Monday, November 29, 2010

માળા જપી લે

માળા જપી લે

જપી લે જપી લે માળા હરિ હર ના નામ ની
હરિ વિના કોણ ઉતારે ગઠડી તારા ભાર ની...

જનમી જગત માં આવ્યો, ચોરાશી ફરી ને
અવસર ના મળસે આવો, ફરી રે ફરી ને
જગત ની છે માયા જૂઠી, નથી કોઇ કામ ની..

આરે સંસાર કેરૂં, સૂખ નથી સાચું
માયાના બંધના ખોટાં, જીવન છે ટાંચુ
ભજીલે ભજીલે ભૂધર, રટણા કર રામ ની...

સોના રૂપા ને હીરલા, સંઘર્યે શું થાશે
કોને ખબર છે ક્યારે, આતમ ઊડી જાશે
પૈસા ની ભરેલી પેટી, પડી રહેવા ની...

માટે-સ્વાસે સ્વાસે સ્મરણ કરી લે, પલ પલ ભજ રામ ને
જીવન ની ઝંઝટ સઘળી, સોંપી દો શ્યામ ને
ખટપટ તું ખોટી ના કર, મોભા કે માન ની...

"કેદાર" કરૂણા નો સાગર, આવે જો ઉર માં
મહેકે જીવન ની વાડી, આનંદ ભરપુર માં
ફરૂકે ધજાયું તારી, ભક્તિ કેરા ભાવ ની..

શિવ વિવાહ

શિવ વિવાહ

પિનાકીન પરણવા ને આવ્યાં રે, મોંઘેરા મહેમાન સાથમાં
હિમાચલ હરખે ઘેરાણા રે, રહે નહિં હૈયું હાથમાં...

જાન આવી ઝાંપે, લોક સૌ ટાંપે
મોંઘા મૂલા મહેમાનો ને મળશું રે, સામૈયા કરશું સાથમાં...

આવે જે ઉમાને વરવા, હશે કોઇ ગુણિયલ ગરવા
દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે, અનેરા જનની આશ માં...

ભાળ્યો જ્યાં ભભૂતી ધારી, શિવજી ની સૂરત ન્યારી
માથે મોટી જટાયું વધારી રે, વિંટણો જાણે મ્રુગ ખાલ માં...

ભષ્મ છે લગાડી અંગે, ફણીધર રાખ્યા સંગે
ભેળાં ભૂત કરેછે ભેંકારા રે, ગોકીરો આખા ગામ માં...

બળદે સવારી કિધી, ગાંજો ભાંગ પ્યાલી પિધી
ભાગીરથી ભોળે શીશ પર લીધી રે, સજાવ્યો સોમને સાથ માં...

ગળે મૂંડ્કા ની માળા, કંઠે વિષ રાખ્યાં કાળ
ત્રિનેત્રિ આવ્યાં છે ત્રિશૂલ વાળા રે, તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં...

ભૂંડા ભૂત નાચે, રક્ત માં રાચે
શિવજીના દેખી નયનો નાચે રે, બેસાડે લઇ ને બાથ માં...

ભૂતડાને આનંદ આજે, કરે નાદ અંબર ગાજે
ડાકલા ને દમરુ વગાડે રે, રણશિંગા વાગે સાથ માં...

આવ્યા મૈયા સ્વાગત કરવા, ભાળ્યા રૂપ શિવ ના વરવા
ભામિની ના ભાવિ ને વિચારે રે, સોંપુ કેમ શિવ ના હાથ માં...

નથી કોઇ માતા તેની, નથી કોઇ બાંધવ બેહેની
નથી કોઇ પિતાજી ની ઓળખાણુ રે, જનમ્યોછે જોગી કઇ જાત માં...

નથી કોઇ મહેલો બાંધ્યા, નથી કોઇ સગપણ સાંધ્યા
નથી કોઇ ઠરવાના ઠેકાણા રે, રહેછે જઇને શ્મશાન માં...

સુખ શું ઉમાને આપે, ભાળી જ્યાં કલેજા કાંપે
સંસારીની રીતો ને શું જાણે રે, રહે જે ભૂત ની સાથ માં...

જાઓ સૌ જાઓ, સ્વામી ને સમજાવો
ઉમીયા અભાગી થઇ જાશે રે, જાશે જો જોગી ની જાત માં...

નારદ વદેછે વાણી, જિગી ને શક્યા નહિં જાણી
ત્રિલોક નો તારણ હારો રે, આવ્યોછે આપના ધામ માં...

ત્રિપુરારી તારણ હારો, દેવાધિ દેવ છે ન્યારો
નહિં જન્મ મરણ કેરો જેને વારો રે, અજન્મા શિવ પરમાત્મા...

ભામિની ભવાની તમારી, શિવ કેરી શિવા પ્યારી
કરો તમે વાતો કંઇંક તો વિચારી રે, સમજાવું શિવ રૂપ સાનમાં...

જાણ્યો શિવ મહિમા જ્યારે, આવ્યો ઉર આનંદ ત્યારે
આવ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે, ઝુકાવ્યું શીશ શિવ માન માં....

શિવના સામૈયાં કિધાં, મોતીડે વધાવી લીધાં
હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે, બેસાડ્યા શિવ ગણ સાથ માં..

ઉમીયાજી ચોરી ચડિયાં, શિવ સંગે ફેરા ફરીયા
ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે, શોભેછે સતી શિવ સાથ માં...

આનંદ અનેરો આજે, હીલોળે હીમાળો ગાજે
"કેદાર" ની કરુણતા એ કેવી રે, ભળ્યો નહિં ભૂત ની સાથ માં...

Sunday, November 28, 2010

શ્રાધ્ધ પ્રસંગ

શ્રાધ્ધ પ્રસંગ
ઢાળ:- કીડી બાઇ ની જાન નો

આવ્યો સમય આજે શ્રાધ્ધ નો રે કરે નરશી વિચાર
મેણા મોટા ભાઇ મારતા, આપે કસ્ટો અપાર
કરવું પિતાનું મારે શ્રાધ્ધ છે...

પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર
વાળી વેચી ને સિધૂ લાવશું, સાથ દેસે સરકાર
મોટો દ્વારીકા નો નાથ છે...

લાવ્યા સિધું સૌ સાથમાં રે, ઘી નહિં ઘરમાં લગાર
આપો ઊધારે આટલું, કરે નરસિ પોકાર
દેવા મારેતો પછી દામ છે...

મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર
આવે તેડાં જો આપના, જાવું ભક્ત કેરે દ્વાર
લેવો પ્રભૂ નો પરસાદ છે...

બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ
આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
સાચી પ્રભૂજી ની મ્હેર છે...

નાગર કરેછે ઠ્ઠા ઠેકડિ રે, સુણી નરસિ ની વાત
સાત માણસ નું સીધું નથી, કહે જમાડું હું નાત
વાતો કરવામાં હોંશીયાર છે..

સાચો વહેવાર વંશીધરે રે, નથી નરસિ નું કામ
કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
ફોગટ ફુલણશી ફુલાય છે...

મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર
દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
પછી-નરસિ નરાયણ ગાય છે...

સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કિધાં સૌને ફરમાન
ભક્ત મારો ભજને ચડ્યો, નહિં રહે હવે ભાન
જાવું મહેતાજી ને દ્વાર છે...

નાગર બનીને વ્હાલો આવીયા રે, આવ્યા જુનાગઢ મોજાર
શોભે છે રૂપ નરસિ તણું, હૈયે હરખ ન અપાર
કરવાં સેવક ના મારે કામ છે...

કાન ટોપી ધરિ ભૂધરે રે, હાથ લીધી કરતાલ
ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબુર નો તાલ
ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..

ગોર બાપા બેઠા રૂસણે રે, નહિં આવું તારે દ્વાર
કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
વંશીધર સાચા યજમાન છે...

વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલે રે, નહિં જાણે કોઇ જાપ
પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
વાણી વેદો ની જાણે ખાણ છે...

