રવિવાર, 18 મે, 2014


                 નારાયણ સ્વામી ની થોડી જીવન ઝરમર.


જ્યારે જ્યારે ટી વી પર ભજન કે ડાયરાના સારા કાર્યક્રમો આવતા હોય ત્યારે રસ પૂર્વક જોવા અને સાંભળવામાં મજા પડી જાય, ભીખુદાન ભાઈ જેવા મહાન કલાકારને જાણે સાંભળ્યાજ કરીએ, પણ આમાં તો બધું સમય મુજબ ચાલતું હોય, એમાં પણ જ્યારે નારાયણ બાપુને જોવા અને સાંભળવા મળે ત્યારે આ સમયની મર્યાદા ખૂબજ સાલે, છતાં આનંદ આવીજાય, આમતો જોકે અત્યારે અનેક કલાકારો ભજનો અને ડાયરા કરતા હોયછે, અને તેને સાંભળવા સેંકડોની સંખ્યામાં લોકો ઊમટતા હોયછે, પણ મને આમાં કંઈક ખૂંચતું હોય એવું સતત લાગ્યા કરે, કદાચ એ મારો ભ્રમ પણ હોઈ શકે, પણ નારાયણ બાપુને નજીકથી માણ્યા હોય ત્યારે આજનો ભજન ના ભાવ વિહોણો મજાકીયો માહોલ જ્યાં પણ હોય જરૂર ખટકે. અને જ્યારે રૂપિયાની ધોળ થતી હોય, ત્યારે નારાયણ બાપુનો એક પ્રસંગ મને ખાસ યાદ આવે. એક જગ્યાએ ભજન જામેલા, બાપુ પણ પુર બહારમાં ખીલેલા, ત્યારે શ્રોતાઓ પણ આનંદ માણી રહેલા, એમાં એક ઉત્સાહી ભાઈ ઊઠીને બાપુને ઘોળ કરવા લાગ્યા, થોડી વારતો બધું રાબેતા મુજબ ચાલ્યું પણ પછી બાપુએ એ ભાઈને બેસી જવા કહ્યું અને ભજન રોકીને શાંતિથી સમજાવ્યું કે દરેક લોકોએ આનંદનો અતિરેક કરતાં પહેલાં એક વાત સમજવી જોઇએ કે આપણે મર્યાદા ભંગ તો નથી કરતાને? આ લક્ષ્મીજીનું અપમાનછે, આમ રૂપિયા ફેંકાય નહીં અને બીજી વાત અમો ભજન કરવા આવ્યા છીંએ, ભીખ માંગવા નહીં, આવી રીતે તો ભિખારી પણ પૈસા ન લે.અને જો તમારે કોઈ લાભાર્થે આ ઘોળ આપવાની હોય તો મર્યાદાથી આપો, તમારા ધનનું પ્રદર્શન ન કરો, મારા ભજન નો કાર્યક્રમ રાખવો હોય તો મારા નિયમોનું પાલન કરવું પડશે, નહીંતો ભજનતો અનેક ગાનારાછે જે રૂપિયા ખાતર ગમે તેમ કરશો તો પણ ચલાવી લેશે.(ખાસ નોંધ-આ જગ્યાપર આવતા ઘોળના રૂપિયા બાપુનેજ મળવાના હતા.) 

બાપુના આવા સ્વભાવને લીધે ઘણી વાર વિવાદ થતા કે બાપુ તુંડ મિજાજી છે, શું આપને આમાં કંઈ ખોટું હોય તેમ લાગેછે?

આ હતી બાપુની ખુમારી, જે આજે ભાગ્યેજ કોઈમાં જોવા મળેછે. ભજન ના કાર્યક્રમમાં કાંતો સાહિત્યકાર અથવા હાસ્ય કલાકાર મુખ્ય કલાકારને આરામ આપવા માટે રાખવામાં આવેછે, જેમાં ભીખુદાનભાઈ જેવા મહાન વ્યક્તિ હોય તો સાહિત્ય સાથે જ્ઞાન અને થોડી ગમ્મત પણ મળે, પણ ક્યારેક તો હાસ્ય કાલાકારની જગ્યાએ જાણે કોઇ એવા મશ્કરા લોકો આવી જાય જે ભજન ના માહોલને અનુરૂપ નહોય, બોલવું ઘણુંજ સહેલું છે, પણ શું અને ક્યાં શું બોલવું તે જાણવું ઘણુંજ અઘરું છે, હા જેને આ વાતની ખબરજ નથી તેને શું કહેવું? તેના માટેતો આયોજકોએજ જવાબદાર વલણ રાખવું જોઈએં જે ભજન ના ભાવની મર્યાદા ન જાળવી શકે તેવા લોકોને લવાયજ નહીં, ભજન ના કાર્યક્રમની મર્યાદા હોવી જોઈએ, તેમાં હા હા હી હી ન હોય, હા પ્રેક્ષકોના મનોરંજન પૂરતું હાસ્ય રાખી શકાય. પણ આતો પાછા ત્યાં જે રૂપિયા વાળા હોય તેના ગુણગાન કરતા હોય, એક કહેવાતા આવા કલાકારતો એવા તાનમાં આવી ગયા કે એક સારા ભજનિક ખરા પણ નારાયણ સ્વામીની હરોળમાં કોઇ પણ રીતે ન આવી શકે તેને બાપુ પછી કોઇ બાપુનું સ્થાન લઈ શકે તેવા ગણાવી દીધા. એ તો ઠીક પણ પાછો પેલો કલાકાર પણ આવીને આરામથી ગોઠવાઈ ગયો, જાણે તે પણ બાપુનો વારસો જાળવી રાખવા સક્ષમ હોય. હવે આમાં કોને દોષ આપવો? કોઈ શ્રોતાએ પણ ટકોર ન કરી. દરેકે પોતાની મર્યાદા સમજીને ચાલવું જોઇએ. એક ગાયકાતો ત્યાં સુધી બોલી ગઈ કે "મને લોકો મીરાં બાઈનો અવતાર માનેછે." અરે બાઈ તું મીરાંબાઈ ના જોડા સાફ કરવાને લાયક પણ નથી, અને જો કોઈ આવું માનતા હોય તો તેનું પરીક્ષણ કરાવવું પડે, કોઈ માનસિક બીમારી તો નથીને? આજના હાઈ ફાઈ જમાનામાં આપણો ભૂતકાળ વધારે છાનો રહેતો નથી, વાણી સ્વતંત્રતાનો હક્ક છે પણ બધે નહીં. થોડા તો લાજો? અવાજ સારો હોય એટલે બધા ગુણ આવી ન જાય. ભજન માટેતો તપ કરવું પડે, બાકીતો રાગડા કહેવાય.

મારી લખેલી સાખીઓ છે કે...
પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

અર્થાત્-ઈશ્વરને મનમાં રાખ્યા વિના ભજન ગાતો હોય,  કવિના શબ્દો શું કહેવા માંગે છે તેનું ભાન ન હોય, તેને ભજન ગયું ન કહેવાય પણ જો ભાવ વિભોર બનીને એક એક શબ્દ ને સમજીને ગવાય તો ત્યાં ઈશ્વર ને પણ સાંભળવા આવવું પડે

માફ કરજો, પણ ભજનની મર્યાદાનો અમર્યાદ ભંગ થતો લાગે ત્યારે લખાઈ જાયછે.

બાપુની ક્ષમતાની એક વાત મને યાદ આવેછે, બાપુના પૂર્વાશ્રમના પુત્ર ચી.હિતેષભાઇ સાથે મારે ખૂબજ સારા સંબંધ, જોકે હવેતો આખા કુટુંબ સાથે સારો પરિચય છે, એક કંપનીમાં અમો બન્ને સાથે નોકરી કરીએ, પરંતુ બાપુને આવી કોઈ વાત કરાય નહીં કારણ કે બાપુને પોતાના પૂર્વાશ્રમની કોઈ પણ વાત કરો તે ગમે નહીં, આ બાબતનો એક પ્રસંગ આપને હું આગળ જણાવીશ. અમદાવાદના શ્રીમાન પ્રદીપભાઇ કે જે બકાભાઇ ના હુલામણા નામે જાણીતા અને બાપુના અનહદ ચાહક, તેમના આગ્રહથી જ્યારે બાપુની "રોમ રોમ હર બોલે" કેસેટનું રેકૉર્ડિંગ પંકજભાઈ ના સંચાલનમાં ચાલતું હતું જેમાં ઈશ્વરની કૃપાથી મારા દ્વારા રચાયેલ એક "શિવ શંકર સુખ કારી" રચનાને તેમાં બાપુએ સ્થાન આપેલુ. તે વખતે  હિતેષભાઇ ત્યાં રેકોર્ડિંગ વખતે હાજર રહેતા અને દરરોજ બાપુ માટે ટીફીન લઈ ને આવે, એક દિવસે પંકજભાઇ બધા સાજ તૈયાર કરીને બાપુને ગાવા માટે પધારવા કહ્યું ત્યારે બાજુએ કહ્યું કે પંકજભાઇ મને કોઇ સાજમાં દોરાભાર ફરક લાગેછે, પંકજભાઇએ વારંવાર તપાસ્યા છતાં બાપુએ હજુ કંઈક ગરબડ છે એવો આગ્રહ રાખ્યો, અંતે પંકજભાઈ જેવા સંગીતના મહારથીએ કહેવું પડ્યું કે બાપુ સુર તો આપની રગે રગમાં વ્યાપેલાછે, નહીંતો આટલો નાનો ફરક ભાગ્યેજ ધ્યાનમાં આવે. છતાં આજે પણ આપ ધ્યાનથી એ મારું ભજન સાંભળશો તો એક જગ્યાએ એક નાની એવી ભૂલ જરૂર ધ્યાને આવશે, જે કદાચ એ વખતે બાપુના ધ્યાન બહાર રહી ગઈ હોય એવુંતો નજ બને પણ ચલાવી લીધી હોય. આ હતા સંગીત નું શાસ્ત્ર ભણ્યા વિનાના સંગીત વિશારદો ના પણ વિશારદ આત્મ જ્ઞાની ભક્ત નારાયણ સ્વામી.  

