Monday, August 25, 2014

                    સદ ગુરુ  


સાખી-
       સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
       કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ

      પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
      છલકે પણ છાજે નહીં,   ભુખ ભાવઠ ના જાય..

      ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
      સિંહણ કેરું દુધ તો,     કંચન પાત્ર ભરાય..

      સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
      કુંજર બેઠો કર ધરે,    માંગણ ટેવ ન ખોય  

સદ ગુરુ એજ કહાવે, ભાઇ,  જે  સત્યનો માર્ગ બતાવે..

નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે
સંત સમું સૌ વર્તન રાખે, ઊર અભિમાન ન આવે...સદ ગુરુ..

અજ્ઞાની ને જ્ઞાન ની વાતો, સહજ કરી સમજાવે, 
રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે... 

મૂંઢ મતી ને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે
સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે...

નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે
ભેદી કોઈ ભ્રમ જાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે...

"કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે
જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે... 

No comments:

Post a Comment