Tuesday, October 29, 2013


એવા મંદિરે નથી જાવું.

સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
           દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
           સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે દ્વારિકેશ
          પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ મન લેશ..     
           
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું.
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...  

અરબો ને ખરબો કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા માં વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને દરશાવું રે પૂજારી મારે...
                                                           એવાને આંગણે જાવું... 
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ આવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ જાવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

"કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરી ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

 સાર- મારા ગુરુ સમાન કવી "દાદ" ની એક રચનાછે, "ઠાકોરજી નથી થાવું". એવાજ કોઈ વિચાર સાથે મને આ રચના સ્ફુરતાં અહીં રજૂ કરુંછું.
આજ કાલ આપણે સમાચારો કે ટી વી પર મોટા મોટા મંદિરો બનતા હોય તેના પ્રચાર થતા રહેતા હોય તેમ ખબરો આવતી રહેછે, ત્યારે મને વિચાર આવે કે શું ભગવાન આવા આલીશાન મંદિરોમાં રહેવાનું વધારે પસંદ કરતો હશે કે પછી જ્યાં ભાવ સાથે ભજન થતું હોય કે સાદાઈથી પૂજા થતી હોય ત્યાં વસવાનું વધારે પસંદ કરતો હશે?. ઈશ્વરને ધન દોલત કે વૈભવ લોભાવી શકતો નથી, ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમજ ઈશ્વરને પામવાનો માર્ગછે, તેથી મને લાગે કે....
ભારતમાં ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, શક્તિ પિઠ જેવા સ્થાનો એટલે બાકીના દરેક ધાર્મિક સ્થાનોમાં ઉચ્ચતમ સ્થાન. આ મંદિરોની તોલે બીજા કોઈ પણ સ્થાને ઈશ્વરીય શક્તિ નું ઐશ્વર્ય વધારે હોઈ ન શકે એમ મારું માનવુંછે. પણ આજ કાલ ભવ્યાતી ભવ્ય મંદિરો નિર્માણ પામેછે ત્યારે ઈશ્વર ક્યાં વસવાટ કરતો હશે? જેની મેં કલ્પના કરીછે કે તે પૂજારીને શું કહેછે?.

હે પૂજારી મોટા મોટા મહેલો જેવા ભવ્ય મંદિર બનાવી, મૂલ્યવાન હીરા જડિત સોના ના સિંહાસન પર અમૂલ્ય મુકુટ પહેરાવે, મને કિંમતી આભૂષણ પહેરાવે કે કોઈ પણ રીતે લક્ષ્મીજીનું અપમાન થાય તેવું વર્તન થતું હોય ત્યાં મને કેમ ફાવે?
પાછાં એ મંદિરના કહેવાતા મારા સેવકો, પૂજારી, કે ટ્રસ્ટીઓ કીમતી ગાડીઓમાં આવીને મારા પૂજનના બહાને મારી સમક્ષ કાળા ધોળા કર્મો કરતા હોય, અને મંદિરમાં મારા નામે ધરાતા ધનને કોઈ પણ રીતે ઘર ભેગું કરતા હોય એવા પાખંડી ના હાથે મારે પૂજાવું નથી, પણ ભૂખ્યા લોકોને જ્યાં અન્ન મળતું હોય, કોઈ ગરીબ ઠંડીમાં ઠૂઠવાતો હોય તેને ઓઢવાનું અપાતું હોય કે કોઈ દવાખાનામાં ગરીબને પ્રેમથી મફતમાં સારવાર મળતી હોય, ભલે નાની એવી ઝૂંપડીમાં રહેતો હોય અને એક ખૂણામાં મારો ફોટો પધરાવીને આખું ઘર એકઠું મળીને ભાવથી મારા ભજન કરતા હોય, એવા લોકોને હું સ્વયં ગોતીને ત્યાં પહોંચી ને આનંદ પામું છું. એવા લોકોના આમંત્રણની હું પ્રતીક્ષા નથી કરતો, હું ત્યાં દોડતો પહોંચુ છુ.
માટે કોઈ પણ કપટ વિના ભાવ સહિત ભજન કરો, હરી દોડતો આવશે.
જય શ્રી રામ.  

Friday, October 25, 2013નારાયણ સ્વામિની નિર્વાણ તિથિ

મિત્રો,
હમણાં મારી થોડી વ્યસ્તતાને લીધે આપનાથી થોડું અંતર પડી ગયું જેથી એક અગત્યની રજૂઆત કરવામાં વિલંબ થયો.

તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો પ્રોગ્રામ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી.  લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇ"માળા" ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી "સતારશા"(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા. 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે "જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે "બોમ્બે ટુ ગોવા"માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો." જો મહા નાયક આવું કરી શકે તો આવા અગુણજ્ઞ લોકોનો શો અફસોસ કરવો?   

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીકના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.

દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ "બીજલી" પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કે જે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી. 

જય નારાયણ.  


Thursday, October 24, 2013


માં
                                                  
જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
                                  પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
                                       જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો,   થોડો સાચો થોડો ખોટો
                                        ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
                                   પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
                                 તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ "કેદાર" કરુણા તારી, બસ એક જ અરજી મારી
                                  ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..પ્રાર્થના


ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,   રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની...


Tuesday, October 22, 2013


ડોશી શાસ્ત્ર ?

                                                 
થોડા સમય પહેલાં અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે, બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

પહેલાંના સમયમાં આજના જેવા સમાચાર માધ્યમો ન હતાં, રાજા રજવાડાના કોઈ ફરમાનો બહાર પડતા તે પણ નગરના ચોકમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટવામાં આવતો. કોઈ બીમારી આવતી તો વૈદ્ય કે હકીમો પાસે જવું પડતું,  એ જમાનામાં સમાચાર પત્રો/રેડીઓ કે ટી વી જેવા સાધનો ન હતાં એવું તો સાવ નથી, પણ તે સીમિત હતું, મહાભારત ના યુદ્ધનો આંખે જોયો અહેવાલ સંજય હસ્તિનાપુરમાં બેઠાં બેઠાં રજૂ કરી શકતો હતો, તે દૂર દર્શનજ હતુંને ? પણ આવી શક્તિ જે લોકો વિદ્યા શીખે તેજ જોઈ શકતા, પણ આપણા વડવાઓ ખૂબજ સમજદાર અને સ્વપ્નદ્રષ્ટા હતા, તેથી એ જમાનામાં જે કંઈ અગત્યની સમજ આપવા જેવી લાગતી તે ધર્મના નામે પ્રચલિત કરી દેવાતી, જેથી તેનો ફેલાવો ઝડપથી થવા લાગતો અને લગભગ ફરજિયાત થઈ જતો. અને તેનું પાલન કરવું લગભગ અનિવાર્ય થવા લાગ્યું, કારણ કે એવી વાતો પણ સાથે સાથે ફેલાવાતી કે આ નિયમનું પાલન ન કરવાથી પાપ લાગે, અને તેનું ફળ ભયંકર હોઈ શકેછે, આવા ડરથી લોકો તે નિયમો પાળતા. 

એક દાખલો આપું તો શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો કોઇ અન્ય સાધનો કે પર્ફ્યૂમ નો છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા-સગવડ પ્રમાણે- વસ્ત્રો પહેરાવે છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે છે. મોટા ભાગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ બધે હોય છે.
  
દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ આપણા શ્વાસોચ્છ્વાસ માંથી પ્રાણ વાયુ અને આપણા શરીર માંથીજ પોષણ પામે છે, જ્યારે શરીર માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય છે, તેથી તે બધા આ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, મૃત દેહ ના નાક અને કાન માં રૂ ભરાવી દેવામાં આવે છે, જેથી ઓછા માં ઓછા જંતુઓ બહાર ફેલાય, અને જો ફેલાય તો મોટા ભાગના જંતુઓ એ છાણમાં  ચોટી જાય અને હવામાં ફેલાતા નથી,  છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો-ઘી નો દીવો કે અગરબત્તી આપણે ભગવાનને ખુશ કરવા માટે પ્રગટાવીએ છીએ પણ ખરે ખરતો તે પ્રદૂષણ ફેલાવે છે, વડવાઓ માનેછે કે ઘી નો દીવો કરવાથી નાગ દાદા નીકળ્યા હોય તો જતાં રહે છે, પણ નાગ દાદાને ઘીના દીવાથી ફેલાતા વાયુ થી ગભરામણ થાય છે તેથી જતા રહે છે.  કેજે ખરેખર તો આ જીવો માટે ઝેરી છે,-  અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ અસંખ્ય જીવો આટલાં થી ન મરે, તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે નવા કે સ્વચ્છ વસ્ત્રનું આવરણ ઓઢાડીદે અને અંતે અગ્નિ દાહ આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ દેહ થકી ફેલાતું ટળે છે. જે લોકો શ્મશાન માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી ગણવામાં આવ્યું છે.
મારા મતે પહેલાના જમાનામાં એવા કોઈ સાધનો ન હતાં, સમાચાર પત્ર કે ટી વી જેવી સુવિધા ન હતી, તેથી આવી બધી સમજણ સમસ્ત સમાજને પહોંચાડી શકાતી નહિ, તેથી ધર્મ કે ડોશી શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને અમલમાં મુકાતા. અને જો કોઇ તેનું ઉલ્લંઘન કરે તો તે પાપી કે નાસ્તિક છે એવું ઠરાવી દેવાતું, અને તેને એ અપરાધ ની સજા મૃત્યુ બાદ પણ ભોગવવી પડશે એવી બિક બતાવાતી જેથી વધારે માં વધારે લોકો એ અપરાધ કરતા ડરતા અને એ બહાને આ વૈજ્ઞાનિક કારણ નું પાલન થતું.

જેના કુટુંબમાં આવો બનાવ બન્યો હોય ત્યાં પરિચિત કે સગા સંબંધી લોકો સ્મશાન યાત્રામાં પહોંચાય કે ન પહોંચાય પણ ઘેર મળવા આવે, અને જેવા જેના રિવાજ મુજબ લગભગ બાર દિવસ સુધી દર રોજ બેસવા આવે, જેથી શોકનું વાતાવરણ ધીરે ધીરે હળવું બને અને શોકમગ્ન કુટુંબી જનોનું દુ:ખ ભુલાવા માંડે.

