Wednesday, September 14, 2016

લાલા ની લીલા

લાલા ની લીલા

પ્રભુ ના કાર્ય છે એવા, સમજ માં ક્યાં એ આવે છે
કરે લીલા જે લટકાળો, માનવ ક્યાં પાર પામે છે..

પૂર્યાં પટ પાંચાળી કેરાં, ભીતરની ભક્તિ ભાળી ને
ચોરી ને ચિર ગોપી ના,  પ્રભુ પરદા હટાવે છે..૧

છે પામે એક અદકેરું,  બીજાને અન્ન ના ફાકા
મળે છે કર્મ સંજોગે,  ભ્રમિત ને ભૂલ ભાસે છે...૨

કીડી ને કણ નો દેનારો, માતંગ ને મણ દે મોઢા માં
કર્મહીણ ને પડે સાસા,   પૂરવ ના પાપ બોલે છે...૩

કરે સંહાર કે સર્જન,  કીધાં વિનાશ કે સેવન
નિયંતા એ જગત કેરો, જગત સમભાર રાખે છે..૪

છે આપ્યું એક નજરાણું,  માનવને મુક્ત થાવાનું
સમજદારી થી જો સમરે,   ચોરાસી પાર પામે છે...૫

દયા " કેદાર " પર રાખી, ભવો ભવ મનુજ તન દેજો
હરિ ના નામ લેવાની,   ગરજ બસ એક રાખે છે...૬

સાર-ભગવાનની એવી માયા છે કે તે સમજવી અતિ કઠિન છે, એ જે લીલા કરેછે તે કોઈ પાર પામી શકતું નથી.

૧-કૃષ્ણ ભગવાને પાંડવોની સભામાં દોડી જઈને દ્રૌપદીના ચિર પૂર્યાં, કરણ કે દ્રૌપદીએ અંતરથી ભગવાનને પ્રાર્થના કરી કે નાથ હવે આવીજાવ નહીંતો મારી લાજ જશે, અને દ્વારકાધીશ દોડ્યા. જ્યારે ગોપીઓના ચિર હરણ કરીને લાલો બતાવેછે કે મારી ભક્તિ કરવી હોય તો કોઈ પરદો હોવો ન જોઈએ, ચિર તો પ્રતીક છે,બાકી વાતતો અંતરના પરદાની છે.

૨-આપણે જોઈએં છીએ કે એક સમ કક્ષ માનવીને જે મળેછે તે બીજાને અનેક ગણું હોયછે, ત્યારે આપણને ભગવાનનો ભેદ ભાવ દેખાયછે, પણ એતો બધું પૂર્વના કર્મોના પ્રતાપે મળતું હોયછે. આપણા માટે એ ભ્રમણા છે કે આમ કેમ?    

૩-ઈશ્વર હાથીને મણ અને કીડીને કણ આપેછે, પણ ઘણા અભાગી લોકો પેટભર ખોરાક પામી નથી શકતા, પણ આ પણ પૂર્વના કર્મોના હિસાબે મળેછે, ઈશ્વર કદી ભેદભાવ કરતો નથી.

૪-મહા ભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે પાર્થને ગીતાનું જ્ઞાન આપીને કૌરવો સાથે યુદ્ધ કરાવીને કૈંક માનવોનો સંહાર કરાવ્યો, તો બીજી બાજુ એક ટિટોડી ના બચ્ચાને હાથીના ગળાનો ઘંટ ઢાંકીને બચાવ્યા, ત્યારે જરૂર વિમાસણ થાય, પણ આ બધું ભગવાન જીવ માત્રનું નિયંત્રણ કરવા માટે અને જગતને સમ ભાર રાખવા માટે કરેછે. 

૫-જીવ અને જીવન તો પ્રભુએ બધાને આપ્યું છે, પણ માનવીને એક અદકેરી બક્ષિસ આપીછે, અને તે છે વાણી, જો માનવ આ વાણીનો સદ ઉપયોગ કરીને ભજન કરે તો ચોરાસી લાખ યોની માંથી મુક્ત થઈ શકેછે, પણ ગમાર જીવ ખોટા ખોટા ભાષણો ભરડીને આ મોકો ગુમાવી દેછે. 

૬-પણ હે નાથ મારાપર એક ઉપકાર આપે કરવોજ પડશે, મને મોક્ષની ખેવના નથી, પણ શર્ત એ કે મને ભવે ભવ માનવ જન્મ આપીને આપના ગુણ ગાન કરવાનો ભરપૂર મોકો આપજે. 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment