Monday, October 31, 2016

અરજી

અરજી

ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરતો રહુંછું કર્મો  લખિયા છે જે વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો, અજ્ઞાની મને જાણી સ્વીકારો ઓ તાતા..

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી,   ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિત મારું તવ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા,
રહે અંત વેળા તુજ રટણા હૃદય માં,  કરો કરુણા ની વૃષ્ટિ કૃપાળુ ઓ દાતા...   

કરૂં પ્રાર્થના નિત મનથી તમારી,   સુણો વિશ્વ ભરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્,  વિનવું સદા નાથ તમને ઓ તાતા...

કોઈ પત્તું ન હલતું વિણ મરજી તમારી, તો શાને છે કર્મોની ભીતિ અમારી
કરું કાર્યો તેના ન લેખાં કોઈ લેજો, હો સારું કે નરસું તમારું ઓ તાતા...

કરૂં ગાન ત્યારે મન તારામાં  લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે   
છે " કેદાર " કેરી આ વિનતિ પ્રભુજી,  સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..   

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Friday, October 28, 2016

અરજ

અરજ

નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું,   પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું,    રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી... 

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી 
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા " કેદાર " મારી...

સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરીને માનવ અવતાર મેળવું, ફરી ને તારો ભક્ત બનું એજ અભ્યર્થના.  

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Wednesday, October 26, 2016

અંગદ વિષ્ટિ

અંગદ વિષ્ટિ
સાખી-લંકા પતી મથુરા પતી, વાલી બહુ બળવાન,   
મદ થકી માર્યા ગયા, માનવ તજ અભિમાન.

સાખી-નગર લંકા છે સોનાની,મનોહર વટિકા મધ્યે, 
બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.

સાખી-ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું, 
ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું

(ઢાળ-માતાજીકે’ બીએ મારો માવોરે...જેવો.)

વાલી સુત વિષ્ટિ કરવાને આવ્યો રે, રાવણ રહે અભિમાન માં

લંકામાં ભય ખૂબ ફેલાયો રે, આવ્યોછે કપિ પાછો રાજમાં....

નૃપ થી ઊંચેરું એણે આસન જમાવ્યું
દુત રે બનીને સઘળું સમજાવે રે, સમજે જો રાવણ  સાનમાં રે...

ભ્રમર વંકાતાં સારી સૃષ્ટિ લય પામે
પ્રેમે વરસેતો વસંત ખીલાવે રે, એવીછે શક્તિ રામમાં...

છટ છટ વાનર તારા, જોયા વનવાસી
સીતાના વિરહે વન વન ભટકેરે, બનીને પાગલ પ્રેમ માં...

નવ નવ ગ્રહો મારા હુકમે બંધાણાં 
સમંદર કરે રાજના રખોપા રે, વહેછે વાયુ મુજ માનમાં...

શિવ અંસ જાણી હનુમો,  પરત પઠાવ્યો
અવરતો પલમાં પટકાઈ જાશે રે, આવશે જો રણ મેદાનમાં..

ભરીરે સભામાં અંગદે ચરણ ને ચાંપ્યો
આવી કોઈ એને જો ચળાવે રે, મુકીદંવ માતને હોડમાં...

કેદાર ન કોઈ ફાવ્યા, ઉઠ્યો ત્યાં દશાનન
કપીએ શિખામણ સાચી આપીરે, નમાવો શીશ હરિ પાયમાં..

લંકામાં હનુમાનજી સીતા શોધ અને લંકા દહન કરી આવ્યા પછી યુધ્ધ તો અનિવાર્ય બની ગયું, છતાં રામજીના સલાહકારોએ લંકાના નિર્દોષ લોકોને ક્ષતિ ન પહોંચે તે માટે રાવણને સમજાવવાનો એક મોકો આપવા માટે ચતુર અંગદને દૂત બનાવીને મોકલવાનો નિર્ણય કર્યો, પણ હનુમાનજીના ભયથી કાંપેલા લંકા વાસીઓ અંગદને જોઈને ફરી હનુમાનજી લંકામાં આવ્યા સમજીને કાંપવા લાગ્યા.    

