સોમવાર, 8 એપ્રિલ, 2013

ગૌરી નો લાલો

 ગરબો.                

                      ગૌરી નો લાલો

ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં,ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો,   ગણ નાયક ભગવાન... 

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો,  ગણ ઈશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારું,  તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન "કેદાર" જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...

શુક્રવાર, 22 માર્ચ, 2013

મનસુખરામ માસ્તર

મનસુખરામ માસ્તર  
                                           (એક સત્ય ઘટના)
    
[ રામ કથા માં પૂ.મોરારિબાપુ એ વર્ણવેલી એક સત્ય ઘટના, કદાચ કોઇએ સાંભળી ન હોય તો આજે અહિં મને યાદ છે તે રીતે સાભાર રજૂ કરું છું.]

થોડા વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે. વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું છાણી ગામ. આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને તેમના ધર્મપત્ની ઉજમબા રહે. ખૂબ જ પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવ ભર્યું કુટુંબ. સરળ અને સાદું એવું જીવન તથા ડાકોરના રણછોડરાય ના ચરણોમાં અપાર શ્રદ્ધા. દર પૂનમે વડોદરાથી ગ્રેઈન માં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમના દર્શન કરે.
વ્યવસાયે મનખુખરામ છાણી ની નાની એવી સરકારી સ્કૂલમાં માસ્તર. પોતાનું કાર્ય દિલથી કરે. છોકરાઓને સરસ રીતે ભણાવે, સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરે પૂરી નિષ્ઠાથી બજાવે. સત્કુલનો મોટા ભાગે બધો ભાર અને જવાબદારી તેમના માથે. એ સમયે સ્કુલ માં રજાઓ ના મળે અને નાની સ્કુલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં. છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ મનસુખરામ નું. શરૂઆતમાં મનસુખરામ ને આ બધું ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે દર પૂનમે ડાકોર પહોંચવું  કેવી રીતે ? રણછોડરાય ના દર્શન કર્યાં વગર હૈયું ઝાલ્યું ન રહે.

પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાન ને જેટલા ચાહે છે ભગવાન તેમના ભક્તો ને તેનાથી અનેક ગણો ચાહે છે. પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે વહેલા ટ્રેનમાં જઈને બપોરે ત્રણ-ચાર વાગ્યા સુધીમાં પાછા આવી જાય. સ્કુલ નો સમય બપોરે બાર વાગ્યાનો. વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વગેરે વર્ગનો મોનિટર સંભાળી ને. આમ મહીને એકાદ વાર પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઇતર પ્રવૃતિ ઓ માં નીકળી જાય.

મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિમાન. છોકરાઓને પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે એના બદલે બાકીના દિવસોમાં એ સમય વધારે ભણાવીને સરભર કરી દે. આમ તેમના કોઈ પણ કાર્યમાં કોઈ કચાશ નહિ.
સમય વીતતો ચાલ્યો. ગામ હોય ત્યાં ગંદકી પણ હોય એ ન્યાયે ગામના કેટલાક પંચાતીયા લોકોથી મનસુખલાલ ની કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ. તે તેમાં ખામીઓ શોધવા લાગ્યા. મનસુખલાલ શું કરે છે, છોકરાઓને શું ભણાવે છે તેના પર વૉચ ગોઠવી. એકથી બીજા કાને વાત ફેલાઈ. ઓટલા પરિષદો થઈ. મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કુલો ના અધિકારીઓને અરજી કરવી એવું બધાએ નક્કી કર્યું. કાગળ તૈયાર થયો, બધા એ સહીઓ કરી અને અધિકારી શ્રીને રવાના કર્યો. તાલુકા લેવલના અધિકારી શ્રી એ તપાસ માટે પોતે જાતે સ્કુલ ની વિઝિટ લેવાનું નક્કી કર્યું.

બપોરનો સમય. સ્કૂલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાનભંભેરણી કરનારાઓ ને સાથે લઈને શાળા એ પહોંચ્યા. અને માસ્તરને કહ્યું કે 'તમારી વિરુદ્ધ આ ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે.'
માસ્તર તો નમ્રતાની મૂર્તિ. એમણે કહ્યું, 'જરૂર સાહેબ, પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બેસો હું આપને બધી વિગતો અને હાજરીપત્રકો ના ચોપડાઓ આપું છું.'

અધિકારી શ્રી બોલ્યા : 'ઠીક છે. એમ રાખો.' આમ, કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠાં.

એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને 'મા સરસ્વતી વંદના અને વૈશ્નવ જન તો તેને રે કહીએ…' ગાયું છે, અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા. એ પછી વિદ્યાર્થીઓની શિસ્ત, તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈ ને રાજીના રેડ થઈ ગયા. એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો કરતા ગયા. અને આ બાજુ ફરિયાદ કરનારાઓનાં મોં વિલાઈ ગયા.

પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈ ને ફરિયાદીઓ વધારે ખિજાયા. અને મનસુખરામ ને બરાબર પાઠ ભણાવવાનું વિચાર્યું. તેમણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય ઑફિસરને અરજી કરી. અને બે-ચાર જણના મંતવ્ય સાથે નો મસ મોટો લાંબો કાગળ લખ્યો. અધિકારીશ્રી એ નીચલાં અધિકારીઓ એ બરાબર તપાસ નહીં કરી હોય એમ માનીને પોતાના ખાસ નિષ્ણાત ઑફિસરને મોકલ્યા. આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો. ચેકિંગમાં આવનાર બધા અધિકારીઓ મનસુખરામ ની કર્તવ્યનિષ્ઠા અને ભણાવવાની રીત જોઈ ને તેમની પર ખુશ ખુશ થઈ જતા. આ વખતે તેઓ પાંચ રૂપિયાનો પગાર વધારો કરતા ગયા. અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યાં. પણ કરવું શું ?
એવામાં આ વિઘ્નસંતોષીઓ ને ક્યાંક થી ખબર પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં હોતા નથી. બસ, એમને મનસુખરામ સામે વેર વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ. આ વખતે તેમણે બધું પાકે પાયે નક્કી કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો અને પૂનમના દિવસે જ ચેકિંગમાં આવવાનું જણાવ્યું. અધિકારીશ્રી એ પહેલા તો ના કહી કારણકે ચેકિંગના રિપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા. પરંતુ આ વિરોધી લોકો એ એમને ગમે તેમ કરીને મનાવી લીધા. છેવટે મુખ્ય શિક્ષણ અધિકારી આગ્રહવશ થઈને કહ્યું કે 'સારું. ચલો. ગામના લોકોની આટલી ઇચ્છા છે તો હું પૂનમના દિવસે ચોક્કસ આવીશ.'

પૂનમનો દિવસ આવ્યો. મનસુખરામ માસ્તર તો વહેલા પરવારીને સવારની ટ્રેઇનથી ડાકોર જવા રવાના થયા. તેમની પાછળ શું ષડ્યંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણ હતા. ગામના અમુક લોકો જાણતા હતા, પરંતુ નાત બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું નહીં. સત્કુલ નો સમય શરૂ થવાને કલાકેક ની વાર હતી ત્યાં શાળાનો એક વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના ધર્મપત્ની ઉજમબા ને કહેવા આવ્યો કે 'બા, આજે મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે.' ઉજમબા થી નિસાસો નંખાઈ ગયો. 'અરે ! આ ગામના લોકો. બિચારાં માસ્તરની આજે નોકરી જતી રહેશે. શું થશે ?' ધરમાં દેવમંદિર પાસે જઈને રણછોડરાય સામે સાલ્લો પસારીને ખોળો પાથર્યો અને આર્તસ્વરે અને દીનભાવે ડાકોરના નાથ ને પ્રાર્થના કરી.

બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે પેલા ફરિયાદી ગામવાળાઓ ની ઘરે પહોંચ્યા. ચા, પાણી અને નાસ્તો કર્યો. સત્કુલ નો સમય થયો જાણીને સ્કૂલ તરફ જવા માટે સહુ ભેગાં થઈને સાથે નીકળ્યા. અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રૂજ્યા. ભક્તવત્સલ ભગવાનથી રહેવાયું નહીં. એમણે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું. ખાદીના કપડાં….. પગમાં ચંપલ…… અને ખભે ખેસ…… અખિલ બ્રહ્માંડના નાયક, પરાત્પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્તરનું રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ પહેલા પહોંચી ગયા.

આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખૂલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે મૂર્તિમાં તેજ દેખાયું નહિ. મૂર્તિ ખૂબ જ નિર્જીવ અને પ્રાણવિહીન લાગી. તેમણે પૂજારીઓને પૂછયું, 'કેમ આજે શું થયું છે ? ભગવાન આટલાં ચિંતિત અને તેજ વિહીન કેમ દેખાય છે ?' પૂજારીઓ કહ્યું, 'ખબર નહીં. અમને પણ આજે પહેલી વાર જ આવો અનુભવ થાય છે. આટલાં વર્ષો અમે પ્રભુની સેવા કરી પરંતુ આટલાં તેજ વિહીન પ્રભુ ક્યારેય દેખાયા નથી.'

