Monday, November 18, 2013

                                         દેશળ ભગત.

હમણાં નારાયણ બાપુની તિથિ નિમીતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં શ્રી મેરાણ ગઢવીએ દેશળ ભગતનો  એક પ્રસંગ રજૂ કર્યો જે મારા માતુશ્રી મને ઘણી વખત કહેતા, જે આજે તાજો થતાં અહીં રજૂ કરું છું, જેના માટે ભગવાન દ્વારકાનાથ ને ધ્રાંગધ્રાના મહારાજા શ્રી અજીતસિંહજીની જેલનો પહેરો ભરવો પડેલો.

મારા માતુશ્રીના ફૈબા સાહેબ એટલે ધ્રાંગધ્રા રાજ્યના મહારાણી સાહેબા બાજીરાજબા, મારા માતુશ્રી બે બહેનો, સગો કોઈ ભાઇ નહીં, નાની વયમાં માતા પિતાની છત્ર છાંયા ગુમાવી ચૂકેલા, તેથી ફૈબા સાહેબે તેમને ધ્રાંગધ્રા બોલાવી લીધેલાં, લાડકોડ સાથે ભક્તિનું સિંચન કરેલું તેથી ઈશ્વર મય જીવન. મને પણ ધર્મ અને સંતો મહંતોની વાતો કરતા. તેમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરું છું.

એ વખતે ધ્રાંગધ્રા માં રા.રા.શ્રી અજીતસિંહજી સાહેબ ગાદી પર બિરાજમાન, અડાબીડ વ્યક્તિત્વ, કંઈ પણ ખોટું સહન કરે નહીં, અન્ય રાજ્યોના રાજા મહારાજાઓ તેમનું માન જાળવે. આવા રાજાના રાજ્યમાં એક દેશળભાઈ રાજ્યની જેલના સામાન્ય સિપાહી જે "દેશળ ભગત" તરીકે ઓળખાય, ભજન પરાયણ જીવ, અવિરત ભક્તિ મય જીવન, જ્યાં પણ ભજન ગાવા બોલાવે વિના વિલંબ પહોંચી જાય.પણ ભક્તિ હોય ત્યાં ભીડ પણ સાથેજ હોય. અનેક ખણ ખોદિયા લોકો મહારાજાને ફરિયાદ કરતા કે બાપુ, આપ દેશળને જાણતા નથી, તે ઘણી વખત ચાલુ નોકરીએ આડો અવળો થઈ જાય છે, જેલમાં કેવા કેવા ઘાતકી લોકો આવતા હોય, આપના નામથી ચોર લૂંટારા ભય પામે છે, આપના રાજ્યની જેલમાં જવાના નામ માત્રથી કેટલાક તો ગુનો કરતાં ગભરાય છે, પણ બાપુ, આ દેશળના પ્રતાપે જો કોઈ કેદી જેલમાંથી ભાગી જશે તો આપની બદનામી થશે, માટે આપ તેના પર જરૂરી નિયંત્રણ રાખો તો સારું રહેશે.

નારાયણ બાપુએ એક વખત એક ટુચકો કહેલો તે આ જગ્યા પર સુ સંગત હોઈને મુકુંછું. એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આપતો ત્રિદેવો માંહેના એક છો, જેમ આપ મહાદેવ અને બ્રહ્માજીનું માન રાખેછે, તેમ તેઓ પણ આપનું માન રાખેછે, પણ હું ઘણીવાર જોંવછું કે આપ ઊંડા ધ્યાનમાં લાગી જાવ છો. શિવજી પણ ધ્યાનસ્થ થઈ જાય છે, તો આપ કોનું ધ્યાન ધરો છો? આપનાથી મોટું કોણછે? ત્યારે ભગવાને કહ્યું કે દેવી મારા ભક્તો જ્યારે મને અંતરથી યાદ કરેછે ત્યારે મારે તેની પ્રાર્થના સાંભળવી પડેછે. ક્યારેક તેમની પાસે પણ જવું પડેછે, મરાથી મારા ભક્તો મારા માટે મોટાછે.

આ સાંભળીને લક્ષ્મીજીને થયું કે જો ભગવાનના ભક્તો ભગવાન કરતાં મોટા હોય તો મારે તેમનું માન જાળવવું જોઇએં અને લાજ પણ કાઢવી જોઈએં, ત્યારથી માતાજી ભક્તોના ઘરે જવાનું ટાળેછે, અને ભક્તો મોટા ભાગે નિર્ધનજ હોયછે.

ભજન પરંપરામાં એક નિયમછે કે જો ભજનનું "વાયક" સ્વિકારવામાં આવે તો તેને કોઈ પણ ભોગે પાળવું પડે, તેથી દેશળ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારકા વાળો મહેર કરશે તો આવી જાશું.
પણ જ્યારે જ્યારે પેલા ખણખોદિયા લોકોને ખબર પડે કે આજે વાયક આવ્યુંછે, તેઓ તુરંત મહારાજાને ખબર આપીદે, પણ બાપુ ખાસ ધ્યાન ન આપે.
એક વખત શહેરના કુંભારવાડામાં ભજનનું વાયક આવ્યું, ભગતે જવાબ આપ્યો કે ભાઈ જેવી દ્વારિકા વાળાની મરજી. જેલમાં નોકરીની ત્રણ પાળી ચાલે, આઠ આઠ કલાક પાળી બદલે, ભગતની નોકરી તે દિવસે રાતના આઠ થી સવારના ચાર વાગ્યા સુધીની હતી, ભગતે સાથી સિપાહીને કહ્યું કે ભાઈ, ભજનનું વાયક છે, વચન તો નથી આપ્યું પણ જીવ ત્યાંજ બાજ્યોછે, આપ જો થોડીવાર નજર રાખો તો એક ચોહર (ચાર ભજન) કરી આવું, સાથી કહ્યું કે ભગત તમને ખબર છે? તમારા દુશ્મનો તમારા વિરુદ્ધ બાપુને કાન ભંભેરતા રહેછે, માટે તમે ધ્યાન રાખજો. ભગતે જવાબ આપ્યો કે ભાઈ ધ્યાનતો રાખશે દ્વારિકા વાળો, આપણે શું ધ્યાન રાખવાના? 
પેલા ખણખોદિયાઓ ને પણ ખબર પડી ગયેલી કે આજે ભગતને આમંત્રણ છે તેથી જરૂર જશેજ, તેણે મહારાજાને આ બાબતની જાણ કરી ને વિનંતી કરી કે રાજન આજ અપ પોતેજ ધ્યાન આપો તો દેશળની પોલ ખૂલી જાય.
ઘણા સમયની ભંભેરણીથી રાજન ને પણ ખાતરી કરવા વિચાર આવ્યો, તેમણે આ લોકોને કહ્યું કે આજે જ્યારે ભગત બહાર જાય મને જાણ કરજો, હું પોતે આવીને તપાસ કરીશ.

