Saturday, September 25, 2010

ગરબો

કચ્છ ની ધણીયાણી

કચ્છ કેરિ ધરતી માથે ગરબ ગવાય છે, જામે રૂડી ગરબી જોવા દેવીઓ લોભાય છે...

માતા ના મઢ થી માં આશાપુરા આવીયા, રવ છોડીને રવેચી મા સંગે પધારીય
જોગણી મા નો રંગ અનેરો, સાંભળ્યો છે સ્વર ઘેરો ઘેરો, સ્વર સુણીને માડી
મારી જોવા લલચાય છે...

ગબ્બર ના ગોંખ થી અંબામા આવીયા, ચોટીલા વાળી માડી ચામુંડ પધારીયા
માટેલ છોડી ખોડલ આવી, શંખલપુર થી બહુચર આવી, પાવા ગઢ વાળી કાળી સંગમાં જોડાયછે..

રાણી રાધીકા આજ રૂસણે ભરાણા, રમી રમીને રાસ કાના મનડા ભરાણા
જઇશું અમે ગરબો જોવા, નહીં જીવનના લ્હાવા ખોવા, રાણી રાધીકા સંગે
રૂક્ષ્મણા જોડાયછે...

ઇન્દ્ર ઇન્દ્રાણી બ્રહ્મા ને બ્રહ્માણી, આવી આકશ સૌ રહ્યાં રંગત માણી
શોભા બની આજ અનેરી, ભુલ્યા વયુ દેવ હેરાફેરી, ભાળી રંગત ગરબા કેરી
સ્વર્ગ શરામાયછે...

ઢોલ નગારા નોબત વાગે, શરણાઇ ના સૂર સંગે મીઠાં મીઠાં લાગે
ઝાલર વાગે ઝમક ઝમક , ચાલે દેવી ઠંમક ઠંમક, ગરબો "કેદાર" ગાય ઘેલો ઘેલો થયછે...

Thursday, September 23, 2010

ગરબો

ગણેશ વંદના

ગૌરી નો લાલો લાગે ઘણો વ્હાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યા,ગુણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો, ગણ નાયક ભગવાન...

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છ્ગત્ર ની શાન
રિધ્ધિ સિધ્ધિ સંગે પધારો, ગણ ઇશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યુ, આપ્યું જગને ગ્યાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારૂં, તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘડાં સુધારો, લંબોદર ભગવાન
દીન "કેદાર" જે ગજાનન ગાસે, કોટિ કોટિ યગ્ન સમાન...

Wednesday, September 22, 2010

ગરબો

ગરબો
કચ્છઃની ધરતી

કચ્છઃ કેરી ધરતી માથે ગરબા ગવાય છે,
જામે રૂડી ગરબી જોવા દેવીઓ લોભાય છે.....

માતા ના મઢ થી આશાપુરા આવીયા
રવ છોડીને રવેચી મા સંગે પધારીયા
જોગણી મા નો રંગ અનેરો, સાંભળ્યો છે સ્વર ઘેરો ઘેરો
સ્વર સુણી ને માડી મારી જોવા લલચાય છે.....

ગબ્બર ના ગોખ થી અંબામા આવીયા
ચોટીલા વાળી માડી ચામુંડ પધારીયા
માટેલ છોડી ખોડલ આવી, શંખલપુર થી બહુચર આવી
પાવાગઢ વાળી કાળી, સંગ માં જોડાય છે...

રાણી રાધીકા આજ રૂસણે ભરાણા
રમી રમી ને રાસ કાના, મનડા ભરાણા
જઇશું અમે ગરબો જોવા, નહીં જીવન ના લ્હાવા ખોવા
રાણી રાધીકા સંગે રૂક્ષમણા જોડાય છે...

ઇંન્દ્ર ઇંન્દ્રાણી બ્રહ્મા ને બ્રહ્માણી
આવી આકાશ સૌ રહ્યાં રંગત માણી
શોભા બની આજ અનેરી, ભુલ્યા વાયુ દેવ હેરાફેરી
ભાળી રંગત ગરબા કેરી, સ્વર્ગ શરમાય છે...