સ્કૂલનો સમય થયો. છોકરાઓને માસ્તર આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ કદાચ નહીં જવાનું હોય. એટલે એ તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા. એટલામાં અધિકારીઓ સ્કૂલમાં પ્રવેશ્યા. આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને અધિકારીઓને પ્રણામ કર્યા. પેલાં ચાડી ખાનારાંઓ મનસુખરામ ને ત્યાં હાજર જોઈ ને વધારે અકળાયા. 'નક્કી આ માસ્તરને કોઈ એ અધિકારીઓ આવવાનાં છે એમ કહી દીધું લાગે છે. પણ તોયે આજે એને છોડીશું નહિ.' ક્ષણભર તો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા. તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થવા લાગ્યા.
મનસુખરામે કહ્યું : 'મોટા સાહેબ, હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બિરાજો હું આપને બધી વિગતો જણાવું છું.'
અધિકારી કહે 'ભલે, માસ્તર. તમ તમારે પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ કરીશું.'
ગામના લોકો કહે 'ના સાહેબ, તમે પહેલા જ ચેકિંગ કરો. આ પ્રાર્થનાનું બહાનું કરીને આપનો કિંમતી સમય બગાડે છે.'
અધિકારી કહે 'તમે લોકો શાંતિ રાખો. ચેકિંગ કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ આપણાથી ના બગાડાય. માસ્તરને એમનું કામ કરવા દો.' ગામના લોકો ચૂપ થઈ ગયા.

આજે તો સાક્ષાત્ ભગવાને ભગવાનની પ્રાર્થના કરી પછી એમાં શું કચાશ હોય?  અડધો કલાક પ્રાર્થના અને બધો નિત્યક્રમ ચાલ્યો. વિરોધીઓનો વિરોધ હજી શમ્યો નહોતો. એમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી : 'આજે તો સાહેબ તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો. એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય.' ગામવાળાઓ એ બરાબર ઊલટી સીધી વાતો શિખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા. તેમણે પોતાના મનઘડંત સવાલો તૈયાર કરીને અધિકારી પાસે એક ઉટપટાંગ સવાલ પૂછાવડાવ્યો કે : 'બોલો બાળકો, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

પ્રાથમિક શાળામાં ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને સ્તબ્ધ બની ગયા. બધા બાળકો તો એક સાથે કેવી રીતે બોલે ? તેથી અધિકારીએ કહ્યું કે 'આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ.'
મનસુખરામે કહ્યું, 'જી સાહેબ, આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો.'
અધિકારી બીજી લાઈનમાં બેઠેલા બાળકને ઉદ્દેશીને કહ્યું કે,'બોલ તો બેટા, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર એ છોકરા પાસે ગયા. તેના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું, 'બેટા, મોટા સાહેબ પૂછે છે એનો યોગ્ય જવાબ આપ.' આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતાં બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત્ સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા. બાળકના મગજમાં જાણે જ્ઞાન નું ઝરણું ફૂટયું, એના મોંમાંથી વેદ મંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા બની ને જોતા જ રહી ગયા. બાળકે અધિકારીને કહ્યું, 'સાહેબ તમે સવાલ કરવામાં ભૂલ્યા છો. ભગવાન રામે તો રાવણને માર્યો. અને કંસનો સંહાર તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યો.'

અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં. ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહિ અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામથી અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામ ના પગારમાં પચીસ રૂપિયાનો પગાર વધારો કર્યો. ગામના લોકો છોભીલાં પડી ગયા.

હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારીશ્રી ને સ્ટવને મૂકવા ગયા. અને એજ સમયે એ જે ગ્રેઈન માં જવાના હતા એજ ટ્રેઈનમાં થી મનસુખલાલ માસ્તર ડાકોરથી પરત આવી વડોદરા સ્ટેશને નીચે ઊતર્યા. મનસુખલાલ માસ્તર તો જોઈ ને જ ઓળખી ગયા કે આજે તો મારી નોકરી ગઈ. ત્યાં ને ત્યાં અધિકારીઓના પગે પડ્યા. 'સાહેબ મને માફ કરી દો. મેં આ બધું જાણી જોઈ ને નથી કર્યું. હું વિદ્યાર્થીઓને બાકીના સમયે વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપુ છું. સાહેબ, મને માફ કરી દો.' અધિકારીઓ જોતા જ રહી ગયા અને બોલ્યા : 'અરે માસ્તર, તમે શું આજે મજાક કરો છો.'
માસ્તર : 'અરે સાહેબ, મજાક નથી કરતો હું સાચું કહું છું. મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણવાનું બગાડ્યું નથી. આપ મારા વિદ્યાર્થીઓને પૂછી જુઓ.'
અધિકારી : 'અરે પણ માસ્તર, હમણાં અડધા કલાક પહેલા તો તમે સ્કૂલમાં હતાં અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા ? તમે કયા રસ્તે આવ્યા ? અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી કેવી રીતે નીકળ્યા ?'
માસ્તર : 'હું શાળામાં હતો ? ના સાહેબ. હું તો ડાકોર ગયો હતો.'
અધિકારી : 'શું વાત કરો છો ? તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું ? અમારી સાથે વાતો કરતું હતું ? તમે અમારી સાથે ત્રણ કલાક તો શાળામાં ગાળ્યા.'
માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને એ માત્ર એટલું જ બોલી શક્યા કે 'એ હું નહોતો'. હવે એમને સમજાયું કે આજે રણછોડરાય ની મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું.

એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પડ્યા. બધાએ એમની માફી માગી. એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમને થયું કે જેનાથી મારા હરિને દોડવું પડે એવી નોકરી મારે શું કામની? તેમણે પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિ અને ભગવદ્ સ્મરણમાં વિતાવ્યું.

આજે પણ તમે વડોદરા પાસેના છાણી ગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું છે. કોઈએ લખ્યું છે ને? શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે….. ?

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધામ.૯૪૨૬૧૪૦૩૬૫

મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

દાન.

હમણાં સોમનાથ મહાદેવ ને કોઈ દાનવીરે સોના ના થાળા ની ભેટ ચડાવી, એવા મહાન દાની લોકો ની સેવા બિરદાવવા માટે મારી પાસે કોઈજ શબ્દો નથી, હજારો વર્ષો થી સોમનાથ દાદાને આવી ભેટો મળતી રહે છે, અને તેથીજ વિકૃત માનસ ધરાવતા લોકોએ અનેક વખત સોમનાથ પર ચડાઈ કરી ને તેને લૂંટવા નો પ્રયાસ કર્યો છે. અનેક નામી અ નામી દાતાઓ એ અનેક રીતે દાન કરીને પોતાનો ઈતીહાસ બનાવ્યો છે. મહા દાની કરણ, કે જેની પાસેથી કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ન ફરતો. ઘણા દાનીઓ એ જ્યારે યાત્રાળુઓને રહેવાની સગવડ ન હોય તેવી અગોચર દુર્ગમ પહાડી અથવા એવી જગ્યા કે જ્યાં ખાલી હાથે જવું પણ અઘરું લાગતું હોય, ત્યાં સિમેન્ટ પથ્થરો અને લાકડા પહોંચાડી ને અદ્યતન ધર્મશાળાઓ બનાવી, તો કોઈ મહાનુભાવે અન્નક્ષેત્રો ચાલુ કરાવ્યા. કોઈ કોઈ સંપ્રદાય મહાલયો બનાવવામાં આગળ રહ્યા તો કોઈ વળી દેવાલયો બનાવવામાં અરબો ખરબો ના દાન લઈને એક થી એક ચડીયાતા મંદિરો બનાવવામાં લાગી ગયા. અવા તો અનેક દાતાઓ આપણા ભારત વર્ષમાં થઈ ગયા જેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરે માનસ હ્રદય માં કોતરાવી દીધું. હાલના વિજ્ઞાનના સમય માં લોકો અંગોનું દાન કરી ને ચિકિત્સા પધ્ધતિ માં સહાય રૂપ બનવા લાગ્યા છે.
ક્યારેક મન એમ પણ વિચારવા મજબૂર બની જાય છે કે શિરડી વાળા સાંઈબાબા કે જેમણે આખી જીંદગી એક ધોતી અને ઝભ્ભો પહેરી ને કોઈ સામાન્ય ભેટ પણ ન સ્વીકારી ત્યારે આજે બાબા ને સોના ના સિંહાસન અને અન્ય મૂલ્યવંત આભુષણો ધરવામાં આવે છે, તે બાબાને ગમતા હશે કે ભક્તો સામે મજબૂર બની ને સ્વીકારવા પડતા હશે?
 
આપણા શાસ્ત્રમાં સૌથી જો કોઈ મહા દાન માનવામાં આવતું હોય તો તે છે અન્ન દાન, અને તે પણ જો કોઈ પણ જાતની સેવા સ્વીકાર્યા વિના કરવામાં આવતું હોય તો તે દરેક દાન થી અનેકો અનેક ગણું મહાન ગણાય. આજના યુગમાં જો ઊડીને આંખે વળગે એવું આ પ્રકારનું કોઈ સ્થાન ભારત વર્ષમાં મારા ધ્યાન માં હોય તો તે છે સૌરાષ્ટ્રમાં આવેલું વીરપુર નું જલારામ મંદિર, કે જ્યાં એક પણ પાઈ નું દાન કોઈ પણ રૂપમાં સ્વીકારવામાં આવતું નથી. છતાં કોઈ જાતનો પ્રચાર કરવામાં આવતો નથી.

