બુધવાર, 21 નવેમ્બર, 2018

પ્રભુજી મને પાર કરો.


                 પ્રભુજી મને પાર કરો.


ઢાળ-ફિલ્મી ગીત ’મહેલો કા રાજા મિલા, રાની બેટી રાજ કરે.’ જેવો.

તારા શરણે હું આવી ગયો, પ્રભુજી મને પાર કરો.
હૂંતો ભવ રણમાં ભટકી ગયો,............

જન્મ આપ્યો તેં મને, માનવ કુળમાં, માર્ગ ભૂલીને મેં તો રોળ્યો છે ધૂળમાં
મોહ માયામાં લપસી ગયો.....પ્રભુજી મને પાર કરો.

કાશી મથુરા ગોકુળ ગયો નહિ, શબ્દ સંતોનો કોઈ કાને ધર્યો નહિ.
નીર ઝાંઝવા ને ઝપટે ચડ્યો....પ્રભુજી મને પાર કરો.

ગીતા રામાયણ ગાન કર્યું નહિ, હેતે હરી મેં તારું ધ્યાન ધર્યું નહિ.
તારા ભજનો પર ભાવ ના થયો.....પ્રભુજી મને પાર કરો.

પિંજર પીખાયું હવે પંખી ઊડી જાશે, શ્વાસમાં શરણાઈ વાગે, સુર ના સંધાશે
હવે સરગમ નો સાથ ગયો.... પ્રભુજી મને પાર કરો.

કઠપૂતળી બનીને રમુ હુંતો તારા તાલમાં, થીરકે "કેદાર"ખેંચે દોરી તારા હાથમાં
તું નચાવે તેમ નાચી રહ્યો.....પ્રભુજી મને પાર કરો.

ભાવાર્થ.= હે ઈશ્વર, મારા પર તેં અનેક ઉપકારો કર્યા, પણ મેં આ જીવન અમૂલ્ય જીવન નો લહાવો ન લીધો, પણ હવે હું તારા શરણે આવ્યો છું, માટે મને માફ કરી દેજે, અને આ ભવ સાગર માંથી પાર કરી દેજે. દેવોને પણ દુર્લભ એવું માનવ શરીર તેં મને આપ્યું, જેના વડે આ જીવ શિવ સુધી પહોંચી શકે, પણ હું સંસારના મોહમાં એવો ફસાયો કે અવસર ચૂકી ગયો.
     આ શરીર થકી પ્રવાસ તો મેં ઘણાં કર્યા, પણ જેમ તરસ્યા હરણાઓ ઝાંઝવાનાં નીરને જોઈને તેની પાછળ દોડે છે, તેમ હું આ સંસારના મોહ/ માયાના સપના જોતો તેને પામવા દોડતો રહ્યો, પણ પામ્યો કશું જ નહિ. ક્યારેક સારા મિત્રોના સંગમાં ધાર્મિક પ્રસંગોમાં જવાનો મોકો મળ્યો, અરે ભજનો પણ ગાયા, પણ તેમાં સંગીત સમજી ને રાગ, તાલનું ધ્યાન રાખ્યું, પણ તારા તરફ ધ્યાન ન ગયું, તેથી ભજનોના નામે ગીતો ગાયા, ભાવ ભર્યું ભજન ન થયું.  આસ્થા શ્રદ્ધા અને ભક્તિ તો સંગીત તાલ અને સુર સાથે  સંતાકૂકડી રમવા ચાલી  ગયાં.
             હે ઈશ્વર, હવે તો ઘડપણની છાયા હેઠળ આ શરીર રૂપી પિંજર જીર્ણ થઇ ગયું છે, ક્યારેક આ જીવડો તો ઊડી જશે ? શ્વાસ લેતાં મૂકતાં જાણે ફાટેલા -બેસૂરા રાગે હવે પીપુડી વાગે છે, ધૃજતી કાયા એ સુરનું ઠેકાણું રહેતું નથી, માત્ર પ્રાસ સાથ બની ને વહે છે ત્યાં સરગમ ની તો વાત જ ક્યાં કરવી, સૂર મેળ તો હોય જ ક્યાંથી ?
             હે  પ્રભુ, ભાવે કે કભાવે મને કે ક મને - માંહ્યલાએ કીધું એટલે મેં ધાર્મિક પ્રસંગોમાં ભાગ લીધો છે, અને એટલું તો સમજ્યો છું કે આ જીવન મંચમાં અમે બધા તો તારા પૂતળાં છીંએ, કઠપૂતળી સમા- તેથી જે પાત્ર ભજવવા માટે તું અમને મોકલે છે તે અમારે ભજવવાનું હોય છે, તું જેમ આંગળીમાં રાખેલી ડોરથી અમને નચાવે તેમ નાચવાનું- તેથી અમે તો નિમિત્ત અને કર્તા વિશ્વનિયંતા આપ છો! અમે જે કંઈ કરીએ તે તો નક્કી થયેલું પૂર્વ નિયોજિત હોય છે, અમે તો કંઈ કરતા જ નથી, છતાં અહંકાર, મદ અને મમત્વ ક્યાંથી આવી ને ટપકે છે?  સમજાતું નથી પ્રભુ, આમાં અમારો  શો દોષ?  આ તો તારી જ માયા અને તારી જ લીલા છે?, માટે એક જ આશા છે કે તારા શરણે લઈને મને આ જીવન થી પાર કરી દે.
ફોટો-ગુગલના સહયોગ થી.

પ્રભુની અકળ કળા


                  પ્રભુની અકળ કળા

પ્રભુજી તારી કળા કળાય નહિ કંઈ, 
મથી મથીને થાક્યા ધુરંધરો, એને આવે સમજમાં નઈં

નાગર નરસૈયો ભક્ત તમારો, બોલાવે બે માં નો કહી
રાસ લીલા રસ પ્રેમે પિવડાવ્યો, હાથ દાઝ્યાની શૂધ નઈં

શિશુપાલની ગાળો સહી તમે,   વચનો વિસાર્યા નઈં
રણ સંગ્રામે રથનું પૈડું, ઉઠાવ્યું કાં અધ વચ્ચે જઈ...

સૂરદાસના કાર્ય સુધારવા, લીધી કલમ કર જઈ            
સૂર શ્યામ બની, પદો પુરા કર્યા, એકે અધૂરું નઈં        

બોડાણાની અરજી સાંભળી,  બેઠો તું ડાકોર જઈ
મીરાંબાઈ પર મહેર કીધી તેં, મુખમાં સમાવી લઈ...

સાંદીપની ના શિષ્ય ઘણાં પણ, સુદામા સરીખાં બધા નઈં
ચપટી ચોખામાં એના મહેલ બનાવ્યા, ઊણપ ન રાખી કંઈ..... 

"કેદાર" કાનુડા મારું કામ કરી દે મને, રાખો હ્દયમાં લઈ
રોમે રોમ મારું ભજે ભૂધરને,       શ્વાસોમાં વસો સૂર થઈ

નોંધ="નઈં" નો એક અર્થ "નહિ" પણ થાય છે, તેથી કવિઓ પ્રાસ મેળવવા નહિ ના બદલે નઈં નો ઉપયોગ કરે છે. તેથી મેં પણ કર્યો છે

ભાવાર્થ- હે ઈશ્વર આપની કળા અપરમ પાર છે. અનેક અનેક ઋષિ મુનિઓ/ભક્તોએ આપની લીલાને સમજવા, જાણવા અનેક તપશ્ચર્યા કરી, પણ કોઈ સમજી શક્યા નથી.
નરસી મહેતા આપનો અનન્ય ભક્ત, પણ આપને કેવી કેવી ગાળો આપે, છતાં ગુસ્સે થવાને બદલે તેને અલૌકિક રાસ લીલા બતાવી, અને એ પણ કેવો ભાવ વિભોર બનીને જોતો રહ્યો કે  પોતે જે મશાલ પકડીને ઊભેલો તે મશાલ દ્વારા તેનો હાથ બળવા લાગ્યો છતાં તેને ખબરજ ન પડી.

શિશુપાલની માતાને આપે વચન આપેલું કે તે ૧૦૦, ભૂલ કરશે ત્યાં સુધી માફ કરશો, પણ તેણે ૧૦૦, ગાળો આપી, જે ક્ષમા આપી શકાય એવી ન હતી, છતાં વચન પાળ્યું, અને ૧૦૦, ગાળો પછીજ તેને માર્યો. જ્યારે મહાભારતના યુદ્ધમાં આપે વચન આપેલું કે આપ હથિયાર ઉપાડશો નહિ. જ્યારે ભિષ્મપિતાએ વચન લીધું કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ. ભિષ્મપિતાએ ઘમાસાણ યુદ્ધ કર્યું, પણ જ્યારે તેઓ થાકવા લાગ્યા ત્યારે આપને તેમના વચનને પાળવા માટે એક તૂટેલા રથનું પૈડું ઉપાડીને મેદાનમાં આવ્યા ત્યારે ભિષ્મપિતાએ પોતાનું પણ પૂરું થયું કહીને હથિયાર મૂકી દીધા, પણ તેઓ સમજી ગયા કે ભક્તનું વચન તૂટે નહિ માટેજ આમ કર્યું છે.
સૂરદાસજી તારા પરમ ભક્ત, તેમણે પણ લીધેલું કે તેઓ સવા લાખ પદોની રચના કરશે, જેમાં સૂર, સૂરદાસ, સૂરસાગર, જેવા નામથી અનેક પદોની રચના કરી પણ એક લાખ પદો લખાયા પછી તેમની કાયા લથડી ત્યારે તેં પોતે ભક્તનું વચન પૂરું કરવા ૨૫૦૦૦, પદો લખ્યા, જેમાં તેં "સૂર શ્યામ" તરીકે સાખ પુરી છે. 

ડાકોરના ભક્ત બોડાણાની ટેક હતી કે દર કાર્તિકી પુનમે દ્વારકા જાય, પણ ઉમર થતાં હવે નહિ જવાય એમ જાણીને છેલ્લી વખત જઈ આવું એમ માનીને માફી માંગી, પણ ભગવાન પોતે ડાકોર પધાર્યા.

આપ સાંદીપની પાંસે ભણેલા, ત્યાં અન્ય સહપાઠી હતા, પણ આપે સુદામા સાથે ગાઢ મિત્રતા રાખી, મુઠ્ઠીભર તાંદુલના બદલામાં આપે તેની ગરીબી મટાડી દીધી.

હે ઈશ્વર આપે ભક્તોના આવા અનેક કાર્યો કર્યા છે, હું પણ તારા ગુણ ગાન કરું છું, તો મને બીજું કંઈ ન જોઈએં, બસ એટલી મહેર કર કે હું સતત તારા ગુણગાન કરતો રહું.

ફોટો-ગુગલના સહયોગ થી.

ગુરુવાર, 18 ઑક્ટોબર, 2018

હૃદય મારું ખંખોળી જો


                                  હૃદય મારું ખંખોળી જો

             
સાખીઓ-  કંઠમાં કૃષ્ણ ભક્તિ હો, અધર પર નામ અંબાનું,  
                                હૃદય માં રામ ની માળા, સદાએ સ્મરણ શંકરનું
            વિચારો માં સદા વિઠ્ઠલ, લોચનિયા લાલ ને નિરખે, 
                               ખયાલે ખલક નો ભરતા, ભજન ગાતાં હૈયું હરખે   

સકળ સંસાર રચનારા,    ભૂધર મુજ ભાળ તો લઈ જો
અંતર ઊંડાણમાં જઈને,       હૃદય મારું ખંખોળી જો.....

માનવનો જન્મ આપીને,     છે આપ્યું રંગ મંચ મુજને
કરું શુભ કાર્ય હું મારું, પ્રભૂતું        પાત્ર બતાવી જો..

કરું કોઇ કર્મ કાળા તો,      ટપારો ટાપલી મારી

બનીને રાહબર મારા,   ભરોસો તું કરી તો જો...
રહે તુજ ગાન ખુમારી,      પ્રભુ તું, આવીને પરખી જો...

કદીક કરુણા કરી કેશવ,         કહે જો માંગવા મુજને, 
અહર્નિશ આપના દર્શન,     અનુભવ તો કરીને જો...

અગર અવકાશ કાઢીને,     તું સમણામાં તો આવી જો,  
કરું બંધ દ્વાર નયનો ના,     કરી છળ ત્યાંથી છટકી જો..... 

કરી "કેદાર" પર કરુણા,       વસે જો મન મંદિર મારે,
ભુલાવું વાસ વૈકુંઠનો,            ભરોસો એ કરીતો જો....

ભાવાર્થ- હે ઈશ્વર, તેં આ સકળ સંસારની રચના કરી છે, એમાંનો એક હું પણ છું, ક્યારેક સમય કાઢીને મારા પર ધ્યાન તો દે! ક્યારેક મારા મન ની વાત પણ જાણી લે, 
        હે ઈશ્વર, મારી પાંસે કોઈ ધન ના ભંડાર નથી, કે કોઈ અન્ય મોટી સંપતી પણ નથી,  મને તો બસ અહર્નિશ તારા ભજન ગાવાની ખુમારી છે. કદાચ તને મારા પર પ્રેમ આવે અને તું જો મને માંગવાનું કહે, ને વચન આપે, તો હું તો બસ તારા દર્શનનો અભિલાષી છું, એક વાર મારી માંગણીનો અનુભવ તો કરી જો ! બસ મને તારા દર્શન થતા રહે, ભલે તે બંધ આંખે થતા હોય, અને જો એવું વચન ન આપી શકે તો એકવાર મારા સપનામાંતો આવી જા! અને પછી જો કે મારી આંખોમાં તને એવો કેદ કરી રાખું કે ત્યાંથી તું છટકીજ ના શકે. 
       હે ઈશ્વર, જો તું દયા કરે અને કદાચ મારા હૃદયમાં આવીને વસે તો હું તને ખાત્રી આપું છું કે તારા એવા લાલન પાલન કરું કે તને ફરી વૈકુંઠ જવાનું યાદજ ન આવે. 
જય દ્વારિકેશ.  