ત્યાર બાદ જેવી શક્તિ હોય તે મુજબ એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે જેથી શોકનો માહોલ પ્રસંગની ધમાલમાં હળવો બને. જોકે મારા મતે આ રિવાજ બંધ કરવા જેવો છે. કેમ કે ઘણાં લોકો ને આ ખર્ચ શક્તિ ન હોવા છતાં કે ઇચ્છા ન હોવા છતાં ફક્ત સમાજના ડરથી કરજ લઈને પણ કરવો પડતો હોય છે. આમ પણ જે રિવાજ કુરિવાજ બનતો હોય અને જેની જરૂર ન હોય તેને તજવો એજ સમજદાર લોકોની સમજદારી છે.    

મારા મતે જેને ડોશી શાસ્ત્ર કહેછે તેને શું હજુ પણ આપણે ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું તે આપે નક્કી કરવાનું છે.
સમય સમય પર મારી બુદ્ધિ પ્રમાણે આવા આવા દાખલાઓ અહીં ટાંકતો રહીશ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસSaturday, October 19, 2013

 પ્રીતમ નો પ્રેમ

ઢાળ- માલકોશ જેવો

પ્રેમ પ્રીતમ ને રિઝાવે
                           નાણે નજર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડી ખાતો, પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝેર મીરાં ના પી જનારો, તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો, તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન, વિધ વિધ વેશ બનાવે...

દીન "કેદાર" પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગાં ન રહેશો, મોહન મુખ પર આવે...

Friday, October 18, 2013


                                  ગરબો
                                                                હૃદયે રહેજો

અંબિકા મારે હૃદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજો
બાલુડો તારો માંગુ હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો...

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિ વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો...

દેવી દયાળ તું બેઠી જઈ ડુંગરે, ભક્ત ને ભુલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો...

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો... 

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Thursday, October 17, 2013


જગ જનની

ઢાળ:- રાગ દુર્ગા જેવો

જગ જનનિ જગદંબા ભવાની,         હું બાલુડો તારો
આવ્યો તારે શરણે અંબા,       શરણાગત ને સ્વીકારો...

તું કરૂણા ની કરનારી,        દુખિયા ના દુ:ખ હર નારી
                         તારી મૂર્તિ મંગલકારી ભવાની...

તારી શોભે સિંહ ની સવારી, તને ભજતાં ભૂપ ને ભિખારી
                        માં સમદ્ગષ્ટિ છે તમારી ભવાની...

તારી ભક્તિ જે ભાવ થી કરતાં, એના પાપ સમૂળાં ટળતાં
                      એને યમ કિંકર ના નડતાં ભવાની...

ના હું ભાવ ભક્તિ કંઈ જાણું,    તારો મહિમા કેમ પિછાણું
                     મને આપો ઠરવા ઠેકાણું ભવાની...

તારું નામ રહે નિત મન માં, વીતે જીવન સમરણ સુખ માં
                    ના હું પડું ચોરાસી ના દુ:ખ માં ભવાની ...

માં દીન "કેદાર" ઊગારો,        મારી બેડલી પાર ઉતારો
                          મને આશરો એક તમારો ભવાની...
ફોટો ગુગલના સહયોગથી સાભાર


સંભારણુંમિત્રો ઘણા સમયથી મારા બ્લોગમાં કોઈ કારણસર મારી રચનાઓ પોસ્ટ થતી ન હતી, આજે એક મિત્રના સહયોગથી શરૂ થઈછે, કોઈ ગરબડ જણાયતો માફ કરજો ધીરે ધીરે સેટ થઈ જશે.
હમણાંજ બ્રહ્મ લીન નારાયણ બાપુની તિથિ પર એક ભાઇએ બાપુ વિષે પૂછેલું. તો હવે એ પ્રસંગો જે હું અહિં મૂકી શક્યો નહતો તે મૂકતો રહીશ.સાથો સાથ પ. પૂ. નારાયણ સ્વામીજીના સ્વ હસ્તે લિખિત આશીર્વાદ, એક અલૌકિક સંભારણું. જે બાપુના પુત્ર હરેશભાઇના કહેવા મુજબ બીજા કોઈ પાસે ભાગ્યેજ હશે.

વિરહિણીઢાળ-કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો,  જેવો       

એક દિ’ રજની રડવા લાગી, ચાંદની પાસે જઈ
ઘોર અંધારાં ખૂબ ઉલેચ્યા, પણ- ભાનુ ને ભાળ્યો નઈ...

સાંભળ્યું છે મેં સાયબો મારો, સોનલા રથડો લઈ
જગ બધાને દે અજવાળું,     હુંજ અંધારી રઇ...

રોજ સજાવું આંગણું મારું, આકાશ ગંગા લઈ
તારા મંડળ ના સાથિયા પુરૂં, તોય ડોકાતો નઈ...

દુખીયારી એવો દિન ન ભાળ્યો, કે સૂરજ સાથે રઇ
વધે ઘટે પણ વાલમો તારો, તને-વેગળી રાખે નઈ...

એક અમાસે અળગો રહે ત્યાં, હાંફળો ફાંફળો થઈ
આગલી સાંજે દોડતો આવે,   કેળથી બેવડ થઈ...

હારી થાકીને સાહેલી સાથે, સોમ ને શરણે ગઈ              
આશરો લઈ ને આંખમાં એની, કાજળ થઈ ને રઇ...

આભ તણી અટારીએ બેઠી,  ઓલી "કેદાર" કાળી જઈ
અરુણોદય ની આશ જાગી ત્યાં, આખિ એ ઓગળી ગઈ


સાર- રજની {રાત} પોતાના પ્રેમી ભાનુ {સૂરજ} ને મળવા માટે હંમેશ આતુરતા પૂર્વક રાહ જોતી હોવા છતાં મળી શકતી નથી, ત્યારે તેની સાહેલી ચાંદની પાસે જઈ ને બળાપો કાઢે છે, કે હું દરરોજ અંધારાં ઉલેચી, તારા મંડળ ના સાથિયા પુરી, આકાશ ગંગા લઈ ને  મારા આંગણા માં શણગાર કરૂં છું, છતાં એ આવતો નથી, મેં સાંભળ્યું છે મારો સાયબો સોનાના રથ પર સવાર થઈ ને આખા જગત ને અજવાળે છે, પણ હું એક અભાગી જ એના વિરહમાં અંધારે રહું છું. તારો સાયબો {ચંદ્ર} ભલે વધઘટ કરે,  ફક્ત એક અમાસ ના જ  તારાથી અળગો રહે ત્યાં તો હાંફળો ફાંફળો થતો કેડ થી બેવડ વળી ને દોડતો દોડતો આવી જાય છે. 
  ચાંદની એ એક રસ્તો બતાવ્યો કે તે કદાચ તને મળવા નહિ માંગતો હોય, તારે સૂર્ય ના દર્શન જ કરવા હોય તો એક રસ્તો છે એને ખબર ન પડે એમ તું મારા સોમ {ચંદ્ર} ની આંખ નું કાજળ બની ને બેસી જા તને જરૂર દર્શન થઈ જશે.

   પણ જ્યાં અરુણોદય {સૂર્યોદય} થવા લાગ્યો અને જેમ જેમ પ્રકાશ રેલાવા લાગ્યો તેમ તેમ રાત ઓગળવા લાગી અને જ્યાં પૂર્ણ કલાથી સૂર્ય ખીલ્યો ત્યાં તો રજની પોતેજ ઓગળી ગઈ. એવી કલ્પના આ કાવ્ય માં કરવા માં આવી છે.

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

કન્યા વિદાય ની વેળાએક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે,   ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે,    આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩
   
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નેત્રે,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના 
"કેદાર" કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬
સાર-
૧-ઈશ્વરે દયા કરીને મારા ઘરે સુંદર પુત્રી રત્ન આપીને મને ધન્ય ધન્ય કરી દીધો, જાણે મને નવું બચપણ મળ્યું હોય તેમ આ રમકડું રમવા મળતાં હું ઘેલો ઘેલો થઈ ગયો, મારુંતો જાણે જીવનજ બદલાઈ ગયું, બસ ભગવાનના આ વરદાનને રમાડતાં રમાડતાં સમયનું ભાનજ રહેતું નહીં.

૨-નાની એવી ઢીંગલી પડતાં આખળતાં ચલતા શીખી, અને ધીરે ધીરે આંગણામાં અને પછી ત્યાંથી આજુ બાજુ સખીઓ ની સાથે રમતાં રમતાં મોટી થવા લાગી, જેનો મનેતો ખ્યાલજ ન આવ્યો. મારા માટેતો હજુ એજ ઢીંગલી હતી, ત્યાં અચાનક એક સમાચાર મારા મનને એવું હચમચાવી ગયા કે રડવું કે હસવું તે સમઝમાં ન આવ્યું, મારા એક સ્નેહી તરફથી મારી ઢીંગલીની માગણી કરવામાં આવી, કોઈ બાળકનું પ્રિય રમકડું છીનવી લેવામાં આવતું હોય અને જે લાગણી એ બાળક ના મનમાં થાય તેવીજ લાગણી ત્યારે મને પણ થઈ, પણ હું પણ કોઈની લાડકવાઇ ને મારે ઘેર લાવ્યો છું તો મારે પણ મારી લાડકવાઈ ને આપવી પડેને?    

૩-એક બાંકો નવજવાન ઘોડાપર બેસીને આવ્યો અને હજ્જારો લોકોની હાજરીમાં મારું અણમોલ રતન મારાથી લગભગ છીનવીને જતો રહ્યો, આટ આટલા સગા સંબંધીઓ મારા ઘરમાંથી થતી આ ઘરેણાની ઉચાપત જોતારહ્યા, કોઈએ રોકવાની જરાએ કોશિશ ન કરી.

૪-જ્યારે આ દીકરી ઘૂંઘટ તાણીને જ્યાં પોતાનું બચપણ મુગ્ધા અવસ્થા તેમજ યૌવન વિતાવ્યું હતું તે ઘરથી સાસરી તરફ જવા નીકળી ત્યારે ઘરનાતો ઘરના પણ અડોશી પડોશિ ને પણ તેની ખોટ જાણે આજથીજ વર્તાવા લાગી, પણ આતો એક અનિવાર્ય પ્રસંગ હતો તેમ સમજીને ભારે હૈયે અને સાથો સાથ ઉમંગ સાથે વળાવવા માટે ઊમટી પડ્યા. 

૫-મોટા ભાગે બધી દીકરીઓ જ્યારે સાસરે જવા વિદાય લેતી હોય ત્યારે બધાને ભેટી ભેટી ને મળતી હોયછે, અને એમાં પણ સાહેલીઓને તો ખાસ મળતી હોય છે પણ આ દીકરી જાણે બધાથી મોં છુપાવતી હતી, ત્યારે સખીઓએ કારણ પુછું તો કહે કે જ્યાં હંમેશાં મારા મુખપર ચંચળતા રહેતી હતી  પણ આજે બધાને છોડી જવાનો રંજ છે, આંસુ છે, અને એક નવું પાત્ર ભજવવાનું છે. જેનું ગાંભીર્ય છે, મારા પિતાએ કોઈ દિવસ મારા મુખ પર આવો ભાવ જોયો નથી, જો તેઓ મને આ ભાવ સાથે જોવે તો તેઓ સહન ન કરી શકે તેથી હું મુખ છુપાવી રહીછું. 

૬-પણ બાપની તો એકજ શિખામણ હોય, કે બેટા મોટા ઘરે જાશ, આબરૂદાર ખાનદાન છે, કોઇ એવું કામ ભૂલે ચૂકે પણ ન કરજે કે જેથી કોઈ મેણું મારી જાય. બસ ઈશ્વર પાસે એકજ અરજ છે કે મારી લાડલીના દ્વારની આસ પાસ પણ કોઈ દુખ ડોકાય નહીં. 


મિત્રો,સ્નેહીઓ અને શિવ ભક્તો.
આ પહેલાં મેં સુંદરકાંડનો ગુજરાતીમાં અનુવાદ કરીને રજૂ કરેલો, જેને સારો એવો પ્રતિઘોષ મળેલો, આજે અહીં શિવજીની કૃપા મેળવવા રાવણે જે ‘શિવતાંડવસ્તોત્ર’ રચ્યું તે સામાન્ય જન માનસમાં આસાનીથી સમજાય તે હેતુથી મેં તેનો પણ અનુવાદ કરવા વિચાર્યું પણ જે શબ્દો દ્વારા મહાન શિવ ભક્ત રાવણે શિવજીને પ્રસન્ન કર્યા હોય, અને દેવાધી દેવ મહાદેવ ખુશ થઈને પ્રગટ થયા હોય  તો તેની શબ્દ રચના સામાન્ય તો નજ હોય, પણ આ મહાન સ્તોત્ર સામાન્ય જન પણ સમજી શકે તે હેતુથી બને તેટલી સરળ ભાષામાં અનુવાદ નહીં પણ સમ કક્ષ બનાવવાની કોશીશ કરીછે.
આમાં મારી કોઈ લાયકાત બતાવવાની ભાવના નથી, અને તેટલું સામર્થ્ય પણ નથી, ફક્ત અને ફક્ત સર્વે લોકોને સરળ ભાષામાં સમજાય તેવી કોશિશ કરીછે, આ કાર્યમાં પણ એક સંતના આશીર્વાદ મળ્યા બાદજ આજે આપ સમક્ષ રજૂ કરુંછું, તેમાં કંઈ પણ ભૂલ જણાય તો દર ગુજર કરવા વિનંતી.

                           

                        શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી


જટાજૂટ જટા બની, વિશાલ વન ઘટા ઘનિ, પવિત્ર ગંગ ત્યાં વસી, ગરલ કંઠ પખાળતી
સર્પ જ્યાં અનેક માપ, ડમરુ નાદ પ્રચંડ થાપ, તાંડવ શિવ નાચતાં, કૃપા કરો કૃપા કરો.. !!૧!!

કોચલી જટા મહીં, ગંગ ત્યાં ભ્રમણ ઘણી, ચંચલ જલ ધાર થી, શિવ શીશ લહેરી રહી
ધધક રહી અગન અકળ, પ્રદીપ્ત શિવ મસ્તકે, શીશ શોભે ચંદ્ર બાળ, કૃપા કરો સદા કાળ..!!૨!!

નગાધિરાજ નંદિની, વિલાસ સંગ આનંદીની, કરે કૃપા કૃપાળ તો, વિપદ ટળે સૌ ભક્તની
દિગંબરા શ્રી શંકરા, લગાવું ચીત શિવ ચરણ, ભભૂત નાથ ભવ તરણ, પ્રફુલ્લ ચિત તવ શરણ !!૩!!

શોભે જટા મણીધરો, પ્રકાશ પુંજ ફણીધરો, દિશા સકળ ઉજ્વલ કરી, કેસર વર્ણ ઓપતી,
ગજ ચર્મથી શોભતાં, સર્વ પ્રાણી રક્ષતાં, મન વિનોદિત રહે, શિવ કેરા શરણમાં !!૪!!

સહસ્ત્ર દેવ દેવતા, ચરણ કમલને સેવતા, ચડાવી શિર ચરણ ધૂલી, પંકજ પદ પૂજતા.
શોભતા ભુજંગ જ્યાં, ચિત રહે સદાય ત્યાં, કૃપાળુ ચંદ્ર શેખરા આપો સદાએ સંપદા. !!૫!!

ગર્વ સર્વ દેવના, ઉતારવા અહમ્ સદા,  કર્યો ભસ્મ કામને, જે રૌદ્ર રૂપ આગથી.
સૌમ્ય રૂપ શંકરા, ચંદ્ર ગંગ મુકુટ ધરા, મૂંડકાની માળ ધારી, સંપદા દેજો ભરી.   !!૬!!

જે કરાલ ભાલ જ્વાલના, પ્રતાપ કામ ક્ષય થયો, ઇંદ્ર આદી દેવનો, મદ તણો દહન થયો.
ગિરજા સુતાના વક્ષ કક્ષ, ચતુર ચિત્રકારના, ચરણ કમલ ત્રિનેત્રના, શરણમાં ચીતડું રહે. !!૭!!

નવીન મેઘ મંડળી, અંધકાર ઘોર કંઠ ભળી, ગજ ચર્મ શોભતાં, ચંદ્ર ગંગ શિર ધરી
સકળ જગના ભારને, સહજમાં સંભાળતા, અમ પર ઉપકાર કર, સંપત્તિ પ્રદાન કર. !!૮!!

નીલ કમલ સમાન કંઠ, પૂર્ણ પ્રકાશિત કંધ, કાપો સકળ સૃષ્ટિ દુખ, ગજાસુર હંતા.
વિધ્વંસ દક્ષ યજ્ઞ કર, ત્રિપુરાસુર હનન કર, અંધકાસુર કામ હર્તા, નમૂ ભગવંતા.    !!૯!!

કલ્યાણ કારી મંગલા, કળા સર્વ ભ્રમર સમા, દક્ષ યજ્ઞ ભંગ કર, ગજાસુર મારી.
અંધકાસુર મારનાર, યમના પણ યમરાજ, કામદેવ ભસ્મ કર્તા, ભજું ત્રિપુરારિ !!૧૦!!

વેગ પૂર્ણ સર્પના, ત્વરિત ફૂંકાર ફેણના, ધ્વનિ મધુર મૃદંગના, ડમરુ નાદ ગાજે  
અતિ અગન ભાલમાં, તાંડવ પ્રચંડ તાલમાં, શોભે શિવ તાનમાં, સૌ રીતે શિવ રાજે !!૧૧!!

જે પથ્થર કે ફૂલમાં, સર્પ મોતી માળમાં, રત્ન કણ કે રજ મહી, અંતર નહીં આણે
શત્રુ કે સખા વળી, રાજા પ્રજા કમલ કથીર, ગણતા સમાન શિવ, ભજન ક્યારે માણે જીવ. !!૧૨!!

બનાવી ગીચ કુંજમાં, વસું હું ગંગ કોતરે, કપટ વિનાનો આપને, શિવ અર્ઘ્ય આપું
અથાગ રૂપ ઓપતી, સુંદર શિવાને શીશ લખ્યું, મંત્ર શિવ નામનું, સુખ સમેત હું જપું. !!૧૩!!

દેવાંગના ના મસ્તકે, શોભી રહ્યા જે પુષ્પછે, પરાગ ત્યાંથી પરહરી, પહોંચે શિવ દેહછે
પુલકિત કરે સમગ્ર જન, પમરાટ ને પસરાવતી, અપાવતી હ્રદય મંહી, પ્રસન્નતા અપાર છે.  !!૧૪!!

પાપ હો પ્રબલ ભલે, સમુદ્ર દવ સી કાપતી, સૂક્ષ્મ રૂપ ધારિણી, અષ્ટ સિદ્ધિ દાત્રી દેવીઓ
વિવાહ પ્રસંગે શિવના, એ ધ્વનિ હતી જે મંત્રની, દુ:ખો મિટાવી સર્વના, વિજય અપાવે દેવીઓ  !!૧૫!!

નમાવી શીશ શિવને, સ્તવન કરેજે સર્વદા, પઠન કરે મનન કરે, ભજન કરે જે ભાવથી.
જીવ આ જંજાળ થી, વિમુક્તિને પામતો, જીવન મરણ મટે સદા, શિવ શરણ પામતો !!૧૬!!

રાવણ રચિત આ સ્તોત્રથી, પૂજન કરે જો શિવનું, પઠન કરે જે સાંઝના, ભાતું ભરે એ જીવનું.
ભર્યા રહે ભંડાર સૌ, અશ્વ ગજ ને શ્રી રહે.  સંપતીમાં રાચતો, એ ના કદી વિપદ રહે. !!૧૭!!

રચ્યું જે સ્તોત્ર રાવણે, અનુવાદ શું કરી શકું,  ઉમદા અલંકારને "કેદાર" શું સમજી શકું
સહજ બને સૌ ભક્તને, સમજ મુજબ સરળ કર્યું, ભાવથી ભજન કરે, એ આશથી અહીં ધર્યું

ઇતિ શિવ તાંડવ સ્તોત્ર અનુવાદ સંપૂર્ણ.