મારા પોતાના મત પ્રમાણે મોટા મોટા મહાલયો કે મોટા મોટા મંદિરો માં જ્યારે દર્શનાર્થિ જાય છે ત્યારે શાંતિ કે ભક્તિ મેળવવા ના બદલે ભવ્યતા અને વૈભવમાં એવો તો લીન થઈ જાય છે કે તે ઘડી ભર ભગવાન ને પણ ભૂલી જાય છે, અને તેથી આવા મહા મંદિરો નો આશય (ભક્તિ) વિસરાય જાય છે. એના બદલે એટલી રકમ માંથી અમુક રકમ ની કોઈ હોસ્પિટલ બનાવી અને બાકી રકમ  કોઈ બેંકમાં જમા કરી ને તેના વ્યાજ માંથી ઘણી જગ્યાએ ચાલતી સેવાઓ અનેકો અનેક ગણી વધારે આશીર્વાદ રૂપ બને છે. અને એમાં સારવાર પામી ને નવ જીવન મેળવેલો માનવી કોઈ ભવ્ય મંદિરમાં જઈ ને મેળવેલી શાંતિ થી અનેકો અનેક ગણી પરમ શાંતિ જીવન ભર પામે છે.   

મને એક પ્રસંગ આ સમયે યાદ આવે છે.
ભૂકંપ વખતે ચોરી ચપાટીના બનાવો જ્યારે ખુબજ વધી ગયેલા ત્યારે પોલીસ ખુબજ સખત થઈ ગયેલી, એ વખતે અમારી સોસાયટી માં ચપ્પુ છરી સજાવનાર એક યુવાન આવ્યો અને મારે ત્યાં તેને લાયક કોઈ કામ હોય તો આપવા કહ્યું. મારે ત્યાંથી ત્રણ છરીઓ સજાવવા મળી, જ્યારે મેં મજૂરી પૂછી તો કહેવા લાગ્યો કે સાહેબ, અમદાવાદ માં અમોને ચોરી કરતાં હોવાનો શક કરી ને લોકો તેમજ પોલીસ હેરાન કરે છે, તેથી કંટાળીને વગર ટીકીટે અહિં કંઈક કામ મળશે એ આશાએ આવ્યો છું પણ સ્ટેશન પર ઉતરતા ની સાથે જ અમોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેથી કાલ બપોરથી કંઈ ખાધું નથી, જો થોડું ખાવાનું આપશો તો ઘણો ઉપકાર થશે.
મેં તેને બેસાડીને ભર પેટ જમાડ્યો, ઉપરથી મજૂરીના પૈસા પણ આપ્યા, પણ મેં તેના ચહેરા પર જે સંતોષ ના ભાવ જોયા તે આજે પણ હું ભૂલી શક્યો નથી.
સત્ય સાંઈ બાબા માટે અનેકો અનેક સાચી ખોટી વાતો થતી, પણ તેમણે જે વિદ્યાલયો અને ચિકિત્સાલય બનાવી, અને તેમાં પણ ગરીબો ને મફત ઇલાજ અને વિદ્યા દાન આપવામાં આવે છે તેનું જે મહત્વ મને સમજાય છે તે ભગવાન ને ૫૬ ભોગ ધરવાથી અનેક ગણું વધારે લાગે છે. ભગવાન તો ભાવના નો ભુખ્યો છે, માનવ ને ભુખ્યો રાખી ને ભગવાન ને ભોગ લગાવો તો હું નથી માનતો કે ભગવાન એ ભોગ જમે. અરે મને તો લાગે છે કે આવા ભોગથી તે પ્રસન્ન થવાના બદલે ક્રોધાયમાન થતો હશે અને કહેતો હશે કે હે નાદાન, તું શું સમજે છે? મારું એક પણ સર્જન ભૂખ્યું હોય ત્યારે હું ભોગ આરોગું?   

આજના ઘણા લેભાગુ બાબાઓ મોટા મોટા વચનો આપીને દાન ના રૂપ માં કહેવાતા ભક્તો (હાજી કહેવાતા ભક્તો, સાચો ભક્ત કદી આવા ઢોંગી બાબાઓ ના શરણે ન જાય, હરિ ને છોડીને હરામી પાસે માંગે નહીં) ને લૂંટે છે, તેમની પાંસેથી કંઈ પણ મળવાની અપેક્ષા રાખવી નિરર્થક છે, કારણ કે જે ખુદ માંગીને કે ઠગી ને ખાય છે તે તમને શું આપશે?

