Thursday, March 26, 2015

ગરબો સપનું.



આજે ગરબા સાથે આવતી કાલની રામ નવમીના પ્રસંગ પર એક રામ ભજન પણ સામેલ કરુંછું  

ગરબો               સપનું.


મને સપનું લાધ્યું સલૂણું, વાગી જાણે વ્રજ માં વેણુ... મને...

નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઊઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઈ વીનવે, અંબા વિનાનું ઊણું ઊણું.. મને...

સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શક્યો નહીં નેહ જનની નો
સંગે લઈ ને સરવે સાહેલીઓ, આવી અંબા સહે ન મહેણું.... મને...

અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઊમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણું કૂણું.. મને..

ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન " કેદાર " પર દયા દરશાવી, રજની મુંગી ને વાગે વેણું...મને... 

                           રાજા રામ

રામ રામ રાજા રામ, ભાવે ભજન કરો સીતા રામ...

રામ નામનો મહિમા મોટો, સકળ જગત નો નાતો ખોટો
                                 અંતે આવે એક જ કામ...

ધન દોલત તારી કામ ન આવે,માયા ઠગારી મન લલચાવે
                                 અંત એળા વિસરાવે રામ...

રામ નામથી નાતો રાખો, હરપળ હરિ ના રસ ને ચાખો
                             અંત સમય મુખ આવે રામ...

અંત સમય જો હરિ મુખ આવે, યમદૂતો ના ભય ને ભુલાવે
                                  લક્ષ ચોરાશી છોડાવે રામ...

હરતાં ફરતાં ભૂધર ભજવાં, શ્વાસે શ્વાસે સમરણ કરવાં
                           રાખી હૃદય રઘુનાથ નું નામ...

દીન " કેદાર " ની એક જ અરજી, હૈયે હરદમ રાખો હરજી
                              શાને ન પાર ઉતારે રામ...

No comments:

Post a Comment