સુંદરકાંડ ગુજરાતી

                             

                    સુંદરકાંડ ગુજરાતી


                                     Inline image 1

શ્રીગણેશાય નમ:
સુંદરકાંડ ગુજરાતી
બે બોલ:-
આજ કાલ સુંદરકાંડ ના પઠન નો મહિમા ખૂબ વધ્યો છે, રામ કે ઈશ્વર ના કોઈ પણ રૂપ માં ગુણ ગાન કોઈ પણ પ્રકારે ગવાય તે તો અહોભાગ્ય કહેવાય, પણ એક ભાવુક અને સત્સંગી વ્યક્તિ જે અમારા ભજન મંડળના સભ્ય છે તેમણે મને રામાયણ ની એક ચોપાઈ નો અર્થ પૂછ્યો, [હું રામાયણનો જ્ઞાતા નથી, પણ અમારા મંડળના લોકો મને થોડો સમજદાર સમજવાની ભૂલ કરતા હોઈને મને પૂછ્યા કરતા હોયછે] પણ મને પૂર્ણ રૂપે સમજવામાં અને સમજાવવામાં મથામણ કરવી પડી, ત્યારે મને વિચાર આવ્યો કે મારા જેવાતો ઘણા બધા લોકો હશે જેમને સત્સંગી હોવા છતાં અમુક ચોપાઈ ના અર્થ ની પુરી સમજ ન પણ હોય, તો રામાયણ, સુંદર કાંડ કે એવા બીજા મહા કાવ્યો પુર્ણ રૂપે કેમ સમજી શકે? રામાયણ, મહા ભારત કે ગીતા જેવા મહા કાવ્યો ની પવિત્રતા વિષે કંઈ પણ લખવાની જરૂર ન હોય, પણ હિંદી, ગુજરાતી કે સંસ્કૃત ન જાણનારો કોઈ વિદેશી એનો અર્થ સમજી શકે ? અને સમજાય નહીં તો ભાવ ક્યાંથી જાગે? અને ભાવ ન જાગે તો ફળ શું? ફક્ત પોપટિયા જ્ઞાન થી પૂરો ફાયદો ન મળે.વાલિયો લુટારો રામ ને બદલે મરા મરા બોલતો હતો, તો પણ પાર થઈ ગયો એવો મારા મિત્રે તર્ક કર્યો, પણ તેને એ તો ખબર હતીને? કે હું કોના નામ જપુંછું. એ ભાવ હતો, ઘણી જગ્યાએ મોટા મોટા યજ્ઞો થતા હોયછે તેમાં ગોરબાપા ના "સ્વાહા" સિવાયના ઘણા શ્લોકો ની ખબર ઘણાને પડતી હોતી નથી, જેથી પૂર્ણ રૂપે ફળ મળતું નથી, જેમ અર્ધ અંગ્રેજી જાણનારો વાત તો સમજીલેછે, પણ તેના મર્મનો આનંદ માણી શકતો નથી, તેથી મેં વિચાર્યું કે સુંદરકાંડનું એક એવું ભાષાંતર કરું કે જે સહજ હોય, ગુજરાતીઓ માટે સરળ ગુજરાતીમાં હોય, અને બને ત્યાં સુધી વધારે માં વધારે ચોપાઈઓ વગેરે નો મારી બુદ્ધિ પ્રમાણે અનુવાદ કરવાનો પ્રયત્ન કરવા છતાં સંપૂર્ણ સુંદરકાંડ નું તાત્પર્ય જળવાઈ રહે અને સાથે સાથે સમય પણ ઓછો લાગે, જેથી વધારે માં વધારે લોકો ભાગ દોડ વાળી જિંદગી માં પણ એનો વધારે માં વધારે લાભ લઈ શકે. હા, કોઈ કોઈ જગ્યાએ પ્રાસ મેળવવા માટે થોડી શબ્દોની હેરાફેરી કરીછે, અને ક્યાંક ક્યાંક પુનરુક્તિ દોષ પણ હશેજ, તે બદલ ક્ષમા માંગુ છું. પણ હું કોઈ મહા કવિ કે વિદ્વાન નથી,જોડણી માં કાચો અને ભાષા માં પારંગત ન હોવાથી અત્યંત ભૂલો થતી હશે,  પણ જ્યારે "રામ ચરિત માનસ" જેવા મહા ગ્રંથ ના રચયિતા સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ-કે જેને ખુદ હનુમાનજી સામે બેસીને લખાવતા હોય- છતાં તેઓ કહેતા હોય કે "કવિ હું ન મેં ના ચતુર કહાવું, મતી અનુરૂપ હરિ ગુણ ગાઉં" તો મારી શું વિસાત? મારી તો દરેક ભૂલો માફ કરવી જ પડે, પણ જેમ હું નથી સમજી શકતો તેમ બીજા પણ ઘણા લોકો હશે જે આવા મહા ગ્રન્થોના મર્મો પૂરે પૂરા સમજી સકતા નહીં હોય, એ વિચારે મારાથી બનતી કોશિશે બને તેટલા સરળ શબ્દોમાં સુંદરકાંડ નું ભાષાંતર મારી બુદ્ધિ પ્રમાણે કરવાની મહેનત કરી છે.
આ પ્રયત્નમાં મારા કોઈ કૌશલ કે વિદ્વતાના દેખાડાનો પ્રયાસ નથી, પણ એક સામાન્ય માણસ સુધી આ મહાન ગ્રન્થ ની સમજ પહોંચે એજ હેતુ છે. ઈશ્વરે મને ગાવાની અને થોડી સંગીત ની પણ સમજ આપી છે, પણ તે ફક્ત ગાઈ શકાય અને પ્રાસ મેળ બેસાડી શકાય તેટલીજ છે, તેથી આ કાર્યમાં તેનો મેં મારાથી બનતો બધો ઉપયોગ કર્યો છે, છતાં મારી કોઈ ભૂલ હોય તો તે ફક્ત મારી જ ભૂલ સમજી ને મને માફ કરવા ની આશા રાખું છું.


આ મહાન રચના નો અનુવાદ કરવાનો મેં વિચાર કર્યો, પરંતુ આ કાર્ય યોગ્ય છે કે, નહીં તે માટે કોઈ જ્ઞાની જન કે કોઈ સંત વ્યક્તિ ની અનુમતિ લેવી એવી મને ઇચ્છા હોઈ ને મેં એક ડૉક્ટર ની પદવી પામેલા સંત જેવા મહા પુરુષ ની મંજૂરી માંગી, (તેમની નામ લખવાની અનુમતિ મેં લીધી નથી તેથી અહિં નામ લખતો નથી,અને હવે હું એ મહા માનવ નો સમય બગાડવા માંગતો નથી.) તે વ્યસ્ત વ્યક્તિ એ  મારા માટે સમય ફાળવી ને મને અનુમતિ તો આપી, સાથો સાથ આ રચના નો પ્રચાર-પ્રસાર થાય એમ કરવા પણ અનુરોધ કર્યો છે, હું કોઈ પણ શબ્દોમાં એ મહા પુરુષ નો આભાર માનું તે પૂરતું નહીં હોય.

કિષ્કિંધા કાંડ-
સાગર કિનારે પહોંચીને સર્વે વાનરો વાતો કરતા હતા કે સીતા માતાની ખબર મેળવવા હવે શું કરવું? જટાયુ કેવો ભાગ્યશાળી કે જેણે રામ માટે દેહ નો ત્યાગ કર્યો, ત્યાં ગુફામાં રહેતો સંપાતી નામનો ગીધ પોતાના ભાઇ જટાયુ નું નામ સાંભળી ને બહાર આવ્યો અને વિગત જાણી કહેવા લાગ્યો કે હવે તો હું ઘરડો થયો પણ મને સામે પાર ત્રિકૂટ નામના પર્વત પર લંકા નગરી છે ત્યાં અશોક વાટિકામાં સીતા માતા બિરાજે છે તે દેખાય છે. બધા યોદ્ધાઓ પોત પોતાના બળા-બળ ની વાત કરવા લાગ્યા, ત્યારે જામવંત હનુમાનજી ને શ્રાપ વશ ભૂલેલા તેમના બળ ને યાદ કરેછે, કે હે મહાવીર તમે બળવાન છો, અને તમારોતો અવતારજ રામનું કાર્ય કરવા માટે થયોછે. આવું સાંભળી ને હનુમાનજીએ પહાડ જેવો વિશાળ દેહ ધારણ કર્યો અને સિંહ જેવી ગર્જના કરી.............હવે આગળ..

                            ભાવાનુવાદ:- સુંદર કાંડ-ગુજરાતી

જામવંત ના વચનો વિચારી, હનુમંત આનંદિત ભારી,                     આવું પરત હરિ કાજ કરીને, ખાઈ વન ફળ રહો ધીર ધરીને
કરું શોધ જ્યારે સીતા માતા, મળે મુજ મનને ત્યારે સાતા.             એમ કહી નમાવી શીશ સૌને, ચાલ્યા બજરંગ હરિ હ્રુદયે ભરીને
સિંધુ કિનારે એક પહાડ બહુ સુંદર, ચડ્યા હનુમાન ઓળંગવા સમુંદર,  વારમ વાર રઘુનાથ સંભારી, થયા તૈયાર અતુલિત બલ ધારી
જ્યાં ગિરિ પર હનુમાન પગ ધારે, ગયો પાતાળ પરવત તે ભારે,      જેમ અમોઘ રઘુપતિ ના બાણો, એજ સમાન હનુમંત ગતિ જાણો,
જાણી હરિ દાસ મેનાક મનાવે, કરો વિશ્રામ હનુમાન રિઝાવે,             રામ કાજ વિણ નહિ સુખ મુજને, કરું પ્રણામ ભાવ જોઇ તુજને.
દેખી દેવો પરીક્ષા કરવા, સુરસા આવી ઉદર હનુ ભરવા,                          કરે કપિ વિનંતી બે હાથ જોડીને, આવું પરત પ્રભુ કામ કરીને
સમાચાર શુભ પ્રભુને બતાવું, તદ્ પશ્ચાત્ પરત હું આવું,                     તે સમયે ભલે ઉદર મને ભરજો, સત્ય કહું શંકા નહિ કરજો.
તો પણ સુરસા વાત ન માને, કહે હનુમાન તો ગ્રહી લો જાતે,            ખોલે જોજન મુખ સર્પિણી માતા, મહાવીર બમણા બની જાતા
સોળ જોજન બની સર્પિણી માતા, હનુમાન બત્રીસ બની જાતા,             જેમ જેમ સુરસા મુખ પ્રસારે, તેમ બજરંગી બમણું વિસ્તારે
સો જોજન મુખ સુરસા કીધું, અતિ લઘુ રૂપ  હનુમાને લીધું,                    કરી પ્રવેશ મુખ સન્મુખ આવે, માંગે વિદાય કપિ શીશ નમાવે        
જે કામ દેવોએ મને દીધું, તે કારણ મેં પરીક્ષણ કીધું.                         દેખી બલ બુદ્ધિ આનંદ વ્યાપે, હરખ સમેત શુભ આશિષ આપે,           

દોહો-ધન્ય ધન્ય હનુમાન જી, બળ બુદ્ધિ જ્ઞાન નિધાન
      આશિષ દઈ સુરસા ગઈ,   હરખે ચાલ્યા હનુમાન...
      
