Monday, November 18, 2013

                                         દેશળ ભગત.

હમણાં નારાયણ બાપુની તિથિ નિમીતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં શ્રી મેરાણ ગઢવીએ દેશળ ભગતનો  એક પ્રસંગ રજૂ કર્યો જે મારા માતુશ્રી મને ઘણી વખત કહેતા, જે આજે તાજો થતાં અહીં રજૂ કરું છું, જેના માટે ભગવાન દ્વારકાનાથ ને ધ્રાંગધ્રાના મહારાજા શ્રી અજીતસિંહજીની જેલનો પહેરો ભરવો પડેલો.

મારા માતુશ્રીના ફૈબા સાહેબ એટલે ધ્રાંગધ્રા રાજ્યના મહારાણી સાહેબા બાજીરાજબા, મારા માતુશ્રી બે બહેનો, સગો કોઈ ભાઇ નહીં, નાની વયમાં માતા પિતાની છત્ર છાંયા ગુમાવી ચૂકેલા, તેથી ફૈબા સાહેબે તેમને ધ્રાંગધ્રા બોલાવી લીધેલાં, લાડકોડ સાથે ભક્તિનું સિંચન કરેલું તેથી ઈશ્વર મય જીવન. મને પણ ધર્મ અને સંતો મહંતોની વાતો કરતા. તેમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરું છું.

એ વખતે ધ્રાંગધ્રા માં રા.રા.શ્રી અજીતસિંહજી સાહેબ ગાદી પર બિરાજમાન, અડાબીડ વ્યક્તિત્વ, કંઈ પણ ખોટું સહન કરે નહીં, અન્ય રાજ્યોના રાજા મહારાજાઓ તેમનું માન જાળવે. આવા રાજાના રાજ્યમાં એક દેશળભાઈ રાજ્યની જેલના સામાન્ય સિપાહી જે "દેશળ ભગત" તરીકે ઓળખાય, ભજન પરાયણ જીવ, અવિરત ભક્તિ મય જીવન, જ્યાં પણ ભજન ગાવા બોલાવે વિના વિલંબ પહોંચી જાય.પણ ભક્તિ હોય ત્યાં ભીડ પણ સાથેજ હોય. અનેક ખણ ખોદિયા લોકો મહારાજાને ફરિયાદ કરતા કે બાપુ, આપ દેશળને જાણતા નથી, તે ઘણી વખત ચાલુ નોકરીએ આડો અવળો થઈ જાય છે, જેલમાં કેવા કેવા ઘાતકી લોકો આવતા હોય, આપના નામથી ચોર લૂંટારા ભય પામે છે, આપના રાજ્યની જેલમાં જવાના નામ માત્રથી કેટલાક તો ગુનો કરતાં ગભરાય છે, પણ બાપુ, આ દેશળના પ્રતાપે જો કોઈ કેદી જેલમાંથી ભાગી જશે તો આપની બદનામી થશે, માટે આપ તેના પર જરૂરી નિયંત્રણ રાખો તો સારું રહેશે.

નારાયણ બાપુએ એક વખત એક ટુચકો કહેલો તે આ જગ્યા પર સુ સંગત હોઈને મુકુંછું. એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આપતો ત્રિદેવો માંહેના એક છો, જેમ આપ મહાદેવ અને બ્રહ્માજીનું માન રાખેછે, તેમ તેઓ પણ આપનું માન રાખેછે, પણ હું ઘણીવાર જોંવછું કે આપ ઊંડા ધ્યાનમાં લાગી જાવ છો. શિવજી પણ ધ્યાનસ્થ થઈ જાય છે, તો આપ કોનું ધ્યાન ધરો છો? આપનાથી મોટું કોણછે? ત્યારે ભગવાને કહ્યું કે દેવી મારા ભક્તો જ્યારે મને અંતરથી યાદ કરેછે ત્યારે મારે તેની પ્રાર્થના સાંભળવી પડેછે. ક્યારેક તેમની પાસે પણ જવું પડેછે, મરાથી મારા ભક્તો મારા માટે મોટાછે.

આ સાંભળીને લક્ષ્મીજીને થયું કે જો ભગવાનના ભક્તો ભગવાન કરતાં મોટા હોય તો મારે તેમનું માન જાળવવું જોઇએં અને લાજ પણ કાઢવી જોઈએં, ત્યારથી માતાજી ભક્તોના ઘરે જવાનું ટાળેછે, અને ભક્તો મોટા ભાગે નિર્ધનજ હોયછે.

ભજન પરંપરામાં એક નિયમછે કે જો ભજનનું "વાયક" સ્વિકારવામાં આવે તો તેને કોઈ પણ ભોગે પાળવું પડે, તેથી દેશળ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારકા વાળો મહેર કરશે તો આવી જાશું.
પણ જ્યારે જ્યારે પેલા ખણખોદિયા લોકોને ખબર પડે કે આજે વાયક આવ્યુંછે, તેઓ તુરંત મહારાજાને ખબર આપીદે, પણ બાપુ ખાસ ધ્યાન ન આપે.
એક વખત શહેરના કુંભારવાડામાં ભજનનું વાયક આવ્યું, ભગતે જવાબ આપ્યો કે ભાઈ જેવી દ્વારિકા વાળાની મરજી. જેલમાં નોકરીની ત્રણ પાળી ચાલે, આઠ આઠ કલાક પાળી બદલે, ભગતની નોકરી તે દિવસે રાતના આઠ થી સવારના ચાર વાગ્યા સુધીની હતી, ભગતે સાથી સિપાહીને કહ્યું કે ભાઈ, ભજનનું વાયક છે, વચન તો નથી આપ્યું પણ જીવ ત્યાંજ બાજ્યોછે, આપ જો થોડીવાર નજર રાખો તો એક ચોહર (ચાર ભજન) કરી આવું, સાથી કહ્યું કે ભગત તમને ખબર છે? તમારા દુશ્મનો તમારા વિરુદ્ધ બાપુને કાન ભંભેરતા રહેછે, માટે તમે ધ્યાન રાખજો. ભગતે જવાબ આપ્યો કે ભાઈ ધ્યાનતો રાખશે દ્વારિકા વાળો, આપણે શું ધ્યાન રાખવાના? 
પેલા ખણખોદિયાઓ ને પણ ખબર પડી ગયેલી કે આજે ભગતને આમંત્રણ છે તેથી જરૂર જશેજ, તેણે મહારાજાને આ બાબતની જાણ કરી ને વિનંતી કરી કે રાજન આજ અપ પોતેજ ધ્યાન આપો તો દેશળની પોલ ખૂલી જાય.
ઘણા સમયની ભંભેરણીથી રાજન ને પણ ખાતરી કરવા વિચાર આવ્યો, તેમણે આ લોકોને કહ્યું કે આજે જ્યારે ભગત બહાર જાય મને જાણ કરજો, હું પોતે આવીને તપાસ કરીશ.