બાપુના પૂર્વાશ્રમને યાદ ન કરવાનો એક દાખલો ટાંકું જે મને ખુદ હિતેષભાઇના મુખેથી સાંભળવા મળ્યોછે. ફકીરી લેવા માટે પહેલાં ત્રણ વર્ષ માટે કાળી કફની કે કામળી-જે હોય તે-પહેરવી પડે ત્યાર બાદ ભગવા વસ્ત્રો ધારણ કરી શકાય આવો કંઈક નિયમ છે જેની મને ખબર નથી. એ વખતે જ્યારે બાપુએ કાળી કફની પહેરેલી ત્યારે તેમના એક પરમ સ્નેહી જે બાપુના પુરા પરીવાર સાથે સારો નાતો અને સ્નેહ ધરાવતા તેવા મુંબઈ વસતા ડો.ગણાત્રા મુંબઈમાં બાપુને મળ્યા ત્યારે બાપુને તેમનો પરીવાર હજુ કમાવા માટે સક્ષમ ન હોઈને કે સારા રાહબર પણ ન હોઈને હમણાં સંસાર ન છોડવા સલાહ આપવા લાગ્યા. બાપુએ આ બાબત વાત ન કરવા વિનંતિ કરી પણ લાગણીવાળો માણસ ભાવ સભર બાપુને સમજાવતા રહ્યા, અનેક ઉપાયો છતાં બાપુ ટસ ના મસ ન થયા ત્યારે આ મહાનુભાવે સ્નેહ વશ બાપુને કહ્યું કે જો આપ આપના પરિવારનો ખ્યાલ કરીને સન્યાસી બનવાનો ખ્યાલ છોડીદો તો આજે આપણે જે બંગલામાં રહ્યા તે અને અત્યારે જે ગાડીમાં બેઠાં છીંએ તે આપને સદા માટે અર્પણ કરી દંવ.

બાપુ તો જાણે ખુશ ખુશાલ થઈ ગયા, હસતાં હસતાં ગાડી રોકાવી, ગણાત્રા સાહેબને ખૂબજ ધન્યવાદ કહીને ગાડીમાંથી ઊતરતા કહ્યું કે સાહેબ આપના પ્રેમ બદલ હું જે કંઈ કહું તે પૂરતું નહીં હોય, પણ હવે પછી મને સંન્યાસ છોડવા ક્યારેય ન કહેજો નહીંતો આપણો સંબંધ પૂરો થઈ જશે. મારે ગાડી કે બંગલો જોઇતો હોત તો બીજા અનેક રસ્તા હતા, પણ "फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे" જેવો જવાબ આપીને ચાલતી પકડી. 

નારાયણ બાપુની એક બીજી વાત લખવા પ્રેરણા થાયછે. ઘણા વખત પહેલાં કચ્છમાં એક જગ્યાએ કોઈ સંસ્થાના લાભાર્થે બાપુનો કાર્યક્રમ ગોઠવેલો, જ્યાં એ વખતના એક પ્રધાન પણ ઉદ્ઘાટન કરવા પધારવાનાં હતા, ભજન નો સમય થવામાં થોડી વાર હતી ત્યાં પ્રધાન શ્રી પધાર્યા, રિબન કાપવાની વિધી પુરી થયા બાદ બાપુને બે શબ્દો બોલવા કહ્યું, ત્યારે બાપુએ જવાબ આપ્યો કે "ભાઈ તમે શું ઈચ્છો છો તે મને ખબર છે, પણ એવું બોલતા મને નથી આવડતું, હું કોઈને સારું લગાડવા માટે તમો કહો તેમ ન બોલું, તો તો મારા ભગવા લાજે, માટે મને આગ્રહ ન કરો," પણ જ્યારે બધાએ ખૂબજ કહ્યું ત્યારે બાપુ જે બોલ્યા તે સદંતર સત્ય અને પ્રાયોજકો ની ધારણાથી બિલકુલ વિપરીત હતું, કોઇએ બાપુને કહ્યું, બાપુ આ જાહેરમાં આમ ન બોલાય આતો કાયદાથી વિરુદ્ધ કહેવાય, ત્યારે બાપુએ જવાબ આપેલો કે ભાઇ મારો કાયદોતો મારા ઉપરવાળાએ ઘડેલોછે, તેનો ભંગ હું ક્યારેય નથાય તેનું પૂરે પૂરું ધ્યાન રાખુ છું, બાકી આ કાયદો શું કરશે? વધુમાં વધુ જેલમાં નાખશેને? તો ત્યાં ભજન કરશું, ત્યાંના લોકોને આવો લાભ ક્યારે મળશે?
આ પ્રધાનની વાત પરથી એક બીજો પ્રસંગ પણ યાદ આવી ગયો. એક ભક્તના આશ્રમમાં પણ બાપુનો કાર્યક્રમ ગોઠવાયેલો, તેમાં ત્યારના મુખ્ય પ્રધાન પધાર્યા ત્યારે એ આશ્રમના એ ભગવા ધારી ભક્ત સ્વાગત માટે દોડધામ કરવા લાગ્યા, થોડી વારતો નારાયણ બાપુ કંઈ ન બોલ્યા પણ પછી એ ભક્તને ચાલુ માઇકમાં કહ્યું કે બાબાજી આપ શાંતિથી બેસી જાવ, મુખ્ય પ્રધાન ભલે રાજ્યનો વડો હોય પણ ભગવા વેશ ધારી પાસે તેની કોઈ ગણતરી ન હોય, માટે આ ભગવા ન લજાવો.
હવે આ વાંચ્યા પછી આપજ નક્કી કરો કે છે કોઈ આજે નારાયણ સ્વામીની હરોળમાં પણ ઊભો રહી શકે તેવો ભજનિક? કોઈ હાસ્ય કલાકાર કોઈ કલાકરને સારું લગાડવા આવું બોલતા હોય તો પહેલાં સરખામણી કરી લેજો.

