Monday, June 17, 2013

નિરભિમાની નારાયણ સ્વામી

નિરભિમાની નારાયણ સ્વામી

પ. પુ. બ્રહ્મ લીન નારાયણ નંદ સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા છે. દેશ વિદેશમાં અનેક ડાયરાઓ કરીને આપણી ભજન ગાયકીને એક અવ્વલ દરજ્જો અપાવનાર આ સંત સમાન મહા માનવને ઘણા લોકો મૂડી/ગુસ્સૈલ/ઘમંડી જેવા અનેક ખોટા બારૂદ આપી ચૂક્યાછે, જોકે ક્યારેય પણ આ સંતને કોઇ ફરક પડ્યો નથી, અને આવુંતો અનાદિ કાળથી ચાલ્યું આવેછે, આવા લોકોએ ભગવાનને પણ ક્યાં છોડ્યા છે? અરે મનેતો ત્યાં સુધી લાગેછે કે આ નારાયણે કેટલાએ ગાયકોને, {ભજનિક નહીં} કે જે ફક્ત નારાયણ બાપુની નકલજ કરી શકેછે, જેમાં પોતાનો ફક્ત અવાજ સિવાય કશું હોતું નથી, શબ્દોની જાણ હોતી નથી, જે પૈસા ખાતર ગાતા હોયછે, અને પાછા પોતાને કેવાએ મહાન કલાકાર માનતા હોય છે, તેવા ગાયકોને ભજન ગાવાનો રાહ બતાવીને રોટલા રળતા કરી દીધા, અને જેને ખરે ખર ભગવાનની આરાધના કરવીછે તેને ભગવાન પાછળ ઘેલા ઘેલા કરી દીધા.

આજે મારે આ વિચક્ષણ નારાયણ બાપુની ઘણા સમય પહેલાં તેમનાજ એક અંતેવાસી પાંસેથી સાંભળેલી વાત કરવી છે.

જામનગર બાજુના કોઇ ધાર્મિક સંસ્થાન માં નારાયણ બાપુનો રામ ભાવ ભાજન નો કાર્યક્રમ હતો, મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવીને બાપુની મંડળી વહેલી સવારે આમરણ ના મારગે રવાના થઈ, એ વખતે રસ્તા ખાસ સારા ન હતા, અને વાહનો પણ રાત્રિના ભાગેતો જવલ્લેજ નીકળે. ધીમે ધીમે બાપુની એમ્બેસેડર ગાડી ચાલતી હતી ત્યાં આગળના ટાયરમાં પંચર થયું. ગાડીની લાઈટ અને હાથ બત્તી ની મદદથી પૈડું બદલ્યું પણ ચાલકે બાપુને કહ્યું કે બાપુ, હજુ સારો રોડ આવવાને વાર છે, અને જો હવે બીજા પૈડામાં પંચર થશે તો આપણે અટકી જશું, માટે જે કોઈ પહેલી સગવડ મળે ત્યાં પંચર ઠીક કરાવીને પછીજ આગળ વધીએ, આ વાતમાં બધા સહમત થયા, આગળ જતાં એક નાનું એવું ગામ આવ્યું {આજે મને એ ગામનું નામ યાદ નથી.}  ત્યાં એક ગ્રામજન હાથમાં ડંડો લઈને જંગલથી પાછો ફરતો દેખાયો, સામાન્ય દેખાવ, ગરીબી ચાડી ખાતી હતી, તેને રોકીને પંચર બાબત વાત કરતાં નારાયણ બાપુને જોઈને એતો ઘેલો ઘેલો થઈ ગયો, તેણે કહ્યું કે ભાઈ, બાજુની વાડીમાં એક ભાઈ પંચર બનાવેછે, ત્યાં જવું પડશે, આપ મારી નાની એવી ખોલીમાં પધારો હું કંઈક વ્યવસ્થા કરુંછું.

