સાખી- સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ પાત્ર વિનાનું પીરસો, ભલે છપ્પન ભોગ ધરાય છલકે પણ છાજે નહીં, ભુખ ભાવઠ ના જાય.. ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય સિંહણ કેરું દુધ તો, કંચન પાત્ર ભરાય.. સાજ તુરંગ ને શોભતો, લગડું ગર્દભ સોય કુંજર બેઠો કર ધરે, માંગણ ટેવ ન ખોય
સદ ગુરુ એજ કહાવે, ભાઇ, જે સત્યનો માર્ગ બતાવે.. નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે સંત સમું સૌ વર્તન રાખે, ઊર અભિમાન ન આવે...સદ ગુરુ.. અજ્ઞાની ને જ્ઞાન ની વાતો, સહજ કરી સમજાવે, રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે... મૂંઢ મતી ને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે... નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે ભેદી કોઈ ભ્રમ જાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે... "કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે...
Friday, August 15, 2014
મોરલી વાળા
આવો હવે મોરલી વાળા, સં ભવામી વચન વાળા ભૂમી ભારત ઉગારો, આવો ગિરિધારી આવો... રાવણ તેદિ’ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર. આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર વિભીષણ એક ન ભાળું, જામ્યું બધે પાપ નું જાળું.. પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષ્મણ ની વાત. આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઈ તાત ભીડૂં જે ભોમ ની ભાંગે, જાગે રણશિંગા વાગે... આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ. ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ લૂંટે છે ગરીબ ની મૂડી, રાખે નિતી કુડી કુડી... હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડિસ્કો દેતાં થાપ. નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ તમાકુ ની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે.. આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉત્પાત. નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત સીતાની શોધ શું થાતી, લાજુ જ્યાં રોજ લુટાતી.. લીલા પીળા લૂગડાં પહેરે, નહી પુરુષ પહેચાન. લટક મટક ચાલ ચાલે ને, નચાવે નેણ કમાન આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળું.. શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ. ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગે છે મેળ ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે.. ખુરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ. પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ ભારત ની ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે.. સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ. આજ મુનિજન એવા હશે ક્યાં, રિઝાવી લે મહારાજ ઊતારે રામ ને હેઠો, જોવે છે ત્યાં બેઠો બેઠો.. જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર. આજ ભૂમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર રહે શું માતમ તારું, લાગે તને કલંક કાળું.. સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત. વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘળે સંત ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો.. અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય. આગ લાગી અમ હૈયે હરજી, એક જ છે ઉપાય કાંતો અવતાર ધરાવો, નહિતો ના પ્રભુ કહાવો... દીન " કેદાર "ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ. પ્રલય પાળે જગ બેઠું છે, નહી ઊગરવા આશ પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે... સાર:-એક સમય હતો જ્યારે ભારત માટે કહેવાતું કે તેના એક એક જાડ ની દરેક ડાળ પર સોનાના પક્ષી બેઠા રહેતા, પણ એક એવો સમય પણ આવ્યો જ્યારે ભારત માં રહેનાર ભારતીય કહેવરાવવા નું પણ શરમ જનક માનવા લાગ્યા, કારણ કે અમુક લોકો એવા ભ્રષ્ટ પાક્યા કે પુરા ભારતની છબી બગાડી નાંખી. રાવણે સીતાજી નું હરણ કરેલું, પણ તેમને અશોક વટિકા માં રાખેલા, પોતાના મહેલ માં લઈ જવાની કોઈ કોસીશ પણ કરી ન હતી, વિભીષણ રાવણ નોજ ભાઈ હતો, પણ સદાય સાચીજ સલાહ આપતો. આજેતો એવા એવા દુષ્ટો પાક્યા છે કે તેની સરખામણી રાવણ સાથે કરીને રાવણ ને અપમાનિત ન કરી શકાય. જીજાબાઈ જેવી માતા હોય તેને પેટે શિવાજી મહારાજ જેવા પુત્રો જ પાકે ને? જેણે શિવાજી પેટમાં હતા ત્યારથીજ એવા હાલરડા ગાયા કે શિવાજીએ બચપણ થીજ પોતાનું ભવિષ્ય નું ઘડતર ઘડવાનું ચાલુ કરી દીધું, અને મા ના પેટમાં ગર્ભ હોય ત્યાર થીજ તેને સમજણ આપી શકાય છે, તે આજના વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે. જ્યારે આજના એવા ઘણા મા બાપ છે જે બાળકને આયાના ભરોંસે સોંપીને હોટેલો અને ક્લબોમાં ડાંસ કરવા જતા હોય, નાટક ચેટક જોતા હોય, અને તમાકુની ફાકીઓ ફાકતા હોય તો તેમની પાસેથી શિવાજી જેવા પુત્રો પાકવાની આશા કેમ રાખવી? આવા વાતાવરણ માં ઊછરેલું બાળક લંપટ ન પાકે તોજ નવાઈ લાગે, પછી ભારત માં ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને કાળા નાણા જેવા મહા અનર્થો જ સરજાય ને? જોકે અમુક સંતો મહાત્માઓ ના આશીર્વાદના પ્રતાપે ફરીથી સુવર્ણ યુગ આવવાની આશા રાખી શકાય ખરી. કેમકે રામ અને કૃષ્ણ જેવા અવતારો લેવા ભગવાને આ ભૂમિને પસંદ કરી છે, માટે આપણે બધા એવા કોઈ સંતન ની ભાળ મેળવીએ કે જે ઊપર બેઠાં બેઠાં આ તમાશો જોઈ રહેલા પ્રભુને પ્રાર્થના કરે કે હવે આ ભારતની દશા અમારા થી જોવાતી નથી, કાંતો હવે અવતાર ધારણ કરીને પધારો, મોડું કરશો તો આ નરાધમોનો પ્રભાવ એટલો વધી જશે કે આપને પણ તેનાપર વિજય મેળવવામાં મુશ્કેલી પડશે, અને પ્રભુ હવે તો આ ભારત આ શિંગડા વિનાના નર રાક્ષસોથી પ્રલયની અંતિમ ક્ષણો પર પહોંચી ગયું છે, કાંતો પછી કહીદો કે હવેથી મને ભગવાન ન કહેજો જેથી અમો આપના આગમન ની આશા ન રાખીએ, પણ જો પ્રલય થયો તો આપ હવે અવતાર ક્યાં ધરશો ?, અને અવતાર ધરશો તો આપના ગુણ ગાન ગાનારા ક્યાં ગોતવા જશો? માટે હે નાથ ફરીથી આ ભારતને એજ સુવર્ણ યુગ પ્રદાન કરો જેના માટે આપને જન્મ ધરવાની ઇચ્છા થતી રહેતી. જય જગદીશ્વર.