Monday, January 31, 2011

સમજાવો ને સાર

સમજાવો ને સાર

હવે પ્રભુ સમજાવો ને સાર જી
તમે શું આવો રચ્યો'તો સંસાર...

માનવ કૂળ માં જન્મ ધરિને, શું મેળવીયો સાર
સગા ભાઇનું સારૂં ભાળી ને, સળગે છે સંસાર...

જળ ને નાથ્યા સ્થળ ને લાંઘ્યા, વસૂનો કિધો વેપાર
ગરીબો ને ગાળો દેતો પણ, ખાતો મોટા નો માર...

મંદિર જાતો પણ માન ખાવા ને, દાન માં કરતો દેખાવ
પૈસા ખાતર પર ને પીડે, પાછો દેખાડે ખૂદને દાતાર...

કથા કિર્તન નો સાર ન જાણે, ભાષણ માં હોંશિયાર
ભજન માં જાતાં ભોંઠપ આવે, દેવ એનો કલદાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન "કેદાર"
તુજ માં મુજને લીન કરીદે, નથી સહેવાતા માર

રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

Saturday, January 29, 2011

ખોટો નાતો

ખોટો નાતો

જેને રામ થકી નહિં નાતો, મુરખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતાં, લેશ નહિં એ લજાતો...

ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉતપાતો
સંત સભામાં આતંક આણિ, ફુલણશી છે ફુલાતો...

ધર્મ ના નામે ધતિંગ રચીને,અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મૂક્તિ માર્ગ ના કળાતો...

ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન "કેદાર" દામોદર ભજિલે, શીદ ભમે ભટકાતો..

સાખી.

માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકાં ખાય છે
ખબર ક્યાં છે ઉમર તારી, કઇ પળ થી પૂરિ થાય છે..

કરી લે રટણ શ્રિ રામ નું, ફોગટ ના ફેરા ખા નહિં
ભજીલે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહિં..

Thursday, January 20, 2011

સખુબાઇ

ખાસ નોંધ:-પંઢરપુર જેવા પવિત્ર સ્થળ નજીક ન એક ગામ માં સંત સખુબાઇ વિષે
મને જેટલી જાણ્કારી મારા શુભ ચિંતકો તરફ થી મળેલ છે તે આધારે મેં આ ભજન
બનાવ્યું છે, જો કોઇ ભુલ હોય તો તે મારી ભુલ સમજી ને ક્ષમા કરશો.

સખુબાઇ

વ્હાલો ઘૂંધટ માં લાગે વ્હાલો વ્હાલો, બન્યો છે સખુ સામળિયો..
વ્હાલો ભક્તોના ભાર હર નારો, બન્યો છે સખુ સામળિયો..

સખુ સિધાવી જ્યારે આધુઓ ની સાથે, ભક્ત કેરો ભાર લીધો ભૂધ્રાએ માથે
આવ્યો સખુનું રૂપ લઇ રસાળો...બન્યો...

ઉઠી અંધારે નિત દળણા દળાવે, શિર પર ચડાવી હેલ પાણીડા ભરાવે
રૂડી ચાલે છે ચાલ ચટકાળો...બન્યો..

બની ગોવાલણ દૂધ દોહરાવે, મારી કછોટો માવો મહીડા વલોણે
ગાય ગીતો ગીતા નો ગા નારો...બન્યો..

ઇંધણા વિણીને રૂડી રસોયું બનાવે, સાસુ સસરા ને વ્હાલો પ્રેમે પીરસાવે
માંજે વાસણ છે મોરલી વાળો...બન્યો..

સાસુ નણંદ ના પાવલાં પ્ખાળે, શેષ ઉપર સુતો જે ગોદડી બીછાવે
વ્હાલો ભક્તો ની ભીડ ભાંગ નારો...બન્યો...

સાસુ નણંદ સૌ મન માં વિચારે, શાણી થઇ સખુ હવે સોટી ના મારે
મૂખ મલકાવે નંદ નો દૂલારો...બન્યો...

સખુ સિધાવી સ્વર્ગ સંત સંભળાવે, જીવન મરણ હરિ હાથ સત્ય સમજાવે
જે જનમ્યો તે એક દિ' જવાનો..બન્યો..

શાનો છે સંઘ ને શાની કરો વાતો, સખુ તો રહેતી સંગ દિવસ ને રાતો
કર્યો સંતોએ ઇશ નો ઇશારો...બન્ત્યો...


સાસુ સસરા સૌ પડ્યા હરિ પાય માં, પ્રભુ દુભાવ્યા હવે મુક્તિ કેમે થાય ના
ફટ ફટ અવતાર અમારો...બન્યો...

ભક્તો કેરી ભક્તિ ભાળી ભૂધરાએ ત્યારે, કિધી સજીવન સખુબાઇ ને પ્યારે
એણે કિધો જનમ ઊજીયારો...બન્યો...

દિન "કેદાર"ના દામોદર રીઝતાં, સાસુ સસરા નણંદ પર નહિં ખીજતાં
એણે કિધો અધમ નો ઊધ્ધારો...બન્યો...

Tuesday, January 11, 2011

કોણ પરખે ?

કોણ પરખે ?

કોઇ પરખી શકે પરમેશ્વર ને, એતો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શિશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્થંભ ફાડી ને
એતો પાપ વધ્યંતું પ્રુથ્વિ ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

શબરી સુગ્રિવ ને કેવટ ની, આરદ અવધેશે ઉરમાં ધરિ
પ્રભૂ ચૌદ વરષ વનમાં વિચર્યા, આમાં કૈકેઇ નું કૌભાંડ નથી...

