શનિવાર, 12 એપ્રિલ, 2014

                         અમૂલ્ય અવતાર


આપ્યો અવતાર અમૂલ્ય ઘણો,  મને માનવ કેરો દેહ મળ્યો
ઉપકાર અનેરો આપ તણો,  મને નારાયણ નો નેહ મળ્યો...

મને યાદ ન આવે આજ જરી,  મેં કેમ ચોરાશી પાર કરી
પણ એક અરજ સરકાર ખરી,  મને મુક્ત થવા નો માર્ગ મળ્યો...

સંસાર અસાર છે ધ્યાન રહે, મારા ચિત માં ગીતા નું જ્ઞાન રહે
સદા મન માં હરિ નું સ્થાન રહે,  મને ગોવિંદ ગુણ રસ લાગે ગળ્યો...

મને અમૃત આપો વાણી માં,  હવે જાય ના જીવન પાણી માં
હું ભાળું હરિ હર પ્રાણી માં,  મને કૃષ્ણ કૃપાળુ ત્યાં જાય કળ્યો....

તને એક અરજ કિરતાર કરૂં,  ભજતાં ભૂધર ભવ પાર કરૂં
ગદ ગદ થઈ ગિરિધર ગાન કરૂં,  મને લાલ રિઝાવવા નો લાગ મળ્યો...

પ્રભુ દીન " કેદાર " ની વાત સુણી,  હરિ રાખો મુજ પર મહેર કૂણી
હું તો રોમે રોમ છું તારો ઋણી,  થોડું ઋણ ચૂકવવા નો મોકો મળ્યો...
ફોટો ગુગલના સહયોગથી


ગુરુવાર, 10 એપ્રિલ, 2014

G03, કચ્છ ની ધરતી


                        કચ્છ ની ધરતી


સાખી:-સરસ્વતી શ્વર દીજીએં, લક્ષમી દે શુભ ધન
        અંબા અભય પદ દીજીએં, સદા કરૂં હું નમન..

કચ્છ કેરી ધરતી માથે ગરબા ગવાય છે, 
જામે રૂડિ ગરબી જોવા દેવીઓ લોભાય છે..

માતા ના મઢ થી અંબા માઆશાપૂરા આવીયા, 
રવ છોડી ને રવેચી માં સંગે પધારીયા
જોગણી માં નો રંગ અનેરો, સાંભળ્યો છે સ્વર ઘેરો ઘેરો,
    સ્વર સુણી ને માડી મારી, જોવા લલચાય છે...જામે..

ગબ્બર ના ગોખ થી અંબામાં આવીયા
ચોટીલા વાળી ચંડી સંગે પધારીયા
માટેલ છોડી ખોડલ આવી, શંખલપુર થી બહુચર આવી
         પાવાગઢ વાળી કાળી સંગ માં જોડાય છે..જામે..

રાણી રાધિકા આજ રૂસણે ભરાયા
રમી રમી ને રાસ કાના મનડા ધરાયા
જઈશું હવે ગરબો જોવા, નહિં અમૂલખ લહાવા ખોવા
                     રાણી રાધિકા સંગે રુક્ષમણા જોડાય છે..જામે..   

ઇંદ્ર ઇંદ્રાણી બ્રહ્મા ને બ્રહ્માણી
આવી આકાશ સૌ રહ્યાં રંગત માણી
શોભા બની આજ અનેરી, ભુલ્યા વાયુ દેવ હેરા ફેરી
                   ભાળી રંગત ગરબા કેરી સ્વર્ગ સરમાય છે.. જામે..

ઢોલ નગારાં નોબત વાગે 
શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
ઝાલર વાગે ઝમક ઝમક, ચાલે દેવી ઠંમક ઠંમક
            ગરબો " કેદાર " ગાય ઘેલો ઘેલો થાય છે..જામે..


                                                                  ગરબો

                                     ગબ્બર વાળી માં


મારી માડી ગબ્બર ગોખ વાળી ગયાળી માં, ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા..
તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી માં,  ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા..

અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી
                                ભોળા ભક્તો ની ભીડ ભાંગનારી હેતાળી માં...

સોના મુકુટ શિર શોભે કાન વાળી, હેમ કેરાં હાર હૈયે નથડી રૂપાળી
                           તારી ટીલડી ના તેજે પૂરી અવની અજવાળી માં...

ઓઢી જાણે ચાંદની ચમકે છે ચૂંદડી, ચરણ કમલ ચૂમતી ઘમકે છે ઘૂઘરી
                               માં ના સોળ શણગાર ની શોભા છે નિરાળી માં....

શંખ ચક્ર ગદા બાણ ખડગ સોહાય છે, એક હાથ પુષ્પ એક ત્રિશૂળ ધરાય છે 
                                     એક હાથ હિતકારી કરે સૌની રખેવાળી માં...

ચંડિકા રૂપ ધરી ચંડ મૂંડ માર્યા, કાલિકા રૂપે માં અસુરો સંહાર્યા
                            સકળ દૈત્ય ને સંહારી પત ભક્ત કેરી પાળી માં...

