શુક્રવાર, 2 મે, 2014

                  કુદરત નો ખેલ


કુદરત નો ખેલ ન્યારો, એનો જોટો ન કંઈ જડે છે
હાથી ને દેતો હારો,    કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી વગડે,   હંફાવી દે હરણ ને
તરસ્યા ને પણ કદી’ક તો,  વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,   પત્ની મળે જીવન માં
પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી
પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને
નહિતર આ " કેદાર " માં,  એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

સાર:-ઈશ્વરની લીલાને જાણવી લગ ભગ અશક્યજ છે, કારણ કે મોટા મોટા સંતો કે મહંતો સમજી નથી શક્યા તો આપણીતો શી વિસાત? હાથીને દરરોજ મણ મોઢે ખોરાકની જરૂર પડેછે, પણ સ્વતંત્ર રીતે ફરતા હાથીના ટોળે ટોળાને ભૂખમરો વેઠવો પડ્યો હોય એવું ભાગ્યેજ સાંભળ્યું હશે, હા, ઝૂ કે સરકસમાં જરૂર બનતું હશે કારણ કે ત્યાં માનવીએ ચંચુપાત કરી છે, પણ માનવીના એવા હજારો દાખલા જોવા મળેછે કે તે પોષણ ના અભાવના લીધે મૃત્યુ પામ્યા હોય.

જાનવરોની દુનિયામાં હરણને ભોળું ગણવામાં આવેછે, અને તેથી પ્રખર તાપ તપતો હોય ત્યારે તેને તરસ લાગે અને ચારે બાજુ ક્યાંયે પાણી ન હોય ત્યારે મૃગને જળ દેખાયછે જેને મૃગજળ કહેવાયછે, જેની પાછળ દોડી દોડીને મૃગ પ્રાણ આપીદેછે. પણ બિજા જાનવરો આ જળથી છેતરાતા નથી. પણ ક્યારેક ક્યારેક કોઈ માનવ રણમાં ભૂલો પડ્યો હોય, માનવ હોય કે જાનવર તેને કોઈ વીરડો કે મારા કચ્છના મેકરણ દાદા જેવા સંત મળી જાયછે, છેને લાલા ની લીલા?

કોઈ પણ સમય આવ્યે લગ્ન કરે એટલે તેને પત્ની તો જરૂર મળેજ છે, હા અમુક બહારના દેશોમાં આમાં અપવાદ છે, તેમને જીવન સાથી તો મળેજ છે પણ તે પત્નિજ હોય તેવું નક્કી હોતું નથી, એવું મેં વાંચ્યું છે, પણ એક બીજો પણ અપવાદ છે, ઘણા ભાગ્યશાળી ને પત્ની ના રૂપમાં અર્ધાંગિની મળેછે, પત્ની અને અર્ધાંગિની માં મોટો ફરક છે, સારી પત્ની સારી સાથી બની શકેછે, પણ અર્ધાંગિની તો આખા કુટુંબનો ઉદ્ધાર કરી શકેછે.

ઈશ્વરની લીલા અકળ છે, કોઇ કોઇને અઢળક ધન સંપતી આપેછે, પણ ક્યારેક કોઇને સાથો સાથ એવી બિમારી પણ આપીદેછે કે એ સંપતી પોતે ભોગવી શકતો નથી. હું ઘણીવાર એક દૃષ્ટાંત આપું છું કે જ્યારે ઈશ્વર જીવને માનવ જન્મ આપવા જતો હોય છે ત્યારે બધા લાઈન લગાડી ને પોતાના પૂર્વ કર્મોના આધારે જન્મ લેવા માટે રાસન લેવા ઉભા હોય તેમ ઉભા હોયછે, ત્યારે કોઇને યોગ્યતા ન હોવા છતાં પ્રભુથી અઢળક ધન માટે તથાસ્તુ બોલી જવાયછે, હવે વચનતો અફળ જાય નહીં, પછી એક તોળ કાઢે કે જા ધન તો મળશે પણ દવામાં વપરાશે તું ભોગવી નહીં શકે. પણ ક્યારેક એવા માનવી પણ જોવા મળેછે કે અર્ધા રોટલા માંથી માં બાપ અને બાળક જમી લેતા હોય અને પાછા ઈશ્વરનો પાળ માનતા હોય કે નાથ આજ તેં અમને ભૂખ્યા ન રાખ્યા.

ઈશ્વરની મહેર પામવા માટે કેટ કેટલી તપસ્યા કરવી પડેછે, પણ હું ખરેખર ખૂબજ ભાગ્યશાળી છું કે મને મારી હેસિયત કરતાં અનેક ગણું મારા નાથે મને આપ્યું છે.
જય રણછોડ.    
   ફોટો ગુગલના સહયોગથી.

બુધવાર, 30 એપ્રિલ, 2014

                     કોણ પરખે ?


કોઈ પરખી શકે પરમેશ્વર ને, એ તો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શીશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્તંભ ફાડી ને
એ તો પાપ વધ્યંતું પૃથ્વી ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

શબરી સુગ્રિવ ને કેવટ ની, આરધ અવધેશે ઉરમાં ધરી
પ્રભુ ચૌદ વરસ વનમાં વિચર્યા, આમાં કૈકેયી નું કૌભાંડ નથી...

આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,   મોહન માયા થી દૂર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝેર મીરા ના પી જાણ્યા, " કેદાર " શું તારો દાસ નથી ?...

સાર:- ઈશ્વરની લીલાને પામવી અતિ કઠિન છે, જે ભલ ભલા ભક્તો પણ પામી શકતા નથી તો સામાન્ય માનવીની તો કોઈ હેસિયતજ નથી, પણ કોઇ ભક્ત જો ભાવ સહિત ભક્તિ કરે તો તેને સમજવો જરાય અઘરો નથી.
૧-રાવણ, આજકાલ મારા મસ્તક પર "દેવાધિદેવ મહાદેવ" છવાયેલા રહેછે કારણ કે એ નામની ધારાવાહિક ખૂબ સારી રીતે ચાલી રહીછે, રાવણે એ હદે શિવની તપસ્યા કરી કે એક વખત તો તેણે શિવજીને પોતાના દશ મસ્તક એક પછી એક ભગવાન પર ચડાવી દીધાં અને તેથીજ તે દશાનન કહેવાયો અને શિવજીનો મહાન ભક્ત બની ગયો. પણ તેણે અભિમાનમાં આવીને ભગવાનના ભક્ત વિભીષણ કે જે પોતાનો નાનો ભાઈ હતો તેને લાત મારી દીધી, {જે અહિં મારો કહેવાનો મતલબ છે તે} તેથી રામે રાવણ શિવજીનો પરમ ભક્ત હોવા છતાં તેનો વધ કર્યો. બાકી સીતાજીને છોડાવવા માટે એકલા હનુમાનજી જ પૂરતા હતા.
૨-ભગવાન હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કરીને સ્તંભ માંથી પ્રગટ થયા, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ નો ભાર વઘી જાય ત્યારે ભગવાન કોઇ ને કોઇ રૂપે પાપનો નાસ કરવા પ્રગટ થતા હોય છે, આ બધા કારણો માટેજ ભગવાન નરસિંહ રૂપ ધરીને પધાર્યા ફક્ત પ્રહલાદપરજ ઉપકાર કર્યો એવું નથી.
૩-ભગવાન રામની રાજ્યાભિષેકની તૈયારી થવા લાગી ત્યારે શ્રી રામ કૈકેઇ માતા પાસે જઈને એક ગૂઢ ચર્ચા કરીને માતાને પોતા માટે વનવાસ અને ભરત માટે રાજગાદી પિતાજી પાસે માંગવા મનાવી લેછે,- લાંબી વાત ક્યારેક-ભગવાન રામ અનેક સંતો મહંતો અને ભક્તોના દુખ દૂર કરવા માટે ચૌદ વરસ મટે વનમાં પધારેલા, આમાં કૈકયીનું વચનજ ફક્ત કારણભૂત ન હતું.
૪-ભગવાન ગીતામાં અર્જુનને અનેક રીતે સમજાવેછે કે હે અર્જુન આ બધી મારી માયા છે, અહિં કોઇ તારા સગા નથી કોઇ વડીલ નથી બધાજ માયાના ખેલ છે માટે મોહ તજીને યુદ્ધ કર,પણ એજ ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે માતા યશોદા યાદ આવેછે ત્યારે ત્યારે આડી પડેછે, તો ત્યારે કઈ માયા પ્રભુને રડાવે છે?.
૫-હે મોહન આપે સુરદાસજી, સુદામાજી, મીરાં અને નરસી મહેતા જેવા કંઈક ભક્તોને પાર લગાડી દીધા, હું તો તેમના ચરણોની રજ પણ નથી, પણ તારું નામતો જપુંછુંને? તો તારે થોડી ઘણી તો દયા કરવીજ પડશે.

જય નારાયણ. 

મંગળવાર, 29 એપ્રિલ, 2014

                   લાલા ની લીલા


પ્રભુ ના કાર્ય છે એવા, સમજ માં ક્યાં એ આવે છે
કરે લીલા જે લટકાળો, માનવ ક્યાં પાર પામે છે..

પૂર્યાં પટ પાંચાળી કેરાં, ભીતરની ભક્તિ ભાળી ને
ચોરી ને ચિર ગોપી ના,  પ્રભુ પરદા હટાવે છે..૧

છે પામે એક અદકેરું,  બીજાને અન્ન ના ફાકા
મળે છે કર્મ સંજોગે,  ભ્રમિત ને ભૂલ ભાસે છે...૨

કીડી ને કણ નો દેનારો, માતંગ ને મણ દે મોઢા માં
કર્મહીણ ને પડે સાસા,   પૂરવ ના પાપ બોલે છે...૩

કરે સંહાર કે સર્જન,  કીધાં વિનાશ કે સેવન
નિયંતા એ જગત કેરો, જગત સમભાર રાખે છે..૪

છે આપ્યું એક નજરાણું,  માનવને મુક્ત થાવાનું
સમજદારી થી જો સમરે,   ચોરાસી પાર પામે છે...૫

દયા " કેદાર " પર રાખી, ભવો ભવ મનુજ તન દેજો
હરિ ના નામ લેવાની,   ગરજ બસ એક રાખે છે...૬

મિત્રો, કાલે આપે જે ભજન માણ્યું તેનું વિરોધાભાસી કે તેના જવાબ જેવું આજે આ ભજન માણો અને પ્રતિભાવ જરૂર આપજો.

સાર-ભગવાનની એવી માયા છે કે તે સમજવી અતિ કઠિન છે, એ જે લીલા કરેછે તે કોઈ પાર પામી શકતું નથી.

૧-કૃષ્ણ ભગવાને પાંડવોની સભામાં દોડી જઈને દ્રૌપદીના ચિર પૂર્યાં, કરણ કે દ્રૌપદીએ અંતરથી ભગવાનને પ્રાર્થના કરી કે નાથ હવે આવીજાવ નહીંતો મારી લાજ જશે, અને દ્વારકાધીશ દોડ્યા. જ્યારે ગોપીઓના ચિર હરણ કરીને લાલો બતાવેછે કે મારી ભક્તિ કરવી હોય તો કોઈ પરદો હોવો ન જોઈએ, ચિર તો પ્રતીક છે,બાકી વાતતો અંતરના પરદાની છે.

૨-આપણે જોઈએં છીએ કે એક સમ કક્ષ માનવીને જે મળેછે તે બીજાને અનેક ગણું હોયછે, ત્યારે આપણને ભગવાનનો ભેદ ભાવ દેખાયછે, પણ એતો બધું પૂર્વના કર્મોના પ્રતાપે મળતું હોયછે. આપણા માટે એ ભ્રમણા છે કે આમ કેમ?    

૩-ઈશ્વર હાથીને મણ અને કીડીને કણ આપેછે, પણ ઘણા અભાગી લોકો પેટભર ખોરાક પામી નથી શકતા, પણ આ પણ પૂર્વના કર્મોના હિસાબે મળેછે, ઈશ્વર કદી ભેદભાવ કરતો નથી.

૪-મહા ભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે પાર્થને ગીતાનું જ્ઞાન આપીને કૌરવો સાથે યુદ્ધ કરાવીને કૈંક માનવોનો સંહાર કરાવ્યો, તો બીજી બાજુ એક ટિટોડી ના બચ્ચાને હાથીના ગળાનો ઘંટ ઢાંકીને બચાવ્યા, ત્યારે જરૂર વિમાસણ થાય, પણ આ બધું ભગવાન જીવ માત્રનું નિયંત્રણ કરવા માટે અને જગતને સમ ભાર રાખવા માટે કરેછે. 

૫-જીવ અને જીવન તો પ્રભુએ બધાને આપ્યું છે, પણ માનવીને એક અદકેરી બક્ષિસ આપીછે, અને તે છે વાણી, જો માનવ આ વાણીનો સદ ઉપયોગ કરીને ભજન કરે તો ચોરાસી લાખ યોની માંથી મુક્ત થઈ શકેછે, પણ ગમાર જીવ ખોટા ખોટા ભાષણો ભરડીને આ મોકો ગુમાવી દેછે. 

૬-પણ હે નાથ મારાપર એક ઉપકાર આપે કરવોજ પડશે, મને મોક્ષની ખેવના નથી, પણ શર્ત એ કે મને ભવે ભવ માનવ જન્મ આપીને આપના ગુણ ગાન કરવાનો ભરપૂર મોકો આપજે. 

જય નારાયણ.
ફોટો ગુગલના સહયોગથી.

સોમવાર, 28 એપ્રિલ, 2014

                   કાનાના કપટ 


કપટ કેવાં હરિ કરતો, બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,   વળી  હિસાબ દેવા ના...

સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,   છે ચોર્યા ચિર ગોપી ના...૧

અધિક આપે તું પાપી ને,   મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના...૨

મહા કાયોને પણ મળતાં,  ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના...૩

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  ભરખતાં બાળ પોતાના...૪

રંજાડે રંક જનને કાં,   બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  જો તારી મરજી વિના ના..૫

દયા " કેદાર " પર રાખી, ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,   પ્રભુ તુજ ગાન કરવામાં...૬

                --સાખી--

ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ, હવેના દાણ ચોરે છે..

ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું
રમાડ્યા રાસ છે કાને,   હવે નટીઓ નચાવે છે..

સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?  

૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?

૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.

૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.
પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.

૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે. 

૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.

૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.
જય નારાયણ. 

તા.ક.- મિત્રો આપને મારી આ રચના કેવી લાગી તે જરૂર લખજો અને એક બીજી વાત, આ ભજનના જવાબ જેવું  બીજું ભજન કાલે મુકીસ જે ખાસ વાંચજો. 

ફોટો ગુગલના સહયોગથી.

રવિવાર, 27 એપ્રિલ, 2014

                 મહાન દેશ


દેશ મહાન હમારા યારોં, દેશ મહાન હમારા...

આગ લગી હે બર્ફ કે અંદર, સુલગ રહા હે હિમાલા
પાક પડોશી નાપાક ઇરાદે,  કરતાં ખેલ નિરાલા
ખૂરચ રહા સર માતૃભૂમિ કા,  લેકે હાથ હમારા...ફિરભી...-૧

કૌન હે હિંદુ કૌન હે મુસ્લિમ, કૌન હે શીખ ઈસાઈ
જન્મ લિયાથા જબ માનવ ને, કૌન થી જાત દીખાઇ
આજ લગાહે લહુ બાંટને,   લેકે જૂઠ સહારા... ફીરભી...-૨

નાચા માનવ આજ તલક તો, હાથ થી રામ કે ડોરી
આજ રામ કો લગા નચાને, ખેલ અવધ મેં હોલી
અગન ઉઠીહે ઘટ ઘટ મેં અબ, બનતા કૌન ફૌવારા....ફીરભી...-૩

દશો દિશા મેં લૌ  લગીહે, નાચત લપટહે જાકી
ગરીબ ઘર કા જલા ના ચૂલા, એક જગહ હે બાકી
શકલ જગત ફિર શાંતિ આકે, લેતી જહાં સહારા...ફીરભી...-૪

કૌન હે નેતા કૌન પ્રનેતા,  કૌન બનાહે નાયક
સબ કુરસીકા ખેલ બનાહે, કૌન રહા હે લાયક 
અબ " કેદાર " કી એકહી આશા, કર ઉદ્ધાર કિરતારા...ફિરભી...-૫

સાર- ભારતના રખોપા કરી રહેલા અણનમ સંત્રી એવા હિમાલય પર આપણા જવાનો અવિરત ચાંપતી નજર રાખેછે, છતાં આપણા નાપાક પડોશી પોતાના દેશનું નામ "પાક" હોવા છતાં નાપાક કામ કરીને પોતાના દેશના નામ ને વગોવેછે. અને આપણાં અમુક દેશદ્રોહી લોકોને ભરમાવીને ભારત માતાના રૂપેરી મુકુટ ધારી સર સમાન હિમાલયને જંગલી ઉંદરની જેમ કોતરી રહ્યા છે.-૧

આજે માનવી નાત જાતના ઝગડામાં એક બીજાનો દુશ્મન બનતો જાય છે, પણ આ એક નિમ્ન કક્ષાના લોકોનું સમજી વિચારીને કરેલું ષડ્યંત્ર છે, જેથી આપણે અંદર અંદર ઝગડીને આપણાં ભાઈઓની સાથે દુશ્મની કરી લઈએ છીંએ. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય અને તેને એક બાજુ રાખીને કોઇ પણ નિષ્ણાત પંડિત મૌલા કે વિજ્ઞાનિકને બતાવો તો તેની જાતી નક્કી કરી શકાશે? ના, કારણ કે કુદરતે તો તેને માનવ બનાવ્યો છે, સ્વાર્થી, કાળા કામ કરનારા માનવ જાતના દુશ્મનોએજ આ વાડા ઉભા કરીને ઝગડા ઉભા કાર્યાછે,  અને ભાઈ ભાઈને લડાવ્યા કરીને પોતાનો સ્વાર્થ સાધતા રહેછે.-૨

યુગો યુગોથી દરેક જીવ ઈશ્વરે બનાવેલા કાયદા નું ચુસ્ત પણે પાલન કરતો રહ્યોછે, રાવણ જેવો રાવણ રાક્ષસ હોવા છતાં પણ અમુક મર્યાદાથી આગળ વધતો ન હતો તે આપણે જાણીએ છીએ, પણ આજના અમુક લોકો રાક્ષસ શબ્દને પણ લાંછન અપાવે તેવા કાર્યો કરેછે. અયોધ્યા ના રામ મંદિર ને મુદ્દો બનાવીને કેટ કેટલા લોકો પોતાનો રોટલો શેકવા લાગ્યાછે, આજે ભાગ્યેજ કોઈ એવો સેવાભાવી માનવ દેખાયછે અને શાંતિનો પ્રયાસ કરેછે, છતાં આવા લોકોને પછાડવાનો અને બનેતો રામ ભક્તને રામ શરણ પહોંચાડવાનો કારસો આવા નિમ્ન કક્ષાના લોકો કરતા પાછા પડતા નથી,એથી પણ શરમ ની વાત તો એ છેકે આમાં ઘણીવાર કોઈ એવા લોકો સંડોવાયા હોય છે જેની કલ્પના કરવી મુશ્કેલ હોયછે.-૩

આજે આપણે જોઈએં છીએ કે કેવા કેવા અધમ કામ આજે અધમાઅ અધમ લોકો કરી રહ્યાછે, સંસદ પર હુમલો, અક્ષર ધામ પર બ્લાસ્ટ, કારગીલ યુદ્ધ, અરે આ લોકોએ તો બુદ્ધ ભગવાનને પણ છોડ્યા નથી, શું શું લખું? લાગેછે સમગ્ર ભારત માં આજે શાંત જગ્યા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા શોધ કરવી પડે. હા, એક જગ્યા હજુ જરૂર બાકી છે, જ્યાં શાંતિ દેવી આરામથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યાછે, અને તે જગ્યા છે ગરીબ લોકોના ઘરનો ચૂલો, કે જ્યાં અન્નના અભાવે આગ પેટાવવાની જરૂરત પડતી નથી.-૪ 

આજે આપણે જેને આપણો પવિત્ર મત આપીને દેશની ધુરા તેના હાથમાં સોંપીએ છીએ તેમાંનાજ લોકો અધમ કાર્ય કરીને આપણી મા ભારતીને અભડાવતા હોય તો બીજા પાસે શી અપેક્ષા રાખી શકાય? મોટા ભાગે રાજ નેતાઓ ફક્ત સત્તા મેળવીને પોતાનો સ્વાર્થ સાધવા માટેજ રાજ કારણમાં આવેછે અને સાચી રાજનીતિ નું કારજ કરીને પોતાના ઘર (ઘર તો આમના માટે નાનો શબ્દ કહેવાય) ગોદામો ભરેછે, અને જે થોડા ઘણા ઈમાનદાર લોકો છે તેમને કાંતો દબાવી દેવામાં આવેછે અથવાતો તેમને આંખ આડા કાન કરવા મજબૂર કરી દેવામાં આવેછે. 

હવેતો પ્રભુ એકજ અરજ છે કે આપજ કંઈક કરો બાકી અમારા ચપટીભર ઈમાનદાર લોકોથી આ આગ શાંત થાય એમ લાગતું નથી.-૫.

તા.ક. ભજનો અને ગરબા લખતાં લખતાં ક્યારેક મા ભોમની અવદશા જોઇને મૂળ રસ્તો ચાતરી જવાય છે, અને કેમ ન આવું થાય? મારી મા ભોમ માટે અનેક લોકો શહીદ થઈ ગયાછે, હું મારા અંતર ને તો બાળી શકુંને? માટે હે મારા પરમ મિત્રો / સ્નેહીઓ આ વખતે ખૂબજ સમજી વિચારીને યોગ્ય ઉમેદવારનેજ મત આપજો, કોઈ ક્ષણિક લાભ માટે પ્રલોભનમાં પડીને દેશની અવ દશા ન કરજો, પણ મત દાન જરૂર કરજો.
જય ભગવાન.
ફોટો, ગુગલના સહયોગથી. 

શનિવાર, 26 એપ્રિલ, 2014


                                વો ભારત


જહાં ડાલ ડાલ પર સોને કી, ચીડિયાં કરતી થી બસેરા
                               વો ભારત દેશ થા મેરા
જહાં સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેડા
                             અબ-વો ભારત રહા હે મેરા.....

જીસે ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દીલવાઇ
પર એક ચિનગારી ઐસી ભડકી, ભીડ ગયે ભાઇ ભાઇ
ઔર ઐસા ચલા અંધેર કે અબતક, નિકલા ન સહી સવેરા...

કુછ નેતા આયે વોટ માંગને, મીઠી મીઠી બાત બનાઇ
જૈસે હી મીલગઇ કુરસી ઉનકો, નાની યાદ દિલાઇ-હમકો-
જહાં સચ્ચાઇ સે સેવા હોતી,    ભ્રષ્ટાચાર હે ફેલા...

અબ ઐસે જુઠે મહાનુભાવ કુછ, ડાલે દિલ્હી ડેરા
ઔર ઐસી પકાઇ ખીચડી મિલકર, સંકટ બઢ ગયા ગહરા
અબ જીસકી પદવી જીતની બડી હો, ઉતના ભરે હે થેલા...

કોઈ માનવ સમજ કે રબડી મલાઇ, ખાતા પશુ કા ચારા
કોઈ તેલ નિકાલા તૈલગી ઐસા, ફસ ગયા દેશ બેચારા
કોઈ અફસર અપની વરદી ઉતારી,  રાધા રૂપ બાનાયા...

કોઈ મહેતાજી ને કરકે દલાલી, નરસિંહ નામ લજાયા
કોઈ સુખીરામ ને દૂરભાષ કર, ભરકસ માલ કમાયા
કહિં કલંક દેતા તોપ કા ગોલા, કહિં શબ પેટી ને ઘેરા...

જાગો ભારત કે લોગો જાગો,  યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે ભક્ષક તો, ઉસકી એક ના ચલતી
અબ " કેદાર " લાલચ ધન કા છાંડી, ઢુઢલો સહી સહારા...