રાત્રિના દશ વાગ્યા એટલે ભગવાનનું નામ લઈને દેશળ ભગત સાથી સિપાહીને ભલામણ કરીને ભજન ગાવા ચાલી નીકળ્યા. લાગ જોઇને પેલા ખણખોદિયાઓ એ મહારાજાને ખબર આપ્યા, ભરોંસો ન આવતો હોવા છતાં ખાતરી કરવા બાપુ જેલમાં પધાર્યા અને દેશળને હજર થવા કહ્યું. રાજ્યની જેલનો પહેરવેશ પહેરેલા દેશળ ભગત આવીને બાપુને સલામ મારીને વંદન કરતાં ઉભા રહ્યા, બાપુએ જેલની હાજરી ભરવાની ચોપડી મંગાવીને તેમાં સહી કરીને સબ સલામત ની ખતરી કરતાં મહેલમાં પધાર્યા.
પેલા લોકોને નવાઈ લાગી કે આ ભગતડાને જતો તો જોયેલો, તે પાછો કેમ આવી ગયો? શું કોઈએ આપણી યોજનાની જાણ તેને કરી દીધી? પણ ભગત આમંત્રણ આવ્યા પછી જરૂર જાયજ એમ વિચારીને તેઓએ ફરીને થોડા સમય પછી જોયું તો ભગત ન હતા, ફરી બાપુને જાણ કરી, બાપુ પધાર્યા પણ ખરા, પણ પહેલાની જેમજ દેશળ ભગત આવીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરી અને પાછા ફર્યા. હવે પેલા લોકોને થયું કે નક્કી કોઈક આપણી વાત જાણી ગયુંછે જે દેશળને જાણ કરીદેછે તેથી તે ભજન છોડીને આવી જાયછે, આ વખતે એવું કરો કે બે માણસો કુંભારવાડે જઈને ખાતરી કરે અને સમાચાર આપ્યા પછી પાછા ત્યાંજ ઉભા રહે, અને બે જણા જેલના દ્વાર પાસે રહે જેથી કોઈ પણ સંજોગોમાં એ ભગતડો જેલમાં આવી ન શકે, અને બે જણા બાપુને આ બધું સમજાવીને લઈ આવે જેથી બાપુને ખાતરી થાય.આવી સંપૂર્ણ યોજના સાથે બાપુને બોલાવવામાં આવ્યા, પણ જેવા બાપુએ ભગતને હાજર થવા કહ્યું કે તરત ભગત એજ પ્રમાણે આવિને બાપુને નમન કરીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરીને પેલા લોકોને ઠપકો આપ્યો કે આવા જૂઠાણા ચલાવીને કોઈને બદનામ કરવાની વ્રતી બાબત સખત ઠપકો પણ આપ્યો.
અહીં દેશળ ભગતને તો આ બાબતની ખબરજ નહતી,સવારના ચાર વાગવાની તૈયારી હતી ત્યારે ભગતને ધ્યાન આવ્યું કે ભારે કરી આજે જરૂર નોકરી જશે, ડરતાં ડરતાં જેલના દરવાજે પહોંચ્યા ત્યારે પળી બદલવાની તૈયારી ચાલતી હતી, પેલા સાથી સિપાહીએ વાત કરતાં કહ્યું ભગત સારું થયું તમે ભજનમાં ન ગયા નહીંતો આજે મહારાજા ત્રણ વખત પધારીને જે મુલાકાત લઈ ગયા તેમાં ક્યારેક તો પકડાઇજ જાત. ભગતતો અચંબામાં પડી ગયા, વિગતે વાત જાણતા ત્યાંથી સિધ્ધાજ રાજ દરબારમાં પહોંચીને મહારાજાને પગે લાગીને સિપાહીનો ગણવેશ અને પટ્ટો બાપુના પગમાં મૂકીને કહ્યું કે બાપુ, મારા માટે મારી પરીક્ષા લેવા આપને ત્રણ ત્રણ વખત આપના મહેલથી કે જે ફક્ત પંદર મિનિટ ના રસ્તા પર છે ત્યાં પધારવું પડે એ સારું ન લાગતું હોય ત્યાં મારા વહાલાને છેક દ્વારિકાથી આપના સિપાહીનો ગણવેશ પહેરીને આપને સલામ મારવી પડે એવી નોકરી હવે મારે નથી કરવી, હવેતો બસ મારા નાથની નોકરી કરીને જીવન વ્યતીત કરીશ.      
જય દ્વારિકેશ.

No comments:

Post a Comment