Thursday, February 26, 2015

ગોવિંદ કે ગુન

                    ગોવિંદ કે ગુન


ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મુખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા...

માનુષ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું પરમ પદ કો પાયે જા...

દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા...

હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

દીન કે તું દિનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો " કેદાર " કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા 

સાર-પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન સાંભળવા મળતી, જેના બોલ હતા.
ગોવિંદ કે ગુન ગાયે જા ઓર પંથ તેરા બઢાયે જા, 
વો ખુદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા...

આ બે જ લાઇન સાંભળીને કંઈક ખૂટતું હોય તેમ લાગતું, થતું કે કેવા સરસ બોલ છે? આ રચના આગળ પણ હશે કે પછી આટલુંજ હશે? તેથી તેને પૂર્ણ સાંભળવાની ઇચ્છા થતી. પણ ક્યાંથી શોધવી? અંતે ઈશ્વર કૃપાથી એ અધૂરાસ પૂર્ણ કરવા પ્રભુએ પ્રેરણા કરી અને મારા થકી મારા વિચાર પ્રમાણે બની ગઈ આ રચના.

 કે હે માનવ તું સંસારના મોહ માંથી મન હટાવિલે અને પ્રભુ ભક્તિમાં લીન થઈ જા. ઈશ્વરે કેવી મોટી તારા પર મહેર કરીછે? તને માણસનો અવતાર આપીને તારા નિર્વાહની બધી જવાબદારી પોતા પર લઈ લીધીછે, અને તને મોક્ષ જેવું પરમ પદ મળે તેવા બધાજ દરવાજા તારા માટે ખુલ્લા રાખ્યા છે.

આપણાં શાસ્ત્રો મુજબ જીવ જ્યારે શિવ તત્વથી અલગ થયા પછી ૮૪, લાખ યોની માંથી ઈશ્વરે બનાવેલા નિયમોનું પાલન કરતાં કરતાં પસાર થઈ જાયતો તેને ફરીને શિવ તત્વમાં લીન થવાનો મોકો મળેછે, પણ જો કોઈ ભૂલ કરે તો તેના પરિણામ સ્વરૂપે અમુક જન્મો ફરીથી ભોગવવા પડેછે. દરેક જીવને મુખ, જીભ જેવા અંગો આપ્યાછે, પણ તને મનુષ્ય બનાવીને એક વધારે ઉપકાર એ કર્યો છે કે તને વાચા આપીછે, વિચારવા માટે જ્ઞાન સભર મન આપ્યુંછે, માટે હે જીવ તું ઈશ્વરનું ભજન કર અને બીજા લોકોને પણ તેમાં સામેલ કર અને પરમ પદને પામવા માટે પ્રયાસ કર.

 જ્યારે ઈશ્વરે તને આવો સરસ મોકો આપ્યોછે, તો બસ ઈશ્વર મય બનીજા, શ્વાસે શ્વાસે તેનું સમરણ કર, દરેક જીવનું લક્ષ તો ફરીને શિવ સાથે એકાકાર થવાનું હોયછે, પણ આ જગતની માયામાં વીટળાઇને પોતાનું લક્ષ ગુમાવીદેછે, પણ તું એ માયાને છોડીને ભજન કર અને તારું પદ પામીલે.

હે નાથ, આપતો ગરીબના બેલી છો, દેવો ના દેવછો, તો પ્રભુ હૂંતો આપનો વદા માંગણ, સદાય આપનો દાસ, આપનાથી અળગો કેમ રાખી શકો? બસ આપના શરણમાં લઈલો એજ અભ્યર્થના. 

ફોટો-ગુગલના સહયોગથી સાભાર.

Monday, February 23, 2015

નંદ દુલારો

                      નંદ દુલારો


મૈયા તારો નટખટ નંદ દુલારો
                          કરતો ફરે કેર કાળો......

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વહાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓ ને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે,   છેડે છે છબીલો છોગાળો...

રાજા કંસ નું કરજ વધ્યું છે,  દિન દિન કરે છે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...

યશોમતી કોપી લાવો એને ગોતી, દુર્ કરી દંવ દેકારો
બાંધુ એને તાણી હવે ખૂબ મૂંઝાણી, સોટી નો લઉં સથવારો...

રાવ કરી પસ્તાણી ગોપી,  મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમશે, " કેદાર " કોમળ છે બાળો... 

ફોટો ગુગલના સહયોગથી

Sunday, February 22, 2015

શીદ ને ફૂલાય ?

                    શીદ ને ફૂલાય ?


શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...

આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે.   પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...

દીધેલી વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે.  ભસતો ફરે છે ભાષણો,   જગને ઠગ્યા કરે...

ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે.   કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...

રડતાં હજારો બુદ્ધિ જન, કોઈ મુરખા મજા કરે.    ધનવાનો ના ધામ માં, ક્યાંક નિર્ધન ફૂલ્યા ફરે...

જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે.  પણ-કહેવું પડે છે માનવી ને,  કે-માનવ બન્યા કરે..

આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ?    પણ તેને-બનવું પડે છે માનવી,  ત્યારે નડ્યા કરે..

આપે અધિક જો ઈશ તું, આ દીન પર દયા કરી. તો  " કેદાર " કેરી કામના, તને પલ પલ ભજ્યા કરે..


સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે સાથે એટલું બધું આપ્યું છે કે જેનો 
આપણને ખ્યાલ પણ નથી આવતો.  અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે તેની કિંમત સમજાતી નથી. 

ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં સાવ ઊણો ઊતર્યો છે.

ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે છે.

ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના દુઃખોથી પીડા આપે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં માલિક કરતાં તેના નોકરો નિર્ધન હોવા છતાં સુખ સાહ્યબી ભોગવતા હોય છે.

ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જલમાં રહેનાર, જમીન પર રહેનાર અને આકાશ માં વિહરનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.

ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર ફક્ત માનવ રૂપે જ ધર્યા છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.

હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.
જય શ્રી રામ.

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Friday, February 20, 2015

અણમોલ ઘડી

                                        અણમોલ ઘડી


જીવન માં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે આપણે અથાક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી, પણ ક્યારેક ઈશ્વર મહેરબાની કરે તો આકસ્મિક રીતે મળી જાય છે. આવોજ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલો, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની કોઈ વાત કે કોઈ એવી બાબત ની ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.

આજે મારા પરમ સ્નેહી શ્રી નિખિલ ભાઈ નો મેસેજ વાંચીને આ મહામુલો પ્રસંગ એક વાર ફરીને મોકલવા પ્રેરાયોછું.
સાલ તો ચોક્કસ લખી નથી શકતો પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત હશે, કરજણ જંકશન પાસે મિયાં માતર ગામના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ,  દાંડિયા  બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પુછી ને તેમનું મકાન ગોતી લેજે."
   ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, ગાડી પણ હું એજ વખતે ચલાવતા શીખેલો, નામ પૂછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પુર્વાભીમૂખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો, સામે જાડી મોટી ગાદી પર ઢાળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ કદાચ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો, યાદ નથી પણ કદાચ માખણ ચોર લાલા નાજ હશે, એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવે મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ મીનીટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લવ."
 થોડાજ સમયમાં એ ભુદેવ સાદા ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં બિરાજી ગયા.
પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બસ અનાયાસ બે હાથ જોડીને મેં એ નમ્ર ભુદેવ ને વંદન કર્યા.

આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા બ્રહ્મ લીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે-ડોંગરેજી મહારાજ કે જે સાચા અર્થમાં સંત હતા તેમના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી હું માણી રહ્યો છું.
જય શ્રી કૃષ્ણ.  જય ભોળેનાથ.

નટરાજ

          નટરાજ      

ઢાળ-રાગ નટ કેદાર જેવો
                           
નાચત હે નટરાજ તાંડવ કો..

દેવ દાનવ સબ મિલકર આયે, રત્નાકર મેં મેરુ ઘુમાયે
પાકે હળાહળ વિષ કી લપટે,   દોડે સર્વ સમાજ...