રાત્રિના દશ વાગ્યા એટલે ભગવાનનું નામ લઈને દેશળ ભગત સાથી સિપાહીને ભલામણ કરીને ભજન ગાવા ચાલી નીકળ્યા. લાગ જોઇને પેલા ખણખોદિયાઓ એ મહારાજાને ખબર આપ્યા, ભરોંસો ન આવતો હોવા છતાં ખાતરી કરવા બાપુ જેલમાં પધાર્યા અને દેશળને હજર થવા કહ્યું. રાજ્યની જેલનો પહેરવેશ પહેરેલા દેશળ ભગત આવીને બાપુને સલામ મારીને વંદન કરતાં ઉભા રહ્યા, બાપુએ જેલની હાજરી ભરવાની ચોપડી મંગાવીને તેમાં સહી કરીને સબ સલામત ની ખતરી કરતાં મહેલમાં પધાર્યા.
પેલા લોકોને નવાઈ લાગી કે આ ભગતડાને જતો તો જોયેલો, તે પાછો કેમ આવી ગયો? શું કોઈએ આપણી યોજનાની જાણ તેને કરી દીધી? પણ ભગત આમંત્રણ આવ્યા પછી જરૂર જાયજ એમ વિચારીને તેઓએ ફરીને થોડા સમય પછી જોયું તો ભગત ન હતા, ફરી બાપુને જાણ કરી, બાપુ પધાર્યા પણ ખરા, પણ પહેલાની જેમજ દેશળ ભગત આવીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરી અને પાછા ફર્યા. હવે પેલા લોકોને થયું કે નક્કી કોઈક આપણી વાત જાણી ગયુંછે જે દેશળને જાણ કરીદેછે તેથી તે ભજન છોડીને આવી જાયછે, આ વખતે એવું કરો કે બે માણસો કુંભારવાડે જઈને ખાતરી કરે અને સમાચાર આપ્યા પછી પાછા ત્યાંજ ઉભા રહે, અને બે જણા જેલના દ્વાર પાસે રહે જેથી કોઈ પણ સંજોગોમાં એ ભગતડો જેલમાં આવી ન શકે, અને બે જણા બાપુને આ બધું સમજાવીને લઈ આવે જેથી બાપુને ખાતરી થાય.આવી સંપૂર્ણ યોજના સાથે બાપુને બોલાવવામાં આવ્યા, પણ જેવા બાપુએ ભગતને હાજર થવા કહ્યું કે તરત ભગત એજ પ્રમાણે આવિને બાપુને નમન કરીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરીને પેલા લોકોને ઠપકો આપ્યો કે આવા જૂઠાણા ચલાવીને કોઈને બદનામ કરવાની વ્રતી બાબત સખત ઠપકો પણ આપ્યો.
અહીં દેશળ ભગતને તો આ બાબતની ખબરજ નહતી,સવારના ચાર વાગવાની તૈયારી હતી ત્યારે ભગતને ધ્યાન આવ્યું કે ભારે કરી આજે જરૂર નોકરી જશે, ડરતાં ડરતાં જેલના દરવાજે પહોંચ્યા ત્યારે પળી બદલવાની તૈયારી ચાલતી હતી, પેલા સાથી સિપાહીએ વાત કરતાં કહ્યું ભગત સારું થયું તમે ભજનમાં ન ગયા નહીંતો આજે મહારાજા ત્રણ વખત પધારીને જે મુલાકાત લઈ ગયા તેમાં ક્યારેક તો પકડાઇજ જાત. ભગતતો અચંબામાં પડી ગયા, વિગતે વાત જાણતા ત્યાંથી સિધ્ધાજ રાજ દરબારમાં પહોંચીને મહારાજાને પગે લાગીને સિપાહીનો ગણવેશ અને પટ્ટો બાપુના પગમાં મૂકીને કહ્યું કે બાપુ, મારા માટે મારી પરીક્ષા લેવા આપને ત્રણ ત્રણ વખત આપના મહેલથી કે જે ફક્ત પંદર મિનિટ ના રસ્તા પર છે ત્યાં પધારવું પડે એ સારું ન લાગતું હોય ત્યાં મારા વહાલાને છેક દ્વારિકાથી આપના સિપાહીનો ગણવેશ પહેરીને આપને સલામ મારવી પડે એવી નોકરી હવે મારે નથી કરવી, હવેતો બસ મારા નાથની નોકરી કરીને જીવન વ્યતીત કરીશ.      
જય દ્વારિકેશ.

Tuesday, November 12, 2013


ઝૂંપડીએ જંગ


ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પઢ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, "કેદાર" ભરોંસો કેમ ના’વ્યો...
   
  સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.

તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.
હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?
જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.
જય નારાયણ.

Thursday, November 7, 2013

                          જલારામ બાપા

જલારામ બાપાની જયંતી પર મારી એક રચના સર્વે મિત્રો માટે.

                        જલારામ બાપા


વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 

દાતા તમે આવ્યા જલા ના વેશ માં....


માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા

વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 

સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં.. 


અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું

ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું

હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં. 


લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં

ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ ની કરતાં

ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...


પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 

લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં

ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં 


રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત,  મૂર્તિ રૂપ મંડાણા

હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા

સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 


રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં

દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 

અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં


દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો 

હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો

એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં...


દીન "કેદાર" પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો

સદા રહે મારે હૃદયે રામજી, એવી મતી મારી રાખજો

હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં


અર્ધાંગનાં-મારીજ એક રચનામાં મેં લખ્યું છે કે "પરણે બધા એ તેને,પત્ની મળે જીવન માં,પણ હોય ભાગ્યશાળી,અર્ધાંગની મળે છે..."


અધેલો:-એક જમાના માં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો તાંબાનો સિક્કો.

૮.૧૧.૧૩.