નિયમ અનુસાર કોઈ પણ દૂતને યોગ્ય આસન આપીને તે લાવેલો સંદેશો લેવો અને તેનો પ્રત્યુત્તર આપવો, અને તેને સુરક્ષિત પરત મોકલવો જોઇએં, પરંતુ લંકામાં અંગદને યોગ્ય આસન ન મળતાં તે પોતાના પુચ્છથી રાવણની સામેજ એક મોટું આસન બનાવીને બેસી ગયા, તેમજ  શ્રી રામ વિષે અને તેમના સૈન્ય વિષે માહિતી આપીને સમજાવવા લાગ્યા, કે હે રાજન તમને કદાચ ખબર નથી કે રામની શક્તિ કેવી છે? જો તેમની ભ્રુકુટિ ફક્ત વંકાય તો આખી સૃષ્ટિ નાસ પામે અને જો તેમનો પ્રેમ મળે તો ઋતુ ન હોવા છતાં વસંત ખીલી ઊઠે. આમ અનેક પ્રકારે રાવણને સમજાવ્યા છતાં તેને કોઈ સમજ ન આવી ઊલટો કહેવા લાગ્યો કે હે વાનર જોયા તારા રામને, જે સીતાના વિયોગમાં પાગલ બનીને ઝાડ પાનને પૂછતા ફરેછે કે મારી સીતા ક્યાં છે?

તને કદાચ મારી શક્તિનો પરિચય નથી, નવે નવ ગ્રહો મારા તાબામાં છે, મારા હુકમ વિના તેઓ કોઈ કાર્ય કરી શકતા નથી, અને વાયુદેવ મારી અનુકૂળતા પ્રમાણે વાયછે, અને એમ ન માનજે કે હનુમાન અમારાથી છટકીને પાછા આવ્યાછે, એતો શિવાંસ હોવાથી અને શિવ મારા આરાધ્ય હોવાથી મેં જવા દીધાછે, બાકી રામનો દરેક સૈનિક જો રણ મેદાનમાં આવશે તો એક ક્ષણમાં રોળાઇજશે.

અંગદ સમજી ગયા કે રાવણ માનશે નહીં અને હવે યુદ્ધ અનિવાર્ય છે, ત્યારે તેણે રામ દૂતની શક્તિ બતાવવા માટે પોતાનો પગ ભરી સભામાં ધરતી પર પછાડીને પડકાર ફેંક્યો કે હે અભિમાની રાવણ,  જોઇલે કે રામના સૈન્યમાં શું તાકત છે, જો તારા રાજ્યનો કોઈ પણ બળવાન માનવ મારા પગને ધરતીથી હટાવી દેશે તો હું સોગંદ ખાઈને કહુંછું, હું સીતા માતાને હારીને રામના સૈન્ય સહિત લંકા છોડીને જતો રહીશ.

રાવણના અનેક યોદ્ધાઓ અંગદના પગને હટાવવાની કોસીશ કરી પણ કોઈથી તલ માત્ર પણ પગ હટ્યો નહીં ત્યારે રાવણ ઊઠ્યો અને અંગદના પગને સ્પર્શ કરવા ગયો ત્યાં ચતુર અંગદે પોતાનો પગ હટાવીને કહ્યું કે "હે રાવણ મારા પગમાં નમવા કરતાં શ્રી રામજીના ચરણને સ્પર્શ કરિલો તો પ્રભુ પ્રસન્ન થઈને માફ કરી દેશે."

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Tuesday, October 25, 2016

હૃદય માં રામ રમજો

હૃદય માં રામ રમજો

રામ હૃદય માં રમજો મારા, હરિ હૃદય માં રમજો નાથ...