સાર:-એક જમાનો હતો કે જ્યારે મારી આ ભારત માતાને વિશ્વ એક ધનાઢ્ય, શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ કોટી ના મહાન દેશ તરીકે ઓળખતું, દેશ વિદેશ ના વિદ્યાર્થીઓ અહીં શિક્ષા ગ્રહણ કરવા આવતા, અનેક જાતના તેજાના, ફળ ફૂલ, અનાજ અને દ્રવ્યો અહીં ઉત્પન્ન થતાં, અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો હતાં, અરે ઈશ્વરને પણ અહીં અવતાર ધરવા ની ઇચ્છા થતી, અનેક રાજ્યોમાં બટાયેલો આ દેશ હોવા છતાં કોઈ માંઈ નો લાલ મારા ભારત પર ખરાબ નજર કરવાની ચેષ્ટા ન કરી શકતો. પારસી લોકો ને પોતાનાં વતન માં જ્યારે પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગ્યું ત્યારે મારા ભારત ને એક નેક, વિશ્વાસ પાત્ર અને સુરક્ષિત માનીને વસવાટ કરવા માટે યોગ્ય ગણી ને અનુમતિ સાથે અહીં વસ્યા અને દુધમાં સાકર ની જેમ ભળી ગયા. પણ એક એવી નિમ્ન કોટી ની કોમ પણ આવી જેણે આપણા ભલા ભોળા લોકો ને ભરમાવી, ભટકાવીને આપણા દેશને કોરી ખાધો. 

પછી સમય આવ્યો આઝાદી માટે લડત નો, અનેક લોકોએ શહીદ થઈને, અનેક પ્રકારના બલિદાનો આપીને, જાન માલ ના ભોગે આપણને સ્વતંત્રતા અપાવી, પણ આ ગંદી કોમ યેન કેન પ્રકારે આપણા ભ્રષ્ટ, બેઈમાન અને જેના માટે આપણા શબ્દ કોશમાં કદાચ શબ્દ પણ ન મળે એટલાં અધમ લોકો માં પોતાનો વારસો છોડતા ગયા. આ વારસદારો, કે જેને સત્તા અને ધન ના ઢગલા સિવાય કોઈજ સંબંધ નથી,-કોઈ પણ ભોગે,- હાજી કોઈ ના પણ ભોગે સત્તા પર ટકી રહીને વ્યભિચાર,આતંક અને દુરાચાર આચરતા આ લોકો સામે મુઠ્ઠીભર યોગ્ય લોકો અસહાય બની ને રહી જાય છે, જે ના પાપે આજે આપણે અનેક પ્રકાર ના કષ્ટો ભોગવી રહ્યાં છીએ, ત્યારે અમારા જેવા લોકો થી આવા કાવ્યો ન રચાય તો જ નવાઈ કહેવાય.
પણ હજુ સમય છે, આપણા પાસે મત આપવા જેવો રામ બાણ ઇલાજ છે, માટે મારી સર્વે લોકોને એકજ વિનંતી છે કે કોઈ પણ લાલચ માં આવ્યા વિના જો યોગ્ય વ્યક્તિને મત આપીને નેતગીરી સોંપશો તો ભારત માતાનો સુવર્ણ યુગ લાવવો અશક્ય નથી, પણ જો કોઈ પણ પ્રકાર ના પ્રલોભન માં આવીને મત દાન કરશો તો તમો તો કદાચ કોઈ સુવિધા ભોગવશો, પણ બાકીના આપના દેશ બાંધવોના જીવન ભર દોષી રહેશો.

ચૂંટણી માટેના પડઘમ વાગવા લાગ્યા છે, ઈમાનદાર અને બેઈમાન લોકો  તૈયારી કરવા લાગ્યા છે, ત્યારે મારા બાંધવોને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ યોગ્ય વ્યક્તિને મત આપવાની તૈયારી કરી લો જેથી આવતા વર્ષો સુખ મય પસાર થાય અને ફરીથી આપણા દેશમાં સમૃદ્ધિ પ્રસરે.   
જય ભારત.    
ફોટો- ગુગલ ના સહયોગ થી.

ગુરુવાર, 24 એપ્રિલ, 2014

                    માં


જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો
ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ " કેદાર " કરુણા તારી, બસ એક જ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..