ઢોલ નગારા નોબત વાગે,
શરણાઇ ના સૂર સંગે મીઠાં મીઠાં લાગે
ઝાલર વાગે ઝમક ઝમક, ચાલે દેવી ઠંમક ઠંમક
ગરબો "કેદાર" ગાય ઘેલો ઘેલો થાય છે...

Tuesday, September 21, 2010

કલરવ

વો કલરવ કહાં ગયા?

વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
બોજ ઢો રહી ગધે કી ભાંતી, દેશ કી ઉજ્વલ આશા...

નીંદ કે મારે આધે શહર ને, છોડા નહીં થા બિસ્તર
નન્હા ફુલ તબ દૌડ રહાથા, ઠુંસકે પુસ્તક દફ્તર..

દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
બાલ ચરિત્ર કા હનન કરે જો, કૈસી પઢાઇ યે આઇ..

ભોર ભયે કભી તરૂવર પર નિત, ચિડિયાં ચેહકા કરતી
ઘર આંગનમેં માસુમ ટોલી, કિલકારી થી કરતી...

ગોટી લખોટી ગીલ્લી ડંડા, છુપા છુપી સબ છુટા
ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

ભૈડ બકરીસા ભરકર બાલક, દૌડતી ઓટો રીક્ષા
પાઠ શાલાસે ટ્યુશન ભાગે, શિક્ષા હે યા પરિક્ષા..

જીસકી નહીં જરૂરત ઐસે, વિષય ઉસે ના પઢાવો
યે કુદરત કી અમુલ્ય દેન હે, યંત્ર ના ઉસે બનવો...

ભોલાપન ઉસકા મત છીનો, કુછ કરો ઉનપર ભી દયા
"કેદાર" કહીં ના પ્રશ્ન યે ઉભરે, "વો કલરવ કહાં ગયા"?...

Friday, September 17, 2010

રામાયણ

હરિ હૈયા ના હેત

હરિનું હૈયું હરખે ભરાણું
માંગો આજે મન મુકી ને, ભરીદંવ ભક્ત નું ભણું....

ચૌદ વરષ જેણે ચાખડી પુજી ને, ચંદન ચોડી ચડાવ્યું
ભાઇ ભરત ને ભક્તિ આપી, સંતપણું ત્યાં પરખણૂં....

વિભીષણ ને રાજ લંકાનું, અંગદ સૈન્ય સવાયું
રીંછ મરકટ પર રઘૂવિર રીઝ્યાં, આપ્યું જે મૂખથી મંગાણું...

વૈદેહિ વાનર પર ત્રુઠ્યાં, નવલું આપ્યું નઝરાણું
કપિને કંઠની માળા આપી, હેત હૈયામાં ઉભરાણું....

માળના મણકા મુખમાં મૂકીને, દાબ દૈ ને દબાવ્યું
મોતીડાં તોડી કપિ રહ્યાં ખોળિ, ક્યાં ઠાકોર નું ઠેકાણું...

માફ કરી દે માવડી મારી હું, વાનર વિવેક ન જાણું
રામ વિના મને કશુ ન ભાવે, કંચન કથિર જણાણું...

રોમ રોમ મારે રઘૂવિર રમતાં, ઠલું નથી થેકણું
"કેદાર" કપિએ છાતી ફાડી તો, રઘૂકૂળ દિલ દરશાણું....

રામાયણ

સુંદર કાંડ નો સૌથી સુંદર પ્રસંગ, કે જ્યારે હનુમાનજી પહેલીજ વખત માતા
સિતાજી ને મલ્યા.
અને એક બીજા ના ખબર અંતર પુછેછે.

કહો હનુમંતા બોલો બલવંતા,
કહો મોહે કથની, કૈસે ભગવંતા....

ભાઇ લક્ષમન કી, બાત ન માની
લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...

મનિ મુદ્રિકા. તુમને ગિરાઇ
નાચા મન મોરા, તુટ ગઇ શંકા..

નિશ દિન રામ રટન મોરે મન મેં
રોમ રોમ રઘુવિર જાપ જપંતા....

કોન કરે સેવા, ચરન કૌન ચાંપે
બિન વૈદેહિ, કૈસે મોરે કંથા....