મારા ઘણા મિત્રો શ્રીમાન અશોકભાઇ દાસ, શ્રી ડો. ખેઇની સાહેબ અને એવાતો અનેક બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુના ચાહકો મને બાપુ વિષે વધારે માં વધારે અથવાતો બને તો પુરી જીવન યાત્રા માટે લખવા કહેછે. પણ મારી પણ થોડી સમયની મર્યાદા અને સત્યતા જળવાય તેમજ હિતેષભાઇની સહમતી-જે મળતી રહેછે- પણ એટલીજ આવશ્યક હોવાથી લખવામાં વિલંબ થતો હોયછે, પણ અમો બન્ને મળીને જેમ બને તેમ જલદી બાપુ વિષેની વધારેમાં વધારે માહિતી અહીં લખતા રહેશું જેને આપે એક ત્રાગડામાં પરોવીને સંપૂર્ણ માળા બનાવવાનો શ્રમ કરવો પડશે જેથી તે એક જીવન ઝરમર બની જાય.

જય નારાયણ. 

                              નારાયણ બાપુ ની નિખાલસતા


નારાયણ સ્વામીજીએ  ભજન ગાયકીને એક અલગજ સ્થાન અપાવીને ભજન ગાયકોને એક નવો રસ્તો બતાવ્યો, અને શ્રોતા ગણને એક નવી તાજગી સાથે અને સામાન્ય સમજ પડે તેવું શાસ્ત્રીય સંગીત પણ આપ્યું, અને મારા જેવા રાગ રાગણીથી અજાણ ગાયકોને કયો રાગ કયા સમયે ગવાય તે પણ શીખવ્યું, નવા નવા રચયિતાઓની રચનાઓ ગાઈને એક નવી રચનાકારની ઓળખ ઊભી કરી, એમાં પણ "દાસ સતાર" ને તો એ ઊંચાઈ આપી કે બાપુના ચિલ ચાલનારા પણ ભજન ગાયકીને કમાવાનો રસ્તો બનાવનારા અનેક ધંધાદારી ગાયકો "સતાર"ને ગાઈને રોટલો રળવા લાગ્યા, તો ખરેખર ભજનના ચાહક ગાયકો "સતાર"ના શબ્દો પર ફિદા થઈને આંખમાં ભાવ, તો ક્યારેક આંસુ સાથે તેના ભજનો ગાવા લાગ્યા, પણ બાપુને ન સમજનારા ક્યારેક ગેર સમજ પણ ફેલાવવા લાગ્યા કે બાપુ તો ઘમંડી છે, જે તેમને નમતા રહે તેનાજ ભજનો ગાયછે. એક ખ્યાતનામ કવિની રચનામાં બાપુની કસી ગેર સમજ થઈ, બાપુએ કંઈક ટકોર કરી, મોટાભાગે આ ટકોર એક બીજા આમને સામને નહીં પણ પ્રોગ્રામ દ્વારાજ આપતા હોયછે જેથી તે જગ જાહેર હોયછે,  પેલા કવિરાજે બાપુને પોતાની રચના દ્વારા જે શંદેસ આપવાનો હતો તેની વિગત જણાવી ત્યારે બાપુએ ભજનના હજારો શ્રોતાઓ વચ્ચે પોતાની ગેર સમજની કબુલાત કરેલી. આ હતી તેમની નિખાલસતા. પણ એક મહાન સ્વર્ગસ્થ કવિના પુત્ર સાથે સામાન્ય ચર્ચા દરમિયાન બાપુએ એ કવિરાજની રચનાઓની કેસેટો બનાવવાની ઇચ્છા દર્શાવી, ત્યારે પેલા મહોદયે મંજૂરી સાથે રોયલ્ટી માટે વાત કરી ત્યારે બાપુએ એક દોહાની એક પંક્તિ સંભળાવી કે "તેરે માંગન બહોત હે તો મેરે ભૂપ અનેક" ભાઈ મારે જો રોયલ્ટી ની શરત સાથે કોઈની રચના ગાવાની હોય તો મનેતો અનેક રચનાકારો પોતાની સારી સારી રચનાઓ ગાવા માટે વિનંતી કરેછે, અને એ વાત ત્યાંજ છોડી દીધી.

નારાયણ બાપુના આવા આવાતો અનેક પ્રસંગો છે, જે સમય સમય પર રજુ કરતો રહીશ.
જય નારાયણ.

