Saturday, November 19, 2016

કોણ પરખે ?

કોણ પરખે ?
ઢાળ-જો આનંદ સંત ફકીર કરે-જેવો...
કોઈ પરખી શકે પરમેશ્વર ને, એ તો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...

સંકટ રૂષીઓના હરવાને, પ્રગટ્યા પ્રભુજી શ્રી રામ બની,
પછી ચૌદ વરષ વન માં વિચર્યા, આમાં કૈકેઈનું કૌભાંડ નથી..

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શીશ ચડાવ્યા શંકર ને
આતો વચન હતું જય વિજય ને, આમાં સીતા હરણ ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો નર સિંહ બની, આપેલાં વચનો હજાર હતાં, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

તેં અહલ્યા નો ઉધ્ધાર કર્યો, શબરી નો બેડો પાર કર્યો.
કુબજાનો રૂપ ભંડાર ભર્યો, નટખટ લાલો નિષ્ઠુર નથી..

આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,   મોહન માયા થી દૂર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝેર મીરા ના પી જાણ્યા, " કેદાર " શું તારો દાસ નથી ?...

સાર:- ઈશ્વરની લીલાને પામવી અતિ કઠિન છે, જે ભલ ભલા ભક્તો પણ પામી શકતા નથી તો સામાન્ય માનવીની તો કોઈ હેસિયતજ નથી, પણ કોઇ ભક્ત જો ભાવ સહિત ભક્તિ કરે તો તેને સમજવો જરાય અઘરો નથી.

૧-રાવણ, આજકાલ મારા મસ્તક પર "દેવાધિદેવ મહાદેવ" છવાયેલા રહેછે કારણ કે એ નામની ધારાવાહિક ખૂબ સારી રીતે ચાલી રહીછે, રાવણે એ હદે શિવની તપસ્યા કરી કે એક વખત તો તેણે શિવજીને પોતાના દશ મસ્તક એક પછી એક ભગવાન પર ચડાવી દીધાં અને તેથીજ તે દશાનન કહેવાયો અને શિવજીનો મહાન ભક્ત બની ગયો. પણ તેણે અભિમાનમાં આવીને ભગવાનના ભક્ત વિભીષણ કે જે પોતાનો નાનો ભાઈ હતો તેને લાત મારી દીધી, {જે અહિં મારો કહેવાનો મતલબ છે તે} તેથી રામે રાવણ શિવજીનો પરમ ભક્ત હોવા છતાં તેનો વધ કર્યો. બાકી સીતાજીને છોડાવવા માટે એકલા હનુમાનજી જ પૂરતા હતા.

૨-ભગવાન હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કરીને સ્તંભ માંથી પ્રગટ થયા, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ નો ભાર વઘી જાય ત્યારે ભગવાન કોઇ ને કોઇ રૂપે પાપનો નાસ કરવા પ્રગટ થતા હોય છે, આ બધા કારણો માટેજ ભગવાન નરસિંહ રૂપ ધરીને પધાર્યા ફક્ત પ્રહલાદપરજ ઉપકાર કર્યો એવું નથી.

૩-ભગવાન રામની રાજ્યાભિષેકની તૈયારી થવા લાગી ત્યારે શ્રી રામ કૈકેઇ માતા પાસે જઈને એક ગૂઢ ચર્ચા કરીને માતાને પોતા માટે વનવાસ અને ભરત માટે રાજગાદી પિતાજી પાસે માંગવા મનાવી લેછે,- લાંબી વાત ક્યારેક-ભગવાન રામ અનેક સંતો મહંતો અને ભક્તોના દુખ દૂર કરવા માટે ચૌદ વરસ મટે વનમાં પધારેલા, આમાં કૈકયીનું વચનજ ફક્ત કારણભૂત ન હતું.

૪-ભગવાન ગીતામાં અર્જુનને અનેક રીતે સમજાવેછે કે હે અર્જુન આ બધી મારી માયા છે, અહિં કોઇ તારા સગા નથી કોઇ વડીલ નથી બધાજ માયાના ખેલ છે માટે મોહ તજીને યુદ્ધ કર,પણ એજ ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે માતા યશોદા યાદ આવેછે ત્યારે ત્યારે આડી પડેછે, તો ત્યારે કઈ માયા પ્રભુને રડાવે છે?.

૫-હે મોહન આપે સુરદાસજી, સુદામાજી, મીરાં અને નરસી મહેતા જેવા કંઈક ભક્તોને પાર લગાડી દીધા, હું તો તેમના ચરણોની રજ પણ નથી, પણ તારું નામતો જપુંછુંને? તો તારે થોડી ઘણી તો દયા કરવીજ પડશે.

Thursday, November 17, 2016

કુદરત નો કાયદો

કુદરત નો કાયદો

રાગ-કાગ બાપુનું ભજન જગમાં એકજ જનમ્યો રે જેણે રામ ને રૂણી રાખ્યા.....

કુદરત નો કાયદો એવો રે, એ તો હારે જે મદ ને રાખે,
હોય ભલેને ભૂપ ચમરધર, પળમાં પટકી નાખે... કુદરત નો...

જપ તપ તીરથ સેવ્યાં શંભુ ને, કર કૈલાસ જે રાખે
દશ દશ મસ્તક શિવને ચડાવ્યાં તોએ, રાવણ રોળાયો રાખે..કુદરત નો...

વાલી જેવા વાનર મોટા, લંકેશ કાંખ માં રાખે 
કંસ ચારૂણ ગયા અભિમાને, વેદ પુરાણ ની શાખે...કુદરત નો...

ડુંગર ઉપર દેવો બિરાજે પણ, નજરું નીચી રાખે
માળ બે માળ જ્યાં માનવ ચડે ત્યાં, અવર થી ઊંચો ભાખે..કુદરત નો...

મોટા મોટા માર્યા ગયા, અભીમાની રોળાયા ખાખે
ચાર દિવસનું ચાંદરડું આ, મનખો મદ બહુ રાખે..કુદરત નો...

દીન "કેદાર" પ્રભુ કરુણા કરજો, દ્વેષ ન દિલમાં દાખે
નિર્મળ દેહે નિર્વાણ હું પામું, કોઈ વિઘન નહીં નાંખે..કુદરત નો...

Wednesday, November 16, 2016

કાલ કોણે દીઠી છે ?

કાલ કોણે દીઠી છે ?

કરીલે આજ ની વાત, જોજે ન કાલની વાટ
કાલ કોણે દીઠી છે...

લખ ચોરાશી પાર ઊતરવા,  અવસર આવ્યો આજ
કૃપા કરી કરૂણાકરે આપી,   મોંઘી માનવ જાત...

જીવડો જાણે હું મોજું કરી લવ,પછી ભજન ની વાત
અધવચ્ચે આવી અટવાતો, ખાતો યમ ની લાત...

પિતા પ્રભુના એ કાલ પર રાખી, રામના રાજ્ય ની વાત
ચૌદ વરસ માં કૈંક કપાણા,  કૈકે ખાધી મહાત...

કાલ ન કરતાં આજ ભજીલે, બાજી છે તારે હાથ
ખબર નથી ક્યારે ખોળિયું પડશે, કોણ દિવસ કઈ રાત..

આ સંસાર અસાર છે જીવડા, સાચો જગનો તાત
ભવ સાગર નું ભાતું ભરી લે, ભજીલે તજી ઉત્પાત...

દીન" કેદાર "નો દીન દયાળુ, કરે કૃપા જો કિરતાર
એક પલક માં પાર ઉતારે, વસમી ન લાગે વાટ.. 

Monday, November 14, 2016

કામણગારો કચ્છ

કામણગારો કચ્છ

કચ્છડો મારો કામણગારો, ક્યાંક લીલો ક્યાંક સુકો
ક્યાંક ઊડે છે રણની રેતી,  ક્યાંક ખનીજ નો ભુક્કો..

રવમાં છે રવેચી બેઠાં, મઢમાં મા મઢ વાળી
કોટેશ્વર માં ગંગાધર બેઠાં, ખૂબ કરે રખવાળી

હાજીપીર ની હાકલ વાગે,   દ્રોહી તેથી ડરતાં
શ્વાન ખર ને કોઈ સાધુ જાણે, આજ પણ રણમાં ફરતાં..

ભુજીયો મુજ ને એવો ભાસે, કોઈ નગાધિરાજ નું બાળ
ભુજંગ સાથે રમતાં રમતાં,     ભૂલ્યું ઘરની ભાળ..

વાયુ દેવ વંટોળ બન્યા પણ,  એક ન ફાવી કારી
બળુકો પાછો બેઠો થઈ ને,  ખોલે નસીબ ની બારી.

ભૂકંપે ભૂંડો ભરડો લીધો, એનો પ્રકોપ ઝીલી લીધો
ભાંગ્યો તૂટ્યો ભલે લથડ્યો, પણ માનવ બેઠો કીધો..

ઠામો ઠામ ઠેકાણા સંત ના, તને રત્નાકર ભરે છે બાથું
દીન" કેદાર " તુજ આંગણ બેસી,  ભવનું ભરે છે ભાથું.

રચયીતા કેદારસિંહજી જાડેજા
9426140365

Saturday, November 12, 2016

કાનાના કપટ

કાનાના કપટ

સાખી-ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ,
હવેના દાણ ચોરે છે..

સાખી-ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું
રમાડ્યા રાસ છે કાને,  
હવે નટીઓ નચાવે છે..

કપટ કેવાં હરિ કરતો,
બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,  
વળી  હિસાબ દેવા ના..

સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,  
છે ચોર્યા ચિર ગોપી ના..

અધિક આપે તું પાપી ને,   મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના..

મહા કાયોને પણ મળતાં,  
ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના..

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  ભરખતાં બાળ પોતાના..

રંજાડે રંક જનને કાં,  
બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  
જો તારી મરજી વિના ના..

દયા " કેદાર " પર રાખી,
ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,  
પ્રભુ તુજ ગાન કરવામાં..

સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?  

૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?

૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.

૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.
પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.

૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે. 

૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.

૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.
જય નારાયણ. 

Wednesday, November 9, 2016

કહેવી કોને વાતો

કહેવી કોને વાતો

કહેવી કોને વાતો
સાખી-સખા શ્રી કૃષ્ણનો કેવો,
ન માંગ્યું ટેક ના તોડી,  
મહેલો હેમ ના પામ્યો,
સુદામા શાખ ના છોડી 

સાખી-પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં
ઈશ ન આવે યાદ,  
બસ વાણી વિલાસ કરે,
કોઈ ન આપે દાદ. 

સાખી-ગમ વિનાનો ગાંગરે,
ભીતર ભૂધર નઈ,  
આદર કંઈ ઊપજે નહીં,
મોલ ટકો એ નઈ . 

સાખી-ગાય ભજન જો ભાવથી
હરિવર હર્ષિત હોય,  
ભાવ વિના ભાવે નહી,  
કાન ધરે ન કોય.
----------------------------------
ઢાળ-અમને અડશોના

પ્રભુજી હવે કહેવી કોને વાતો

દુરિજન કેરા મારથી મારો મનવો ખૂબ મુંજાતો...

પાખંડીઓનો પાર રહ્યો નહીં, ભોળો ભરમાઈ જાતો
ભગત બનીને જગને ઠગતો, નગદ નારાયણ નાતો...

સાધુ બનીને સંપતી જમાવે, માલ મલીદા ખાતો
બંડી વાળો કોઈ બાવો બતાવો, પર દુખે જે પીડાતો...

દેવી બની પૂજાવે પંડને, ધન ભંડાર ભરાતો
મીરાં જેવી મહા રાણી બતાવો, નૂપુર નાદ નિત થાતો...

ધર્મના નામે ધન સંઘરીને, મહંત બનીને ફુલાતો
સુદામા સરખો અજાચી ઓળખાવો, હતો નારાયણ નાતો...

સંત વાણીનો મર્મ ભુલીને, અવળું સવળું ગાતો
ગૌધન નામે કરી ડાયરા, આખલો ઓળવી જાતો...

કેદાર કૃપાળુ કૃપા કરીને, પાછો નારાયણ નિપજાવો
ભાવ ભક્તિથી ભજન કરે જે, ગિરિધર ગુણલા ગાતો...

સાર- હે પ્રભુ,આજનો જમાનો કેવો આવ્યો છે? લોકો કેવાં કેવાં કામ કરી રહ્યા છે? આ બધું જોઇને મારું મન મુંજાય છે, પણ આની ફરિયાદ મારે કોને કરવી?
આજે પાખંડીઓનો પાર રહ્યો નથી, જેમાં ભોળા લોકો ભરમાઇ જાયછે, મહાન ભક્ત જેવો જણાતો કોઈ માણસ ફક્ત પૈસા ખાતર આ બધા પાખંડ કરતો હોય અને જગતને ઠગતો હોય એવું પણ બનતું હોય તો વિશ્વાસ કોના પર કરવો?

સાધુ કે સંત જેવા ભગવા વસ્ત્રો પહેરીને ભક્તિનો ઢોંગ કરતો હોય કે કથા કીર્તન કરતો હોય, અનેક ચેલાઓ જેની પાખંડ લીલામાં સાથ આપીને તેને મહાન ગણાવીને લોકોને છેતરીને ધનના ભંડાર ભરતા હોય, ત્યારે મને આપ કોઈ સાદી બંડી અને પોતડી પહેરેલો કોઈ પારકી પીડાને પોતાની ગણીને પીડાતો હોય એવો સાચા અર્થમાં સેવક બતાવો કે જેના માર્ગદર્શન પર હું ચાલી શકું.

હે પ્રભુ આજે અનેક એવી સ્ત્રીઓ પોતાને કોઈ દેવીનો અવતાર બતાવીને પૂજાવતી હોય અને પોતાનો અલગ પંથ બતાવીને નાચગાન કરતી હોય, ચિત્ર વિચિત્ર પહેરવેશ પહેરીને અસભ્ય વર્તન પણ કરતી હોય છતાં આવી પાખંડી મહિલાઓના એજંટો લોકોને ફસાવીને અઢળક પૈસા કમાઈને એશો આરામમાં જીવતા હોય ત્યારે મારી વિનંતી છે કે મને કોઈ મીરાંબાઈ જેવી દેવી બતાવો કે જે મહારાણી હોવા છતાં પગમાં ઘૂઘરા બાંધીને મોરલીમનોહર પાસે નાચતી હોય અને સદા શ્યામના ભજનોની રમઝટ બોલતી હોય.

કોઈ કોઈ પૂજારી કે મોટા મોટા મંદિરોના મહંતો જ્યાં ફક્ત ધન કમાવા માટે ધતિંગ કરીને અવળા સવળા બહાના બનાવી માયા ભેળી કરતા હોય, ત્યારે સુદામા જેવો કોઈ અજાચી બતાવો કે જેનો દ્વારિકાનો નાથ જેવો પરમ મિત્ર હોવા છતાં, અને પોતાનો પરીવાર ભૂખે દિવસો વિતાવતો હોવા છતાં ક્યારેય કોઈ આશા ન રાખી, પત્નીના આગ્રહ વશ દ્વારિકા આવવા છતાં,અને તેનું ભવ્ય સ્વાગત થયું હોવા છતાં કંઈ ન માંગ્યું.
આજે ભજન માં આધુનિકતા આવીછે, અનેક પ્રકારના સંગીતનાં સાધનોનો ઉપયોગ લોકોને આનંદિત કરવા અને સંતોની વાણીને લોકો સુધી પહોંચાડવામાં મનોરંજન સાથે ભક્તિ પણ વહાવે છે, ત્યારે અમુક લાલચુ ગાયકો સંત વાણી ના નામે એલ ફેલ ગાયનો ભેળવીને તેનો ઉપયોગ ફક્ત ધન કમાવા માટે કરી રહ્યા છે, અમુક લોકો ગૌચરા ના નામે રાખેલ કહેવાતી સંત વાણીનો કાર્યક્રમ પણ ભોળા ભક્તોએ ગાયોના નામે આપેલા અઢળક નાણાથી પોતાના ગજવા ભરેછે અને પાછા પોતાને મહાન ભજન ગાયક માનેછે. ત્યારે હે ઈશ્વર મારી પ્રાર્થના છે કે પાછો કોઈ નારાયણ સ્વામી જેવો ભજન ગાયક ને અવતાર આપો કે જે સાચા અર્થમાં સંતવાણીનો જાણકાર હોય, ભક્ત હોય સંગીત ન ભણ્યો હોય છતાં સંગીત વિશારદ હોય.

