Friday, May 23, 2014

મારી લખેલી સાખીઓ...


પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ

પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં,   ભુખ ભાવઠ ના જાય..

ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો,     કંચન પાત્ર ભરાય..

સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
કુંજર બેઠો કર ધરે,    માંગણ ટેવ ન ખોય  

સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ
ભાગ્ય વિણ મળતા નથી,  ભલે ભટકો ઠામો ઠામ.

હરિ નામ હૈયે રહે, પર દુખ પીળ અપાર
ભાવ સહિત ભક્તિ કરે, એ નરનો બેડો પાર

સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...

અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની વીર ચડે, જ્યાં નામ જલા નું લેવાય..

સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે.  
સંબંધ છે શ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે

રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા.  
સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે....

પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

No comments:

Post a Comment