પોઠું આવી કોઇ ભાત ની રે, સંગે સાજ શણગાર
સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિ ના દ્વાર
ક્યાં મહેતાજી ના મહેલ છે...

નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ
કોના સેવક ને કોના દાસ છો, શુંછે માલિક નું નામ
કેવું નરસૈયા કેરૂં કામ છે...

હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન
જાણી પ્રસંગ આજે શ્રાધ્ધ નો, એણે કિધાં ફરમાન
કરવાં મહેતાજી ના કામ છે...

નાગર બેઠાં સૌ ચીતવે રે, કિધો મોટેરો માર
ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર
નથી કંઇ લાજ કે સર્મ છે...

દ્વારે આવી ને કરે ડોકીયા રે, દિઠાં પિત્રુ પરિવાર
ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
બોલે નરસિનો જય કાર છે...

વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય
નાગર લાગ્યા સૌ નાચવા, લ્હાવો છોડ્યો નહિં જાય
જમવું મહેતાજી ને ધામ છે...

સઘળાં કૂટુંબ સંગે આવીયા રે, નાગર નરસિ ને દ્વાર
સોના બાજોઠ બીછાવીયા, આપ્યાં સુંદર શણગાર
હીરા મોતી થી ભર્યા થાળ છે...

ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર
ખાધું પિધું ને ભાતું ભર્યું, બોલે નરસિ જયકાર
ધન્ય મહેતાજી તારી સેવ છે...

સોના રૂપા ના દાન દેવાણા, નથી પૈસા નો પાર
કૂળના ગોર ને રીઝાવીયાં, આપ્યાં અઢળક ઊપહાર
પછી-દામોદર દામાકૂંડે જાય છે...

આવ્યા નરસિ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર
કિધી અરજ ક્રૂપાલને, કરો કરૂણા કિરતાર
શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે...

આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ
ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારીકા નો નાથ
ભક્ત વત્સલ ભગવાન છે...

કરે ભરોંસો જે કાન નો રે, ગીત ગોવિંદ ના ગાય
કાર્ય સૂધારે એના શામળો, વાસ વૈકુંઠ માં થાય
"કેદાર" ગુણ ગાન એના ગાય છે...

Friday, November 26, 2010

શ્રી ઓમકારેશ્વર મહાદેવ

શ્રી ઓમકારેશ્વર મહાદેવ
બાલ્યાવસ્થામાં મારા મોટા બહેન એક પત્થર વડે મેંદી વાટતાં,જે ખોવાઇ જતાં
ગોતી લાવવા જીદ કરી પણ ઘણા સમય સુધી ન મળ્યો, અમુક સમય પછી મારા માતુશ્રી
ને સ્વપ્ન માં એ જ્યાં પડ્યો છે એ જગ્યા જણાઇ, આસ્ચર્ય સાથે શોધી ને સાફ
કરતાં તેમાં "—" જેવી આક્રુતી જણાતાં અને ધ્યાનથી સફાઇ કરતાં વધારે
આક્રુતી ના દર્શન થતાં યોગ્ય જગ્યાપર ભાવથી પધરામણી કરી અને શ્રી
ઓમકારેશ્વર નામ રાખ્યું, આજે એમાં અનેક "—" કાર દેખાય છે, આપ પણ આ
ચિત્રમાં દર્શન કરી શકતાહશો.

Thursday, November 25, 2010

ગોવિંદ ગાન

પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન શાંભળવામળતી, જેના બોલ
હતા.ગોવિંદ કે ગુન ગાયે જા ઔર પંથ તેરા બઢાયે જા
વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા...આ બે જ લાઇન શાંભળીને
તેને પુર્ણ કરવાની ઇચ્છા થતી, તેથી એજ ઢાળમાં મે મારી રીતે એક રચના
બનાવી, જે નિચે મુજબ છે.

ગોવિંદ ગાન

ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મૂખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા...

માનુજ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું અમર પદ કો પાયે જા...

દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા...

હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફ઼્અલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

દીન કે તું દીનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો "કેદાર" કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા

Wednesday, November 24, 2010

આનંદ

આનંદ

મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે..

સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે...

પિતા પ્રભુના પાવળુ પાણી, પુત્ર ના હાથે ન પામે
પણ- અધમ કૂળ નો જોયો જટાયુ, જેની ચિત્તા રામજી ચેતાવે...

ભીષ્મ પિતામ: ભક્ત ભૂધરના, પણ પ્રિતમ એનું પાળે
કરમાં રથ નું ચક્ર ગ્રહતાં, લેશ ન લાજ લગાવે..

સખૂ કાજે સખૂ બાઇ બની ને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુર ની ઝુંપડી એ જઇ, છબીલો છોતરાં ચાવે...

નરસિ કાજે નટખટ નંદન, વણિક નો વેશ બનાવે
હૂંડિ હરજી હાથ ધરિને, લાલો લાજ બચાવે..

ગજને માટે ગરુડ ચડે ને, બચ્ચા બિલાડી ના બચાવે
ટિટોડી ના ઇંડા ઊગારી, "કેદાર" ભરોંસો કરાવે...

Monday, November 22, 2010

રામની મરજી

રામની મરજી

મરજી રામની સાચી
શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી...

મનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઇ ટાંચી
અવિનાશી ના એક ઝપાટે, એમાં ભટકે ભૂત પિસાચી...

નારદ જેવા સંત જનોને, નારી નયને નાચી
માનુની બદલે મુખ મરકટ નું, સૂરત દેખાણી સાચી...

હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ નાં વાંચી
નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી...

ભસ્માસુરે ભગવાન રીઝાવ્યા, જગપતી લીધા એણે જાંચિ
મોહિની કેરો મર્મ ન જાણ્યો, નિજને જલાવ્યો નાચિ...

દીન "કેદાર" પર કરૂણા કરજો, સમજણ આપો મને સાચિ
અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચિ...

Sunday, November 21, 2010

મારો ટુંકો પરીચય,

મારો ટુંકો પરીચય,
મુળ ગામ ગોલીટા,તા.ધ્રોલ, જી.જામનગર,ઉમર ૬૫, ઓટોમોબાઇલ
એન્જીનીયર,પ્રાઇવેટ કુ.માં નોકરી ચાલુ, ભક્તિ ભાવ ભર્યું ઘર અને દેવી
સ્વારુપી મા,ગુરુ સમાન "કૈલાસ કે નિવાસી""કળજા કેરો કટકો" જેવા ગીતો/ભજનો
ના રચનાર કવી શ્રી "દાદ",નારાયણ સ્વામીજી ના આશિર્વાદ, બોલાવે,ભજનો
ગવડાવે,માર્ગ દર્શન આપે,બાપુ સીવાય બિજા કોઇએ મારા રચેલા ભજનો ખાસ
પ્રખ્યાત નથી, (kirtidan gadhavi e vdo cd ma aaj bhajan lidhelu chhe,
pan adhuru chhe.net no bahu anubhav na hovathi gujarati font ahi
shodhi shakyo nathi.) ભજનો/ગરબા ની રચના ઉપર વાળા ની દયાથી થાય છે."દીન
વાણી" નામે મારી રચનાઓ વિના મુલ્યે વિતરીત કરી છે.બીજી આવ્રુતી તૈયાર
થવામાં છે.

શિવ ની સમાધી

શિવ ની સમાધી

મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમધી ધરે..

સ્થંભ બની બ્રહ્મા વિષ્ણુના, મદ ને મહેશ હરે
દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે...

દેવી ભવાની જનની જગતની, ગુણપતિ ગુણ થી ભરે
કાર્તિક કેરી કીર્તિ સવાઇ, નવખંડ નમનું કરે...

સિંહ મયુર ને મુષ્ક મજાનો, નંદી કચ્છ્પ કને
ભુત પિશચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે...

નારદ શારદ ઋષિગણ સઘડા, કોટી કોટી દેવો ઉચરે
સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે...

મ્રુત્યુંજય પ્રભુ છે જન્મેજય, સમર્યે સહાય કરે
"કેદર" કહે ના ધારીછે સમાધી, એતો ભક્તના રદય માં ફરે..

