Saturday, August 13, 2016

પ્રભુજી ની રચના 

પ્રભુજી ની રચના  

સાખી-કૃપા કરી કિરતાર તેં, સરજ્યો આ સંસાર
જીવ જળ ચેતન રચ્યાં, શોભા અપરમ પાર..

સાખી-વ્યોમ ભોમ રવિ સોમ, ગિરિવર નો નહીં પાર
અગણિત ગૃહ નભમાં ભર્યા, સાગર સંપત અપાર.. 

સાખી-કુદરતની કરામાત નો, ચિંતવું કેમ ચિતાર
મથી મથી મંથન કરું, તો એ ન પામું પાર...

પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા,        શોભા સઘડી તમારી...

જનમ ભોમકા ભારત માતા, ગર્વિત ગરદન મારી.
હરી હર હરખે જન્મ ધરે જ્યાં, સંત મહંત અવતારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

માનવ માં કોઈ સંત બનાવ્યા, ભક્તિ કરે જે તમારી
કોઈ દાની કોઈ છે અભિમાની, કોઈ અધમ વ્યભિચારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

એક કળા કિરતાર કરીદે, સાંભળ અરજી મારી
અધમા અધમ આ "કેદાર" છે તારો, બેડલી પાર કરો મારી..

No comments:

Post a Comment