયકો સંત વાણી ના નામે એલ ફેલ ગાયનો ભેળવીને તેનો ઉપયોગ ફક્ત ધન કમાવા માટે કરી રહ્યા છે, અમુક લોકો ગૌચરા ના નામે રાખેલ કહેવાતી સંત વાણીનો કાર્યક્રમ પણ ભોળા ભક્તોએ ગાયોના નામે આપેલા અઢળક નાણાથી પોતાના ગજવા ભરેછે અને પાછા પોતાને મહાન ભજન ગાયક માનેછે. ત્યારે હે ઈશ્વર મારી પ્રાર્થના છે કે પાછો કોઈ નારાયણ સ્વામી જેવો ભજન ગાયક ને અવતાર આપો કે જે સાચા અર્થમાં સંતવાણીનો જાણકાર હોય, ભક્ત હોય સંગીત ન ભણ્યો હોય છતાં સંગીત વિશારદ હોય.

બસ પ્રભુ આ એકજ મારી વિનંતી છે.

હીતકારી સંતો



                  હીતકારી સંતો
સંત હૃદય સમતા ઘણી,અવિરત રટણારામ, પર જનની પીડાહરે, એ સાધુ નું કામ.
જટાધરી સાધુ બન્યો, ભગવા પહેર્યાઅંગ, અંતર રંગ લાગ્યોનહીં, રહ્યો નંગ નો નંગ.
જટાધરી જોગી થયો, ભસ્મ લગાવીઅંગ, મોહ માયા ત્યાગીનહીં, રહ્યો નંગ નો નંગ
મુક્તાનંદજી
ઢાળ- અમને અડશોના અભળાશો-જેવો           

                      

જગમાં સંત સદા હીતકારી.
પર દુખ કાજે પંડને તપાવે, આપે શિતલતા સારી...

અમરેલીમાં એક સંત જનમીયા, મુળદાસ  બલિહારી
રાધા નામે એક અબળા ઉગારી, કલંક લીધું શિર ધારી..

જામ નગરનો રાજા રીસાણો, ગુરુ પદ કંઠી ઉતારી
ભરી સભામાં મૃત બિલાડી બચાવી, દિગ્મૂઢ કીધાં દરબારી...

જલારામ વીરપુરના વાસી, પરચા પૂર્યા બહુ ભારી
વીરબાઇ માંગી પ્રભુ પછતાણા, ઝોળી ધોકો આપ્યા સંભારી..

ધાંગધ્રાનો એક જેલનો સિપાહી, ભજન પ્રેમ મન ભારી
"દેશળ" બદલે દામોદર પધાર્યાં, પહેરા ભર્યા રાત સારી... 

સુરદાસ જ્યારે પ્રણ કરી બેઠાં, સંખ્યા પદની વિચારી
હરીએ આવી કાર્ય સુધાર્યાં, સુર શ્યામ બલિહારી...

થયા ઘણાંને હશે હજુ પણ, રહેતાં હશે અલગારી
"કેદાર" કોઈ એક મિલાવીદે, જાણું કરુણા તારી...