Thursday, November 18, 2010

કાલ કોને દીઠી છે ?

કાલ કોને દીઠી છે ?

કરીલે આજ ની વાત, જોજે ન કાલની વાટ
કાલ કોને દીઠી છે...

લખ ચોરાશી પાર ઉતરવા, અવસર આવ્યો આજ
ક્રુપા કરી કરૂણાકરે આપી, મોંઘી માનવ જાત...

જીવડો જાણે હું મોજું કરી લંવ,પછી ભજન ની વાત
અધવચ્ચે આવી અટવાતો, ખાત યમ ની લાત...

પિતા પ્રભુનાએ કાલ પર રાખી, રામના રજ્ય ની વાત
ચૌદ વરસ માં કૈક કપાણા, કૈકે ખાધી મ્હાત...

કાલ ન કરતાં આજ ભજીલે, બાજી છે તારે હાથ
ખબર નથી ક્યારે ખોળીયું પડશે, કોન દિવસ કઇ રાત..

આ સંસાર અસાર છે જીવડા, સાચો જગનો તાત
ભવ સાગર નું ભાતું ભરી લે, ભજીલે તજી ઉતપાત...

દીન"કેદાર"નો દીન દયાળુ, કરે ક્રુપા જો કિરતાર
એક પલક માં પાર ઉતારે, વસમી ન લાગે વાટ..

Wednesday, November 17, 2010

હરિના કપટ

હરિના કપટ

કપટ કેવાં હરિ કરતો, બહાના દઇ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે, વળી હિસાબ દેવા ના...

સભામાં જઇ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઇ ને લત્તાઓ માં, છે ચોર્યા ચિર ગોપી ના...

અધીક આપે તું પાપી ને, મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમીત થઇ ભટકે, નથી કોઇ સ્થાન રહેવા ના...

મહા કાયોને પણ મળતાં, ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઇક જન ને, ભરીને પેટ ખાવા ના...

વિછણ ને વ્હાલ ઉપજાવ્યું, ખપાવે ખૂદને વંશજ પર
પ્રસુતા સ્વાન ને ભાળ્યું, ભરખતાં બાળ પોતાના...

રંજાડે રંક જનને કાં, બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઇ પત્તાં, જો તારી મરજી વિનાના..

દયા "કેદાર" પર રાખી, ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારૂં, પ્રભુ તુજ ગાન કરવામાં...

--સાખી--

ઘણાં કળીયુગ ના કાન્હા, કરેછે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ, હવેના દાણ ચોરે છે..

ઘણા કળીયુગ ના કાન્હા, કરેછે કામ રમણગર નૂં
રમાડ્યા રાસ છે કાન્હે, હવે નટીઓ નચાવેછે..

વિરહીણી

ઢાળ-કાળજા કેરો કટકો મારો ગાંઠ્થી છુટી ગ્યો, જેવો
વિરહીણી

એક દિ' રજની રડવા લાગી, ચાંદની પાંસે જઇ
ઘોર અંધારાં ખુબ ઉલેચ્યા, પણ- ભાનુ ને ભાળ્યો નઇ...

સાંભળ્યું છે મેં સાહ્યબો મારો, સોનલા રથડો લઇ
જગ બધાને દે અજવાળું, હુંજ અંધારી રઇ...

રોજ સજાવું આંગણુ મારૂં, આકાશ ગંગા લઇ
તારા મંડળ ના સાથિયા પુરૂં, તોય ડોકાણો નઇ...

દુખીયારી એવો દિન ન ભાળ્યો, કે સુરજ સાથે રઇ
વદ્ગે ઘટે પણ વ્હાલમો તારો, તને-વેગળી રાખે નઇ...

એક અમાસે અળગો રહે ત્યાં, હાંફળો ફાફળો થઇ
આગલી સાંજે દોડતો આવે, કેળથી બેવળ થઇ...

હારી થાકીને સાહેલી સાથે, સોમ ને શરણે ગઇ
આશરો લઇ ને આંખમાં એની, કાજળ થઇ ને રઇ...