                               મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                               તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.
  
મધ્ય સાગર એક રાક્ષસી રહેતી, નભચર છાંય પકડી મુખ લેતી,      એજ પ્રકાર હનુમંત સંગ કરતાં, મારી મુષ્ટિકા વિલંબ ન ધરતાં
સાગર પાર કરી કપિ પેખ્યું, સુંદર કંચન કોટ બહુ દેખ્યું,              વન ઉપવન બહુ બાગ ફૂલ વાડી, વાવ કૂવા સરોવર છે અગાડી.
ઉમા ન કોઈ કપિ કેરી બડાઈ, એ સઘળી પ્રભુની પ્રભુતાઈ.                  ચડી પર્વત લંકા ત્યાં દેખી, કનક કોટ સિંધુ શોભા અનોખી.
ઘર ચોગાન વળી મહેલો મજાના, ભવન મનોહર સુંદર ત્યાંના,                 નર નાગ સુર ગંધર્વ બાળા, મોહે મુનિ મન રૂપ રસાળા
અસ્ત્ર શસ્ત્ર સંગ સૈન્ય સૌ સુરા, અશ્વ કુંજર બલવાન બહુ પૂરા,                      દે પહેરા બહુ અસુર અનેરાં, કનક કોટ રક્ષિત ઘણેરાં
અતિ લઘુ રૂપ હનુમાન વિચારે, કરું પ્રવેશ અંધકાર હો જ્યારે,                 નામ લંકિની નિશાચર નારી, લંકા નગર ની પ્રહરી ભારી.
દેખી હનુમાન વાત ઉચ્ચારી, ચોર સમાજ ભોજન પ્રિય ભારી,             મુષ્ટિકા એક હનુમંત દે મારી, મુખ રુધિર ભર મનમાં વિચારી.
વર બ્રહ્મા મને યાદ હવે આવે, કોઈ વ્યાકુળ કપિ જે દિ' કરાવે,               હે કપિરાજ હવે મર્મ હું જાણું, આવ્યું નિશાચર અંત નું ટાણું.
રામ ભક્ત ના દર્શન પામી, હે હનુમાન નમામી નમામી,                   અતિ લઘુ રૂપ લઈ હનુમંતા, નગર ગયા ધરી મન ભગવંતા.
મંદિર મંદિર શોધે સીય માતા, જોયા ત્યાં યોદ્ધા મદમાતા,                  મહેલ દશાનન ભિન્ન દેખાતો, વૈભવ સઘળો વરણી ન જાતો.
ભવન એક અતિ અલગ દરસાતો, હરિ મંદિર સુંદર વરતાતો,                રામ નામ અંકિત ત્યાં શોભે, દેખી હનુમંત મન અતિ લોભે.
લંકા નગર નિશાચર વસતા, સજ્જન ત્યાં વસવાટ શેં કરતાં,                   એજ સમય વિભીષણ જાગ્યા, રામ રામ સમરવા લાગ્યા.
પહોંચ્યા પવનસુત વિપ્ર રૂપ ધારી, દેખી વિભીષણ અચરજ ભારી,         શું તમે હરિના દાસ છો કોઈ, મુજ હ્રદય અતિ પ્રીતિ કેમ હોઈ.
કે પછી આપ જ રામ અનુરાગી, આવ્યા મને કરવા બડભાગી,                   કહી કથા કપિ સૌ સાચે, બની પુલકિત વિભીષણ નાચે.
હે હનુમંત કહું વિપદા અમારી, રહે મુખમાં જેમ જીભ બિચારી,                  તામસ દેહ કરી શકું ન સેવા, સાથી મળે પદ પંકજ મેવા.
તવ દર્શન થી આસ એક જાગી, હરિ દર્શન કરી થવું બડભાગી,       કહી કથની પછી જાનકી માતા, ગયા વાટિકા કપિ હરિ ગુણ ગાતા.
દેખી દુર્બળ દીન જનક દુલારી, પવનસુત મન દુ:ખ અતિ ભારી,         એજ સમય લંકેશ ત્યાં આવ્યો, સંગે નારી સજી ધજેલી લાવ્યો.
સામ દામ દંડ ભેદ બતાવ્યા, જનક સુતાને બહુ સમજાવ્યા,                સાંભળ હે દશમુખ અભિમાની, જાણે ન બળ રઘુનાથ ભુજાની.
સૂર્ય સમાન રઘુ પતિ મુખ કાંતિ, આગિયા સમ તું રાખે શું ભ્રાંતિ,              હે સીતા સમજ મુજ વાણી, રાવણ બોલ્યો ખડગ કર તાણી.
મંદોદરી દશાનન સમજાવે, નીતિ રીતિ થી શાંત કરાવે,                માસ દિવસ મહેતલ દઈ રાવણ, ગયા મહેલ કરી રૂપ કૃર ધારણ.

રાગ ચોપાઈ જેવો - રાવણ ગયો તાકીદ કરીને, આપો ત્રાસ રહે સીતા ડરીને,
                      વિધ વિધ રૂપે એને મનાવો, કરે સમર્પણ એમ સમજાવો...

                                મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                     તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

ત્રિજટા એક નિશાચર દાસી, રામ ચરણ કમલ પ્રિય પ્યાસી,                    કહે સપને એક વાનર ભાળ્યો, મારી સૈન્ય લંકા ગઢ બાળ્યો.
નગ્ન શરીર દસ મુંડન સાથે, ભુજા વિણ ગર્દભની માથે,                            વિભીષણને  લંકાપતિ દીઠો, રામ પ્રતાપ ભાસે બહુ મીઠો.
સુણી સપનું ડરીને નિશાચરી, માંગે ક્ષમા સીતા પદ ફરી ફરી,               વિધ વિધ વચન ત્રિજટા સમજાવે, સીતા તોય શાંતિ નહીં પાવે.
સમય શુભ જાણી મુદ્રિકા ફેંકી, અચરજ અનહદ જાનકી દેખી,                    શું કોઈ માયા વશ છે દેખાણી, કે કરી કપટ છલ કોઈ આણી.
એજ સમય કપિ કથા શુભ ગાવે, રામચંદ્રના ગુણ સંભળાવે,                  કહે સીતા સુણી કથની રઘુરાયા, પ્રગટો ભ્રાતા તમે કેમ છુપાયા.
નત મસ્તક કપિ સન્મુખ આવે, કરુણાનિધિ કહી ભ્રમ ને ભગાવે,               જાણી રામ દૂત હરખ અતિ ભારે, બૂડતી નાવ સાગર જેમ તારે.
કહો ભાઇ વાતો સૌ વિગતે, કેમ પ્રકાર રઘુવીર દિન વીતે,                               કેમ રહે લક્ષ્મણજી ભ્રાતા, તરસી રહી નીરખવા તાતા.
કહું માતા શ્રી રામ દુ:ખ ભારી, હરિ હ્રદય સદા મૂર્તિ તમારી,                 કહ્યો સંદેશ સાંભળો ધીર ધારી, વિપરીત વાત ન મનમાં વિચારી.
"હે સીતા કહું કથની આ મારી, રહે સદા મન પાંસ તમારી,                               તપે ચંદ્ર વાદળ અકળાવે, વર્ષા તાતા તેલ વરસાવે.
સાંતી દેનાર સૌ દુ:ખ વરતાવે, વાયુ વિરહ માં આગ લગાવે,                          કહી શકું વ્યથા જઈ હું કોને, સમજી શકે જે મુજ દર્દો ને".
કહે કપિ ધીરજ ધરો તમે માતા, સમરણ કરો સેવક સુખ દાતા,                  રામ બાણ હવે વિલંબ ન કરશે, કીટક સમાન નિશાચર મરશે.
હે કપિ એક સંદેહ મન આવે, તમ સમ સૈન્ય શું લંકેશ હરાવે,                    સુણી હનુમાન વિશાળ રૂપ કીધું, દઈ સંતોષ સહજ કરી લીધું.
જો પ્રતાપ રઘુનાથ નો હો તો, સર્પ ગળી શકે ગરુડ સમેતો,                      જાણી પ્રતીતિ મન આનંદ સંગે, દે વરદાન શુભ માત ઉમંગે.
અજર અમર ગુણ સાગર બનશો, સદા હરિ ચરણ કૃપા સુખ ધરશો,            વચન સુણી કપિ અતિ હરખાતા, કૃત કૃત્ય થયો આજ હું માતા.
વિનય સમેત અનુમતિ કપિ માંગી, દેખી મધુર ફળ ભૂખ બહુ લાગી,                અતિ બળવાન કરે રખવાળી, દંડશે તમને પ્રવેશતાં ભાળી.
જો હરિ કૃપા સેવક પર હો તો, મહા બળવાન રિપુ થી ના ડરતો,                 ભાળી ભરોંસો સંમતિ આપી, ખાધાં મધુર ફળ ડાળીઓ કાપી.
મૂળ સહિત ઘણાં તરુવર તોડ્યાં, કરી ઘમસાણ વન રક્ષક રોળ્યાં,               બની ભયભીત નિશાચર ભાગ્યા, જઈ લંકેશ કરગરવા લાગ્યા.
નાથ વાનર એક અદ્ભુત આવ્યો, કરી ઉત્પાત મહા ત્રાસ ફેલાવ્યો,               એક એક કરી યોદ્ધા ઘણેરાં, થયા પરાસ્ત બાહુ બળિયા અનેરાં.
રાવણ સુત અક્ષય ને મારી, ભય ફેલાવ્યો સૈન્ય માં ભારી,                            તો લંકેશ મેઘનાદ બોલાવે, કહે કરી બંધક સન્મુખ લાવે.
ઇન્દ્રજીત કરે વિધ વિધ માયા, કેમે કરી હનુમંત ના ફસાયા,                             કોઈ કારી નહીં ફાવે જ્યારે, સુત લંકેશ બ્રહ્માસ્ત્ર ચલાવે.
પરખી અમોઘ પવનસુત જ્યારે, રાખે માન બ્રહ્માસ્ત્રનું ત્યારે,                        કરી વંદન હનુમંત પટકાયા, નાગપાશ વશ બનીને બંધાયા.
નામ રામ ભવ બંધન કાપે, રામ દૂત બંધન કોણ આપે,                            સમાચાર વ્યાપ્યા લંકા માં, દોડ્યા નિરખવા કપિ બંધન માં.