ભવ સાગર માં જીવ ભટકતો, મારું મારું કરી ને મરતો
મોહ માયા થી દૂર હટાવો,   પડ્યો તમારે શરણે નાથ..

માતા તું છે તાતા તું છે,  સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો,    એ અભિમાન મિટાવો નાથ..

અતિ અભિમાને અંધ બન્યો છું,  ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી,   તવ માયા માં લપટાવો નાથ...

દીન " કેદાર " પર દયા દરસાવો,  નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં,          મુજ અધમ ને ઉદ્ધારો નાથ...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Monday, October 24, 2016

હું કાર

હું કાર

ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો.
સાખી-વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો, આમાં ક્યાં "હું" નો વિસ્તાર..

શાને ધરે હું કાર તું ધન નો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે,  નાશ થશે તુજ તન નો..

અવિનાશી ની અધિક કૃપા થી,  માનવ દેહ મળ્યો છે તને..
આવ્યાં જેને જેને યમના તેડા,  જઈ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડશે ત્યારે,   સારા નરસા કરમ નો......શાને..

કોઈ ને ચિત્તા મળે ચંદન ની,  કોઈ બળે બાવળીએ..
જાવું અંતે અંગ ઉઘાડે,  જણ્યો જેવો માવડીએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિ નો..
સમય પારખ પામર પ્રાણી,  નહિ વિશ્વાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..

અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકાવવા પડશે  એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઈ ચકડોળે ચડશે..
" કેદાર "કરીલે પૂજા એવી,    પ્રેમ રહે પ્રીતમ  નો....

સાર:-જો આ શરીર વાયુ/અજ્ઞિ/અવકાશ અને માટી તેમજ જળમાંથી બનેલું છે. તો પછી આમાં "હું" ક્યાં છે? અને એ પણ ખબર નથી કે આ નશ્વર શરીર ક્યારે માટીમાં મળી જશે? આતો ઉપર વાળએ મહેરબાની કરીને ભજન કરવા માટે માનવ શરીર આપ્યું છે, જેવા કર્મો કરશો તેવું પામશો, કોઈ કોઈ ખોળિયું ચંદનના લાકડાથી ધૂપ દીપ ના ભપકા અને હજારો લોકોની ભીડ સાથે શ્મશાન યાત્રા માં જઈને બળેછે, તો કોઈ જ્યાં ત્યાં બાવળના ઠૂંઠા માં એકલ દોકલ ની હાજરીમાં સળગાવી નાંખવામાં આવેછે.

"હું કરૂં હું કરૂં એજ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે" ઘણા લોકોને આવો વહેમ હોયછે કે જો હું ન હોત તો આ કાર્ય થાતજ નહીં, પણ આ પામર જીવને ખબર નથી કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા જતા રહ્યા તો પણ આ સંસાર ચાલે છે. રાવણ મહા વિદ્વાન, શિવજીનો અનન્ય ભક્ત, શાસ્ત્રોનો જ્ઞાતા, વેદોનો જાણકાર, એક સમય એવો આવ્યો કે ભગવાન મહાદેવ શિવજી કૈલાસ પર બિરાજમાન હતા તો પણ તેણે મહાદેવ સહિત કૈલાસ પર્વત ઉઠાવી લીધેલો. પણ એક અભિમાન રાવણને ભારે પડ્યું અને લંકા જેવી સુવર્ણ નગરી છોડવી પડી અને તેનું પતન થયું. 