કૈદ કિયો હનુમો, લૌ લીપટાઇ
"કેદાર" કપિ ના જલીયો જલ ગઇ લંકા..

રામાયણ

સંત ભરત

જેણે મારી માયા ને લાતો, ભરતજી શાને ન સંત કે'વાતો...

રાજ રઘુ નું અભરે ભરેલું, યુગ સુવર્ણ નો જાતો
ઇંન્દ્ર જેવા ને પણ ઇર્ષા આવે, વૈકુંઠ થાતી એની વાતો...

સ્વર્ગ સમું સૌ સુખ સવાયું, દ્વેશ ન દ્વાર ડોકાતો
એવા અવધ ની ગાદી ત્યાગી, લેશ ન દિલ લચાતો..

માયા ત્યાગી મહેલો છાંડી, ઝુંપડે વિતાવી રાતો
માતા માનુની મેવા ત્યાગી, વનફળ વીણી વીણી ખાતો...

ચૌદ વરષ જેણે સાધુ બની ને, તોડ્યો જગથી નાતો
પાદુકા કેરૂં પૂજન કરી ને, હૈયે અતિ હરખતો...

ભક્ત ભરતથી મુનિ જન મોટાં, વેદ ની કરતાં વાતો
બ્રહ્માદિક જેનો આદર કરતાં, "કેદાર" ગૂણલા ગાતો...

Wednesday, September 15, 2010

શબરી

કૈકેઇ ની વ્યથા
કેમ સમજાવું?

ભરત ને કેમ કરી સમજાવું ?
શા દુખ સાથે વચનો વદિ હું, જગને કેમ જણાવું ?..

હું નારી નરપતિ દશરથની, રઘૂકૂળ લાજ ધરાવું
કૂબડી કેરો જો મર્મ ન જાણું તો, શાને ચતુર કહાવું....

જાણ હતી મુજ ભાગ્ય ભટકસે, જગ માં જુલમી કહાવું
છત્ર જશે રઘુ રાય ભડકશે, ધિક ધિક ઘર ઘર થાવું...

અવધ સમાણી સો સો નગરી, રામ ચરણ માં ચડાવું
ઇન્દ્રાશન ની આશ ન રાખું, ધન કુબેર લુંટાવું...

ભરત સમાણા સો સો સૂત ને, વૈદેહિ પર વારૂં
લક્ષમણ લાલો મને અતિ ઘણો વ્હાલો, શા સુખ વનમાં વળાવું..

એક દિલાસો ભક્ત ભરત નો, ત્યાગી તને બિરદાવું
કૈકેઇ કેરી તેં કોંખ ઉજાળિ, સંત સૂત માત કહાવું...

દીન "કેદાર" કૈકેઇ કર જોડું, સત સત શિશ નમાવું
રઘૂવિર કાજે જ્ઝ્વન રોળ્યું, ગદ ગદ ગુણલા ગાઉ...

શબરી

શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા
ભાવ ધરી ભગવાન પધાર્યા...

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત શું પિછાણું
રાખી હ્રદય રઘૂ નાથ ની મૂરત, રામ રામ બસ રામ ઉચાર્યા...

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નહિં મારે હવાલે
શાથી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા...

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શનની આશ અમારી, ગુરૂજન કેરાં વચન વિચાર્યા...

સુણી અરજ અવિનાશી પધાર્યા, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્યા સુધાર્યા....

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન "કેદાર" હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યાં...

Tuesday, September 14, 2010

ભરતજી

(ભરત નો વિલાપ)
અવળાં ઉતપત

તને કહેતાં જનનિ લજાતો, તેં અવળાં કર્યા ઉતપાતો...

ધિક ધિક કૈકેઇ ધિક તારી વાણી, શીદ ને વદિ આવી વાતો
રાજ ન માંગુ વૈભવ ત્યાગું, રામા ચરણ બસ નાતો...

જનની કેરૂં તેં બિરૂદ લજાવ્યું, કિધો નાગણ સો નાતો
પતિ વિયોગે ઝુરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો..

લક્ષ ચોરાસી જીવ ભટકતો, ત્યારે માનવ થાતો
ધિક ધિક મારા માનવ તન ને, જે દેહથી રામ દુભાતો..

