Monday, October 9, 2023

કૃષ્ણ-સુદામા


                         કૃષ્ણ-સુદામા

તા.૨૬.૯.૨૩

ઢાળ:- અબ સોંપ દીયા ઈસ જીવન કા...જેવો (હીંચ માં)


બે બાળ સખા બહુ ટાણે મળ્યા, સુખ દુખ ની વાતો વિગતે કરે

વર્ષો ના વાણા વીતી ગયા,        સાંદીપની આશ્રમ યાદ કરે....

 

દેવી સુશીલા દ્રવિત ઘણી,   ફિકર કરે બહુ બાળ તણી

છે મિત્ર તમારા દ્વારિકાના ધણી, દામોદર દુખ ના કેમ હરે...


જો સમણામાં પણ શ્યામ મળે, ભવ ભવ ની ભાવટ પળમાં ટળે

પણ મિત્ર સુદામો ભુખ્યો ફરે,     સામળિયો શાને અન્યાય કરે...


તમે દ્વારિકા જઈ મુલાકાત કરો, અજાચી રહો ના માંગ કરો

મન મોહન નો વિશ્વાસ કરો,      શ્યામસુંદર સૌ નું સારું કરે....


એતો હેમ ના મહેલ માં રહેનારો, સુદર્શન ચક્ર નો ધરનારો

નંદીઘોષ જેવા રથ નો ચડનારો, મોરલી મધુરી અધર ધરે...

                 

પીતાંબર પહેરી ફરનારો,       મોર મુકુટ ધરી રમનારો

અક્ષૌહિણી સૈન્ય નો સરદારો, મુજ રંક પર નજરું ક્યારે કરે.....


સુશીલાના સંકટ સમજી કરી, મોહન ને મળવા હામ ધરી

દ્વારિકાને મારગ પગલી ભરી, ચપટી ચોખા લઈ કાંધે ધરે...


નારાયણ કદી ના નિરાસ કરે, દોસ્ત ને મળવા દોટ ભરે

બાથ માં જકડી વહાલ કરે, પટરાણીઓ અચરજ ઉરમાં ધરે...


સ્નાનાદિક પુષ્પ ની માળ ધરે, ભાલે ચંદન નું તિલક કરે

વિધ વિધ ભોજન ના થાળ ભરે, વિગતે બેસીને વાતો કરે...


વ્યવસાય માં હાલે શું ચાલી રહ્યું, નિર્વાહ કુટુંબ નું કેમ કર્યું

ચોરી ચપાટી શું હાથ ધર્યું !, દ્વારિકેશ એ દિવસો યાદ કરે... 


મિત્ર ની મનસા ધ્યાને ધરી, મૂઠી ભર તાંદુલ મુખમાં ભરી

ઝૂંપડીને ઠેકાણે મહેલ કરી, ભવે ભવ ની ભાવઠ દુર કરે... 


"કેદાર" કનૈયો કપટ કરે, પણ- ભક્તની અરજી ઉરમાં ધરે

વિઠ્ઠલ ના કદીએ વિલંબ કરે,  દામોદર દુખડાં સઘળા હરે...


ભાવાર્થ :-  દ્વારિકાનો નાથ બન્યા પછી અને સાંદીપની ઋષિનો આશ્રમ છોડ્યા પછી, શ્રી કૃષ્ણ અને બાળ સખા સુદામા વર્ષો બાદ પહેલી વખત મળ્યા ત્યારે જુની યાદો યાદ કરી કરીને વાતો કરે છે.

   સુદામાજી ગરીબ છે, તેમના પત્ની સુશીલાજી પોતાના બાળકોના પોષણ માટે ખૂબ દુખી રહે છે, તેથી સુદામાજીને વીનવે છે કે આપ કહો છો કે દ્વારિકાના નાથ આપના મિત્ર છે, તો આપ એકવાર એને મળવા તો પધારો ! એ આપણું દુખ જરૂર દૂર કરશે. કહેવાય છે કે ભગવાન સ્વપ્નમાં પણ મળે તો બેડો પાર થઈ જાય, આપ કહોછો કે કૃષ્ણ ભગવાન છે અને આપના મિત્ર છે, તો એ આપનું દુખ કેમ નહીં સમજે ? આપ દ્વારિકા પધારો અને કૃષ્ણને મળો, મને ખબર છે, આપ માંગતા નથી, તો હું આપને કંઈ માંગવાનું નથી કહેતી. એ બધું સમજી જશે, તમારે માંગવું નહીં પડે.

     સુદામાજી સમજાવે છે કે- એ દ્વારિકા જેવી સ્વર્ણ ની નગરી નો રાજા છે, જેની પાસે અક્ષૌહિણી સૈન્ય છે, સુદર્શન ચક્ર છે, નંદીઘોષ જેવો રથ છે, પીતાંબર વસ્ત્રો પહેરે છે, મોર પીંછ વાળો મુકુટ ધારણ કરે છે, એની પાસે મારા જેવા સામાન્ય બ્રાહ્મણ સામે જોવાનો પણ સમય ક્યાં થી હોય ? 

       સુશીલાજી ના દુખને સમજીને અને મિત્રને મળવાની આશાએ થોડા પૌવા ની ભેટ આપવા દ્વારિકા ના માર્ગ પર જેમ બાળક ચાલતા શીખતો હોય તેમ સંકોચ સાથે મળવા જવાની કે માંગવા જવાના સંકોચ સાથેની પહેલી પગલી ભરી. પણ આ તો નારાયણ, નામ સાંભળતાંજ દોટ દીધી, બાથ ભરીને એવા ભેટ્યા કે બધી રાણીઓ વિચારવા લાગી કે આ કેવો પરમ મિત્ર છે ? સ્નેહ થી સ્નાન કરાવ્યું, નવું પીતાંબર પહેરાવ્યું, ગળામાં પુષ્પ ની માળા પહેરાવી, કપાળમાં ચંદન નું તિલક કર્યું અને વિધ વિધ ભાત ના ભોજન જમાડ્યા પછી ખબર અંતર પૂછવા લાગ્યા. ટીખળ કરતાં ભગવાન પૂછે છે કે વ્યવસાય કેમ અને કેવો ચાલે છે ! આશ્રમ માં હતા ત્યારે તું આપણાં ભાગના ચણા ચોરીને એકલો ખાઈ ગયેલો, શું હજુ આવી ટેવ છે ખરી? તું આવો જ્ઞાની છો તો તારા પત્ની શાણાજ હશે, મારા માટે કોઈ ભેટ તો આપીજ હશે. આમ બધું જાણીને ભગવાને સુદામા લાવેલા તે પૌવા મુખમાં પધરાવ્યા અને સુદામાના બધા દુખ દૂર કર્યા. જ્યાં સુદામાજી ની ઝૂંપડી હતી ત્યાં મહેલ બનાવી દીધો, આ છે દ્વારિકા ના નાથ, બસ ભક્તિ કરો, કંઈ માંગો નહીં તો પણ ભંડાર ભરીદે, માટે નિષ્કામ રહીને ભજન કરો અને બધું એના પર છોડી દો. 

જય શ્રી કૃષ્ણ.

સ્નાનાદિક= નહાવું; ધોવું વગેરે. 


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા

"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com.   

ફોટો-ગુગલ ના સહયોગ થી


No comments:

Post a Comment