સાર-ઉના તાલુકાના આમોદરા ગામમાં લુહાર દંપતીને ત્યાં મુળદાસજીનો જનમ થયો, નાની ઉંમરે વૈરાગ્ય લઈ ઘરેથી નીકળી પડ્યા અને ૧૭૬૮ માં અમરેલીમાં આશ્રમની સ્‍થાપના કરી. તેઓ દ્વારીકાધિશના દર્શન કરીને આવતા હતા ત્‍યારે જામનગરના નરેશને ગુરુજ્ઞાન આપી કંઠી બાંધી.
એક વખત રાધા નામની સ્‍ત્રીને આત્‍મહત્‍યા કરવા જતી જોઈને બાપુએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારી કુંખમાં બાળકછે, પણ હું આ બાળકના પિતાનું નામ આપી શકતી નથી તેથી, અને આપું તો લોકો મને બદનામ કરી નાંખે તેનાથી મરવું સારું, ત્યારે મુળદાસજીએ એ બાળકના પિતા તરીકે પોતાનું નામ આપવાનું કહીને એ રાધાનું જીવન બચાવ્યું, તેથી અણસમજુ સમાજમાં અપમાનિત થયાં લોકોએ હડધૂત કરી ગધેડે બેસાડી ગામ બહાર કર્યા. જામનગર નરેશે પણ બાપુની કંઠી તોડી નાંખી અને બીજા ગુરુની કંઠી બાંધી લીધી, ત્યારે મુળદાસજીને ખૂબ દુખ થયું, તેઓ એક મરેલી મીંદડી લઈને જામનગર દરબારમાં ગયા અને નરેશને કહ્યું કે સામાન્ય માણસ તો કદાચ ન સમજી શકે પણ તમે પણ મને ન સમજી શક્યા? આમ કહી એ મરેલી મીંદડી લોકો વચ્ચે મુકીને કહ્યું કે નરેશ તમારા નવા ગુરુને કહો આ મીંદડીના બચ્ચા દુધ વિના ટળવળેછે, તેને જીવતી કરે, પણ એ ગુરુતો મુળદાસજી જેવા ક્યાં હતા? ત્યારે મુળદાસજીએ મીંદડીને જીવતી કરી બતાવી.

તેમના દ્વારા બચાવાયેલા રાધાબાઇની કુખેથી જન્મેલું બાળક મોટો થઈને એક મોટા ધર્મનો ધરોહર બન્યો જેને આજે આપણે  "મુક્તાનંદજી" તરીકે યાદ કરીએ છીએ. આમ મહાત્મા મુળદાસજીએ અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા અને આપણને એક મહાન સંતની ભેટ આપી.

ધ્રાંગધ્રા માં રા.રા.શ્રી અજીતસિંહજી સાહેબ ગાદી પર બિરાજમાન, અડાબીડ વ્યક્તિત્વ, કંઈ પણ ખોટું સહન ન કરે, આવા રાજાના રાજ્યમાં એક દેશળભાઈ રાજ્યની જેલના સામાન્ય સિપાહી જે "દેશળ ભગત" તરીકે ઓળખાય, ભજન પરાયણ જીવ, જ્યાં પણ ભજન ગાવા બોલાવે વિના વિલંબ પહોંચી જાય.પણ ભક્તિ હોય ત્યાં ભીડ પણ સાથેજ હોય. અનેક ખણ ખોદિયા લોકો મહારાજાને ફરિયાદ કરતા કે બાપુ, આપ દેશળને જાણતા નથી, તે ઘણી વખત ચાલુ નોકરીએ આડો અવળો થઈ જાય છે, આપના રાજ્યની જેલમાં જવાના નામ માત્રથી કેટલાક તો ગુનો કરતાં ગભરાય છે, પણ બાપુ, આ દેશળના પ્રતાપે જો કોઈ કેદી જેલમાંથી ભાગી જશે તો આપની બદનામી થશે, માટે આપ તેના પર જરૂરી નિયંત્રણ રાખો તો સારું રહેશે.

ભજન પરંપરામાં એક નિયમછે કે જો ભજનનું "વાયક" સ્વીકારવામાં આવે તો તેને કોઈ પણ ભોગે પાળવું પડે, તેથી દેશળ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારકા વાળો મહેર કરશે તો આવી જાશું.
એક વખત શહેરના કુંભારવાડામાં ભજનનું વાયક આવ્યું, ભગતે જવાબ આપ્યો કે ભાઈ જેવી દ્વારિકા વાળાની મરજી. ભગતની નોકરી તે દિવસે રાતના આઠ થી સવારના ચાર વાગ્યા સુધીની હતી, ભગતે સાથી સિપાહીને કહ્યું કે ભાઈ, ભજનનું વાયક છે, વચન તો નથી આપ્યું પણ જીવ ત્યાંજ બાજ્યોછે, આપ જો થોડીવાર નજર રાખો તો એક ચોહર (ચાર ભજન) કરી આવું, સાથીઓએ કહ્યું કે ભગત તમને ખબર છે? તમારા દુશ્મનો તમારા વિરુદ્ધ બાપુને કાન ભંભેરતા રહેછે, માટે તમે ધ્યાન રાખજો. ભગતે જવાબ આપ્યો કે ભાઈ ધ્યાનતો રાખશે દ્વારિકા વાળો, આપણે શું ધ્યાન રાખવાના? 
પેલા ખણખોદિયાઓ એ મહારાજાને આ બાબતની જાણ કરી ને વિનંતી કરી કે રાજન આજ અપ પોતેજ ધ્યાન આપો તો દેશળની પોલ ખૂલી જાય.
ઘણા સમયની ભંભેરણીથી રાજન ને પણ ખાતરી કરવા વિચાર આવ્યો, તેમણે આ લોકોને કહ્યું કે આજે જ્યારે ભગત બહાર જાય મને જાણ કરજો, હું પોતે આવીને તપાસ કરીશ.

રાત્રિના દશ વાગ્યા એટલે ભગવાનનું નામ લઈને દેશળ ભગત સાથી સિપાહીને ભલામણ કરીને ભજન ગાવા ચાલી નીકળ્યા. લાગ જોઇને પેલા ખણખોદિયાઓ એ મહારાજાને ખબર આપ્યા, ભરોંસો ન આવતો હોવા છતાં ખાતરી કરવા બાપુ જેલમાં પધાર્યા અને દેશળને હાજર થવા કહ્યું. રાજ્યની જેલનો પહેરવેશ પહેરેલા દેશળ ભગત આવીને બાપુને સલામ મારીને વંદન કરતાં ઉભા રહ્યા, બાપુએ જેલની હાજરી ભરવાની ચોપડી મંગાવીને તેમાં સહી કરીને સબ સલામત ની ખતરી કરતાં મહેલમાં પધાર્યા.
પેલા લોકોને નવાઈ લાગી કે આ ભગતડાને જતો તો જોયેલો, તે પાછો કેમ આવી ગયો? શું કોઈએ આપણી યોજનાની જાણ તેને કરી દીધી? પણ ભગત આમંત્રણ આવ્યા પછી જરૂર જાયજ એમ વિચારીને તેઓએ ફરીને થોડા સમય પછી જોયું તો ભગત ન હતા, ફરી બાપુને જાણ કરી, બાપુ પધાર્યા પણ ખરા, પણ પહેલાની જેમજ દેશળ ભગત આવીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરી અને પાછા ફર્યા. હવે પેલા લોકોને થયું કે નક્કી કોઈક આપણી વાત જાણી ગયુંછે જે દેશળને જાણ કરીદેછે તેથી તે ભજન છોડીને આવી જાયછે, આ વખતે એવું કરો કે બે માણસો કુંભારવાડે જઈને ખાતરી કરે અને સમાચાર આપ્યા પછી પાછા ત્યાંજ ઉભા રહે, અને બે જણા જેલના દ્વાર પાસે રહે જેથી કોઈ પણ સંજોગોમાં એ ભગતડો જેલમાં આવી ન શકે, અને બે જણા બાપુને આ બધું સમજાવીને લઈ આવે જેથી બાપુને ખાતરી થાય.આવી સંપૂર્ણ યોજના સાથે બાપુને બોલાવવામાં આવ્યા, પણ જેવા બાપુએ ભગતને હાજર થવા કહ્યું કે તરત ભગત એજ પ્રમાણે આવીને બાપુને નમન કરીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરીને પેલા લોકોને ઠપકો આપ્યો કે આવા જૂઠાણા ચલાવીને કોઈને બદનામ કરવાની વ્રતી બાબત સખત ઠપકો પણ આપ્યો.
અહીં દેશળ ભગતને તો આ બાબતની ખબરજ નહતી,સવારના ચાર વાગવાની તૈયારી હતી ત્યારે ભગતને ધ્યાન આવ્યું કે ભારે કરી આજે જરૂર નોકરી જશે, ડરતાં ડરતાં જેલના દરવાજે પહોંચ્યા ત્યારે પાળી બદલવાની તૈયારી ચાલતી હતી, પેલા સાથી સિપાહીએ વાત કરતાં કહ્યું ભગત સારું થયું તમે ભજનમાં ન ગયા નહીંતો આજે મહારાજા ત્રણ વખત પધારીને જે મુલાકાત લઈ ગયા તેમાં ક્યારેક તો પકડાઇજ જાત. ભગતતો અચંબામાં પડી ગયા, વિગતે વાત જાણતા ત્યાંથી સિધ્ધાજ રાજ દરબારમાં પહોંચીને મહારાજાને પગે લાગીને સિપાહીનો ગણવેશ અને પટ્ટો બાપુના પગમાં મૂકીને કહ્યું કે બાપુ, મારા માટે મારી પરીક્ષા લેવા આપને ત્રણ ત્રણ વખત આપના મહેલથી કે જે ફક્ત પંદર મિનિટ ના રસ્તા પર છે ત્યાં પધારવું પડે એ સારું ન લાગતું હોય ત્યાં મારા વહાલાને છેક દ્વારિકાથી આપના સિપાહીનો ગણવેશ પહેરીને આપને સલામ મારવી પડે એવી નોકરી હવે મારે નથી કરવી, હવેતો બસ મારા નાથની નોકરી કરીને જીવન વ્યતીત કરીશ.      
જય દ્વારિકેશ.


