Wednesday, August 3, 2016

જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ

સાખી-દિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્તંભ બની નટરાજ  
વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો,
દેવાધી દેવ મહારાજ...

સાખી-સ્તંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય
નિજ તેજ અપાર ભર્યું,
જગ જન હિત સુખાય..

શિવજી તારો મહિમા અપરમ પાર,
જ્યોતિર્લિંગનું તેજ અનેરું,
હૂંતો વંદુ વારમ વાર, ...

પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર
ચંદ્ર તણા સૌ સંકટ કાપી,
શિર ધર્યો સર તાજ....

મલ્લિકાર્જુન મહેર ઘણેરી,
નંદી પર નટરાજ
મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...

કેદારનાથ કરુણા ના સાગર, ભીમા શંકર ભવ તાર
વિશ્વનાથ કાશીમાં બેઠાં,  
સંતો સેવે અપાર...

ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે, બૈદ્યનાથ સિદ્ધ નાથ
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર...

સમુંદર દ્વારે રામજી ના દ્વારા, રામેશ્વર નિરધાર 
ધૃશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો , "કેદાર" કરજો પાર...શિવજી.

સાર:-
સોમનાથ:-(ગુજરાત) દક્ષ પ્રજાપતિની અનેક પુત્રીઓને પરણેલો ચન્દ્ર રોહિણી પર વધારે પ્રેમ રાખતો, તેથી બાકી ની પુત્રીઓએ દક્ષ ને  ફરીયાદ કરતાં દક્ષ રાજાએ ચન્દ્રને શ્રાપ આપ્યો કે તને ક્ષય થશે અને તું ક્ષીણ થતો જઈશ, પણ આવા શ્રાપથી આ પુત્રીઓ નારાજ થઇ અને ભગવાન શિવને પ્રાર્થના કરી અને ચન્દ્રએ પ્રભાસ ક્ષેત્ર માં મહા મ્રુત્યુંજયના જાપ થી શિવજી ને રિઝાવતાં શ્રાપ પામેલા ચન્દ્ર ને શિવજીએ દયા કરી ને શ્રાપમાંથી આંશિક મુક્તિ અપાવી, આ ક્ષેત્રની પ્રતિષ્ઠા વધારવા માટે ભગવાન શિવ પોતે સોમેશ્વર મહાદેવ ના નામે જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા, અને સોમ (ચન્દ્ર ) ને પોતાની જટા માં ધારણ કર્યો.

મલ્લિકાર્જુન :-(આંધ્ર પ્રદેશ)મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવ ગણ નંદીએ અહીંયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગ નું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચ પાંડવ લિંગની સ્થાપના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતાં હતાં.

મહાકાલેશ્વર:- ઉજ્જેન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ સ્વંયંભૂ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

ઓમકારેશ્વર:-( ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંયાંનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

કેદારનાથ : ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિર પાંડવોએ સ્થાપ્યું છે, મહાભારતના યુધ્ધ પછી પાંડવો પોતાના પાપ ધોવા માટે શિવને મનાવવા આ સ્થળે પહોંચ્યા ત્યારે પાડાનું રૂપ ધરીને ભોળા નાથ પ્રુથ્વિમાં સમાવા લાગ્યા પણ પાંડવોએ તેમને મનાવીને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપીત કર્યા. 

ભીમશંકર:-સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

કાશી વિશ્વનાથ :-કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયાં દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

ત્ર્યંબકેશ્વર :- નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે.

બૈદ્યનાથ :-ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિધ્ધપીઠ છે. તેથી સિદ્ધ નાથ કહેવામાં આવે છે.  અહીંયાં આવનાર દરેક વ્યક્તિની મનકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

નાગેશ્વર:- દ્વારકામાં દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયાં પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.

રામેશ્વર :- આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.

ધૃષ્ણેશ્વર:- મહારાષ્ટ્રમાં ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. 

No comments:

Post a Comment