Monday, March 23, 2015

માં ના નોરતાં

                    માં ના નોરતાં


માથે મેલી ગરબો ને, સોળે સજ્યો શણગાર
સાહેલી સૌ સંગે મળીને, હૈયે હરખ ન માય
                આવ્યાં છે માના રૂડાં નોરતાં...

લીપ્યું ગોપ્યું આંગણિયું ને ગંગાજળ છંટકાવ
રંગ બે રંગી પુરી રંગોળી, ભર્યાં ભક્તિ ના ભાવ....આવ્યા છે..

સાગ સીસમ ની ગરબી બનાવી, કીધાં દીપ અપાર
આસોપાલવ તોરણ બાંધ્યા, ઝાલર નો ઝણકાર...આવ્યા છે...

શેરીએ શેરીએ સાદ પડાવ્યો, આવો રમવા રાસ
માં અંબાના દર્શન કેરી,       રાખી હૃદયે આશ...આવ્યા છે..

ઢોલ નગારાં નોબત વાગે, શરણાઈ કેરા સૂર
સાહેલી સૌ ગરબે ઘૂમતી, ઊમટ્યા હરખ ના પુર...આવ્યા છે..

અંબા માં એ ગબ્બર ગોખે, સાંભળ્યા શુભ નાદ
અમૃત ઝરતી આંખે અંબા,     દેતી હરખે દાદ...આવ્યા છે...

સાહેલી સૌ માંને મનાવે, ચાલો રમવા જઈ એ
ભોળા બાલુડા ભાવે રમે છે, દર્શન લહાવા દઇંએ...આવ્યા છે...

અંબા અંબિકા અંબાલિકા, ગરબે રમવા આવે
હરખે માતા આશિષ આપે, " કેદાર " ગુણલા ગાવે...આવ્યાં છે...

No comments:

Post a Comment