Tuesday, March 31, 2015

એક આધાર

                  એક આધાર


એક આધાર તમારો અંબા..
જાણી નિજ બાળ સ્વીકારો, હવે મારો કે પછી તારો....

મેં પાપ કર્યાં બહુ ભારી, મતિ મૂંઢ બની’તી મારી
                       હવે આપો શુદ્ધ વિચારો.....
હું માયા માં છું ફસાયો, મદ મોહ થકી ભરમાયો
                     નથી અવર ઊગરવાનો આરો......
મેં શરણ ગ્રહ્યું છે તમારું, બીજું શું જોર છે મારું
                         શરણાગત જાણી સ્વીકારો....
તમે અધમ ઉધાર્યા ભારી, આવી ઘડી આજ છે મારી
                        કરો મુજ અધમનો ઉદ્ધારો...
માં દીન " કેદાર " ઉગારો, મુજ પાપ નો ભાર ઉતારો
                           કરે વિનંતી દાસ તમારો.....

Friday, March 27, 2015

રામ ભજ


રામ નવમી પર્વ પર રામ ભજન સાથે એક ગરબો પણ.

                    રામ ભજ

રામ રામ ભજ રામ માનવ, રામ રામ ભજ રામ
મિથ્યા જગત નું કામ માનવ, રામ રામ ભજ રામ...
લખ ચોરાશી જીવન જીવ્યો, પામ્યો નહિ વિશ્રામ
આજ મળ્યો છે દેહ અમૂલો, રટીલે રાધે શ્યામ...
માત પિતા સુત નારી વહાલી, ધન દોલત ની માયા નિરાળી
શીદને ફસાતો ફોગટ નાતે, સાચો સગો ઘનશ્યામ...
રામ ભજન માં લીન બની જા, સકળ જગત ની માયા ભૂલી જા
હરિ સમરણ નું ભાતું ભરી જા, સ્વર્ગ મળે સુખ ધામ...
અવસર આવો ફેર ન આવે, શાને ફોગટ ફેરો ઘુમાવે
ધન દોલત તારી સાથ ન આવે, છોડ કપટ ના કામ...
દીન " કેદાર " પર દયા દરશાવો, રઘુવીર મારે હ્રિદયે આવો
હર પલ હરિ નું ગાન કરાવો, રટું નિરંતર નામ...

                         ગરબો 

                         ઉમંગ ભર નાચો


આવી આજે નવરંગ રાત, ઉમંગ ભર નાચો રે
સરખી સાહેલીઓની સાથ, રંગ ભર રાચો રે....
વ્રુજ માં રૂડિ વાંસળી વાગી, સૂર મધુર સંભળાયા
ગોપ ગોવાલણ નાદ સુણીને, ભાવ થકી ભરમાયા
નર નારી સૌ ભાન ભૂલી ને, ભૂલ્યા સઘળા કાજ...
રાખી ચરણ વાંકો વેણું વગાડે, રંગ ભર રાસ રચાવે
અધર કમલ પર ધરી મુરલીયાં, સૂર મધુર સંભળાવે
મોર મુકુટ પીતાંબર શોભે, શોભે છે સઘળા સાજ...
ગોપી નાચે ગૌધન નાચે, નાચે વ્રુજ ની નારી
ગિરિ કૈલાસે ગંગાધર નાચે, ભુજંગ નાચે ભારી
જલચર સ્થલચર નભચર નાચે, નાચે છે યમુના આજ...
કાળો કાળો કાનુડો રાધા રૂપાળી, જોડી અનેરી જાણી
શ્યામ સુંદર ના દર્શન કરતાં, સુંદર તા શરમાણી
રંગે રમતાં ગોપી રિસાણી, રમો ને અમ સંગ રાસ...
એક એક રાધા એક એક કાનો, માયા માધવ કિધી
કોઈ ન જાણે ભેદ ભૂધરા નો, પ્રેમે પાગલ કરી દીધી
દીન " કેદાર " નો ક્રિષ્ણ કનૈયો, રાસે રમતો આજ...

Thursday, March 26, 2015

ગરબો સપનું.



આજે ગરબા સાથે આવતી કાલની રામ નવમીના પ્રસંગ પર એક રામ ભજન પણ સામેલ કરુંછું  

ગરબો               સપનું.


મને સપનું લાધ્યું સલૂણું, વાગી જાણે વ્રજ માં વેણુ... મને...

નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઊઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઈ વીનવે, અંબા વિનાનું ઊણું ઊણું.. મને...

સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શક્યો નહીં નેહ જનની નો
સંગે લઈ ને સરવે સાહેલીઓ, આવી અંબા સહે ન મહેણું.... મને...

અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઊમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણું કૂણું.. મને..

ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન " કેદાર " પર દયા દરશાવી, રજની મુંગી ને વાગે વેણું...મને... 

                           રાજા રામ

રામ રામ રાજા રામ, ભાવે ભજન કરો સીતા રામ...

રામ નામનો મહિમા મોટો, સકળ જગત નો નાતો ખોટો
                                 અંતે આવે એક જ કામ...

ધન દોલત તારી કામ ન આવે,માયા ઠગારી મન લલચાવે
                                 અંત એળા વિસરાવે રામ...

રામ નામથી નાતો રાખો, હરપળ હરિ ના રસ ને ચાખો
                             અંત સમય મુખ આવે રામ...

અંત સમય જો હરિ મુખ આવે, યમદૂતો ના ભય ને ભુલાવે
                                  લક્ષ ચોરાશી છોડાવે રામ...

હરતાં ફરતાં ભૂધર ભજવાં, શ્વાસે શ્વાસે સમરણ કરવાં
                           રાખી હૃદય રઘુનાથ નું નામ...

દીન " કેદાર " ની એક જ અરજી, હૈયે હરદમ રાખો હરજી
                              શાને ન પાર ઉતારે રામ...

Wednesday, March 25, 2015

ગરબો નોરતાં ની રાત

                         ગરબો                   નોરતાં ની રાત


આવી આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં
ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા...

આશાપૂરા માં મઢ થી પધાર્યાં,   આવી ને માંએ મારાં ભાગ્ય જગાડ્યાં
                                                 હૈયે મારે હરખ ન માય...

સોળે શણગાર માં ને અંગે શોભે,   રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે
                                        મુખડું માં નુ મલક મલક થાય...

ભાવ જોઇ ને ભક્ત જનો નો,  છૂપી શક્યો નહિ નેહ જનની નો
                                     અંબા માં ગરબા માં જોડાય...

ગોરું ગોરું મુખ માં નું ગરબો ઝિલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે
                                                 તાલી દેતી ત્રિતાલ...

દીન " કેદાર " ની માં દેવી દયાળી,  દેજે માં ભક્તિ તારી ભાવથી ભરેલી 
                                                રમશું ને ગાશું સારી રાત...

Tuesday, March 24, 2015

ગરબો કચ્છ ધણિયાણી

                        ગરબો
         
                 કચ્છ ધણિયાણી


આશાપૂરા જાણી તને કચ્છ ધણિયાણી
પૂરજે માં મારી આશા, મને તારા દર્શન ની અભીલાષા...

બાલુડો તારો ગરબા ગવડાવે, ભક્ત જનો ને ભાવ થી રમાડે
ભક્તિ ની શક્તિ આપો ભુવનેશ્વરી, મને અવિરત રટણ ની આશા....

કોઈ કહે અંબા કોઈ અંબિકા, આરાસુરી કે બહુચર ચંડિકા
અગણિત નામ તારા કેમ ગણાવું, પુત્ર ને શું નામ ની પિપાસા..

ભક્તો તમારાં પગપાળા ચાલતા, માડી ના નામ થી વગડો ગુંજાવતા
ભૂખ તરસ નું ધ્યાન ન લાવે,   તારી પાળે પહોંચવા ને પ્યાસા...

આપ્યું અધિક તેં માંગુ શું માવડી, કૃપા કરી છે તેં રંક પર આવડી
દીન " કેદાર " પર દયા દર્શાવી,    આવી ના જીવન માં નિરાશા...