આભ તણી અટારીએ બેઠી, ઓલી "કેદાર" કાળી જઇ
અરૂણોદય ની આશ જાગી ત્યાં, આખીએ ઓગળી ગઇ

શું માંગુ ?

શું માંગુ ?

હવે પ્રભુ શું માંગુ કિરતાર જી
હરિ તેંતો આપ્યું અપરમપાર...

મ્હેર કરીને માનવ કૂળ્માં આપ્યો તેં અવતારજી
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલતેં આપ્યું સ્થલ તેં આપ્યું વસુનોકેવો વેપારજી
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને પણ એમાંએ ઉપકારજી
વાણી આપી વનમાળી તેં, રીઝ્વવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા વિશ્વેશ્વર તું વિરાટ જી
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

એક અરજી સાંભળ હરજી આ દીન ની દીન"કેદાર"જી
હરપલ હર ક્ષ્ણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

"હું" કાર

"હું" કાર
ઢાળ-તું રંગાઇ જાને રંગ માં જેવો.


વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો, આમાં ક્યાં "હું" નો વિસ્તાર..

શાને ધરે હુંકાર તું ધનનો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે, નાશ થશે તુજ તન નો..

અવિનાશી ની અધિક ક્રુપા થી, માનવ દેહ મળ્યોછે તને..
આવ્યાં જેને જેને યમના તેડાં, જઇ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડસે ત્યારે, સારા નરસા કરમ નો......શાને..

કોઇને ચિત્તા મળે ચંદન ની, કોઇ બળે બાવળીયે..
જાવું અંતે અંગ ઉઘાડે, જણ્યો જેવો માવડિએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..

માટે-સ્વાસે સ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિનો..
સમય પારખ પામર પ્રાણી, નહિં વિસવાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..

અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકવવા પડસે એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઇ ચકડોળે ચડસે..
"કેદાર"કરીલે પૂજા એવી, પ્રેમ રહે પ્રિતમ નો....

ભક્ત બોડાણો

ભક્ત બોડાણો
ઢાળ:- કીડી બાઇ ની જાન જેવો

ભક્ત ઉધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ
પણ બધએ એના પાળતો, રાખે બાળક ની જેમ
ભોળા ભક્તો નો ભગવાના છે..

ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક
પૂનમે દ્વારીકા આવતો, નહિં કરતો મિનમેખ
દર્શન કરવાની એને નેમ છે..

ઘણા વખત ના વાણા વાયા, નહિં તોડેલી ટેક
પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
પહોંચી જરાની હવે પિડ છે..

આવતી પૂનમે કેમ પહોંચાસે, લાગે છેલ્લિ છે ખેપ
સાંભળો અરજ મારી શામળા, કરૂં વિનંતી હરિ એક
તારે ભરોંસે મારી નાવ છે...

કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય
દેહ પડે જો તારે દેવળે, માન મારું રહી જાય
દોરી તમારે હાથછે..

દોડી દામોદર આવીયાં રે, જાલ્યો બોડાણા નો હાથ
રહું સદા તારા સંગ માં, કદી છોડૂં નહિં સાથ
ભક્ત થકી ભગવાન છે..

ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ
ગુગળી ગામમાં ગોતતા, ક્યાંછે દ્વારીકા નો નાથ
નક્કિ બોડાણાનો હાથ છે...

વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણાને વાત
મૂકિદે મુજને વાવમાં, પછી આવેછે રાત
તારો ને મારો સંગ છે..

ગોતિ ગોતિ ને ગયા ગુગળી રે, નહિં મળીયા મહારાજ
ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
છોડ્યા સૌ રાજ ને પાટ છે..

જાણી સૌ ગુગળી આવીયાં રે, આવ્યાં ડાકોર મોજાર
આપો અમારો ભૂધરો, કીધાં આવી પોકાર
બોડાણો દ્વારીકા નો ચોર છે..

નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ
કહ્યું કાનુડાનું મેં કર્યું, ગુનો મારો નહિં લેશ
ખોટું તમારૂં આળ છે..

જાણી બોડાણાને દૂબળો રે, રાખે ગુગળી વિચાર
હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
પ્રભુ ભજવાની જો હામ છે..

કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ
તુલસી નું પાન પધરાવજે, નહિં નમે તારો નાથ
તારી તે લાજ મારે હાથ છે..

તુલે તુલ્લાની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય
ગુગળી પડ્યા હરિ પાય માં, પ્રભુ છોડું નહિં તોય
એક તમારો આધાર છે..

એક પુજામાં આવું દ્વારીકા, એક ડાકોર મોઝાર
આપ્યું વચન વનમાળીએ, ગૂણ ગાતો "કેદાર"
ધન્ય બોડાણા તારી ટેક છે..

એટલું માંગુ.

એટલું માંગુ.

ઢાળ:- ભેરવી જેવો..

વ્હાલજી હું એટ્લું માંગી લંવ
તારા ચરણ કમળ માં રંવ..

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માની લંવ
હરિનું બનાવેલું હોય મજાનું, એને સમજી લંવ..

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવીરત જનમો લંવ
પણ ભવે ભવે હું માનવ થઇ ને, ગોવિંદ ગાતો રંવ..

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, ક્રિશ્ન લીલા રસ લંવ
યૌવન આવ્યે મોહ ના આંબે, નિસ્કામી થઇ રંવ...

દીન "કેદાર"ની એકજ અરજી, તારી નઝર માં રંવ
સ્વાસે સ્વાસે સમરણ કરતાં, અંત ઘડીને માણી લંવ...

કામણગારો કચ્છ

ભજનો અને ગરબા લખતાં લખતાં ક્યારેક કર્મ ભુમીની પણ મહત્તા ગાવાનું મન
થાય, અને લખાય જાય કે...

કામણગારો કચ્છ

ક્ચ્છ્ડો મારો કામણગારો, ક્યાંક લીલો ક્યાંક સુકો
ક્યાંક ઉડેછે રણની રેતી, ક્યાંક ખનીજ નો ભુક્કો..

રવમાં છે રવેચી બેઠાં, મઢ્માં મા મઢ વાળી
કોટેશ્વર માં ગંગધર બેઠાં, ખૂબ કરે રખવાળી

હાજીપીરની હાકલ વાગે, દ્રોહી તેથી ડરતાં
સ્વાન ખર ને કોઇ સાધુ જાણે, આજ પણ રણમાં ફરતાં..

ભુજીયો મુજને એવો ભાસે, કોઇ નગાધીરાજ નું બાળ
ભુજંગ સાથે રમતાં રમતાં, ભૂલ્યું ઘરની વાટ..

વાયુ દેવ વંટોળ બન્યા પણ, એક ન ફાવી કારી
બળુકો પાછો બેઠો થઇ ને, ખોલે નશિબ ની બારી.

ભૂકંપે ભૂંડો ભરડો લીધો, એનો પ્રકોપ ઝીલી લીધો
ભાંગ્યો તુટ્યો ભલે લથડ્યો, પણ માનવ બેઠો કીધો..

ઠામો ઠામ ઠેકાણાં સંત ના, તને રત્નાકર ભરે છે બાથું
દીન"કેદાર" તુજ આંગણ બેસી, ભવનું ભરેછે ભાથું..

જલારામ બાપા

જલારામ બાપા

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
દાતા તમે આવ્યા જલા ના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાગના. ભકિત તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાધડી, ઓલીયો લાગે છે કેવો ખેસં માં.

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઇશ ની કરતાં
ગંગા ને યમૂના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના
પહેરવેશમાં

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઇ ભકતના વેશમાં..

રામના નામની ધૂણી ધખાવી, ભુખ્યાને અન્નજળ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉતપાત કોઇ અંતર ના આણતાં, બોલે ભલેને કોઇ દ્વેશ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઇપણ દાણ ના પ્રવેશ માં...


દીન "કેદાર" પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હ્ર્દયે રામજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઉડે પંખેરૂ મારૂં, આવુ તારે દ્વારે શુદ્ધ વેશ માં