મિત્રો મારી બુદ્ધિ પ્રમાણે મને જે લાગે છે તે લખું છું, માટે મારા મત સાથે સહમત થવાની જરૂર નથી, પણ કોઈ પણ કર્મ કે દાન સમજી વિચારી ને કરાય અને યોગ્ય રીતે કરાય તો જ તેનું શુભ ફળ મળે છે, નહીં તો તેમાં નુકસાન થવાની સો એ સો ટકા સંભાવના છે. એવા ઘણાએ દાખલા આપણા શાસ્ત્રોમાં મોજૂદ છે કે કોઇએ ગેર માર્ગે દોરાઈ ને કે યોગ્ય પાત્રની જાણકારી વિના દાન કરીને પુણ્ય ને બદલે પાપ કમાયું હોય.

આશા કરૂં ઇશ્વર સૌને સદ બુધ્ધિ આપે, (મને પણ.)
જય નારાયણ.

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.
kedarsinhjim@gmail.com
૯૪૨૬૧૪૦૩૬૫

મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

Fwd: પ્રસંગ



---------- Forwarded message ----------
From: kedarsinh Jadeja <kedarsinhjim@gmail.com>
Date: 2012/12/24
Subject: પ્રસંગ
To: vikramsinh jadeja <omroadwayswkr@gmail.com>


થોડા સમય પહેલાં મેં પ. પુ. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ સાથે થયેલી મારી મુલાકાત નો પ્રસંગ અહિં લખેલો, આજે પ. પુ. બ્રહ્મલીન નારાયણ નંદ 
સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા આજે પણ છે, તેમની સાથે નો એક પ્રસંગ લખવા પ્રેરાયો છું.

અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા જમે તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.
બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજા વીત્યો, બીજા દિવસે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ જુઠ્ઠો ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.
પછી તો મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હારમોનીયમ બાપુના હાથે વાગતું જોયું હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકોર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય.
આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
જય નારાયણ.   

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.૧૨.૧૨.૧૨
૯૪૨૬૧૪૦૩૬૫


Fwd: પ્રસંગ



---------- Forwarded message ----------
From: kedarsinh Jadeja <kedarsinhjim@gmail.com>
Date: 2012/12/24
Subject: પ્રસંગ
To: osman.h.mir@gmail.com, birju_singer@yahoo.com, દાદીમા ની પોટલી' -'દાસ <dadimanipotli@gmail.com>
Cc: giribapu25@gmail.com, info@manavparivar.org, vatsalaveeren@yahoo.com, Niranjan Rajyaguru <satnirvanfoundation@gmail.com>


થોડા સમય પહેલાં મેં પ. પુ. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ સાથે થયેલી મારી મુલાકાત નો પ્રસંગ અહિં લખેલો, આજે પ. પુ. બ્રહ્મલીન નારાયણ નંદ 
સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા આજે પણ છે, તેમની સાથે નો એક પ્રસંગ લખવા પ્રેરાયો છું.

અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા જમે તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.
બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજા વીત્યો, બીજા દિવસે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ જુઠ્ઠો ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.
પછી તો મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હારમોનીયમ બાપુના હાથે વાગતું જોયું હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકોર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય.
આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
જય નારાયણ.   

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.૧૨.૧૨.૧૨
૯૪૨૬૧૪૦૩૬૫


શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012

અણમોલ ઘડી

જીવન માં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે આપણે અથાક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી, પણ ક્યારેક ઈશ્વર મહેરબાની કરે તો આકસ્મિક રીતે મળી જાય છે. આવોજ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલો, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની કોઈ વાત કે કોઈ એવી બાબત ની ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
આજે સાલ તો ચોક્કસ લખી નથી શકતો પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત છે, કરજણ જંકશન પાસે મિયાં માતર ગામના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ,  દાંડિયા  બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પુછી ને તેમનું મકાન ગોતી લેજે."
 ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, નામ પુછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પુર્વાભીમૂખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો, સામે જાડી મોટી ગાદી પર ઢળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ કદાચ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો, યાદ નથી પણ કદાચ માખણ ચોર લાલા નાજ હશે, એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવે મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ મીનીટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લવ."
 થોડાજ સમયમાં એ ભુદેવ સાદા ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં બિરાજી ગયા.
પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બસ અનાયાસ બે હાથ જોડીને મેં એ નમ્ર ભુદેવ ને વંદન કર્યા.
આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા બ્રહ્મલીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે-ડોંગરેજી મહારાજ ના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી હું માણી રહ્યો છું.
જય શ્રી કૃષ્ણ. 

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

અભિમાન.

