Wednesday, November 21, 2018

પ્રભુની અકળ કળા


                  પ્રભુની અકળ કળા

પ્રભુજી તારી કળા કળાય નહિ કંઈ, 
મથી મથીને થાક્યા ધુરંધરો, એને આવે સમજમાં નઈં

નાગર નરસૈયો ભક્ત તમારો, બોલાવે બે માં નો કહી
રાસ લીલા રસ પ્રેમે પિવડાવ્યો, હાથ દાઝ્યાની શૂધ નઈં

શિશુપાલની ગાળો સહી તમે,   વચનો વિસાર્યા નઈં
રણ સંગ્રામે રથનું પૈડું, ઉઠાવ્યું કાં અધ વચ્ચે જઈ...

સૂરદાસના કાર્ય સુધારવા, લીધી કલમ કર જઈ            
સૂર શ્યામ બની, પદો પુરા કર્યા, એકે અધૂરું નઈં        

બોડાણાની અરજી સાંભળી,  બેઠો તું ડાકોર જઈ
મીરાંબાઈ પર મહેર કીધી તેં, મુખમાં સમાવી લઈ...

સાંદીપની ના શિષ્ય ઘણાં પણ, સુદામા સરીખાં બધા નઈં
ચપટી ચોખામાં એના મહેલ બનાવ્યા, ઊણપ ન રાખી કંઈ..... 

"કેદાર" કાનુડા મારું કામ કરી દે મને, રાખો હ્દયમાં લઈ
રોમે રોમ મારું ભજે ભૂધરને,       શ્વાસોમાં વસો સૂર થઈ

નોંધ="નઈં" નો એક અર્થ "નહિ" પણ થાય છે, તેથી કવિઓ પ્રાસ મેળવવા નહિ ના બદલે નઈં નો ઉપયોગ કરે છે. તેથી મેં પણ કર્યો છે

ભાવાર્થ- હે ઈશ્વર આપની કળા અપરમ પાર છે. અનેક અનેક ઋષિ મુનિઓ/ભક્તોએ આપની લીલાને સમજવા, જાણવા અનેક તપશ્ચર્યા કરી, પણ કોઈ સમજી શક્યા નથી.
નરસી મહેતા આપનો અનન્ય ભક્ત, પણ આપને કેવી કેવી ગાળો આપે, છતાં ગુસ્સે થવાને બદલે તેને અલૌકિક રાસ લીલા બતાવી, અને એ પણ કેવો ભાવ વિભોર બનીને જોતો રહ્યો કે  પોતે જે મશાલ પકડીને ઊભેલો તે મશાલ દ્વારા તેનો હાથ બળવા લાગ્યો છતાં તેને ખબરજ ન પડી.

શિશુપાલની માતાને આપે વચન આપેલું કે તે ૧૦૦, ભૂલ કરશે ત્યાં સુધી માફ કરશો, પણ તેણે ૧૦૦, ગાળો આપી, જે ક્ષમા આપી શકાય એવી ન હતી, છતાં વચન પાળ્યું, અને ૧૦૦, ગાળો પછીજ તેને માર્યો. જ્યારે મહાભારતના યુદ્ધમાં આપે વચન આપેલું કે આપ હથિયાર ઉપાડશો નહિ. જ્યારે ભિષ્મપિતાએ વચન લીધું કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ. ભિષ્મપિતાએ ઘમાસાણ યુદ્ધ કર્યું, પણ જ્યારે તેઓ થાકવા લાગ્યા ત્યારે આપને તેમના વચનને પાળવા માટે એક તૂટેલા રથનું પૈડું ઉપાડીને મેદાનમાં આવ્યા ત્યારે ભિષ્મપિતાએ પોતાનું પણ પૂરું થયું કહીને હથિયાર મૂકી દીધા, પણ તેઓ સમજી ગયા કે ભક્તનું વચન તૂટે નહિ માટેજ આમ કર્યું છે.
સૂરદાસજી તારા પરમ ભક્ત, તેમણે પણ લીધેલું કે તેઓ સવા લાખ પદોની રચના કરશે, જેમાં સૂર, સૂરદાસ, સૂરસાગર, જેવા નામથી અનેક પદોની રચના કરી પણ એક લાખ પદો લખાયા પછી તેમની કાયા લથડી ત્યારે તેં પોતે ભક્તનું વચન પૂરું કરવા ૨૫૦૦૦, પદો લખ્યા, જેમાં તેં "સૂર શ્યામ" તરીકે સાખ પુરી છે. 

ડાકોરના ભક્ત બોડાણાની ટેક હતી કે દર કાર્તિકી પુનમે દ્વારકા જાય, પણ ઉમર થતાં હવે નહિ જવાય એમ જાણીને છેલ્લી વખત જઈ આવું એમ માનીને માફી માંગી, પણ ભગવાન પોતે ડાકોર પધાર્યા.

આપ સાંદીપની પાંસે ભણેલા, ત્યાં અન્ય સહપાઠી હતા, પણ આપે સુદામા સાથે ગાઢ મિત્રતા રાખી, મુઠ્ઠીભર તાંદુલના બદલામાં આપે તેની ગરીબી મટાડી દીધી.

હે ઈશ્વર આપે ભક્તોના આવા અનેક કાર્યો કર્યા છે, હું પણ તારા ગુણ ગાન કરું છું, તો મને બીજું કંઈ ન જોઈએં, બસ એટલી મહેર કર કે હું સતત તારા ગુણગાન કરતો રહું.

ફોટો-ગુગલના સહયોગ થી.

No comments:

Post a Comment