Friday, May 2, 2014

                  કુદરત નો ખેલ


કુદરત નો ખેલ ન્યારો, એનો જોટો ન કંઈ જડે છે
હાથી ને દેતો હારો,    કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી વગડે,   હંફાવી દે હરણ ને
તરસ્યા ને પણ કદી’ક તો,  વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,   પત્ની મળે જીવન માં
પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી
પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને
નહિતર આ " કેદાર " માં,  એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

સાર:-ઈશ્વરની લીલાને જાણવી લગ ભગ અશક્યજ છે, કારણ કે મોટા મોટા સંતો કે મહંતો સમજી નથી શક્યા તો આપણીતો શી વિસાત? હાથીને દરરોજ મણ મોઢે ખોરાકની જરૂર પડેછે, પણ સ્વતંત્ર રીતે ફરતા હાથીના ટોળે ટોળાને ભૂખમરો વેઠવો પડ્યો હોય એવું ભાગ્યેજ સાંભળ્યું હશે, હા, ઝૂ કે સરકસમાં જરૂર બનતું હશે કારણ કે ત્યાં માનવીએ ચંચુપાત કરી છે, પણ માનવીના એવા હજારો દાખલા જોવા મળેછે કે તે પોષણ ના અભાવના લીધે મૃત્યુ પામ્યા હોય.

જાનવરોની દુનિયામાં હરણને ભોળું ગણવામાં આવેછે, અને તેથી પ્રખર તાપ તપતો હોય ત્યારે તેને તરસ લાગે અને ચારે બાજુ ક્યાંયે પાણી ન હોય ત્યારે મૃગને જળ દેખાયછે જેને મૃગજળ કહેવાયછે, જેની પાછળ દોડી દોડીને મૃગ પ્રાણ આપીદેછે. પણ બિજા જાનવરો આ જળથી છેતરાતા નથી. પણ ક્યારેક ક્યારેક કોઈ માનવ રણમાં ભૂલો પડ્યો હોય, માનવ હોય કે જાનવર તેને કોઈ વીરડો કે મારા કચ્છના મેકરણ દાદા જેવા સંત મળી જાયછે, છેને લાલા ની લીલા?

કોઈ પણ સમય આવ્યે લગ્ન કરે એટલે તેને પત્ની તો જરૂર મળેજ છે, હા અમુક બહારના દેશોમાં આમાં અપવાદ છે, તેમને જીવન સાથી તો મળેજ છે પણ તે પત્નિજ હોય તેવું નક્કી હોતું નથી, એવું મેં વાંચ્યું છે, પણ એક બીજો પણ અપવાદ છે, ઘણા ભાગ્યશાળી ને પત્ની ના રૂપમાં અર્ધાંગિની મળેછે, પત્ની અને અર્ધાંગિની માં મોટો ફરક છે, સારી પત્ની સારી સાથી બની શકેછે, પણ અર્ધાંગિની તો આખા કુટુંબનો ઉદ્ધાર કરી શકેછે.

ઈશ્વરની લીલા અકળ છે, કોઇ કોઇને અઢળક ધન સંપતી આપેછે, પણ ક્યારેક કોઇને સાથો સાથ એવી બિમારી પણ આપીદેછે કે એ સંપતી પોતે ભોગવી શકતો નથી. હું ઘણીવાર એક દૃષ્ટાંત આપું છું કે જ્યારે ઈશ્વર જીવને માનવ જન્મ આપવા જતો હોય છે ત્યારે બધા લાઈન લગાડી ને પોતાના પૂર્વ કર્મોના આધારે જન્મ લેવા માટે રાસન લેવા ઉભા હોય તેમ ઉભા હોયછે, ત્યારે કોઇને યોગ્યતા ન હોવા છતાં પ્રભુથી અઢળક ધન માટે તથાસ્તુ બોલી જવાયછે, હવે વચનતો અફળ જાય નહીં, પછી એક તોળ કાઢે કે જા ધન તો મળશે પણ દવામાં વપરાશે તું ભોગવી નહીં શકે. પણ ક્યારેક એવા માનવી પણ જોવા મળેછે કે અર્ધા રોટલા માંથી માં બાપ અને બાળક જમી લેતા હોય અને પાછા ઈશ્વરનો પાળ માનતા હોય કે નાથ આજ તેં અમને ભૂખ્યા ન રાખ્યા.

ઈશ્વરની મહેર પામવા માટે કેટ કેટલી તપસ્યા કરવી પડેછે, પણ હું ખરેખર ખૂબજ ભાગ્યશાળી છું કે મને મારી હેસિયત કરતાં અનેક ગણું મારા નાથે મને આપ્યું છે.
જય રણછોડ.    
   ફોટો ગુગલના સહયોગથી.

No comments:

Post a Comment