Monday, March 23, 2015

માં ના નોરતાં

                    માં ના નોરતાં


માથે મેલી ગરબો ને, સોળે સજ્યો શણગાર
સાહેલી સૌ સંગે મળીને, હૈયે હરખ ન માય
                આવ્યાં છે માના રૂડાં નોરતાં...

લીપ્યું ગોપ્યું આંગણિયું ને ગંગાજળ છંટકાવ
રંગ બે રંગી પુરી રંગોળી, ભર્યાં ભક્તિ ના ભાવ....આવ્યા છે..

સાગ સીસમ ની ગરબી બનાવી, કીધાં દીપ અપાર
આસોપાલવ તોરણ બાંધ્યા, ઝાલર નો ઝણકાર...આવ્યા છે...

શેરીએ શેરીએ સાદ પડાવ્યો, આવો રમવા રાસ
માં અંબાના દર્શન કેરી,       રાખી હૃદયે આશ...આવ્યા છે..

ઢોલ નગારાં નોબત વાગે, શરણાઈ કેરા સૂર
સાહેલી સૌ ગરબે ઘૂમતી, ઊમટ્યા હરખ ના પુર...આવ્યા છે..

અંબા માં એ ગબ્બર ગોખે, સાંભળ્યા શુભ નાદ
અમૃત ઝરતી આંખે અંબા,     દેતી હરખે દાદ...આવ્યા છે...

સાહેલી સૌ માંને મનાવે, ચાલો રમવા જઈ એ
ભોળા બાલુડા ભાવે રમે છે, દર્શન લહાવા દઇંએ...આવ્યા છે...

અંબા અંબિકા અંબાલિકા, ગરબે રમવા આવે
હરખે માતા આશિષ આપે, " કેદાર " ગુણલા ગાવે...આવ્યાં છે...

Sunday, March 22, 2015

ગરબો ગુણ ગાન

                                 ગરબો
                               ગુણ ગાન

ઢાળ: જારે જારે ઓ કાલે બદરવા-ગીત જેવો

મારે અંબા ના ગુણલા ગાવા છે, મારા હૈયા માં આજ આ ઉધામા છે..

સજી ધજી ને આવ્યો ચાંચર ના ચોક માં, ગરબો જામ્યો છે જ્યાં ભક્ત ગણ લોક માં
                                                 મારે જાપ જગદંબા ના જપવા છે...

ઢોલ નગારા ના ધબકારે ધબકારે,   હૈયું મારું માડી ના નામ પોકારે,
                                      મારે ગુણલા ગૌરી કેરા ગાવા છે..

હેતે ભીંજાવું મારે ભક્તિ ના રંગ માં, સપના જોવા કે રમુ અંબા ના સંગ માં
                                           મારે લેવા જીવન ના લહાવા છે...

આશા કરૂં છું માડી એક તમારી, ગાતા ગુણ ગાન વીતે જિંદગી આ મારી
                                          મારે હ્રદયે રાજેશ્વરી ને ધરવા છે...

દીન " કેદાર " ની દેવી દયાળી,  ભક્તિ જગાડે તારી મૂર્તિ રૂપાળી
                                           મારે દિન દિન દર્શન કરવા છે...

Friday, March 20, 2015

કચ્છ ની ધરતી

                    કચ્છ ની ધરતી


સાખી:-સરસ્વતી શ્વર દીજીએં, લક્ષમી દે શુભ ધન
        અંબા અભય પદ દીજીએં, સદા કરૂં હું નમન..

કચ્છ કેરી ધરતી માથે ગરબા ગવાય છે, 
જામે રૂડિ ગરબી જોવા દેવીઓ લોભાય છે..

માતા ના મઢ થી મા આશાપૂરા આવીયા, 
રવ છોડી ને રવેચી માં સંગે પધારીયા
જોગણી માં નો રંગ અનેરો, સાંભળ્યો છે સ્વર ઘેરો ઘેરો,
    સ્વર સુણી ને માડી મારી, જોવા લલચાય છે...જામે..

ગબ્બર ના ગોખ થી અંબામાં આવીયા
ચોટીલા વાળી ચંડી સંગે પધારીયા
માટેલ છોડી ખોડલ આવી, શંખલપુર થી બહુચર આવી
         પાવાગઢ વાળી કાળી સંગ માં જોડાય છે..જામે..

રાણી રાધિકા આજ રૂસણે ભરાયા
રમી રમી ને રાસ કાના મનડા ધરાયા
જઈશું હવે ગરબો જોવા, નહિં અમૂલખ લહાવા ખોવા
                     રાણી રાધિકા સંગે રુક્ષમણા જોડાય છે..જામે..   

ઇંદ્ર ઇંદ્રાણી બ્રહ્મા ને બ્રહ્માણી
આવી આકાશ સૌ રહ્યાં રંગત માણી
શોભા બની આજ અનેરી, ભુલ્યા વાયુ દેવ હેરા ફેરી
                   ભાળી રંગત ગરબા કેરી સ્વર્ગ સરમાય છે.. જામે..

ઢોલ નગારાં નોબત વાગે 
શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
ઝાલર વાગે ઝમક ઝમક, ચાલે દેવી ઠંમક ઠંમક
            ગરબો " કેદાર " ગાય ઘેલો ઘેલો થાય છે..જામે..

Thursday, March 19, 2015

ગરબો.

                           ગરબો.        

મિત્રો અને ભક્તિ પ્રેમી સ્નેહીઓ, કાલથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત, માંના નવલાં નોરતાં, આજથી નવ દિવસ માંનો નવો નવો ગરબો જે મા ની અસીમ કૃપાથી મારા દ્વારા રચાયા છે તે અહીં રજૂ કરતા રહેવાની કોશિશ કરતો રહીશ.
       

                      ગૌરી નો લાલો

ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં, ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો,   ગણ નાયક ભગવાન... 

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો,  ગણ ઈશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારું,  તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન કેદાર જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Wednesday, March 18, 2015

ભક્ત બોડાણો

                            ભક્ત બોડાણો               



ઢાળ:- કીડી બાઈ ની જાન ને મળતો.

ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે,  રાખે  ભક્તો ની નેમ.  પણ બધા એ એના પાળતો, રાખે બાળક ની જેમ
                                                                        ભોળા ભક્તો નો ભગવાન છે..

ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક.  પૂનમે દ્વારિકા આવતો, નહી કરતો મીનમેખ
                                                                દર્શન કરવાની એને નેમ છે..

ઘણા વખત ના વાણા વાયા,  નહી તોડેલી ટેક.  પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
                                                                              પહોંચી જરાની હવે પીડ છે..

આવતી પૂનમે કેમ પહોંચાશે, લાગે છેલ્લી છે ખેપ.  સાંભળો અરજ મારી શામળા,  કરૂં વિનંતી હરિ એક
                                                                                 તારે ભરોંસે મારી નાવ છે...

કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય.  દેહ પડે જો તારે દેવળે,    માન મારું રહી જાય
                                                                                  દોરી તમારે હાથ છે..

દોડી દામોદર આવ્યાં રે,  ઝાલ્યો બોડાણા નો હાથ.  રહું સદા તારા સંગ માં,   કદી છોડું નહી સાથ
                                                                               ભક્ત થકી ભગવાન છે..

ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ.  ગૂગળી ગામમાં ગોતતા,  ક્યાં છે દ્વારિકા નો નાથ 
                                                                             નક્કી બોડાણા નો હાથ છે...

વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણા ને વાત.  મૂકીદે મુજને વાવમાં, પછી આવે છે રાત
                                                                          તારો ને મારો સંગ છે..

ગોતી ગોતી ને ગયા ગૂગળી રે, નહી મળ્યા મહારાજ.  ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
                                                                                છોડ્યા સૌ રાજ ને પાટ છે..

જાણી સૌ ગૂગળી આવ્યાં રે, આવ્યાં ડાકોર મોજાર.  આપો અમારો ભૂધરો,   કીધાં આવી પોકાર 
                                                                        બોડાણો દ્વારિકા નો ચોર છે..

નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ.  કહ્યું કાનુડા નું મેં કર્યું,      ગુનો મારો નહી લેશ
                                                                                     ખોટું તમારું આળ છે..

જાણી બોડાણા ને દૂબળો રે, રાખે ગૂગળી વિચાર.  હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
                                                                     પ્રભુ ભજવાની જો હામ છે..

