કળિયુગનો જોગી
તા. ૨૬.૬.૨૫.
પહેર્યા ભગવા બન્યો જોગી, નીયત તો જગ ઠગવાની છે
બચીને ચાલજો મિત્રો, ઘોર કળિયુગ આવ્યો છે...
સાચા કોઈ શાસ્ત્ર ના જાણે, જીવે જોગવાઈ પરમાણે
થોડા મંત્રોમાં ભરમાવી, જગતમાં જાળ નાખે છે...
લજાવે વ્યાસ ગાદીને, સંગે તકસાધુને લઈને
ભજનનો ભેદ ના જાણે, ફકત બુમરાણ આદરે છે...
શોધીને લાલચુ જનને, બનાવી મૂર્ખ માનવને
ચાલાકી હાથની કરીને, ચમત્કારો બતાવે છે...
અગર મોકો મળે મોટો, બની બેસે મુનિ મોટો
ન રાખે ધન તણો તોટો, અજબ આદેશ આપે છે...
સંદેશો યમ તણો આવે, કારી હવે કોઈ ના ફાવે
"કેદાર" પોતેતો ડૂબે છે, અન્યને પણ ડુબાવે છે...
ભાવાર્થ:-મિત્રો, અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે, પહેલાં કોઈ પ્રશ્ન હોય તો ગુરુ કે સંતો પાસે એનું સમાધાન-સાંત્વના લેવા જવાતું, પણ અત્યારે તો એવા ઘણાં બાવા ફાટી નીકળ્યા છે કે "બાવો" શબ્દ સાંભળીને પણ આદર આવતો નથી. કોઈ તપ નહીં, કોઈ સાધના-અભ્યાસ નહીં બસ દેખાવ એવો કરે જાણે જ્ઞાનનો ભંડાર હોય. પાંચ પચીસ શબ્દો ગોખીને અને હાથ ચાલાકી અજમાવીને લોકોને ઠગવાનો ધંધો કરી બેઠાં છે. જો કોઈ મોકો મળી જાય તો ધન-દોલત કમાવામાં કોઈ પરહેજ ન રાખે, ભલે પછી એ કોઈ પણ માર્ગે આવતી હોય. આવા લોકોથી બચવાની જરૂર છે.
પણ ઈશ્વરના દરબારમાં પાઈ-પાઈ કે એક એક પળનો હિસાબ થાય છે, અને સજા પણ થાય છે, આપણાં દુર્ભાગ્ય છે કે એ સજા દેખાતી નથી એટલે ડર લાગતો નથી. આમાં હું પણ એટલોજ જવાબદાર છું, સાચા સંતો બધું સમજાવે છે, પણ આ માયાને સમજાવવી ખૂબ અઘરી છે.
જય શ્રી રામ.
No comments:
Post a Comment