સુરદાસજીએ એક ટેક લીધેલી કે હું ઈશ્વરના ચરણોમાં અમુક સંખ્યામાં પદો બનાવીને અર્પણ કરીશ, પણ તેમનું જ્યારે દેહાવસાન થયું ત્યારે તેઓ આ સંખ્યા પૂર્ણ કરી શક્યા ન હતા, પણ ભગવાને તેમના બાકી રહેલા પદો પુર્ણતો કર્યા સાથો સાથ પોતાના પદોનું નામું "સુર શ્યામ" લખીને મહાનતા બક્ષી, જ્યારે સુરદાસજીના નામામાં "સુરદાસ" આવેછે. 

અંગદ વિષ્ટિ


                                       અંગદ વિષ્ટિ
લંકા પતી મથુરા પતી, વાલી બહુ બળવાન,   
                     મદ થકી માર્યા ગયા, માનવ તજ અભિમાન.
નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે, 
                      બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.
ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું, 
                     ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું
(ઢાળ-માતાજીકે’ બીએ મારો માવોરે...જેવો.)

વાલી સુત વિષ્ટિ કરવાને આવ્યો રે, રાવણ રહે અભિમાન માં
લંકામાં ભય ખૂબ ફેલાયો રે, આવ્યોછે કપિ પાછો રાજમાં....

નૃપ થી ઊંચેરું એણે આસન જમાવ્યું

દુત રે બનીને સઘળું સમજાવે રે, સમજે જો રાવણ  સાનમાં રે...

ભ્રમર વંકાતાં સારી સૃષ્ટિ ક્ષય પામે

પ્રેમે વરસેતો વસંત ખીલાવે રે, એવીછે શક્તિ રામમાં...

છટ છટ વાનર તારા, જોયા વનવાસી

સીતાના વિરહે વન વન ભટકેરે, બનીને પાગલ પ્રેમ માં...

નવ નવ ગ્રહો મારા હુકમે બંધાણાં 

સમંદર કરે રાજના રખોપા રે,  વહેછે વાયુ મુજ માનમાં...

