Wednesday, September 28, 2016

શીદ ને ફૂલાય ?

શીદ ને ફૂલાય ?

શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...

આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે.   પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...

દીધેલી વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે.  ભસતો ફરે છે ભાષણો,   જગને ઠગ્યા કરે...

ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે.   કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...

રડતાં હજારો બુદ્ધિ જન, કોઈ મુરખા મજા કરે.    ધનવાનો ના ધામ માં, ક્યાંક નિર્ધન ફૂલ્યા ફરે...

જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે.  પણ-કહેવું પડે છે માનવી ને,  કે-માનવ બન્યા કરે..

આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ?    પણ તેને-બનવું પડે છે માનવી,  ત્યારે નડ્યા કરે..

આપે અધિક જો ઈશ તું, આ દીન પર દયા કરી. તો  " કેદાર " કેરી કામના, તને પલ પલ ભજ્યા કરે..

સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે સાથે એટલું બધું આપ્યું છે કે જેનો 

આપણને ખ્યાલ પણ નથી આવતો.  અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે તેની કિંમત સમજાતી નથી. 

ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં સાવ ઊણો ઊતર્યો છે.

ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે છે.

ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના દુઃખોથી પીડા આપે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં માલિક કરતાં તેના નોકરો નિર્ધન હોવા છતાં સુખ સાહ્યબી ભોગવતા હોય છે.

ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જલમાં રહેનાર, જમીન પર રહેનાર અને આકાશ માં વિહરનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.

ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર ફક્ત માનવ રૂપે જ ધર્યા છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.

હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.

જય શ્રી રામ.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment