Friday, August 10, 2012

દુવિધા

દુવિધા

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ, પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ, ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

"કેદાર" કનૈયા તારી, લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..

સાર-ભક્તો ઈશ્વરની આરાધના તો અનેક પ્રકારે કરતાજ હોય છે, પણ માનવી અલગ
અલગ ભગવાન ને અલગ અલગ રીતે ભજતો હોય છે. કોઈ દેવાધી દેવ શિવ ને ભજે, કોઈ
પૂર્ણ પુરુષોત્તમ રામ ને ભજે, એજ રીતે વૈશ્નવો અને ગોપીઓ કૃષ્ણને ભજે છે,
પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરે છે કાના પર, છતાં કૃષ્ણ તો સોળ કળાના છે
ને? અનેક કાવા દાવા કરે, અનેક ખેલ જાણે, રાસ પણ રમાડે અને યુદ્ધ પણ કરે,
એનો કોઈ ભરોંસો થાય નહીં, કારણ કે એ કદમ ના જાડ પર ચડી ને ગોપીઓના
વસ્ત્રો નુ હરણ પણ કરે, અને જ્યારે પાંચાળી પોકાર કરે ત્યારે અખૂટ
વસ્ત્રો નો ભંડાર પણ હાજર કરીદે.
કુરુક્ષેત્રમાં અર્જુન ને વિરાટ રૂપ બતાવીને ગીતાના જ્ઞાન આપે અને
યુદ્ધના નિયમો પણ સમજાવે. યુદ્ધ ભૂમિમાં ટિટોડીના ઈંડાને હાથીના ગળે
લટકતો ઘંટ ઢાંકીને ઊગારનાર કાળયવન ને કપટથી મરાવી પણ શકે. જ્યારે કાળયવન
નામનો યવન યાદવો સાથે ભયંકર યુદ્ધ કરતો હતો, કૃષ્ણ ને લાગ્યું કે આ યવન
સીધી રીતે હાર પામશે નહીં, ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગવા ભાગ્યા છે
એવો દેખાવ કરીને એક ગુફામાં સંતાઈ ગયા, એ ગુફામાં મુચકુંદ નામનો રાજા
સૂતો હતો, કૃષ્ણ ભગવાને પોતાનું વસ્ત્ર તેના પર ઓઢાડી દીધું, કાળયવન
સમજ્યો કે કૃષ્ણ ઢોંગ કરીને સુતા છે, તેથી તેણે મુચકુંદ રાજાને લાત મારી,
મુચકુંદ રાજાએ ક્રોધ ભરેલી દ્ગષ્ટિથી જોયું. મુચકુંદના કોપાગ્નિથી
કાલયવન તરત જ બળીને ભસ્મ થઈ ગયો. જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ થયું ત્યારે
હરેક રણ નિતી જાણનાર કૃષ્ણ ને રણ માંથી ભગવું પણ પડેલું, અને તેથી તેઓ
રણછોડ કહેવાયા.
સમગ્ર સૃષ્ટિ નું સર્જન કરનાર, અને "દૃષ્ટિ વિલાય, સૃષ્ટિ લય હોઈ" જેની
ફક્ત આંખ ત્રાંસી થાય ત્યાં સમગ્ર સૃષ્ટિ ઓગળીને નાશ પામે એવા કૃષ્ણે
પોતાના માટેજ સ્થાપિત કરેલી સોને મઢેલી દ્વારિકા નગરી ને સમુદ્ર ડુબાવી
શકે ખરો?
આ છે નટખટ નંદલાલ, માખણ ચોર, ગોપીઓ ની મટકી ફોડનારો, ગાયો ચરાવનાર, રાસ
રચયિતા, રમણગર, બલી રાજાનો પહેરેદાર, અને પાર્થ નો સારથી, વિરાટ ભગવાન
કૃષ્ણ, એની લીલાને મારા જેવો પામર પ્રાણી શું સમજી શકે?
બસ બોલો જય શ્રી કૃષ્ણ.
રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment