સાચી આરાધના
તા.૩૦.૭.૨૫.
ઢાળ- જો આનંદ સંત ફકીર કરે....જેવો..
જે ભજન કરે ભવ પાર કરે, ભક્તિ સરીખું કોઈ ધ્યાન નથી
જો ભાવ ધરી ભૂધરને ભજે, ભજન વિના કોઈ જ્ઞાન નથી...
રાત બધી ભલે રાગ કરે, રાઘવથી ના અનુરાગ કરે
દુખિયાના દુખ ના દિલમાં ધરે, દામોદર ના દરકાર કરે
પર પીડનું આંખમાં અશ્રુ ભરે, એ થી ઉત્તમ કોઈ ગાન નથી....
પોથી ભણીને પંડિત બને, ભલે પિંગળ શાસ્ત્રનો જ્ઞાતા બને
કોઈ તાલ કે વાદ્ય પ્રવીણ બને, દેશ વિદેશ વિખ્યાત બને
માધવની છબી ના મનમાં ધરે, પોપટિયા પંડિતોનું મૂલ્ય નથી...
ઠગ ભક્તથી ના ઠાકોર ઠરે, એ તો ભાવ ભૂખ્યો ના ઠાઠ કરે
કોઈ વિધ વિધ ભાતનો ભોગ ધરે, કોઈ પૌવા ધરીને પ્રણામ કરે
તુલસીદલ પ્રેમ કરી પીરસે, એ થી મોટું નૈવેદ્ય નથી...
નારાયણ નામનો જાપ કરે, નંદલાલ રટણમાં નાચ કરે
રાધા માધવ મન વાસ કરે, અવધેશને દિલથી યાદ કરે
ભક્તોના હ્રદયમાં ભાવ ભરે, "કેદાર" કનૈયો દૂર નથી....
ભાવાર્થ:- હે માનવ આ સંસારમાં ભજન-ભક્તિ કરવા સિવાય કોઈ સાચું સુખ નથી, જે ભાવ સાથે ભક્તિ કરે છે તે આ ભવસાગરમાં તરી જાય છે, માટે ભક્તિ કરો. હા, પણ ભક્તિ કે ભજન ફક્ત રાગડા તાણવાથી ભગવાન પ્રસન્ન થતો નથી, એના માટે દિલથી આરાધના કરવી પડે, પારકાની પીડા સમજવી પડે, ભણી-ગણીને કે કોઈ વાદ્યમાં પારંગત બનવાથી નિષ્ણાત બની શકાય, પણ ભક્ત બનાતું નથી, અને ભક્ત ન બનાય કે મનમાં ભક્તિ ન જાગે તો ઈશ્વર પ્રસન્ન થતો નથી,અને તો એવા ભજન કરવાનો કોઈ ફાયદો થતો નથી, માટે ભાવ સહિત ભજન કરો.
જય નારાયણ.
No comments:
Post a Comment