સોમવાર, 30 જુલાઈ, 2018

071, જલારામ બાપા


                         જલારામ બાપા
સાખીઓ-સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
         હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...
         અન્નદાની વીરપુર વસે, એની ફોરમ જગ ફેલાય
         હૈયે હરખની હેલી ચડે, જ્યાં નામ જલાનું લેવાય.
                      
વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 
દાતા તમે આવ્યા જલાના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશમાં.. 

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસમાં. 

લાલા ભગત જેવા સખા તમારા, દરણા સૌ સાથમાં દળતાં
ભેળા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશનો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવીને લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતાપતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં.. 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગતને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્ન જલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષમાં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શૂરા
હેતે હરિજન દર્શન કરતાં, એકે અરમાન ના અધુરા
એક અધેલો ચડે ના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશમાં...

દીન "કેદાર" પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશમાં

અધેલો= એક જમાનામાં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો સિક્કો.

રવિવાર, 3 જૂન, 2018

સંત સમાગમ


                                                              સંત સમાગમ

એક સમય ની વાત છે,
તુલસીદાસજી અને સુરદાસજી બન્ને સમકાલીન, તુલસીદાસજી રામ ના મહા ભક્ત, રામાયણ ના રચયિતા, કહેવાય છે કે ખુદ હનુમાનજી બેસીને રામાયણ લખાવતા હતા. સુરદાસજી કૃષ્ણ ભક્ત, અનેક પદો લખ્યા, તેમણે પણ લીધેલું કે તેઓ અમુક સંખ્યામાં પદો લખશે, પણ તે પહેલાં તેઓનું જીવન પૂર્ણ થતાં તેઓ આ ટેક પુરી ન કરી શક્યા. પણ ભગવાને તેમની ટેક પુરી કરવા પોતે બાકીના પદો લખ્યા અને તેમાં "સુર શ્યામ" નામે પોતાની શાખ પુરી. આજે સુરદાસજીના જે ભજનો ગવાય છે તેમાં નામામાં "સુરદાસ" ઉપરાંત "સુર શ્યામ" નો ઉલ્લેખ જોવા મળે છે, આ સુરશ્યામ એટલે ખુદ કૃષ્ણ ભગવાને લખેલા પદો. 

ઘણી વખત સુરદાસજી અને તુલસીદાસજી એક બીજાને મળતા ત્યારે પોત પોતાના આરાધ્ય દેવના નામે મીઠી નોકઝોંક કરીને આનંદ માણતા, બન્નેને પોત પોતાના ભગવાન ની પૂજા તો સાથેજ હોય, ગમે ત્યાં હોય પણ સમય પર પૂજા પાઠ કરવાનું ચૂકે નહીં.

