Wednesday, March 12, 2014

                                    કેવટ પ્રસંગ.


મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો....

ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઊતરવા, કેવટ મનમાં મૂંઝારો...સીતાના સ્વામી...

મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પ્રથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો....સીતાના સ્વામી..

રાત વેળા એ કરતા લક્ષ્મણ, નૃપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એક જ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી...

રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તૂટે ગરીબ નો ગુજારો...સીતાના સ્વામી...

શીદ ગંગાજળ શુદ્ધ ગણાતું, શીદ શુદ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી...

ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો....સીતાના સ્વામી...

આજ કિનારે બીજી ન નાવડી, અવર ઊતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગું નહિ આપથી ઉતારો..સીતાના સ્વામી...

જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નહિ ગંગ થી ગુજારો..સીતાના સ્વામી...

જળ ગંગા એ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહી કરે નીર ઉદ્ધારો..સીતાના સ્વામી...

પ્રેમ પિછાણી રઘુવીર રીઝ્યા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામૃત લઈ મેલ્યું મુખ માંહી, ત્યાં તો રોમે રોમ ઊજિયારો..સીતાના સ્વામી...

પરભવ કેરો કચ્છ કેવટ રિઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પૂછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી...

આજ પ્રભુજી મને શું શું ન મળ્યું, અનહદ કર્યા છે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક દિ’ ઉતારો.......સીતાના સ્વામી......

આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી...

દીન " કેદાર "નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રિઝાવે, પામે એ તો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી...

 સાર-ભગવાન રામ/લક્ષ્મણ અને માતા સિતાજી જ્યારે ગંગા પાર કરવા ગંગા કિનારે પધારેછે ત્યારનો આ પ્રસંગ છે.

શૃંગવેરપુરનો એક ગરીબ નાવિક ગંગામાં પોતાની નાવ ચલાવીને ગુજરાન ચલાવતો, એક વખત શૃંગવેરપુરનો રાજા ગુહ શિકાર કરતાં ભટકી ગયેલો, ત્યારે કેવટે ( વહાણ હાંકવાનું કામ કરનાર પુરુષ) તેમને મદદ કરેલી ત્યારે ગુહ રાજાએ વચન માંગવા કહ્યું, પરંતુ કેવટે સમય આવ્યે માંગવા કહેલું. આજે રાત્રે જ્યારે કેવટને રામજી નું રક્ષણ કરતા રાજા ગુહ અને લક્ષ્મણજી ની વાત સાંભળવા મળી કે રામ કોણછે? તેમના ચરણોનો શો મહિમા છે? એજ ચરણોમાંથી નીકળેલી આ ગંગા શુંછે?અને આજે સવારે રામજી ગંગા પાર કરવાનાછે તે જાણ્યું ત્યારે કેવટે રાજા પાસે સવારે  બીજી કોઈ નાવ ગંગા કિનારે ન રહે એવું વચન માંગી લીધું તેથી રામજી એજ નાવમાં બેસવા મજબૂર હોઈને કેવટ કહેછે કે.....

 હે ભગવન્ રાત્રે આપનું રક્ષણ કરતા લક્ષ્મણજી રાજા ગુહ સાથે જે ચર્ચા કરતા હતા, તેમાં મને બીજુંતો કંઈ ન સમજાયું પણ એકજ વાત સમજાઈ કે જો હું આપના ચરણોને પખાળીને ચરણામૃત લઈ લઉં તો મારો બેડો પાર થઈ જાય.મને થતું કે આટલા આટલા દૂરથી સંતો/મહંતો અને અનેક લોકો ફક્ત ગંગા સ્નાન અને એક અંજલિ જળ માટે શા માટે આવતા હશે? મારોતો જનમારો આ જળના સહારેજ વીત્યો, મને શો લાભ થયો? પણ આજે મને સમજાયછે કે તેના ફળ સ્વરૂપે આપના દર્શન થયા અને હવે જો આપ મને પગ ધોવાદો તો હું પાર થઈ જાઊં, અને પ્રભુ એક બીજી વાત, આપના ચરણની રજ એક પથ્થર પર પડી તો તેમાંથી રૂષી પત્ની ઉત્પન્ન થઈ ગઈ, મારી નાવ તો કાસ્ટની છે, એમાંથી જો કોઈ અલૌકિક નારી ઉત્પન્ન થાય તો મારી આજીવિકાનું શું? અને હું એ દેવીની સેવા શું કરી શકું? અને પ્રભુ આજે આ કિનારા પર બીજી કોઈ નાવતો છે અહિં તેથી આપને બિજો કોઈ વિકલ્પ પણ નથી, માટે આપ મને આપના પગ પખાળવાદો.
પ્રભુ કેવટને સમજાવેછે કે જો તને મારા ચરણામૃતની ખબર પડીજ છે તો પછી સિધેસીધું ગંગાજળજ કેમ નથી લેતો? ત્યારે કેવટ સરસ જવાબ આપેછે કે નાથ, આપના ચરણમાંથી નીકળેલુ આ જળ વહેતાં વહેતાં અહિં સુધી પહોંચ્યું તે દરમિયાન કેટલાએ જીવો ને પાર ઊતાર્યા હશે, તો કંઈક તો સત્વ ઘટ્યું હશેને? અને પ્રભુ હૂંતો અધમ નહિં પણ અધમથી પણ અધમ છું, તો મારો ઉદ્ધાર આ જળ નહીં કરી શકે એમ મને લાગેછે, માટે મને આપ આપના ચરણો ધોવાદો અને એ જળ જો મારા શરીરમાં જાય તો કદાચ મારો ઊધ્ધાર થાય.
ભગવાને વિચાર્યું કે આ કેવટ જિદ્દ નહીં છોડે, તેથી તેને પગ ધોવાની મંજૂરી ભગવાને આપી દીધી.

મારા સાંભળ્યા પ્રમાણે કેવટ આગલાં જન્મમાં કચ્છ કહેતાં કાચબો હતો. એક વખત ક્ષીર સાગરમાં ભગવાન વિશ્રામ કરતા હતા ત્યારે આ કાચબાને ભગવાનના ચરણ સ્પર્શ કરવાની ઇચ્છા થઈ, પણ ભગવાન ની નિદ્રામાં ખલેલ ન પડે માટે શેષનાગે તેને દૂર હડસેલી દીધો, ફરીવાર પ્રયત્ન કર્યો ત્યારે પણ સફળતા ન મળી, ત્રિજી વાર જ્યારે પ્રયત્ન કરવા ગયો ત્યારે શેષનાગે જોરથી ફેણ મારતાં આ કાચબાનું મૃત્યુ થયું, પણ એ વેળાએ તેની ઇચ્છા પ્રભુના ચરણ સ્પર્શ કરવાની રહી ગયેલી તેથી આ જન્મે તે કેવટ બનીને પ્રભુના પગ પખાળવા પહોંચી ગયો.

ગંગા પાર કરીને ભગવાને કેવટને ઉતરાઈ આપવા કહ્યું ત્યારે કેવટે વિનંતી કરી કે નાથ, ગંગા પાર કરવાનું મહેનતાણું લઈને મારે આપને મારા ઋણમાંથી મુક્ત થવા નથી દેવા, જેમ મેં આપને ગંગા પાર કરાવી તેમ જ્યારે હું ભવસાગર પાર કરવા આવું ત્યારે આપ મારી પાસે પણ કોઈ ઉતરાઈ ન લેજો, મારા કર્મના કે પાપોનો હિસાબ ન માંગતા, બસ પાર કરીને આપના ચરણોમાં લઈ લેજો.
આપણે પણ આપણી શક્તિ પ્રમાણે ભાવ સહિત પ્રભુને ભજતા રહીએ તો યથા યોગ્ય ફળ જરૂર મળે.
જય શ્રી રામ.  

ફોટો ગુગલના સહયોગથી.

No comments:

Post a Comment