કંઠમેં ધર શિવ સોમલ પ્યાલી, અપને બદન મેં અગન લગાલી
જલી જ્વાલા જબ જગપતિ ઝૂમે,   સોમ સજાયો સાજ...

કેશ કલા કિ છાઈ છટાંએ, ઊમડત જૈસે કાલિ ઘટાંએ
ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે,  શેષ સોહત શિર તાજ...

ગલ બિચ ઝુમે રુંડ કિ માલા, કર મેં સોહે ત્રિશૂલ વિશાલા
જટા જૂટ મેં ગંગ સોહત હે,  બાજે મૃદંગ પખાજ...

દેખ કે શિવ કિ સુંદર શોભા, જલચર સ્થલચર નભચર લોભા
દીન " કેદાર "હરિ આરતી કિન્હી,  મિલકર એક અવાજ... 

Thursday, February 19, 2015

અમૂલ્ય અવતાર

                            અમૂલ્ય અવતાર


ઢાળ-નારાયણ બાપુનું ગાયેલું એક ભજન છે..."અબ સોંપ દીયા ઈસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મેં".. ને મળતો

આપ્યો અવતાર અમૂલ્ય ઘણો,  મને માનવ કેરો દેહ મળ્યો
ઉપકાર અનેરો આપ તણો,  મને નારાયણ નો નેહ મળ્યો...

મને યાદ ન આવે આજ જરી,  મેં કેમ ચોરાશી પાર કરી
પણ એક અરજ સરકાર ખરી,  મને મુક્ત થવા નો માર્ગ મળ્યો...

સંસાર અસાર છે ધ્યાન રહે, મારા ચિત માં ગીતા નું જ્ઞાન રહે
સદા મન માં હરિ નું સ્થાન રહે,  મને ગોવિંદ ગુણ રસ લાગે ગળ્યો...

મને અમૃત આપો વાણી માં,  હવે જાય ના જીવન પાણી માં
હું ભાળું હરિ હર પ્રાણી માં,  મને કૃષ્ણ કૃપાળુ ત્યાં જાય કળ્યો....

તને એક અરજ કિરતાર કરૂં,  ભજતાં ભૂધર ભવ પાર કરૂં
ગદ ગદ થઈ ગિરિધર ગાન કરૂં,  મને લાલ રિઝાવવા નો લાગ મળ્યો...

પ્રભુ દીન " કેદાર " ની વાત સુણી,  હરિ રાખો મુજ પર મહેર કૂણી
હું તો રોમે રોમ છું તારો ઋણી,  થોડું ઋણ ચૂકવવા નો મોકો મળ્યો...

Wednesday, February 18, 2015

માનવ દેહ

                            માનવ દેહ


માનવ કેરો દેહ મળ્યો છે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...

બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરુ, ભગવાન ને જાણ્યો નહી
પછી આવી યુવાની, થઈ ને દીવાની, મદ થકી મળવા તને...

મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઈ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...

થઈ જ્યારે ઉમર તારી, થયો નિવૃત તું તન થી 
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઈશ કેરી, ભૂલી ગયો ભગવાન ને...

અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી 
સમજી શક્યો નહી સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
" કેદાર " પારખ કોક નીકળે, જાણી લે જે જગ તાત ને...


સાર-સંતો, મહંતો, શાસ્ત્રો અને વેદો પણ કહે છે કે જીવ ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો, અનેક કષ્ટો ભોગવતો ભોગવતો જ્યારે ભગવાન ને અનેક રીતે રિઝાવે છે, મનાવે અને પ્રાર્થનાઓ કરે છે,  ત્યારે પ્રભુ દયા કરીને આ દેવો ને પણ દુર્લભ માનવ દેહ આપે છે. સંતો, મહંતો અને યોગીઓ પોતાના તપ ના બળે પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન મેળવીને આ ઘટના ચક્રની વાતો જાણી લે છે, અને બીજાને પણ જણાવીને યોગ્ય જીવન જીવવાનું માર્ગ દર્શન આપે છે. અને માનવીને મોક્ષ મેળવવા શું શું પ્રયત્નો કરવા તે બતાવતા રહે છે, જો માનવી એ ઉપદેશોનું પાલન કરે અને પ્રભુને ભાવ સહિત ભજતો રહે તો જરૂર મોક્ષ પામે છે. પણ ઘણા મહા માનવો નરસિંહ મહેતાની જેમ "હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમો જનમ અવતાર રે.." ની રાહે ફરી ફરી જન્મો માંગીને હરિ ભક્તિ કરવાની નેમ રાખતા હોય છે.  માનવ દેહ એટલાં માટે દુર્લભ છે કે ફક્ત આ દેહ માંજ વિચારવાની શક્તિ, વાણી, અને અનેક કર્મો કરવાની આવડત મળે છે. જેમાં સારા કે ખરાબ કોઈ પણ કર્મો કરી શકાય છે. આ દેહ થકી સ્વર્ગ પણ મેળવી શકાય છે, અને નરક પણ મેળવી શકાય છે. મોક્ષ પણ મેળવી શકાય છે, અને પાછો ચોરાસી નો ફેરો પણ મેળવી શકાય છે. માટે સંતો, મહંતોએ આપેલા જ્ઞાન નો લાભ લઈને મોહજાળમાં પડ્યા વિના મુક્તિના માર્ગે ચાલવું.
બચપણમાં મા બાપની માયા લાગે, પછી ભણતરથી જ્ઞાન મેળવવાનો સમય આવે, ત્યાર બાદ યૌવન અને લગ્ન, અને માયાના બંધન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય ન રહે.
પછી કામ ધંધો, માન મર્તબો, નોકર ચાકર, ગાડી બંગલા માં જીવ એવો અટવાઈ જાય કે ભક્તિ કરવાનું યાદ પણ ન રહે અને સમય પણ ન રહે, હા ક્યારેક સમાજમાં દેખાવ કરવા ખાતર અને પોતાને મોટા ભક્ત બતાવવા માટે હોમ હવન અને યજ્ઞનો દેખાવ કરીને પ્રદર્શન કરવા પડે. 
ત્યાર બાદ ઉમર થતાં શરીર થોડું ઘસાય, કમજોરી આવે, નજર નબળી પડે ત્યારે નોકરી ધંધામાંથી તો નિર્વૃતિ લઈલે, પણ મન તો સદાય માયાને વળગેલુંજ રહે, માયાપતી યાદ ન આવે.
આવો રૂળો અમૂલ્ય અવસર ઈશ્વર આપે પણ તેની જાણ જીવને ત્યારે પડે છે, જ્યારે વૃદ્ધાવસ્થા આવે, બિમાર પડે, યમના દૂતો નજર સામે દેખાવા લાગે, શ્વાસની શરણાઈ વાગવા લાગે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી આ સમજણ નકામી નીવડે છે. પણ એવા પણ જીવાત્મા આ જગતમાં જન્મે છે કે જે જન્મથીજ ગર્ભમાં ઈશ્વરને આપેલા કોલ ને યાદ કરીને પોતે તો તરીજાય છે, બીજાને પણ તારતો જાય છે.
ઈશ્વર આ સમજ સર્વે જીવ માત્રને આપે એજ અભ્યર્થના સહ. 
જય શ્રી રામ.   

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Tuesday, February 17, 2015

શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી અનુવાદ

મિત્રો,સ્નેહીઓ અને શિવ ભક્તો.
મહા શિવરાત્રિ બાદ શિવજીની કૃપા મેળવવા રાવણે જે ‘શિવતાંડવસ્તોત્ર’મ રચ્યું તે સામાન્ય જન માનસમાં આસાનીથી સમજાય તે હેતુથી મેં તેનો અનુવાદ કરવા વિચાર્યું પણ જે શબ્દો દ્વારા મહાન શિવ ભક્ત રાવણે શિવજીને પ્રસન્ન કર્યા હોય, અને દેવાધી દેવ મહાદેવ ખુશ થઈને પ્રગટ થયા હોય  તો તેની શબ્દ રચના સામાન્ય તો નજ હોય, પણ આ મહાન સ્તોત્ર સામાન્ય જન પણ સમજી શકે તે હેતુથી બને તેટલી સરળ ભાષામાં અનુવાદ કરી સમ કક્ષ બનાવવાની કોશીશ કરીછે.
આમાં મારી કોઈ લાયકાત બતાવવાની ભાવના નથી, અને તેટલું સામર્થ્ય પણ નથી, ફક્ત અને ફક્ત સર્વે લોકોને સરળ ભાષામાં સમજાય તેવી કોશિશ કરીછે, આ કાર્યમાં પણ એક સંતના આશીર્વાદ મળ્યા બાદજ આજે આપ સમક્ષ રજૂ કરુંછું, તેમાં કંઈ પણ ભૂલ જણાય તો દર ગુજર કરવા વિનંતી.  

                     શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી અનુવાદ

                       

જટાજૂટ જટા બની, વિશાળ વન ઘટા ઘનિ, પવિત્ર ગંગ ત્યાં વસી, ગરલ કંઠ પલાળતી 
સર્પ જ્યાં અનેક માપ, ડમરુ નાદ પ્રચંડ થાપ, તાંડવ શિવ નાચતાં, કૃપા કરો કૃપા કરો..૧

કોચલી જટા મહીં, ગંગ ત્યાં ભમે ઘણી, ચંચલ જલ ધાર થી, શિવ શીશ પખાળતી
ધધકી રહી અગન જ્વાળ, શિવ શિરે ચમકદાર, શોભે ત્યાં ચંદ્ર બાળ, કૃપા કરો સદા કાળ..૨

નગાધિરાજ નંદિની, વિલાસ સંગ આનંદીની, કરે કૃપા દયાળ તો, ભીડ ટળે ભક્તની
દિગંબરા જટા ધરા, લગાવું ચીત શિવ ચરણ, ભભૂત નાથ ભવ તરણ, પ્રફુલ્લ ચિત તવ શરણ..૩

શોભે જટા મણીધરો, પ્રકાશ પુંજ ફણીધરો, દિશા બધી પ્રકાશતી, કેસર વરણી ઓપતી, 
ગજ ચર્મ શોભતાં, સર્વ પ્રાણી રક્ષતાં, મન વિનોદિત રહે, શિવ કેરા શરણમાં..૪

સહસ્ત્ર દેવ દેવતા, ચરણ કમલને સેવતા, ચડાવી માથે ચરણ ધૂલ, પંકજ પદ પૂજતા.
શોભતા ભુજંગ જ્યાં, ચિત રહે સદાય ત્યાં, કૃપાળુ ચંદ્ર શેખરા, આપો સદાએ સંપદા..૫ 

ગર્વ સર્વ દેવના, ઉતારવા અહમ્ સદા,  કર્યો ભસ્મ કામને, જે રૌદ્ર રૂપ આગથી.
સૌમ્ય રૂપ શંકરા, ચંદ્ર ગંગ મુકુટ ધરા, મૂંડકાની માળ ધરી, સંપત્તિ દેજો ભરી..૬

જે કરાલ ભાલ જ્વાલના, પ્રતાપ કામ ક્ષય થયો, ઇંદ્ર આદી દેવનો, મદ તણો દહન ભયો.
ગિરજા સુતાના વક્ષ કક્ષ, ચતુર ચિત્રકારના, ચરણ કમલ શિવ ના, શરણમાં ચીતડું રહે..૭

નવીન મેઘ મંડળી, આંધી જઈને કંઠ ભળી, હાથી ચર્મ શોભતાં, ચંદ્ર ગંગ શિર ધરી
સકળ જગના ભારને, સહજમાં સંભાળતા, અમ પર ઉપકાર કર, સંપત્તિ પ્રદાન કર..૮

નીલ કમલ સમાન કંઠ, પૂર્ણ પ્રકાશિત કંધ, કાપો સકળ સૃષ્ટિ દુખ, ગજાસુર હંતા.
વિધ્વંસ દક્ષ યજ્ઞ કર, ત્રિપુરાસુર હનન કર, અંધકાસુર કામ હર્તા, નમૂ ભગવંતા..૯   

કલ્યાણ કારી મંગલા, કળા સર્વ ભ્રમર સમા, દક્ષ યજ્ઞ ભંગ કર, ગજાસુર મારી
અંધકાસુર મારનાર, યમના પણ યમરાજ, કામદેવ ભસ્મ કર્તા, ભજું ત્રિપુરારિ..૧૦ 

વેગ પૂર્ણ સર્પના, ત્વરિત ફૂંકાર ફેણના, ધ્વનિ મધુર મૃદંગના, ડમરુ નાદ ગાજે    
અતિ અગન ભાલમાં, તાંડવ પ્રચંડ તાલમાં, શોભે શિવ તાનમાં, સદા શિવ રાજે..૧૧ 

જે પથ્થર કે ફૂલમાં, સર્પ મોતી માળમાં, રત્ન કણ કે રજ મહી, અંતર નહીં આણે
શત્રુ કે સખા વળી, રાજા પ્રજા કમલ કથીર, ગણતા સમાન શિવ, જીવ ક્યારે માણે..૧૨

બનાવી ગીચ કુંજમાં, વસું હું ગંગ કોતરે, કપટ વિનાનો આપને, શિવ અર્ઘ્ય આપું
અથાગ રૂપ ઓપતી, સુંદર શિવા શીશ લખ્યું, મંત્ર શિવ નામનું, સુખ સમેત હું જપું..૧૩

દેવાંગના ના મસ્તકે, શોભી રહ્યા જે પુષ્પછે, પરાગ ત્યાંથી પરહરી, પહોંચે શિવ દેહછે
આનંદ અપાવે સર્વ જન, સુગંધને ફેલાવતી, અપાવતી હ્રદય મંહી, પ્રસન્નતા અપાર છે..૧૪

પાપ હો પ્રબલ ભલે, સમુદ્ર દવ સી કાપતી, સૂક્ષ્મ રૂપ ધારિણી, સિદ્ધિ દાત્રી દેવીઓ  
વિવાહ પ્રસંગે શિવના, ધ્વનિ હતી જે મંત્રની, દુ:ખો મિટાવી સર્વના, વિજય અપાવે દેવીઓ..૧૫

નમાવી શીશ શિવને, સ્તવન કરેજે સર્વદા, પઠન કરે મનન કરે, ભજન કરે જે ભાવથી.
જીવ આ જંજાળ થી, મુક્તિને છે પામતો, જીવન મરણ મટે સદા, શિવ શરણ જે રાચતો..૧૬

રાવણ રચિત આ સ્તોત્રથી, પૂજન કરે જો શિવનું, પઠન કરે જે સાંઝના, ભાતું ભરે જીવનું.  
ભર્યા રહે ભંડાર સૌ, અશ્વ ગજ ને શ્રી રહે.  સંપતીમાં રાચતો,  ના કદી વિપદ રહે..૧૭

રચ્યું જે સ્તોત્ર રાવણે, અનુવાદ શું કરી શકું,  ઉમદા એ અલંકારને " કેદાર " શું સમજી શકું
સહજ બને ભક્તને, એ ભાવથી સરળ કર્યું, પ્રેમથી પૂજન કરે,   એ આશથી અહીં ધર્યું..૧૮ 

ઇતિ શિવ તાંડવ સ્તોત્ર અનુવાદ સંપૂર્ણ.
ફોટો- ગુગલના સહયોગ થી.

Sunday, February 15, 2015

શિવ ની સમાધિ

મહા શિવરાત્રિના આવતા પર્વ પર મારી એક રચના શિવ ચરણોમાં        

                         શિવ ની સમાધિ

         
મારી સરવે સમજ થી પરે,  આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..

સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે
દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે...

દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે
કાર્તિક કેરી કીર્તિ સવાઈ,   નવખંડ નમનું કરે...

સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને
ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે...

નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે
સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે...

મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે
" કેદાર " કહે ના ધરી છે સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે.. 
             

સાર:-મેં એક વાત સાંભળે લી કે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેના મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમારા બે માં મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ વિસાત માં ?)   મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં શિવજી પ્રગટ થયા અને બન્નેનો "મોટું કોણ" ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા. 

શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિ, અને બીજો અવતાર જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે. 