શુક્રવાર, 16 મે, 2014

                            નિરભિમાની નારાયણ સ્વામી


પ. પુ. બ્રહ્મ લીન નારાયણ નંદ સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા છે. દેશ વિદેશમાં અનેક ડાયરાઓ કરીને આપણી ભજન ગાયકીને એક અવ્વલ દરજ્જો અપાવનાર આ સંત સમાન મહા માનવને ઘણા લોકો મૂડી/ગુસ્સૈલ/ઘમંડી જેવા અનેક ખોટા બિરુદ આપી ચૂક્યાછે, જોકે ક્યારેય પણ આ સંતને કોઇ ફરક પડ્યો નથી, અને આવુંતો અનાદિ કાળથી ચાલ્યું આવેછે, આવા લોકોએ ભગવાનને પણ ક્યાં છોડ્યા છે? અરે મનેતો ત્યાં સુધી લાગેછે કે આ નારાયણે કેટલાએ ગાયકોને, {ભજનિક નહીં} કે જે ફક્ત નારાયણ બાપુની નકલજ કરી શકેછે, જેમાં પોતાનો ફક્ત અવાજ સિવાય કશું હોતું નથી, શબ્દોની જાણ હોતી નથી, જે પૈસા ખાતર ગાતા હોયછે, અને પાછા પોતાને કેવાએ મહાન કલાકાર માનતા હોય છે, તેવા ગાયકોને ભજન ગાવાનો રાહ બતાવીને રોટલા રળતા કરી દીધા, અને જેને ખરે ખર ભગવાનની આરાધના કરવીછે તેને ભગવાન પાછળ ઘેલા ઘેલા કરી દીધા.

એક કહેવાતા ભજનિક નું એક ભજન હું જ્યારે જ્યારે સાંભળતો ત્યારે એક ચોક્કસ જગ્યા પર તેઓ ખાસ પ્રકારની ઉધરસ ખાતા એ મને ધ્યાનમાં આવ્યું ત્યારે વાતો વાતોમાં મેં આ વિષે પૂછી લીધું તેમનો જવાબ હતો કે નારાયણ બાપુ ની કેસેટ એવી તો મગજ માં ઘૂસી ગઈ છે કે જ્યાં બાપુએ ઉધરસ ખાધી છે ત્યાં મને સહજ ઉધરસ આવી જાય છે, હવે આપજ વિચારો આવા ગાયકો પાસે પોતાનું શું હશે ? ફક્ત બાપુની નકલ કરીને પોતાનું ગાડું ગબડાવ્યા કરે છે અને લોકો પણ તાની બનીને સાંભળ્યા કરે છે, એક જાણીતા કલાકાર ટી વી પરના કાર્યક્રમ માં શું ગાય છે તે શબ્દો મને આજ દિવસ સુધી સમજાયા નથી, છતાં લોકો વાહ વાહ કરતા નાચતા હોય છે, હવે આમાં કેને વખાણવા ?  

આજે મારે વિચક્ષણ નારાયણ બાપુની ઘણા સમય પહેલાં તેમનાજ એક અંતેવાસી પાંસેથી સાંભળેલી વાત કરવી છે.

જામનગર બાજુના કોઇ ધાર્મિક સંસ્થાન માં નારાયણ બાપુનો રામ ભાવ ભાજન નો કાર્યક્રમ હતો, મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવીને બાપુની મંડળી વહેલી સવારે આમરણ ના મારગે રવાના થઈ, એ વખતે રસ્તા ખાસ સારા ન હતા, અને વાહનો પણ રાત્રિના ભાગેતો જવલ્લેજ નીકળે. ધીમે ધીમે બાપુની એમ્બેસેડર ગાડી ચાલતી હતી ત્યાં આગળના ટાયરમાં પંચર થયું. ગાડીની લાઈટ અને હાથ બત્તી ની મદદથી પૈડું બદલ્યું પણ ચાલકે બાપુને કહ્યું કે બાપુ, હજુ સારો રોડ આવવાને વાર છે, અને જો હવે બીજા પૈડામાં પંચર થશે તો આપણે અટકી જશું, માટે જે કોઈ પહેલી સગવડ મળે ત્યાં પંચર ઠીક કરાવીને પછીજ આગળ વધીએ, આ વાતમાં બધા સહમત થયા, આગળ જતાં એક નાનું એવું ગામ આવ્યું {આજે મને એ ગામનું નામ યાદ નથી.}  ત્યાં એક ગ્રામજન હાથમાં ડંડો લઈને જંગલથી પાછો ફરતો દેખાયો, સામાન્ય દેખાવ, ગરીબી ચાડી ખાતી હતી, તેને રોકીને પંચર બાબત વાત કરતાં નારાયણ બાપુને જોઈને એતો ઘેલો ઘેલો થઈ ગયો, તેણે કહ્યું કે ભાઈ, બાજુની વાડીમાં એક ભાઈ પંચર બનાવેછે, ત્યાં જવું પડશે, આપ મારી નાની એવી ખોલીમાં પધારો હું કંઈક વ્યવસ્થા કરુંછું.