કહે કાનુડો કાનમાં રે,   રાખ વાળી સંગાથ.  તુલસી નું પાન પધરાવજે,  નહી નમે તારો નાથ
                                                                      તારી તે લાજ મારે હાથ છે..

તુલે તુલા ની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય.  ગૂગળી પડ્યા હરિ પાય માં,   પ્રભુ છોડું નહી તોય
                                                                                     એક તમારો આધાર છે..

એક પૂજામાં આવું દ્વારિકા,  એક ડાકોર મોઝાર.  આપ્યું વચન વનમાળી એ, ગુણ ગાતો " કેદાર "
                                                                        ધન્ય બોડાણા તારી ટેક છે..
વિરક્ત= વિષયવાસના રહિત

સાર-ડાકોરમાં બોડાણા નામે એક ભક્ત થઈગયા, કહેવાયછે કે આગલાં જન્મની અંદર તેઓ વિજયાનંદ નામે બાળ કૃષ્ણના સખા હતા, કોઈ કારણસર તેઓ ભગવાનથી રિસાઈ ગયેલા, ભગવાને પોતાના સાચા રૂપનું દર્શન કરાવ્યું ત્યારે વિજયાનંદે હાથ જોડીને કૃષ્ણની ભક્તિ આપવાની માંગ કરી ત્યારે ભગવાને આગલાં જન્મની અંદર મહાન ભક્ત બનીને જન્મ લેશે અને મોક્ષ પામશે એવું વચન આપ્યું.

ભગવાને આપેલ વચન મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોર ગામ માં વિજયસિંહ [કે વજેસંગ] બોડાણાનાં નામે રાજપૂત કુળમાં થયો. તેમના પત્ની નું નામ ગંગાબાઇ હતું. સમય જતાં આગલાં ભવના સંસ્કારે મન ભક્તિ તરફ વળવા લાગ્યું. ધીરે ધીરે દર અષાઢી ૧૧ ના દ્વારિકા જવા રવાના થાય અને કાર્તિકી પુનમે પહોંચે, હાથમાં જવારા/ કે તુલસી વાવેલું કુંડું લે, અને પગ પાળા નીકળી પડે. એમ કરતાં કરતાં ૬૦ વર્ષ વિત્યા ત્યાં સુધી આ નિયમ જાળવી રાખ્યો, પણ ધીરે ધીરે શરીર સુકાવા લાગ્યું, સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬,ની આ વાત, હવે તો ઉંમર પણ ૮૦ વર્ષ થઈ ગઈ હતી, આ વખતની ખેપ છેલ્લી સમજીને બોડાણાએ ભગવાનને પ્રાર્થના કરી કે નાથ, હવે ચલાતું નથી, બસ એક વખત તારા દર્શન કરી લઉં પછી માફ કરજે, હવે મારાથી અવાશે નહીં. પણ ભગવાન એમ ભક્તની ટેક અધુરી રહેવાદે? પ્રભુએ બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે બોડાણા, આ વખતે બળદ ગાડું લઈને આવજે, પણ બળદ કે ગાડું ક્યાં? મહા મહેનતે લોકોને સમજાવીને ગાડાની વ્યવસ્થા કરી.

જેમ તેમ બોડાણા દ્વારિકા પહોંચ્યા. થાક્યા પાક્યા રાત્રે દર્શન કરીને પોઢ્યા ત્યાં ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે"ભક્ત ઊભો થા, મંદિરમાં પધરાવેલી મારી મૂર્તિ લઈને તારા ગાડામાં પધરાવીદે, મારે તારી સાથે ડાકોર આવવુંછે, અને જલદીથી રવાના થઈજા" પણ અહીંતો મંદિરમાં પહેરો હોય? મૂર્તિ કેમ લેવી? પણ ભગવાન પોતે જેને સહાય કરે તેને શું નડે? મંદિરના દ્વાર ખુલ્લાં પડેલા, બોડાણા દ્વારકેશના ભરોંસે મૂર્તિ ગાડામાં પધરાવી ને રવાના થઈ ગયો.  

સવાર થતાં મંગળા આરતી વખતે ભગવાન ની મૂર્તિ ન જોતાં પૂજારી ગૂગળી બ્રાહ્મણો શોધ ખોળ કરવા લાગ્યા, તપાસ કરતાં દરેક વખતે હાજર રહેતા બોડાણાની ગેરહાજરી જોતાં તેના પર શક ગયો. મંદિરમાં રહેતાં રખેવાળો સાથે બોડાણાની ભાળ લેવા તેની પાછળ દોડ્યા, અશક્ત બળદો કેટલું ભાગે? ઉમરેઠ ગામ નજીક જતાં એક વાવ આવેછે, ભગવાને બોડાણાને કહ્યું કે ભક્ત મને આ વાવ માં મૂકીદે, [ભગવાને બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું તેતો ઘણા ભક્તો સાથે બન્યું છે, પણ અહિં જાગ્રત બોડાણાને કેમ કહ્યું હશે? એની લીલા એ જાણે] આમ ભગવાનને વાવમાં પધરાવી દીધા. ગૂગળી તપાસ કરીને નિરાસ વદને પાછાં ફર્યા. આજ પણ એ વાવની પાળે ઊભેલા લીંબડાની એક ડાળ મીઠી છે એમ કહેછે. 

બોડાણાને જવાતો દીધા, પણ ગૂગળી લોકોને શંકાતો હતીજ તેથી અમુક ગુપ્તચરને તેની પાછળ મોકલ્યા. બોડાણાએ ઘરે આવીને પોતાના સામર્થ્ય મુજબ ભગવાનની સેવા પૂજા કરીની પધરામણી કરી. ગુપ્તચરોએ આવીને આ સમાચાર ગૂગળીઓને આપ્યા ત્યારે બધા મંદિરના રખેવાળોના કાફલા સાથે ડાકોર આવી પહોંચ્યા, અને તે વખતે જે કોઈ આગેવાનો કે ગામના સત્તાધીશો હશે તેને ફરિયાદ કરી કે આ તમારો બોડાણો અમારા ભગવાનને ચોરી લાવ્યોછે.     

સર્વે સત્તાધીશોએ કહ્યું કે અમો બોડાણાને બચપણથી જાણીએ છીએ, તે ચોરી ન કરે, બોડાણાએ પણ બનેલી ઘટના કહી સંભળાવી, પણ ગૂગળી માનવા તૈયાર ન થયા, પછી બોડાણાની આર્થિક સ્થિતિ જોતાં ગૂગલી લોકોએ એક શર્ત રાખી કે જો બોડાણા પર ભગવાન આટલા ખુશ હોય તો બોડાણો અમને આ મૂર્તિની ભારો ભાર સોનું આપીદે તો અમો સાચું માની લઈએ અને જતા રહીએ.

બોડાણા પાંસેતો ફૂટી કોડી પણ ન હતી, પણ આતો દ્વારિકાધીશ, ગંગાબાઈ પાસે એક સોનાની વાળી કેમે કરીને રહી ગયેલી, ભગવાને પ્રેરણા કરીને ગૂગળી લોકોની શર્ત બોડાણાએ માન્ય રાખી,

ગામના ચોકમાં બધા જોવા ભેગા થઈ ગયા કે હવે શું થાશે? ત્રાજવા મંગાવવામાં આવ્યા, તેમાં એક બાજુ ભગવાનની મૂર્તિ પધરાવી અને બીજી બાજુ ગંગાબાઈની વાળી, પણ તલભાર મૂર્તિ વાળું ત્રાજવું નમતું રહ્યું, ગૂગલી લોકો સમજી તો ગયા કે આ ઈશ્વરનો ચમત્કારજ છે, પણ ભગવાનને છોડવા ન માંગતા ગૂગળીઓ માટે આ એક બહાનું હતું કે મૂર્તિ હજુ નમતી છે, ત્યારે ભગવાને ફરી બોડાણાને પ્રેરણા કરી અને બોડાણાએ કહ્યું કે ભૂદેવો, બ્રાહ્મણોને દક્ષિણા આપતી વખતે સાથે તુલસી પત્ર પણ પધરાવવું પડે, જ્યાં સોનાની વાળી સાથે તુલસીનું પત્ર પધરાવ્યું ત્યાંતો જાણે ચમત્કાર થયો, બન્ને છાબડા સમાંતર થઈ ગયા, સર્વે સભાજનોએ બોડાણા અને દ્રારિકાનાથનો જય જય કાર બોલાવ્યો.