મોટા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય ના સેના પતી. એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા. તેથી માતાએ તેમને પહેલાં પરણાવવાનું વચન આપ્યું. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને વિજેતા ઘોસિત થયેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા. 

બીજા પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે યોગ્ય નથી.) જે ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન, જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે,  દેખાવ હાથી જેવો પણ વાહન માં મુષક, જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો, રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન. 

શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે. નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.

કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.

અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.

શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય, અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ’સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ ધ્યાન એ રાખે છે.
જય ભોળા નાથ.  

Friday, February 13, 2015

શિવ વિવાહ

મહા શિવરાત્રિના આવતા પર્વ પર શિવજીની આરાધના.

                                  શિવ વિવાહ


સાખી..
કર ત્રિશૂલ શશી શીશ,  ગલ મુંડન કી માલા  
                              કંઠ હલાહલ વિષ ભર્યો,   બૈઠે જાકે હિમાલા... 

ભાળ્યો જ્યાં ભભૂતી ધારી, શિવજી ની સૂરત ન્યારી.
ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય,  
                              સંગ ગિરિજા જટા ગંગ,  સબ જગ લાગે પાય... 
       

                                 
ઢાળ-કાગ બાપુનું ભજન "માતાજી કે બિવે મારો માવો રે, ડાઢિયાળો બાવો આવ્યો." જેવો.


પિનાકીન પરણવા ને આવ્યાં રે, મોંઘેરા મહેમાન સાથમાં.
                                        હિમાચલ હરખે ઘેરાયા રે, રહે નહી હૈયું હાથ માં...

જાન આવી ઝાંપે,   લોક સૌ ટાંપે.
                            મોંઘાં મૂલા મહેમાનો ને મળશું રે, સામૈયાં કરશું સાથ માં...

આવે જે ઉમા ને વરવા,  હશે કોઈ ગુણિયલ ગરવા.
                            દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે, અનેરાં જનની આશ માં...
                           માથે મોટી જટાયું વધારી રે,  વીંટાયો જાણે મૃગ ખાલ માં...

ભસ્મ છે લગાડી અંગે, ફણીધર રાખ્યા સંગે.
                                   ભેળા ભૂત કરે છે ભેંકારા રે, ગોકીરો આખા ગામ માં...

બળદે સવારી કિધી, ગાંજો ભાંગ પ્યાલી પિધી.  
                      ભાગીરથી ભોળે શીશ પર લીધી રે, સજાવ્યો સોમને સાથ માં...

ગળે મૂંડકા ની માળા, કંઠે વિષ રાખ્યાં કાળ.
                       ત્રિનેત્રી આવ્યાં છે ત્રિશૂલ વાળા રે, તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં...

ભૂંડા ભૂત નાચે,  રક્ત માં રાચે.  
                           શિવજીના દેખી નયનો નાચે રે,  બેસાડે લઈ ને બાથ માં...

ભૂતડાને આનંદ આજે,  કરે નાદ અંબર ગાજે.  
                                  ડાકલા ને ડમરુ વગાડે રે,  રણશિંગા વાગે સાથ માં...

આવ્યા મૈયા સ્વાગત કરવા, ભાળ્યા રૂપ શિવ ના વરવા.
                       ભામિની ના ભાવિ ને વિચારે રે, સોંપુ કેમ શિવ ના હાથ માં...

નથી કોઈ માતા તેની,  નથી કોઈ બાંધવ બહેની.
             નથી કોઈ પિતાજી ની ઓળખાણુ રે, જનમ્યો છે જોગી કઈ જાત માં...

નથી કોઈ મહેલો બાંધ્યા, નથી કોઈ સગપણ સાંધ્યા.  
                           નથી કોઈ ઠરવાના ઠેકાણા રે, રહે છે જઈને શ્મશાન માં...

સુખ શું ઉમાને આપે, ભાળી જ્યાં કલેજાં કાંપે.  
                            સંસારીની રીતો ને શું જાણે રે, રહે જે ભૂત ની સાથ માં...

જાઓ સૌ જાઓ,  સ્વામી ને સમજાવો.  
                        ઉમિયા અભાગી થઈ જાશે રે, જાશે જો જોગી ની જાત માં...

નારદ વદે છે વાણી, જોગી ને શક્યા નહી જાણી.  
                        ત્રિલોક નો તારણ હારો રે,     આવ્યો છે આપના ધામ માં...

ત્રિપુરારિ તારણ હારો,  દેવાધિ દેવ છે ન્યારો.
                   નહી જન્મ મરણ કેરો જેને વારો રે,  અજન્મા શિવ પરમાત્મા...

ભામિની ભવાની તમારી,  શિવ કેરી શિવા પ્યારી.
                  કરો તમે વાતો કૈંક તો વિચારી રે, સમજાવું શિવ રૂપ સાનમાં...

જાણ્યો શિવ મહિમા જ્યારે,  આવ્યો ઉર આનંદ ત્યારે.  
                  દોડ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે, ઝુકાવ્યું શીશ શિવ માન માં....

શિવના સામૈયાં કીધાં, મોતીડે વધાવી લીધાં.  
          હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે, બેસાડ્યા શિવ ગણ સાથ માં..

ઉમીયાજી ચોરી ચડિયાં,  શિવ સંગે ફેરા ફર્યા.
       ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે, શોભે છે શિવા શિવ સાથ માં...

આનંદ અનેરો આજે,   હિલોળે હિમાળો ગાજે.
             " કેદાર " ની કરુણતા એ કેવી રે, ભળ્યો નહી ભૂત ની સાથ માં...

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Thursday, February 12, 2015

માળા જપી લે

                                  માળા જપી લે


ઢાળ-એકલાં જવાના (૨) સાથી વિના સંગી વિના...ને લગતો

જપી લે જપી લે માળા હરિ હર ના નામ ની
                                           હરિ વિના કોણ ઉતારે ગઠડી તારા ભાર ની...

જનમી જગત માં આવ્યો, ચોરાશી ફરી ને.  અવસર ના મળશે આવો, ફરી રે ફરી ને
                                          જગત ની છે માયા જૂઠી, નથી કોઈ કામ ની..

આરે સંસાર કેરું, સુખ નથી સાચું .  માયાના બંધના ખોટાં, જીવન છે ટાંચું
                                  ભજીલે ભજીલે ભૂધર, રટણા કર રામ ની...

સોના રૂપા ને હીરલા, સંઘર્યે શું થાશે.   કોને ખબર છે ક્યારે, આતમ ઊડી જાશે
                                           પૈસા ની ભરેલી પેટી, પડી રહેવા ની...

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, પલ પલ ભજ રામ ને.  જીવન ની ઝંઝટ સઘળી, સોંપી દો શ્યામ ને
                                                            ખટપટ તું ખોટી ના કર, મોભા કે માન ની...

" કેદાર " કરુણા નો સાગર, આવે જો ઉર માં.   મહેકે જીવન ની વાડી, આનંદ ભરપૂર માં
                                                  ફરૂકે ધજાયું તારી, ભક્તિ કેરા ભાવ ની..

સાર-આપણા શાસ્ત્રો મુજબ જીવ શિવ તત્વ થી છૂટો પડીને ચોરાસી લાખ યોનિમાં જન્મ લે છે, નિમ્ન કક્ષા થી શરૂઆત કરીને જેમ જેમ શુભ કર્મો કરતો જાય તેમ તેમ ઉચ્ચ કોટી ની યોની પ્રાપ્ત કરતાં કરતાં અંતે દેવતાઓને પણ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે કે જેના વડે આ ચોરાસીના ચક્ર માંથી છુટકારો મેળવીને ફરીથી શિવ તત્વ માં વિલીન થઈ શકાય છે. ચોરાસી લાખ યોની પાર કર્યા પછી માનવ દેહ મળે છે, અને દેવોને પણ દુર્લભ આ દેહ નર માંથી નરેન્દ્ર(સ્વામી વિવેકાનંદ) જેવા સંતો બની શકે છે. ઈશ્વરે આ સંસાર અતિ સુંદર બનાવ્યો છે. પણ સાથો સાથ એમાં જીવને લપટી જવા માટેનાં ઘણા બધા પ્રલોભનો પણ આપ્યા છે. મારા મતે તો આ એક સાપ સીડી જેવો કુદરત નો ખેલ છે, કેમકે શાસ્ત્રો એમ પણ કહે છે કે ઈશ્વરની ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી, તો પછી જીવને પોતાને કર્મો કરવાની છૂટ ક્યાંથી હોય? અને તો પછી કર્મોના ફળ જીવને કેમ ભોગવવાના? આ બધા ઊપર વાળા ના ખેલ સમજવા અધરા છે, એ આંટી ઘૂંટી માં પડવા કરતાં હરિ ભજન કરતાં રહેવું, અને બનેતો જરૂરતમંદો ને મદદરૂપ થતું રહેવું, એના જેવું બિજું કોઈ ઉત્તમ કામ મારા મતે લાગતું નથી.

સંગ્રહખોરી ની જીવ માત્રને લાલચ હોય છે, એના પુરાવા આપણે મધ માખી, કીડી જેવા જીવો ખોરાક સંઘરતાં નજરો નજર જોઈ શકીએ છીએ, પણ માનવ?  આના જેવો સંગ્રહખોર બીજો કોઈ જીવ મેં ભાળ્યો તો નથી પણ સાંભળ્યોએ નથી, ખોરાક સિવાયની પણ અનેક વસ્તુ માનવ સંઘરે છે અને સંગ્રહ કરવા માટે કોઈ પણ સારું નરસું કાર્ય કરવામાં પાછી પાની કરતો નથી, પણ જ્યારે ઊપર વાળાનું તેડું આવે છે ત્યારે સિકંદરની જેમ ખાલી હાથે અને કર્મો ની સંગાથે ચાલ્યો જાય છે.

મારા જેવા દંભી લોકો બીજા પાસેથી સાંભળેલું આ બધું કહે, લખે અને બીજાને પ્રવચનો આપે, પણ એના બદલે હરિ ભજન જીવનમાં ઊતારીને સર્વે કાર્યો ઉપરવાળાને સોંપીને બસ ભજન કરતાં રહીએ તો આ જીવન નો બાગ સદાય મહેકતો રહે.
જય શ્રી કૃષ્ણ.       
માન્યવર,
મારા થકી અહીં જે કંઈ લખાય છે તે સાંભળેલું કે વાંચેલું હોય અને મારી યાદશક્તિ પ્રમાણે તેમજ ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે તેટલું લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ ને કોઈ વાત ની સત્યતા કે કોઈ કાર્ય ની માન્યતા સ્વીકારી લેવી નહીં.  
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Wednesday, February 11, 2015

અવસર

                                            અવસર 

ઢાળ:- કાફી જેવો


                                      -સાખીઓ-
રાખ ભરોંસો રામ પર, કરશે તારાં કામ.  હેતે ભજી લો રામ ને, એક જ છે સુખ ધામ

પલ પલ ભજી લે રામ ને, છોડ જગત ની માયા.  સઘળા કાર્ય સુધારશે,    કંચન કરશે કાયા

રામ રામ બસ રામ જપ, રામ જપ બસ રામ.  શીદ ને સડે સંસાર માં, મિથ્યા જગત નું કામ..


અવસર આ અણમોલ મલ્યો છે, ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે,   સેવી લે સુંદર શ્યામ ને...

માતા તણા ઉદર મહિ ભગવાન ને ભજતો હતો. કીધો ભરોંસો ભૂધરે, અવતાર તુજ આપ્યો હતો
પરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...

ભૂખ્યો ન રાખે ભૂધરો, સોંપીદો સઘળું શ્યામ ને. રાખો ભરોંસો રામ પર, કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જિવાડે, ગાવ એના ગુણ ગાન ને...    

આપેલ સઘળું ઈશ નું, માનવ થકી મળશે નહી.  મોકો ન ભૂલજે માનવી, જીવન આ જડશે નહી
મહેર પામો માધવ કેરી, રટીલો રાધે શ્યામ ને...

પલ પલ રટણ કર રામનું, માળા મોહન ના નામ ની.  ભજી લે ભાવથી ભૂધર, કળા એક જ આ કામ ની
દીન " કેદાર " પર દયા દરશાવો, ભાળું અંતે ભગવાન ને...

સાર-સંતો મહંતો એમ કહે છે કે માનવ દેહ દેવતાઓને પણ મળવો કઠિન છે, આપણા શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, ત્યારે ત્યારે મોટા ભાગે મનુષ્યનો દેહજ ધર્યો છે. આવો અણમોલ માનવ દેહ આપણને મળ્યો છે, અને એ ખબર નથી કે તે કેટલા સમય માટે મળ્યો છે, જો આપણને આપણા જીવન ની અવધી ખબર હોય તો આપણે એ પ્રમાણે આયોજન કરી શકીએ, પણ એકતો ખબર છેજ કે ક્યારેક ને ક્યારેક તો યમના તેડા આવવાનાંજ છે. માટે ઉપર વાળા એ આપેલ આ અમૂલખ માનવ જીવનનો ઉપયોગ કરીને હરિનાં એવા ગુણગાન કરી લઈએ કે ભગવાને આપણને ફરી ફરીને માનવ દેહ આપવોજ પડે, બાકીતો અન્ય પામર કીડા મકોડા પણ જીવન તો જીવેજ છે.

જ્યારે જીવ માતાના ઉદરમાં પ્રવેશ કરે, ત્યારે સંતો મહંતો ના કહેવા મુજબ તેને બધી સમજ હોય છે.  અને તેથી તે ભગવાન ને અરજ કરે છે કે મને આ કેદ થી જલદી છોડાવો, હું આપનાં ભજન કરીને મારું જીવન સાર્થક કરીશ. પણ આપણને બનાવનારો બરાબર જાણે છે, જન્મની સાથેજ આપણી વાણી છીનવી લે છે, તે જ્યારે આગલાં જન્મની સ્મૃતિ જતી રહે પછી મળે છે. તેથી આગળના કોઈ સંબંધ કે હિસાબ કિતાબ માં ફસાયા વિના પ્રભુ ભજન કરે. પણ આ ત્રુટી ને ટાળવા હરિએ માને એવી દૃષ્ટિ આપિછે કે બાળક ના એક એક ઇશારાને મા સમજી જઈને બાળક નું જતન કરે છે. 

આપણે કોઈ જાનવર ને પાળીએ તો તેનું દરેક પ્રકારે પાલન પોષણ કરીએ છીએ. તો જગતનો પાલનહાર આપણને કેમ ભુખ્યો રાખે? બસ એના પર ભરોંસો રાખીને એના ગુણ ગાન કરતા રહીએ.

આપણે આપણી કોઈ પણ જરૂરત માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતાં બધું ઊપર વાળાને સોંપીને હર પળ હર ક્ષણ ભજન કરતું રહેવું, અને એવું જીવન જીવવું કે આ જીવન સફળ બની જાય, બાકી કોઈ પણ કારસો કામ આવતો નથી. પણ આ સંસારની માયા એવી લાગે છે કે આ બધું કરવું સહેલું નથી રહેતું, એના માટે પણ આપણે બધું ઊપર વાળાને સોંપી દેવું, જય શ્રી રામ.    
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Tuesday, February 10, 2015

૧૨ જ્યોતિર્લિંગ

              ૧૨ જ્યોતિર્લિંગ


દિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્તંભ બની નટરાજ  
વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો, દેવાધી દેવ મહારાજ...

સ્તંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય
નિજ તેજ અપાર ભર્યું, જગ જન હિત સુખાય..

શિવજી તારો મહિમા અપરમ પાર...    હૂંતો વંદુ વારમ વાર, ...

પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર
ચંદ્ર તણા સૌ સંકટ કાપી, શિર ધર્યો સર તાજ....તારો મહિમા...

મલ્લિકાર્જુન મહેર ઘણેરી, નંદી પર નટરાજ
મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...તારો મહિમા...

કેદારનાથ કરુણા ના સાગર, ભીમા શંકર ભવ તાર
વિશ્વનાથ કાશીમાં બેઠાં,  સંતો સેવે અપાર...તારો મહિમા...

ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે, બૈદ્યનાથ સિદ્ધ નાથ
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર...તારો મહિમા...

સમુંદર દ્વારે રામજી ના દ્વારા, રામેશ્વર નિરધાર 
ધૃશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો , "કેદાર" કરજો પાર...તારો મહિમા...

સાર:-
સોમનાથ:-(ગુજરાત) દક્ષ પ્રજાપતિની અનેક પુત્રીઓને પરણેલો ચન્દ્ર રોહિણી પર વધારે પ્રેમ રાખતો, તેથી બાકી ની પુત્રીઓએ દક્ષ ને  ફરીયાદ કરતાં દક્ષ રાજાએ ચન્દ્રને શ્રાપ આપ્યો કે તને ક્ષય થશે અને તું ક્ષીણ થતો જઈશ, પણ આવા શ્રાપથી આ પુત્રીઓ નારાજ થઇ અને ભગવાન શિવને પ્રાર્થના કરી અને ચન્દ્રએ પ્રભાસ ક્ષેત્ર માં મહા મ્રુત્યુંજયના જાપ થી શિવજી ને રિઝાવતાં શ્રાપ પામેલા ચન્દ્ર ને શિવજીએ દયા કરી ને શ્રાપમાંથી આંશિક મુક્તિ અપાવી, આ ક્ષેત્રની પ્રતિષ્ઠા વધારવા માટે ભગવાન શિવ પોતે સોમેશ્વર મહાદેવ ના નામે જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા, અને સોમ (ચન્દ્ર ) ને પોતાની જટા માં ધારણ કર્યો.

મલ્લિકાર્જુન :-(આંધ્ર પ્રદેશ)મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવ ગણ નંદીએ અહીંયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગ નું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચ પાંડવ લિંગની સ્થાપના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતાં હતાં.

મહાકાલેશ્વર:- ઉજ્જેન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ સ્વંયંભૂ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

ઓમકારેશ્વર:-( ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંયાંનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

કેદારનાથ : ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિર પાંડવોએ સ્થાપ્યું છે, મહાભારતના યુધ્ધ પછી પાંડવો પોતાના પાપ ધોવા માટે શિવને મનાવવા આ સ્થળે પહોંચ્યા ત્યારે પાડાનું રૂપ ધરીને ભોળા નાથ પ્રુથ્વિમાં સમાવા લાગ્યા પણ પાંડવોએ તેમને મનાવીને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપીત કર્યા. 

ભીમશંકર:-સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

કાશી વિશ્વનાથ :-કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયાં દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

ત્ર્યંબકેશ્વર :- નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે.

બૈદ્યનાથ :-ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિધ્ધપીઠ છે. તેથી સિદ્ધ નાથ કહેવામાં આવે છે.  અહીંયાં આવનાર દરેક વ્યક્તિની મનકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

નાગેશ્વર:- દ્વારકામાં દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયાં પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.

રામેશ્વર :- આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.

ધૃષ્ણેશ્વર:- મહારાષ્ટ્રમાં ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. 

ફોટો-ગુગલ ના સહયોગ થી

શું માંગું ?

                       શું માંગું ?


હવે પ્રભુ શું માંગું કિરતાર જી.  હરિ તેં તો આપ્યું અપરંપાર...

મહેર કરીને માનવ કુળ માં,  આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી. 
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

આપે અઢળક અમને કે પછી આપે તું ઉત્પાત જી
તારી પ્રસાદી માની પ્રભુજી, સ્વીકારી લઉં સરકાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન" કેદાર " જી.  
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના ભરણ પોષણ માટે અન્ન,જલ અને વાયુ આપ્યા, વળી અન્ન  જલ અને વાયુ ના ઉત્પાદન અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો? વારે વારે સુનામી આવતી હોય તો?  ના, બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ? કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે.  એ વિરાટ પાસે મારા જેવા એક પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના. 
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Monday, February 9, 2015

અરજ

            અરજ


નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું,   પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું,    રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી... 

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી 
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા " કેદાર " મારી...

સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરીને માનવ અવતાર મેળવું, ફરી ને તારો ભક્ત બનું એજ અભ્યર્થના.  

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Friday, February 6, 2015

કુદરત નો કાયદો

                             કુદરત નો કાયદો

રાગ-કાગ બાપુનું ભજન જગમાં એકજ જનમ્યો રે જેણે રામ ને રૂણી રાખ્યા.....

કુદરત નો કાયદો એવો રે, એ તો હારે જે મદ ને રાખે,
હોય ભલેને ભૂપ ચમરધર, પળમાં પટકી નાખે... કુદરત નો...

જપ તપ તીરથ સેવ્યાં શંભુ ને, કર કૈલાસ જે રાખે
દશ દશ મસ્તક શિવને ચડાવ્યાં તોએ, રાવણ રોળાયો રાખે..કુદરત નો...

વાલી જેવા વાનર મોટા, લંકેશ કાંખ માં રાખે 
કંસ ચારૂણ ગયા અભિમાને, વેદ પુરાણ ની શાખે...કુદરત નો...

ડુંગર ઉપર દેવો બિરાજે પણ, નજરું નીચી રાખે
માળ બે માળ જ્યાં માનવ ચડે ત્યાં, અવર થી ઊંચો ભાખે..કુદરત નો...

મોટા મોટા માર્યા ગયા, અભીમાની રોળાયા ખાખે
ચાર દિવસનું ચાંદરડું આ, મનખો મદ બહુ રાખે..કુદરત નો...

દીન "કેદાર" પ્રભુ કરુણા કરજો, દ્વેષ ન દિલમાં દાખે
નિર્મળ દેહે નિર્વાણ હું પામું, કોઈ વિઘન નહીં નાંખે..કુદરત નો...

Thursday, February 5, 2015

પાંચાળી પોકાર

          પાંચાળી પોકાર

વિપદ પડી મુજ રંકને, વહેલી કરજે વાર
પાંચાળી પોકાર કરે, એકજ તું આધાર..

વહારે આવો વિઠ્ઠલા, નટવર નંદ કિશોર
પાંડવ સૌ પરવશ બન્યા, કોઈ ન ચાલે જોર

ગણેલા તાર જે ત્યારે, પૂર્યા સૌ વ્યાજ સાથે ના
બચાવી લાજ અબળાની, ચુકવીયા ઋણ માથેના..

 
ઢાળ- રાગ કાલીંગડા જેવો

ગિરધારી ગોવિંદ કૃષ્ણ મોરારી
પાય પડી પાંચાળી પોકારી,  વિપત પડી ભારી...

કાંતો આજે રૂઠી વિધાતા, કાં કઠણાઈ અમારી
કાંતો પૂર્વે પાપો કીધાં, આવી ઘડી આ અકારી....

ધર્મ ધુરંધર ધનુર્ધર અર્જુન,  ભીમ ગદા ધારી
સહદેવ નકુળ સૌથી સવાયા, પણ-બેઠાં બળ ને વિસારી...

આશરો આજે એક તમારો,  લેજો નાથ ઊગારી
દુષ્ટ દુઃશાસન દૈત્ય બની ને,   લૂંટે લાજ અમારી...

ભાવ ધરી મેં ભૂધર ભજ્યા,  માંગુ આજ મોરારી
અંગ થી અળગું વસ્ત્ર થશે તો, જાશે લાજ તમારી...

સાદ સુણી દામોદર દોડ્યાં,  કૃષ્ણ કરુણા કારી
નવસો નવાણુ ચિર પુરી ને, " કેદાર " અબળા ઉગારી...

ફોટો ગુગલના સહયોગથી

Wednesday, February 4, 2015

રામની મરજી

                  રામની મરજી


મરજી રામની સાચી
શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી...

માનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઈ ટાંચી
અવિનાશી ના એક ઝપાટે,  એમાં ભટકે ભૂત પિશાચી...

નારદ જેવા સંત જનોને,  નારી નયને નાચી 
માનુની બદલે મુખ મરકટ નું,  સૂરત દેખાણી સાચી...         

હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ ના વાંચી
નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી...