એક વખતની વાત છે, બન્ને સંતો મળીને પોત પોતાના આરાધ્ય દેવની મૂર્તિઓ સાથે લઈ ને પ્રવાસ કરી રહ્યા હતા, અનેક પ્રકારનો સત સંગ ચાલી રહ્યો હતો, વાતોમાં અને વાતોમાં બન્ને એક જંગલના રસ્તે ચડી ગયા, ધીરે ધીરે જંગલ ગાઢ બનવા લાગ્યું, હવેતો ક્યારેક ક્યારેક જંગલી જાનવરો ના અવાજો પણ આવવા લાગ્યા, પણ તેઓ તો હરિ રસમાં એવા મશગૂલ હતા કે કંઈજ ધ્યાન ન રહ્યું, એવામાં અચાનક માનવીઓનો કોલાહલ સંભળાવા લાગ્યો, કદાચ નજીકમાં કોઈ વસ્તિ હશે, એમ માની બન્ને આગળ વધતા રહ્યા. થોડી વારમાં અવાજો સ્પષ્ટ થવા લાગ્યા કે " આઘા રહેજો એક હાથી ગાંડો થયો છે, આઘા રહેજો, માર્ગમાં હો તો માર્ગ છોડી દેજો." 
તુલસીદાસજી તો જાણે કંઈ બન્યુંજ ન હોય તેમ પોતાની મસ્તીમાં ચાલતા રહ્યા, પણ સુરદાસજીએ પોતાના લાલા (કૃષ્ણ)ને સંભાળ પૂર્વક લઈને દોડતા એક બાજુ જતા રહ્યા. મદ મસ્ત બનેલો હાથી ચિત્કાર કરતો અને વચ્ચે આવતા ઝાડી ઝાંખરાંને રગદોળતો તુલસીદાસજીની બાજુ માંથી પસાર થઈ ગયો. 
સુરદાસજી પોતાના ઇષ્ટને લઈને પાછા તુલસીદાસજી પાસે આવી ગયા અને જાણે મોટી આફત ટળી હોય તેમ તુલસીદાસજી ની ખબર પૂછવા લાગ્યા. તુલસીદાસજીને ખૂબ નવાઈ લાગી, આશ્ચર્ય ચકિત થઈને પૂછવા લાગ્યા કે "આપ તો સંત છો, વળી આપ કહોછો કે મારો લાલો તો હર પળ મારી સાથેજ હોય છે, તો પછી આપ હાથી ના ડરથી આમ ભયભીત બન્યા તે મને સમજાયું નહીં, આપને હાથીનો શો ડર? શું આપનો વિશ્વાસ ડગી ગયો? આપની આ ચેષ્ટા મને સમજાઈ નહીં, કૃપા કરી ને વાસ્તવિકતા બતાવો." ત્યારે સુરદાસજીએ કહ્યું કે " આપના ઇષ્ટ તો ધનુષધારી રામ છે, ખાલી ફણા વગરનું બાણ મારી ને મારીચને ગાઉના ગાઉ સુધી ફગાવી દીધો હતો, પણ મારો ઇષ્ટ તો મારો લાલો છે, બાળક છે, એની રક્ષા તો મારે કરવી પડે, મને મારી ચિંતા ન હતી, પણ મારા લાલાને વગાડી દે તો? એટલે મારે ભાગવું પડ્યું.
આ છે સંતોની લીલા, જે ઈશ્વરને સાક્ષાત્ હાજર સમજીને સેવા કરે છે, જ્યારે આપણે મંદિરોમાં ગોતવા નીકળીએ છીએ, પણ આપણા અંદર રહેલો કે અન્ય જીવમાં રહેલો લાલો શોધી તો નથી શકતા.

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
બ્લોગ-kedarsinhjim.blogspot.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

