Wednesday, February 4, 2015

રામની મરજી

                  રામની મરજી


મરજી રામની સાચી
શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી...

માનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઈ ટાંચી
અવિનાશી ના એક ઝપાટે,  એમાં ભટકે ભૂત પિશાચી...

નારદ જેવા સંત જનોને,  નારી નયને નાચી 
માનુની બદલે મુખ મરકટ નું,  સૂરત દેખાણી સાચી...         

હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ ના વાંચી
નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી...

ભસ્માસુરે ભગવાન રિઝાવ્યા, જગપતિ લીધા એણે જાચી
મોહિની કેરો મર્મ ન જાણ્યો,  નિજને જલાવ્યો નાચી...

દીન " કેદાર " પર કરુણા કરજો, સમજણ આપો મને સાચી
અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચી...

સાર-આજનો માનવ એવી એવી શોધ,સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે કે જેની કલ્પના પણ અમુક સમય પહેલાં શક્ય ન હતી. અંતરિક્ષમાં લટાર મારવી આજે તેના માટે મોટી વાત નથી, અને તેમાં આપણા ભારતનું ગૌરવ વધારનાર સ્વ. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી વીરાંગનાઓને આ સ્થાને યાદ કરવીજ પડશે. છતાં માનવી ઈશ્વર પાસે સદાએ વામણો સાબિત થયો છે. 
૧, માનવ વિચારે કે એક એવું આલીશાન ભવન કે સ્થાપત્ય બનાવું, જે દરેક આફતો નો સમનો કરીને સદાએ અડીખમ રહે, પણ કુદરત વીફરે તો કોઇ પણ પ્રકારની એક થપાટ એવી લગાવે કે તેનું નામ નિશાન પણ ન રહે. શિવ ના મહાન ભક્ત રાવણ નોજ દાખલો લોને ? રાવણ ની એ સોનાની લંકા હનુમાનજી એ એકજ ઝાટકે અરધી તો બાળીજ નાખીને? બાકીનું કામ રામજીની સેનાએ પૂર્ણ કર્યું.

૨, સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મલ્યો હોવા છતાં કોઈ કારણસર નારદજી  એક વખત સમાધિમાં બેસી ગયા. ઇંન્દ્રને પણ સાપ હતો કે તેને સદાએ પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠાં કે ઇંન્દ્ર ગભરાયો, તેણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યો, નારદજીની તપસ્યાતો ભંગ થઈ, પણ તેણે કામદેવને ક્ષમા આપીને જવા દીધો. પણ મનમાં અભીમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી નાંખ્યો હતો,(જ્યારે કામદેવના પત્ની રતી આક્રંદ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ રતીને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે, અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા.

ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દેતા નથી. તુર્તજ નારદજીના વિચરવાનાં માર્ગમાંજ એક અલૌકિક ઐશ્વર્ય ધરાવતી માયા નગરી બનાવી, જેનો રાજા શિલનિધિ, તેની પુત્રી વિશ્વમોહિની ના સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો, નારદજી પણ આ કન્યાને જોઈને લલચાઈ ગયા, વિચાર્યું કે જો વિષ્ણુ ભગવાન જેવું રૂપ હોય તો આ કન્યા સ્વયંવરમાં મનેજ પસંદ કરે. એ આશયે નારદજીએ ભગવાન ને પ્રાર્થના કરી, અને પ્રભુ તો રાહજ જોતા હતા, તુરંત પ્રગટ થયા, નારદજીએ બધી વાત કરીને પ્રભુના રૂપની માગણી કરી. ત્યારે ભગવાને યથા યોગ્ય કરવાનું વચન આપ્યું.

મનમાં પોતાને અતિ સુંદર સમજતા નારદજી પાંસેથી વિશ્વમોહિની મર્મમાં હંસીને પસાર થઈ ગઈ, ત્યારે બાજુમાં  વિપ્રના વેશમાં બેઠેલા શિવજીના ગણો એ દર્પણ માં મુખ જોવાની ટકોર કરી, નારદજીએ જલની અંદર જોતાં પોતાનું મુખ વાંદરા જેવું દેખાણું. નારદજીએ શિવ ગણોનેતો શ્રાપ આપ્યો પણ સાથે સાથે ભગવાનને પણ શ્રાપ આપ્યો કે આપે મને વાનર જેવો બનાવીને છેતર્યો છે, પણ રામ અવતાર વખતે રીંછ અને વાનરોજ તમને કામ આવશે. આવી છે ભગવાન ની માયા.

૩, ભક્ત પ્રહ્લાદના પિતા હરણાકંસે ભગવાનને પ્રસન્ન કરીને અમર બનવા માટે અનેક પ્રકારે ન મરવાના વચનો લીધેલાં. આ પણ કેવી પ્રભુની માયા? સીધે સીધું અમરત્વ માંગી લીધું હોત તો? જ્યારે પ્રહ્લાદ પર અનહદ ત્રાસ થવા લાગ્યો ત્યારે ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને તેનો સંહાર કર્યો.

૪, ભગવાન ભોળાનાથ ખરેખર ભોળાજ છે, ભસ્માસુરે ભસ્મ કંકણ માંગીને વરદાન લીધું કે તે જેનાપર હાથ મૂકે તે બળીને રાખ થઈ જાય. આવરદાનની સત્યતા સાબિત કરવા માટે સામે ભોળા નાથજ હતા, જેવો ભસ્માસુર ભગવાન પર હાથ મુકવા ગયો કે ભગવાન ભાગ્યા અને વિષ્ણુ ભગવાન પાસે, તેમને બધી માયા ફાવે, વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરીને ભસ્માસુર ને નચાવતાં નચાવતાં તેનાજ માથા પર હાથ રખાવીને બાળી મૂક્યો.
      
૫. હે પ્રભુ અમે (ભજનો ગાનારા અને સાંભળનારા) સર્વે પર દયા રાખજો, અને હંમેશાં સાચી દિશામાં ચાલીએ અને આપ સદા અમોને આપના શરણમાં રાખો એજ અભ્યર્થના.  
ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

No comments:

Post a Comment