{ આમતો જોકે આ બધી લીલા એવી છે કે શું લખવું તે જ સમસ્યા છે, કારણ કે જય અને વિજય નામના બે ભગવાનના પાર્ષદ-હજૂરિયા-દરવાન પોતાની ફરજ બજાવતા હતા, ત્યારે સનકાદિક [બ્રહ્મદેવના ચાર માનસ પુત્રો ] ભગવાનના દર્શને પાધાર્યા, ફરજ પરસ્ત જય અને વિજયે તેમને રોક્યા તેથી ગુસ્સે થઈને સનકાદિકે તેમને શાપ આપ્યો કે જાવ મૃત્યુ લોકમાં રાક્ષસ યોનિમાં સાત જન્મ માટે પડો, જય વિજય ભગવાનના ચરણોમાં પડીને કરગરવા લગ્યા કેનાથ, અમારો શો ગુનો? અમેતો અમારી ફરજ બજાવી, ખૂબ આજીજી કરી ત્યારે ભગવાને કહ્યું કે તમારી વાત સાચી છે, પણ સનકાદિક નો શાપ અફળ તો નજ રહે, પણ હું તમને વચન આપુછું કે જો મને પ્રેમ ભાવે ભજશો તો સાત જન્મે પાર થશો અને જો વેર ભાવે ભજશો તો ત્રણ જન્મે પાર થશો. તેથી ભગવાન શિવનો મહાન ભક્ત હોવા છતાં રાવણ ભગવાનને વેર ભાવે ભજવા લાગ્યો, તેના ફળ સ્વરૂપ તેનું પતન [પતન કે મોક્ષ?]થયું. }

આ બધી ઈશ્વરની લીલાને સમજવી અઘરી છે, બસ હરિ નામ ભજ્યાકરો, ભજન કરો. સાચા રસ્તે ધન વાપરો,  નામ કમાવા માટે દાન ન કરો, મોટા મોટા મંદિરો બાંધીને ભગવાનને એ.સી.માં બિરાજમાન કરવા કરતાં સાચેજ જે ભૂખ્યા છે તેને ભોજન આપો, પેટ ભરા ઢોંગીઓને જમાડવાથી આર્થિક નુકશાન થાય પણ ફાયદો તો નજ થાય.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Sunday, October 23, 2016

હીતકારી સંતો

હીતકારી સંતો

સાખી-સંત હૃદય સમતા ઘણી,અવિરત રટણા રામ, પરજનની પીડાહરે, એ સાધુ નું કામ.
સાખી-જટાધરી સાધુ બન્યો, ભગવા પહેર્યા અંગ, અંતર રંગ લાગ્યોનહીં, રહ્યો નંગનો નંગ.

સાખી-જટાધરી જોગી થયો, ભસ્મ લગાવીઅંગ, મોહ માયા ત્યાગીનહીં, રહ્યો નંગનો નંગ

જગમાં સંત સદા હીતકારી.
પર દુખ કાજે પંડને તપાવે, આપે શિતલતા સારી...

અમરેલીમાં એક સંત શિરોમણિ, મુળદાસ  બલિહારી
રાધા નામે એક અબળા ઉગારી, કલંક લીધું શિર ધારી..

જામ નગરનો રાજા રીસાણો, ગુરુ પદ કંઠી ઉતારી
ભરી સભામાં મૃત બિલાડી જીવાડી, દિગ્મૂઢ કીધાં દરબારી...

જલારામ વીરપુરના વાસી, પરચા પૂર્યા બહુ ભારી
વીરબાઇ માંગી પ્રભુ પછતાણા,  આપી નિશાની સંભારી..

ધાંગધ્રાનો એક જેલનો સિપાહી, ભજન પ્રેમ મન ભારી
"દેશળ" બદલે દામોદર પધાર્યાં, પહેરા ભર્યા રાત સારી... 

સુરદાસ જ્યારે પ્રણ કરી બેઠાં, સંખ્યા પદની વિચારી
સુર શ્યામ બની શ્યામ પધાર્યા, હરજી હર દુખ હારી...

થયા ઘણાંને હશે હજુ પણ, રહેતાં હશે અલગારી
"કેદાર" કહે કોઈ એકને મળાવીદો,  જાણું કરુણા તારી...