શિવ અંસ જાણી હનુમો,  પરત પઠાવ્યો

અવરતો પલમાં પટકાઈ જાશે રે, આવશે જો રણ મેદાનમાં..

ભરીરે સભામાં અંગદે પગને પછાડ્યો

ચરણને આવી કોઈ જો ચળાવે રે, મુકીદંવ માતને હોડમાં...

કેદાર ન કોઈ ફાવ્યા, ઉઠ્યો ત્યાં દશાનન

કપીએ શિખામણ સાચી આપીરે, નમાવો શીશ હરિ પાયમાં..

લંકામાં હનુમાનજી સીતા શોધ અને લંકા દહન કરી આવ્યા પછી યુધ્ધ તો અનિવાર્ય બની ગયું, છતાં રામજીના સલાહકારોએ લંકાના નિર્દોષ લોકોને ક્ષતિ ન પહોંચે તે માટે રાવણને સમજાવવાનો એક મોકો આપવા માટે ચતુર અંગદને દૂત બનાવીને મોકલવાનો નિર્ણય કર્યો, પણ હનુમાનજીના ભયથી કાંપેલા લંકા વાસીઓ અંગદને જોઈને ફરી હનુમાનજી લંકામાં આવ્યા સમજીને કાંપવા લાગ્યા.    

નિયમ અનુસાર કોઈ પણ દૂતને યોગ્ય આસન આપીને તે લાવેલો સંદેશો લેવો અને તેનો પ્રત્યુત્તર આપવો, અને તેને સુરક્ષિતપરત મોકલવો જોઇએં, પરંતુ લંકામાં અંગદને યોગ્ય આસન ન મળતાં તે પોતાના પુચ્છથી રાવણની સામેજ એક મોટું આસન બનાવીને બેસી ગયા, તેમજ  શ્રી રામ વિષે અને તેમના સૈન્ય વિષે માહિતી આપીને સમજાવવા લાગ્યા, કે હે રાજન તમને કદાચ ખબર નથી કે રામની શક્તિ કેવી છે? જો તેમની ભ્રુકુટિ ફક્ત વંકાય તો આખી સૃષ્ટિ નાસ પામે અને જો તેમનો પ્રેમ મળે તો ઋતુ ન હોવા છતાં વસંત ખીલી ઊઠે. આમ અનેક પ્રકારે રાવણને સમજાવ્યા છતાં તેને કોઈ સમજ ન આવી ઊલટો કહેવા લાગ્યો કે હે વાનર જોયા તારા રામને, જે સીતાના વિયોગમાં પાગલ બનીને ઝાડ પાનને પૂછતા ફરેછે કે મારી સીતા ક્યાં છે?

તને કદાચ મારી શક્તિનો પરિચય નથી, નવે નવ ગ્રહો મારા તાબામાં છે, મારા હુકમ વિના તેઓ કોઈ કાર્ય કરી શકતા નથી, અને વાયુદેવ મારી અનુકૂળતા પ્રમાણે વાયછે, અને એમ ન માનજે કે હનુમાન અમારાથી છટકીને પાછા આવ્યાછે, એતો શિવાંસ હોવાથી અને શિવ મારા આરાધ્ય હોવાથી મેં જવા દીધાછે, બાકી રામનો દરેક સૈનિક જો રણ મેદાનમાં આવશે તો એક ક્ષણમાં રોળાઇજશે.

અંગદ સમજી ગયા કે રાવણ માનશે નહીં અને હવે યુદ્ધ અનિવાર્ય છે, ત્યારે તેણે રામ દૂતની શક્તિ બતાવવા માટે પોતાનો પગ ભરી સભામાં ધરતી પર પછાડીને પડકાર ફેંક્યો કે હે અભિમાની રાવણ,  જોઇલે કે રામના સૈન્યમાં શું તાકત છે, જો તારા રાજ્યનો કોઈ પણ બળવાન માનવ મારા પગને ધરતીથી હટાવી દેશે તો હું સોગંદ ખાઈને કહુંછું, હું સીતા માતાને હારીને રામના સૈન્ય સહિત લંકા છોડીને જતો રહીશ.

