Wednesday, March 4, 2015

ધન્ય એની જાત ને

                             ધન્ય એની જાત ને


જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને
                                         હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ નિત રામ નું કરતી
                                            ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો, ન લાગ્યું મનડું માયા માં, કશી ના કામના કરતો
                                                      દીન દુખી ને દેતો દિલાસા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો,   ભજન નો ભેખ પહેરી ને, લગાવે નામ નો નેડો
                                                 પરજન કેરી પીડ પિછાણી જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા, સિધાવે સ્વર્ગ માં સીધો,   રહે ના જન્મ ના ફેરા, સફળ અવતાર એ કીધો
                                                      " કેદાર " આવા કરમી જન તો, તારીદે સઘળી નાત ને...

સાર-ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો જીવ જ્યારે માનવ યોની માં પહોંચે છે, ત્યારે તેને શિવ સુધી પહોંચવા નો મોકો મળે છે, અથવા તો ફરીને પાછો ચોરાસી નો ફેરો ફરવા જવું પડે તેવું પણ બને છે. જેવા કર્મો કરે તેવું ફળ મળે, કારણ કે ફક્ત માનવ યોની માં જન્મનાર જીવ પાસે સમજ, બુદ્ધિ, અને વાચા જેવી અલભ્ય શક્તિ પ્રભુ પ્રદાન કરે છે, અને માનવ ને આ ફેરા માંથી છૂટવા માટેની તક આપે છે.
-પણ મારા મનમાં એક શંકા થયા કરે કે આપણા શાસ્ત્રો એવું પણ કહે છે કે ઈશ્વર ની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, સંસાર ની એક એક ક્ષણ ઈશ્વરે ઘડ્યા મુજબ ના નિયમો પ્રમાણે  ચાલે છે, પ્રભુએ અવતારો ધર્યા તે પણ પૂર્વ યોજિત તેમના નિયમો અને કોઈને આપેલા વચનો પાળવા માટેજ ધર્યા, જેમકે સ્વાયંભુવ મહારાજ મનુ અને તેમના રાણી શતરૂપા ને તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાના વચન આપ્યા મુજબ રામ તરીકે જન્મ લીધો. નારદજી ને કામ વિજય કર્યાના આવેલા અભિમાન ને દૂર કરવા રચેલા વિશ્વ મોહિની ના લગ્ન ના કપટ માં મળેલા વાનર જેવા મુખથી નારદજીએ આપેલા શ્રાપ વશ પણ રામ અવતાર ધરવો પડ્યો.  
પ્રભુ ના દ્વારપાળ જય અને વિજય, કે જેને પ્રભુનાજ બનાવેલા નિયમ મુજબ બ્રાહ્મણો ને ઉચિત સમય ન હોવાથી હરિ સમક્ષ જતાં રોક્યા, અને તેથી તેને બ્રાહ્મણો દ્વારા રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો. દ્વાર પાળો ભગવાન ને અરજ કરવા લાગ્યા કે "પ્રભુ અમે તો અમારી ફરજ બજાવી, આપને આ સમયે વિક્ષેપ ન થવો જોઇએ એમ માની ને અમોએ આ વિપ્રોને અંદર જવાની અનુમતિ ન આપી, તો હે પ્રભુ અમને આવો શ્રાપ યોગ્ય નથી લાગતો" ત્યારે પ્રભુએ બ્રાહ્મણો નો શ્રાપ મિથ્યા તો ન થઈ શકે પણ જો તે પ્રભુ ને ત્રણ અવતાર સુધી વેર ભાવે ભજે તો શ્રાપનું નિવારણ થઈ જશે પણ જો પ્રેમ ભાવે ભજે તો સાત જન્મે નિવારણ થાય, એવું વચન આપ્યું. દ્વાર પાળો એ ત્રણ જન્મે જ પ્રભુ ને વેર ભાવે ભજી ને શ્રાપ મુક્ત થવાનો રસ્તો અપનાવ્યો.  પહેલાં તેઓ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રાક્ષસ તરીકે જન્મ પામ્યા, જેમને પ્રભુએ વરાહ રૂપે હિરણાક્ષ અને નૃસિંહ અવતાર ધરીને હિરણ્યકશિપુને સંહાર્યા.  
બીજા અવતાર માં રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ પામ્યા, અને તેમનો મંત્રી ધર્મરુચિ વિભીષણ તરીકે જનમ્યો. રામ અવતારમાં રામે રાવણ અને કુંભકર્ણને સંહાર કરી ને વિભીષણને લંકાનો રાજા બનાવ્યો. 
ત્રીજા અવતાર માં તે શિશુપાલ અને દંતવક્ર નામે જનમ્યા, જેનો કૃષ્ણ અવતાર માં પ્રભુ એ સંહાર કર્યો.
આમ અનેક એવા પ્રસંગો મળે છે કે જે પ્રભુ દ્વારા પૂર્વ યોજિત હોય, તો પછી જેમને જેમને દોષ કર્યો તે પણ પ્રભુ ની યોજના જ હોય એવું નથી લાગતું? પ્રભુની ઇચ્છા વિના જય વિજય કશું કરી શકે? બ્રાહ્મણોને રોકી શકે? અને રોક્યા તો તેણે ફરજ બજાવી હતી, તેના તો શાબાશી મળવી જોઈએં શ્રાપ નહીં, છે ની બધી ઊપર વાળાની લીલા? તો પછી આપણા કર્મોની જવાબદારી આપણી કેમ હોઈ શકે? -
જો ઈશ્વર વધારે દયા કરે તો એવી માં ના ઊદરે જન્મ મળે જે બાળક ને ગળથૂથી માંજ ગોવિંદ નાં ગુણ ગાન કરવાનાં સંસ્કાર આપે, અમૃત સમાન ઈશ્વર ભજન નું પય પાન કરાવે, હરિ રસનાં હાલરડા ગાઈ ને મોટો કરે, જે સદા ઈશ્વરના સ્મરણ માં રત રહેતો ઓય, અહર્નિશ પ્રભુ ભજન કે મંત્ર જાપ,કે પછી આપણા શાસ્ત્રો માં વર્ણવેલી નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ માં રચ્યો પચ્યો રહેતો હોય, પારકા દુખે દુખી થાય, આવો કોઈ વિરલો બને તો પછી તેને આ ચોરાસીના ફેરા ફરવાનો વારો ન આવે, જલારામ બાપા અને નરસિંહ મહેતા જેવા સંતોના કર્મોના પ્રતાપે આજે તેમની પુરી નાતને લોકો અહોભાવથી જોવા લાગ્યા છે, કે ભાઈ આતો જલાબાપા નો કે નરસિંહ મહેતાની નાતનો છે.
જય શ્રી રામ, અને રામ ભક્તો.   

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

No comments:

Post a Comment