ગુરુવાર, 10 મે, 2018

અકસ્માત

                                     અકસ્માત

ગુજરાત સરકારે અકસ્માતમાં ઘાયલ થનાર ને સરકાર ૫૦, હજાર રૂપિયા આપશે, સારી વાત છે, પણ સરકારને અકસ્માત થાયજ નહીં એવું કરવાનું કેમ સુજતું નથી?
         હું થોડા કાયદાઓ અહીં જણાવવા માંગુછું, જેનો અમલ સખ્તાઈથી કરવામાં આવે તો આ સમસ્યા મોટા ભાગે હલ થઈ શકે, અને મહામૂલાં માનવ દેહને બચાવી શકીએ. શ્રી ગડકરીજીએ પણ આવા અકસ્માતને નિવારવા માટેના પગલાં કડકાઈ પૂર્વક લેવાનું નક્કી કર્યું છે, પણ અમલ તો નીચેના અમલદારો ને કરાવવાનો હોયછે.
       અકસ્માતમાં મોટા ભાગે ફક્ત અને ફક્ત ચાલકની બેદરકારી/ઝડપ અને નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન હોય છે.    
      કોઈ પણ સંજોગોમાં આગલાં વાહનની ડાબી બાજુથી આગળ નીકળી શકાય નહીં,(ઓવરટેક કરાય નહીં) આ નિયમતો જાણે પાલન કરાવનારાઓને પણ વિસરાઇ ગયો છે.
     ટ્રાફિક સિગ્નલની અવગણના, જેની ભયંકરતા અકસ્માત થાય ત્યારેજ સમજાય છે, ફરજ પરના અમલદારોની અપુરતી સંખ્યા, અથવા આંખ આડા કરાતા કાન, આવા નિયમોનું ઉલંઘન કરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે, કેમકે જે ચાલક પોતાની લાઈન ખુલ્લિ હોય ત્યારે બીજો કોઈ વિચાર કર્યા વિના આગળ વધતો હોય છે, પણ આ નિયમનું ઉલ્લંઘન કરીને કોઈ આ ચાલકની વચ્ચે આવી જાય ત્યારે અકસ્માત સર્જાય છે, જેને ટ્રાફિક પોલીસ અટકાવી શકે છે, સિગ્નલ તો ફક્ત ચેતવણી આપી શકે, રોકી ન શકે. સી.સી. ટીવી કૅમેરા આ દૂષણને ડામવા માટે ખૂબજ ઉપયોગી થઈ પડેછે, પણ તે મોટા ભાગે બંધ હોય છે, જે ટ્રાફિક પોલિશે ચાલુ કરાવવા કડક કાર્યવાહી કરવી જોઈએં,  અને રોજે રોજ આવા રેકૉર્ડિંગ સત્તાવાળા સમક્ષ રજૂ કરવાની ફરજ પાડવી જોઈએ.
      એક મોટી સમસ્યા ગાડીઓની લાઈટોની છે, રાત્રિના સમયે ફુલ લાઈટ રાખીને ચાલવાથી સામેથી આવતા વાહન ચાલકને આંજીદે છે અને તેથી ક્યારેક અકસ્માત થવાનો સંભવ રહે છે, ગાડીઓની સિગ્નલ લાઈટોની પણ એટલીજ મોટી સમસ્યા છે, તેનો ખરો ઉપયોગજ જાણે ભુલાઈ ગયો છે, આગળ જતું વાહન જમણી બાજુની સિગ્નલ લાઈટો બતાવે ત્યારે તેના બે મતલબ સમજી લેવાય છે, તે કાંતો જમણી બાજુ જવા માગે છે અથવા પાછળ આવતા વાહનને આગળ જવા માટે રસ્તો આપે છે તે સ્પષ્ટ થતું નથી, આમાં ઘણી વખત ખોટો મતલબ સમજીને અકસ્માત થવાનો ભય રહે છે, ખરેખર આ સિગ્નલ શું સૂચવે છે તે બિલકુલ સાફ હોવું જોઈએ.
      સૌથી મોટી અને સર્વ સામાન્ય સમસ્યા છે અકસ્માત કે ટ્રાફિક જામ વખતે થતા બેફામ ધસારાની, મેં હમણાંજ  ટી વી પર વિદેશમાં એક બોગદામાં થએલા અકસ્માતના સમાચાર જોયા, પહેલાંતો વાહનો અટવાઈ ગયા, પરંતુ પાંચજ મીનીટમાં ચાલકો વાહનોમાંથી બહાર આવીને અન્ય વાહનોને એક સાઈડમાં લગાવવા માટે મદદ કરવા લાગ્યા, એક માર્ગી રસ્તો હોવા છતાં બન્ને બાજુ વાહનો એવી રીતે ગોઠવી દેવામાં આવ્યા કે વચ્ચે મદદ માટે આવતું વહન કે એમ્બ્યુલન્સ આરામથી આવી શકે. હવે આપજ વિચારો કે ભારત જેવા દેશમાં જન્મવાનો ગર્વ લેતા આપણે ક્યારેય આવી માનવતા બતાવી છે? બસ મારે ભલે કંઈ કામ ન હોય પણ વહેલાં પહોંચવાની લ્હાયમાં કેટલી માનવ જીંદગી વેડફી નાખીએ છીંએ?