સાર-ઉના તાલુકાના આમોદરા ગામમાં લુહાર દંપતીને ત્યાં મુળદાસજીનો જનમ થયો, નાની ઉંમરે વૈરાગ્ય લઈ ઘરેથી નીકળી પડ્યા અને ૧૭૬૮ માં અમરેલીમાં આશ્રમની સ્‍થાપના કરી. તેઓ દ્વારીકાધિશના દર્શન કરીને આવતા હતા ત્‍યારે જામનગરના નરેશના આગ્રહથી ગુરુજ્ઞાન આપી કંઠી બાંધી.

એક વખત રાધા નામની સ્‍ત્રીને આત્‍મહત્‍યા કરવા જતી જોઈને મુળદાસજીએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારી કુંખમાં બાળકછે, પણ હું આ બાળકના પિતાનું નામ આપી શકતી નથી, અને આપું તો લોકો મને બદનામ કરી નાંખે તેનાથી મરવું સારું, ત્યારે મુળદાસજીએ એ બાળકના પિતા તરીકે પોતાનું નામ આપવાનું કહીને એ રાધાનું જીવન બચાવ્યું, પણ તેથી અણસમજુ સમાજમાં અપમાનિત થયાં, લોકોએ હડધૂત કરી ગધેડે બેસાડી ગામ બહાર કર્યા. જામનગર નરેશે પણ બાપુની કંઠી તોડી નાંખી અને બીજા ગુરુની કંઠી બાંધી લીધી, ત્યારે મુળદાસજીને ખૂબ દુખ થયું, તેઓ એક મરેલી મીંદડી લઈને જામનગર દરબારમાં પધાર્યા અને નરેશને કહ્યું કે સામાન્ય માણસ તો કદાચ ન સમજી શકે પણ તમે પણ મને ન સમજી શક્યા? આમ કહી એ મરેલી મીંદડી લોકો વચ્ચે મુકીને કહ્યું કે નરેશ તમારા નવા ગુરુને કહો આ મીંદડીના બચ્ચા દુધ વિના ટળવળેછે, તેને જીવતી કરે, પણ એ ગુરુતો મુળદાસજી જેવા ક્યાં હતા? ત્યારે મુળદાસજીએ મીંદડીને જીવતી કરી બતાવી.

તેમના દ્વારા બચાવાયેલા રાધાબાઇની કુખેથી જન્મેલું બાળક મોટો થઈને એક મોટા ધર્મનો ધરોહર બન્યો જેને આજે આપણે  "મુક્તાનંદજી" તરીકે યાદ કરીએ છીએ. આમ મહાત્મા મુળદાસજીએ અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા અને આપણને એક મહાન સંતની ભેટ મળી.

ધ્રાંગધ્રા માં રા.રા.શ્રી અજીતસિંહજી સાહેબ ગાદી પર બિરાજમાન, અડાબીડ વ્યક્તિત્વ, કંઈ પણ ખોટું સહન ન કરે, આવા રાજાના રાજ્યમાં એક દેશળભાઈ રાજ્યની જેલના સામાન્ય સિપાહી જે "દેશળ ભગત" તરીકે ઓળખાય, ભજન પરાયણ જીવ, જ્યાં પણ ભજન ગાવા બોલાવે વિના વિલંબ પહોંચી જાય.પણ ભક્તિ હોય ત્યાં ભીડ પણ સાથેજ હોય. અનેક ખણ ખોદિયા લોકો મહારાજાને ફરિયાદ કરતા કે બાપુ, આપ દેશળને જાણતા નથી, તે ઘણી વખત ચાલુ નોકરીએ આડો અવળો થઈ જાય છે, આપના રાજ્યની જેલમાં જવાના નામ માત્રથી કેટલાક તો ગુનો કરતાં ગભરાય છે, પણ બાપુ, આ દેશળના પ્રતાપે જો કોઈ કેદી જેલમાંથી ભાગી જશે તો આપની બદનામી થશે, માટે આપ તેના પર જરૂરી નિયંત્રણ રાખો તો સારું રહેશે.