રાવણના અનેક યોદ્ધાઓ અંગદના પગને હટાવવાની કોસીશ કરી પણ કોઈથી તલ માત્ર પણ પગ હટ્યો નહીં ત્યારે રાવણ ઊઠ્યો અને અંગદના પગને સ્પર્શ કરવા ગયો ત્યાં ચતુર અંગદે પોતાનો પગ હટાવીને કહ્યું કે "હે રાવણ મારા પગમાં નમવા કરતાં શ્રી રામજીના ચરણને સ્પર્શ કરિલો તો પ્રભુ પ્રસન્ન થઈને માફ કરી દેશે."

Wednesday, August 26, 2015

માં


                               માં

જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો
ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ " કેદાર " કરુણા તારી, બસ એક જ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..


કુદરત નો કાયદો


                           કુદરત નો કાયદો

રાગ-કાગ બાપુનું ભજન જગમાં એકજ જનમ્યો રે જેણે રામ ને રૂણી રાખ્યા.....

કુદરત નો કાયદો એવો રે, એ તો હારે જે મદ ને રાખે,,  હોય ભલેને ભૂપ ચમરધર, પળમાં પટકી નાખે... કુદરત નો...

જપ તપ તીરથ સેવ્યાં શંભુ ને, કર કૈલાસ જે રાખે,  દશ દશ મસ્તક શિવને ચડાવ્યાં તોએ, રાવણ રોળાયો રાખે..કુદરત નો...

વાલી જેવા વાનર મોટા, લંકેશ કાંખ માં રાખે ,  કંસ ચારૂણ ગયા અભિમાને, વેદ પુરાણ ની શાખે...કુદરત નો...

ડુંગર ઉપર દેવો બિરાજે પણ, નજરું નીચી રાખે,  માળ બે માળ જ્યાં માનવ ચડે ત્યાં, અવર થી ઊંચો ભાખે..કુદરત નો...

મોટા મોટા માર્યા ગયા, અભીમાની રોળાયા ખાખે,  ચાર દિવસનું ચાંદરડું આ, મનખો મદ બહુ રાખે..કુદરત નો...

દીન "કેદાર" પ્રભુ કરુણા કરજો, દ્વેષ ન દિલમાં દાખે,  નિર્મળ દેહે નિર્વાણ હું પામું, કોઈ વિઘન નહીં નાંખે..કુદરત નો...

Tuesday, August 25, 2015

એવા મંદિરે નથી જાવું.

                      
                               એવા મંદિરે નથી જાવું.

સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
        દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
        સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
        પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..     
            
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું. 
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...
                                                               મારે હીરા મોતીડે ના તોળાવું  

અરબો ને ખરબો ઓલા કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરિ ભક્તોને મારે હડસેલા ઓલા, ઠગોને માન બહુ દેવાતું
ધૂપને દીપના કરી ધુમાડા મારું, નાહક નાક છે રૂંધાતું રે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે મારે જાવું રે પૂજારી મારે...
                                                            
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરિ ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...




કુદરત નો ખેલ




                    
                                                   કુદરત નો ખેલ

કુદરત નો ખેલ ન્યારો, એનો જોટો ન કંઈ જડે છે, હાથી ને દેતો હારો,    કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી રણમાં,   હંફાવી દે હરણ ને
                                                                         તરસ્યા ને પણ કદી’ક તો,  વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,   પત્ની મળે જીવન માં, 
                                                                               પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી, 
                                                                        પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને, 
                                                             નહિતર આ " કેદાર " માં,  એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

ઝૂંપડીએ જંગ


            ઝૂંપડીએ જંગ

ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પાઠ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, " કેદાર " ભરોંસો કેમ ના’વ્યો...

  સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.
તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.
હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?
જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.
જય નારાયણ.