અભિમાન.
ઈશ્વર કોઈ નું અભિમાન ટકવા દેતો નથી, પછી ભલેને તે ભગવાન નો મોટો ભક્ત કેમ ન હોય, જે જે ભગવાન ની વધારે નજદીક હોય તેની પરીક્ષા વહેલી થાય અને વધારે થાય, કારણ કે પ્રભુ ક્યારેય પણ પોતાના ભક્ત ને ગેર રસ્તે જતો જોઈ ન શકે, અને તેથી જેવો તે માર્ગ ચૂકે કે તુર્ત જ તેને સબક મળી જાય, પણ પોતાના ભક્તોનું જતન કરતાં કરતાં પ્રભુ જ્યારે બીજા લોકો પર નજર કરે ત્યાં સુધીમાં તેવા લોકો ના દુર્ગુણો વધી ગયા હોય તેથી તેને આકરી સજા ભોગવવી પડે, ભલે પછી વિલંબ થી ભોગવવી પડતી હોય, ક્યારેક આપણ ને એવું લાગે કે ભક્ત જન હોવા છતાં તેને કષ્ટ કેમ ભોગવવું પડતું હશે, જ્યારે દુરિજન મોજ માણતા દેખાય છે, પણ આ એક છેતરામણી પ્રક્રિયા હોય છે, એમાં પણ પ્રભુ અભિમાન ને તો તુર્ત જ નાથવા માટે તત્પર હોય છે.

એક સાંભળેલી વાત અહીં રજૂ કરૂં છું. નારદજી ને એક વખત થોડું મનમાં લાગ્યું કે મારા જેવો ભક્ત કદાચ આ અવનીમાં બીજો હોય એ શક્ય નથી, કરણ કે રાત દિવસ બસ મારા મુખમાં એકજ નામ નિરંતર ચાલ્યા કરેછે, નારાયણ નારાયણ, આટલું રટણ બીજું કોણ કરતું હોય? અને તે પણ કોઈ જાતની અપેક્ષા રાખ્યા વિના, આવું તો બસ હુંજ રટણ કરી શકું, બાકી કદાચ કોઈ રટતું પણ હોય તો તેમાં જરૂર કંઈક અપેક્ષા રહેલીજ હોય.

બસ નારદજી ને આ વિચાર આવતા ની સાથેજ ભગવાને તુર્ત જ ઇલાજ ચાલુ કરી દીધો, કેમ કે ભક્ત ની બિમારી વધે તે ભગવાન ને કેમ સહન થાય?
 
થોડા સમય માંજ ભગવાને પ્રેરણા કરી તેથી નારદજી ને વૈકુંઠ માં જવાની ઇચ્છા થઈ, ભગવાને નારદજી ને કહ્યું કે નારદજી મને બધા કહેછે કે પ્રુથ્વિ11 પર એક ગામ માં એક ખેડૂત મારી ખૂબ ભક્તિ કરે છે, પણ મને તો સમય મળતો નથી, તેથી મને થયું આપને આ કાર્ય સોંપુ તો સાચો ખ્યાલ આવે.