આવે જ્યામ યાદ યશોદાની, નયનો ના નિર ના રોકિ શકે
ગીતા નો ગાનારો ગોવિંદો, મોહન માયા થી દુર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકિ ભવ પાર થયા
તેં ઝહેર મિરામ ના પિ જાણ્યા, "કેદાર" શું તારો દાસ નથી...

Tuesday, January 4, 2011

એક આધાર

એક આધાર

એક આધાર તમારો અંબા..
જાણી નિજ બાળ સ્વિકારો, હવે મારો કે પછી તારો....

મેં પાપ કર્યાં બહુ ભારી, મતિ મુંઢ બની'તી મારી
હવે આપો શુધ્ધ વિચારો.....

હું માયા માં છું ફસાણો, મદ મોહ થકી ભરમાણો
નથી અવર ઉગરવાનો આરો......

મેં શરણ ગ્રહ્યું છે તમારૂં, બીજું શું જોર છે મારૂં
શરણાગત જાણી સ્વિકારો....

તમે ઉધમ ઉધાર્યા ભારી, આવી ઘડી આજ છે મારી
કરો મુજ અધમનો ઉધ્ધારો...

માં દીન "કેદાર" ઉગારો, મુજ પાપ નો ભાર ઉતારો
કરે વિનંતી દાસ તમારો.....

Sunday, January 2, 2011

શું હું કવિ છું ?

શું હું કવિ છું ?
કોઇ પણ કાવ્ય/ભજન/ગરબા રચનાર ને કવિ કહેવામાં આવેછે, અને રચયિતા પણ
પોતાને કવિ માનેછે,આ મારૂં અંગત માનવું છે. કોઇ કટાક્ષ નથી, પણ હું મારી
જાત ને કવિ રૂપે આપની સમક્ષ રજુ કરવા માંગતો નથી,કારણ કે "રામ ચરિત માનસ"
જેવા મહા ગ્રંથ ના રચયિતા સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ કહેતા હોય કે
"કવિ હું ન મેં ન ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિ ગૂન ગાઉં" તો પછી મારી શી
વિસાત ? મારા ગુરૂ સમાન કવિ શ્રી "દાદે" મારા "દીન વાણી"નામક નાના એવા
સંગ્રહ માં લખ્યું છે કે ઇશ્વર ની આરાધના માટે કોઇ ચમત્ક્રૂતિ ન
હોય,પ્રાસ મેળ ના અંકોડા ભિડેલ ન હોય,છતાં ભજન એ ભજન છે, ભજન કોઇ કાવ્ય
શાસ્ત્રની કસોટીએ ચડાવવાની ચીજ નથી, ભજન કાવ્યને પૂનરોક્તિ દોષ,કે શબ્દ
દોષ લાગતો નથી, એમ કાવ્ય શાસ્ત્ર ના વિદ્વાનો કહેછે.
"નીરસાપિ કવેર્વાણી, હરિનામાન્કિતા યદિ સાદરં ગ્રહયતે તજગ્નૈ,
શુક્તિર્મુક્તાન્વિતા યથા." અર્થાત: કવિ જનની વાણી નીરસ હોવા છતાં જો
ભગવાન ના નામ થી અંકિત હોય તો ભક્તજનો નકામી છીપની અંદર રહેલા મોતીની
પેઠે આદરથી સ્વિકાર કરેછે, જેમ તુલસીદાસજી લખેછે કે---
"આમિષ ખાત અનગ્રહ રહત, કાયા અપવિતર કૂરિ, રામ જટા સે જાટકી, જટાયુન કી
ધૂરી "જે ઘર વિનાનો, માંસાહારી,અપવિત્ર ગણાતી કાયા વાળો છે એવા જટાયુને
ધૂળ માં તરફડતો જોઇને ભગવાન રામે પોતાની જટાથી જટાયુની ધૂળ ખંખેરી,"
ઇશ્વર તો ફક્ત ભાવ નો ભુખ્યો છે, એ ન્યાયે મારી રચનાઓમાં જો કોઇ
ભુલો,વ્યાકરણ ક્ષતી હોય તો ક્ષમ્ય ગણી મારો ભાવ જોઇ ને સ્વિકારવા, ગાવા
અને ભક્તિમય રહેવા વિનંતી.એજ
કેદારસિંહજી મે.જાડેજા. સાથે એક ભજન.

રાજા રામ
રામ રામ રાજા રામ, ભાવે ભજન કરો સીતા રામ...

રામ નામનો મહિમા મોટો, સકળ જગત નો નાતો ખોટો
અંતે આવે એકજ કામ...

ધન દોલત તારી કામ ન આવે,માયા ઠગારી મન લલચાવે
અંત એળા વિસરાવે રામ...

રામ નામથી નાતો રાખો, હરપલ હરિ ના રસ ને ચાખો
અંત સમય મૂખ આવે રામ...

આખર સમયજો હરિ મૂખ આવે, યમદુતો ના ભય ને ભુલાવે
લક્ષ ચોરાશી છોડાવે રામ...

હરતાં ફરતાં ભૂધર ભજવાં, સ્વાસે સ્વાસે સમરણ કરવાં
રાખી હ્રદય રઘૂનાથ નું નામ...

દીન "કેદાર" ની એકજ અરજી, હૈયે હરદમ રાખો હરજી
શાને ન પાર ઉતારે રામ...