એક પલક જે રામ રીઝાવે, પાવન જન થઇ જાતો
જન્મ ધરિ મેં પ્રભુજીને પૂજ્યાં, તુટ્યો કાં તોએ નાતો..

પરભવ કેરા મારા પાપ પ્રગટ્યાં, જીવ નથી કાં જાતો
ધન્ય પિતાજી રામ વિયોગે, તોડ્યો તન થી નાતો..

રામ વિરહ માં રડે ભરતજી, "કેદાર" ગૂણલા ગાતો
લેશ ન માયા ઉરમાં આણિ, હરી દર્શન નો નાતો...

દશરથ ની વ્યથા

(દશરથ રાજાની) કાકલૂદી

કેમ કુબુધ્ધિ તેં આણિ રાની,
કૌન થાકી ભરમાણી....

હે મ્રુગ નયનીકોમલ કંઠી, શીદને વદે આવી વણી
રામ વિનાની ચૌદ ઘડી પણ, ચૌદ જનમ લે જાણી...રાણી..

ગજ ગામીની કહું કામિની, અવળી કરેછે ઉઘરાણી
આંખ થી અળગો રામ થશે તો, મૂજ જીવન ધૂળ ધાણી..રાણી..

ભરત ભલે ને રાજા બનતો, માંડવી બને ભલે રાણી
રામ સીતા એનો આદર કરશે, ઉમંગ ઉરમાં આણિ..રાણી..

આવે યાદ મને અંધા અંધી ની, વિરહી વદ્યાતા જે વાણી
પુત્ર વિયોગે પ્રાણ જશે મુજ, એ અવશર ની એંધાણિ..રાણી..

રઘૂકૂલ ભૂષણ વનમાં પધાર્યા, સંગ સીતાજી શાણી
રાજા દશરથ સ્વર્ગ સિધાવ્યા, "કેદાર" કરમ ની કહણી...રાણી..

બે વચનો

(કૈકેઇ ના) બે વચનો

મને રાજ રમત માં ફસાવી, મને ભોળિ ને ભરમાવી..

સંકટ વેળા સંગે રહી ને, બની સારથિ આવી
જાણ્યો જ્યારે જીવ જોખમ માં, બગડી બાજી બનાવી...

સ્વાર્થ ભર્યો છે સ્નેહ તમારો, માનેતી કહીને મનાવી
દશ દિવસ થી નોબત વાગે, યાદ મારી કાંન આવી..

બોલ થકી છો આપ બંધાણા, રઘૂકૂળ રીત તમારી
આપો વચનો યાદ કરીને, આજ ઘાડી હવે આવી..

ભૂપ ભરત ને રામજી વનમાં, ચૌદ વરષ દે વિતાવી
જરકસી જામા પિતાંબર ત્યાગી, તરસી વેશ ધારાવી..

રૂઠી કૈકેઇ ને રાજન રડતાં, યાદ અંધોની આવી
બ્રહ્મ ના પિતાની કરૂણ કહાણી, "કેદાર" કરમે બનાવી..

Monday, September 13, 2010

ધનુષ યગ્ય

ધનુષ યગ્ય
(ધનુષ યગ્ન સમયે જ્યારે કોઇ રાજા ધનુષ ભંગ ન કરી શક્યા ત્યારે જનક રાજા ની વ્યથા)

મને સમજ પડી ગઇ સારી, મેં વિપરીત વાત વિચારી...

મેં જાણ્યુતું મહિપતી મળશે, શોભા બનશે ન્યારી
મિથિલા મારી ધન્ય બની ને, જોશે જાન જોરારી...

મૈથિલી ને મહા દુખ આપ્યું, મુખ શકું ના દેખાડી
સુનયના ને શું સમજાવું, નિમી નસીબ વિચારી...

વિર વિહીન વસુ મેં ભાળી, શું હજુ બેઠાં વિચારી
જાઓ સિધાવો વધુ ના લજાવો, -ભલે- કુંવરી રહેશે કુંવારી..

ક્રોધીત લક્ષમણ રામ રીઝાવે, વિશ્વામિત્ર વિચારી
ઉઠો રઘૂનંદન કરો ભય ભંજન, શિવ ધનુ શિશ લગારી..

