Friday, March 27, 2015

રામ ભજ


રામ નવમી પર્વ પર રામ ભજન સાથે એક ગરબો પણ.

                    રામ ભજ

રામ રામ ભજ રામ માનવ, રામ રામ ભજ રામ
મિથ્યા જગત નું કામ માનવ, રામ રામ ભજ રામ...
લખ ચોરાશી જીવન જીવ્યો, પામ્યો નહિ વિશ્રામ
આજ મળ્યો છે દેહ અમૂલો, રટીલે રાધે શ્યામ...
માત પિતા સુત નારી વહાલી, ધન દોલત ની માયા નિરાળી
શીદને ફસાતો ફોગટ નાતે, સાચો સગો ઘનશ્યામ...
રામ ભજન માં લીન બની જા, સકળ જગત ની માયા ભૂલી જા
હરિ સમરણ નું ભાતું ભરી જા, સ્વર્ગ મળે સુખ ધામ...
અવસર આવો ફેર ન આવે, શાને ફોગટ ફેરો ઘુમાવે
ધન દોલત તારી સાથ ન આવે, છોડ કપટ ના કામ...
દીન " કેદાર " પર દયા દરશાવો, રઘુવીર મારે હ્રિદયે આવો
હર પલ હરિ નું ગાન કરાવો, રટું નિરંતર નામ...

                         ગરબો 

                         ઉમંગ ભર નાચો


આવી આજે નવરંગ રાત, ઉમંગ ભર નાચો રે
સરખી સાહેલીઓની સાથ, રંગ ભર રાચો રે....
વ્રુજ માં રૂડિ વાંસળી વાગી, સૂર મધુર સંભળાયા
ગોપ ગોવાલણ નાદ સુણીને, ભાવ થકી ભરમાયા
નર નારી સૌ ભાન ભૂલી ને, ભૂલ્યા સઘળા કાજ...
રાખી ચરણ વાંકો વેણું વગાડે, રંગ ભર રાસ રચાવે
અધર કમલ પર ધરી મુરલીયાં, સૂર મધુર સંભળાવે
મોર મુકુટ પીતાંબર શોભે, શોભે છે સઘળા સાજ...
ગોપી નાચે ગૌધન નાચે, નાચે વ્રુજ ની નારી
ગિરિ કૈલાસે ગંગાધર નાચે, ભુજંગ નાચે ભારી
જલચર સ્થલચર નભચર નાચે, નાચે છે યમુના આજ...
કાળો કાળો કાનુડો રાધા રૂપાળી, જોડી અનેરી જાણી
શ્યામ સુંદર ના દર્શન કરતાં, સુંદર તા શરમાણી
રંગે રમતાં ગોપી રિસાણી, રમો ને અમ સંગ રાસ...
એક એક રાધા એક એક કાનો, માયા માધવ કિધી
કોઈ ન જાણે ભેદ ભૂધરા નો, પ્રેમે પાગલ કરી દીધી
દીન " કેદાર " નો ક્રિષ્ણ કનૈયો, રાસે રમતો આજ...

No comments:

Post a Comment