બસ પ્રભુ આ એકજ મારી વિનંતી છે.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Tuesday, November 8, 2016

કન્યા વિદાય ની વેળા.

કન્યા વિદાય ની વેળા.

એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે,   ઊઠી આનંદની ભરતી

હરખે હૈયું ચડ્યું હિલોળે,    આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે

પડી ફાળ અંતરમાં એકદિ,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે

ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩

ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું

અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નેત્રે,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા

જો ભાળે તાત મુજ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના 

" કેદાર " કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Sunday, November 6, 2016

જલારામ બાપા

જલારામ બાપા

સાખી-સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...

સાખી-અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની હેલી ચડે, જ્યાં નામ જલા નું લેવાય..

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 
દાતા તમે આવ્યા જલા ના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં.. 

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં. 

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ નો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત,  મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો 
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં...

દીન " કેદાર " પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં

જલારામ જયંતિની બધાને શુભ કામના

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Saturday, November 5, 2016

એટલું માંગી લવ

એટલું માંગી લવ

વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંની લઉં
હરિનું બનાવેલું હોય મજાનું,     એને સમજી લઉં...

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લઉં
પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લઉં
દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લઉં...

દીન " કેદાર " ની એક જ અરજી, તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લઉં....

સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.

મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને. નરસિંહ મહેતાએ ગાયું છે કે "હરિના જનતો મુક્તિ ન માંગે" મુક્તિ મળ્યા પછી શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરિ ભજન ની અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક પણ દિવસ હરિ ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો જીવન ધન્ય બનીજાય. 

અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારા પર નજર રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.

જય શ્રી રામ.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Friday, November 4, 2016

એક આધાર

એક આધાર

એક આધાર તમારો અંબા..
જાણી નિજ બાળ સ્વીકારો, હવે મારો કે પછી તારો....

મેં પાપ કર્યાં બહુ ભારી, મતિ મૂંઢ બની’તી મારી
હવે આપો શુદ્ધ વિચારો.....

હું માયા માં છું ફસાયો, મદ મોહ થકી ભરમાયો
નથી અવર ઊગરવાનો આરો......

મેં શરણ ગ્રહ્યું છે તમારું, બીજું શું જોર છે મારું
શરણાગત જાણી સ્વીકારો....

તમે અધમ ઉધાર્યા ભારી, આવી ઘડી આજ છે મારી
કરો મુજ અધમનો ઉદ્ધારો...

માં દીન " કેદાર " ઉગારો, મુજ પાપ નો ભાર ઉતારો
કરે વિનંતી દાસ તમારો.....

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Thursday, November 3, 2016

ઈર્ષા

ઈર્ષા 
આવે જ્યારે ઈર્ષા ઉરની માંય, 
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિ કાંઈ....

લક્ષ્મીજી બ્રહ્માણી  સંગે સમજે રુદ્રાણી માત,
 અમ સમાણી કોઈ પતિવ્રતા નહિ આ અવની માંય......

નારદજી એ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
 અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...

ત્રણે દેવી ઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઈક ઉપાય,
 લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએ કાંઈ...

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાં,
 આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઈ ઉપાય...

સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય, 
આદરથી એક અંજલિ છાંટી બાળ બનાવ્યા ત્યાં...

ત્રણે દેવી ઓ મનમાં મૂંઝાણા પૂછે નારદજી ને વાત,  
પ્રભુ તમારા ઝૂલે પારણિએ અનસૂયા ને ત્યાં....

કર જોડી કરગરે દેવી ઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઈ આવે અવર ન માંગુ કાંય...

ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
 " કેદાર " ગુણલા નિત નિત ગાતો લળી લળી લાગે પાય... 