   એક મહત્વની વાત કે અમુક પ્રકારના વાહન ચાલકો પોતાને આ બધા કાયદાથી પર ગણે છે, જાણે તેમને પીળો પરવાનો મળી ગયો હોય અને તેમના માટે જાણે અલગજ નિયમ છે, ગમે ત્યાં વાહન પાર્ક કરવું, ગમે ત્યાં રસ્તાની વચ્ચે ઉભા રહી જવું, ઉદ્ધત વર્તન, અવાજના પ્રદૂષણ માટે કેવા કેવા હંગામા કરેછે, જ્યારે અમુક વાહનોમાં એટલાં જોરથી ગીતો વાગતા હોય છે કેતે વાહનમાં વાગે છે કે કોઈ મોટા સમારંભમાં તે નક્કી કરવું ભારે પડે છે. અવાજ માટે પણ માત્રા નક્કી કરવામાં આવેલ છે, મારા ખ્યાલ મુજબ ૫૫, ડેસીબલની માત્રાથી વધારે અવાજ કરવો ગુનો છે, પણ આ વાહનો અનેક પ્રકારના એર હોર્ન વાપરીને કે બિન જરૂરી સતત હોર્ન વગાડીને પણ ભયંકર પ્રદૂષણ ફેલાવે છે, અને તેને કોઈ રોકતું નથી, દરેક વાહન માં કંપનીએ લગાવેલા સાધનો સિવાય કોઈ અલગ થી કંઈ લગાડવાની મનાઈ હોવી જોઈએં, વિજ્ઞાપનો પણ અકસ્માતમાં મોટો ભાગ ભજવે છે, રીતીક રોશન ને ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતો જોઈને તેની દેખા દેખી કરતા યુવાનો પોતેતો અકસ્માતના ભોગ બને છે પણ ક્યારેક કોઈ નિર્દોષને પણ તેનો ભોગ બનવું પડે છે. વધારે પડતી ગતિ કોઈ અણ સંજોગોમાં ચલાવી લેવી ન જોઈએં. ચાલતા વાહને ફોન પર વાત કરવી ગુનો છે, કાનમાં ભુંગળીઓ ભરાવીને સંગીત સાંભળવું તે પણ તેનોજ એક પ્રકાર છે. પણ મોટા ભાગે વાત કરનારાતો કરે છે પણ ભુંગળી વાળાની સંખ્યા માપવી અશક્ય છે, હેલમેટ સલામત છે પણ સાથે સાથે તેના થોડા ગેરફાયદા પણ છે, આમાં અવાજ મર્યાદા અને દૃષ્ટિ મર્યાદા પણ સર્જાતી હોઇને ક્યારેક નાના મોટા ગેરફાયદા પણ અનુભવાય છે.
            એક અકસ્માતનો પ્રકાર છે આગળના વાહનની પાછળ ઘૂસી જવું, આવા અકસ્માતમાં મોટા ભાગે પાછળના વાહન ચાલકજ જવાબદાર હોય છે, કારણકે આગળ વાળા વાહનને કોઈ અવરોધ આવે તો તે બ્રેક મારેજ, પણ મોટા ભાગે પાછળનું વાહન યોગ્ય અંતર રાખ્યા વિના એટલી નજદીક હોય કે તેને રોકી ન શકે અને અકસ્માત થાય, આવા સંજોગોમાં આગળના ચાલકને દોષીત ન ગણવો જોઈએં ઊલટું મનેતો લાગે છે કે તેને નુકસાનનું વળતર પાછળ વાળાએ આપવું જોઈએં, હા તેની બ્રેક લાઈટ ચાલુ હોવી જોઈએં. આ ઉપરાંત એક મોટામાં મોટો ગુનો રાત્રિના રોડ પર ગમે ત્યાં વાહન ઊભું રાખવું અને તે પણ પાર્કિંગ લાઈટો ચાલુ રાખ્યા વિના, હેઝાર્ડ લાઈટ કે જે ચાલુ કરતાં સિગ્નલની ચાર લાઈટો ચાલુ થાય છે, તે ખતરો બતાવે છે, રાત્રિના વાહન પાર્ક કરતી વખતે આ લાઈટ ચાલુ કરવાની હોય છે, જેથી આવતા જતા વાહનોને દુરથીજ કોઈ વાહન રસ્તા પર છે તે ખ્યાલ આવે, પણ આ લાઈટ નો ઉપયોગ ભાગ્યેજ કોઇને ખબર હોય છે, એ તો જાણે રોશની માટે હોય તેમ ઘણી વાર વાપરવામાં આવે છે, ક્યારેક તો ગાડીઓમાં પાછળની લાઈટો કાંતો ચાલુ હોતી નથી કે પછી હોતીજ નથી, અને આવા વાહનોને કોઈ ભાગ્યેજ રોકીને યોગ્ય પગલા લેવા ફરજ પાડે છે, આ નાની એવી બેદરકારી ભયંકર અકસ્માત નોતરે છે, અને મહા મૂલી માનવ જીંદગી રગદોળી નાખે છે.
          અકસ્માત થયા પછી ઘણી વખત અન્ય લોકો દ્વારા વાહનોને કે માલ વાહક વાહન હોય તો માલ સામાનને  નુકસાન કરવામાં આવે છે. અકસ્માતની ગંભીરતા જોતાં ઉશ્કેરાટમાં આવું બને તે સ્વાભાવિક છે, પણ કોઈ પણ સંપતી આખરતો રાષ્ટ્રની સંપતી છે, વાહન માલિકને તેનું જે નુકસાન થાય છે તેમ દેશની પણ એ મિલકત નુકસાન પામે છે, માટે ચાલકને યોગ્ય સત્તા દ્વારા સજા થાય તે જરૂરી છે.
