Tuesday, August 30, 2016

જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ

સાખી-દિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્તંભ બની નટરાજ  
વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો,
દેવાધી દેવ મહારાજ...

સાખી-સ્તંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય
નિજ તેજ અપાર ભર્યું,
જગ જન હિત સુખાય..

શિવજી તારો મહિમા અપરમ પાર,
જ્યોતિર્લિંગનું તેજ અનેરું,
હૂંતો વંદુ વારમ વાર, ...

પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર
ચંદ્ર તણા સૌ સંકટ કાપી,
શિર ધર્યો સર તાજ....

મલ્લિકાર્જુન મહેર ઘણેરી,
નંદી પર નટરાજ
મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...

કેદારનાથ કરુણા ના સાગર, ભીમા શંકર ભવ તાર
વિશ્વનાથ કાશીમાં બેઠાં,  
સંતો સેવે અપાર...

ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે, બૈદ્યનાથ સિદ્ધ નાથ
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર...

સમુંદર દ્વારે રામજી ના દ્વારા, રામેશ્વર નિરધાર 
ધૃશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો , "કેદાર" કરજો પાર...શિવજી.

સાર:-
સોમનાથ:-(ગુજરાત) દક્ષ પ્રજાપતિની અનેક પુત્રીઓને પરણેલો ચન્દ્ર રોહિણી પર વધારે પ્રેમ રાખતો, તેથી બાકી ની પુત્રીઓએ દક્ષ ને  ફરીયાદ કરતાં દક્ષ રાજાએ ચન્દ્રને શ્રાપ આપ્યો કે તને ક્ષય થશે અને તું ક્ષીણ થતો જઈશ, પણ આવા શ્રાપથી આ પુત્રીઓ નારાજ થઇ અને ભગવાન શિવને પ્રાર્થના કરી અને ચન્દ્રએ પ્રભાસ ક્ષેત્ર માં મહા મ્રુત્યુંજયના જાપ થી શિવજી ને રિઝાવતાં શ્રાપ પામેલા ચન્દ્ર ને શિવજીએ દયા કરી ને શ્રાપમાંથી આંશિક મુક્તિ અપાવી, આ ક્ષેત્રની પ્રતિષ્ઠા વધારવા માટે ભગવાન શિવ પોતે સોમેશ્વર મહાદેવ ના નામે જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા, અને સોમ (ચન્દ્ર ) ને પોતાની જટા માં ધારણ કર્યો.

મલ્લિકાર્જુન :-(આંધ્ર પ્રદેશ)મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવ ગણ નંદીએ અહીંયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગ નું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચ પાંડવ લિંગની સ્થાપના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતાં હતાં.

મહાકાલેશ્વર:- ઉજ્જેન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ સ્વંયંભૂ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

ઓમકારેશ્વર:-( ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંયાંનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

કેદારનાથ : ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિર પાંડવોએ સ્થાપ્યું છે, મહાભારતના યુધ્ધ પછી પાંડવો પોતાના પાપ ધોવા માટે શિવને મનાવવા આ સ્થળે પહોંચ્યા ત્યારે પાડાનું રૂપ ધરીને ભોળા નાથ પ્રુથ્વિમાં સમાવા લાગ્યા પણ પાંડવોએ તેમને મનાવીને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપીત કર્યા. 

ભીમશંકર:-સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

કાશી વિશ્વનાથ :-કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયાં દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

ત્ર્યંબકેશ્વર :- નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે.

બૈદ્યનાથ :-ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિધ્ધપીઠ છે. તેથી સિદ્ધ નાથ કહેવામાં આવે છે.  અહીંયાં આવનાર દરેક વ્યક્તિની મનકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

નાગેશ્વર:- દ્વારકામાં દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયાં પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.

રામેશ્વર :- આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.

ધૃષ્ણેશ્વર:- મહારાષ્ટ્રમાં ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. 

Sunday, August 28, 2016

ગોવિંદ ગાન

ગોવિંદ ગાન

ગોવિંદ ગોવિંદ બોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ
અવસર આ અણમોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ...

ગોવિંદ ગોવિંદ ગાન કરીલે, જનમ જનમ નું ભાતું ભરી લે 
એક અમૂલખ બોલ માનવ...