સાર:-અત્રિ રૂષિ ના પત્ની અનસૂયા માતા ના પતિવ્રત ધર્મ ની પ્રતિષ્ઠા થી ઈર્ષા પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણી એ  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા.  તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાં જ હતાં,  ત્રણેય દેવો એ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ ભિક્ષા લઈશું નહિ તો પાછા જઈશું. જો અતિથિ  ખાલી હાથે પાછો ફરે તો સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયા એ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ કર્યો કે ‘જો મારી સ્વામી ભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે બાળક સ્વરૂપ ને પામે’. અંજલિ નો સ્પર્શ થતાં જ જગતના સર્જક પ્રજા પિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક બની ગયા. માતા અનસૂયા એ ત્રણેય બાળકોને પારણા માં પધરાવી દીધાં. બ્રહ્મલોક, વૈકુંઠ અને કૈલાસ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવી ઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજી એ કહ્યું કે સતીના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયા ના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય દેવી ઓએ માતા અનસૂયા ની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા અનસૂયા એ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણા માં સૂતા છે. ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવી ઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતા ને વિનંતી કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામી ને ઓળખાવો ત્યારે માતા અનસૂયા એ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવો ને પૂર્વવત્ સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવો એ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા માતા એ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય કરો. આથી ત્રણેય દેવો એ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતા ને ત્યાં આદ્ય ગુરુ દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Wednesday, November 2, 2016

આનંદ

આનંદ

મને અનહદ આનંદ આવે,  હરિને હૈયે હેત કેવું આવે..

સેવક કાજે સરવે સરવા,   વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે...

પિતા પ્રભુના પાવળું પાણી,   પુત્ર ના હાથે ન પામે
પણ- અધમ કુળ નો જોયો જટાયુ,  જેની ચિત્તા રામજી ચેતાવે...

ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથ નું ચક્ર ને ગ્રહતાં,   લેશ ન લાજ લગાવે..

સખુ કાજે સખુ બાઈ બની ને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુર ની ઝૂંપડી એ જઈ,  છબીલો છોતરાં ચાવે...

નરસિંહ કાજે નટખટ નંદન,  વણિક નો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને,   લાલો લાજ બચાવે..

ગજને માટે ગરુડ ચડે ને,  બચ્ચા બિલાડી ના બચાવે
ટિટોડી ના ઈંડા ઊગારી, " કેદાર " ભરોંસો કરાવે... 

સાર:- મને એક આનંદ થાયછે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમહોય છે? જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે. ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા ન દે.
૨-રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં પાણી પાઈ શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા જટાયુ ને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ
કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩-મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા માટે આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના રહેશે. ( જેમાં ૨૮૧૭૦ રથ, ૬૫૬૧૦ ઘોડેસવાર, ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો અને ૨૧૮૭૦ હાથીઓ હોય છે. )ત્યારે દુર્યોધને હથિયાર વિનાના બહુ નામી શિવ.

બહુ નામી શિવ.
સાખી-કર ત્રિશૂલ શશી શીશ,  ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો,   બૈઠે જાકે હિમાલા... 

સાખી-ત્રિ નેત્ર સર્પ કંઠ,   ત્રિપુંડ ભાલ સોહાય .  સંગ ગિરિજા જટા ગંગ,  સબ જગ લાગે પાય... 

શિવ શંકર સુખકારી ભોલે... 
મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી...ભોલે.. 

ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી...ભોલે..

ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી...ભોલે...

વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી...ભોલે...

મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી...ભોલે.... 

ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
દાસ " કેદાર " કેદારનાથ તું, બૈજનાથ બલિહારી.....ભોલે     
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365
બદલે સૈન્ય ની માગણી કરી. અર્જુનને તો કૃષ્ણજ જોઇતા હોય ને?
મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ પ્રતિજ્ઞા લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ, જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં કર્યું છે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે તોડ્યું છે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને-ટેકને પાળવા માટે ક્યારેક પોતાના વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડીદે છે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, અને સખુના સાસુ સસરા નો માર પણ ખાધો.  વિદુરની ભાજી ખાધી, નરસિંહ મહેતા ના અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમિમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ કેટલાં કેટલાં કાર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરતા રહેવું, જરૂર સાંભળશે, અને આપણને પણ સંભાળશે.
જય શ્રી દ્વારકેશ.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