બાપુ માટે બાજુ વાળાને ત્યાંથી ખાટલા અને ગાદલા મંગાવ્યા ત્યાંતો જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ આખું ગામ જાગી ગયું અને નારાયણ બાપુ પધાર્યાછે તેનો જાણે ઢંઢેરો પિટાઈ ગયો અને બધા બાપુની સામે બેસી ગયા. ચા અને રોટલાના શિરામણ આવી ગયા, અલક મલકની વાતો કરતાં કરતાં બાપુ કહે "અરે ભાઇ આપણી પેટી { હાર્મોનિયમ} ગાડીમાં જતી રહી નહીંતો બે ચાર વાણી ગાત," એક ભાઇ દોડીને ભાંગી તૂટી પેટી લઈ આવ્યો, બાપુએ મજાક કરી "ભાઈ મારા કોઇ ડાયરામાં મેં આવી સરસ પેટી વગાડી નથી." ધીરે ધીરે એ પેટીના સથવારે બાપુએ ભજનની શરૂઆત કરી, જેમ જેમ ખબર પડતી ગઈ આજુ બાજુના લોકો પણ આવવા લાગ્યા, બાપુને પણ આનંદ આવવા લાગ્યો, ગાડીતો પંચર બનાવીને આવી ગઈ પણ બાપુને એવી રંગત લાગી કે બપોરના બાર વાગ્યા તે પણ ખબર નથી. ગામ લોકો વિચારવા લાગ્યાકે બપોરાનો {બપોરનું ભોજન} સમય થવા આવ્યો છે, જલદી કંઈક વ્યવસ્થા કરીએ, દોડા દોડી કરીને ભોજન બન્યા પછી બાપુના સંગાથીને વાત કરી ત્યારે બાપુના ભજન રોકાયા, ગામ લોકોની ભાવના જોઈને બાપુએ બપોરા કર્યા.

જમ્યા પછી થોડી વામકુક્ષિતો કરવીજ પડે? કેમકે આખી રાતનો ઉજાગરો હતો, પાંચ વાગતા વાર ન લાગી, બાપુ જાગ્યા ત્યાંતો યથા યોગ્ય ચા નાસ્તાની વ્યવસ્થા ગામ લોકોએ કરી દીધી, વાતો કરતાં કરતાં ચોરે ઝાલરનો સમય થઈ ગયો, દર્શન કરી ને નીકળતી વખતે ગામ લોકો તો ભાવ વિભોર હતાજ પણ બાપુએ ભાવાવેશમાં આવી ગયા, ગદ ગદ કંઠે બોલ્યા કે મેં અનેક ઠેકાણે મહેમાનગતી માણીછે પણ આજની મહેમાનગતી તો કાયમ યાદ રહેશે. 

બાપુ આ પ્રસંગ હકડેઠઠ જામેલી ડાયરાની મેદની વચ્ચે અનેક વખત બોલ્યાછે.

આ છે  નિરભિમાની નારાયણ સ્વામી. 

આવા તો અનેક કિસ્સાઓ સંતો મહંતો ના હોય છે, યાદ આવ્યે લખતો રહીશ.
જય નારાયણ.        

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

5 comments:

  1. સદ ગુરૂ શ્રી નારાયણ સ્વામી સાથેના આપશ્રીના પ્રસંગો સામ્ભાળી, મને ખૂબ આનન્દ થયો. મારી એક ઇરછા છે કે જેમને જેમને સદ ગુરૂ શ્રી નારાયણ સ્વામી સાથે જે સુખદ અનુભવ થયા છે તે વિશે પુસ્તક બનાવવાની. આપનો આભાર. ડો. પી.એમ. ખેની. સુરત.

    ReplyDelete
  2. વધારે ને વધારે શ્રી બાપુ સાથેના પ્રસંગો વર્ણવા નમ્ર વિનતી. ડો. પી.એમ. ખેની. સુરત

    ReplyDelete
  3. માન.શ્રી કેદારસિંહજી સાહેબ, જય નારાયણ
    હું હમેંશા આપશ્રીનાં બ્લોગ પર પૂ. બાપુશ્રીના લેખની કાગડોળે રાહ જોતો હોઉ છુ, અને દરેક સમયે કંઇક નવુ, નવા ફોટા, અંગત અનુભવો મને રોમાંચિત કરે છે. તેનું કારણ એ છે કે આપશ્રી પૂ. બાપુને નજીકથી મળ્યા છો, કદાચ આપ જ તેમનાં વિષે વધારે અને તેમનાં વિચારોને સંપૂર્ણ સમજી શક્યા છો.
    આપશ્રીની પ.પૂ. બાપુશ્રીની પ્રથમ મૂલાકાત વિષેનો લેખ વાંચી, આપશ્રીને થયેલ અનુભવનું આપે આબેહુબ વર્ણૅન કર્યુ છે, સાથે પૂ.બાપુશ્રીનો ફોટો ( કદાસ પૂ બાપુશ્રી ફકીરી ધારણ કરી ત્યારનો હશે ?) ખુબ જ સરસ છે. બીજુ કે આપશ્રીએ કહ્યુ તેમ પુ. બાપુશ્રી ધર્મ બાબત બહુજ ચુસ્ત હતાં . તેમને કોઇ ધર્મની વિષે મશ્કરી, નિંદા કે અપમાન જનક શબ્દો તેઓ બિલકૂલ સહન ન કરતાં. તેમને મન પૈસો ગોણ વસ્તુ હતી. તેમને મન તો સેવા, સાધના, ત્યાગ, વચન્ અને ભજન જ તેમનું જીવન હતું. સંતવાણીના પ્રોગામમાં કોઇ સીટી વગાડે તો તે તરત જ ના કહેતા અને કહેતા કે આ સંતવાણી છે, નહિ કે નાટ્ક-છાટક કે ભવાઇ.
    જેમ પૂ. બાપુને ગળામાં મા સરસ્વતીનો વાસ હતો, તેમ આપશ્રીના હાથમાં સરસ્વતીનો વાસછે. આવા સરસ ભજનો આપનાં હદય અને કલમમાંથી સર્જન થયા જ કરે છે. વધારે અને વધારે પૂ. બાપુશ્રીના અંગત અનુભવો, જીવન દર્શન, સંતવાણી અનુભવો, પીરસતાં રહો, એજ આપશ્રીને વારંવાર વિનંતી.

