Sunday, July 31, 2022

કીર્તન શિવ નો જાપ


                                                            કીર્તન    શિવ નો જાપ

૩૧.૭.૨૨

જપતાં શિવ શંકર નો જાપ હૃદય માં, ભક્તિ જાગે છે

ભક્તિ જાગે છે અમો ને પ્યારો લાગે છે...


માયા પ્રભુ ની મન લલચાવે, ભ્રમ માં મન ભટકાતું

રાત દિવસ જીવ ચડે ચકરાવે, સત્ય નથી સમજાતું

શિવ નામ ઠરાવે ઠામ,  અમો ને પ્યારો લાગે છે...


ભભૂત લગાવી ત્રિપુંડ તાણી,    ડમરુ નાદ ગજાવે

કંઠ માં જગ ના ઝેર ધર્યા છે,  ભુજંગ અંગ સજાવે

જટામાં ગંગાજી શણગાર,  અમો ને પ્યારો લાગે છે...


જ્યોતિર્લિંગ નો મહિમા મોટો, વેદ પુરાણ વંચાતો

નારદ શારદ નમનું કરે છે,  ભક્ત શિવ રંગમાં રંગાતો

સ્વયંભૂ તેજ પુંજ પ્રકાશ, અમો ને પ્યારો લાગે છે...


"કેદાર" ભોળા બાળ તમારો,   એકજ અરજી મારી

ગણેશ કાર્તિક માત શિવા સંગ, મનમાં મૂર્તિ તમારી    

અહર્નિશ કરજો મનમાં વાસ, અમો ને પ્યારો લાગે છે...


ભાવાર્થ:-હે ભોળા નાથ, મને તારો જાપ કરવામાં આનંદ આવે છે, કારણ કે મને તારું નામ બહુ પ્યારું લાગે છે.

     ભગવાન વિષ્ણુની માયા આખા જગતના જીવ ને ભ્રમિત કરે છે, ભક્તિ માર્ગ થી ભટકાવે છે અને મન જ્યાં ત્યાં ભમે છે, પણ તારું નામ મન ને ઠરવા નું સાચું ઠેકાણું બતાવે છે.

  આપે ભભૂતી લગાવી છે, ડમરુ નો નાદ કરો છો, કંઠમાં હળાહળ ઝેર ભર્યું છે, વળી અંગ પર સર્પો નો શણગાર કર્યો છે, આપની જટામાં પવિત્ર ગંગાજી બિરાજમાન છે, આ આપનું રૂપ નિરંતર મારા મનને આનંદ આપે છે.

    હે ભોલે નાથ, આપે જ્યોતિર્લિંગ માં સ્વયં આપનું તેજ મૂક્યું છે, જેની વેદો અને પુરાણોમાં આરાધના થાય છે, સંતો મહંતો સપ્તર્ષિ પણ એની પૂજા કરે છે, એવા આ તેજ પુંજ થી મારું મન ભક્તિ મય બની જાય છે.

    હે ભોળા નાથ હું તો આપનો બાળક છું, મારી બસ એકજ અરજ છે કે માતા પાર્વતીજી, પ્રથમ પૂજ્ય ગણેશજી અને કાર્તિક સ્વામી સાથે સદા મારા મન મંદિરમાં બિરાજમાન રહો.


Monday, June 27, 2022

તારી માયા

                                                   તારી માયા

૩૦.૧૦.૨૧

ઢાળ-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલ ભજન-"જીવન ના સુર ચાલે"..જેવો


આ માયા બધી છે તારી, પરખી શકું ના તુજને

અઘરું જગત છે તારું,  સમજણ પડે ના મુજને..ટેક..


સુંદર બતાવી સપના,  છીનવો નહીં છોગાળા

હું તો માનવ મગતરું નાનું, મસળો ના માવા મુજને...

 

મૃગજળ બતાવી માધવ,  મને દોડાવો ના દયાળુ

હું તો તરસ્યો હરિ ના રસ નો, પિવડાવો નાથ મુજને...

  

તણખલે તરી જવાની, આશા છે મારા ઉરમાં

પકડીને બાહ્ય મારી,      તારીદો તાત મુજને...

 

કેવો છે ન્યાય તારો,   રાંકાને કાં રંજાડો

નિર્લજ્જ અને નઠારાં, નજરે પડે ના તુજને...


આ "કેદાર" પામર તારો, વેંઢારે શેં ભાર જગ નો

આપીને બોજ આવા,   શીદ ને સતાવે મુજને...