ભજન પરંપરામાં એક નિયમછે કે જો ભજનનું "વાયક" સ્વીકારવામાં આવે તો તેને કોઈ પણ ભોગે પાળવું પડે, તેથી દેશળ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારકા વાળો મહેર કરશે તો આવી જાશું.

એક વખત શહેરના કુંભારવાડામાં ભજનનું વાયક આવ્યું, ભગતે જવાબ આપ્યો કે ભાઈ જેવી દ્વારિકા વાળાની મરજી. ભગતની નોકરી તે દિવસે રાતના આઠ થી સવારના ચાર વાગ્યા સુધીની હતી, ભગતે સાથી સિપાહીને કહ્યું કે ભાઈ, ભજનનું વાયક છે, વચન તો નથી આપ્યું પણ જીવ ત્યાંજ બાજ્યોછે, આપ જો થોડીવાર નજર રાખો તો એક ચોહર (ચાર ભજન) કરી આવું, સાથીઓએ કહ્યું કે ભગત તમને ખબર છે? તમારા દુશ્મનો તમારા વિરુદ્ધ બાપુને કાન ભંભેરતા રહેછે, માટે તમે ધ્યાન રાખજો. ભગતે જવાબ આપ્યો કે ભાઈ ધ્યાનતો રાખશે દ્વારિકા વાળો, આપણે શું ધ્યાન રાખવાના? 

પેલા ખણખોદિયાઓ એ મહારાજાને આ બાબતની જાણ કરી ને વિનંતી કરી કે રાજન આજ અપ પોતેજ ધ્યાન આપો તો દેશળની પોલ ખૂલી જાય.

ઘણા સમયની ભંભેરણીથી રાજન ને પણ ખાતરી કરવા વિચાર આવ્યો, તેમણે આ લોકોને કહ્યું કે આજે જ્યારે ભગત બહાર જાય મને જાણ કરજો, હું પોતે આવીને તપાસ કરીશ.

રાત્રિના દશ વાગ્યા એટલે ભગવાનનું નામ લઈને દેશળ ભગત સાથી સિપાહીને ભલામણ કરીને ભજન ગાવા ચાલી નીકળ્યા. લાગ જોઇને પેલા ખણખોદિયાઓ એ મહારાજાને ખબર આપ્યા, ભરોંસો ન આવતો હોવા છતાં ખાતરી કરવા બાપુ જેલમાં પધાર્યા અને દેશળને હાજર થવા કહ્યું. રાજ્યની જેલનો પહેરવેશ પહેરેલા દેશળ ભગત આવીને બાપુને સલામ મારીને વંદન કરતાં ઉભા રહ્યા, બાપુએ જેલની હાજરી ભરવાની ચોપડી મંગાવીને તેમાં સહી કરીને સબ સલામત ની ખાતરી કરતાં મહેલમાં પધાર્યા.

પેલા લોકોને નવાઈ લાગી કે આ ભગતડાને જતો તો જોયેલો, તે પાછો કેમ આવી ગયો? શું કોઈએ આપણી યોજનાની જાણ તેને કરી દીધી? પણ ભગત આમંત્રણ આવ્યા પછી જરૂર જાયજ એમ વિચારીને તેઓએ ફરીને થોડા સમય પછી જોયું તો ભગત ન હતા, ફરી બાપુને જાણ કરી, બાપુ પધાર્યા પણ ખરા, પણ પહેલાની જેમજ દેશળ ભગત આવીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરી અને પાછા ફર્યા. હવે પેલા લોકોને થયું કે નક્કી કોઈક આપણી વાત જાણી ગયુંછે જે દેશળને જાણ કરીદેછે તેથી તે ભજન છોડીને આવી જાયછે, આ વખતે એવું કરો કે બે માણસો કુંભારવાડે જઈને ખાતરી કરે અને સમાચાર આપ્યા પછી પાછા ત્યાંજ ઉભા રહે, અને બે જણા જેલના દ્વાર પાસે રહે જેથી કોઈ પણ સંજોગોમાં એ ભગતડો જેલમાં આવી ન શકે, અને બે જણા બાપુને આ બધું સમજાવીને લઈ આવે જેથી બાપુને ખાતરી થાય.આવી સંપૂર્ણ યોજના સાથે બાપુને બોલાવવામાં આવ્યા, પણ જેવા બાપુએ ભગતને હાજર થવા કહ્યું કે તરત ભગત એજ પ્રમાણે આવીને બાપુને નમન કરીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરીને પેલા લોકોને ઠપકો આપ્યો કે આવા જૂઠાણા ચલાવીને કોઈને બદનામ કરવાની વ્રતી રાખોછો? સખત ઠપકો પણ આપ્યો.

અહીં દેશળ ભગતને તો આ બાબતની ખબરજ નહતી,સવારના ચાર વાગવાની તૈયારી હતી ત્યારે ભગતને ધ્યાન આવ્યું કે ભારે કરી આજે જરૂર નોકરી જશે, ડરતાં ડરતાં જેલના દરવાજે પહોંચ્યા ત્યારે પાળી બદલવાની તૈયારી ચાલતી હતી, પેલા સાથી સિપાહીએ વાત કરતાં કહ્યું ભગત સારું થયું તમે ભજનમાં ન ગયા નહીંતો આજે મહારાજા ત્રણ વખત પધારીને જે મુલાકાત લઈ ગયા તેમાં ક્યારેક તો પકડાઇજ જાત. ભગતતો અચંબામાં પડી ગયા, વિગતે વાત જાણતા ત્યાંથી સિધ્ધાજ રાજ દરબારમાં પહોંચીને મહારાજાને પગે લાગીને સિપાહીનો ગણવેશ અને પટ્ટો બાપુના પગમાં મૂકીને કહ્યું કે બાપુ, મારા માટે મારી પરીક્ષા લેવા આપને ત્રણ ત્રણ વખત આપના મહેલથી કે જે ફક્ત પંદર મિનિટ ના રસ્તા પર છે ત્યાં પધારવું પડે એ સારું ન લાગતું હોય ત્યાં મારા વહાલાને છેક દ્વારિકાથી આપના સિપાહીનો ગણવેશ પહેરીને આપને સલામ મારવી પડે એવી નોકરી હવે મારે નથી કરવી, હવેતો બસ મારા નાથની નોકરી કરીને જીવન વ્યતીત કરીશ.      
જય દ્વારિકેશ.

સુરદાસજીએ એક ટેક લીધેલી કે હું ઈશ્વરના ચરણોમાં અમુક સંખ્યામાં પદો બનાવીને અર્પણ કરીશ, પણ તેમનું જ્યારે દેહાવસાન થયું ત્યારે તેઓ આ સંખ્યા પૂર્ણ કરી શક્યા ન હતા, પણ ભગવાને તેમના બાકી રહેલા પદો પુર્ણતો કર્યા સાથો સાથ પોતાના પદોનું નામું "સુર શ્યામ" લખીને મહાનતા બક્ષી, જ્યારે સુરદાસજી નામામાં "સુરદાસ" લખતા. 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Saturday, October 22, 2016

હરિ હૈયા ના હેત  

હરિ હૈયા ના હેત       

હરિ નું હૈયું હરખે ભરાયું
માંગો આજે મન મૂકી ને, ભરીદંવ ભક્ત નું ભાણું....

ચૌદ વરસ જેણે ચાખડી પૂજી ને, ચંદન ચોડી ચડાવ્યું
ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખાયું....

વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
રીંછ મરકટ પર રઘુવીર રીઝ્યાં, આપ્યું જે મુખથી મંગાયું...

વૈદેહી વાનર પર ત્રૂઠ્યાં, નવલું આપ્યું નજરાણું
કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાયું....