    પૂ. બાપુશ્રી ના ફોટા અને થોડીગણી માહિતી જીગાસુ ચાહકને મળી રહે તે માટે નીચે મુજબના પર મૂકી છે, બ્લોગને વધારે સરસ બનાવવા આપશ્રીના સુચનો આવકાર્ય છે. જય નારાયણ

    Please visit to (૧) shreenarayanswami.blogspot.in; (૪) premkhe.blogspot.in

    ReplyDelete
  4. માન.શ્રી કેદારસિંહજી સાહેબ, જય નારાયણ
    હું હમેંશા આપશ્રીનાં બ્લોગ પર પૂ. બાપુશ્રીના લેખની કાગડોળે રાહ જોતો હોઉ છુ, અને દરેક સમયે કંઇક નવુ, નવા ફોટા, અંગત અનુભવો મને રોમાંચિત કરે છે. તેનું કારણ એ છે કે આપશ્રી પૂ. બાપુને નજીકથી મળ્યા છો, કદાચ આપ જ તેમનાં વિષે વધારે અને તેમનાં વિચારોને સંપૂર્ણ સમજી શક્યા છો.
    આપશ્રીની પ.પૂ. બાપુશ્રીની પ્રથમ મૂલાકાત વિષેનો લેખ વાંચી, આપશ્રીને થયેલ અનુભવનું આપે આબેહુબ વર્ણૅન કર્યુ છે, સાથે પૂ.બાપુશ્રીનો ફોટો ( કદાસ પૂ બાપુશ્રી ફકીરી ધારણ કરી ત્યારનો હશે ?) ખુબ જ સરસ છે. બીજુ કે આપશ્રીએ કહ્યુ તેમ પુ. બાપુશ્રી ધર્મ બાબત બહુજ ચુસ્ત હતાં . તેમને કોઇ ધર્મની વિષે મશ્કરી, નિંદા કે અપમાન જનક શબ્દો તેઓ બિલકૂલ સહન ન કરતાં. તેમને મન પૈસો ગોણ વસ્તુ હતી. તેમને મન તો સેવા, સાધના, ત્યાગ, વચન્ અને ભજન જ તેમનું જીવન હતું. સંતવાણીના પ્રોગામમાં કોઇ સીટી વગાડે તો તે તરત જ ના કહેતા અને કહેતા કે આ સંતવાણી છે, નહિ કે નાટ્ક-છાટક કે ભવાઇ.
    જેમ પૂ. બાપુને ગળામાં મા સરસ્વતીનો વાસ હતો, તેમ આપશ્રીના હાથમાં સરસ્વતીનો વાસછે. આવા સરસ ભજનો આપનાં હદય અને કલમમાંથી સર્જન થયા જ કરે છે. વધારે અને વધારે પૂ. બાપુશ્રીના અંગત અનુભવો, જીવન દર્શન, સંતવાણી અનુભવો, પીરસતાં રહો, એજ આપશ્રીને વારંવાર વિનંતી.

    પૂ. બાપુશ્રી ના ફોટા અને થોડીગણી માહિતી જીગાસુ ચાહકને મળી રહે તે માટે નીચે મુજબના પર મૂકી છે, બ્લોગને વધારે સરસ બનાવવા આપશ્રીના સુચનો આવકાર્ય છે. જય નારાયણ ડો પી. એમ. ખેની

    Please visit to (૧) shreenarayanswami.blogspot.in; (૪) premkhe.blogspot.in

    ReplyDelete
  5. માનનીય કેદારસિંહજી, બાપુ ના મુખેથી ગવાયેલ જે હાલમા મળતા નથી તેવા ભજનો અપલોડ કરો એવી વિનંતી. જય શ્રી અંબે.

    ReplyDelete