ગૂગળી બ્રાહ્મણો પ્રભુના ચરણમાં આળોટી પડ્યા કે નાથ અમારો શો ગુનો?  બોડાણાને તો આપે ધન્ય કર્યો પણ અમો આપ વિના કેમ રહી શકીએ? ત્યારે ભગવાને ગૂગળી બ્રાહ્મણોને વચન આપ્યું કે ગોમતી નદીમાં તપાસ કરજો ત્યાં તમને મારી મૂર્તિ મળી આવશે, તેને મંદિરમાં પધરાવીને તમો પૂજા કરજો.

પણ બ્રાહ્મણો માન્યા નહીં, કે પ્રભુ આપ અહિં બિરાજો તો ખાલી મૂર્તિની પૂજા કરવાથી શો ફાયદો? ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વચન આપ્યું કે હું એક પૂજામાં દ્વારિકા રહીશ અને એક પૂજામાં બોડાણા પાસે ડાકોરમાં. આજે પણ કહેવાય છે કે દ્વારિકા અને ડાકોરમાં એક પૂજામાં મૂર્તિમાં તેજ લાગે અને એક પૂજામાં થોડું ઓછું તેજ લાગે, જોકે આતો કોઈ વિરલા ભ્ક્તોને જ ખબર પડતી હશે.

જય રણછોડ.
જય જય ભક્ત બોડાણા   

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Tuesday, March 17, 2015

કાનજી કાળા

                    કાનજી કાળા


ઢાળ:- રાગ પ્રભાતી જેવો

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે...

રામ બાની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે...

એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબી ના વચને રાણી સીતા ને, કષ્ટ દીધાં બહુ ભારી રે...

કૃષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે
છોગાળા ને તું છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે...

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે...

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે...

" કેદાર " કપટ એક કાન કરી દે,  મુજ પાપી ને પાર કરી દે
જગત બધાને જાણ કરી દે,    તું અધમ નો પણ ઉદ્ધારી રે... 

Monday, March 16, 2015

દુવિધા

                    દુવિધા


કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
                            ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
                          ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ,  પાર્થ ને પઢાવ્યા
                        પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ,  ઈંડા ને ઉગાર્યા
                        પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
                         તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

" કેદાર " કનૈયા તારી,   લીલા ને શું જાણશે
                             મથી મથી મનડા ને મૂંઝાવે..

સાર-ભક્તો ઈશ્વરની આરાધના તો અનેક પ્રકારે કરતાજ હોય છે, પણ માનવી અલગ અલગ ભગવાન ને અલગ અલગ રીતે ભજતો હોય છે. કોઈ દેવાધી દેવ શિવ ને ભજે, કોઈ પૂર્ણ પુરુષોત્તમ રામ ને ભજે, એજ રીતે વૈશ્નવો અને ગોપીઓ કૃષ્ણને ભજે છે, પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરે છે કાના પર, છતાં કૃષ્ણ તો સોળ કળાના છે ને? અનેક કાવા દાવા કરે, અનેક ખેલ જાણે, રાસ પણ રમાડે અને યુદ્ધ પણ કરે, એનો કોઈ ભરોંસો થાય નહીં, કારણ કે એ કદમ ના જાડ પર ચડી ને ગોપીઓના વસ્ત્રો નુ હરણ પણ કરે, અને જ્યારે પાંચાળી પોકાર કરે ત્યારે અખૂટ વસ્ત્રો નો ભંડાર પણ હાજર કરીદે.
કુરુક્ષેત્રમાં અર્જુન ને વિરાટ રૂપ બતાવીને ગીતાના જ્ઞાન આપે અને યુદ્ધના નિયમો પણ સમજાવે. યુદ્ધ ભૂમિમાં ટિટોડીના ઈંડાને હાથીના ગળે લટકતો ઘંટ ઢાંકીને ઊગારનાર કાળયવન ને કપટથી મરાવી પણ શકે. જ્યારે કાળયવન નામનો યવન યાદવો સાથે ભયંકર યુદ્ધ કરતો હતો, કૃષ્ણ ને લાગ્યું કે આ યવન સીધી રીતે હાર પામશે નહીં, ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગવા ભાગ્યા છે એવો દેખાવ કરીને એક ગુફામાં સંતાઈ ગયા, એ ગુફામાં મુચકુંદ નામનો રાજા સૂતો હતો, કૃષ્ણ ભગવાને પોતાનું વસ્ત્ર તેના પર ઓઢાડી દીધું, કાળયવન સમજ્યો કે કૃષ્ણ ઢોંગ કરીને સુતા છે, તેથી તેણે મુચકુંદ રાજાને લાત મારી, મુચકુંદ રાજાએ  ક્રોધ ભરેલી દ્ગષ્ટિથી જોયું. મુચકુંદના કોપાગ્નિથી કાલયવન તરત જ બળીને ભસ્મ થઈ ગયો. જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ થયું ત્યારે હરેક રણ નિતી જાણનાર કૃષ્ણ ને રણ માંથી ભાગવું પણ પડેલું, અને તેથી તેઓ રણછોડ કહેવાયા. 
સમગ્ર સૃષ્ટિ નું સર્જન કરનાર, અને "દૃષ્ટિ વિલાય, સૃષ્ટિ લય હોઈ" જેની ફક્ત આંખ ત્રાંસી થાય ત્યાં સમગ્ર સૃષ્ટિ ઓગળીને નાશ પામે એવા કૃષ્ણે પોતાના માટેજ સ્થાપિત કરેલી સોને મઢેલી દ્વારિકા નગરી ને સમુદ્ર ડુબાવી શકે ખરો?
આ છે નટખટ નંદલાલ, માખણ ચોર, ગોપીઓ ની મટકી ફોડનારો, ગાયો ચરાવનાર, રાસ રચયિતા, રમણગર, બલી રાજાનો પહેરેદાર, અને પાર્થ નો સારથી, વિરાટ ભગવાન કૃષ્ણ, એની લીલાને મારા જેવો પામર પ્રાણી શું સમજી શકે?
બસ બોલો જય શ્રી કૃષ્ણ.        

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Sunday, March 15, 2015

કોણ પરખે ?

                        કોણ પરખે ?


કોઈ પરખી શકે પરમેશ્વર ને, એ તો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શીશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્તંભ ફાડી ને
એ તો પાપ વધ્યંતું પૃથ્વી ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

શબરી સુગ્રિવ ને કેવટ ની, આરધ અવધેશે ઉરમાં ધરી
પ્રભુ ચૌદ વરસ વનમાં વિચર્યા, આમાં કૈકેયી નું કૌભાંડ નથી...

આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,   મોહન માયા થી દૂર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝેર મીરા ના પી જાણ્યા, " કેદાર " શું તારો દાસ નથી ?...

સાર:- ઈશ્વરની લીલાને પામવી અતિ કઠિન છે, જે ભલ ભલા ભક્તો પણ પામી શકતા નથી તો સામાન્ય માનવીની તો કોઈ હેસિયતજ નથી, પણ કોઇ ભક્ત જો ભાવ સહિત ભક્તિ કરે તો તેને સમજવો જરાય અઘરો નથી.
૧-રાવણ, આજકાલ મારા મસ્તક પર "દેવાધિદેવ મહાદેવ" છવાયેલા રહેછે કારણ કે એ નામની ધારાવાહિક ખૂબ સારી રીતે ચાલી રહીછે, રાવણે એ હદે શિવની તપસ્યા કરી કે એક વખત તો તેણે શિવજીને પોતાના દશ મસ્તક એક પછી એક ભગવાન પર ચડાવી દીધાં અને તેથીજ તે દશાનન કહેવાયો અને શિવજીનો મહાન ભક્ત બની ગયો. પણ તેણે અભિમાનમાં આવીને ભગવાનના ભક્ત વિભીષણ કે જે પોતાનો નાનો ભાઈ હતો તેને લાત મારી દીધી, {જે અહિં મારો કહેવાનો મતલબ છે તે} તેથી રામે રાવણ શિવજીનો પરમ ભક્ત હોવા છતાં તેનો વધ કર્યો. બાકી સીતાજીને છોડાવવા માટે એકલા હનુમાનજી જ પૂરતા હતા.
૨-ભગવાન હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કરીને સ્તંભ માંથી પ્રગટ થયા, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ નો ભાર વઘી જાય ત્યારે ભગવાન કોઇ ને કોઇ રૂપે પાપનો નાસ કરવા પ્રગટ થતા હોય છે, આ બધા કારણો માટેજ ભગવાન નરસિંહ રૂપ ધરીને પધાર્યા ફક્ત પ્રહલાદપરજ ઉપકાર કર્યો એવું નથી.
૩-ભગવાન રામની રાજ્યાભિષેકની તૈયારી થવા લાગી ત્યારે શ્રી રામ કૈકેઇ માતા પાસે જઈને એક ગૂઢ ચર્ચા કરીને માતાને પોતા માટે વનવાસ અને ભરત માટે રાજગાદી પિતાજી પાસે માંગવા મનાવી લેછે,- લાંબી વાત ક્યારેક-ભગવાન રામ અનેક સંતો મહંતો અને ભક્તોના દુખ દૂર કરવા માટે ચૌદ વરસ મટે વનમાં પધારેલા, આમાં કૈકયીનું વચનજ ફક્ત કારણભૂત ન હતું.
૪-ભગવાન ગીતામાં અર્જુનને અનેક રીતે સમજાવેછે કે હે અર્જુન આ બધી મારી માયા છે, અહિં કોઇ તારા સગા નથી કોઇ વડીલ નથી બધાજ માયાના ખેલ છે માટે મોહ તજીને યુદ્ધ કર,પણ એજ ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે માતા યશોદા યાદ આવેછે ત્યારે ત્યારે આડી પડેછે, તો ત્યારે કઈ માયા પ્રભુને રડાવે છે?.
૫-હે મોહન આપે સુરદાસજી, સુદામાજી, મીરાં અને નરસી મહેતા જેવા કંઈક ભક્તોને પાર લગાડી દીધા, હું તો તેમના ચરણોની રજ પણ નથી, પણ તારું નામતો જપુંછુંને? તો તારે થોડી ઘણી તો દયા કરવીજ પડશે.

જય નારાયણ. 
ફોટો ગુગલના સહયોગથી.

Friday, March 13, 2015

ગોવિંદ ગાન

                       ગોવિંદ ગાન


ગોવિંદ ગોવિંદ બોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ
અવસર આ અણમોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ...

ગોવિંદ ગોવિંદ ગાન કરીલે, જનમ જનમ નું ભાતું ભરી લે 
                               એક અમૂલખ બોલ માનવ...

ગોવિંદ ગોવિંદ રટતાં રટતાં, મોહ માયાના વાદળ હટતાં
                              માયા છે મોટી પોલ માનવ...

ગોવિંદ નામે નાગર નાચે, વિપત વેળા જદુરાય ને જાચે
                           પાળ્યાં છે સઘડાં કોલ માનવ...

ગોવિંદ ગોવિંદ જાપ જપિ લે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે
                             સ્વર્ગ મળે અણમોલ માનવ...

ગોવિંદ ગોવિંદ ગાન જે કરશે, ભાવ ધરી ભગવાન જે ભજશે
                               એજ માનવ ના મોલ માનવ...

દીન " કેદાર " પર કરુણા કરજો, જીવન ભર પ્રભુ હૃદયે રમજો
                                    બોલું તમારા બોલ માનવ...

ફોટો-ગુગલ ના સહયોગથી

Thursday, March 12, 2015

પ્રભુની મહેર

                   પ્રભુની મહેર


પ્રભુજી તારી મુજ પર મહેર ઘણી,
માનવ કેરો દેહ  મળ્યો મને, ધન્ય ધન્ય ધરણિ ધણી...

ખબર નથી હું ક્યાં ક્યાં ભટક્યો, યોની ન જાય ગણી
જીવ જંતુ કે કીડી મકોડી,  અનહદ તુચ્છ ઘણી...

લખ ચોરાસી જીવ રગડાયો , સુખ નહીં સોઈ ની અણી
નારાયણ ની નજરું પડી ગઈ, મેં તો કદિ’એ ન ભક્તિ ભણી...

દેવો ને પણ દુર્લભ એવી, કાયા મળી મનખા તણી
અમૂલખ અવસર લાધ્યો આ મુજને,  આપ્યો ગરીબ ગણી... 

શ્વાસે શ્વાસે પ્રભુ સ્મરણ કરું હું, રટણા રામ તણી
સુમતિ આપો હરી સન્મુખ ભાળું,  ભટકું ન ભ્રમણા ભણી...

રંગે ચંગે હું આવું તારે દ્વારે, એવી આશા મનમાં ઘણી
"કેદાર" કરજો કૃપા કરુણાકર દેજો, રજ તવ ચરણો તણી...  

ફોટો-ગુગલ ના સહયોગ થી

Wednesday, March 11, 2015

પ્રાર્થના

પ્રાર્થના

ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,   રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક " કેદાર " ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

ફોટો ગુગલના સૌજન્યથી.

Tuesday, March 10, 2015

"હું" કાર

             "હું" કાર


ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો.

સાખી
વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો, આમાં ક્યાં "હું" નો વિસ્તાર..

શાને ધરે હું કાર તું ધન નો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે,  નાશ થશે તુજ તન નો..

અવિનાશી ની અધિક કૃપા થી,  માનવ દેહ મળ્યો છે તને..
આવ્યાં જેને જેને યમના તેડા,  જઈ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડશે ત્યારે,   સારા નરસા કરમ નો......શાને..

કોઈ ને ચિત્તા મળે ચંદન ની,  કોઈ બળે બાવળીએ..
જાવું અંતે અંગ ઉઘાડે,  જણ્યો જેવો માવડીએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિ નો..
સમય પારખ પામર પ્રાણી,  નહિ વિશ્વાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..

અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકાવવા પડશે  એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઈ ચકડોળે ચડશે..
" કેદાર "કરીલે પૂજા એવી,    પ્રેમ રહે પ્રીતમ  નો....

સાર:-જો આ શરીર વાયુ/અજ્ઞિ/અવકાશ અને માટી તેમજ જળમાંથી બનેલું છે. તો પછી આમાં "હું" ક્યાં છે? અને એ પણ ખબર નથી કે આ નશ્વર શરીર ક્યારે માટીમાં મળી જશે? આતો ઉપર વાળએ મહેરબાની કરીને ભજન કરવા માટે માનવ શરીર આપ્યું છે, જેવા કર્મો કરશો તેવું પામશો, કોઈ કોઈ ખોળિયું ચંદનના લાકડાથી ધૂપ દીપ ના ભપકા અને હજારો લોકોની ભીડ સાથે શ્મશાન યાત્રા માં જઈને બળેછે, તો કોઈ જ્યાં ત્યાં બાવળના ઠૂંઠા માં એકલ દોકલ ની હાજરીમાં સળગાવી નાંખવામાં આવેછે.

