Friday, December 30, 2016

કન્યા વિદાય ની વેળા.

કન્યા વિદાય ની વેળા.

એક દિ’આવી સ્નેહ સરિતાસી, ગૂડિયા હસતી રોતી
ધન્ય થયું મારું જીવન જાણે,   મળ્યું અમૂલખ મોતી
હરખે હૈયું ચડ્યું હિલોળે,       આનંદ હેલી રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હૈયે,     યૌવન આવ્યું ક્યારે
ચૂક્યું દિલ ધબકાર તે દહાડે,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક નર બંકો બાંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩

 ઘરથી નીકળી ઘૂંઘટ તાણી,
પર ઘર કરવા વહાલું
માણી હતી અહીં મુક્ત જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નયને,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી,   દર્દ ન દેવું કળવા
જો ભાળે મુજ તાત આ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત ઉપર, મહેણાં મળે નહીં પરના 
" કેદાર " કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬

Thursday, December 29, 2016

એવા મંદિરે નથી જાવું.

એવા મંદિરે નથી જાવું.

સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
દુર્યોધનના ભોગ તજી,
છાલ જમે રસ રાજ

સાખી_ સ્નેહ કાજ તાંદુલ જમે,
પગ ધોવે વ્રજરાજ
પટરાણી ઢોળે વીંજણો,
નહીં મોટપ કે લાજ..     

પૂજારી મારે એવા મંદિરે નથી જાવું. 
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના,
અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...
મારે હીરા મોતીડે ના તોળાવું  

અરબો ને ખરબો ઓલા કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરિ ભક્તોને મારે હડસેલા ઓલા, ઠગોને માન બહુ દેવાતું
ધૂપને દીપના કરી ધુમાડા મારું, નાહક નાક છે રૂંધાતું રે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે મારે જાવું રે પૂજારી મારે...

ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...

દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરિ ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

Wednesday, December 28, 2016

એટલું માંગી લઉં

એટલું માંગી લઉં

વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ,
હું કેમ માંની લઉં
હરિનું બનાવેલું હોય મજાનું,    
એને સમજી લઉં...

મુક્તિ કેરો મોહ નથી ભલે,
અવિરત જનમો લઉં
પણ ભવે ભવે હું માનવ થઈ ને,
ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં,
કૃષ્ણ લીલા રસ લઉં
દીન દુખી ને આપું દિલાસા,
પીડા પર ની હરી લઉં...

દીન " કેદાર " ની એક જ અરજી,
તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં,
અંત ઘડી ને માણી લઉં....

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
dinvani.wordpress.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

Tuesday, December 27, 2016

એક આધાર

એક આધાર

એક આધાર તમારો અંબા..
જાણી નિજ બાળ સ્વીકારો,
      હવે મારો કે પછી તારો....

મેં પાપ કર્યાં બહુ ભારી,
મતિ મૂંઢ બની’તી મારી
હવે આપો શુદ્ધ વિચારો.....

હું માયા માં છું ફસાયો,
મદ મોહ થકી ભરમાયો
નથી અવર ઊગરવાનો આરો....

મેં શરણ ગ્રહ્યું છે તમારું,
બીજું શું જોર છે મારું
 શરણાગત જાણી સ્વીકારો....

તમે અધમ ઉધાર્યા ભારી,
આવી ઘડી આજ છે મારી
  કરો મુજ અધમનો ઉદ્ધારો...

માં દીન " કેદાર " ઉગારો,
મુજ પાપ નો ભાર ઉતારો
     કરે વિનંતી દાસ તમારો.....

Monday, December 26, 2016

એક અરજ





એક અરજ

નંદ લાલા
એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું
સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું,   પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું,    
રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી... 

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે,
ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી 
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા " કેદાર " મારી...

Sunday, December 25, 2016

ઋણ

ઋણ

ભરતજી મને એકજ ઋણ રડાવે,મને પ્રેમ ના આંસુ પડાવે...

વિપ્ર ના વેષે વાનર મલિયો, સુગ્રિવ સા સખા ને મળાવે
સીતા શોધ કાજે સમંદર લાંઘી, લંકામાં લાય લગાવે...

વાનર સેના વનચરે લીધી,
સમંદર સેતુ બનાવે
અહીરાવણ નું શીશ ઉડાવી, મહિરાવણ ને મરાવે...

વિભીષણ સરીખો મિત્ર મલાવ્યો મને, રણમાં રાહ બતાવે
રાવણ મારી વૈદેહી કેરો,
વસમો વિયોગ મિટાવે...

જેણે જે માંગ્યું તેને તે મેં આપ્યું, પણ હનુમો હાથ હલાવે  
એનો ઉધારી હજીએ રહ્યો છું, એના કરજે કાળજા કંપાવે...

દીન દયાળુ "કેદાર" ના દાતા, દાસ ને દૈવ્ય બનાવે
રઘુ કુળ તેનું ઋણિ રહેશે, રઘુપતિ શાખ પુરાવે...

Friday, December 23, 2016

ઈર્ષા

ઈર્ષા 

આવે જ્યારે ઈર્ષા ઉરની માંય, 
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિ કાંઈ....

લક્ષ્મીજી બ્રહ્માણી  સંગે
સમજે રુદ્રાણી માય,
અમ સમાણી કોઈ પતિવ્રતા
નહિ આ અવની માંય......

નારદજી એ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
અનસૂયા ની ઓળખ આપી
મહા સતીઓ ની માંય...

ત્રણે દેવી ઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઈક ઉપાય,
લો પરીક્ષા સંગે મળીને,
અવર ન સમજીએ કાંઈ...

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળી ને, આવ્યા સતી ને ત્યાંય,
આપો ભિક્ષા અંગ ઉઘાડે,
અવર ના કોઈ ઉપાય...

સતી સમજ્યા અંતર અંદર, વિચાર્યું મન માંય, 
આદરથી એક અંજલિ છાંટી બાળ બનાવ્યા ત્યાંય...

ત્રણે દેવી મનમાં મૂંઝાણા,
પૂછે નારદ ને વાત,  
પ્રભુ તમારા ઝૂલે પારણિએ અનસૂયા ને ત્યાંય....

કર જોડી કરગરે દેવીઓ,
આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઈ આવે, અવર ન માંગુ કાંય...

ત્રણે દેવો એક અંસ બની ને,
ધર્યું દત્તાત્રેય નામ,
"કેદાર" ગુણલા નિત નિત ગાતો, લળી લળી લાગે પાય... 

Thursday, December 22, 2016

આનંદ

આનંદ

મને અનહદ આનંદ આવે,  હરિને હૈયે હેત કેવું આવે..

સેવક કાજે સરવે સરવા,   વિધ વિધ રૂપ ધરાવે

પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે...

પિતા પ્રભુના પાવળું પાણી,   પુત્ર ના હાથે ન પામે

પણ- અધમ કુળ નો જોયો જટાયુ,  જેની ચિત્તા રામજી ચેતાવે...

ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે

કરમાં રથ નું ચક્ર ને ગ્રહતાં,   લેશ ન લાજ લગાવે..

સખુ કાજે સખુ બાઈ બની ને, માર ખાધો બહુ માવે

ભક્ત વિદુર ની ઝૂંપડી એ જઈ,  છબીલો છોતરાં ચાવે...

નરસિંહ કાજે નટખટ નંદન,  વણિક નો વેશ બનાવે

હૂંડી હરજી હાથ ધરીને,   લાલો લાજ બચાવે..

ગજને માટે ગરુડ ચડે ને,  બચ્ચા બિલાડી ના બચાવે

ટિટોડી ના ઈંડા ઊગારી, " કેદાર " ભરોંસો કરાવે... 

સાર:- મને એક આનંદ થાયછે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમહોય છે? જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે. ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા ન દે.

૨-રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં પાણી પાઈ શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા જટાયુ ને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ

કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩-મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા માટે આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના રહેશે. ( જેમાં ૨૮૧૭૦ રથ, ૬૫૬૧૦ ઘોડેસવાર, ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો અને ૨૧૮૭૦ હાથીઓ હોય છે. )ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી. અર્જુનને તો કૃષ્ણજ જોઇતા હોય ને?

મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ પ્રતિજ્ઞા લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ, જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં કર્યું છે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે તોડ્યું છે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને-ટેકને પાળવા માટે ક્યારેક પોતાના વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડીદે છે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, અને સખુના સાસુ સસરા નો માર પણ ખાધો.  વિદુરની ભાજી ખાધી, નરસિંહ મહેતા ના અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમિમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ કેટલાં કેટલાં કાર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરતા રહેવું, જરૂર સાંભળશે, અને આપણને પણ સંભાળશે.

જય શ્રી દ્વારકેશ.

Tuesday, December 20, 2016

અવસર

અવસર

સાખી-રાખ ભરોંસો રામ પર,
કરશે તારાં કામ.  
હેતે ભજી લો રામ ને,
એક જ છે સુખ ધામ

સાખી-પલ પલ ભજી લે રામ ને,
છોડ જગત ની માયા.  
સઘળા કાર્ય સુધારશે,    
કંચન કરશે કાયા

સાખી- રામ રામ બસ રામ જપ,
રામ જપ બસ રામ.  
શીદ ને સડે સંસાર માં,
મિથ્યા જગત નું કામ..

અવસર આ અણમોલ મલ્યો છે,
ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે,  
સેવી લે સુંદર શ્યામ ને...

માતા તણા ઉદર મહિ
ભગવાન ને ભજતો હતો.
કીધો ભરોંસો ભૂધરે,
અવતાર તુજ આપ્યો હતો
પરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...

ભૂખ્યો ન રાખે ભૂધરો,
સોંપીદો સઘળું શ્યામ ને.
રાખો ભરોંસો રામ પર,
કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જિવાડે,
ગાવ એના ગુણ ગાન ને...    

આપેલ સઘળું ઈશ નું,
માનવ થકી મળશે નહી.  
મોકો ન ભૂલજે માનવી,
જીવન આ જડશે નહી
મહેર પામો માધવ કેરી,
રટીલો રાધે શ્યામ ને...

પલ પલ રટણ કર રામનું,
માળા મોહન ના નામ ની.  
ભજી લે ભાવથી ભૂધર,
કળા એક જ આ કામ ની
દીન " કેદાર " પર દયા દરશાવો,
ભાળું અંતે ભગવાન ને...

Monday, December 19, 2016

અવળાં ઉત્પાત (ભરત નો વિલાપ)


અવળાં ઉત્પાત (ભરતનો વિલાપ)


તા. ૭.૪.૯૦

ઢાળ-રાગ શિવ રંજની જેવો.


તને કહેતાં જનની લજાતો, તેં અવળાં કર્યા ઉત્પાતો...


ધિક્ ધિક્ કૈકેયી ધિક્ તારી વાણી, શીદને વદિ આવી વાતો

રાજ ન માંગું વૈભવ ત્યાગું, રામ ચરણ બસ નાતો...


જનની કેરું તેં બિરુદ લજાવ્યું, કીધો નાગણ સો નાતો

પતિ વિયોગે ઝૂરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો..


લખ ચોરાસી જીવ ભટકતો, ત્યારે માનવ થાતો

છે ધિક્કાર મારા માનવ તનને, જે દેહથી રામ દુભાતો..


એક પલક જે રામ રિઝાવે, પાવન જન થઈ જાતો

જન્મ ધરી મેં રામજીને પૂજ્યાં, તૂટ્યો કાં તોએ નાતો..


પરભવ કેરાં મારા પાપ પ્રગટ્યાં, જીવ નથી કાં જાતો

ધન્ય પિતાજી રામ વિયોગે, તોડ્યો તનથી નાતો..


રામ વિરહમાં રડે ભરતજી, "કેદાર" ગુણલા ગાતો

લેશ ન માયા ઉરમાં આણી, હરિ દર્શનનો નાતો...


ભાવાર્થ-જ્યારે ભરતજીને માતાના વચનો માગ્યાની વાત જાણ થઈ, ત્યારે તેમને ખૂબજ દુખ થયું, અને પોતાની માંને કહેવા લાગ્યા, હે કૈકેયી મનેતો તને મા કહેતાં પણ શરમ આવે છે. તેંતો ધિક્કાર પમાડે તેવા વચનો બોલીને મારા પિતાજી સાથે કેવો વહેવાર કર્યો છે? અરે મનેતો પૂછ્યું હોત? કે મારે રાજ્ય જોઈએં કે રામ? રામ વિનાના જીવનની હું કલ્પના પણ ન કરી શકું, અને તેં મને મારા રામના વનવાસના ભોગે મારા રાજ્યાભિષેકની કલ્પના પણ કેમ કરી?  તેં તો જનની કહેવાનો હક્ક ત્યાગી દીધો છે. જેમ નાગણના મુખમાંથી સદા ઝેર જ નીકળતું હોય, તેમ હળાહળ ઝેર ઓકતા શબ્દોનો માર કરીને તેં મારા પિતાજીનો જીવ લીધો છે, પતિના વિયોગે પતિવ્રતા નારી જે રીતે ઝૂરતી હોય એવો એક પણ ભાવ તારામાં દેખાતો નથી. મારા પરમ પૂજનીય પિતા સમાન ભાઈ રામ, ભાઇ લક્ષ્મણ અને મારી માતા સીતાજીને વનવાસ આપીને શું હું રાજ ગાદી પર બેસી શકું? 