રાગ ચોપાઈ જેવો- ભાળી વૈભવ લંકા પતી કેરો,  લાગ્યો અચંબો હનુમંત અનેરો
                     દશ દિક્પાલ જોડી કર દેખી,     એ પ્રભુતા નહિ જાય ઉવેખી...  

                     મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                     તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

જોઇ નીડરતા હનુમંત કેરી, થઈ ચકિત દશ શીશ કચેરી,                                 હે વાનર તું આવ્યો ક્યાંથી, કોનો દાસ તું કોનો સાથી.
કોના ભરોંસે બાગ ઉજાડ્યો, કે મુજ પ્રતાપ કોઈ ખબર ન પાડ્યો,                   કયા કારણે  નિશાચર મારે, કે પછી મોત નો ડર નહીં તારે.
હે રાવણ બ્રહ્માંડ રચનારા, પાલન પોષણ નષ્ટ કરનારા,                           ખર દૂષણ વાલી હણ નારા, શિવ ધનુષ્ય નો ભંગ કર નારા.
જે પ્રતાપ તમે જગ જીતી આવ્યા, અબળા નાર છલથી હરિ લાવ્યા,               તેજ રામનો દૂત હું નાનો, આપું શિખામણ વાત મારી માનો.
ક્ષુધા વશ મધુર ફળ ખાધાં, માર્યા નિશાચર કરતાં જે બાધા,                           હે રાવણ મહા બલવંતા, ભજી લો રામ કૃપાળુ ભગવંતા.
તજી અભિમાન પરત કરો માતા, નિશ્ચિંત માફ કરી દેશે તાતા,                        રામ વિના ની કોઈ પ્રભુતાઈ, ટકે નહિ ઘટે પાઇ દર પાઇ.
ઝરણા નીર ન હોય મુખ અંદર, જતાં વર્ષા સુકે સરિતા સદંતર,                   કોઈ જન હોય જો રામ વિમુખી, કરે સહાય ના કોઈ ઈશ દેખી.
કોઈ ઉપદેશ રાવણ નહીં લીધો, કપિ વધ કરવા હુકમ કરી દીધો,               મંત્રી ગણ સાથે વિભીષણ આવ્યા, નત મસ્તક લંકેશ સમજાવ્યા.
મારવો દૂત કોઈ નીતિ ન ગણાઈ, આપો સજા અવર કોઈ ભાઇ,               કહે રાવણ તેને પૂંછ બહુ પ્યારી, લાય લગાડી દંડ દો અતિ ભારી.
પૂંછ વિનાનો વાનર ત્યાં જાશે, આપ વીતી સૌ કથની ગાશે.                        બાંધો વસ્ત્ર તેલ મહીં નાખી, આગ લગાવો બાળો પૂંછ આખી.
જાણું પ્રતાપ જો રામ અહિં આવે, કપિ જેને બહુ શ્રેષ્ઠ બતાવે,                   સુણી વચન કપિ મનમાં વિચારે, નક્કી સરસ્વતી સહાય કરે ભારે.
કૌતુક હનુમંત પૂંછ વધારી, તેલ બચ્યું નહીં નગરી સારી,                        ઢોલ પખાજ સંગ નગર ઘુમાવી, આગ લગાવી સભા ખંડ લાવી.
લઈ લઘુ રૂપ કપિ બંધન કાપી, થયા વિરાટ ગગન ભર વ્યાપી,                      હરિ કૃપા અતિ પવન ફૂંકાયા, સહજ કૂદે કપિ અંજની જાયા.
પૂંછ બજરંગ ની આગ વરસાવે, નગર જનો માં ભય ફેલાવે,                       કોઈ પૂંજી કોઈ બાળ બચાવે, કોઈ ભયભીત નિજ જાત છુપાવે.
મંદોદરી ભારી ભય પામી, બેઉ કર જોડી મનાવે સ્વામી,                                વિભીષણ સમજાવે રાવણ ને, કોઈ વચન ના ધરતો કાને.
કુંભકર્ણ નારી ભય વ્યાપે, રામ શપથ દુહાઈ આપે,                                        કૃપા કરી મુજ નાથ બચાવો, હે મહાવીર દયા દરશાવો.
સુણી તરખાટ હનુમાન મચાવે. લંકાપતિ મેઘનાદ પઠાવે,                              અસ્ત્ર શસ્ત્ર સજી સન્મુખ આવે, મારી પૂંછ હનુમાન ભગાવે.
લંકાપતિ વરસાદ બોલાવે, ચાહે મેહ કરી કપિ ને વહાવે,                            પ્રભુ કૃપા કોઈ કારી નહીં ફાવી, રામ રોષ અતિ આગ ફેલાવી.
તો લંકેશ ખુદ કાળ બોલાવે, લઈ પકડી કપિ મુખ પધરાવે,                                   શિવ સમેત ઇંદ્ર કર જોડી, કહે નાથ દો કાળને છોડી.
કરી મુક્ત કપિ કૂદવા લાગ્યા, દેખી નગરજન ભય વશ ભાગ્યા,                        એક મહેલ વિભીષણનો છાંડી, સઘળે લંકા સળગવા માંડી.
કૂદ્યા હનુમાન સાગરની અંદર, ઠારી જ્વલન હવે શાંતિ નિરંતર,                  ધરી લઘુ રૂપ જનક સુતા સામે, પહોંચ્યા પવન સુત શીશ નામે.
આપો માત કોઈ ઓળખ એવી, હતી આપી જેમ રઘુપતિ જેવી,                         આપી ચુડામણી સંદેશની સાથે, હરજો નાથ સંકટ જે માથે.
માસ દિવસ વિલંબ થઈ જાશે, તો પછી પ્રભુજી મિલન નહીં થાશે,                 આપ દેખી કપિ મુજ મન અંદર, હતી શીતલતા ધીરજ સદંતર.
હવે કહો છો વાત જવા ની, દિવસ ને રાત હવે એક થવાની,                 કપિ પ્રણામ દઈ સાતા શીશ નામી, લીધી વિદાય જવા જ્યાં સ્વામી.
જાતાં બજરંગ ગર્જના કીધી, નિશાચર નારી ભયભીત કરી દીધી,                 પલક વાર માં લાંઘી સાગર, કપિ પહોંચ્યા જ્યાં હતાં સૌ વાનર.

રાગ ચોપાઈ જેવો-દેખી પવનસુત હરખ સેનામાં, કરે ના વિલંબ કપિ પ્રભુની સેવામાં
                    દેખી પ્રસન્ન મુખ કલ્પના કરતા, વિણ હરિ કાજ તે પરત ન ફરતા 
                    
                    મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                    તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

કરી મિલાપ સેના હરખાણી, જળ વિણ મછલીને મળે જેમ પાણી,                    કેમ પ્રકાર કપિ સાહસ કીધાં, કેમ કરી ને માતા ખોળી લીધાં.
કહે હનુમાન લંકા પુર વાતો, એજ પ્રકાર હરિ પંથ કપાતો,                     હરખ સમેત પહોંચ્યા મધુવનમાં, ખાધા મધુર ફળ અતિ આનંદમાં.
કરી રાવ સુગ્રીવ રખવાળે, અંગદ સૈન્ય સૌ બાગ ઉજાડે,                          સુણી સુગ્રીવ અતિશય હરખાતા, થયું હરિ કામ તોજ ફળ ખાતા.
પહોંચ્યા ત્યાંજ સૌ સેના સમાજા, આપ પ્રતાપ કહે સૌ સાજા,                                 નાથ કાર્ય કર્યું હનુમાને, હોય હરિ કૃપા પછી ડર શાને.
પ્રેમ સહિત હનુમંત સંગ કપિવર, પહોંચ્યાં જ્યાં ભ્રાતા સંગ હરિવર,                   સ્નેહ સમેત ભેટ્યાં પ્રભુ સૌને, કુશલ મંગલ પૂછે હર કોઈ ને.
જામવંત વદે શુભ વાણી, જે પર આપની દયા દરશાણી,                             હોય સદા શુભ કુશલ સદંતર, જે પર હોય તવ કૃપા નિરંતર.
નાથ કાજ હનુમાન ની કરણી, સહસ્ત્ર મુખ જાયે નહીં વર્ણી,                             જે પ્રકાર હનુમંત કર્મ કીધાં, આપ પ્રતાપ ધન્ય કરી દીધાં.
હરખ ભેર પ્રભુ મળે હનુમાના, કહો તાત સીયા કેમ સમાના,                            રહે કેમ ત્યાં જનક દુલારી, હસે ભોગવવી પડતી લાચારી.
નાથ કવચ એક નામ આપનું, સદા સ્મરણ બસ પ્રભુ પાદનું,                            ચૂડામણિ દઈ કહે સંદેશો, જઈ કરુણા નિધિ રામ ને કહેશો.
શું અપરાધ નાથ મને ત્યાગી, હું મન કર્મ વચન અનુરાગી,                              એક કસૂર અચૂક રઘુરાયા, રામ વિયોગ તજી નહીં કાયા.
કહે હનુમાન વિપત્તિ પ્રભુ ત્યારે, રામ નામ ભજન નહીં જ્યારે,              હે રઘુપતિ હવે વિલંબ ન કરજો, મારી ખલ દલ મુજ માત દુ:ખ હરજો.
નયન નીર પ્રભુ વાત વિચારી, અનહદ પીડ જનક દુલારી,                                   મન કર્મ વચન જેના મારા ચરણે, કેમ વિચારૂં દુ:ખ તેને શમણે.
હે કપિ આપ સમાન ઉપકારી, નહીં કોઈ નજરે આવે મારી,                                      કેમ કરી ૠણ ઉતારૂં તમારું, ધરે નહીં ધરપત વ્યગ્ર મન મારું.
સાંભળી શબ્દ પ્રેમાળ પ્રભુ ના, હરખ ન માય મન હનુમંત કાં,                 કરી દંડવત પ્રભુ ચરણ ગ્રહી લીધાં, અનાયાસ હરિ કર શીશ દીધાં.
કહો હનુમંત ઝાળી કેમ લંકા, કેમ પ્રકાર છળ્યા નર બંકા,                  નાથ પ્રતાપ બસ આપ જ કારણ, બન્યું સંભવિત સૌ ટળ્યું મુજ ભારણ.
રઘુવીર ત્યાં સુગ્રીવ બોલાવે, સૈન્ય સકળ ને સજ્જ કરાવે,                              કરીએ પ્રયાણ વિલંબ ન કરતાં, કરે કટક જયકાર હરખતાં.
એજ પ્રકાર કીધી તૈયારી, શુકન થયાં શુભ સૌને ભારી,                                    શુભ શુકન સીતા ને થાતાં, અપશુકન રાવણ ને દેખાતાં.
રાઘવ સૈન્ય અનંત બળ ભારી, અનેક પ્રકાર આયુધ કર ધારી,                        નાનાપ્રકાર ગમન કરે સેના, કોઈ ધરતી આકાશ મન તેના.
કંપે ધરા સમુદ્ર તળ થથરે, ધ્રૂજે પહાડ દિગ્ગજ સૌ બહુ ડરે,                            હરખે નાગ ગંધર્વ મુનિ કિન્નર, સુર સમેત મટે દુ:ખ નિરંતર.
શેષ નાગ શીશ ભાર બહુ ભારી, બને મૂર્છિત તે વારમ વારી,                           કચ્છપ પીઠ પટકે બહુ માથા, લખે જેમ રઘુવીર શૂર ગાથા.

