Thursday, December 29, 2016

એવા મંદિરે નથી જાવું.

એવા મંદિરે નથી જાવું.

સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
દુર્યોધનના ભોગ તજી,
છાલ જમે રસ રાજ

સાખી_ સ્નેહ કાજ તાંદુલ જમે,
પગ ધોવે વ્રજરાજ
પટરાણી ઢોળે વીંજણો,
નહીં મોટપ કે લાજ..     

પૂજારી મારે એવા મંદિરે નથી જાવું. 
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના,
અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...
મારે હીરા મોતીડે ના તોળાવું  

અરબો ને ખરબો ઓલા કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરિ ભક્તોને મારે હડસેલા ઓલા, ઠગોને માન બહુ દેવાતું
ધૂપને દીપના કરી ધુમાડા મારું, નાહક નાક છે રૂંધાતું રે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે મારે જાવું રે પૂજારી મારે...

ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...

દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરિ ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

No comments:

Post a Comment