જીવ જ્યારે ચોરાસી લાખ યોનિમાંથી પસાર થાય ત્યારે દેવતાઓને દુર્લભ એવો માનવ દેહ પામે છે. પણ ધિક્કાર છે મારા માનવદેહને, કે જે દેહને ખાતર મારા રામને કષ્ટ ભોગવવું પડે.

જે કોઈ જીવ ફક્ત એક પળ માટે પણ જો અંત:કરણથી રામ મય બની જાય તો તે પાવન બની જાય છે. પણ મારો આ દેહ તારા ઉદરમાં પાક્યો હોવાથી ધિક્કારને પાત્ર છે, કેમકે મેં જન્મથી રામની આરાધના કરી હોવા છતાં આજે રામ મારાથી દૂર થઈ ગયાં.

 મને ગર્વ છે કે હું એવા પિતાનો પુત્ર છું, કે જેણે ફક્ત રામના વિયોગની કલ્પના કરીને પ્રાણનો ત્યાગ કરી દીધો, પણ મારા કોઈ આગલા જન્મના પાપના પ્રતાપ છે, આજે રામનો વિયોગ થયો હોવા છતાં મારા ખોળિયામાં હજુ જીવ ટકી રહ્યો છે.

 કેવો મહાન ભક્ત, ત્યાગી, કે જેને ફક્ત પ્રભુના દર્શન સિવાય કોઈ જ મોહ કે માયા નથી, એવા ભરતજીના ગુણ ગાન કેમ ન કરવા પડે? 

જય શ્રી રામ ભક્ત ભરતજી.


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, 

૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં 

kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.  

ફોટો-ગુગલના સહયોગ થી.  


Sunday, December 18, 2016

અરજી

અરજી
ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ
છું હું દાતા,
કરતો રહું કર્મો જે લખિયા વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ,
ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો,
અજ્ઞાની મને જાણી સ્વીકારો ઓ તાતા..

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી,  
ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિત મારું તવ શરણે ઓ સ્વામી,
વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા,
ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા હૃદય માં,  
કરો કરુણા ની વૃષ્ટિ કૃપાળુ ઓ દાતા...   

કરૂં પ્રાર્થના નિત મનથી તમારી,  
સુણો વિશ્વ ભરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્,  
વિનવું સદા નાથ તમને ઓ તાતા...

નથી પર્ણ હલતું વિણ મરજી તમારી,
તો શાને છે કર્મોની ભીતિ અમારી
કરું કાર્યો તેના ન લેખાં કોઈ લેજો,
હો સારું કે નરસું તમારું ઓ તાતા...

કરૂં ગાન ત્યારે મન તારામાં  લાગે,
માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે   
છે " કેદાર " કેરી આ વિનતિ પ્રભુજી,  
સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..   

Friday, December 16, 2016

અમૂલ્ય અવતાર

અમૂલ્ય અવતાર

ઢાળ-"અબ સોંપ દીયા ઈસ જીવન કા,  ને મળતો

આપ્યો અવતાર અમૂલ્ય ઘણો,  
મને માનવ કેરો દેહ મળ્યો
ઉપકાર અનેરો આપ તણો,  
મને નારાયણ નો નેહ મળ્યો...

મને યાદ ન આવે આજ જરી,  
મેં કેમ ચોરાશી પાર કરી
પણ એક સમજ સરકાર ખરી,  
મને મુક્ત થવા નો માર્ગ મળ્યો...

સંસાર અસાર છે ધ્યાન રહે,
મારા ચિત માં ગીતા નું જ્ઞાન રહે
સદા મન માં હરિ નું સ્થાન રહે,  
મને ગોવિંદ ગુણ રસ લાગે ગળ્યો...

મને અમૃત આપો વાણી માં,  
હવે જાય ના જીવન પાણી માં
હું ભાળું હરિ હર પ્રાણી માં,  
મને કૃષ્ણ કૃપાળુ ત્યાં જાય કળ્યો....

તને એક અરજ કિરતાર કરૂં,  
ભજતાં ભૂધર ભવ પાર કરૂં
ગદ ગદ થઈ ગિરિધર ગાન કરૂં,  
મને લાલ રિઝાવવા નો લાગ મળ્યો...