                 એક મોટામાં મોટી સમસ્યા છે અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા લોકો મદદ કરવા કે પોલીસને જાણ કરતાં અચકાય છે, કારણ કે જો પોલીસ કેસ થાય તો તેમાં તેને પણ સાક્ષી બનવા અને કેસ ચાલે ત્યારે હાજર રહેવું પડે તે બીકે ભાગ્યેજ સામાન્ય લોકો ઇચ્છા હોવા છતાં આ ઝંઝટમાં પડતા નથી. ખરેખર આ એક ગંભીર બાબત છે, માનવતા ખાતર પણ આમાં મદદગાર થવું જોઈએ, જોકે હમણાં કાયદામાં સુધારા કરીને આવા સમયે મદદ કરનાર કે સારવાર આપનાર ચિકિત્સકને કોઈ પૂછ પરછ ન કરવા સૂચવવામાં આવ્યું છે, પણ છતાં હજુ અમુક ભ્રષ્ટ પોલીસોનો ડર માનસમાંથી ભૂસાતો નથી, અને એ વાત પણ એટલીજ સત્ય છે કે ક્યારેક આમાં હેરાન પણ થવાનો વારો આવતો હોય છે, આના માટે પણ કાયદામાં કોઈ એવી જોગવાઈ કરવી જોઈએ કે લોકો જરા પણ અચકાયા વિના મદદગાર બનવા તત્પર બને, અને જો કોઈ હેરાન કરવાની કોશિશ કરે તો તેને સજા થાય, પણ આવું સાબિત કરવું પણ મુશ્કેલ હોય છે.
     સામાન્ય રીતે એક નિયમ બની ગયો છે કે ટ્રક સાથે કોઈ પણ નાનું વાહન ટકરાય તો કંઈ પણ જોયા વિના દોષી ટ્રક ચાલક નેજ માનવામાં આવે છે, એજ રીતે કોઈ પણ અકસ્માતમાં મોટા વાહનનેજ દોષી ગણવામાં આવે તે યોગ્ય છે? શું નાના વાહન વાળો ભૂલ કરેજ નહીં ? 
આજે મોટાભાગે ૪, લાઈન કે ૬, લાઈન રોડ બનાવવામાં આવે છે, પણ ચાલકોને તેમાં કયું વાહન ક્યાં ચલાવવું તે જાણે ખબરજ નથી, મારી જાણ મુજબ હંમેશા ઓછી ગતિ વાળું વહન જેમ કે માલ વાહક રિક્ષા, ટ્રેક્ટર અથવા હાઈડ્રાને નામે ઓળખાતી ક્રેન કે જે મોટા ભાગે જમણી બાજુજ ચાલતી હોય છે, લાઈનોને ડાબી બાજુ થી ગણીએ તો તે બધા ડાબી બાજુ એક નં. ૧ લાઈનમાં ચલાવવા જોઈએં. ત્યાર બાદ મોટા વાહનો ૨, નંબરમાં અને ૩, નંબરમાં કાર જેવા વાહનો, ૪, નંબરમાં જેમણે આગળના વાહનને ઓવરટેક કરવાનું હોય કે જમણી બાજુ વળાંક લેવાનો હોય તે ચાલે તો અકસ્માત થવાનો કોઈ મોકો રહે નહીં, પણ આજે બધાજ મોટા ભાગે સર્પાકારે જ્યાં જગ્યા દેખાય ત્યાંથી આગળ નીકળવા માટે ભાગમ ભાગ કરે છે, એસ.ટી. ની બસો ના ચાલકોને તો સમય સમય પર ટ્રેનિંગ આપવામાં આવે છે, છતાં બસો જમણી બાજુ ચાલતી હોય છે, શું આ સમજાવાતું નથી? આ ઉપરાંત નાના રોડ પરથી મોટા કે હાઈવે પર આવતા વાહનોએ પહેલાં ઉભા રહીને બન્ને બાજુ જોયા બાદજ મુખ્ય માર્ગ પર આવવું જોઈએં જે આજકાલ જાણે કાયદામાંથી બહાર થઈ ગયું છે અને તેથી આ કારણસર ઘણા અકસ્માત થાય છે. 
આ બધામાં સૌથી ખતરનાક છે રોંગ સાઇડમાં વાહન ચલાવવું, આના માટેતો તખ્તમાં સખ્ત સજાની જોગવાઈ કરવી જોઈએં, અને તે ફક્ત વાહન ચાલકનેજ કરવી જોઈએં, કારણ કે જ્યારે વાહન નો ચાલક પગારદાર હોય અને તેને ચલાન દ્વારા દંડિત કરાય ત્યારે ખરેખર તો આ સજા વાહન માલિક ને થાય છે, ચાલક ને નહીં તેથી તે થોડો બે દરકાર બને છે, પણ જો ચાલકનેજ એવી સજા થાય કે જે તેણે પોતેજ ભોગવવી પડે તો કદાચ માલિક ના કહેવા છતાં તે ગુનો નહીં કરે.
    ઈશ્વર બધાને સદ્બુદ્ધિ આપે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ના દિલમાં માનવતા જગાવે એજ અપેક્ષા.

કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ. કચ્છ.
Email:-kedarsinhjim@gmail.com 
વોટ્સેપ મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫ 
                 ૮૧૬૦૬૩૦૪૪૯