ભસ્માસુરે ભગવાન રિઝાવ્યા, જગપતિ લીધા એણે જાચી
મોહિની કેરો મર્મ ન જાણ્યો,  નિજને જલાવ્યો નાચી...

દીન " કેદાર " પર કરુણા કરજો, સમજણ આપો મને સાચી
અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચી...

સાર-આજનો માનવ એવી એવી શોધ,સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે કે જેની કલ્પના પણ અમુક સમય પહેલાં શક્ય ન હતી. અંતરિક્ષમાં લટાર મારવી આજે તેના માટે મોટી વાત નથી, અને તેમાં આપણા ભારતનું ગૌરવ વધારનાર સ્વ. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી વીરાંગનાઓને આ સ્થાને યાદ કરવીજ પડશે. છતાં માનવી ઈશ્વર પાસે સદાએ વામણો સાબિત થયો છે. 
૧, માનવ વિચારે કે એક એવું આલીશાન ભવન કે સ્થાપત્ય બનાવું, જે દરેક આફતો નો સમનો કરીને સદાએ અડીખમ રહે, પણ કુદરત વીફરે તો કોઇ પણ પ્રકારની એક થપાટ એવી લગાવે કે તેનું નામ નિશાન પણ ન રહે. શિવ ના મહાન ભક્ત રાવણ નોજ દાખલો લોને ? રાવણ ની એ સોનાની લંકા હનુમાનજી એ એકજ ઝાટકે અરધી તો બાળીજ નાખીને? બાકીનું કામ રામજીની સેનાએ પૂર્ણ કર્યું.

૨, સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મલ્યો હોવા છતાં કોઈ કારણસર નારદજી  એક વખત સમાધિમાં બેસી ગયા. ઇંન્દ્રને પણ સાપ હતો કે તેને સદાએ પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠાં કે ઇંન્દ્ર ગભરાયો, તેણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યો, નારદજીની તપસ્યાતો ભંગ થઈ, પણ તેણે કામદેવને ક્ષમા આપીને જવા દીધો. પણ મનમાં અભીમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી નાંખ્યો હતો,(જ્યારે કામદેવના પત્ની રતી આક્રંદ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ રતીને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે, અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા.

ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દેતા નથી. તુર્તજ નારદજીના વિચરવાનાં માર્ગમાંજ એક અલૌકિક ઐશ્વર્ય ધરાવતી માયા નગરી બનાવી, જેનો રાજા શિલનિધિ, તેની પુત્રી વિશ્વમોહિની ના સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો, નારદજી પણ આ કન્યાને જોઈને લલચાઈ ગયા, વિચાર્યું કે જો વિષ્ણુ ભગવાન જેવું રૂપ હોય તો આ કન્યા સ્વયંવરમાં મનેજ પસંદ કરે. એ આશયે નારદજીએ ભગવાન ને પ્રાર્થના કરી, અને પ્રભુ તો રાહજ જોતા હતા, તુરંત પ્રગટ થયા, નારદજીએ બધી વાત કરીને પ્રભુના રૂપની માગણી કરી. ત્યારે ભગવાને યથા યોગ્ય કરવાનું વચન આપ્યું.

મનમાં પોતાને અતિ સુંદર સમજતા નારદજી પાંસેથી વિશ્વમોહિની મર્મમાં હંસીને પસાર થઈ ગઈ, ત્યારે બાજુમાં  વિપ્રના વેશમાં બેઠેલા શિવજીના ગણો એ દર્પણ માં મુખ જોવાની ટકોર કરી, નારદજીએ જલની અંદર જોતાં પોતાનું મુખ વાંદરા જેવું દેખાણું. નારદજીએ શિવ ગણોનેતો શ્રાપ આપ્યો પણ સાથે સાથે ભગવાનને પણ શ્રાપ આપ્યો કે આપે મને વાનર જેવો બનાવીને છેતર્યો છે, પણ રામ અવતાર વખતે રીંછ અને વાનરોજ તમને કામ આવશે. આવી છે ભગવાન ની માયા.

૩, ભક્ત પ્રહ્લાદના પિતા હરણાકંસે ભગવાનને પ્રસન્ન કરીને અમર બનવા માટે અનેક પ્રકારે ન મરવાના વચનો લીધેલાં. આ પણ કેવી પ્રભુની માયા? સીધે સીધું અમરત્વ માંગી લીધું હોત તો? જ્યારે પ્રહ્લાદ પર અનહદ ત્રાસ થવા લાગ્યો ત્યારે ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને તેનો સંહાર કર્યો.

૪, ભગવાન ભોળાનાથ ખરેખર ભોળાજ છે, ભસ્માસુરે ભસ્મ કંકણ માંગીને વરદાન લીધું કે તે જેનાપર હાથ મૂકે તે બળીને રાખ થઈ જાય. આવરદાનની સત્યતા સાબિત કરવા માટે સામે ભોળા નાથજ હતા, જેવો ભસ્માસુર ભગવાન પર હાથ મુકવા ગયો કે ભગવાન ભાગ્યા અને વિષ્ણુ ભગવાન પાસે, તેમને બધી માયા ફાવે, વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરીને ભસ્માસુર ને નચાવતાં નચાવતાં તેનાજ માથા પર હાથ રખાવીને બાળી મૂક્યો.
      
૫. હે પ્રભુ અમે (ભજનો ગાનારા અને સાંભળનારા) સર્વે પર દયા રાખજો, અને હંમેશાં સાચી દિશામાં ચાલીએ અને આપ સદા અમોને આપના શરણમાં રાખો એજ અભ્યર્થના.  
ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Tuesday, February 3, 2015

નર નારાયણ

                           નર નારાયણ


 નર નારાયણ હોવે,
 યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે,    ઘટ ઘટ દર્શન હોવે..

તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર,   સંત શિરોમણી હોવે...

કામ ક્રોધ મદ છોડ દે બંદા, ક્યું માયા વશ હોવે
દીન " કેદાર " હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...


સાર- ૧,- વાલિયો લુટારો, લૂંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પૂછ્યું કે તું જે આ કર્મો તારા પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં  ભાગીદાર  ન હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મીકિ મુનિ બનીને રામાયણ જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
          ૨, સુરદાસજી વિષે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભૂત સૂત્રો દ્વારા સાંભળવા મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઈ સારા કર્મો ના આધારે તેને વલ્લભાચાર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પાછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાખી અને કૃષ્ણ ભજન માં લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઈને તેમને માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલો જ માર્ગ બતાવે છે, તેથી મન માં મનમાં હંસતા અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે બધી જ ખબર છે કે આ લાલો કોણ છે. હૂંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં છું."
સુરદાસજી એ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાં જ તેમની જીવન યાત્રા સમાપ્ત થઈ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરા કર્યા. સુરદાસજી પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં " સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઈ સંત ના મુખથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખતે એક જંગલ માં થી પસાર થતા હતા ત્યારે કોઈ એ બૂમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઈ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઈ ને એક બાજુ જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઈ ગયો ત્યારે તુલસીદાસજી એ પૂછ્યું કે આપના જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે સુરદાસજીએ કહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ મારો લાલો તો હજુ નાનો છે એને તો મારેજ સાંચવવો પડે. આવી છે સંતો ની વાતો.
૩, તુલસીદાસજી ને  પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં પિયર ગયેલી પત્ની ને મળવા એક મુડદા ને લાકડું   સમજી ને નદી પાર કરી,  પણ પત્ની એ ટકોર કરી કે જેટલી મરા પર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો પાર થઈ જાત, બસ આ એક જ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મીકિ ની જેમ સરળ શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વાલ્મીકિ મુનિ ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઈ શકે, તો કોઈ એ આનો આધાર લઈ ને કોઈ કાર્ય ન કરવું. 
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Monday, February 2, 2015

ભાવ ભજન

                          ભાવ ભજન


ઢાળ:- રાગ ભૈરવી જેવો
સાખી-
ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.
પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.
ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...

મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઈ વો મુખ મંડલ મેં,        પ્રભુ પ્રેમે પચાતા હે...

ભિખારી જબ ભીખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે કૃપા ના કણ કિ કૃપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે....

ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા,   પલક મેં ચક્ર ચલાતા હે...

રાવન જાને રિપુ રઘુવીર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાણ ચલાકે,     જીવન સે મોક્ષ દિલાતા હે...

ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન " કેદાર " હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે...

સાર..ભજન-કીર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે ક’દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવું જ પડે.એવા તો અનેક દાખલા છે કે ભગવાન ભક્તોની પાછળ ઘેલા ઘેલા થઈને ફરતા હોય. 

મીરાંબાઈ એ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માં સમાવી દીધાં અને મૃત્યુનો સામનો ન કરવો પડ્યો. 

ઘણા ભિખારી લોકો આખો દિવસ "હે રામ, હે રામ" નું રટણ કરે છે, પણ તેનો માંહ્યલો તો આવતા જતા લોકો ના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલો તો મળે જ, પણ મુક્તિ ભાગ્યેજ મળે,

ગજેન્દ્ર નામના હાથી એ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઈ પ્રસંગ મારા ધારવા પ્રમાણે ક્યાંયે મેં નથી સાંભળ્યો, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુદ્ધ થયું ત્યારે હાથીએ અંતરથી પ્રાર્થના કરી, અને તેને સુદર્શન ચક્ર વડે વાર કરીને છોડાવ્યો, કારણ તે આર્તનાદ હતો.  

જય અને વિજય ને એવો શ્રાપ મળ્યો હતો કે તે સાત જન્મ સુધી મનુષ્ય જન્મ ભોગવે પછી ભગવાન મળે. પણ જો વેર ભાવ થી ભગવાન ને ભજે તો ત્રણ જ જન્મમાં મોક્ષ મળે.  ભગવાન ના દ્વારપાળ કે જે સદા ભગવાનના દર્શન કરતા હોય તે સાત જન્મ કેમ દૂર રહી શકે? તેથી તેણે ભગવાન ને જલદી થી મેળવવા ત્રણ જન્મ વેર ભાવે ભજવા નું નક્કી કર્યું, ભગવાન ના ભક્તો માટે આ સહેલું નથી, જેના મન માં અહર્નિશ ભગવાન બિરાજતા હોય, સદા એ તેમનું રટણ ચાલતું હોય, તેના થી વેર કેમ થાય? પણ જય અને વિજયે તેમાં સફળતા મેળવી. પણ અંત સમયે તે મનોમન શ્રી રામ ને નમન કરે છે, અને શ્રીરામ તેને બાણ મારી ને પોતાનું ધામ આપે છે.

અહીં એક હમણાંજ સાંભળેલી વાત લખવા મજબૂર બન્યો છું, આપણા ગરવી ગુજરાતના લોક લાડીલાં અભિનેતા અરવિંદ ત્રિવેદી હાલમાં શ્રી રામ ની અનન્ય ભક્તિમાં વધારે પડતા એટલે લીન છે કે તેમણે રામાયણ સીરીયલ માં શ્રી રામ વિષે ઘણાં અપમાન જનક શબ્દો બોલ્યા છે, જોકે આતો તેમના પાત્રનો એક ભાગ હતો, છતાં તેમને આવા શબ્દો રામ વિષે બોલાયા તેનો પસ્તાવો થયો, તેથી એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેઓ ક્ષમા યાચના કરી રહ્યા છે. છેને આજના રાવણમાં પણ એજ ભક્તિ કે જે રામાયણના રાવણમાં હતી? અને આપણે ગુજરાતીઓએ પણ ગર્વ લેવા જેવું છેને?  

માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..


Sunday, February 1, 2015

પ્રભુજી ની રચના

              પ્રભુજી ની રચના  

કૃપા કરી કિરતાર તેં, સરજ્યો આ સંસાર
જીવ જળ ચેતન રચ્યાં, શોભા અપરમ પાર..

વ્યોમ ભોમ રવિ સોમ, ગિરિવર નો નહીં પાર
અગણિત ગૃહ નભમાં ભર્યા, સાગર સંપત અપાર.. 

કુદરતની કરામાત નો, ચિંતવું કેમ ચિતાર
મથી મથી મંથન કરું, તો એ ન પામું પાર...
       
પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા,        શોભા સઘડી તમારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

દીન " કેદાર " ના દીન દયાળુ, અનહદ કરુણા તારી
ભાવ થકી સદા ભૂધર ભજું હું, રાખજો એવી મતી મારી...

સાર-માનવી કોઈ પણ મોટું સંશોધન કરે ત્યારે તે પ્રખ્યાત બની જાય છે, જેમ કે આજના જીવન જરૂરી વીજળી, ટેલિફોન, મોબાઈલ,પેટ્રોલ/ડીઝલના વાહનો, હવાઈ જહાજો, સમુદ્રી જહાજો અને કોમ્પ્યુટર જેવી અનેક ચીજો, અને એના સંશોધકને જાણે અજાણે નમન કરવા પડેછે. પણ આજનો માનવી ઈશ્વરની રચના ને કેટલી હદે યાદ રાખે છે? જે સહજ મળે છે તેનું મહત્વ હંમેશાં ઓછું આંકવામાં આવેછે. આંખની કિંમત આંધળાને પુછો,પગ ની કિંમત પાંગળા ને પૂછો, માનવીએ કરેલી આવી શોધ માનવ જાત માટે વરદાન છેજ, પણ એમાં કુદરત નો કરિશ્મા તો ભળેલોજ હોય છે. વાહન માટે જરૂરી ઈંધણ ક્યાંથી આવે છે? મશીનો માટે જોઇતા પદાર્થો દ્રવ્યો અને આજે સેંકડોની સંખ્યા માં માનવ અને સર સામાન ભરીને ઊડતા હવાઈ જહાજોને ઊડતા રાખતી હવા કોણ આપેછે? હજારો ટન માલ સામાન ભરીને સમુદ્રમાં વિહરતા જહાજો માટે સમુદ્રમાં પાણી કોણે ભર્યું છે? અને તેથી આ બધું સંશોધન એક રીતે તો ઈશ્વરે બનાવેલા એક એક પુરજા ને જોડીને કરેલી એસેમ્બલી જેવું લાગેછે. જોકે આ પણ કંઈ સામાન્ય વાત નથીજ. અને એ સમજ,સૂજ કોણે આપી? પણ ઈશ્વરે આપેલી ભેટ ને યાદ ન રાખીને કરાતી વાહ વાહ મારા મતે યોગ્ય નથીજ. અને એની રચના યાદ તો કરો? કેવી અકલ્પનીય છે?
આજના વિદ્વાનો પૃથ્વી પરથી કુદીને અવકાશમાં લટાર મારવા લાગ્યા છે, પણ આ પૃથ્વી અને બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર,ગ્રહો,નક્ષત્રો કોણે બનાવ્યા? અને પાછા કેવાં અલૌકિક સૌંદર્ય સભર?
ઉન્મુખ ઊભેલો આપણો હિમાલય, જેની અનેક શૃંખલા જાણે કૈલાસ પર બિરાજમાન શિવના ચરણોને સ્પર્શ કરતી હોય, અને મહા સાગર કે જેનો પાર આજપણ માનવી પામી શક્યો નથી, તે જાણે વિષ્ણુ ભગવાન ના પગ પખાળીને હિલોળે ચડતો હોય એવું લાગે છે.
કણે કણ અને પથ્થર ની અંદર પણ પ્રભુએ જીવન આપ્યું છે, તો હાથી જેવા મહાકાય જીવ ને જોઇતું પોષણ આપ્યું, જલચર અને સ્થલચર જીવો બનાવીને આ સૃષ્ટિ ને કિલકારી કરતી બનાવી દીધી, પણ આ બધી રચના ને જોવા અને માણવા માટે ભાવ ભરી નજર જોઈંએ, નહીંતો એનું સાચું દર્શન નથાય.
આવી અલૌકિક ભેટ આપવા બદલ આપણે ઈશ્વરનો જેટલો ઉપકાર માનીએ તે ઓછો છે. બસ એના ભજન દ્વારા આપણે એના ગુણ ગાન કરતાં રહીએ.

ફોટો ગુગલના સહયોગથી સાભાર.