હાથી જેવા હેઠાં બેઠાં, સિંહ ઝટકી કેશવાળી
પિનાક પરસી ત્યાં વિજળી વરસી, દિગ્મુઢ દુનિયા સારી..

વૈદેહી વરમાળ ધરાવે, શોભા સઘડે ન્યારી
"કેદાર" દર્શન નિત નિત પામે, સીતા રામ સંભારી...

મૈથિલી /નિમી= સીતજી

रामायण

मिथिला दर्शन

आये मिथिला नगर के मांही,
रघूकूल भूषन राम दुलारे, संगहे लक्षमन भाइ....

आइ सखियां करती बतियां, सपनेहु देखो में नाहीं
एसो बर जो मिले सीयाको, चण्द्र चन्द्रकोरी मिल जाइ...आये..

गौर बदन एक श्याम शरीरा, एक चंचल एक धीर गंभीरा
एक देखुं तो भूलजाउ दुजा, चलत नहीं चतुराइ...आये..

नर नारी सब निरखन लागे, बर बस शिश जुकाइ
सूरज चंदा संगमें निकला, पूरन कला पसरै....आये..

थाल भरी पूजा को निकली, जनक दुलारी लजाइ
नैन मिले जब मूंदली पलके, छबी निकसी नहीं जाइ.आये...

सुर सब अंबर देख सु अवसर, फ़ूल कुसुम बरसाइ
दीन "केदार" ये दिलसे निहारे, जनम मरन मिट जाइ.. आये..

Saturday, September 11, 2010

kevat

કેવટ પ્રસંગ

મેંતો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો....

ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઉતરવા, કેવટ મનમાં મુંઝારો...સીતાના સ્વામી...

મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પરથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો....સીતાના સ્વામી..

રાત વેળાએ કરતા લક્ષમણ, ન્રુપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એકજ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી...

રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તુટે ગરીબ નો ગુજારો...સીતાના સ્વામી...

શીદ ગંગાજળ શુધ્ધ ગણાતું, શીદ શુધ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી...

ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો....સીતાના સ્વામી...

આજ કિનારે બીજી ન નાવડી, અવર ઉતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગુ નહીં આપથી ઉતારો..સીતાના સ્વામી...

જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નાહિં ગંગ થી ગુજારો..સીતાના સ્વામી...

જળ ગંગાએ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહિં કરે નીર ઉધ્ધારો..સીતાના સ્વામી...

પ્રેમ પિછાણી રઘુવિર રીઝીયા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામ્રુત લઇ મેલ્યું મુખ માંહી, રોમે રોમ ઉજીયરો..સીતાના સ્વામી...

પરભવ કેરો કચ્છ કેવટ રીઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પુછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી...

આજ પ્રભુજી મને શું શું ન મળિયું, અનહદ કર્યાછે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક'દિ ઉતારો.......સીતાના સ્વામી......

આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી...

દીન "કેદાર"નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રીઝાવે, પામે એતો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી...

રામાયણ
૧૯૮૩ માં અહીંના અગ્રણી સ્વ. કાન્તીલાલ શુક્લા ના અથાગ પ્રયત્નો થી પ.પુ
મોરારી બાપુની કથાનો લાભ તેમજ બાપુના સહવાસ નો લાભ મને પ્રાપ્ત થયો, જેમ
જેમ કથા આગળ વધતી ગઇ પ્રસંગો મુજબ રચનાઓ બનતી ગઇ, જે અહીં સમય સમય પર રજુ
કરતો રહિશ.

Thursday, September 9, 2010

ma

મા

જેનો જગમાં જડે નહીં જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો....કેવિ...

મને પાપા પગલી ભરવી, પડિ આખડી મુજને બચાવી
જીવનની રાહ બતાવી....કેવિ..

જ્યાં હું આવું રોતો રોતો, થોળો સાચો થોળો ખોટો
ત્યાંતો આવે દેતી દોટો..કેવિ...

જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવિ...

ભાલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
તોએ માને મન ઘાણી ખોટો...કેવિ..

પ્રભુ "કેદાર" કરૂણા તારી, બસ એકજ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...કેવિ..

sudharo