ગોવિંદ ગોવિંદ રટતાં રટતાં, મોહ માયાના વાદળ હટતાં
માયા છે મોટી પોલ માનવ...

ગોવિંદ નામે નાગર નાચે, વિપત વેળા જદુરાય ને જાચે
પાળ્યાં છે સઘડાં કોલ માનવ...

ગોવિંદ ગોવિંદ જાપ જપિ લે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે
સ્વર્ગ મળે અણમોલ માનવ...

ગોવિંદ ગોવિંદ ગાન જે કરશે, ભાવ ધરી ભગવાન જે ભજશે
એજ માનવ ના મોલ માનવ...

દીન " કેદાર " પર કરુણા કરજો, જીવન ભર પ્રભુ હૃદયે રમજો
બોલું તમારા બોલ માનવ...

Saturday, August 27, 2016

કાનાના કપટ

કાનાના કપટ

સાખી-ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ,
હવેના દાણ ચોરે છે..

સાખી-ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું
રમાડ્યા રાસ છે કાને,  
હવે નટીઓ નચાવે છે..

કપટ કેવાં હરિ કરતો,
બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,  
વળી  હિસાબ દેવા ના..

સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,  
છે ચોર્યા ચિર ગોપી ના..

અધિક આપે તું પાપી ને,   મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના..

મહા કાયોને પણ મળતાં,  
ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના..

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  ભરખતાં બાળ પોતાના..

રંજાડે રંક જનને કાં,  
બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  
જો તારી મરજી વિના ના..

દયા " કેદાર " પર રાખી,
ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,  
પ્રભુ તુજ ગાન કરવામાં..

સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?  

૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?

૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.

૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.
પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.

૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે. 

૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.

૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.
જય નારાયણ. 

Friday, August 26, 2016

કાનજી કાળા

કાનજી કાળા
ઢાળ:- રાગ પ્રભાતી જેવો

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે...

રામ બની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે...

એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબી ના વચને રાણી સીતા ને, કષ્ટ દીધાં બહુ ભારી રે...

કૃષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે
છોગાળા ને તું છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે...

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે...

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે...

" કેદાર " કપટ એક કાન કરી દે,  મુજ પાપી ને પાર કરી દે
જગત બધાને જાણ કરી દે,    તું અધમ નો પણ ઉદ્ધારી રે... 

Wednesday, August 24, 2016

 ભક્ત બોડાણો

                                                  ભક્ત બોડાણો

આજે જન્માષ્ટમી ના પાવન પર્વ પર વધુ એક રચના ભગવાન કાળિયા ઠાકોરના ભક્તો ને ભાવ સહ.

                  

નામ,વજેસંગ,પત્નિ-ગંગા બાઈ, સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬, ૬૦ વરષ સુધી દર કાર્તીકી પુનમે દ્વારકા ગયા, ૮૦ વરષ ની ઉમરે આ પ્રસંગ બન્યો. હાથમાં જવારા વાવે.  અષાઢી ૧૧ રવાના થાય, 

ઢાળ:- કીડી બાઈ ની જાન ને મળતો.

સાખી-સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ

       ભાગ્ય વિણ મળતા નથી,  ભલે ભટકો ઠામો ઠામ.


ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે,  રાખે  ભક્તો ની નેમ.  પણ બધા એ એના પાળતો, રાખે બાળક ની જેમ

                                                                        ભોળા ભક્તો નો ભગવાન છે..

ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક.  પૂનમે દ્વારિકા આવતો, નહી કરતો મીનમેખ

                                                                દર્શન કરવાની એને નેમ છે..

ઘણા વખત ના વાણા વાયા,  નહી તોડેલી ટેક.  પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ

                                                                              પહોંચી જરાની હવે પીડ છે..

આવતી પૂનમે કેમ પહોંચાશે, લાગે છેલ્લી છે ખેપ.  સાંભળો અરજ મારી શામળા,  કરૂં વિનંતી હરિ એક

                                                                                 તારે ભરોંસે મારી નાવ છે...

કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય.  દેહ પડે જો તારે દેવળે,    માન મારું રહી જાય

                                                                                  દોરી તમારે હાથ છે..

દોડી દામોદર આવ્યાં રે,  ઝાલ્યો બોડાણા નો હાથ.  રહું સદા તારા સંગ માં,   કદી છોડું નહી સાથ

                                                                               ભક્ત થકી ભગવાન છે..

ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ.  ગૂગળી ગામમાં ગોતતા,  ક્યાં છે દ્વારિકા નો નાથ 

                                                                             નક્કી બોડાણા નો હાથ છે...

વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણા ને વાત.  મૂકીદે મુજને વાવમાં, પછી આવે છે રાત

                                                                          તારો ને મારો સંગ છે..

ગોતી ગોતી ને ગયા ગૂગળી રે, નહી મળ્યા મહારાજ.  ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ

                                                                                છોડ્યા સૌ રાજ ને પાટ છે..

જાણી સૌ ગૂગળી આવ્યાં રે, આવ્યાં ડાકોર મોજાર.  આપો અમારો ભૂધરો,   કીધાં આવી પોકાર 

                                                                        બોડાણો દ્વારિકા નો ચોર છે..

નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ.  કહ્યું કાનુડા નું મેં કર્યું,      ગુનો મારો નહી લેશ

                                                                                     ખોટું તમારું આળ છે..

જાણી બોડાણા ને દૂબળો રે, રાખે ગૂગળી વિચાર.  હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર

                                                                     પ્રભુ ભજવાની જો હામ છે..

કહે કાનુડો કાનમાં રે,   રાખ વાળી સંગાથ.  તુલસી નું પાન પધરાવજે,  નહી નમે તારો નાથ

                                                                      તારી તે લાજ મારે હાથ છે..

તુલે તુલા ની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય.  ગૂગળી પડ્યા હરિ પાય માં,   પ્રભુ છોડું નહી તોય

                                                                                     એક તમારો આધાર છે..

એક પૂજામાં આવું દ્વારિકા,  એક ડાકોર મોઝાર.  આપ્યું વચન વનમાળી એ, ગુણ ગાતો " કેદાર "

                                                                        ધન્ય બોડાણા તારી ટેક છે..

સાર-ડાકોરમાં બોડાણા નામે એક ભક્ત થઈગયા, કહેવાયછે કે આગલાં જન્મની અંદર તેઓ વિજયાનંદ નામે બાળ કૃષ્ણના સખા હતા, કોઈ કારણસર તેઓ ભગવાનથી રિસાઈ ગયેલા, ભગવાને પોતાના સાચા રૂપનું દર્શન કરાવ્યું ત્યારે વિજયાનંદે હાથ જોડીને કૃષ્ણની ભક્તિ આપવાની માંગ કરી ત્યારે ભગવાને આગલાં જન્મની અંદર મહાન ભક્ત બનીને જન્મ લેશે અને મોક્ષ પામશે એવું વચન આપ્યું.

ભગવાને આપેલ વચન મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોર ગામ માં વિજયસિંહ [વજેસંગ] બોડાણાનાં નામે રાજપૂત કુળમાં થયો. તેમના પત્ની નું નામ ગંગાબાઇ હતું. સમય જતાં આગલાં ભવના સંસ્કારે મન ભક્તિ તરફ વળવા લાગ્યું. ધીરે ધીરે દર અષાઢી ૧૧ ના દ્વારિકા જવા રવાના થાય અને કાર્તિકી પુનમે પહોંચે, હાથમાં જવારા/ કે તુલસી વાવેલું કુંડું લે, અને પગ પાળા નીકળી પડે. એમ કરતાં કરતાં ૬૦ વર્ષ વિત્યા ત્યાં સુધી આ નિયમ જાળવી રાખ્યો, પણ ધીરે ધીરે શરીર સુકાવા લાગ્યું, સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬,ની આ વાત, હવે તો ઉંમર પણ ૮૦ વર્ષ થઈ ગઈ હતી, આ વખતની ખેપ છેલ્લી સમજીને બોડાણાએ ભગવાનને પ્રાર્થના કરી કે નાથ, હવે ચલાતું નથી, બસ એક વખત તારા દર્શન કરી લઉં પછી માફ કરજે, હવે મારાથી અવાશે નહીં. પણ ભગવાન એમ ભક્તની ટેક અધુરી રહેવાદે? પ્રભુએ બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે બોડાણા, આ વખતે બળદ ગાડું લઈને આવજે, પણ બળદ કે ગાડું ક્યાં? મહા મહેનતે લોકોને સમજાવીને ગાડાની વ્યવસ્થા કરી.