બાલુડાં તારાં કરે કાલાવાલા, ભાવિક ભક્ત તને લાગે વહાલા વહાલા
                           લેવા પુત્ર ને સંભાળી અંબા આવે દોડી દોડી માં...

દીન " કેદાર " ની દેવી દયાળી, ભક્ત કેરો સાદ સુણી આવો મારી માડી
                            વાસ દાસ દિલ રાખી દેજો પ્રેમથી પલાળી માં... 


                                                       ગરબો

                               ગરબે  ઘૂમે

                              
મારી અંબામાં ગરબે ઘૂમે છે, માંને નિરખી નિરખી ને મન ઝૂમે છે...

માંના સોળ શણગાર ની શોભા બની, જાણે આકાશી વીજળી ની ચૂંદડી બની
માંની ટીલી લલાટ જાણે ચોડી છે ચાંદની, હૈયે હાર એકાવન ઝૂમે છે...

માંએ સોના નો ગરબો શિરે ધર્યો, ગરબે સૂરજ ના કિરણો એ સાથિયો કર્યો
માની ઈંઢોણી અલબેલી મોતી એ મઢેલી, માંહી જ્યોતિ અનેરી ઝળકે 

માં ના નેપુર નો નાદ કંઈ નવલો બન્યો, જાણે સાતે સુરો નો એમાં સંગમ કર્યો
માં ના કેશ કલાપ ની કરવી શી વાતડી,   નાગણ નખરાળી જાણે ઝૂમે છે..

ઘૂમી ઘૂમી ને આવી મુખ પર રતાશડી, પુષ્પ ઉપર ઝાકળ જેમ પ્રસ્વ લહર પાતળિ
આંખે ઉજાગરા ની લાલી લપટાણી,         કાળી લટ માંના ગાલ ને ચૂમે છે...

દાસ જાણી ને મામ દયા કરો આવડી, ગરબે ઘૂમવા ને આવો તમે માવડી
વીતે ન રાત આજ જાય ભલે જાતડી,   માંગે " કેદાર " પાય ચૂમે છે... 

રવિવાર, 30 માર્ચ, 2014

આજે નવરાત્રિની શરૂઆત, માંના નવલાં નોરતાં, આજથી નવ દિવસ માંનો નવો નવો ગરબો અહીં રજૂ કરતો રહીશ.
                                           ગરબો.              

                      ગૌરી નો લાલો


ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં,ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો,   ગણ નાયક ભગવાન... 

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો,  ગણ ઈશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારું,  તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન " કેદાર " જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

શુક્રવાર, 28 માર્ચ, 2014

પાંચાળી પોકાર

ઢાળ- રાગ કાલીંગડા જેવો

ગિરધારી ગોવિંદ કૃષ્ણ મોરારી
પાય પડી પાંચાળી પોકારી,  વિપત પડી ભારી...

કાંતો આજે રૂઠી વિધાતા, કાં કઠણાઈ અમારી
કાંતો પૂર્વે પાપો કીધાં, આવી ઘડી આ અકારી....

ધર્મ ધુરંધર ધનુર્ધર અર્જુન,  ભીમ ગદા ધારી
સહદેવ નકુળ સૌથી સવાયા, પણ-બેઠાં બળ ને વિસારી...

આશરો આજે એક તમારો,  લેજો નાથ ઊગારી
દુષ્ટ દુઃશાસન દૈત્ય બની ને,   લૂંટે લાજ અમારી...

ભાવ ધરી મેં ભૂધર ભજ્યા,  માંગુ આજ મોરારી
અંગ થી અળગું વસ્ત્ર થશે તો, જાશે લાજ તમારી...

સાદ સુણી દામોદર દોડ્યાં,  કૃષ્ણ કરુણા કારી
નવસો નવાણુ ચિર પુરી ને, " કેદાર " અબળા ઉગારી...

ફોટો ગુગલના સહયોગથી


ગુરુવાર, 27 માર્ચ, 2014

                      સમજાવો ને સાર


હવે પ્રભુ સમજાવો ને સાર જી
                          તમે શું આવો રચ્યો’તો સંસાર...

માનવ કુળ માં જન્મ ધરીને, શું મેળવ્યો સાર
સગા ભાઇનું સારું ભાળી ને, સળગે છે સંસાર...

જલ ને નાથ્યા સ્થળ ને લાંઘ્યા, વસૂનો કીધો વેપાર
ગરીબો ને ગાળો દેતો પણ, ખાતો મોટા નો માર...

મંદિર જાતો પણ માન ખાવા ને, દાન માં કરતો દેખાવ
પૈસા ખાતર પર ને પીડે, પાછો દેખાડે ખૂદ ને દાતાર...

કથા કીર્તન નો સાર ન જાણે, ભાષણ માં હોશિયાર
ભજન માં જાતાં ભોંઠપ આવે, દેવ એનો કલદાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન " કેદાર "
તુજ માં મુજ ને લીન કરીદે, નથી સહેવાતા માર

ફોટો ગુગલના સહયોગથી