રાગ ચોપાઈ જેવો- જે દિન થી કપિ લંકા જલાવી,  નગર જનોને નીંદર ન આવી
                     એક વાનર જો લંકા બાળે,    સકળ સેના થી બચીએં કોઈ કાળે     

                                મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                     તાકે જુગ પદ કમલ મનાવું,       જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

મંદોદરી દશ શીશ મનાવે, નગર જનો નો ઉચાટ બતાવે,                           આદર સહિત સોંપો પર નારી, હૃદય ધરો આ વિનંતી મારી.
હે સ્વામી જે રામ સંગ લડશે, તેને સહાય શિવ બ્રહ્મા ન કરશે,                     રઘુપતિ બાણ સાપ દળ ભાસે, સૈન્ય રાક્ષસનું કેમ ટકી જાશે..
સુણી શબ્દ બોલ્યો અભિમાની, મંદોદરી કહું વાત મજાની,                    સહજ સ્વભાવ નારી ડર મન માં, રહે રક્ષિત ભલે મોટા મહેલ માં..
નામ માત્રથી મહારથી ડરતાં, સુર અસુર સૌ આદર કરતાં,                            એ લંકેશ ઘર તું પટરાણી, ઊપજે હાસ્ય વાત તુજ જાણી..
જો કપિ સૈન્ય લંકા ગઢ આવે, નિશાચર ને મરકટ બહુ ભાવે,                    મંદોદરી અતિ મનમાં એ વિચારે, વિપરીત આજ વિધાતા મારે..
જઈ લંકેશ સિંહાસન બિરાજે, દરબારી સંગ ચર્ચા કાજે,                            એજ સમય ખબરી એક આવ્યો, સમાચાર ગંભીર લઈ લાવ્યો..
સાગર પાર કરી સેના આવી,  સંગે અસ્ત્ર શસ્ત્ર બહુ લાવી,                               કરે મસલત મંત્રી ગણ સાથે, સંકટ પડે નહિ લંકા માથે..
કરે પ્રશંસા મન ડર ભારી, કરતાં ખુશામત બહુ દરબારી,                               જીત્યા દેવ નિશાચર આપે, નર વાનર હવે કષ્ટ શું આપે..
સચિવ ગુરુ ભય વશ જૂઠ બોલે, રાજ ધરમ પતન પથ ખોલે,                      એજ પ્રકાર લંકેશ ભટકતો, સત્ય શિખામણ વિણ ના અટકતો..
એ અવસર વિભીષણ ત્યાં આવી, બેઠાં આસન શીશ નમાવી,                           હે ભ્રાતા કહું વાત વિચારી, શાખ ટકાવો છોડી પર નારી..
કામ ક્રોધ મદ લોભ તજી ને, રહો સદા રઘુનાથ ભજી ને,                               તાત રામ નહીં કેવળ રાજા, સ્વામી સકળ જગત સમાજા..
પરમ બ્રહ્મ પૂરણ છે નીરોગી, સદા સર્વદા અનંત એ યોગી,                  દીન દયાળુ કૃપાળુ છે કરુણાકર, મનુષ્ય દેહ ધરી તારે ભવ સાગર..
મુનિ પુલસ્તિ આપ્યો સંદેશો, વિભીષણ જઈ લંકેશ ને કહેશો,                      યોગ્ય સમય જાણી કહું ભ્રાતા, રાગ દ્વેષ તજી નમો જગ તાતા..
માલ્યવંત એક સચિવ સુજાણા, સુણી વચન બહુ અતિ હરખા                તાત વિભીષણ બોલ્યા શુભ વાણી, માનો વાત મને સત્ય સમજાણી..
અતિ રાવણ ક્રોધ કરી બોલે, મુજ દુશ્મન  મોટા કરી તોલે,                             કરો દૂર સભાખંડ માંથી, માલ્યવંત નિજ ગૃહ ગયા ત્યાંથી..
કર જોડી કહે વિભીષણ વાણી, સુમતિ કુમતિ સૌ ઉર સમાણી,                  જ્યાં સુમતિ ત્યાં સંપતી સઘળે, જ્યાં કુમતિ સૌ વિપત્તિ માં સબડે..
આપ હૃદય કુમતિ છે સમાણી, સમજી શકે નહીં એ શુભ વાણી                         કાલ રાત્રિ છે નિશાચર માથે, તેથી પ્રીતિ પર નારી સાથે..
તાત ચરણ પડી ને છે કહેવું, અહિત ન હોય આપનું રજ જેવું,                         વેદ પુરાણ કહી સમજાવે, રાવણ મન કંઈ સમજ ન આવે..
કહે રાવણ અતિ અકળાઈ, કરે કેવી વાત કેવો તું ભાઇ,                     કોણ ન જીત્યા મેં આ જગત માં, અતિશય બળ છે મુજ આ ભુજા માં..
મુજ પ્રતાપ જીવન તું વિતાવે, તોય શત્રુ ને શ્રેષ્ઠ બતાવે,                         રાવણ મદ માં રહી અતિ ભારી, જઈ વિભીષણ લાત દે મારી..

રાગ ચોપાઈ જેવો-પડી લાત પણ સંત ન કોપે,           સત્ય બોલે મર્યાદા ન લોપે
                    કહે વિભીષણ સમજ મુજ તાતા,  રામ ભજન માં ભલાઈ છે ભ્રાતા..
                    એમ કહી મંત્રી ગણ સાથે,      ગગન મારગ ગયા આળ ન માથે,                    
                    જતાં વિભીષણ લંકા પડી ઝાંખી, ગયું તેજ બળ હીન પ્રજા આખી..
                              
                              મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                    તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.


વિભીષણ મન ઉમંગ અનેરો, લેવું હરિ શરણ આનંદ ઘણેરો,                         જે પદ કમલ અહલ્યા ઉદ્ધારી, દંડક વન થયું પાવન કારી..
જે ચરણો સીતા મન ધરતાં, કપટી મારીચ પાછળ દડતાં,                             જે સર સરોજ શિવ ઉર જેવાં, કરી દર્શન મહા સુખ લેવા..
ચરણ પાદુકા ભરત શિર ધારે, એજ ચરણ ને વંદવા મારે,                          એમ વિચારી પાર સિંધુ આવે, દેખી રીંછ વાનર શંકા લાવે..
સુગ્રીવ જઈ કહે રઘુરાયી, આવ્યા મળવા દશાનન ભાઈ,                       નિશાચર લોક કપટ અતિ જાણે, ધરી છળ રૂપ સંકટ કોઈ આણે..
ભેદ સમજવા જાસૂસ પણ આવે, કરીએ બંદી મુજ મન એ ભાવે,                 સખા નીતિ તમે સત્ય વિચારી, પણ સુગ્રીવ મારી ગતિ ન્યારી..
શરણે આવેલ ને જો ન સ્વીકારે, તે નર નીચ બહુ મન મારે,                         શરણાગત સ્વાગત પ્રણ મારું, ભય ભીતિ દુ:ખ દર્દ નિવારું..
નિર્મલ મન મુજ અંતર આવે, છલ કપટ મુજને નહીં ભાવે,                    સુણી પ્રભુ વચન હનુમાન હરખાયા, દયાવંત દયાનિધિ દરશાયા..
હોય નિશાચર જે સંસારે, ક્ષણ અંદર તેને લક્ષ્મણ મારે,                             પણ જો કોઈ શરણાગત આવે, આપું શરણ રક્ષણ મુજ પાવે..
પ્રભુ વચન લઈ શિર ધરીને, ગયા હનુમાન જય કાર કરી ને,                         અંગદ સમેત સ્વાગત કીધાં, સાદર પ્રભુ સમીપ કરી દીધાં..
લક્ષ્મણ સંગે દીઠાં હરિવર ને, કરે વંદન વિભીષણ સૌ ને,                        કમલ નયન પ્રભુ શ્યામ શરીરે, હ્રદય વિશાળ આજાનભુજ ધારે..
મુખ મંડલ અલૌકિક સોહે, કામદેવ પણ મુગ્ધ બની મોહે,                                સિંહ સમાન કાંધ પ્રભુ દેખી, નયન નીર વિભીષણ પેખી..
હે પ્રભુ રામ હું રાવણ ભ્રાતા, નિશાચર વંશ અવગુણ બહુ તાતા,                     યશ અપાર સુણી તવ ચરણે, કાપો કષ્ટ આવ્યો પ્રભુ શરણે..
વાત સુણી વિભીષણ કેરી, હરખે લીધો ભુજા માં ઘેરી,                                    કહી લંકેશ બેસાડ્યા સંગે, પૂછે કુશળ પરિવાર સૌ અંગે..
તમે રહો શઠ રાક્ષસ સાથે, કેમ બચાવો નિયમ જે માથે                                    હું જાણું નીતિ ધર્મ તમારો, લેતા નથી અન્યાય સહારો..
નાથ આજ હું બન્યો બડભાગી, રામ ચરણ દરશ રટ લાગી,                જ્યાં લગી જીવ હરિ શરણ ન જાતો, સપને પણ એ સુખી નહિ થાતો..
જ્યાં લગી હરિ નાં ભજન ન ભાવે, લોભ મોહ અભિમાન મદ આવે,      જ્યાં લગી પ્રભુ પ્રકાશ નહીં મનમાં, ત્યાં લગી ઘોર અંધકાર જીવન માં..
જે પ્રભુ રૂપ મુનિ સ્વપ્ને નહિ આવે, અહો ભાગ્ય મને હ્રદયે લગાવે,                પદ પંકજ બ્રહ્મા શિવ સેવ્યા, ધન્ય ધન્ય એ યુગલ પદ દેખ્યા..
કહે રઘુનાથ સાંભળ સખા કહું તે, છળ કપટ મદ મોહ તજી ને,                       મમ સ્વભાવ જાણે શિવ શિવા, હોય દ્રોહી સ્વીકારૂં જન એવા..
માત પિતા બંધુ સુત દારા, તન ધન મિત્ર સમગ્ર પરિવારા,                             સૌનો મોહ એક તાંતણે બાંધી, મુજ ચરણે લાવી દે બાંધી..
હર્ષ શોક ઇચ્છા નહીં દિલ માં, સમભાવી જેને ભય નહીં મનમાં,                   લોભી ધન જેમ વસે મુજ મનમાં, તે કારણ ધરું દેહ અવનિ માં..
જે સગુણ હો પર હિત કારી, નીતિ નિયમ અતિશય જેને  પ્યારી,                      હે લંકેશ આ ગુણ છે તમારા, તેથી છો મને અતિશય પ્યારા..
સ્પર્શી પ્રભુ પદ વારમ વારી, કહે વિભીષણ હરિ કૃપા તમારી,                         હે સચરાચર અંતર્યામી, શિવ મન ભાવન ભક્તિ દો સ્વામી...
અસ્તુ કહી સિંધુ જલ ને મંગાવે, રાજ તિલક વિભીષણ ને કરાવે,                         મમ દર્શન જે કોઈ કરતા, વણ માંગ્યે અચૂક ફળ મળતાં..