ભાવાર્થ:- હે નાથ, આપની આ માયા માં મને કશી સમજ પડતી નથી, તારું બનાવેલું આ જગત એવું ગૂઢ છે કે મારી મતી એમાં કંઈ કામ કરતી નથી. 

     હે નાથ, તું મને એવા એવા સ્વપ્નો દેખાડે છે કે હું મારી જાત ને ખૂબ સુખી માનુ છું, પણ પછી આ બધા સુખો તમે એકજ ઝાટકે છીનવી લો છો. હે નાથ હું તો તારી માયામાં ભટકતું એક નાનું એવું મગતરું છું, આપ આમ મને દુખી કરીને શા માટે મસળી નાખો છો?

    હે પ્રભુ, આપ મને ઝાંઝવા ના જળ બતાવીને દોડાવ્યા કરો છો, પણ મને તો આપના ભજન ની પ્યાસ છે, મને આમ ભટકાવી ન દો નાથ.

   મને આ ભવ સાગર તરવા માટે એક તારા નામ નો સહારો છે અને માનુ છું કે કોઈ પણ પ્રકારે કરેલું તારું ગાન મને તારી દેશે, માટે આપ મને સહારો આપો અને આપના શરણમાં સ્થાન આપશો અવી આશા રાખુ છું.

   હે નાથ, ક્યારેક એવું લાગે છે કે તારો ન્યાય કેવો છે? કોઈ સીધા સાદા માનવીને તું એવા દર્દો આપે છે કે તે સહી શકતો નથી, જ્યારે કોઈ પાપી દુરાચારી, જે તને યાદ પણ ન કરતો હોય એવા ને સુખમાં રાચતા જોતાં એવું લાગે છે કે શું તને આવા અધર્મીઓ દેખાતા નહીં હોય? 

   હે ઈશ્વર આ તારો કેદાર તો એક પામર જીવ છે, એના પર તું જે ભાર નાખી રહ્યો છે, તે હું કેમ કરીને સહન કરી શકીશ? માટે દયા કરો અને મને આપના ભજન કરવાની શક્તિ આપો. 

રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim.blogspot.com.

ભક્ત ઉધારણ ભગવાન.

                                     ભક્ત ઉધારણ ભગવાન.

૨૯.૫.૨૨

પ્રભુજી તારા ભક્તો હરિ રસ માણે,

સંત જનો જે ભાવ થી ભજે તેને, ક’દિએ ન અળગો જાણે.....


શબરી કદી ના મંદિર જાતી, કથા કીર્તન નહીં જાણે

ઝોંપડીએ જઈ એઠાં ફળો નો, અનહદ આનંદ માણે......


ભક્ત સુદામા મિત્ર તમારો, સંકટ સહેતો પરાણે

કંચન મહેલો એના કીધા, ચાર તાંદુલ ના દાણે....


ભક્ત વિદુરની ભાજી ભાવે, મેવા ન ભાવે પરાણે

મીરાં બાઈ ને મુખમાં સમાવી, મુક્તિ અપાવી ટાણે.......


જલારામ ને જાણી શક્યા નહીં, માંગ કીધી તેં કટાણે

યાદી આપી પ્રભુજી પધાર્યા, પીઠ દેખાડી પરાણે....


"કેદાર" કનૈયા દાસ તમારો, કર્મ ધર્મ નહીં જાણે

મહેર કરો મનમાં મોહન નાચે, અવર ન ઉર માં આણે....


રચયિતા-

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim.blogspot.com.



Tuesday, January 11, 2022

ગોવિંદ તમારી ગૂઢ ગતિ


                                                 ગોવિંદ તમારી ગૂઢ ગતિ

ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા...જેવો

ગોવિંદ તમારી ગૂઢ ગતિ,     પહોંચે નહીં મારી મૂંઢ મતી..

શ્રી રામ તણો અવતાર ધરી,     એક નારી કેરી પ્રતિજ્ઞા કરી
પણ કૃષ્ણ જન્મમાં ગજબ કરી, પરણ્યા અગણિતને કેમ કરી..   

હણતાં પહેલાં દુષ્ટ રાવણને, આપ્યો અવસર પ્રભુ ફરી રે ફરી
માર્યો વાલીને કપટ કરી,    સમજ ન આવે તારી રીત જરી...

વ્રજનારના મનમાં ધીરજ ભરી, આવું ગોકુળ એક વાર ફરી
મથુરા જઈ વળતી ન નજરૂં કરી, ભૂધર ભરોંસો રહે કેમ કરી... 

શિશુપાલની સો સો ગાળો સહી, કાળયવન મરાવ્યો કપટ કરી
"કેદાર" ની અરજી એક જરી, અપો સમજણ સૌ ભ્રમને હરી