માળના મણકા મુખમાં મૂકીને, દાબ દઈ ને દબાવ્યું
મોતીડા તોડી કપિ રહ્યાં ખોળી, ક્યાં ઠાકોર નું ઠેકાણું...

માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
રામ વિના મને કશું ન ભાવે, કંચન કથીર જણાયું...

રોમ રોમ મારે રઘુવીર રમતાં, ઠાલું નથી ઠેકાણું
" કેદાર " કપિએ છાતી ફાડી તો, રઘુકુળ દિલ દરશાયું.... 

સાર:-લંકા વિજય કર્યા પછી શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો ત્યારે યુદ્ધમાં મદદગાર થનારા દરેકે દરેક સાથીને રામ દરબારમાં સન્માનિત કરવામાં આવ્યા. અને દરેકને મન ગમતા પારિતોષિકો માંગી લેવા શ્રી રામે કહ્યું.

ભરતજીએ ચૌદ વરસ ભગવાનની પાદુકા રાજગાદી પર ધરીને રાજ્યનો કારભાર સંભાળ્યો, અને એક સંત જેવું જીવન ગુજાર્યું, પ્રભુએ તેને ભક્તિ પ્રદાન કરી.

વિભીષણ ને લંકાનું રાજ્ય આપવામાં આવ્યું. અને અંગદ ને લંકાનો સેના નાયક નિયુક્ત કર્યો. બધા રીંછ અને વાનરો ને જેણે જે માંગ્યું તે આપ્યું. પણ હનુમાનજી મહારાજ શાંત ચિત્તે ઊભા હતા. 

સીતા માતા ને હનુમાનજી પર પ્રેમ ઉભરાયો અને પોતાના કંઠમાં પહેરેલી અતિ મૂલ્યવાન માળા ભેટ આપી. હનુમાનજી ખુશ થઈ ગયા અને માતાની આપેલી ભેટ માં જરૂર કંઈક વિષેસ હશે એમ સમજીને એક એક મણકાને ફેરવી ફેરવી ને જોવા લાગ્યા, કંઈ નમળ્યું તો તોડી તોડીને જોવા લાગ્યા. પણ જ્યારે કોઈ જગ્યાએ રામજી ના દર્શન ન થયા ત્યારે આશ્ચર્યથી માતા અને અન્ય સભાસદો સામે જોયું. પણ સભાસદોના ચહેરા જોઈને સમજી ગયા કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. કોઈએ આપેલી ભેટ આ રીતે તોડ ફોડ કરીએ તો આપનાર વ્યક્તિ નારાજ તો થાયજને? હનુમાનજીએ તુર્તજ માતાજીની માફી માંગતાં કહ્યું કે મા, હુંતો વાનર છું, વિવેક બુદ્ધિ મારામાં ક્યાંથી હોય? આપે આપેલી માળામાં મને મારો રામ ન દેખાણો, અને રામ વિના ની કોઈ પણ વસ્તુ મને શા કામની? મારાતો રોમ રોમ માં રામ વસેછે, મારા અંગમાં રામ વિનાની કોઈજ જગ્યા બાકી નથી, તેથી રામને શોધવા માટે મેં માળા તોડીછે. માટે મને માફ કરજે.

જ્યારે હનુમાનજીએ પોતાના રોમે રોમે રામ વસતા હોવાનું કહ્યું ત્યારે સભાસદો સંશય કરવા લાગ્યા કે શું અમારા મનમાં રામ નથી? ચતુર હનુમાનજી સમજી ગયા કે મારે આ લોકોની શંકા દૂર કરવી પડશે, તેથી પોતાના નહોર વધારીને પોતાની છાતીમાં ભરાવ્યા અને છાતી ફાડી અને તેમાં શ્રી રામ, સીતાજી અને સમગ્ર રામ દરબારનાં દર્શન કરાવ્યા. 

ધન્ય ધન્ય એ અંજની ના જાયાને.  

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365