બાપુ માટે બાજુ વાળાને ત્યાંથી ખાટલા અને ગાદલા મંગાવ્યા ત્યાંતો જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ આખું ગામ જાગી ગયું અને નારાયણ બાપુ પધાર્યાછે તેનો જાણે ઢંઢેરો પિટાઈ ગયો અને બધા બાપુની સામે બેસી ગયા. ચા અને રોટલાના શિરામણ આવી ગયા, અલક મલકની વાતો કરતાં કરતાં બાપુ કહે "અરે ભાઇ આપણી પેટી { હાર્મોનિયમ} ગાડીમાં જતી રહી નહીંતો બે ચાર વાણી ગાત," એક ભાઇ દોડીને ભાંગી તૂટી પેટી લઈ આવ્યો, બાપુએ મજાક કરી "ભાઈ મારા કોઇ ડાયરામાં મેં આવી સરસ પેટી વગાડી નથી." ધીરે ધીરે એ પેટીના સથવારે બાપુએ ભજનની શરૂઆત કરી, જેમ જેમ ખબર પડતી ગઈ આજુ બાજુના લોકો પણ આવવા લાગ્યા, બાપુને પણ આનંદ આવવા લાગ્યો, ગાડીતો પંચર બનાવીને આવી ગઈ પણ બાપુને એવી રંગત લાગી કે બપોરના બાર વાગ્યા તે પણ ખબર નથી. ગામ લોકો વિચારવા લાગ્યાકે બપોરાનો {બપોરનું ભોજન} સમય થવા આવ્યો છે, જલદી કંઈક વ્યવસ્થા કરીએ, દોડા દોડી કરીને ભોજન બન્યા પછી બાપુના સંગાથીને વાત કરી ત્યારે બાપુના ભજન રોકાયા, ગામ લોકોની ભાવના જોઈને બાપુએ બપોરા કર્યા.

જમ્યા પછી થોડી વામકુક્ષિતો કરવીજ પડે? કેમકે આખી રાતનો ઉજાગરો હતો, પાંચ વાગતા વાર ન લાગી, બાપુ જાગ્યા ત્યાંતો યથા યોગ્ય ચા નાસ્તાની વ્યવસ્થા ગામ લોકોએ કરી દીધી, વાતો કરતાં કરતાં ચોરે ઝાલરનો સમય થઈ ગયો, દર્શન કરી ને નીકળતી વખતે ગામ લોકો તો ભાવ વિભોર હતાજ પણ બાપુએ ભાવાવેશમાં આવી ગયા, ગદ ગદ કંઠે બોલ્યા કે મેં અનેક ઠેકાણે મહેમાનગતી માણીછે પણ આજની મહેમાનગતી તો કાયમ યાદ રહેશે. 

બાપુ આ પ્રસંગ હકડેઠઠ જામેલી ડાયરાની મેદની વચ્ચે અનેક વખત બોલ્યાછે.

આ છે  નિરભિમાની નારાયણ સ્વામી. 

આવા તો અનેક કિસ્સાઓ સંતો મહંતો ના હોય છે, યાદ આવ્યે લખતો રહીશ.
જય નારાયણ.        

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

ગુરુવાર, 15 મે, 2014

                                  નારાયણ સ્વામી 


અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા વાળુ કરે {જમે} તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.

બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજ વીત્યો, બીજા દિવસે મારે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ દેખાવ ખાતર ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ત્યારે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.

રાત્રે આશ્રમના ચપલેશ્વર મહાદેવની આરતી પછી ધીરે ધીરે બાપુ રંગમાં આવવા લાગ્યા, વાતો કરતાં કરતાં ભજનો પર વાત પહોંચી, અને ત્યાંથી મારી રચનાઓ પર આવી. મારી રચના ના શબ્દોની છણાવટ થઈ, ભાવાર્થ થયા, અને પછી મને ગાવાની આજ્ઞા કરી. મેં ઘણા નાના નાના પ્રોગરામો {માનદ} કર્યાછે, પણ બાપુની સામે ગાવું એ ડોક્ટરેટની પરીક્ષા પાસ કરવા જેવું છે, કારણ કે કોઇ પણ ભૂલ બાપુ ચલાવી ન લે. એક કલાકારને ચાલુ ડાયરા વચ્ચે ટકોર કરેલી કે "ભાઈ શબ્દ તો સમજીને બોલો." પણ ઈશ્વરની કૃપાથી મારી નાઅવ ડૂબી નહીં, અને બાપુએ જાણે કે પ્રમાણ પત્ર આપ્યું હોય તેમ મારી ભજનાવલી માં સુવર્ણ અક્ષરે જે બે શબ્દો લખી આપ્યા તે મારા માટે રાષ્ટ્ર પતી એવૉર્ડ થી પણ વધારે કિંમતી હતા, જેને મેં મારી રીતે સજાવી ને મારા બેઠક ખંડમાં રાખ્યા છે, બાપુ ના પૂર્વાશ્રમ ના પુત્ર હરેશભાઇએ એ જોઈને કહેલું કે "મેં ઘણી જગ્યાએ બાપુની ઘણી બધી યાદગાર વસ્તુઓ સાંચવીને રાખી હોય તે જોયું છે, પણ બાપુના સ્વ હસ્તે લખેલી આ યાદ તે સર્વમાં મને અનન્ય લાગે છે." જે અહીં આપની સમક્ષ રજૂ કર્યા છે.

બાપુ એક પછી એક મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હાર્મોનિયમ બાપુના હાથે વાગતું જોયું/સાંભળ્યું  હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકૉર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બાપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય. અને આવાજ કોઇ પ્રસંગે બાપુ નારાજ થયા હોય અને કોઇ વિઘ્ન સંતોષીએ બાપુ વિષે આડી અવળી વાત ફેલાવી હોય તે બનવા જોગ છે.

આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
સમય મળ્યે બાપુ વિષે વધારે વાતો અહિંથી લખતો રહીશ.
જય નારાયણ.   