પ્રભુ દીન "કેદાર" ની વાત સુણી,  હરિ રાખો મુજ પર મહેર કૂણી
હું તો રોમે રોમ છું તારો ઋણી,  
થોડું ઋણ ચૂકવવા નો મોકો મળ્યો...


Thursday, December 15, 2016

અંગદ વિષ્ટિ

અંગદ વિષ્ટિ

સાખી-લંકા પતી મથુરા પતી,
વાલી બહુ બળવાન,   
મદ થકી માર્યા ગયા,
માનવ તજ અભિમાન.

સાખી-નગર લંકા છે સોનાની,
મનોહર વટિકા મધ્યે, 
બિરાજ્યા માત સીતાજી
શરીરે આગ વરસેછે.

સાખી-ભલે હો હેમની નગરી,
નથી જ્યાં રામનું શરણું, 
ભલે ને મોતીડાં વરશે,
સીતાને રામનું સમણું

વાલી સુત વિષ્ટિ કરવાને આવ્યો રે,
રાવણ રહે અભિમાન માં
લંકામાં ભય ખૂબ ફેલાયો રે,
આવ્યોછે કપિ પાછો રાજમાં....

નૃપ થી ઊંચેરું એણે
આસન જમાવ્યું
દુત રે બનીને સઘળું સમજાવે રે,
સમજે જો રાવણ  સાનમાં રે...

ભ્રમર વંકાતાં સારી
સૃષ્ટિ લય પામે
પ્રેમે વરસેતો વસંત ખીલાવે રે,
એવીછે શક્તિ રામમાં...

છટ છટ વાનર તારા,
જોયા વનવાસી
સીતાના વિરહે વન વન ભટકેરે,
બનીને પાગલ પ્રેમ માં...

નવ નવ ગ્રહો મારા
હુકમે બંધાણાં 
સમંદર કરે રાજના રખોપા રે,  
વહેછે વાયુ મુજ માનમાં...

શિવ અંસ જાણી હનુમો,  
પરત પઠાવ્યો
અવરતો પલમાં પટકાઈ જાશે રે,
આવશે જો રણ મેદાનમાં..

ભરીરે સભામાં અંગદે,
ચરણ ને ચાંપ્યો
આવી કોઈ આને જો ચળાવે રે,
મુકીદંવ માતને હોડમાં...

"કેદાર" ન કોઈ ફાવ્યા,
ઉઠ્યો ત્યાં દશાનન
કપીએ સમજણ સાચી આપીરે,
નમાવો શીશ હરિ પાયમાં..

Monday, December 5, 2016

હું કાર

 હું કાર

ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો.

સાખી-વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો,
આમાં ક્યાં "હું" નો વિસ્તાર..

શાને ધરે હું કાર તું ધન નો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે,  નાશ થશે તુજ તન નો..

અવિનાશી ની અધિક કૃપા થી,  માનવ દેહ મળ્યો છે તને..
આવ્યાં જેને જેને યમના તેડા,  જઈ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડશે ત્યારે,  
સારા નરસા કરમ નો......

કોઈ ને ચિત્તા મળે ચંદન ની,  કોઈ બળે બાવળીએ..
જાવું અંતે અંગ ઉઘાડે,  
જણ્યો જેવો માવડીએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિ નો..
સમય પારખ પામર પ્રાણી,  
નહિ વિશ્વાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..

અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકાવવા પડશે  એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઈ ચકડોળે ચડશે..
" કેદાર "કરીલે પૂજા એવી,    
પ્રેમ રહે પ્રીતમ  નો....

સ્વ રચીત

Sunday, December 4, 2016

માં

 માં
સાખી-ઉદરમાં ભાર વેઠીને,
સહી પીડા પ્રસવ કેરી.
કરાવ્યું પાન અમ્રુતનું,
બનીને પંડની વેરી.

જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો,
સહિ પીડ અતિ જગ આણ્યો
લીધો ઉર ક્ષુધાતુર જાણ્યો..

મને પાપા પગલી ભરાવી,
પડિ આખડી મુજ ને બચાવી
જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો,
થોડો સાચો થોડો ખોટો
ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો.કેવી.

ભલે માનવ બનું હું મોટો,
ધન ધાન્ય રહે નહિ તોટો
તો એ માને મન ઘાણી ખોટો..

પ્રભુ " કેદાર " કરુણા તારી,
બસ એક જ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...