નારદજી તો બ્રાહ્મણ નું રૂપ ધરીને ઉપાડ્યા ભગવાને બતાવેલા ગામમાં, અને એજ ખેડૂતને ત્યાં તેમના ગોર બની ને રોકાયા, ખેડૂત તો ખુશ થઈ ગયો કે આજ પહેલી વાર કોઈ બ્રહ્મ દેવતા મારે ત્યાં પધાર્યા, પત્નીને ગોર મહારાજ ની સેવા કરવાનું કહી પોતાના કાર્યમાં લાગી ગયો.
નારદજી તો પરીક્ષા કરવા પધારેલા, તેમણે અનુભવ્યું કે આ ખેડૂત સવારે વહેલો ઊઠે કે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સવારે ગામના ચોરામાં આરતી થાયા એટલે બોલે કે "હે ભગવાન સૌ નું સારું કરજો" નાહી ધોઈને ખેતરે જવા નીકળે એટલે પાછો બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" બપોરે તેની પત્ની ભાત લઈને ખેતરે જાય, ત્યાં હાથ મોં ધોઈને જમવા બેસે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સાંજે ઘેર આવે અને બળદો ને છોડે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સંધ્યા કાળે ચોરાની આરતી થાય એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" રાત્રે જમીને જ્યારે સુવા જાય ત્યારે પણ બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" અને ફરી સવારે એજ
"હે ભગવાન સૌ નું સારું કરજો"
નારદજી તો સારા એવા દિવસો ત્યાં રોકાયા પણ આ ખેડૂતના નારાયણ માં કોઈ વધારો ઘટાડો થયો નહીં. આખરે નારદજી એ ખેડૂતને આશીર્વાદ આપીને ભગવાન ને ખબર આપવા નીકળી પડ્યા.
ભગવાન પાસે આવીને કહેવા લાગ્યા "પ્રભુ ખબર નથી આપને આવા ખોટા સમાચાર કોણ આપે છે, એ ખેડૂત આખા દિવસમાં ફક્ત આઠ વખત આપનું નામ લે છે, ન કદી કમ ન કદી વધારે, એને આપનો મહા ભક્ત ખબર નહી કોણે બનાવી દીધો."
ભગવાને નારદજી ને પોતાનું કાર્ય સફળતા પૂર્વક કરવા બદલ ધન્યવાદ કહી ને વિદાય કર્યા.  
આ વાતને ઘણો સમય થઈ ગયા બાદ એક વાર ભગવાને નારદજી ને એક અન્ય કાર્ય માટે વૈકુંઠમાં બોલાવ્યા, નારદજી વિચારવા લાગ્યા કે હમણાં થી ભગવાન ને મારી બહુ જરૂર પડે છે, અને કેમ ન પડે મારા જેવો ભક્ત બીજો ક્યાં મળે.? 
 નારાયણ નારાયણ કરતાં નારદજી ભગવાન સમક્ષ નમન કરીને ઊભા રહ્યા કે તુર્ત જ ભગવાને કહ્યું "અરે નારદજી આપ ખરા સમયે પધાર્યા, લક્ષ્મણજી111 કેટલા સમય થી એક યજ્ઞ કરવા વિચારી રહ્યા છે, પણ એ યજ્ઞ માં નિયમ મુજબ એક પાત્ર માં છલો છલ ભરેલું દુધ એક પણ બિંદુ છલકાયા વિના જો કોઈ પ્રુથ્વિ111 ની પ્રદક્ષિણા કરાવી ને લાવે તો જ એ દુધ આ યજ્ઞમાં કામ લાગે, પણ મને બીજા કોઈ આ કાર્ય કરી શકે એમ લાગતું નથી, જો આપ મારું આટલું કાર્ય કરી આપો તો લક્ષ્મણજી111 ને હુ ખુશ કરી શકું.
નારદજી ના મનમાં અભિમાન રૂપે રોગ લાગુ તો પડેલોજ હતો, પણ ભગવાન ની વાત સાંભળ111 ને આ રોગ વ્યાપક બનવા લાગ્યો, નારદજી તો છાતી ફુલાવી ને કહેવા લાગ્યા,"અરે ભગવંત આપ આજ્ઞા કરો આપના હરેક કાર્ય કરવા માટે આપનો આ ભક્ત હર હંમેશ તત્પર હોયછે."
ફરીથી ભગવાને નારદજી ને શર્ત યાદ કરાવી કે "નારદજી જો જો હોં એક પણ બિંદુ જમીન પર પડે નહીં."
ફરી નારદજી બોલ્યા "અરે ભગવાન આપ ચિંતા ન કરો, આપ માતાજી ને કહો યજ્ઞની તૈયારી કરે, હું સમય સર આવી પહોંચીશ." અને ખરે ખર નારદજી એક પણ બિંદુ દુધ નીચે પાડ્યા વિના સમય સર પહોંચી ગયા. ભગવાન ખૂબ ખુશ થઈને નારદજી ને મીઠા મીઠા વચનો થી જાણે વધારે ફુલાવવા લાગ્યા. ત્યાર બાદ ધીરેથી વાત છેડી કે નારદજી ખરેખર એક પણ બિંદુ દુધ તમારી જાણ બહાર છલકાયું તો નથી ને? નહીં તો યજ્ઞ સફળ થશે નહીં, અને લક્ષ્મણજી111 નારાજ થઈ જશે, ત્યારે નારદજીએ ખાતરી કરાવી કે ભગવાન મારી નજર બરાબર પાત્ર પર હતી એક પણ બિંદુ પડ્યું નથી. 
નારદજી એ આટલી ચોકસાઈ બતાવી ત્યારે ભગવાને ધીરેથી પૂછ્યું કે તો નારદજી આપે આ પ્રદક્ષિણા ફરતી વેળાએ મારું નામ કેટલી વખત લીધું?
ચતુર નારદજી સમજી ગયા અને ભગવાન ના ચરણોમાં પડી ગયા, ભગવાન કહે નારદજી તમારે ફક્ત એક કટોરા પર નજર રાખવાની હતી, છતાં તમે મારા નામ નો જાપ ભૂલી ગયા, જ્યારે પેલા ખેડૂત ને તો પોતાનો સંસાર ચલાવવાનો હતો, છતાં તે ક્યારેય પણ પોતાના નિયમ નો ભંગ થવા દેતો ન હતો, તો હવે આપજ બોલો મારે મારો મોટો ભક્ત કોને કહેવો? આપને કે પેલા ખેડૂત ને?
નારદજી ક્ષોભ વશ ભગવાન ના ચરણો પકડી ને બોલ્યા કે પ્રભુ માફ કરો હવેથી ક્યારેય પણ મારા હ્રદયમાં અભિમાન ને પ્રવેશ કરવા નહીં દવ.
જય નારાયણ. 
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