જેમ તેમ બોડાણા દ્વારિકા પહોંચ્યા. થાક્યા પાક્યા રાત્રે દર્શન કરીને પોઢ્યા ત્યાં ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે"ભક્ત ઊભો થા, મંદિરમાં પધરાવેલી મારી મૂર્તિ લઈને તારા ગાડામાં પધરાવીદે, મારે તારી સાથે ડાકોર આવવુંછે, અને જલદીથી રવાના થઈજા" પણ અહીંતો મંદિરમાં પહેરો હોય? મૂર્તિ કેમ લેવી? પણ ભગવાન પોતે જેને સહાય કરે તેને શું નડે? મંદિરના દ્વાર ખુલ્લાં પડેલા, બોડાણા દ્વારકેશના ભરોંસે મૂર્તિ ગાડામાં પધરાવી ને રવાના થઈ ગયો.  

સવાર થતાં મંગળા આરતી વખતે ભગવાન ની મૂર્તિ ન જોતાં પૂજારી ગૂગળી બ્રાહ્મણો શોધ ખોળ કરવા લાગ્યા, તપાસ કરતાં દરેક વખતે હાજર રહેતા બોડાણાની ગેરહાજરી જોતાં તેના પર શક ગયો. મંદિરમાં રહેતાં રખેવાળો સાથે બોડાણાની ભાળ લેવા તેની પાછળ દોડ્યા, અશક્ત બળદો કેટલું ભાગે? ઉમરેઠ ગામ નજીક જતાં એક વાવ આવેછે, ભગવાને બોડાણાને કહ્યું કે ભક્ત મને આ વાવ માં મૂકીદે, [ભગવાને બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું તેતો ઘણા ભક્તો સાથે બન્યું છે, પણ અહિં જાગ્રત બોડાણાને કેમ કહ્યું હશે? એની લીલા એ જાણે] આમ ભગવાનને વાવમાં પધરાવી દીધા. ગૂગળી તપાસ કરીને નિરાસ વદને પાછાં ફર્યા. આજ પણ એ વાવની પાળે ઊભેલા લીંબડાની એક ડાળ મીઠી છે એમ કહેછે. 

બોડાણાને જવાતો દીધા, પણ ગૂગળી લોકોને શંકાતો હતીજ તેથી અમુક ગુપ્તચરને તેની પાછળ મોકલ્યા. બોડાણાએ ઘરે આવીને પોતાના સામર્થ્ય મુજબ ભગવાનની સેવા પૂજા કરીની પધરામણી કરી. ગુપ્તચરોએ આવીને આ સમાચાર ગૂગળીઓને આપ્યા ત્યારે બધા મંદિરના રખેવાળોના કાફલા સાથે ડાકોર આવી પહોંચ્યા, અને તે વખતે જે કોઈ આગેવાનો કે ગામના સત્તાધીશો હશે તેને ફરિયાદ કરી કે આ તમારો બોડાણો અમારા ભગવાનને ચોરી લાવ્યોછે.     

 

સર્વે સત્તાધીશોએ કહ્યું કે અમો બોડાણાને બચપણથી જાણીએ છીએ, તે ચોરી ન કરે, બોડાણાએ પણ બનેલી ઘટના કહી સંભળાવી, પણ ગૂગળી માનવા તૈયાર ન થયા, પછી બોડાણાની આર્થિક સ્થિતિ જોતાં ગૂગલી લોકોએ એક શર્ત રાખી કે જો બોડાણા પર ભગવાન આટલા ખુશ હોય તો બોડાણો અમને આ મૂર્તિની ભારો ભાર સોનું આપીદે તો અમો સાચું માની લઈએ અને જતા રહીએ.