બુધવાર, 14 મે, 2014

મિત્રો પ. પુ. બ્રહ્મ લીન નારાયણ નંદ સરસ્વતીજી-નારાયણ બાપુ- વિષે મેં ઘણું લખ્યું છે અને ઘણા ઘણા લોકોએ તે વાંચીને પ્રતિભાવ પણ આપ્યા છે, પણ આજે ફરીથી રજૂ કરું છું, કારણ કે લંડન થી બાપુ ના એક ચાહકનો બે વખત ફોન આવી ગયો કે તેમનું ગ્રૂપ બાપુ વિષે મારા થકી લખાયેલ એક પ્રસંગ વાંચ્યા પછી વધારે જાણવા ખૂબજ ઉત્સુક છે, મેં તેમને મેં અગાઉ આજ જગ્યા પર લખેલા પ્રસંગો વિષે વાત કરી, પણ તેઓ તે મેળવવા માં અસમર્થ રહેતાં મને ફરીને લખવા બાપુ ના પ્રેમમાં લગ ભગ વિનંતી જેવા શબ્દો માં કહેતાં આજથી ફરી વાર બાપુ ના પ્રસંગો રજૂ કરું છું, જેમને વાંચ્યા હશે તેમને તાજાં થશે અને જેમને નહિ વાંચ્યા હોય તેમને જાણવા મળશે.                                                                                                


                                નારાયણ સ્વામી.

મારી પ્રથમ મુલાકાત


નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત ઘણા સમય પહેલાં ગાંધીધામમાં મોહન ધારશીભાઈએ બાપુના ભજનનો એક કાર્યક્રમ રાખેલો ત્યારે થઈ હતી.
મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલાનું મિત્રમંડળ વિશાળ, પ્રમાણમાં, ધનાઢ્ય અને સારા સંસ્કાર સાથો સાથ સારા કાર્યોમાં અગ્રેસર, આવા યોગ્ય લોકોના સહવાસમાં મને પણ રહેવાનો મોકો મળ્યો. પ.પૂ. મોરારી બાપુની પ્રથમ કથા ગાંધીધામમાં સ્વતંત્ર સેનાની  સ્વ. શ્રી કાંતીલાલ શુકલાના અથાગ પ્રયત્નોથી થયેલી, ત્યારથી ઘણા લોકોના જીવનમાં માની ન શકાય તેવા પરિવર્તનો આવેલા. આ બધા લોકોના કારણે મને પણ સારા સારા લોકો સાથે પરિચય થતો અને ઓસ્લો સોસાયટીમાં યોજાતી ગાંધીધામની એક પ્રતિષ્ઠિત નવદુર્ગા ચોકની ગરબીમાં પાંચ વર્ષ સુધી માનદ ગરબા ગાવાનો  મોકો પણ મળ્યો, અને સાથો સાથ નારાયણ બાપુના ભજન વખતે બાપુના મંચ પર બેસવાનો લાભ પણ પહેલી વાર મળ્યો.

ભજનના મધ્યાન્તર વેળાએ અહીંના પ્રતિષ્ઠિત અને જ્ઞાન ના ભંડાર સમા માનનીય શ્રી સ્વ.નારસંગજી અયાચીભાઇ નારાયણ બાપુને મળવા પધાર્યા. અયાચી પરીવાર સાથે મારા પિતાશ્રીના વખતથી ઘનિષ્ઠ પરિચય, તેથી શ્રી નારસંગજીભાઇએ  બાપુ સાથે મારો પરિચય આપતાં મારા પરિવારની પણ માન સહિત પ્રશંસા કરી અને હું ઈશ્વર કૃપાથી સારું ગાવા લાયક અવાજ પામ્યોછું એવી વાત પણ કરી. સારો અવાજ અને સારા પરીવાર અને સાથોસાથ શ્રી નારસંગભાઇની વાતથી પ્રેરાઇને બાપુએ મને બે ભજન બોલવા આગ્રહ કર્યો, પણ મેં બે હાથ જોડીને કહ્યું બાપુ મારી લાયકાત બીજા બધા કાર્યો માટે કદાચ ઠીક હશે પણ આપના મંચ પર ગાવા લાયક મારી પાસે કોઈ લાયકાત નથી, આપના મંચ પર બેસવા મળ્યું તે પણ મારા માટે અહોભાગ્યછે, બાકી હું આપના મંચપરથી ગાઈ ન શકું.

બાપુ બે ક્ષણ મારા સામે જોઈને મારા ખભે હાથ મુકીને બોલ્યા કે "વાહ દરબાર, ક્યારેક ભૂલથી જો કોઈને બોલવાનું કહેવાય જાય તો તેને બંધ કરાવવા માટે આયોજકોએ ભૂંગરા બંધ કરાવવા પડે, ભજન ગરબા ગાવ તોછો, પણ પચાવી પણ જાણ્યાછે તે બદલ ધન્યવાદ." આ શબ્દો બાપુના મુખથી સાંભળીને મને જાણે કરોડો ભજનાનંદીના આશીર્વાદ મળી ગયા.

બાપુને એક ચીડ હતી કે તમો ડાયરા કે ભજનના કાર્યક્રમમાં ગાતાહો તો તેના શબ્દો અને અર્થોનો પૂરે પૂરો ખ્યાલ રાખવો જોઈએ, એક વખત એક કલાકાર બાપુ સાથેજ ભજન ગાતા હતા, તેમાં તેણે ગાયું કે "શ્યામ વિના વ્રજ સૂના લાગે." બાપુએ કહ્યું ભાઈ, સૂના અને સૂનુ, બન્નેમાં તમને કંઈ ફરક નથી લાગતો? કેટલાં વ્રજ હતાં? ખાલી ગાવાથી રાગડા તાણી શકાય ગાયક ન બનાય, ભજન પ્રેમની વાણીછે તેને કોઈ બંધન નડતા નથી પણ તમે જાહેરમાં ગાતા હો અને તમારી જાતને કલાકાર સમજતા હો તો બધો અભ્યાસ કરવો પડે, સૌથી પહેલાં તમે શું ગાવાનાછો/ કેની રચનાછે/કવિની ભાવના શુંછે? શું કહેવા માંગેછે? ભજનમાં પ્રાસ મેળ કેવો જાળવ્યોછે? તે બધું જાણ્યા પછી તમારી ગાયકીમાં ભાવ જાગે.
કાલે રાત્રે એક ડાયરાનો કાર્યક્રમ મેં ટી.વીમાં જોયો, એક સારી ડિગ્રી ધરાવનાર કલાકર(?)ગાતા હતા 
                          "થાળ ભરી નીકળી નંદ રાણી,      કંચન થાળ ભરાઈ.
                           લ્યો ભિક્ષા જોગી જાવ આસન પર, મેરો બાલક ડરાયો." 
હવે જો આ મહાન કલાકાર બાપુ સાથે હોત તો જરૂર કંઈક શીખ મળત બાકી અત્યારેતો હવે બહુ ઓછા કલાકારો આવું ધ્યાન રાખેછે. અહીં ભરાઈ ને બદલે ભરાયો હોવું જોઈએં. બાકી અત્યારેતો અનેક જાતના નખરા કરે,લટકા કરે, ભૂવા ધુણાવે અને લોકોને અનેક જાતની શિખામણ આપે, પણ પોતા ના ચારિત્ર વિષે ધ્યાન ન આપે. અરે એક વખત મેં સમાચાર પત્રમાં વાંચેલુ કે કોઈ જગ્યાએ એક કાર્યક્રમ રાખેલો જેમાં જે રકમ ઘોળ દ્વારા આવે તે ગાયોના ચારા માટે વાપરવાની હતી, ત્યાં અમુક કલાકાર એ રૂપિયા છુપાવીને ચોરતા પકડાયેલા, પરાકાષ્ઠા તો ત્યારે હતી કે જ્યારે મહિલા કલાકારો તેમના undergarment માં રૂપિયાની થોકડીઓ છુપાવીને લઈ જવા માંગતી હતી જેને મહિલા કાર્યકરોએ પકડેલી. આવા કલાકારો..હાજી આ પણ એક કલાજ છેને?..હોય ત્યાં ભજનનો ભાવ કેમ જાગે?
બાપુએ એક જગ્યાએ પ્રોગ્રામ શરુ કરતી વખતે કહેલું કે આજેતો કોયલ બોલાવવીછે, અને ખરેખર જ્યારે જમાવટ થઈ ત્યારે કોયલ બોલવા લાગી જે રેકર્ડિંગમાં પણ સાફ સાફ સંભળાયછે. 

નારાયણ બાપુને એકવાર ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી આણંદજી ભાઈ માંહેનાં કલ્યાણજીભાઇ સાથે ભારતની કોકિલ કંઠી લત્તા મંગેશકરને પણ મળવાનું થયેલું, એ પ્રસંગ અને એવા બીજા પ્રસંગો ફરી ક્યારેક લખીશ.
જય નારાયણ.
ફોટો-ગુગલ ના સહયોગ થી.

સોમવાર, 12 મે, 2014

         શું સમજાવું ?


પ્રભુ તને શું સમજાવું મારા તાત
નાના મુખથી કરવી પડે મારે, મોટી મોટી વાત...

સૃષ્ટિ કેરું સર્જન કરીને, સજાવ્યા સુર્ય ને ચાંદ
જલચર સ્થલચર નભચર રચ્યા તેં, ઉત્તમ માનવ જાત..

તું સમજ્યો’તો માનવ મારી, સેવા કરે દિન રાત
મન નો મેલો કામ નો કુળો, શું કરે સુખરાત..

મંદિર આવે શીશ નમાવે, જાણે નહીં તું એની જાત
કાળા નાણાનો ભોગ ધરાવે, મોટી દેશે તને માત..

તું છે ભોળો જો પાથરે ખોળો તો આપી દે જર જવેરાત
સમજી ના લે સૌને સેવક, નથી કહેવા જેવી વાત..

મેં બનાવ્યો શું મને બનાવે, હું સમજુ સૌની ઓકાત
મુખથી ભલેને મીઠું બોલે, હૂંતો સમજુ મનની વાત..

એક અરજી સાંભળ હરજી, દીન "કેદાર" ની વાત
તુજ માં મુજને લીન કરીને, તારી દેજે મને તાત...

શુક્રવાર, 9 મે, 2014

                  ઝૂંપડીએ જંગ


ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પાઠ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, " કેદાર " ભરોંસો કેમ ના’વ્યો...
 
  સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.
તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.
હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?
જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.
જય નારાયણ.
ફોટો-ગુગલ ના સહયોગ થી