રાગ ચોપાઈ જેવો-          સંપતી મળી જેને શિવ ને ભજી ને,   દસ મસ્તક બલિદાન કરી ને,          
                              તે સઘળી આપી વિભીષણ ને, જાણી પ્રિય ભક્ત પોતાનો ગણી ને..
                                           
                                             મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                              તાકે જુગ પદ કમલ મનાવું,       જાસુ કૃપા નિર્મલ મતી પાવું.


સમજી સ્વભાવ કૃપાળુ પ્રભુ કેરો, વ્યાપ્યો કપિ ગણ આનંદ અનેરો,               એ સમય પુષ્પ વૃષ્ટિ થઈ ભારે, પ્રભુ પૂછે વિભીષણ ને ત્યારે..
હે લંકેશ ઉપાય બતાવો, કેમે સમંદર પાર કરાવો,                                 અનેક પ્રકાર જલચર વસે તેમાં, નીર અગાધ રહ્યું બહુ જેમાં..
હે રઘુનાથ તવ અમોઘ બાણે, શોષે કોટિ સમુદ્ર એજ ટાણે,                           પણ પ્રભુ નીતિ શાસ્ત્ર પ્રમાણે, પ્રથમ સિંધુ વીનવો અટાણે..
સખા બતાવ્યો તમે યોગ્ય ઉપાયી, કરે દેવ જો હવે સહાયી,                         કહે લક્ષ્મણ એક બાણ હણી ને, કરો વાર પ્રભુ ક્રોધ કરી ને..
વિભીષણ જ્યારે લંકા ત્યાગે, રાવણ દૂત તેની પાછળ લાગે,                     છદ્મ રૂપ ધરી સૈન્યમાં પ્રવેશ્યા, હરિ ના ગુણ અલૌકિક દેખ્યા..
જાણી શત્રુ દૂત બંદી બનાવ્યા, લઈ સુગ્રીવ ની સન્મુખ લાવ્યા,                  કહે કપિરાજ અસ્થિ ભંગ કરીને, પરત પઠાવો જઈ રાવણ ને..
પણ લક્ષ્મણ દયા દિલ માં લાવી, કહે રાવણ ને સંદેશ કહાવી,                        જો માતા પરત નહીં આપે, નિશ્ચય કાળ ઊભોછે સમીપે..
કરી વંદન રઘુપતિ ગુણ ગાતા, દૂત રાવણ ને કહે હરિ ગાથા,                   બોલ્યા રાવણ કરો બધી વાતો, વિભીષણ ત્યાં કેવો ગભરાતો..
કહો દુશ્મન સૈન્ય કેવું બળ ધારી, લડવા ચાહે જે સંગ મારી,                            કેવા તપસ્વિ કહો વાતો પૂરી, કે મુજ ડર થી રાખે દૂરી..
કહે દૂત અભય દ્યો અમને, સત્ય વાત બતાવીએ તમને,                        અનુજ આપના આદર પામ્યા, રાજ તિલક કરી રામે નવાજ્યા..
છૂપું રૂપ નહીં છૂપ્યું અમારું, કેદ કરી દુ:ખ દીધું બહુ સારું,                    નાક કાન જ્યારે કાપવા લાગ્યા, શપથ રામની દઈ બચી આવ્યા..
રામ સૈન્ય ની કરણી શું કહેવી, કોટિ કોટિ મુખ વર્ણવે ન તેવી,                        જે કપિ કર્યો ક્ષય અક્ષયનો, તે વાનર નાનો છે સૈન્ય નો ..
નીલ નલ અંગદ ગદ બલ ભારી, દ્વિવિદ મયંદ કેહરિ ગતિ ન્યારી,                    જાંબવંત સુગ્રીવ સમાણા, ગણે ત્રણ લોકને તૃણ સમાના..
પદ્મ અઢાર સૈન્ય બહુ મોટું, સાંભળી વાત ન હોય એ ખોટું,                        એક ન યોદ્ધો એવો ભાળ્યો, જે કોઈ આપથી જાય જે ખાળ્યો..
એકજ બાણ સાગર દે સુકાવી, કરે પાર લઈ પહાડ ઉઠાવી,                           જો રઘુનાથ અનુમતિ આપે, દળ કટક સૌ ક્રોધ વશ કાંપે..
રામ તેજ બુદ્ધિ બળ એવા, કવિ કોવિદ કહી શકે નહીં તેવા,               નીત અનુરૂપ વિભીષણ શીખ લઈ ને, માંગે માર્ગ સાગર તટ જઈ ને..
સુણી સૌ વાત રાવણ હંસી બોલ્યો, રિપુ બળ હીન ભેદ તમે ખોલ્યો,           ભીરુ વિભીષણ ની સલાહ જે માને, તે જશ વિજય કેમ કરી પામે..
રાવણ વચન અહંકાર બહુ ભારી, ક્રોધિત દૂત કહે સમય વિચારી,                 રામ અનુજ સંદેશ છે આપ્યો, માર્ગ જીવન નો સત્ય બતાવ્યો..
જે કોઈ રામ વિમુખ થઈ રહેશે, બ્રહ્મા વિષ્ણુ કે શિવ ન સંઘરશે,                    તજી મદ મોહ કુળ બચાવો, વિભીષણ જેમ હરિ શરણે આવો..
કહે રાવણ ભય રાખી મન અંદર, નાનો તપસી કરે છે આડંબર,                 રહે ધરા મન ગગન વિચરતાં, એજ પ્રમાણ તપસી દિલ કરતાં..
કહે શુક માનો વાત અમારી, છોડી રોષ કરો યોગ્ય વિચારી,                                 તજી દ્વેષ વૈદેહી વળાવો, કુળ સમસ્ત લંકેશ બચાવો..
સુણી વાત લાત દે મારી, કરી વંદન શુક લંકા પરિહારી,                       જઈ શરણ શ્રી રામ ની લીધી, કરુણા ધામે તેને નિજ ગતિ દીધી..
પ્રથમ પ્રભુ સાગર તટ આવી, પાર ઉતરવા રહ્યા મનાવી,                    વીત્યા દિવસ ત્રણ દાદ ન દેતાં, ઊઠ્યા પ્રભુ અતિ ક્રોધ કરી લેતાં..
શઠ સંગ વિનય કુટિલ સંગ પ્રીતિ, નહીં સમજે એ છે પ્રતીતિ,                         એમ કહી પ્રભુ ચાપ ચડાવે, એ મત લક્ષ્મણ ને બહુ ભાવે..
પ્રભુ ક્રોધ જલચર અકળાયા, દેખી સમુદ્ર પણ અતિ ગભરાયા,                      વિપ્ર રૂપ ધરી સિંધુ શીશ નામી, કહે પ્રભુજી નમામી નમામી..
અગન આકાશ પવન જલ પૂથ્વી, જડ સ્વભાવ પ્રભુ સત્ય સમજવી,                    એ માયા આપે ઊપજાવી, આપો આજ્ઞા શીશ ધરી લેવી..
આપ ઉપકાર મને શિક્ષા આપી, મુજ મર્યાદા યાદ અપાવી,                              ઢોલ ગમાર શૂદ્ર પશુ નારી, એ સૌ દંડ તણા અધિકારી..
નાથ નલ નીલ કપિ બે ભ્રાતા, સ્પર્શ માત્ર પથ્થર તરી જાતા,                        એ પ્રકાર રચો સેતુ એવો, ગાય ત્રણ લોક જેની કીર્તિ તેવો..
આપ ચાપ ઊતર દિશ મારો, દુષ્ટ પાપી નિશાચર મારો,                              જોઇ કૃપાલ સાગર મન પીડા, કરી સંધાન મારે રણધીરા..
ભાળી રામ પુરુષાતન સિંધુ, ગયો નિજ ધામ વંદન હરિ કીધું,                      તુલસીદાસ ચરિત્ર આ ગાયું, મતિ અનુસાર સરળ સમજાવ્યું..
જે કોઈ રામ કથા આ કહેશે, કલી કાલ સૌ પાપ ને હરશે,                            પ્રેમ સહિત શ્રવણ જે કરશે, ભક્તિ સમેત ભવ સાગર તરશે..

રાગ ચોપાઈ જેવો- દીન "કેદાર" અનુવાદ કર્યો છે,   નત મસ્તક હરિ ચરણે ધર્યો છે,                  
                                  પ્રેમ સહિત આ પાઠ સૌ કરજો,       ભવો ભવનું તમો ભાતું ભરજો
                   લખ ચોરાસી હરિ પાર ઉતારે,      પહોંચે જીવ જ્યારે પ્રભુ ના દ્વારે.              
                                 જાણી નિજ ભક્ત રઘુનાથ સ્વીકારે,           નહીં જનમ  વારમ વારે..                                           
                                          
                    
                      મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી. 
                      તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

ઇતિ શ્રી રામચરિતમાનસે સકલકલિકલુષવિધ્વંસને
પંચમ: સોપાન: સમાપ્ત;