Saturday, November 2, 2013

માનવ ધારે તો ક્યાં થી ક્યાં પહોંચી શકે છે.
                      કવી "દાદ" નો દીવડો (જીતુદાન ગઢવી)

હમણાંથી તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ ના કાર્યક્રમની ઝલક આપ સમક્ષ રજૂ કરતો રહુંછું, આજે મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" ના સુપુત્ર શ્રી જીતુદાન ગઢવીને રજૂ કરવા માંગુછું. એક આડ વાત, હું દરેક વખતે શ્રી "દાદ"નો ઉલ્લેખ મારા ગુરુ સમાન તરીકે કરુંછું, એક મિત્રે મને કહ્યું કે ભાઈ આ ગુરુ સમાન કેમ? ગુરુ કેમ નહીં? ત્યારે મેં જવાબ આપેલો કે ભાઈ મેં તો તેમને ગુરુજ માન્યા છે પણ તેઓ મને શિષ્ય માને છે કે નહીં તે ચોખવટ થઈ નથી...

જો ગાડીનો ડ્રાઇવર બરાબર ન હોય તો ગાડી ચીલો ચાતરિ જાય, અને ક્યારેક બળદ ગાડાં આગળ નીકળી જાય, એવુંજ કંઈક આ કાર્યક્રમમાં થયેલું, સંચાલક મહોદયને કોઇ કારણસર કાર્યક્રમ છોડીને જવું પડેલું, એમાં આવા દીવડાને રજૂ કરવામાં મોડું થઈ ગયું. પણ પછી જીતુદાને જે જમાવટ કરી, કવિ "દાદ" ના લક્ષ્મણાયન ની વાતો અને અન્ય રજૂઆત સાંભળીને તેને મોડો સમય ફાળવાયો તે બાબત માટે મોટા ભાગે બધા શ્રોતાઓએ નારાજગી વ્યક્ત કરી પણ પછી શું થઈ શકે? બસ હૂંતો એટલુંજ કહીશ કે વાહ દાદ વાહ શું સંસ્કારનું સિંચન કર્યુંછે, તોજ આવા દીવડા પાકે બાકી કેટલાએ કવિઓ/સાહિત્યકારો કે મોટા ગજાના ભજનિકોના દીકરા ક્યાં રખડેછે કોઈને ખબર નથી, કે બાપના પગલે પા પા પગલી પણ ભરી શકતા નથી, અમુક તો બાપના નામે તરવા માટે ફાંફાં મારે છે પણ પોતાનું અજ્ઞાન આડું આવે છે, અને કોઇ કોઇ તો નામ રોશન કરવાને બદલે ડૂબાવે છે.
એક વડીલ તરીકે ઈશ્વરને એકજ અભ્યર્થના કે ભાઈ સદાએ સાચા અર્થમાં સાહિત્યકાર કે ભજનિક બનીને પિતાનું નામ રોશન કરજે એવી પ્રાર્થના.
જય નારાયણ.
૨.૧૧.૧૩

Friday, November 1, 2013

છોટે નારાયણ ?

                     
                              છોટે નારાયણ ?
તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ ના કાર્યક્રમની એક ઝલક આપને કાલે મેં બતાવી, આજે નારાયણ બાપુના મોટા પુત્ર હરેશભાઈને આપની સમક્ષ આ માધ્યમ દ્વારા રજૂ કરુછું, જો કે વીડીઓની લંબાઈની મર્યાદા હોઈને નાનો ભાગજ મુકુછું.
હરેશભાઈએ બાપુ જે માળા બોલાવતા તે માળાથી શરૂઆત કરી ત્યારે તેમને સાંભળનારા ઘડીભરતો સ્તબ્ધ બની ગયા, કેમકે તેમના ગળામાં બિલકુલ જાણે બાપુનો જવાનીનો અવાજ હોય અથવાતો બાપુ ખુદ તેમના દ્વારા લોકોને સંભળાવતા હોય એવું લાગતું હતું. આજ કાલ "છોટે"નો મહિમા ખૂબજ ચાલેછે, શું આપણે આમને છોટે નારાયણ કહેવું?...આપજ નક્કી કરજો. બાકી નારાયણના પુત્રને આવી જરૂર ન પડે.
જય નારાયણ. 
 ૧.૧૧.૧૩