બોડાણા પાંસેતો ફૂટી કોડી પણ ન હતી, પણ આતો દ્વારિકાધીશ, ગંગાબાઈ પાસે એક સોનાની વાળી કેમે કરીને રહી ગયેલી, ભગવાને પ્રેરણા કરીને ગૂગળી લોકોની શર્ત બોડાણાએ માન્ય રાખી,

ગામના ચોકમાં બધા જોવા ભેગા થઈ ગયા કે હવે શું થાશે? ત્રાજવા મંગાવવામાં આવ્યા, તેમાં એક બાજુ ભગવાનની મૂર્તિ પધરાવી અને બીજી બાજુ ગંગાબાઈની વાળી, પણ તલભાર મૂર્તિ વાળું ત્રાજવું નમતું રહ્યું, ગૂગલી લોકો સમજી તો ગયા કે આ ઈશ્વરનો ચમત્કારજ છે, પણ ભગવાનને છોડવા ન માંગતા ગૂગળીઓ માટે આ એક બહાનું હતું કે મૂર્તિ હજુ નમતી છે, ત્યારે ભગવાને ફરી બોડાણાને પ્રેરણા કરી અને બોડાણાએ કહ્યું કે ભૂદેવો, બ્રાહ્મણોને દક્ષિણા આપતી વખતે સાથે તુલસી પત્ર પણ પધરાવવું પડે, જ્યાં સોનાની વાળી સાથે તુલસીનું પત્ર પધરાવ્યું ત્યાંતો જાણે ચમત્કાર થયો, બન્ને છાબડા સમાંતર થઈ ગયા, સર્વે સભાજનોએ બોડાણા અને દ્રારિકાનાથનો જય જય કાર બોલાવ્યો.

ગૂગળી બ્રાહ્મણો પ્રભુના ચરણમાં આળોટી પડ્યા કે નાથ અમારો શો ગુનો?  બોડાણાને તો આપે ધન્ય કર્યો પણ અમો આપ વિના કેમ રહી શકીએ? ત્યારે ભગવાને ગૂગળી બ્રાહ્મણોને વચન આપ્યું કે ગોમતી નદીમાં તપાસ કરજો ત્યાં તમને મારી મૂર્તિ મળી આવશે, તેને મંદિરમાં પધરાવીને તમો પૂજા કરજો.

પણ બ્રાહ્મણો માન્યા નહીં, કે પ્રભુ આપ અહિં બિરાજો તો ખાલી મૂર્તિની પૂજા કરવાથી શો ફાયદો? ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વચન આપ્યું કે હું એક પૂજામાં દ્વારિકા રહીશ અને એક પૂજામાં બોડાણા પાસે ડાકોરમાં. આજે પણ કહેવાય છે કે દ્વારિકા અને ડાકોરમાં એક પૂજામાં મૂર્તિમાં તેજ લાગે અને એક પૂજામાં થોડું ઓછું તેજ લાગે, જોકે આતો કોઈ વિરલા ભ્ક્તોને જ ખબર પડતી હશે.

જય રણછોડ.

જય જય ભક્ત બોડાણા   

દુવિધા

દુવિધા

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ,  પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ,  ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

" કેદાર " કનૈયા તારી,   લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..

જન્માષ્ટમીની શુભ કામના સહ
જય શ્રી ક્રૂષ્ણ

Tuesday, August 23, 2016

માં બાપની સેવા કરો

માં બાપની સેવા કરો
ઢાળ:- માં બાપ ને ભૂલશો નહિ - ગવાય છે તેવો

સેવા કરો માં બાપ ની,-તો-   સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે...  

ભૂખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના કદિ’ માંગતાં, એ ઉપાસના તને તારશે...

ભટક્યો અગર તુજ કર્મ થી,  કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું,   તુજ વેદના કોણ ઠારશે...

" કેદાર " એક જ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

Monday, August 22, 2016

માં

માં
સાખી-ઉદરમાં ભાર વેઠીને, સહી પીડા પ્રસવ કેરી,
કરાવ્યું પાન અમ્રુતનું, બની ને પંડની વેરી.

જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
લીધો ઉર ક્ષુધાતુર જાણ્યો...કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો
ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ " કેદાર " કરુણા તારી, બસ એક જ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..