"હું કરૂં હું કરૂં એજ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે" ઘણા લોકોને આવો વહેમ હોયછે કે જો હું ન હોત તો આ કાર્ય થાતજ નહીં, પણ આ પામર જીવને ખબર નથી કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા જતા રહ્યા તો પણ આ સંસાર ચાલે છે. રાવણ મહા વિદ્વાન, શિવજીનો અનન્ય ભક્ત, શાસ્ત્રોનો જ્ઞાતા, વેદોનો જાણકાર, એક સમય એવો આવ્યો કે ભગવાન મહાદેવ શિવજી કૈલાસ પર બિરાજમાન હતા તો પણ તેણે મહાદેવ સહિત કૈલાસ પર્વત ઉઠાવી લીધેલો. પણ એક અભિમાન રાવણને ભારે પડ્યું અને લંકા જેવી સુવર્ણ નગરી છોડવી પડી અને તેનું પતન થયું. 
{ આમતો જોકે આ બધી લીલા એવી છે કે શું લખવું તે જ સમસ્યા છે, કારણ કે જય અને વિજય નામના બે ભગવાનના પાર્ષદ-હજૂરિયા-દરવાન પોતાની ફરજ બજાવતા હતા, ત્યારે સનકાદિક [બ્રહ્મદેવના ચાર માનસ પુત્રો ] ભગવાનના દર્શને પાધાર્યા, ફરજ પરસ્ત જય અને વિજયે તેમને રોક્યા તેથી ગુસ્સે થઈને સનકાદિકે તેમને શાપ આપ્યો કે જાવ મૃત્યુ લોકમાં રાક્ષસ યોનિમાં સાત જન્મ માટે પડો, જય વિજય ભગવાનના ચરણોમાં પડીને કરગરવા લગ્યા કેનાથ, અમારો શો ગુનો? અમેતો અમારી ફરજ બજાવી, ખૂબ આજીજી કરી ત્યારે ભગવાને કહ્યું કે તમારી વાત સાચી છે, પણ સનકાદિક નો શાપ અફળ તો નજ રહે, પણ હું તમને વચન આપુછું કે જો મને પ્રેમ ભાવે ભજશો તો સાત જન્મે પાર થશો અને જો વેર ભાવે ભજશો તો ત્રણ જન્મે પાર થશો. તેથી ભગવાન શિવનો મહાન ભક્ત હોવા છતાં રાવણ ભગવાનને વેર ભાવે ભજવા લાગ્યો, તેના ફળ સ્વરૂપ તેનું પતન [પતન કે મોક્ષ?]થયું. }

આ બધી ઈશ્વરની લીલાને સમજવી અઘરી છે, બસ હરિ નામ ભજ્યાકરો, ભજન કરો. સાચા રસ્તે ધન વાપરો,  નામ કમાવા માટે દાન ન કરો, મોટા મોટા મંદિરો બાંધીને ભગવાનને એ.સી.માં બિરાજમાન કરવા કરતાં સાચેજ જે ભૂખ્યા છે તેને ભોજન આપો, પેટ ભરા ઢોંગીઓને જમાડવાથી આર્થિક નુકશાન થાય પણ ફાયદો તો નજ થાય.

જય ભગવાન.
ફોટો ગુગલના સહયોગથી.

Monday, March 9, 2015

એવા મંદિરે નથી જાવું.

                 એવા મંદિરે નથી જાવું.


સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
        દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
        સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
        પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..     
           
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું. 
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...
                                                               મારે હીરા મોતીડે ના તોળાવું  

અરબો ને ખરબો ઓલા કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરિ ભક્તોને મારે હડસેલા ઓલા, ઠગોને માન બહુ દેવાતું
ધૂપને દીપના કરી ધુમાડા મારું, નાહક નાક છે રૂંધાતું રે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે મારે જાવું રે પૂજારી મારે...
                                                            
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરિ ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

 સાર- મારા ગુરુ સમાન કવી દાદ ની એક રચનાછે, "ઠાકોરજી નથી થાવું". એવાજ કોઈ વિચાર સાથે મને આ રચના સ્ફુરતાં અહીં રજૂ કરુંછું.
આજ કાલ આપણે સમાચારો કે ટી વી પર મોટા મોટા મંદિરો બનતા હોય તેના પ્રચાર થતા રહેતા હોય તેમ ખબરો આવતી રહેછે, ત્યારે મને વિચાર આવે કે શું ભગવાન આવા આલીશાન મંદિરોમાં રહેવાનું વધારે પસંદ કરતો હશે કે પછી જ્યાં ભાવ સાથે ભજન થતું હોય કે સાદાઈથી પૂજા થતી હોય ત્યાં વસવાનું વધારે પસંદ કરતો હશે?. ઈશ્વરને ધન દોલત કે વૈભવ લોભાવી શકતો નથી, ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમજ ઈશ્વરને પામવાનો માર્ગછે, દુર્યોધન એક શક્તિશાળી અને વૈભવી  અને ધનાઢ્ય હોવા છતાં ભગવાન શ્રી દ્વારકાધીશ એક બિલકુલ સામાન્ય એવા વિદુરના ધરે તાંદળજાની ભાજી અને સુલભા ના પ્રેમ વશ છોતરાં જમેલા જે સર્વ વિદિત છે. તેથી મને લાગે કે....

આપણા શાસ્ત્રો મુજબ ભારતમાં ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, શક્તિ પીઠ જેવા પૌરાણિક સ્થાનો એટલે બાકીના દરેક ધાર્મિક સ્થાનોમાં ઉચ્ચતમ સ્થાન. આ મંદિરોની તોલે બીજા કોઈ પણ સ્થાને ઈશ્વરીય શક્તિ નું ઐશ્વર્ય વધારે હોઈ ન શકે એમ મારું માનવું છે. માટે જ્યારે જ્યારે ધનાઢ્ય લોકો કે કોઈ સંસ્થા બીજા કોઈ મંદિરમાં ધન ખર્ચવા ઇચ્છા કરે ત્યારે મારા મતે તેમણે આવા નિર્વિવાદ ધાર્મિક અને પૌરાણિક મંદિરો માં ખર્ચ કરીને ત્યાંની વ્યવસ્થામાં વધારો કરવો જોઇએં. કેદારનાથ માં આવેલા ભયંકર પૂરે ત્યાંની ચમત્કારિતા મંદિર ને બચાવીને સાબિત કરી છે, આવા સ્થળોમાં લોકો નો વિશ્વાસ અને આસ્થા ચરમ સીમા પર હોય છે,-જો કે નાસ્તિક લોકો માટે કંઈ પણ કહેવું નકામુંછે.- તેથી લોકો ત્યાં શ્રદ્ધા સાથે જાય છે, ત્યાં ખર્ચેલા નાણા સો એ સો ટકા ઈશ્વરના ચોપડે જમા થાય છે, જ્યારે વૈભવ અને મહાનતા બતાવતા મંદિરોમાં ખર્ચેલા નાણા ઐશ્વર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઈશ્વર પર નહિ, મારા મતે તે ધર્મના નામે વ્યય છે. લોકો ત્યાં યાત્રા ને બદલે પર્યટન માટે જતા હોય એવું વધારે લાગે છે. પણ આજ કાલ ભવ્યાતી ભવ્ય મંદિરો નિર્માણ પામે છે ત્યારે ઈશ્વર ક્યાં વસવાટ કરતો હશે? જેની મેં કલ્પના કરીછે કે તે પૂજારીને શું કહેતો હશે ?.

હે પૂજારી મોટા મોટા મહેલો જેવા ભવ્ય મંદિર બનાવી, મૂલ્યવાન હીરા જડિત સોના ના સિંહાસન પર અમૂલ્ય મુકુટ પહેરાવે, મને કિંમતી આભૂષણ પહેરાવે કે કોઈ પણ રીતે લક્ષ્મીજીનું અપમાન થાય તેવું વર્તન થતું હોય ત્યાં મને કેમ ફાવે?
પાછાં એ મંદિરના કહેવાતા મારા સેવકો, પૂજારી, કે ટ્રસ્ટીઓ કીમતી ગાડીઓમાં આવીને મારા પૂજનના બહાને મારી સમક્ષ કાળા ધોળા કર્મો કરતા હોય, અને મંદિરમાં મારા નામે ધરાતા ધનને કોઈ પણ રીતે ઘર ભેગું કરતા હોય એવા પાખંડી ના હાથે મારે પૂજાવું નથી, પણ ભૂખ્યા લોકોને જ્યાં અન્ન મળતું હોય, કોઈ ગરીબ ઠંડીમાં ઠૂઠવાતો હોય તેને ઓઢવાનું અપાતું હોય કે કોઈ દવાખાનામાં ગરીબને પ્રેમથી મફતમાં સારવાર મળતી હોય, ભલે નાની એવી ઝૂંપડીમાં રહેતો હોય અને એક ખૂણામાં મારો ફોટો પધરાવીને આખું ઘર એકઠું મળીને ( આખું ઘર ત્યાંજ એકઠું થઈ શકે જ્યાં સંપ હોય. ) ભાવથી મારા ભજન કરતા હોય, એવા લોકોને હું સ્વયં ગોતીને ત્યાં પહોંચી ને આનંદ પામું છું. એવા લોકોના આમંત્રણની હું પ્રતીક્ષા નથી કરતો, હું ત્યાં દોડતો પહોંચુ છુ.
માટે કોઈ પણ કપટ વિના ભાવ સહિત ભજન કરો, હરિ દોડતો આવશે.
જય શ્રી રામ.  
ફોટો-ગુગલ ના સહયોગ થી

Sunday, March 8, 2015

માં બાપની સેવા કરો

               માં બાપની સેવા કરો


ઢાળ:- માં બાપ ને ભૂલશો નહિ - ગવાય છે તેવો

સેવા કરો માં બાપ ની,-તો-   સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે...  

ભૂખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના કદિ’ માંગતાં, એ ઉપાસના તને તારશે...

ભટક્યો અગર તુજ કર્મ થી,  કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું,   તુજ વેદના કોણ ઠારશે...

" કેદાર " એક જ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

ફોટો સોજન્ય : ગૂગલ ઈમેજીસ 

Saturday, March 7, 2015

માં

                   માં


જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો
ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ " કેદાર " કરુણા તારી, બસ એક જ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..

ફોટો-ગુગલના સહયોગથી સાભાર.

Friday, March 6, 2015

ઈર્ષા

               ઈર્ષા 


આવે જ્યારે ઈર્ષા ઉરની માંય, 
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિ કાંઈ....

લક્ષ્મીજી બ્રહ્માણી  સંગે સમજે રુદ્રાણી માત,
 અમ સમાણી કોઈ પતિવ્રતા નહિ આ અવની માંય......

નારદજી એ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
 અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...

ત્રણે દેવી ઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઈક ઉપાય,
 લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએ કાંઈ...

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાં,
 આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઈ ઉપાય...

સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય, 
આદરથી એક અંજલિ છાંટી બાળ બનાવ્યા ત્યાં...

ત્રણે દેવી ઓ મનમાં મૂંઝાણા પૂછે નારદજી ને વાત,  
પ્રભુ તમારા ઝૂલે પારણિએ અનસૂયા ને ત્યાં....

કર જોડી કરગરે દેવી ઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઈ આવે અવર ન માંગુ કાંય...

ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
 " કેદાર " ગુણલા નિત નિત ગાતો લળી લળી લાગે પાય... 

સાર:-અત્રિ રૂષિ ના પત્ની અનસૂયા માતા ના પતિવ્રત ધર્મ ની પ્રતિષ્ઠા થી ઈર્ષા પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણી એ  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા.  તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાં જ હતાં,  ત્રણેય દેવો એ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ ભિક્ષા લઈશું નહિ તો પાછા જઈશું. જો અતિથિ  ખાલી હાથે પાછો ફરે તો સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયા એ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ કર્યો કે ‘જો મારી સ્વામી ભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે બાળક સ્વરૂપ ને પામે’. અંજલિ નો સ્પર્શ થતાં જ જગતના સર્જક પ્રજા પિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક બની ગયા. માતા અનસૂયા એ ત્રણેય બાળકોને પારણા માં પધરાવી દીધાં. બ્રહ્મલોક, વૈકુંઠ અને કૈલાસ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવી ઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજી એ કહ્યું કે સતીના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયા ના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય દેવી ઓએ માતા અનસૂયા ની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા અનસૂયા એ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણા માં સૂતા છે. ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવી ઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતા ને વિનંતી કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામી ને ઓળખાવો ત્યારે માતા અનસૂયા એ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવો ને પૂર્વવત્ સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવો એ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા માતા એ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય કરો. આથી ત્રણેય દેવો એ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતા ને ત્યાં આદ્ય ગુરુ દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.
ફોટો ગુગલના સહયોગથી સાભાર

Wednesday, March 4, 2015

ધન્ય એની જાત ને

                             ધન્ય એની જાત ને


જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને
                                         હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ નિત રામ નું કરતી
                                            ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો, ન લાગ્યું મનડું માયા માં, કશી ના કામના કરતો
                                                      દીન દુખી ને દેતો દિલાસા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો,   ભજન નો ભેખ પહેરી ને, લગાવે નામ નો નેડો
                                                 પરજન કેરી પીડ પિછાણી જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા, સિધાવે સ્વર્ગ માં સીધો,   રહે ના જન્મ ના ફેરા, સફળ અવતાર એ કીધો
                                                      " કેદાર " આવા કરમી જન તો, તારીદે સઘળી નાત ને...

સાર-ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો જીવ જ્યારે માનવ યોની માં પહોંચે છે, ત્યારે તેને શિવ સુધી પહોંચવા નો મોકો મળે છે, અથવા તો ફરીને પાછો ચોરાસી નો ફેરો ફરવા જવું પડે તેવું પણ બને છે. જેવા કર્મો કરે તેવું ફળ મળે, કારણ કે ફક્ત માનવ યોની માં જન્મનાર જીવ પાસે સમજ, બુદ્ધિ, અને વાચા જેવી અલભ્ય શક્તિ પ્રભુ પ્રદાન કરે છે, અને માનવ ને આ ફેરા માંથી છૂટવા માટેની તક આપે છે.
-પણ મારા મનમાં એક શંકા થયા કરે કે આપણા શાસ્ત્રો એવું પણ કહે છે કે ઈશ્વર ની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, સંસાર ની એક એક ક્ષણ ઈશ્વરે ઘડ્યા મુજબ ના નિયમો પ્રમાણે  ચાલે છે, પ્રભુએ અવતારો ધર્યા તે પણ પૂર્વ યોજિત તેમના નિયમો અને કોઈને આપેલા વચનો પાળવા માટેજ ધર્યા, જેમકે સ્વાયંભુવ મહારાજ મનુ અને તેમના રાણી શતરૂપા ને તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાના વચન આપ્યા મુજબ રામ તરીકે જન્મ લીધો. નારદજી ને કામ વિજય કર્યાના આવેલા અભિમાન ને દૂર કરવા રચેલા વિશ્વ મોહિની ના લગ્ન ના કપટ માં મળેલા વાનર જેવા મુખથી નારદજીએ આપેલા શ્રાપ વશ પણ રામ અવતાર ધરવો પડ્યો.  
પ્રભુ ના દ્વારપાળ જય અને વિજય, કે જેને પ્રભુનાજ બનાવેલા નિયમ મુજબ બ્રાહ્મણો ને ઉચિત સમય ન હોવાથી હરિ સમક્ષ જતાં રોક્યા, અને તેથી તેને બ્રાહ્મણો દ્વારા રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો. દ્વાર પાળો ભગવાન ને અરજ કરવા લાગ્યા કે "પ્રભુ અમે તો અમારી ફરજ બજાવી, આપને આ સમયે વિક્ષેપ ન થવો જોઇએ એમ માની ને અમોએ આ વિપ્રોને અંદર જવાની અનુમતિ ન આપી, તો હે પ્રભુ અમને આવો શ્રાપ યોગ્ય નથી લાગતો" ત્યારે પ્રભુએ બ્રાહ્મણો નો શ્રાપ મિથ્યા તો ન થઈ શકે પણ જો તે પ્રભુ ને ત્રણ અવતાર સુધી વેર ભાવે ભજે તો શ્રાપનું નિવારણ થઈ જશે પણ જો પ્રેમ ભાવે ભજે તો સાત જન્મે નિવારણ થાય, એવું વચન આપ્યું. દ્વાર પાળો એ ત્રણ જન્મે જ પ્રભુ ને વેર ભાવે ભજી ને શ્રાપ મુક્ત થવાનો રસ્તો અપનાવ્યો.  પહેલાં તેઓ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રાક્ષસ તરીકે જન્મ પામ્યા, જેમને પ્રભુએ વરાહ રૂપે હિરણાક્ષ અને નૃસિંહ અવતાર ધરીને હિરણ્યકશિપુને સંહાર્યા.  
બીજા અવતાર માં રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ પામ્યા, અને તેમનો મંત્રી ધર્મરુચિ વિભીષણ તરીકે જનમ્યો. રામ અવતારમાં રામે રાવણ અને કુંભકર્ણને સંહાર કરી ને વિભીષણને લંકાનો રાજા બનાવ્યો. 
ત્રીજા અવતાર માં તે શિશુપાલ અને દંતવક્ર નામે જનમ્યા, જેનો કૃષ્ણ અવતાર માં પ્રભુ એ સંહાર કર્યો.
આમ અનેક એવા પ્રસંગો મળે છે કે જે પ્રભુ દ્વારા પૂર્વ યોજિત હોય, તો પછી જેમને જેમને દોષ કર્યો તે પણ પ્રભુ ની યોજના જ હોય એવું નથી લાગતું? પ્રભુની ઇચ્છા વિના જય વિજય કશું કરી શકે? બ્રાહ્મણોને રોકી શકે? અને રોક્યા તો તેણે ફરજ બજાવી હતી, તેના તો શાબાશી મળવી જોઈએં શ્રાપ નહીં, છે ની બધી ઊપર વાળાની લીલા? તો પછી આપણા કર્મોની જવાબદારી આપણી કેમ હોઈ શકે? -
જો ઈશ્વર વધારે દયા કરે તો એવી માં ના ઊદરે જન્મ મળે જે બાળક ને ગળથૂથી માંજ ગોવિંદ નાં ગુણ ગાન કરવાનાં સંસ્કાર આપે, અમૃત સમાન ઈશ્વર ભજન નું પય પાન કરાવે, હરિ રસનાં હાલરડા ગાઈ ને મોટો કરે, જે સદા ઈશ્વરના સ્મરણ માં રત રહેતો ઓય, અહર્નિશ પ્રભુ ભજન કે મંત્ર જાપ,કે પછી આપણા શાસ્ત્રો માં વર્ણવેલી નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ માં રચ્યો પચ્યો રહેતો હોય, પારકા દુખે દુખી થાય, આવો કોઈ વિરલો બને તો પછી તેને આ ચોરાસીના ફેરા ફરવાનો વારો ન આવે, જલારામ બાપા અને નરસિંહ મહેતા જેવા સંતોના કર્મોના પ્રતાપે આજે તેમની પુરી નાતને લોકો અહોભાવથી જોવા લાગ્યા છે, કે ભાઈ આતો જલાબાપા નો કે નરસિંહ મહેતાની નાતનો છે.
જય શ્રી રામ, અને રામ ભક્તો.   

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

લાલા ની લીલા

                  લાલા ની લીલા


પ્રભુ ના કાર્ય છે એવા, સમજ માં ક્યાં એ આવે છે
કરે લીલા જે લટકાળો, માનવ ક્યાં પાર પામે છે..

પૂર્યાં પટ પાંચાળી કેરાં, ભીતરની ભક્તિ ભાળી ને
ચોરી ને ચિર ગોપી ના,  પ્રભુ પરદા હટાવે છે..૧

છે પામે એક અદકેરું,  બીજાને અન્ન ના ફાકા
મળે છે કર્મ સંજોગે,  ભ્રમિત ને ભૂલ ભાસે છે...૨

કીડી ને કણ નો દેનારો, માતંગ ને મણ દે મોઢા માં
કર્મહીણ ને પડે સાસા,   પૂરવ ના પાપ બોલે છે...૩

કરે સંહાર કે સર્જન,  કીધાં વિનાશ કે સેવન
નિયંતા એ જગત કેરો, જગત સમભાર રાખે છે..૪

છે આપ્યું એક નજરાણું,  માનવને મુક્ત થાવાનું
સમજદારી થી જો સમરે,   ચોરાસી પાર પામે છે...૫

દયા " કેદાર " પર રાખી, ભવો ભવ મનુજ તન દેજો
હરિ ના નામ લેવાની,   ગરજ બસ એક રાખે છે...૬

મિત્રો, કાલે આપે જે ભજન માણ્યું તેનું વિરોધાભાસી કે તેના જવાબ જેવું આજે આ ભજન માણો અને પ્રતિભાવ જરૂર આપજો.

સાર-ભગવાનની એવી માયા છે કે તે સમજવી અતિ કઠિન છે, એ જે લીલા કરેછે તે કોઈ પાર પામી શકતું નથી.

૧-કૃષ્ણ ભગવાને પાંડવોની સભામાં દોડી જઈને દ્રૌપદીના ચિર પૂર્યાં, કરણ કે દ્રૌપદીએ અંતરથી ભગવાનને પ્રાર્થના કરી કે નાથ હવે આવીજાવ નહીંતો મારી લાજ જશે, અને દ્વારકાધીશ દોડ્યા. જ્યારે ગોપીઓના ચિર હરણ કરીને લાલો બતાવેછે કે મારી ભક્તિ કરવી હોય તો કોઈ પરદો હોવો ન જોઈએ, ચિર તો પ્રતીક છે,બાકી વાતતો અંતરના પરદાની છે.

૨-આપણે જોઈએં છીએ કે એક સમ કક્ષ માનવીને જે મળેછે તે બીજાને અનેક ગણું હોયછે, ત્યારે આપણને ભગવાનનો ભેદ ભાવ દેખાયછે, પણ એતો બધું પૂર્વના કર્મોના પ્રતાપે મળતું હોયછે. આપણા માટે એ ભ્રમણા છે કે આમ કેમ?    

૩-ઈશ્વર હાથીને મણ અને કીડીને કણ આપેછે, પણ ઘણા અભાગી લોકો પેટભર ખોરાક પામી નથી શકતા, પણ આ પણ પૂર્વના કર્મોના હિસાબે મળેછે, ઈશ્વર કદી ભેદભાવ કરતો નથી.

૪-મહા ભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે પાર્થને ગીતાનું જ્ઞાન આપીને કૌરવો સાથે યુદ્ધ કરાવીને કૈંક માનવોનો સંહાર કરાવ્યો, તો બીજી બાજુ એક ટિટોડી ના બચ્ચાને હાથીના ગળાનો ઘંટ ઢાંકીને બચાવ્યા, ત્યારે જરૂર વિમાસણ થાય, પણ આ બધું ભગવાન જીવ માત્રનું નિયંત્રણ કરવા માટે અને જગતને સમ ભાર રાખવા માટે કરેછે. 

૫-જીવ અને જીવન તો પ્રભુએ બધાને આપ્યું છે, પણ માનવીને એક અદકેરી બક્ષિસ આપીછે, અને તે છે વાણી, જો માનવ આ વાણીનો સદ ઉપયોગ કરીને ભજન કરે તો ચોરાસી લાખ યોની માંથી મુક્ત થઈ શકેછે, પણ ગમાર જીવ ખોટા ખોટા ભાષણો ભરડીને આ મોકો ગુમાવી દેછે. 

૬-પણ હે નાથ મારાપર એક ઉપકાર આપે કરવોજ પડશે, મને મોક્ષની ખેવના નથી, પણ શર્ત એ કે મને ભવે ભવ માનવ જન્મ આપીને આપના ગુણ ગાન કરવાનો ભરપૂર મોકો આપજે. 

જય દ્વારિકાધીશ.
ફોટો ગુગલના સહયોગથી.

Monday, March 2, 2015

કાનાના કપટ

       કાનાના કપટ 

                --સાખી--

ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ, હવેના દાણ ચોરે છે..

ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું
રમાડ્યા રાસ છે કાને,   હવે નટીઓ નચાવે છે..

કપટ કેવાં હરિ કરતો, બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,   વળી  હિસાબ દેવા ના...

સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,   છે ચોર્યા ચિર ગોપી ના...૧

અધિક આપે તું પાપી ને,   મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના...૨

મહા કાયોને પણ મળતાં,  ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના...૩

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  ભરખતાં બાળ પોતાના...૪

રંજાડે રંક જનને કાં,   બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  જો તારી મરજી વિના ના..૫

દયા " કેદાર " પર રાખી, ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,   પ્રભુ તુજ ગાન કરવામાં...૬


સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?  

૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?

૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.

૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.
પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.

૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે. 

૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.

૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.
જય નારાયણ. 

તા.ક.- મિત્રો આપને મારી આ રચના કેવી લાગી તે જરૂર લખજો અને એક બીજી વાત, આ ભજનના જવાબ જેવું  બીજું ભજન કાલે મુકીસ જે ખાસ વાંચજો. 

ફોટો ગુગલના સહયોગથી.