Tuesday, October 26, 2010

સ્વાર્થ ની સગાઇ

સ્વાર્થ ની સગાઇ

સ્વાર્થ તણી છે સગાઇ, જગત માં બધી.....
સ્વાર્થ ની સાસુ સ્વાર્થ ના સસરા, સ્વાર્થ તણી કોઇ માઇ....

પુત્ર કમાણી કરી ઘર લાવે તો, દીપક કૂળ ગણાઇ
શરીર ઘટે કે રોગ સતાવે તો, બોજ બને ઘર માંઇ......

માત પિતાની સેવા કરતો-કેમકે-, થઇ નથી ભાગ બટાઇ
વારસો મળતા વસમા લાગે, હવે ડોસો ને ડોશી છે ગંધાઇ...

હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઇ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ...

પુત્રી કેરા પાય પખાળે તો, વ્હાલો લાગે જમાઇ
જો સૂત નારી સંગે હંસે તો, લાજ કુટુંબ ની લુંટાઇ...

દીન "કેદાર"પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઇ
સ્વાર્થ સઘળાં મારા મનથી મટાવી, પ્રેમ થી લાગું હરિ પાઇ....

સાખીઓ

સગા ને સ્નેહીઓ સઘડાં, સ્વાર્થ મહીં ગરકાવ છે
સબંધ છે સ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે

રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા
સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે....

Friday, October 8, 2010

ગરબો

કચ્છ ધણિયાણી

આશાપુરા જાણી તને કચ્છ ધણિયાણી
પૂરજે માં મારી આશા, મને તારા દર્શન ની અભીલાશા...

બાલુડો તારો ગરબા ગવરાવે, ભક્ત જનો ને ભાવ થી રમાડે
ભક્તિ ની શક્તિ આપો ભુવનેશ્વરી, મને અવિરત રટણ ની આશા....

કોઇ કહે અંબા કોઇ અંબિકા, આરાસુરી કે બહુચર ચંડિકા
અગણિત નામ તારા કેમ ગણાવું, પુત્ર ને શું નામ ની પિપાસા..

ભક્તો તમારાં પગપાળા ચાલતા, માડી ના નામ થી વગડો ગુંજાવતા
ભૂખ તરસ નું ધ્યાન ન લાવે, તારી પાળે પહોંચવા ને પ્યાસા...

આપ્યું અધિક તેં માંગુ શું માવડી, ક્રુપા કરી છે તેં રંક પર આવડી
દીન "કેદાર" પર દયાદર્શાવી, આવી ના જીવન માં નિરાશા...